Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારતના એશિયન પેરા ગેમ્સના ચેમ્પિયન્સ સાથેના સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


કેબિનેટમાં મારા સહયોગી મનસુખ માંડવિયાજી, રક્ષા ખડસેજી, પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના તમામ પ્રતિનિધિગણ, અન્ય મહાનુભાવો, મેડલ વિજેતા તમામ એથ્લીટ્સ, દેવીઓ અને સજ્જનો.

આપ સૌને મળવાની મને આતુરતાથી રાહ હતી. થોડા જ અઠવાડિયા પહેલાં હું એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને મળ્યો હતો, હવે મને પેરા એશિયન ગેમ્સમાં સામેલ આપ સૌ ઊર્જાવાન સાથીઓને મળવાનો અવસર મળ્યો છે. તમારું શાનદાર પ્રદર્શન એ દર્શાવે છે કે આજે ભારત રમતગમતની દુનિયામાં ઝડપથી એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. આટલા મોટા પ્લેટફોર્મ પર આપ સૌએ મેડલ તો જીત્યા જ છે, આપ સૌએ કરોડો દેશવાસીઓનું દિલ પણ જીત્યું છે. આપ સૌ પેરા એથ્લીટ્સએ ફરી એકવાર એ બતાવી દીધું છે કે સૌથી ઊંચી ઉડાન હિંમતની હોય છે. હું આપ સૌ ખેલાડીઓને 140 કરોડ દેશવાસીઓ તરફથી ખૂબ–ખૂબ અભિનંદન પાઠવું છું.

આપની આ ઉપલબ્ધિમાં આપના પરિવાર, ટ્રેનર અને કોચની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે, હું તેમનું પણ અભિનંદન કરું છું. અને મેં પહેલાં પણ કહ્યું હતું, એક સામાન્ય ખેલાડીને, તેની પાછળ એક કોચે જેટલી મહેનત કરવી પડે છે, પેરાલિમ્પિક માટે તેનાથી અનેકગણી વધારે મહેનત કરવી પડે છે, ત્યારે જઈને રંગ ખીલે છે. એટલા માટે, તેમને તો હું વિશેષ અભિનંદન પાઠવું છું, તેમનું અભિનંદન કરું છું.

સાથીઓ,

એક સમય હતો, જ્યારે મોટાભાગની રમતોમાં ભારતની ભાગીદારી માત્ર એક શિષ્ટાચાર જ સમજાતી હતી. પેરા–ગેમ્સમાં તો દેશ ખૂબ પાછળ હતો. 2010 ના પેરા એશિયન ગેમ્સમાં ભારતે માત્ર એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુલ મળીને તે ટૂર્નામેન્ટમાં આપણે માત્ર 14 મેડલ જીતી શક્યા હતા, 14. જ્યારે, આ વખતે આપણા ખેલાડીઓ 114 મેડલ સાથે આવ્યા છે. કોઈ વિચારે 14થી 114ની આ યાત્રા, આ આપના પરિશ્રમની પરાકાષ્ઠા છે, તેનું જ પરિણામ છે. રમત પ્રત્યે આપનું જે સમર્પણ છે, અને એક જે આખું પરિસંસ્થાન વિકસિત થયું છે, તેનાથી આ પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. આ વખતે, 30 ગોલ્ડ, 35 સિલ્વર, 49 બ્રોન્ઝ, 5 નવા વિશ્વ રેકોર્ડ્સ, 9 એશિયન રેકોર્ડ્સ, આપ સૌએ આખા દેશને ગર્વથી ભરી દીધો છે. આ વખતે 56 મહિલા ખેલાડીઓમાંથી 34 દીકરીઓ મેડલ વિજેતા બની છે. અને ચાર સ્પર્ધાઓમાં તો વિજેતા મંચ પર 3 જગ્યાએ આપણો જ ઝંડો હતો, આપણા જ ખેલાડીઓ હતા. ગોલ્ડ પણ ભારતે જીત્યો, તે જ રમતમાં સિલ્વર અને બ્રોન્ઝ પણ ભારતે જીત્યો, અને સ્પર્ધાના આખરી દિવસે પણ, આપ સૌએ તે દિવસે તો કમાલ કરી દીધો હતો, નવ ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. એવું લાગતું હતું, જાણે આપ સૌએ નક્કી કરી લીધું હોય કે જ્યાં સુધી રમત ચાલી રહી છે, મેડલ જીતવાનો સિલસિલો અટકવો જોઈએ નહીં.

સાથીઓ,

આ વખતે આપણા ખેલાડીઓએ એવી સ્પર્ધાઓમાં પણ ગોલ્ડ હાંસલ કર્યો છે, જેમાં ભારતને પહેલાં આ સફળતા મળી જ ન હતી, ક્યારેય નહીં. મોના અગ્રવાલે પેરા શૂટિંગમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો. હની પણ પોતાનો જ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડીને આવ્યા છે. હિમાંશુ, રવિ અને જેહાને પોતાના પ્રદર્શનથી દુનિયાને બતાવ્યું છે કે શારીરિક પડકારોને કેવી રીતે પરાસ્ત કરવા.

સાથીઓ,

એક ખેલાડીની વ્યક્તિગત ઉપલબ્ધિ હોય કે દેશની સામૂહિક સફળતા હોય, જીતની ચમક આખી દુનિયા જુએ છે. પરંતુ, તે ક્ષણ માટે જે વર્ષોની મહેનત લાગે છે, રાત–દિવસ જે પરસેવો વહે છે, જે અટૂટ લગન અને નિષ્ઠા સાથે તપસ્યા કરવી પડે છે, જીતની બુલંદ ઇમારત તે જ પાયા પર ઊભી હોય છે. જેમ કે, રિંકુજીએ એશિયન પેરા ગેમ્સના બે મહિના પહેલાં પોતાની માતાજીને ગુમાવી દીધા હતા. આટલા મોટા દુઃખ વચ્ચે પણ તેમણે હિંમત જાળવી રાખી, અને જ્યારે આપશ્રીએ ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારે પોતાની માતાની તસવીર ઉઠાવીને તે મેડલ સમર્પિત કર્યો. તે પળ તમામ દેશવાસીઓને ભાવુક કરી ગઈ.

સાથીઓ,

આપ સૌનો સંઘર્ષ અને આપની ઉપલબ્ધિઓ પ્રત્યેક હિન્દુસ્તાનીને પ્રેરિત કરનારી છે, અને આ સફરમાં આપની અને દેશની યાત્રા એક જેવી જ રહી છે. એટલા માટે, આજે આપના અને દેશના પ્રયાસો મળીને એક અને એક અગિયાર થઈ રહ્યા છે.

સાથીઓ,

વર્ષ 2014 પછી, જ્યારે દેશે મોટા લક્ષ્યો માટે પોતાની આ સફર શરૂ કરી હતી, ત્યારે પરિસ્થિતિ એકદમ અલગ હતી. મોટાભાગના વાલીઓ બાળકોને રમતમાં મોકલવાથી ડરતા હતા, પોતે પણ ડરતા હતા. વ્યવસ્થાની ખરાબ સ્થિતિ, સંસાધનોની અછત, ટેકાનો અભાવ, પારદર્શિતાનો અભાવ, લોકો કહેતા કે આ વ્યવસ્થાનું કંઈ થઈ શકે નહીં, આ જ રીતે ચાલશે, આ જ રીતે માની લીધું હતું. પરંતુ, જેમ આપ સૌએ કોઈપણ મુશ્કેલી સામે હાર માની નહીં, તેવી જ રીતે દેશે પણ માત્ર પોતાના લક્ષ્ય તરફ નજર રાખી. આપણે નક્કી કર્યું, આપણે આપણા યુવાનોની પ્રતિભાને બરબાદ થવા દેશું નહીં. અને એટલા માટે, જે વ્યવસ્થા આપ જેવા યુવાનોને આગળ વધવાથી રોકતી હતી, આપણે તે વ્યવસ્થા જ બદલવાનો સંકલ્પ લઈ લીધો. આનું જ પરિણામ છે, રમતોને લઈને એક નવો અભિગમ પેદા થયો છે. આજે જો એક યુવાનને પોતાના કૌશલ્ય પર ભરોસો છે, તો તેને આ વિશ્વાસ પણ રહે છે કે દેશ તેની સાથે ઊભો રહેશે. આપણા પેરા–સ્પોર્ટ્સ ખુદ આના સૌથી મોટા ઉદાહરણ છે. જે રમતોમાં પહેલાં ભારતનું પ્રતિનિધિત્વ અત્યંત મર્યાદિત રહેતું હતું, હવે તેમાં આપણો દબદબો વધી રહ્યો છે. તીરંદાજી, એથલેટિક્સ, શૂટિંગ, તરણ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, જૂડો, પાવરલિફ્ટિંગ, આવી કેટલીય રમતોમાં નવા–નવા યુવાન ખેલાડીઓ સામે આવી રહ્યા છે. આપણને નવા–નવા ચેમ્પિયન્સ મળી રહ્યા છે. આ વખતે પણ આપણા 61 ખેલાડીઓ એશિયન પેરા ગેમ્સમાં પહેલીવાર રમ્યા છે, 61 બિલકુલ નવા. અને તેમાંથી જે પહેલીવાર ગયા, 36 યુવાન મેડલ જીતીને પરત ફર્યા છે, અને સંદીપે તો શરૂઆતમાં જ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. યુવાનોની આ ભાગીદારી, આજના ભારતની તસવીર પણ છે, અને ભવિષ્યના ભારતનો શંખનાદ પણ છે.

સાથીઓ,

આપણે રમતોને માત્ર કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના રૂપમાં જોતા નથી, આપણા માટે રમત વ્યક્તિત્વ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું એક શક્તિશાળી માધ્યમ પણ છે. આ રમતો જ છે, જે યુવાનોને હારીને જીતતા શીખવે છે, શિસ્ત અને ટીમ સ્પિરિટનો અર્થ સમજાવે છે.

સાથીઓ,

આ જ દ્રષ્ટિકોણ સાથે આપણે દેશ માટે એક આધુનિક રમતગમત પરિસંસ્થાન બનાવી રહ્યા છીએ. દેશમાં શાળા અને પાયાના સ્તરે અભિયાનો ચાલી રહ્યા છે. મોટા પ્રમાણમાં ખેલો ઇન્ડિયા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આપણે ટૉપ્સ યોજના પણ શરૂ કરી, જેથી ખેલાડીઓને ઓલમ્પિક સ્તરની તાલીમ મળે. ઓલમ્પિકને જ ધ્યાનમાં રાખતા, આ વખતે લાલ કિલ્લા પરથી મેં પ્રતિભા શોધ અભિયાનમાં યુવાનોને આગળ આવવા માટે આહ્વાન કર્યું છે.

સાથીઓ,

આ પ્રયાસોમાં પેરા–ગેમ્સને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આનાથી આપ જેવા જે ખેલાડીઓ નિખરીને સામે આવી રહ્યા છે, આજે તેઓ મોટા આયોજનોમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. આ વખતની પેરા–ગેમ્સમાં પણ આપણે આ ઉદાહરણ જોઈ શક્યા છીએ. આ સ્પર્ધામાં ટૉપ્સ યોજનાથી મદદ મેળવનારા ખેલાડીઓએ 41 મેડલ જીત્યા, ખેલો ઇન્ડિયા ખેલાડીઓએ 19 મેડલ જીત્યા, આ દર્શાવે છે કે આપણા પ્રયાસો સાચી દિશામાં આગળ વધી રહ્યા છે.

સાથીઓ,

આજે ભારતમાં રમતને લઈને આધુનિક નીતિઓ, મેદાનની બહાર પણ રમતની દુનિયામાં યુવાનો માટે અનેક નવા અવસરો બનાવી રહી છે. રમતગમત પાયાના માળખાનું નિર્માણ, રમતના સાધનોનું ઉત્પાદન, પ્રસારણ અર્થવ્યવસ્થા, દરેક તરફ આનો વિસ્તાર થઈ રહ્યો છે.

સાથીઓ,

થોડા દિવસો પહેલાં જ સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાથી વધુની ખેલો ઇન્ડિયા ‘રમતગમત સાધન ઉત્પાદન યોજના‘ને મંજૂરી આપી છે. હવે સમય છે, આપણો રમતગમત સાધન ઉત્પાદન ઉદ્યોગ પણ જરા નવા કમાલ કરીને બતાવે. જ્યારે કોઈ ભારતીય કે વિદેશી ખેલાડી કોઈ મેદાન પર ઉતરે, તો તેના રમતના સાધનો પણ ‘મેડ ઇન ઇન્ડિયા’ હોય. અને તેના કપડાં–જૂતાં પણ ‘મેડ ઇન ઇન્ડિયા’ હોય. આપણે ઈચ્છીએ છીએ કે ભારત વિશ્વસ્તરીય ખેલાડીઓ પણ આપે અને વિશ્વસ્તરીય રમતના સાધનો પણ બનાવે. ભારતના રમતગમતના ઉત્પાદનો દુનિયાભરના બજારો સુધી પહોંચે. આનાથી ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને નવું બળ મળશે. નાના શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં પણ નવા અવસરો પેદા થશે.

સાથીઓ,

આજના આ આયોજન પછી આપ સૌને શાળાઓમાં, કૉલેજોમાં, વિવિધ સંસ્થાઓમાં પણ બોલાવવામાં આવશે. જ્યાં યુવાન આપને સાંભળવા, આપની પાસેથી શીખવા માંગશે. આપ જ્યારે યુવાનો સાથે વાત કરો, ત્યારે મેદાનમાં જીતવાના ગુર શીખવો, સાથે જ મેદાનની બહાર રમત સાથે જોડાયેલા અવસરો વિશે પણ તેમને જરૂર જણાવો. અને આપ તેમને એ પણ જણાવો કે દેશ પોતાના દિવ્યાંગ ભાઈ–બહેનોના જીવનને સરળ બનાવવા માટે કેટલા મોટા પ્રયાસો કરી રહ્યો છે. હમણાં થોડા દિવસો પહેલાં જ કેબિનેટે દિવ્યાંગજનોના પેન્શનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આપણે પેન્શનની રકમ વધારી છે. દિવ્યાંગતાનું જે ધોરણ પહેલાં 80 ટકા હતું, તેને ઘટાડીને 40 ટકા કરી દીધું છે. પહેલાં પેન્શન માટે 18 વર્ષની ઉંમર હોવી જરૂરી હતી. હવે જન્મથી જ પાત્ર દિવ્યાંગ બાળકો માટે પેન્શનનો રસ્તો ખોલી દીધો છે. આ જ રીતે, ભારતીય સાંકેતિક ભાષાને પ્રોત્સાહન આપવા માટે પણ મોટા પ્રયાસો થયા છે. 10 હજારથી વધુ શબ્દોની સાંકેતિક ભાષા શબ્દકોશ તૈયાર કરવામાં આવી છે. શાળાના પુસ્તકોને પણ સાંકેતિક ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. સુગમ્ય ભારત અભિયાનના માધ્યમથી જાહેર સ્થળોને દિવ્યાંગજનોના અનુકૂળ બનાવવામાં આવ્યા છે. આપણો પ્રયાસ છે કે દેશના પ્રત્યેક દિવ્યાંગ, પ્રત્યેક દિવ્યાંગ ભાઈ–બહેનને સન્માન મળે, સાથે–સાથે સમાન અવસરો પણ મળે, અને તેઓ પોતાના સામર્થ્યના બળે જીવનમાં આગળ વધી શકે.

સાથીઓ,

આઈચી–નાગોયાનું વિજેતા મંચ આપણી યાત્રાનો આખરી પડાવ નથી, મનમાં રાખજો. આપશ્રીએ આ સફળતાને વધુ મોટા લક્ષ્યોના પ્રારંભિક મંચની જેમ જ ઉપયોગ કરવો જોઈએ. ભારતનો અને આપનામાંથી મોટાભાગના ખેલાડીઓનો આગામી લક્ષ્ય છે– એલ.એ., એલ.એ. 2028! અવની, મનીષે તો એલ.એ.માં પોતાનો ક્વોટા સુરક્ષિત પણ કરી લીધો છે. આપણું લક્ષ્ય હોવું જોઈએ, વધારેમાં વધારે સંખ્યામાં ભારતીય ખેલાડીઓ એલ.એ. 2028 માં ભાગ લે અને વધારેમાં વધારે મેડલ પણ જીતીને આવે. એટલા માટે, આપ સૌ આ પળની મન ભરીને ઉજવણી કરો અને અત્યારથી જ આગળની તૈયારીમાં પણ જોતરાઈ જાઓ. દેશ આપની સાથે છે, અને હું તો છું જ. આખો દેશ આપના આગામી વિજયની પ્રતિક્ષા કરી રહ્યો છે. આપ સૌને એકવાર ફરી ખૂબ–ખૂબ અભિનંદન, અનેક–અનેક શુભકામનાઓ.

દિવાળીનો મહા–મહોત્સવ શરૂ થઈ ચૂક્યો છે. આ વખતે તો શાનદાર અંદાજ સાથે આપ દિવાળી મનાવો, પરંતુ દિવાળીમાં જ આગામી પડાવનું લક્ષ્ય પણ મનમાં નક્કી કરી લો, નવા સંકલ્પ સાથે નીકળી પડો. મારી ખૂબ–ખૂબ શુભકામનાઓ.

બહુ–બહુ ધન્યવાદ.

SM/DK/JD