Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને જાપાનનું વિઝન સ્ટેટમેન્ટ

ભારત અને જાપાનનું વિઝન સ્ટેટમેન્ટ

ભારત અને જાપાનનું વિઝન સ્ટેટમેન્ટ

ભારત અને જાપાનનું વિઝન સ્ટેટમેન્ટ


 

ભારતનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 28-29 ઓક્ટોબર, 2018નાં રોજ જાપાનની મુલાકાત લીધી હતી. તેમણે જાપાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિંજો આબે સાથે ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનની બેઠકમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંબંધોનાં વિકાસ માટે અજોડ સંભવિતતા ઓળખીને પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી આબેએ છેલ્લાં ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેનાં સંબંધોમાં પ્રાપ્ત થયેલી મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિઓની સમીક્ષા કરી હતી અને ભારત-જાપાનનાં સંબંધોનાં ભવિષ્ય માટે સહિયારા વિઝનને નીચે મુજબ વહેંચ્યું હતું:

  1.  ભારત અને જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનાં મૂળિયા ઇતિહાસ અને સહિયારા મૂલ્યો પર આધારિત છે, જે બંને દેશનાં લોકો માટે ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવા સહિયારાં વ્યૂહાત્મક ઉદ્દેશો પાર પાડવા તથા શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિને હાંસલ કરવાનાં સામાન્ય વ્યૂહાત્મક ઉદ્દેશોને આગળ વધારવાનો પાયો છે. બંને પ્રધાનમંત્રીઓએ સંવાદ (SAMVAD)ની શ્રેણીમાં સંપૂર્ણપણે સ્પષ્ટતા સાથે સ્વતંત્રતા, માનવતા, લોકશાહી, સહિષ્ણુતા અને અહિંસાનાં સાર્વત્રિક મૂલ્યોની પ્રશંસા કરી હતી, જે અકાદમિક, આધ્યાત્મિક અને વિદ્વત્તાપૂર્ણ આદાન-પ્રદાનનાં લાંબા ઇતિહાસ મારફતે ભારત અને જાપાન વચ્ચે સહિયારો વારસો ધરાવે છે. સાથે-સાથે બંને નેતાઓએ ભારત-પ્રશાંત વિસ્તાર અને દુનિયાનાં લાભ માટે સંયુક્તપણે કામ કરવા બંને દેશો માટેનાં સિદ્ધાંતો પર પણ ભાર મૂક્યો હતો.
  2. બંને નેતાઓએ સંયુક્તપણે એવો મત પ્રગટ કર્યો હતો કે, આ સહિયારુ વિઝન હાંસલ કરવા ભારત અને જાપાને નિયમ-આધારિત અને સર્વસમાવેશક વૈશ્વિક ક્રમ માટે સંયુક્તપણે કામ કરવા પ્રયાસ કરવો પડશે, જે સંચાર વધારીને વિશ્વાસ અને ભરોસાને પ્રોત્સાહન આપશે તેમજ કાયદાનાં નિયમને સુનિશ્ચિત કરવા જોડાણ વધારશે, વેપાર-વાણિજ્યને સરળ બનાવશે અને સહિયારી સમૃદ્ધિ માટે ટેકનોલોજી, વિચારો અને લોકોનાં આદાન-પ્રદાનને વધારશે.
  3. પ્રધાનમંત્રી મોદીએ ધ્યાન આપ્યું હતું કે, ભારત અને જાપાન વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ ઉદ્દેશ અને પાસા ધરાવતી ભાગીદારીમાં પરિવર્તિત થઈ છે, જે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો પાયો છે. પ્રધાનમંત્રી આબેએ રિજનલ ઓર્ડર માટે ભારત અને જાપાન વચ્ચેનાં સંબંધનાં મૂળભૂત મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તથા ભારત અને જાપાન વચ્ચેનાં સંબંધમાં નવા યુગને આગળ વધારવા દ્રઢતા વ્યક્ત કરી હતી, જેથી ભારત-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધ માટે વધુ સહકાર સ્થાપિત થશે. તેમનાં સહિયારા વિઝનને આધારે બંને પ્રધાનમંત્રીઓએ મુક્ત અને ખુલ્લાં ભારત-પ્રશાંત વિસ્તાર તરફ સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ દ્રઢતા પણ વ્યક્તિ કરી હતી કે, આસિયાન એકતા અને મધ્યવર્તીકરણ ભારત-પ્રશાંત વિભાવનાનું હાર્દ છે, જે સર્વસમાવેશક અને તમામ માટે ખુલ્લું છે. તેમણે અમેરિકા અને અન્ય ભાગીદાર દેશો સાથે નક્કર સહકારનું વિસ્તરણ કરવાની સહિયારી ઇચ્છા વ્યક્ત કરી હતી. નિયમ-આધારિત ઓર્ડર પર ભારત-પ્રશાંત માટે બંને નેતાઓનું વિઝન વિવિધ દેશોની સાર્વભૌમિકતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે, નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે તેમજ સરળ, કાયદેસર વાણિજ્યને પ્રોત્સાહન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાનાં સાર્વત્રિક સિદ્ધાંતોને અનુરૂપ કાયદેસર અને રાજદ્વારી પ્રક્રિયાઓનાં સંપૂર્ણ સન્માન સાથે વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ ઇચ્છે છે, જેમાં ધાક-ધમકી કે બળનાં ઉપયોગનો સહારો લેવામાં નહીં આવે.

સમૃદ્ધિ માટે ભાગીદારી

  1. બંને પ્રધાનમંત્રીઓએ ગુણવત્તાયુક્ત માળખા મારફતે કનેક્ટિવિટીનાં વિકાસ અને અન્ય પ્રોજેક્ટ પર સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. અન્ય પ્રોજેક્ટ્સમાં સહિયારી સમૃદ્ધિ માટે ક્ષમતાનું નિર્માણ સામેલ છે, જે દ્વિપક્ષીય રીતે અને અન્ય પાર્ટનર્સ સાથે ખુલ્લી, પારદર્શક અને નોન-એક્સક્લૂઝિવ રીતે અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને આધારે, જવાબદાર ધિરઆણ પ્રક્રિયાઓ મારફતે કરવામાં આવે છે તેમજ આ તમામ પ્રક્રિયાઓ સ્થાનિક આર્થિક અને વિકાસલક્ષી વ્યૂહરચનાઓ તથા પ્રાથમિકતાઓને અનુરૂપ છે. બંને દેશો વચ્ચેનો આ સમન્વય ભારત-પ્રશાંત વિસ્તારમાં ભારત અને જાપાન વચ્ચેનાં સંયુક્ત પ્રોજેક્ટમાં દેખાય છે, જેમાં શ્રીલંકા, મ્યાન્માર અને બાંગ્લાદેશ તેમજ આફ્રિકાનાં દેશો સામેલ છે. આ સંબંધમાં બંને પ્રધાનમંત્રીઓએ વિસ્તારમાં ઔદ્યોગિક કોરિડોર અને ઔદ્યોગિક નેટવર્ક વિકસાવવા જાપાન અને ભારતનાં વ્યવસાયો વચ્ચે આદાન-પ્રદાનને વધારવા એશિયા-આફ્રિકા વિસ્તારમાં જાપાન-ભારત વ્યાવસાયિક સહકાર મંચસ્થાપિત કરવા માટે ચર્ચાવિચારણાને આવકાર આપ્યો હતો.
  2. બંને પ્રધાનમંત્રીઓએ કનેક્ટિવિટી વધારવા, વન અને ઇકોલોજીનું સ્થાયી વ્યવસ્થાપન, આપત્તિનાં જોખમમાં ઘટાડો અને લોકો વચ્ચેનાં આદાન-પ્રદાન માટે પ્રોજેક્ટની ઓળખ અને તેનાં અમલીકરણ દ્વારા ભારત-જાપાન એક્ટ ઇસ્ટ ફોરમ મારફતે ભારતનાં ઉત્તર-પૂર્વ વિસ્તારનાં વિકાસ માટે થયેલી પ્રગતિને આવકાર આપ્યો હતો. તેમણે ભારતમાં સ્માર્ટ ટાપુઓનાં વિકાસનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
  3. પ્રધાનમંત્રી મોદીએ ભારતનાં સામાજિક-આર્થિક વિકાસમાં જાપાનનાં ઓડીએનાં મહત્ત્વપૂર્ણ પ્રદાન માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી આબેએ ભારતનાં સામાજિક અને આર્થિક વિકાસ માટેનાં પ્રયાસોને ટેકો આપવાનું ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમાં મુખ્ય ગુણવત્તાયુક્ત માળખાગત પ્રોજેક્ટ અને ક્ષમતા નિર્માણ સામેલ છે. બંને નેતાઓએ પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરીને સમીક્ષા કરી હતી, જેમાં ભારતની આઝાદીનાં 75માં વર્ષની ઉજવણી સ્વરૂપે ભારત-જાપાન વચ્ચેનાં જોડાણનાં મહત્ત્વપૂર્ણ પ્રતીક સમાન મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર યેન લોન માટે એક્સચેન્જ ઑફ નોટ્સ પર હસ્તાક્ષર સામેલ છે. તેમણે મેટ્રો પ્રોજેક્ટ પર સહકારને જાળવી રાખવાની બાબતને પણ આવકારી હતી, જે ભારતીય શહેરોનાં સ્માર્ટ વિકાસને ટેકો આપે છે. ભારતે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિઅલ કોરિડોર જેવા ગુણવત્તાયુક્ત માળખાગત પ્રોજેક્ટ મારફતે કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવામાં જાપાનની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
  4. બંને પ્રધાનમંત્રીઓએ ભારતનાં વસતિનાં લાભ તથા જાપાનની મૂડી અને ટેકનોલોજી વચ્ચેનો સમન્વય જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેનો આશય સમૃદ્ધ ભવિષ્ય માટે ભારત-જાપાન આર્થિક સંબંધોની ખરાં અર્થમાં સંભવિતતા હાંસલ કરવો છે. આ સંબંધમાં ભારતે “મેક ઇન ઇન્ડિયા”, “સ્કિલ ઇન્ડિયા” અને “ક્લીન ઇન્ડિયા મિશન” જેવી મુખ્ય પરિવર્તનકારી પહેલો માટે મજબૂત ટેકાને આવકાર આપ્યો હતો, જે માટે સંસાધનો અને અત્યાધુનિક ટેકનોલોજીઓની વહેંચણી કરવામાં આવશે અને જાપાનનાં સરકારી અને ખાનગી રોકાણને વેગ આપવામાં આવશે. બંને દેશોની બૌદ્ધિક સંપદા ઓફિસ વચ્ચે બૌદ્ધિક સંપદા અધિકારોમાં ગાઢ સહકારને સમજીને બંને નેતાઓએ નાણાકીય વર્ષ 2018-19નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઓળખ કરાયેલા ચોક્કસ ક્ષેત્રોમાં સંશોધનમાં પ્રાયોગિક ધોરણે દ્વિપક્ષીય પેટન્ટ અભિયોજન હાઇવે કાર્યક્રમ શરૂ કરવા સંમતિ આપી હતી. તેમણે ભારત-જાપાન રોકાણ સંવર્ધન ભાગીદારી, જાપાન ઔદ્યોગિક વસાહતો (જેઆઇટી)માં થયેલી પ્રગતિ અને અન્ય પહેલોમાં ભારતમાં જાપાનનાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)નાં વધારાને આવકાર આપ્યો હતો, જેમાં રોકાણનાં પ્રોત્સાહન માટે જાપાન-ભારત રોડમેપ સામેલ છે. નાણાકીય અને આર્થિક સહકાર વધારવા જાપાન અને ભારતની સરકારે 75 અબજ ડોલરની દ્વિપક્ષીય સ્વેપ વ્યવસ્થા (બીએસએ) કરવાની સમજૂતીને આવકાર આપ્યો હતો. બાહ્ય વાણિજ્યિક ઋણગ્રહણ (External Commercial Borrowing ECB)નાં સંબંધમાં સરેરાશ લઘુતમ 5 વર્ષથી વધારાની મેચ્યોરિટીનાં માળખાગત ઇસીબી માટે ફરજિયાત પ્રતિરક્ષા (Hedging)ની જરૂર નહીં પડે.
  5. બંને નેતાઓએ જાપાન-ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ફોર મેનુફેક્ચરિંગ (જેઆઇએમ)ની સંખ્યા અને કામગીરી વધારી તેમજ ભારતનાં વિવિધ રાજ્યોમાં જાપાનીઝ એન્ડાઉડ કોર્સીસ (જેઇસી)માં કૌશલ્ય વિકાસમાં સહકાર વધારવાનો આશય વહેંચ્યો હતો. માનવ સંસાધન વિકાસ અને આદાન-પ્રદાનમાં સહકારને પ્રોત્સાહન આપવામાં આવશે, જે ઉદ્યોગની વધતી માગ સાથે અનુરૂપ છે, જેમાં જાપાનની ઇન્નોવેટિવ એશિયા પહેલ અને ટેકનિકલ ઇન્ટર્ન ટ્રેનિંગ પ્રોગ્રામ (ટીઆઇટીપી) જેવા માળખાગત કાર્યોનો ઉપયોગ સામેલ છે.
  6. બંને નેતાઓએ સામાજિક ફાયદા માટે આઇઓટી અને એઆઈ સોલ્યુશન્સ વિકસાવવાનાં વિઝન સાથે વિસ્તૃત ઇન્ડિયા-જાપાન ડિજિટલ પાર્ટનરશિપનાં લોંચિંગને આવકાર આપ્યો હતો. તેમણે બેંગાલુરુમાં જાપાન-ઇન્ડિયા સ્ટાર્ટ-અપ હબઅને હિરોશિમા ડિસ્ટ્રિક્ટમાં નાસ્કોમનાં આઇટી કોરિડોર પ્રોજેક્ટ નો ઉપયોગ કરીને વિકસતી ટેકનોલોજીઓમાં સંભવિતતા ચકાસવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે બંને દેશોમાં સંબંધિત ઉદ્યોગો અને સંસ્થાઓ વચ્ચે ઉચ્ચ પ્રતિભાશાળી લોકોને આકર્ષવા અને જોડાણ સ્થાપિત કરવાનું મહત્ત્વ પણ વ્યક્ત કર્યું હતું. એનાથી ડિજિટલ ઇન્ડિયા”, “સ્ટાર્ટ-અપ ઇન્ડિયાઅને સામાજિક ફાયદાને પ્રોત્સાહન આપવા જાપાનની સોસાયટી 5.0” સાથે સ્માર્ટ સિટી જેવા ભારતનાં મુખ્ય કાર્યક્રમો વચ્ચે સંકલન લાવશે. બંને પક્ષો જાપાનીઝ હિતધારકો દ્વારા સહભાગીદારી સાથે ભારતમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવા ભંડોળ ઊભું કરવાની બાબતને પ્રોત્સાહન આપશે અને સપોર્ટ કરશે.
  7. બંને નેતાઓ પોતાનાં દેશનાં લોકોને વાજબી ખર્ચે હેલ્થકેર સુવિધા પ્રદાન કરવા આતુર છે, જેમાં વયોવૃદ્ધ લોકો જેવા પડકારોનું સમાધાન સામેલ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બંને નેતાઓએ જાપાનની એશિયા હેલ્થ એન્ડ વેલ બીઇંગ ઇનિશિયેટિવ (એએચડબલ્યુઆઇએન)નાં ભારતની હેલ્થકેર પહેલો સાથે જોડાણને આવકાર આપ્યો હતો, જેમાં આયુષ્માન ભારત સામેલ છે. આ માટે બંને દેશો એ વાજબી ખર્ચે ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ તથા પારરસ્પરિક લાભદાયક અભિગમો મારફતે હેલ્થકેરમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ પ્રસ્તુત કરી છે. તેઓ આયુર્વેદ સહિત પરંપરાગત દવાનાં ક્ષેત્રમાં સહકાર સાધવા વધારે માહિતી અને કામગીરીનું આદાન-પ્રદાન પણ કરશે, જે યોગ સાથે સંપૂર્ણ વૈકલ્પિક હેલ્થકેર પ્રદાન કરવાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે.
  8. બંને નેતાઓએ સરકારી અને ખાનગી હિતધારકો વચ્ચે કૃષિ, ખાદ્ય પ્રસંસ્કરણ અને વનીકરણમાં દ્વિપક્ષીય સહકારને આગળ વધારવા બંને દેશોએ કરેલી પ્રગતિને આવકારી હતી, જેનાથી કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધશે તથા કાપણી દરમિયાન અને પછી નુકસાનમાં ઘટાડો થશે.
  9. બંને નેતાઓએ ભારત અને જાપાનની ભાગીદારીનાં હાર્દમાં બંને દેશોનાં લોકોનાં આદાન-પ્રદાન પર ભાર મૂક્યો હતો તથા સાંસ્કૃતિક, શૈક્ષણિક, સંસદીય, અકાદમિક અને ટ્રેક 1.5 સંબંધોમાં વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં “ઇન્ડો-પેસિફિક ફોરમ” સામેલ છે. તેમણે પ્રવાસન ક્ષેત્રને વિશાળ સંભવિતતા ધરાવતું વણખેડાયેલું ક્ષેત્ર ગણાવ્યું હતું અને પ્રવાસીઓનો દ્વિપક્ષીય પ્રવાહ વધારવાનાં પ્રયાસો કરવા સહિયારો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જેમાં વિઝાની જરૂરિયાતને વધુ સરળ બનાવવાની અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાની બાબતો સામેલ છે. બંને નેતાઓએ મહિલાઓનાં ઉચ્ચ શિક્ષણ અને સશક્તિકરણમાં ભારત-જાપાનની ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપવા, યુવા અને રમતગમત ક્ષેત્રમાં આદાન-પ્રદાનનો સહિયારો અભિપ્રાય વહેંચ્યો હતો. ભારતમાં જાપાનીઝ લેંગ્વેજ ટીચર્સ ટ્રેનિંગ સેન્ટરને સંયુક્તપણે શુભારંભ કરવાથી બંને દેશનાં લોકો વચ્ચે નવા સેતુનું નિર્માણ કરશે. બંને નેતાઓએ ભારતીય રાજ્યો અને જાપાનના પ્રાંતો વચ્ચે સંપર્કનાં સ્થિર વિસ્તરણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

શાંતિ માટે ભાગીદારી

  1. બંને પ્રધાનમંત્રીઓ વર્ષ 2008માં સુરક્ષા સંબંધિત સહકાર પર ભારત-જાપાન સંયુક્ત જાહેરનામા પર હસ્તાક્ષર કર્યા પછી અત્યાર સુધી દાયકામાં સહિયારી સુરક્ષા વ્યવસ્થા માટે થયેલા સંયુક્ત પ્રયાસોમાં થયેલા વધારા માટે થયેલી પ્રગતિ પર સંતોષ પૂર્વક સમીક્ષા કરી હતી. તેમણે દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર અને સંસ્થા વિદેશ અને સંરક્ષણ મંત્રીમંડળીય સંવાદ (2+2)ને ગાઢ બનાવવાની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો તેમજ હાલની વ્યવસ્થાને આગળ વધારવાની ખાતરી આપી હતી, જેમાં સંરક્ષણ ક્ષેત્રનો વાર્ષિક મંત્રીસ્તરીય સંવાદ, સંરક્ષણ નીતિ પર સંવાદ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે સંવાદ, દરેક સેવાનાં સ્ટાફનાં સ્તરે સંવાદ સામેલ છે. બંને નેતાઓએ સેનાની ત્રણે પાંખો વચ્ચે સંયુક્ત કવાયત અને એક્વિઝિશન એન્ડ ક્રોસ-સર્વિસીંગ એગ્રીમેન્ટ (એસીએસએ) પર વાટાઘાટો શરૂ કરવાની વાતને આવકારી હતી, જે દ્વિપક્ષીય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રમાં સહકારનાં સંબંધોને વ્યૂહાત્મક રીતે ગાઢ બનાવશે.
  2. બંને નેતાઓએ દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં સહકારને વધારવાનાં મહત્ત્વ પર સંમતિ વ્યક્ત કરી હતી, જે નૌકાદળની દ્વિપક્ષીય કવાયત અને મલબાર કવાયતનાં સ્તરને ગાઢ બનાવવાની વધતી કવાયતમાં જોવા મળે છે તેમજ તટરક્ષક દળો વચ્ચે લાંબા ગાળાનાં સંવાદો અને તાલીમમાં પણ દેખાય છે. ભારત-પ્રશાંત વિસ્તારમાં દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ (એમડીએ) વધારવા માટે આદાન-પ્રદાન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા લાવવામાં પ્રદાન કરે છે. બંને નેતાઓએ ભારતીય નૌકાદળ અને જાપાન દરિયાઈ સ્વરક્ષણ દળ (જેએમએસડીએફ) વચ્ચે ગાઢ સહકાર સ્થાપિત કરવા મટે અમલીકરણ સમજૂતી પર હસ્તાક્ષરને આવકાર આપ્યો હતો.
  3. સંરક્ષણ ઉપકરણ અને ટેકનોલોજી પર ભારત અને જાપાન વચ્ચે સહકારયુક્ત સંબંધો સરકારી અને ખાનગી ક્ષેત્રો વચ્ચે સહિયારાં પ્રયાસો મારફતે ટેકનોલોજીકલ ક્ષમતા અને ઔદ્યોગિક માળખું મજબૂત કરવા માટે પુષ્કળ તકો અને સંભવિતતા ધરાવે છે. આ માટે બંને નેતાઓએ ભારત અને જાપાનનાં સંરક્ષણ ઉદ્યોગો અને પ્રસ્તુત સત્તામંડળો વચ્ચે આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાની પુષ્ટિ કરી હતી તેમજ અનમેન્ડ ગ્રાઉન્ડ વ્હિકલ (યુજીવી) અને રોબોટિક્સનાં ક્ષેત્રમાં સહકારી સંશોધનની શરૂઆતને પણ આવકારી હતી. બંને પક્ષો યુએસ-2 એમ્બિફિબિયન વિમાન પર સહકારનાં સંબંધમાં પ્રયાસોને જાળવી રાખશે.
  4. બંને નેતાઓએ અંતરિક્ષમાં કામગીરીઓને લાંબા ગાળા માટે જાળવી રાખવા પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતાની પુષ્ટિ કરી હતી અને અંતરિક્ષ સાથે સંબંધિત વિવિધ પ્રકારની દ્વિપક્ષીય કામગીરીને વધારવા માટે વાર્ષિક અંતરિક્ષ સંવાદ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. બંને નેતાઓએ સંયુક્ત ચંદ્ર ધ્રુવીય સંશોધન મિશન (Joint Lunar Polar Exploration Mission)માં બંને દેશોની સંબંધિત સંસ્થાઓ વચ્ચે ટેકનોલોજીકલ જોડાણને આવકાર પણ આપ્યો હતો.
  5. બંને નેતાઓએ તાજેતરમાં કોરિયન દ્વિપકલ્પમાં વિવિધ ઘટનાઓને આવકારી હતી, જેમાં જૂન મહિનામાં અમેરિકા અને ઉત્તર કોરિયા શિખર સંમેલન તથા આ વર્ષે ત્રણ આંતર-કોરિયન બેઠકો સામેલ છે, જે ઉત્તર કોરિયા સાથે સંબંધિત બાકીની સમસ્યાઓનું વિસ્તૃત સમાધાન કરવા તરફનું એક પગલું છે. તેમણે ઉત્તર કોરિયાનાં સામૂહિક વિનાશક શસ્ત્રો અને બેલિસ્ટિક મિસાઇલની તમામ રેન્જની સંપૂર્ણપણે ખરાઈ શકાય અને અપરિવર્તનક્ષમ રીતે નાશ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રક્રિયા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં ઠરાવો (યુએએસસીઆર)ને અનુરૂપ હાથ ધરવામાં આવશે, જે ઉત્તર કોરિયામાંથી શસ્ત્રનાં પ્રસાર સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા મહત્ત્વપૂર્ણ છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં ઠરાવોનાં સંપૂર્ણ અમલીકરણની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ઉત્તર કોરિયાને અપહરણનાં મુદ્દાઓનું વહેલાસર સમાધાન કરવા પણ વિનંતી કરી હતી.
  6. બંને નેતાઓએ પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાશ કરવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી તથા પરમાણું શસ્ત્રોનાં પ્રસાર અને પરમાણુ શસ્ત્રો આંતકવાદી જૂથો સુધી પહોંચવાનાં પડકારોનું સમાધાન કરવા આંતરરાષ્ટ્રીય સહકારને ગાઢ બનાવવાનાં કાર્ય પ્રત્યે દ્રઢતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી આબેએ વિસ્તૃત પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ (સીટીબીટી)નાં અમલમાં વહેલાસર પ્રવેશનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખતી, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય અને અસરકારક રીતે ખરાઈ કરી શકાય એવી અને શેનોન મેન્ડેટનાં આધારે ફિસાઇલ મટિરિયલ કટ-ઑફ ટ્રેટી (એફએમસીટી) પર વાટાઘાટો વહેલાસર પૂર્ણ કરવા અને એનો તાત્કાલિક અમલ કરવા અપીલ કરી હતી. ત્રણ આંતરરાષ્ટ્રીય નિકાસ નિયંત્રણ વ્યવસ્થામાં ભારતનાં સંપૂર્ણ પ્રવેશ પછી બંને નેતાઓએ ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં ભારતનાં સભ્યપદ માટે સંયુક્તપણે કામ ચાલુ રાખવાની દ્રઢતા વ્યક્ત કરી હતી, જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે પરમાણુ શસ્ત્રોનાં પ્રયાસોને અસરકારક બનાવવાનો છે.
  7. બંને પ્રધાનમંત્રીઓએ આંતકવાદ અને તેની વૈશ્વિક સ્તરે પહોંચનાં વધતા જોખમની આકરાં શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે તમામ દેશોને આતંકવાદને આશ્રયસ્થાનો અને માળખાને મૂળમાંથી દૂર કરવા, આતંકવાદી નેટવર્કને વિખેરી નાંખવા અને એમને ધિરાણ પૂરું પાડતા માધ્યમોને તોડી પાડવાની અપીલ કરી હતી તેમજ આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય અવર-જવર પર પૂર્ણવિરામ મૂકવાની અરજી કરી હતી. તેમણે તમામ દેશોને તેમનાં વિસ્તારનો ઉપયોગ કોઈ પણ રીતે અન્ય દેશો પર આતંકવાદી હુમલાઓ કરવા માટે ન થાય એની સુનિશ્ચિતતા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આતંકવાદને અટકાવવા અને હિંસક કટ્ટરવાદનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં માહિતી અને ઇન્ટેલિજન્સની સંવર્ધિત વહેંચણી સામેલ છે. તેમણે પાકિસ્તાનને મુંબઈમાં નવેમ્બર, 2008 અને પઠાણકોટમાં જાન્યુઆરી, 2016 સહિત આતંકવાદી હુમલાનાં આતંકવાદીઓને સજા કરવા અપીલ કરી હતી. તેઓ અલ-કાયદા, આઇએસઆઇએસ, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને તેનાં સંલગ્ન સંસ્થાઓ સામે સહકારને મજબૂત કરવા આતુરતા વ્યક્ત કરી હતી.
  8. ભારત અને જાપાને સંયુક્ત રાષ્ટ્રમાં ઝડપી અને અર્થસભર સુધારાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં સંયુક્ત રાષ્ટ્ર સંરક્ષણ પરિષદ (યુએનએસસી)માં વિસ્તૃત સુધારા સામેલ છે, જેનો આશય 21મી સદીમાં આ સંસ્થા અને પરિષદને વધારે વાજબી, અસરકારક અને પ્રતિનિધિત્વયુક્ત બનાવવાનો છે. તેમણે આ પ્રક્રિયા ઝડપથી આગળ વધારવા તેમની દ્રઢતા પણ વ્યક્ત કરી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાનાં 73મા સત્રમાં આંતરસરકારી વાટાઘાટોમાં લેખીત વાતચીત શરૂ કરવાની બાબત સામેલ છે. આ સંબંધમાં તેમણે સુધારાલક્ષી દેશો સાથે આંતરરાષ્ટ્રીય જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંરક્ષણ પરિષદનાં વિસ્તરણમાં કાયમી સભ્યપદ માટે ભારત અને જાપાન લાયક સભ્ય રાષ્ટ્રો છે એનાં આધારે એકબીજાની ઉમેદવારીને ટેકો આપ્યો છે.

આંતરરાષ્ટ્રીય કામગીરી માટે ભાગીદારી

  1. બંને પ્રધાનમંત્રીઓએ સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી) હાંસલ કરવા બંને દેશો વચ્ચે વધતાં જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે પ્રદૂષણ નિયંત્રણ, જૈવવિવિધતાનાં સતત વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપન, જળવાયુ પરિવર્તન અને નકામા પાણીનું વ્યવસ્થાપન, તેમનાં પ્રસ્તુત સત્તામંડળો વચ્ચે માળખા વચ્ચે સહકારનો ઉપયોગ કરવા જેવા ક્ષેત્રોમાં પર્યાવરણ સંબંધિત ભાગીદારીને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આબોહવનાં પડકાર પર સંયુક્ત રાષ્ટ્રનાં માળખાગત સંમેલન (યુએનએફસીસીસી) અંતર્ગત સ્વીકારવામાં આવેલ પેરિસ સમજૂતીને અનુરૂપ આબોહવાનાં પડકાર સામે લડવાની આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને તેમણે આ ક્ષેત્રમાં અગ્રણી ભૂમિકા ભજવવાની સહિયારો મત વહેંચ્યો હતો તથા પેરિસ સમજૂતીનાં અમલીકરણ માટે કામગીરીનાં કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા તેમની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો તેમજ સંયુક્ત ધિરાણ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે વધુ ચર્ચા-વિચારણાને વેગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
  2. બંને નેતાઓએ પરમાણુ અને પુનઃપ્રાપ્ય સહિત ઊર્જાનાં સ્થિર અને સ્વચ્છ સ્વરૂપો પર સહકારને મજબૂત કરવા તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો; હાઇડ્રોજન-આધારિત ઊર્જામાં જોડાણ માટે સંભવિતતાઓ ચકાસવા ભાર મૂક્યો હતો, ત્યારે કોલસાની સ્વચ્છ ટેકનોલોજી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસનાં પ્રોજેક્ટ તથા એલએનજી સપ્લાય ચેઇનનાં ઉપયોગમાં જોડાણ માટે સંભવિતતા ચકાસવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી તેમજ જાપાન-ભારત ઊર્જા સંક્રમણ સહકાર યોજનાને આવકારી હતી. ભારત અને જાપાન ઊર્જાદક્ષતા અને સંરક્ષણ, ઊર્જા સંગ્રહ તેમજ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો સહિત પર્યાવરણને અનુકૂળ વાહનોનું ઉત્પાદન કરવા જોડાણમાં વધારો કરશે. બંને નેતાઓએ નાગરિક પરમાણું સહકાર પર ભારત-જાપાન ચર્ચાવિચારણાની પ્રગતિને આવકારી હતી અને આ સંબંધમાં સતત ચર્ચા કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થવાનાં નિર્ણયને આવકાર્યો હતો, કારણ કે તેનાથી સ્વચ્છ, વાજબી અને સ્થાયી ઊર્જાનાં વિકલ્પ તરીકે સૌર ઊર્જાનાં વિકાસને પ્રોત્સાહન આપવાનાં આંતરરાષ્ટ્રીય પ્રયાસો મજબૂત થશે.
  3. બંને નેતાઓએ આપત્તિનાં જોખમમાં ઘટાડો કરવા સહકારની પ્રગતિ પર સંતોષ સાથે સમીક્ષા કરી હતી. આ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સાથ-સહકાર કાર્યશાળાઓનું આયોજન કરીને અને વિવિધ મંચો પર પારસ્પરિક સહકાર વધારવામાં આવ્યો હતો. તેમણે વહેલાસર ચેતવણીની વ્યવસ્થા, જળ સંસાધનની વ્યવસ્થાપન, અંતરિક્ષ-આધારિત ટેકનોલોજીનો ઉપયોગ અને આપત્તિમાં મજબૂત માળખા જેવા ક્ષેત્રોમાં આપત્તિનાં જોખમમાં ઘટાડો 2015-2030 માટે સેંડાઈ ફ્રેમવર્કનાં અસરકારક અમલીકરણનાં મહત્ત્વને ઓળખ્યું હતું.
  4. બંને નેતાઓએ નિયમ-આધારિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને વિશ્વ વ્યાપાર સંસ્થા (ડબલ્યુટીઓ)માં સુધારો કરવાની તાતી જરૂરિયાત વ્યક્ત કરી હતી, જે ડબલ્યુટીઓની કામગીરીને મજબૂત કરવા તરફ દોરી જશે તેમજ સ્થાયી વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે સ્વતંત્ર, નિષ્પક્ષ અને મુક્ત વેપારને પ્રોત્સાહન આપશે. તેમણે આર્થિક સંરક્ષણવાદી નીતિઓ વિરોધ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેમાં તમામ પ્રકારનાં અનુચિત વેપારી નીતિનિયમો સામેલ છે તેમજ વેપારમાં અવરોધરૂપ પગલાં દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, વિસ્તૃત અને સંતુલિત પ્રાદેશિક આર્થિક ભાગીદારી (આરસીઇપી) સમજૂતી માટે વાટાઘાટો સંપન્ન કરવાનાં વ્યૂહાત્મક મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેનો ઉદ્દેશ મુક્ત અને ખુલ્લાં ભારત-પ્રશાંત વિસ્તારનાં સંપૂર્ણ ફાયદા મેળવવાનો છે.
  5. બંને પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય સંસ્થાઓ અને મંચોમાં ચર્ચાવિચારણા અને સંકલન વધારવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સ્થાયી વૃદ્ધિ અને વિકાસ, આર્થિક સ્થિરતા, ખાદ્ય અને જળ સુરક્ષા, પર્યાવરણ સાથે સંબંધિત સુરક્ષા, આપત્તિ નિવારણ, આતંકવાદ સામેની લડાઈ, સાયબર સુરક્ષા, સ્વચ્છ ઊર્જા તથા વિજ્ઞાન અને ટેકનોલોજીનાં વિકાસને પ્રોત્સાહન આપીન વર્તમાન સમયની જરૂરિયાતો અને પડકારોનું અસરકારક સમાધાન કરવા પોતાની કટિબદ્ધતાઓ વ્યક્ત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશો વચ્ચેનાં સંબંધોએ છેલ્લાં થોડાં વર્ષોમાં સારો એવો ઉદ્દેશ અને મહત્ત્વ ધારણ કર્યું હોવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે અત્યારે ભારત-જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીનાં સંબંધોમાં પરિપક્વતા સાથે એકબીજા પ્રત્યેનાં વિશ્વાસ અને ઊંડો ભરોસાને મહત્ત્વ આપ્યું હતું તેમજ બંને દેશોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે એને જાળવી રાખવાની ખાતરી આપી હતી, કારણ કે બંને દેશો વધારે સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધિ એશિયા અને દુનિયાનું નિર્માણ કરવા સહિયારા પ્રયાસો કરી રહ્યાં છે.

 

RP