પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને બ્રુનેઈ દારૂસલામ વચ્ચે કરવેરા સંબંધિ માહિતીના આદાન-પ્રદાન અને કરવેરા સંગ્રહણમાં સહાય અંગેના કરાર પર હસ્તાક્ષરને મંજૂરી તેમજ સમર્થન આપ્યું છે.
વિગતોઃ
1. આ કરારથી ભારત અને દારૂસલામની સક્ષમ ઓથોરિટીને વહિવટી તંત્ર માટે જરૂરી તેમજ બંને દેશોના સ્થાનિક કાયદાઓના અમલ માટે તથા ભાવિ પગલાં માટે સુસંગત હોય તેવી માહિતીના આદાન-પ્રદાન દ્વારા સહાયને આવરી લેવામાં આવેલ છે.
2. આ કરાર હેઠળ એકત્ર કરાયેલી માહિતીને ગુપ્ત રાખવામાં આવશે અને આ કરાર હેઠળ આવરી લેવાયેલ વેરા સંબંધી માહિતી માત્ર કરવેરા સંબંધી એસેસમેન્ટ, એકત્રીકરણ, ફરજપાલન, કાનૂની કાર્યવાહિ તેમજ અપીલ માટેની ઓથોરિટી ધરાવતી વ્યક્તિઓને જ (અદાલતી તેમજ વહિવટી સંસ્થાઓ સહિત) જણાવવામાં આવશે. આવી માહિતી અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા કે ન્યાય તંત્રને માહિતી મોકલનાર દેશની લેખિત પૂર્વ મંજૂરી પછી જ જણાવવામાં આવશે.
3. આ કરાર હેઠળ વિવિધ કેટેગરી ધરાવતા કેસ અંગેની માહિતીનું ભારત અને બ્રુનેઈ વચ્ચે આપમેળે આદાન- પ્રદાન થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.
4. આ કરારમાં બંને દેશો વચ્ચેના કરવેરાના દાવા હેઠળની રકમ એકત્ર કરવામાં સહાય અંગેની પણ જોગવાઈ કરવામાં આવી છે.
5. આ કરારમાં એક બીજા સાથેના મતભેદ નિવારવા માટે પરસ્પરની સંમતિ પ્રક્રિયા દ્વારા અથવા તો કરાર હેઠળની પ્રક્રિયામાં સંમત થવાની જોગવાઈ કરવામાં આવી છે.
6. આ કરાર બંને દેશોના કાયદા હેઠળની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કરારના અમલીકરણના નોટિફિકેશન બાદ અમલમાં આવશે.
આ કરારને કારણે ભારત અને બ્રુનેઈ વચ્ચે કરવેરા સંબંધી માહિતીના આદાન-પ્રદાનના પ્રવાહને વેગ મળશે અને તેનાથી કરવેરો ભરવાનું ટાળવાના અથવા તો નહીં ભરવાના કિસ્સાઓ નિયંત્રિત કરવામાં સહાય થશે. આ કરારથી બંને દેશો વચ્ચે કરવેરાની રકમના દાવા પ્રાપ્ત કરવામાં પણ સહાય થશે.
એક રીતે જોતાં આ કરારની કોઈ નાણાંકિય અસરો નથી, પરંતુ કરારની કલમ-9 અનુસાર જો ખર્ચ 500 યુએસ ડોલરથી વધી જાય તો તે ભારત સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારત દ્વારા કરાયેલા આ પ્રકારના અન્ય માહિતીના આદાન-પ્રદાન ને લગતા કરાર પ્રમાણેની જ છે.
પશ્ચાદ્દભૂમિકાઃ
ભારત સરકાર આવકવેરા ધારા 1961ની કલમ-90 હેઠળ વિદેશના દેશો સાથે અથવા તો ચોક્કસ પ્રદેશો સાથે કરવેરો નહીં ભરવાના અને કરવેરો ભરવાનું ટાળવાના કિસ્સાઓ અંગે માહિતી મેળવવાનો આવકવેરા ધારા હેઠળ આ પ્રકારના કરાર કરવા માટેનો અધિકાર ધરાવે છે. કરવેરા સંબંધિ માહિતીના આદાન- પ્રદાન માટેનો આ કરાર કરવા અંગેની વાટાઘાટો કરવાની કાર્યવાહિ બ્રુનેઈમાં તા.10 થી 11 જાન્યુઆરી 2017 દરમિયાન હાથ ધરવામાં આવી હતી, તેને અનુસરીને ભારત સરકાર અને બ્રુનેઈ દારૂસલામ આ કરાર અંગે સંમત થયા છે.
NP/J.Khunt/GP/RP