Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચેની 14મી શિખર પરિષદ દરમિયાન ભારત અને યુરોપિયન સંઘે કરેલું સંયુક્ત નિવેદન (ઓક્ટોબર 06, 2017)


  1. ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચેની 14મી શિખર પરિષદ છઠ્ઠી ઓક્ટોબર 2017ના દિને નવી દિલ્હીમાં યોજવામાં આવી હતી. આ પરિષદમાં પ્રજાસત્તાક ભારતનું પ્રતિનિધિત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. યુરોપિયન સંઘના પ્રતિનિધિ તરીકે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ શ્રી. ડોનાલ્ડ ટસ્ક ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત આ શિખર પરિષદમાં યુરોપિયન કમિશનના પ્રમુખ શ્રી. જિઆન ક્લોડે જૂનકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

  1. ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ જુદા જુદા ક્ષેત્રમાં સહકાર આપવાના મુદ્દાઓનું આ નેતાઓએ પુનરવલોકન કર્યું હતું. ભારત અને યુરોપિયન સંઘના દેશો કુદરતી રીતે સહજ ભાગીદાર હોવાની હકીકતને આ નેતાઓએ સ્વીકારી હતી અને લોકતાંત્રિક મૂલ્યો, સ્વતંત્રતા, કાયદાનું શાસન, માનવ અધિકારને માન આપવા અને રાજ્યો કે રાષ્ટ્રોની પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખવાને મુદ્દે તથા ભારત અને યુરોપિયન સંઘના દેશો જે સિદ્ધાંતોને માનતા – સ્વીકારતા હોય તેને આધારે ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને વધુ સંગીન સપાટીએ લઈ જવાની વચનબદ્ધતાનું પુનઃ સમર્થન આપ્યુ હતું.

 

 

  1. એક્શન 2020 હેઠળ ભારત અને યુરોપિયન સંઘના દેશોએ તૈયાર કરેલા એજન્ડા, એટલે કે ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચેની 13મી શિખર પરિષદમાં દ્વિપક્ષી સહકાર માટે બંનેએ તૈયાર કરેલા રોડ મેપના અમલીકરણમાં થયેલી પ્રગતિ અંગે ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

 

  1. વૈશ્વિક અને પ્રાદેશિક પ્રશ્નોના નિરાકરણ માટે પરસ્પરને સાથ આપવા, તે અંગેની ચર્ચા વિચારણાને વ્યાપક સ્તરે લઈ જવા તથા બંને દિશામાં એટલે કે યુરોપિયન સંઘમાંથી ભારતમાં અને ભારતમાંથી યુરોપિયન સંઘમાં મૂડી રોકાણનો પ્રવાહ વધારવા માટેના પ્રયાસો કરવા, વેપારના ક્ષેત્રમાં પરસ્પર વચ્ચેના સહકારને વધુ સંગીન બનાવવા માટે બંને પ્રતિબદ્ધ હોવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ક્લાઈમેટ ચેન્જ, નિરાશ્રિતો દ્વારા કરવામાં આવતા સ્થળાંતરને પરિણામે નિર્માણ થતી વિપરીત સ્થિતિનો ઉકેલ લાવવા માટે ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચેની ભાગીદારીને પરિણામ લક્ષી રીતે અને પરસ્પરના લાભ થાય તે રીતે આગળ વધારવા સહમત થયા હતા.
  2. ભારતના જુદા જુદા ક્ષેત્રમાં યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કની મજબૂત સક્રિયતાની ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ સરાહના કરી હતી. તેમાંય ખાસ કરીને ક્લાઈમેટ ચેન્જના ક્ષેત્રમાં તથા રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં તેની સક્રિયતાની ખાસ નોંધ લેવામાં આવી હતી.

 

  1. ભારત અને યુરોપિયન સંઘના નેતાઓ વચ્ચે સહકાર અને પરસ્પર સમજૂતીની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે નિયમિત સમયાંતરે ઉચ્ચ સ્તરીય નેતાઓ વચ્ચેના સંપર્કો ચાલુ રાખવાના મહત્વ પર બંનેએ ભાર મૂક્યો હતો. 21મી એપ્રિલ 2017ના ભારત અને યુરોપિયન સંઘના દેશોના વિદેશ પ્રધાનોની યોજાયેલી બેઠકનું ફળદાયી પરિણામો મળ્યા હોવાની બંનેએ ખાસ નોંધ લીધી હતી. વિદેશ નીતિ અને સલામતીના મોરચે સહકાર આપવામાં અને સલામતીના મોરચે ભાગીદારી કરવા ભારત અને યુરોપિયન સંઘના દેશોના વિદેશ પ્રધાનો સહમત થયા હતા.

 

 

  1. ભારત અને યુરોપિયન સંઘના દેશો એ વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. તેમ જ એકમેકની સાથે રહીને કામ કરવાની ઇચ્છા તેમણે અભિવ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે તમામ દેશના નેતાઓ કાયદા કે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે કામ કરવા સહમત થયા હતા. તેમ જ બહુવિધ ધ્રુવો ધરાવતા આ વિશ્વ અને એક બીજા સાથે જોડાયેલી તમામ વિસ્તારોમાં લાંબા ગાળા સુધી ટકી શકે તેવા વિકાસને પ્રોત્સાહન આપવા અને સર્વને તેનો લાભ મળે તે જોવાની બાબતે પણ તેઓ સહમત થયા હતા. અત્યારે વિશ્વના દેશો સામે ઊભા થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે બધાં દેશો એકબીજાની સાથે એક થઈ રહ્યા હોવાની બાબતને તેમણે આવકારી હતી અને આ બહુવિધ ક્ષેત્રોમાં ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે સહકાર વધારવા સહમત થયા હતા. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતીની જાળવણી માટે ભારત અને યુરોપિયન સંઘ બંનેએ જવાબદારી લેવી જોઈએ તે વાતને બંનેએ સ્વીકારી હતી. તેમ જ પારદર્શક રીતે અને સર્વને સમાવી લે તે રીતે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાતને પણ તેમણે સ્વીકારી હતી.

 

  1. સલામતી અને સમૃદ્ધિને વધારવાના મૂળભૂત હેતુને સિદ્ધ કરવા અને શાંતિને ટકાવી રાખવા તથા સંઘર્ષને અટકાવવા માટે તથા અણુ આયુધોના અપ્રસારનો મુદ્દો તમામને લાગુ કરવા ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓ વચનબદ્ધ હોવાની વાતને તેમણે સમર્થન આપ્યું હતું. તેમ જ ત્રાસવાદના દૂષણને ડામવા માટે વિશ્વ સમુહ એક થાય તેવી જરૂરિયાતને મુદ્દે તથા વિશ્વ સ્તરના દરિયાઈ માર્ગો, સાયબર સ્પેસ અને આઉટર સ્પેસ (ઇન્ટરનેટ જેવા કોમ્યુનિકેશનના માધ્યમો અને અવકાશ)ની સલામતી જળવાઈ રહે તે માટે સક્રિય રહેવા બંને સહમત થયા હતા. 25મી ઓગસ્ટ 2017ના દિને નવી દિલ્હીમાં ભારત અને યુરોપિયન સંઘની વિદેશ નીતિ તથા સલામતીને મુદ્દે સલાહમસલત માટે યોજવામાં આવેલી પાંચમ શિખર પરિષદને તેમણે આવકારી હતી. રાજકીય અને સલામતીના મોરચે સહકાર  વધારવા અને સંગીન બનાવવા માટેનો આ એક મહત્વનો મંચ હોવાની બાબતે તેઓ સહમત થયા હતા.

 

 

  1. બંને દેશોના નેતાઓએ આર્થિક વિકાસ તથા નવસંસ્કરણ – ઇન્નોવેશનને પ્રોત્સાહન આપતા, પારદર્શક, મુક્ત, સલામત, સ્થિર અને શાંતિપૂર્ણ રીતે એક બીજાના સાયબર સ્પેસમાં જઈ શકાય તેવી વ્યવસ્થા નિર્માણ કરવાની વાતને દોહરાવી હતી. તેમાંય ખાસ કરીને આ નેતાઓએ સાયબર સ્પેસને આંતરરાષ્ટ્રીય કાયદાઓ લાગુ પડતા હોવાની વાતને પુનઃસમર્થન આપ્યું હતું. તેમ જ સાયબર સ્પેસને આંતરરાષ્ટ્રીય કાયદાઓ લાગુ પડતા હોવાની વાતને પુનઃ સમર્થન આપ્યું હતું. સાયબર સ્પેસને આંતરરાષ્ટ્રીય કાયદાઓ લાગુ પડતા હોવાની બાબત ઊંડાણ પૂર્વકની ચર્ચા યોજવી જરૂરી હોવાની બાબત અંગે ધારાધોરણો નક્કી કરવાની અને દરેક દેશ આ બાબતમાં જવાબદારી પૂર્ણ રીતે વર્તન કરે તે જરૂરી હોવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. 23મી અને 24મી નવેમ્બરે નવી દિલ્હીમાં સાયબર સ્પેસ અંગે પાંચમી વૈશ્વિક કોન્ફરન્સ યોજવાના પગલાંની આ નેતાઓએ સરાહના કરી હતી. આ નેતાઓએ એક વાતની ખાસ નોંધ લીધી હતી કે અત્યારે અને ભવિષ્યમાં દેશો વચ્ચેના સહકારનો મજબૂત પાયો ઊભો કરવા દ્વિપક્ષી સાયબર ડાયલોગ યોજવાનું પગલું મહત્વનું છે. આ સાથે જ તેમણે આ વર્ષે નવી દિલ્હીમાં 29મી ઓગસ્ટે તેનો છેલ્લામાં છેલ્લો રાઉન્ડ યોજવાના પગલાંને આવકાર્યું હતું. હવે પછી ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે 2018માં બ્રસેલ્સ ખાતે સાયબર ડાયલોગ યોજવામાં આવશે.

 

  1. વિશ્વના ઘણાં વિસ્તારોમાં તાજેતરમાં જ કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાઓને આ નેતાઓએ આકરાં શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. ત્રાસવાદ અને અંતિમવાદને પરિણામે વિશ્વસ્તરે વધી રહેલા ખતરાઓ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. વ્યૂહાત્મક બાબતો અને સલામતીની બાબતો અંગે સહકારને વધુ પ્રગાઢ બનાવવાના વિચારને સમર્થન આપવાની સાથોસાથ જ ત્રાસવાદ સામે સંયુક્તપણે સહકારથી લડત આપવાની વચનબદ્ધતા વ્યક્ત કરવા માટે આ નેતાઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. દરેક પ્રકારના ત્રાસવાદ સામે સર્વગ્રાહી રીતે લડવા તેમણે મજબૂત વચનબદ્ધતાને વાચા આપી હતી. આ નેતાઓએ નિયમિતપણે આંતરરાષ્ટ્રીય મંચ પર દ્વિપક્ષી વાટાઘાટોના માધ્યમથી સહકાર પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે 30મી ઓગસ્ટ 2017ના નવી દિલ્હીમાં ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે ત્રાસવાદનો પ્રતિકાર કરવા માટે યોજાયેલી ચર્ચાવિચારણાને પણ આવકારી હતી. આ ચર્ચા વિચારણા દરમિયાન તેમણે સંયુક્તપણે માહિતીની આપ-લે કરવા માટે, શ્રેષ્ઠ નીતિરીતિઓને અનુસરવા માટે, લાંબા સમયથી ઘર કરી ગયેલી માન્યતાઓને પરિણામે ઊભા થયેલા ઓનલાઈન જોખમોના સંદર્ભ સહિતની બાબતોના વિચાર કરવા અને તેનો સામનો કરવાના સંદર્ભમાં ક્ષમતા નિર્માણ કરવા માટે તાલીમ આપવા માટેના વર્કશોપ યોજવા માટેની શક્યતાઓનો તાગ મેળવવા માટે તેઓ સંયુક્ત રીતે પ્રતિબદ્ધ થયા હતા.

 

  1. 18મી જુલાઈ 2017ના દિવસે નવી દિલ્હીમાં ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે યોજાયેલી અણુઅપ્રસાર તથા આયુધો ઓછા કરવા માટે વિશ્વસ્તરે પ્રયાસો કરવાની તેમની વચનબદ્ધતાને બંને પક્ષોએ દોહરાવી હતી. તેમ જ મિસાઈલ ટેક્નોલોજી કંટ્રોલ રિજિમ (એમટીસીઆર)માં ભારતે પ્રવેશ કર્યો તે માટે યુરોપિયન સંઘના નેતાઓએ ભારતને અભિનંદન આપ્યા હતા. બેલાસ્ટિક મિઝાઈલના પ્રસાર સામે હેગમાં તૈયાર કરવામાં આવેલી આચારસંહિતામાં જોડાવાના ભારતના નિર્ણયને યુરોપિયન સંઘના દેશના નેતાઓએ આવકાર્યો હતો. આ જ રીતે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ એટલે કે વાસ્સેનાર એરેન્જમેન્ટ (વાસ્સેનાર સમજૂતી) અને ઓસ્ટ્રેલિયન ગ્રુપ (એનએસજી) સાથેની ભારતની સક્રિયતાની તેમણે ખાસ નોંધ લીધી હતી. આ બંને ગ્રુપો અણુઆયુધોના અપ્રસારની ભાવનાને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે.

 

 

  1. ભારત અને યુરોપિયન સંઘના દેશોએ ઇન્ડિયન ઓશન અને તેનાથી આગળના દરિયાઈ વિસ્તારોમાં સલામતીની બાબતમાં સહકાર સાધવાની વચનબદ્ધતાને પણ બંને નેતાઓએ દોહરાવી હતી. નૌકાદળના મોરચે પણ ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે સધાયેલા સફળ સહકારના ભાગરૂપે સોમાલિયાના તટવર્તી વિસ્તારથી અંદર દરિયાના વિસ્તારોમાં ભારતીય નૌકાદળ અને યુરોપિયન સંઘના નૌકાદળ વચ્ચે સંયુક્ત વ્યૂહાત્મક (પાસએક્સ) બાબતે થયેલી સમજૂતીની પણ બંને પક્ષના નેતાઓએ નોંધ લીધી હતી. નજીકના ભવિષ્યમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વેસલને સલામતી કાફલા સાથે એસ્કોર્ટ કરીને લઈ જવામાં ભારતની સંભવિત ભાગીદારી પર પણ યુરોપિયન સંઘના નેતાઓ નજર માંડીને બેઠાં છે. તેમણે મુક્ત દરિયાઈ સફર કરવાના, ઓવર ફ્લાઈટ અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલના મહત્વ પર તેમણે ભાર મૂક્યો હતો. આ ઉકેલ આંતરરાષ્ટ્રીય કાયદાના સર્વ દેશોને સ્વીકાર્ય બનેલા સિદ્ધાંતોને અનુસરીને લાવવા પર અને તેમાંય ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રસંઘે કન્વેન્શન ઓન લો ઓફ ધ સી (યુએલસીએલઓએસ) 1982 પ્રમાણે સમસ્યાનો ઉકેલ લાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ બ્લુ ઇકોનોમિ ડેવલપ કરવાના સંદર્ભમાં સલામતી, સ્થિરતા, કનેક્ટિવિટી (સંપર્ક) અને દરિયાઈ વિસ્તારનો ટકાઉ વિકાસ કરવાની બાબતને મહત્વ આપ્યું હતું.

 

  1. બંને પક્ષો પૃથ્વીનું અવલોકન કરવા સહિતના કાર્ય માટે અવકાશી ક્ષેત્રમાં યુરોપિયન સંઘના દેશો અને ભારત વચ્ચે સહકાર વધારવા સહતમ થયા હતા.

 

 

  1. ભારત અને યુરોપિયન સંઘના દેશના નેતાઓએ માનવ અધિકારના મોરચે સહકાર સાધવાની બાબત મહત્વની હોવાની વાતને પણ દોહરાવી હતી. માનવ અધિકારમાં સ્ત્રી પુરુષ વચ્ચેની સમાનતા (જેન્ડર ઇક્વાલિટી) અને જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓના સશક્તિકરણની બાબતને સમાવી લેવામાં આવી છે. આ સંદર્ભમાં નવી દિલ્હીમાં તેમની વચ્ચે યોજાનારા ચર્ચાવિચારણાંના નવા રાઉન્ડ પર મીટ માંડીને બેઠા છે. આ બાબતે આંતરરાષ્ટ્રીય મંચ પર આ બાબતે થતી ચર્ચામાં વધારો થાય તે માટે એક બીજાને તેઓ વધુ સહકાર આપી રહ્યા છે. તેમાંય ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવ અધિકાર કાઉન્સિલના અને યુનોની જનરલ એસેમ્બલીમાં તેઓ એકમેકને ટેકો આપી રહ્યા છે.

 

  1. અફઘાનિસ્તાનના નેતૃત્વ હેઠળ અને અફઘાનિસ્તાનની માલિકીની રાષ્ટ્રીય શાંતિ અને સમાધાન માટેની યોજના હેઠળના પ્રયાસોમાં અફઘાનિસ્તાનના લોકોને તથા સરકારને ટેકો આપવાની તૈયારી બંને પક્ષોએ અભિવ્યક્ત કરી હતી. બંને પક્ષોએ હિંસક અંતિમવાદ અને દરેક પ્રકારના ત્રાસવાદનો પ્રતિકાર કરવાના તેમના દ્રઢનિર્ધારને વાચા આપી હતી. ત્રાસવાદ અને હિંસક અંતિમવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે મૂળભૂત જોખમ હોવાનું જણાવીને તેમણે તેનો પ્રતિકાર કરવાનો દ્રઢનિર્ધાર વ્યક્ત કર્યો હતો. અફઘાનિસ્તાનમાં શાંતિ, સલામતી, સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ચાલતી રાજકીય પ્રક્રિયા અને તેના પરિણામોને ટેકો આપવા અને તેને વિશ્વસ્તરે પહોંચાડવાના સંદર્ભમાં દરેક મહત્વના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્ટેકહોલ્ડર્સના મહત્વ પર ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ ભાર મુક્યો હતો. અફઘાનિસ્તાનને સામાજિક અને આર્થિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, ગવર્નન્સ માટેની સંસ્થાઓનું નિર્માણ કરવામાં તથા માનવ સ્રોતનો વિકાસ કરવામાં તથા દરેક પ્રકારની ક્ષમતા ઊભી કરવા સહિતની બાબતો માટેની વિકાસ સહાય આપવામાં ભારતે ભજવેલી વિધેયાત્મક ભૂમિકાની યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ સરાહના કરી હતી. બંને પક્ષોએ શાંતિ, સલામતી, સ્થિરતાને પ્રોત્સાહન આપવાના અને અફઘાનિસ્તાનને આત્મનિર્ભર ને સમૃદ્ધ દેશ બનાવવા માટેની વિકાસની યાત્રામાં ટેકો આપવાની વચનબદ્ધતાને બંને પક્ષના નેતાઓએ તેમની વચનબદ્ધતાને દોહરાવી હતી.

 

  1. તાજેતરમાં જ મ્યાનમારમાં રખીને વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસાની ઘટનાઓ અંગે ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ ઘટનાઓને પરિણામે મ્યાનમારના અનેક નાગરિકોએ પાડોશમાં આવેલા બાંગલાદેશમાં આશરો લેવાની ફરજ પડી છે. આરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મિ (એઆરએસએ)ના ઉગ્રવાદીઓએ કરેલા શ્રેણીબદ્ધ હુમલાઓને પરિણામે આ હિંસાની ઘટનાઓનો આરંભ થયો હોવાની બાબતની બંને પક્ષના નેતાઓએ નોંધ લીધી હતી. તેને પરિણામે સિક્યોરીટી ફોર્સના જવાનોએ તથા સામાન્ય માનવીઓએ પણ તેમના જાન ગુમાવવા પડ્યા છે. કોઈપણ જાતના વિલંબ વિના રખીને વિસ્તારમાં રાબેતા મુજબની સ્થિતિ નિર્માણ કરવાની જરૂરિયાત પર બંને પક્ષના નેતાઓએ ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં તેમણે મ્યાનમારના સત્તાવાળાઓને કોફી અન્નાનના નેતૃત્વ હેઠળ રચાયેલી રખીને એડવાઈઝરી કમિશનની ભલામણોનો અમલ કરવા વિનંતી કરી છે. આ સાથે જ ઉત્તર રખીને વિસ્તારમાં વસતી તમામ કોમના વિસ્થાપિત થયેલા દરેકને પરત ફરવાનો મોકો મળે તે માટે બાંગ્લાદેશની સરકાર સાથેના સહયોગમાં કામ લેવા તેમણે વિનંતી કરી હતી.  ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ જરૂરિયાત મંદ લોકોને માનવતાને ધોરણે મદદ કરવામાં બાંગ્લાદેશે ભજવેલી ભૂમિકાની પણ નોંધ લીધી હતી.

 

 

  1. ઇરાનના ન્યુક્લિયરને લગતા પ્રશ્નોના સંદર્ભમાં જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન (જેસીપીઓએ)નો સંપૂર્ણપણે અમલ કરવા માટે સતત ટેકો આપવાના નિર્ધારને પણ ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ દોહરાવ્યો હતો. ઇરાન અણુઆયુધોના જેપીસીઓના અનુસંધાનમાં આપેલા વચનોનું પાલન કરી રહ્યું હોવાની બાબતને ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (આઈએઈએ) તરફથી મળેલા સમર્થનને તેમણે ધ્યાનમાં લીધુ હતું. યુનાઈટેડ નેશન્સની સલામતી પરિષદે જે સોદાને સમર્થન આપ્યું છે તે સોદાનો પૂર્ણ અને અસરકારક અમલ થાય તે માટે ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ હાકલ કરી હતી. આ બાબતને આંતરરાષ્ટ્રીય શાંતિ, સ્થિરતા અને સલામતી તથા અણુ અપ્રસારનું માળખું તૈયાર કરવા માટેનો એક મહત્વનો ફાળો ગણવામાં આવે છે.

 

  1. ત્રીજી સપ્ટેમ્બર 2017ના દિને ડીપીઆરકેએ કરેલા અણુ અખતરાને ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ વખોડી કાઢ્યો છે. આ અખતરો કરીને ડીપીઆરકેએ આંતરરાષ્ટ્રીય સ્તરે આપેલા વધુ એક વચનનો અસ્વીકાર્ય બને તેવો અને સીધો ભંગ કર્યો છે. ડીપીઆરકે અણુ મિસાઈલ અને બેલાસ્ટિક મિસાઈલ બનાવવા માટે સતત મથામણ કરી રહ્યું છે તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે ગંભીર ખતરો ઊભો કરી રહી હોવાની વાતે બંને પક્ષો સહમત થયા હતા. આ સાથે જ કોરિયન દ્વિપકલ્પના સંપૂર્ણ અને ચકાસણી કરી શકાય તે રીતનું અને ક્યારેય પલટી કે ઉલટાવી ન શકાય તેવું ડિન્યુક્લરાઈઝેશન (અણુઅપ્રસાર કરતા દેશમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા) કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. યુનાઈટેડ નેશન્સની સિક્યોરીટી કાઉન્સિલે અને છ પક્ષો વચ્ચે યોજવામાં આવેલી મંત્રણામાં ભાગ લેનારાઓએ પણ તેમની આ વાતને સમર્થન પણ આપ્યું હતું. ડીપીઆરકેના ન્યુક્લિયર મિસાઈલના કાર્યક્રમને ટેકો આપી રહેલા દેશોને તે માટે જવાબદાર ગણવાની વાત પર પણ બંને પક્ષના નેતાઓએ ભાર મૂક્યો હતો. આ પડકારોને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય એકતા બતાવે તેની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. આ માટે યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા લાદવામાં આવેલા નિષેધનો આંતરરાષ્ટ્રીય સમુદાય પૂર્ણ પણે અમલ કરે તેવી જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. આ જ રીતે ચર્ચાવિચારણાના માધ્યમથી શાંતિપૂર્ણ અને સર્વગ્રાહી ઉકેલ લાવવા માટે મહત્તમ દબાણ ઊભું કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

 

  1. સિરિયામાં પ્રવર્તતની સ્થિતિ અંગે વાત કરતાં ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રસંઘના વડપણ હેઠળ જીનિવા પ્રોસેસના વર્ચસ્વને દોહરાવ્યું હતું. તેના માધ્યમથી જ સિરિયામાં રાજકીય ઉકેલ લાવવાની વાતને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી જુદા જુદા પક્ષો વચ્ચે ચર્ચાઓ યોજવાની હાકલ કરી હતી. સિરિયાના નાગરિકોની રક્ષા અને પ્રાદેશિક અખંડિતતા મૂળભૂત રીતે જરૂરી હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે આ સંઘર્ષ સાથે સંકળાયેલા તમામ પક્ષોએ અને તેમના ટેકેદારોએ તેમની વચનબદ્ધતા પ્રમાણે વર્તવું જોઈએ. ભારત અને યુરોપિયન સંઘના દેશો સિરિયામાં સ્થિરતા લાવવા માટે 2012માં થયેલા જિનિવા કોમ્યુનિકમાં અને યુએનએસસીઆર 2254માં દર્શાવવામાં આવ્યા મુજબ માત્ર એક વિશ્વસનીય રાજકીય ઉકેલ લાવી શકાય તેમ હોવાની વાતને દોહરાવી હતી. સિરિયામાં ડાએશ અને સંયુક્ત રાષ્ટ્રસંઘને નિયિક્ત કરેલા ત્રાસવાદી જૂથોને નિર્ણાયક પરાભવ આપવા માટે ઉપર દર્શાવ્યા મુજબનો વિકલ્પ મોજૂદ હોવાની વાતને દોહરાવી હતી. ભારત અને યુરોપિયન સંઘના દેશોએ 2018ની વસંતઋતુમાં યોજાનારી બ્રસેલ્સ કોન્ફરન્સ સિરિયાને મુદ્દે લાંબા સમય ટકે તેવી વચનબદ્ધતા નિર્માણ કરવામાં મોટો ફાળો આપશે તે બાબતે સહમત થયા હતા.

 

 

  1. મધ્ય પૂર્વના દેશોમાં શાંતિની પ્રક્રિયાને મુદ્દે વાત કરતાં ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ દરેક પક્ષકારોને વિધેયાત્મક ભૂમિકા ભજવવા હાકલ કરી હતી. તેમ કરવાથી લાંબા સમયથી ચાલતા આવેલા ઇઝરાયલ અને પેલેસ્ટિનવાસીઓ વચ્ચેના સંઘર્ષનો અંત આવશે. બે રાષ્ટ્રના નિર્માણના માધ્યમથી આ પરિસ્થિતિનો ઉકેલ આવશે. યુનાઈટેડ નેશન્સમાં યોગ્ય ઠરાવો કરાવ્યા પછી આ ઉકેલ આવી શકશે. મધ્ય પૂર્વના દેશોમાં શાંતિ અને સ્થિરતા લાવવા માટેના માડ્રિડ પ્રિન્સિપલ અને આરબ પીસ ઇનિશિયેટિવને પણ અનુસરીને આ ઉકેલ લાવી શકાશે.

 

  1. લિબિયામાં પ્રવર્તતી રાજકીય કટોકટીનો લાંબા ગાળાનો ઉકેલ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આપવામાં આવતી સુવિધા પ્રમાણે લિબિયાના વડપણ હેઠળ અને લિબિયાની ઇચ્છા મુજબની રાજકીય પ્રક્રિયા કરીને ઉકેલ લાવવાની બાબતને પણ બંને પક્ષોએ સંપૂર્ણ ટેકો આપ્યો હતો. સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતમાં લિબિયામાં સ્થિરતા અને શાંતિનું નિર્માણ કરવું અને સરકારને તેમાં સામેલ કરવી મહત્વની છે.

 

  1. ભારત અને યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ આજના વૈશ્વિક જગતમાં કનેક્ટિવિટીની મહત્તાને સ્વકારી હતી. તેમણે સમગ્ર વિશ્વએ સ્વીકારેલા અને માન્ય કરેલા ધારાધોરણો પ્રમાણે, કાયદાના શાસન, ગુડ ગવર્નન્સના નિયમો, પારદર્શકતા સાથે, ખુલ્લાપણા સાથે અને સમાનતા સાથે કનેક્ટિવિટી પ્રસ્થાપિત કરવા પહેલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ માટે નાણાંકીય દાયિત્વના, ડેટ ફાઈનાન્સિંગની પ્રથા પ્રમાણેની જવાબદારી સ્વીકારીને, પર્યાવરણની સમતુલા જાળવીને, પર્યાવરણને સુરક્ષિત રાખીને, જાળવણીના ધોરણોનું પાલન કરીને તથા સામાજિક રીતે ટકી રહે તેવો માર્ગ કાઢીને આ દિશામાં પહેલ કરવી જોઈએ.

 

 

  1. બંને પક્ષોએ એશિયા અને યુરોપને જોડવા માટે એએસઈએમને એક ઔપચારિક પ્લેટફોર્મ તરીકે સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને પક્ષો બ્રસેલ્સમાં આગામી એએસઈએમ શિખર પરિષદ યોજાય ત્યાં સુધી નવું જોમ પૂરું પાડવા સહમત થયા હતા. બ્રસેલ્સમાં યોજાનારી એએસઈએમમાં વૈશ્વિક પડકારોનો સાથે મળીને સામનો કરવાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

  1. પૂર્વ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે મજબૂત ટેકો આપવાની જરૂરિયાત પર બંને પક્ષના નેતાઓએ ભાર મૂક્યો હતો. યુનાઈટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલના ઠરાવ નંબર 2202 (2015) મુજબ તમામ પક્ષો દ્વારા મિન્સ્ક એગ્રીમેન્ટનો અમલ કરાવીને આ સંઘર્ષનો અંત લાવવા તેમણે જણાવ્યું હતું.

 

 

  1. ભારતમાં કાયદાકીય રીતે જરૂરી પ્રક્રિયા પૂરી કરીને એમવી સિમેન ગોર્ડ ઓહિયોના કેસમાં અસરકારક ઉકેલ લાવી શકાય તેવી આશા યુરોપિયન સંઘના નેતાઓએ વ્યક્ત કરી છે. આ કેસ સાથે એસ્ટોનિયાના 14 અને બ્રિટનના છ નાગરિકો સંકળાયેલા છે. તેમને ભારતીય કોર્ટે જેલની સજા કરી છે.

 

વૈશ્વિક પડકારો અને બહુવિધ સહકાર

 

  1. બંને પક્ષોએ સંયુક્ત રાષ્ટ્રસંઘના સુધારા માટેના નવા એજન્ડાને ટેકો આપવાના નિર્ણયને દોહરાવ્યો છે. તેમાં શાંતિ અને સલામતી, વિકાસ અને મેનેજમેન્ટને લગતા સુધારાઓનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ મજબૂત ગ્લોબલ ગવર્નન્સ (વૈશ્વિક સંચાલન) પ્રત્યેની તેમની વચન બદ્ધતાને અભિવ્યક્ત કરી હતી. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રસંઘની સિસ્ટમ જુદા જુદા અવયવો અને આખા માળખાને સુધારવાની વાત પર પણ ભાર મૂક્યો હતો. તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યોરિટી કાઉન્સિલમાં સર્વગ્રાહી પરિવર્તનો લાવવાની બાબતોને તથા જનરલ એસેમ્બિલીના કામકાજમાં નવું જોમ પૂરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની જુદી જુદી સમિતિઓને સોંપવામાં આવતા કામકાજ સાથે વધુ સારી રીતે તેઓ સંકળાઈને સક્રિય રહે તે પણ એટલું જ જરૂરી છે. આ માટે 2030ની સાલનો એક એજન્ડા પણ તૈયાર કરવામાં આવ્યો છે.

 

  1. જી-20, સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય બહુવિધ મંચ પર આંતરરાષ્ટ્રીય સલામતી, વૈશ્વિક અર્થતંત્ર અને સ્થિરતા તથા વિકાસ સામે ઊભા થતાં પડકારોનો સામનો કરવામાં ભાગીદારી કરવા ઉપરાંત દ્વિપક્ષી સહયોગ સાથે કામ કરવા બંને પક્ષો સહમત થયા હતા.

 

  1. નિયમ આધારિત મલ્ટી લેટરલ ટ્રેડિંગ સિસ્ટમની ભૂમિકા બહુ જ મહત્વની રહેશે તે વાતને બંને પક્ષના નેતાઓએ દોહરાવી હતી.. આ સાથે જ ટકાઉ વિકાસ અને ડેવલપમેન્ટના ધ્યેયને સિદ્ધ કરવા મુક્ત, વાજબી અને ખુલ્લો વ્યાપાર વધારવાના મહત્વ પર તેમણે ભાર મૂક્યો હતો. વિશ્વ વેપાર સંઘના મિનિસ્ટરોની મળનારી 11મી કોન્ફરન્સ સંપૂર્ણપણે સફળ થાય અને તેના નક્કર પરિણામો મળે તે માટે તમામ સભ્યો સાથે મળીને કામ કરે તે માટેની વચનબદ્ધતાને બંને પક્ષોએ દોહરાવી હતી. તેમ કરવાથી કેન્દ્રગામી નિયમાધારિત ટ્રેડિંગ સિસ્ટમ તૈયાર થશે. આ ટ્રેડિંગ સીસ્ટમ ખુલ્લા અને સર્વને સાથે લઈને આગળ વધતા વિશ્વ વ્યાપાર માટે મહત્વની હોવાની વાતને પણ તેમણે દોહરાવી હતી.

 

  1. લાંબા સમય સુધી ટકી શકે તેવા વિકાસ માટે બંને પક્ષોએ 2030નો એજન્ડા સ્વીકારવાની જરૂરિયાતની ફરી યાદ અપાવડાવી હતી. વિકાસ માટેના યુરોપિયન સંઘની નવી સર્વાનુમતિને પૂરક બને તે રીતે તેનો અમલ કરવા માટે સંયુક્ત રીતે વચનબદ્ધતા બંને પક્ષોએ અભિવ્યક્ત કરી હતી. તેની સાથે જ ભારતની માફક સબ કા સાથ સબ કા વિકાસની પહેલને પણ જોડવા તેઓ સહતમ થયા હતા. ટકાઉ વિકાસના ધ્યેયને સિદ્ધ કરવા અને ગરીબી નાબૂદીના ધ્યેયને ચરિતાર્થ કરવા માટે વૈશ્વિક ભાગીદારીના મહત્વનો પણ તેમણે પુનરોચ્ચાર કર્યો હતો. આ સંદર્ભમાં તેમણે સર્વસંમતિ સાથેના અગ્રક્રમોને સાકાર કરવામાં સહયોગ આપવાનું વચન આપ્યું હતું. આ સાથે જ વિકાસ માટે યુરોપિયન સંઘ અને ભારત વચ્ચે સતત ચર્ચા વિચારણા ચાલુ રાખવાની શક્યતાઓનો તાગ મેળવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી. કુદરતી આફતના સમય માટે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન 2015-30ના સેન્ડેઈ માળખાને પરસ્પર સમજૂતી સાથે અમલમાં લાવવાની જરૂર હોવાનું બંને પક્ષોએ જણાવ્યું હતું.

 

  1. આફ્રિકામાં શાંતિ અને વિકાસમાં વૃદ્ધિ કરવામાં ભારતે આપેલા યોગદાનની યુરોપિયન સંઘના દેશોના નેતાઓએ સરાહના કરી હતી. તેમ જ શાંતિની જાળવણી માટેના મિશનમાં ભારતે લીધેલા ભાગ બદલ પણ ભારતની તેમણે પ્રશંસા કરી હતી. આફ્રિકાના સંદર્ભમાં સલાહમસલત કરવાની અને એકમેકને સહકાર આપવામાં વધારો કરવાની બાબતે પણ ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ તેમની વચનબદ્ધતાને વ્યક્ત કરી હતી. આ બાબતમાં ભારત અને યુરોપિયન સંઘના દેશો દ્વારા પોતપોતાની રીતે કરવામાં આવેલી પહેલ એકબીજા સાથે સુસંગત થાય તે રીતે આગળ વધારવા પણ તેઓ સહમત થયા હતા. યુરોપિયન સંઘના દેશો અને આફ્રિકાના સંઘો વચ્ચે યોજાનારી શિખર પરિષદમાં ભારત એક ઓબ્ઝર્વર તરીકે ભાગ લે તેવી પણ તેઓ આશા-અપેક્ષા રાખી રહ્યા છે. આર્થિક અને વ્યાપારિક સહકાર વધારીને તેઓ સમૃદ્ધિમાં પણ એકબીજાની ભાગીદારી કરવાની ઇચ્છા ધરાવી રહ્યા છે.

 

ભારતના આધુનિકરણમાં ભાગીદારી

 

  1. ભારતે આર્થિક અને સામાજિક વિકાસની દિશામાં આદરેલા પ્રયાસની યુરોપિયન સંઘના નેતાઓએ સરાહના કરી હતી. આ સાથે જ તેમણે ભારતની મહત્વની મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્માર્ટ સિટી, ક્લિન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી પાયાની પહેલમાં ભાગ લેવામાં તેમણે રસ દર્શાવ્યો હતો. યુરોપિયન સંઘના દેશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ – જીએસટીની નવી દાખલ કરેલી સિસ્ટમ સહિતના આર્થિક સુધારાઓને મોરચે લેવામાં આવી રહેલા પગલાં પર બારીક નજર રાખીને બેઠાં છે. આ સિસ્ટમ આવતા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટેની સુવિધા મળતી થશે. તેમ જ ભારતના તમામ બજારો એક સમાન સપાટીએ આવી જશે. જેને ટેક્નિકલ ભાષામાં માર્કેટ ઇન્ટિગ્રેશન તરીકે ઓળખાવવામાં આવે છે. સંપૂર્ણ દેશના સ્તરે સરળ, કાર્યક્ષમ અને રાષ્ટ્રવ્યાપી ઇન્ડાયરેક્ટ ટેક્સની સિસ્ટમ અમલમાં આવતા આ શક્ય બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત દ્વારા ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા સહિતના મોરચે કરવામાં આવેલી પહેલમાં યુરોપિયન સંઘના દેશોની કંપનીઓએ ભાગ લેવા માંડ્યો તેની સરાહના કરી હતી. ભારતે વિકાસ માટે નક્કી કરેલા અગ્રક્રમોમાં તેઓ વધુને વધુ પ્રમાણમાં ભાગ લે તેવી રજૂઆત તેમણે કરી હતી. બીજી તરફ યુરોપિયન સંઘના દેશોએ એન્ટરપ્રાઈસ યુરોપ નેટવર્કમાં ભારતીય સંસ્થાઓ દ્વારા લેવામાં આવી રહેલા ભાગને વધુને વધુ પ્રોત્સાહન આપવા માંડ્યું છે. બંને પક્ષના નેતાઓએ સરક્યુલર ઇકોનોમિ અને રિસોર્સ એફિશિયન્સી અંગે યુરોપિયન સંઘ – ભારત વચ્ચે સધાયેલા સહકારની અને તે દિશામાં થયેલી પ્રગતિની ખાસ નોંધ લીધી હતી. બંને પક્ષના નેતાઓ બૌદ્ધિક સંપદા અધિકાર (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ – આઈપીઆર)ના મોરચે તથા પબ્લિક પ્રોક્યુરમેન્ટના ક્ષેત્રમાં અનુસરવામાં આવતી શ્રેષ્ઠ નીતિરીતિઓ અને તેમાં મેળવેલા અનુભવોની આપલે કરવામાં અને સહકાર વધારવા પણ બંને પક્ષો સહમત થયા હતા.

 

  1. ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને સંગીન બનાવવા માટેની તેમની વચનબદ્ધતાનું આદાનપ્રદાન કરવામાં આ નેતાઓએ રસ દાખવ્યો હતો. ભારત અને યુરોપિયન સંઘના દેશોને પરસ્પર લાભ કરાવે તેવા બ્રોડ બેઝ્ડ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ (બીટીઆઈએ) સર્વગ્રાહી અમલ કરવા માટે બંને દેશો તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસોની પણ નોંધ લેવામાં આવી હતી.

 

  1. બંને પક્ષોએ કૃષિ ઉપજોના વેપાર અને તેમાંય ખાસ કરને ચોખાના વેપારના મહત્વની બંને દેશોએ ખાસ નોંધ લીધી હતી. આ વેપારને ખોરવી નાખતા સંભવિત પરિબળોને ઉકેલવા માટે સાથે મળીને કામ કરવા બંને પક્ષના નેતાઓ તૈયાર થયા હતા. ચોખામાં ટ્રાયસાઈક્લાઝોલના પ્રમાણ અંગે આયાતકાર દેશોએ દાખવવાની સહિષ્ણુતાના સંદર્ભમાં (કમિશન રેગ્યુલેશન (ઈયુ) 2017/ 983) કોઈ પણ જાતના વિલંબ વિના વધારાના જોખમની આકારણી કરવા માટે યુરોપની ફૂડ સિક્યોરિટી ઓથોરિટી વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરવામાં આવેલા નવા આંકડાઓ રજૂ કરવા માટે યુરોપની પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીઓને આમંત્રણ આપવામાં આવશે. આ બાબતને આધારે યુરોપિયન કમિશન ઉપર જણાવ્યા પ્રમાણેના નિયંત્રણોનું પુનરાવલોકન કરવાની જરૂર છે કે નહિ તે અંગે ઝડપથી નિર્ણય લેશે. યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (ઈએફએસએ) અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) વચ્ચે વહેલામાં વહેલો સહકાર સ્થપાય તેવી જરૂરિયાતને બંને પક્ષના નેતાઓએ ટેકો આપ્યો હતો. ડેટા કલેક્શનની પદ્ધતિ અંગે, જોખમની આકારણી કરવા માટે અને જોખમ અંગેની માહિતીનું આદાનપ્રદાન કરવા માટેની જાણકારી અને અનુભવનું આદાન પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. તદુપરાંત યુરોપિયન સંઘના દેશોના અને ભારતના નેતાઓ ફૂડ સેફ્ટીને મુદ્દે પણ સહકારને વધુ સંગીન સપાટીએ લઈ જવા સહમત થયા છે. આ માટે નીચે દર્શાવ્યા મુજબના મુદ્દાઓને આધીન રહીને કામ કરવા તૈયાર થયા છે.

 

ક) કૃષિ ક્ષેત્રને લગતી અને મેરાઈન વર્કિંગ ગ્રુપ (દરિયાઈ બાબતોને લગતા જૂથ), એસપીએસ – ટીબીટી વર્કિંગ ગ્રુપને મુદ્દે અત્યારે ચાલી રહેલી ચર્ચાવિચારણાને વધુ સંગીન સપાટીએ લઈ જવી. આ મુદ્દાઓમાં ફૂડ સેફ્ટી અને કૃષિ પેદાશોના વેપારને અંગે બંને પક્ષોના પ્રધાનો, ખાતાઓ અને યુરોપિયન કમિશન સર્વિસિસ વચ્ચે ચર્ચાઓ યોજાવવી.

 

ખ) કૃષિ ઉપજ લેવા માટેની સારી નીતિરીતિઓ અપનાવવી, ટ્રેસેબિલિટીની ક્ષમતા વિકસાવવી અને લેબોરેટરીઓને લગતી પ્રવૃત્તિમાં સહકાર આપવા સહિત ચકાસણી કરવા અને નિયમન કરવાના ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ શરૂ કરવા.

 

ગ) બાસમતી ચોખાના ભૌગોલિક નિર્દેશનોનું રક્ષણ કરવા માટેની ભારતની અરજીને યુરોપિયન સંઘના દેશોના નેતાઓ આવકારશે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈપણ અરજી કરવામાં આવશે તો તેના પર શક્ય હોય તેટલી ઝડપથી પગલાં લેવામાં આવશે.

 

ઘ) ભારતે આ અગાઉ જ કરેલી વિનંતી પ્રમાણે ડ્યૂટીમાં ઘટાડો કરવાને લગતા જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ-1994ના આર્ટિકલ 28માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ બાસમતી ચોખાના બિયારણની વધારાની વેરાયટી-જાતને માન્યતા આપવાની પ્રક્રિયાને ઝડપથી આરંભ કરવાના યુરોપિયન સંઘના દેશોના નેતાઓના ઇરાદાને ભારતે આવકારે છે.

  1. બિઝનેસ માટેના વાતાવરણમાં સુધારો કરવાના એક સાધનરૂપે ભારતમાં યુરોપિયન સંઘના દેશોના સાહસિકો મૂડીરોકાણ કરી શકે તે માટે ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન મિકેનિઝમ (આઈએફએમ) ઊભું કરવા કે તેની સ્થાપના કરવા માટેના પગલાંને નેતાઓએ આવકાર્યું હતું. આ સાથે જ તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે આઈએફએમને કારણે બંને પક્ષો વચ્ચે શ્રેષ્ઠ કાર્યરીતિઓ અને યુરોપિયન સંઘના દેશોમાંથી ભારતમાં નવસંસ્કરણને – ઇન્નોવેશનને લગતી ટેક્નોલોજીઓને લગતી માહિતીની આપલે કરવાનું કાર્ય સરળ બની જશે. ભારત તરફથી મેક ઇન ઇન્ડિયાની કરવામાં આવેલી પહેલને પરિણામે કદાચ યુરોપિયન સંઘના સભ્ય દેશોના સાહસિકોની કંપનીઓ માટે કદાચ મૂડીરોકાણ કરવાની સારી તક નિર્માણ થશે તે વાતની બંને પક્ષના નેતાઓએ ખાસ નોંધ લીધી હતી.
  2. બંને પક્ષના નતાઓ ભારતમાં યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (ઈઆઈબી)ની દક્ષિણ એશિયાના પ્રદેશના પ્રતિનિધિની ઓફિસની સ્થાપના કરવાના પગલાંને આવકાર્યું હતું. તેમાંય તેમના દ્વારા કરવામાં આવનારા મૂડીરોકાણની અને ખાસ કરીને શહેરમાં અવરજવર કરવા માટેની વ્યવસ્થા માટે અને રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સમાં તેમણે કરેલા રોકાણો ક્લાઈમેટ-વાતાવરણને લગતા એજન્ડામાં ભારત તથા યુરોપિયન સંઘના દેશો વચ્ચે સહયોગ વધારવામાં ટેકારૂપ બનશે. બેંગલુરુમાં મેટ્રોના બીજા ફેઝના પ્રોજેક્ટ માટેના કરાર હેઠળ ઈઆઈબીએ 500 મિલિયન યુરોની લોન આપવા માટે કરેલા કરારને નેતાઓએ આવકાર્યો હતો. 2017ની સાલમાં ભાતને 1.4 અબજ યુરોની વધારાની લોન આપવાના ઈઆઈબીએ આપેલા વચનને નેતાઓએ આવકાર્યું હતું.
  3. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (આઈએસએ)ના ભાવિમાં બનનારા 121 સભ્યો વચ્ચે પરવડે તેવા ભાવથી સૌર ઉર્જાથી વીજળી પેદા કરવા માટે મોટા પાયા પર ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લાવવાના યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કે નક્કી કરેલા ધ્યેય અને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના ઇન્ટરીમ સેક્રેટેરિયટ વચ્ચે સંયુક્ત જાહેરનામાની આપ લે કરવાની અને અત્યારે આ મુદ્દે ચાલી રહેલી વિધેયાત્મક ચર્ચાની બંને પક્ષના નેતાઓએ ખાસ નોંધ લીધી હતી.
  4. ક્લિન એનર્જી અને ક્લાઈમેટ ચેન્જ અંગે બંને પક્ષોએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. 2015ની સાલમાં પેરિસ ખાતે થયેલા કરાર હેઠળ આપવામાં આવેલા વચન પ્રમાણે પગલાં લેવાની વાત બંને પક્ષોએ દોહરાવી હતી. તેમ જ તેના અમલીકરણની બાબતમાં વધુ સહકાર આપવા પણ બંને પક્ષો સહમત થયા હતા. ભારત અને યુરોપિયન સંઘના દેશોએ ક્લાઈમેટ ચેન્જની સમસ્યાનો ઉકેલ લાવવા અને સલામત, પરવડે તેવી ઉર્જાનો પુરવઠો લાંબા સમય સુધી સતત આપી શકાય તે તેમના અગ્રક્રમો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ક્લિન એનર્જીના ક્ષેત્રમાં અને ક્લાઈમેટ ચેન્જનો ઉકેલ લાવવાની દિશામાં કરવામાં આવેલી ભાગીદારીના મોરચે થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ભાગીદારી માટેના કરારો 2016ની સાલમાં યુરોપિયન સંઘના દેશો તથા ભારત દેશ વચ્ચે યોજાયેલી શિખર પરિષદમાં કરવામાં આવ્યા હતા. યુરોપિયન સંઘના દેશો અને ભારતની ઉર્જા પેનલની ઓક્ટોબર 2016માં યોજાયેલી મિટિંગમાં કરવામાં આવેલા આ કરારના અમલીકરણ અને વધુ વિકાસ માટેની તેમની વચનબદ્ધતાને બંને પક્ષોએ અભિવ્યક્તિ આપી હતી.
  5. ભારત અને યુરોપિયન સંઘના દેશોએ ટેક્નોલોજીના નવસંસ્કરણ – ઇન્નોવેશનના માધ્યમથી, પોતપોતાની પાસેના જ્ઞાનની એકબીજા સાથે આપ લે કરીને, ક્ષમતામાં વૃદ્ધિ કરવા, વેપાર અને મૂડીરોકાણ કરવા, પ્રોજેક્ટની સ્થાપના કરવા તથા રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સનો અમલ કરવા માટે ડેવલપમેન્ટ કોસ્ટમાં ઘટાડો કરવા માટે પરસ્પર સહકાર આપવાની ઇચ્છાને દોહરાવી હતી.
  6. બંને પક્ષના નેતાઓએ પર્યાવરણ અંગેના ભાવિ પરિવર્તનો – પ્રોજેક્શન તથા આર્થિક વિકાસ અંગેની ગણતરીના મહત્વ અંગે પણ તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યા હતો. પ્રાથમિક સ્રોતના વપરાશને ઘટાડે તથા સેકન્ડરી કાચા માલના વપરાશમાં વધારો કરે તેવી વર્તુળાકાર આર્થિક વિકાસના મોડેલ તરફ વળવા પાછળના મહત્વના મુદ્દાઓને ખાસ અભિવ્યક્તિ આપી હતી. મહત્વના આર્થિક સંક્રમણ માટેના વ્યૂહો વિકસાવવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (નીતિ આયોગ), અને ઇન્ડિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્નમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ (તેની ઇન્ડિયન રિસોર્સ પેનલ)ના માધ્યમથી ઇન્ટર નેશનલ રિસોર્સ પેનલમાં આપવામાં આવેલા ફાળાને તેમણે આવકાર્યો હતો. વૈશ્વિક સ્તરે સ્રોતોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની પદ્ધતિને સંયુક્તપણે પ્રોત્સાહન આપવા અને જ્ઞાનની આપ લે કરવા માટે નવું જ સ્થાપવામાં આવેલું જી-20નું રિસોર્સ એફિશિયન્સી ડાયલોગ (સ્રોતના અસરકારક ઉપયોગ માટે ચર્ચાવિચારણા કરવા માટેનો મંચ)નું પ્લેટફોર્મ આદર્શ પ્લેટફોર્મ બની રહેશે, તે મુદ્દે બંને પક્ષો સહમત થયા હતા. તદુપરાંત બંને પક્ષના નેતાઓ જળ નિયમન અને વાયુ પ્રદુષણના નિયમન જેવા પર્યાવરણને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સઘન સહકાર સાધવો જરૂરી હોવાની વાતે પણ સહમત થયા હતા. આ માટે ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે જળ ભાગીદારીનો અમલ કરવાના ક્ષેત્રમાં થયેલી પ્રગતિની તેમણે નોંધ લીધી હતી. તેની સાથે જ સંશોધન અને નવસંસ્કરણના ક્ષેત્રમાં મળી રહેલી વધુને વધુ તકનો ઉપયોગ કરવા માટે એક્શન પ્રોગ્રામ કરવાને મુદ્દે પણ બંને પક્ષો સહમત થયા હતા. આ મહિનાના અંત ભાગમાં મળનારી ઇન્ડિયા-યુરોપિયન યુનિયનના દેશોના વોટર ફોરમની મળનારી બેઠક પર બંને પક્ષો મીટ માંડીને બેઠાં છે.
  7. યુરોપિયન સંઘના દેશોના ઉદ્યોગો અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ વચ્ચે સંગીન સહકાર પ્રસ્થાપિત કરવા માટે પગલાં લેવાના ધ્યેય સાથે ટેક્નોલોજી વિકાસ અને નવસંસ્કરણ – ઇન્નોવેશનના ક્ષેત્રમાં સહકાર વધારવા માટે કાર્ય કરવા બંને પક્ષના નેતાઓ સહમત થયા હતા.
  8. યુરોપિયન સંઘના દેશોના ટેકાથી ભાવિ ફાઈવ-જીના વૈશ્વિક ધોરણો પર ધ્યાન કેન્દ્રત કરવાના, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવાના, ઇન્ટરનેટ ઓફ થિન્ગ્સ વિકસાવવાના, ભવિષ્યમાં જરૂર પડે તેવા નેટવર્ક વિકસાવવાના અને ટેલિકોમ સિક્યોરિટીને મુદ્દે ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચેના ટેકનિકલ સહયોગને વધુ સઘન બનાવવાના પગલાંને પણ બંને પક્ષના નેતાઓએ આવકાર્યું હતું. આ તમામ ક્ષેત્રોમાં રસ ધરાવનારાઓ કે પછી તેની સાથે સંકળાયેલા સ્ટેક હોલ્ડર્સને પ્રોત્સાહન આપીને સહકારને વ્યાપક ફલક પર લઈ જવા, નક્કર ટેક્નોલોજિકલ સોલ્યુશન્સ પૂરા પાડવા માટેના વિકલ્પો દર્શાવવા અને ડિજિટલ ઇન્ડિયન તથા ડિજિટલ સિંગલ માર્કેટ ફોર યુરોપ વચ્ચેના જોડાણને વધુ સઘન-સંગીન બનાવવા જરૂરી પ્રોત્સાહન આપવા બંને પક્ષો તૈયાર થયા હતા.
  9. સ્ટાર્ટ અપ યુરોપ ઇન્ડિયા નેટવર્ક હેઠળ ભારત અને યુરોપિયન સંઘના દેશોના સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ વચ્ચે બેઠકો યોજવાની સાથોસાથ જ બંને પક્ષના દેશોમાં આવેલી આઈસીટી કંપનીઓને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (બિઝનેસ કરવામાં વધુ સરળતા) કરી આપવા માટે અને ઇન્ટરનેટ ગવર્નન્સ અંગે વિધેયાત્મક વિચાર વિનિયમ કરવાની નોંધ બંને પક્ષોએ લીધી હતી.
  10. બંને પક્ષના નેતાઓ ફાર્માસ્યૂટિકલ્સના ક્ષેત્રમાં સહકારને વધુ સંગીન સપાટી સુધી લઈ જવામાં રસ હોવાની વાતને સમર્થન આપ્યું હતું. આ સહકારમાં વધુ માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તથા તાલીમ માટે સ્થિર માહોલ ઊભો કરીને ખાસ કરી ઇન્સ્પેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરતી રેગ્યુલેટરી સિસ્ટમ (નિયંત્રણ પદ્ધતિ) વિકસાવવા માટેની ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો. ફાર્માસ્યૂટિકલ્સ ઇન્ડસ્ટ્રીની સંપૂર્ણ વેલ્યુ ચેઈન માટે ક્ષમતામાં વૃદ્ધિ કરવાની બાબતે સહકાર વધારવાની બાબતમાં ભારતે રસ દાખવ્યો હતો.
  11. સ્માર્ટ અને ટકાઉ શહેરીકરણ માટે ભાગીદારી કરવાને મુદ્દે ભારત અને યુરોપિયન સંઘના દેશોએ સંયુક્ત નિવેદન કરીને તેને સ્વીકાર્યું હતું. તેની સાથે જ શહેરી વિસ્તારની માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાની, આરોગ્યની જાળવણી માટેની સુવિધાઓમાં વધારો કરવો, ભારતમાં સ્માર્ટ સિટી વિકસાવવા અગ્રતાક્રમવાળા ક્ષેત્રોમાં સહકાર સાધવા તેઓ સહતમ થયા હતા. તદુપરાંત 2016ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પસાર કરવામાં આવેલા ન્યુ અર્બન એજન્ટાનો વ્યાપ વધારવાની બાબતે પણ બંને પક્ષો સહમત થયા હતા.
  12. ખાસ કરીને આરોગ્ય, જળ અને ક્લિન એનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ઊભા થયેલા પડકારોનો ઉકેલ લાવવા માટે અને વિજ્ઞાન અને તકનિકના ક્ષેત્રના અગ્રણી વિસ્તારોમાં ઇન્ડિયા – ઇયુ (યુરોપિયન સંઘના દેશો) વચ્ચે સાયન્સ ને ટેક્નોલોજીના નવેસરથી કરવામાં આવેલા કરાર હેઠળ સહકારને વધુ ઊંચી સપાટીએ લઈ જવા માટે બંને પક્ષના નેતાઓ સહમત થયા હતા. જળ સ્રોતોને મુદ્દે સતત વધી રહેલી તાણને પહોંચી વળવા માટે જળનું નિયમન કરવા માટેની ક્ષમતામાં વધારો કરવા અને તેને લગતું તકનિકી ને વૈજ્ઞાનિક જ્ઞાનને મોરચે સહકાર વધારવાની જરૂરિયાતને પ્રતિબિંબિત કરતાં પડકારોના સંદર્ભમાં જળ માટે 30 મિલિયન યુરોના ખર્ચે સંયુક્ત પણે મોટી પહેલ શરૂ કરવાની દિશામાં કરવામાં આવેલા કરારને બંને પક્ષના નેતાઓએ આવકાર્યા હતા. બંને પક્ષના નેતાઓ હોરાઈઝન 2020 અને ઇન્ડિયન પ્રોગ્રામના શિર્ષક હેઠળ સંશોધન અને નવસંસ્કરણ – ઇન્નોવેશન માટે યુરોપિયન સંઘના દેશોના ફ્રેમ વર્ક હેઠળ ખૂલ્લા મૂકવામાં આવેલા પ્રોગ્રામને યોગ્ય પ્રતિભાવ મળી રહે તે માટે કામ કરવા સહમત થયા હતા. આ સાથે જ બંને પક્ષના સંશોધકો એક બીજાને ત્યાં જાય અને કામ કરે તે માટે હાકલ કરી હતી. આ બાબતના સંદર્ભમાં બંને પક્ષોએ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ (એસઈઆરબી) અને યુરોપિયન રિસર્ચ કાઉન્સિલ (ઈઆરસી) વચ્ચે થયેલી ગોઠવણનો અમલ કરવા અંગે લેવામાં આવેલા આખરી નિર્ણયોના અમલીકરણને બંને પક્ષોએ આવકાર્યા હતા.
  13. અણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ કરવાની બાબતમાં સહકાર સાધવા માટેના કરારો કરવા માટે અંતિમ નિર્ણય પર પહોંચવા યુરાટો અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીને પ્રોત્સાહન આપવા બંને પક્ષના નેતાઓએ જણાવ્યું હતું. આ પ્રકારનો સહકાર અણુ સલામતીમાં વધારો કરવામાં વધુ મોટો ફાળો આપશે અને પરસ્પર માટે તે લાભદાયી સાબિત થશે, તે બાબત પર બંને પક્ષના નેતાઓએ ભાર મૂક્યો હતો. બંને પક્ષો વચ્ચેના સહકારને પરિણામે તેમના દેશોમાં કાર્યકુશળતા (સ્કિલ્સ)માં સુધારો થશે તથા ઉર્જાનો ઉપયોગ કર્યા વિનાની ટેક્નોલોજીનો જળ, આરોગ્ય સંભાળ, પર્યાવરણની જાળવણી જેવા ક્ષેત્રોમાં અમલ કરવામાં આવશે. તેને પરિણામે સમાજને લાભ થશે.
  14. ફ્યુઝન એનર્જી વિકસાવવાના ક્ષેત્રમાં મજબૂત ભાગીદારી કરવા, તેઓ જે કરારમાં પક્ષકાર છે તે કરાર પ્રમાણે એટલે કે યુરાટમ ઇન્ડિયા કોઓપરેશન એગ્રીમેન્ટ ઓન ફ્યુઝન એનર્જી રિસર્ચ જેવા કરારોને બાબતે બંને પક્ષના દેશો વચ્ચે કરાર થાય તે માટે બંને પક્ષો સતત સક્રિય રહેશે.
  15. 2008ની સાલમાં કરવામાં આવેલા હોરિઝોન્ટલ સિવિલ એવિયેશન એગ્રીમેન્ટનો ધ્યાનપાત્ર અમલ ચાલુ થયો તેને બંને પક્ષના નેતાઓએ આવકાર્યો હતો. તેને પરિણામે ભારત અને યુરોપના દેશો વચ્ચેની હવાઈ પરિવહનના જોડાણોમાં વધારો થયો છે. તેને પરિણામે યુરોપિયન સંઘના દેશોના અને ભારતના લોકો વચ્ચેનો સંપર્ક વધ્યો છે. બિઝનેસ માટે ટ્રાવેલ કરનારાઓ અને પર્યટનના હેતુથી નીકળનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે..બંને પક્ષના નેતાઓએ પરિવહનના તમામ મોડેલમાં અને તેમાંય ખાસ કરીને દરિયાઇ તથા હવાઈ પરિવહન અને શહેરી વિસ્તારોમાં અવરજવર કરવા માટે અને રેલવેના માધ્યમથી અવરજવર કરવા માટેના ક્ષેત્રમાં ઊભી થયેલી નોંધપાત્ર તક અંગે પણ વિચાર કર્યો હતો.
  16. સ્કિલ (કાર્યકુશળતા)ના વિકાસમાં સહકાર સઘન બનાવવાને મુદ્દે ભારત અને યુરોપિયન સંઘના દેશો સહમત થયા હતા. તેમ જ ભારતીયોની કાર્યકુશળતા (સ્કિલ) વિકસાવવા માટે કરવામાં આવેલી પહેલ અને યુરોપિયન સંઘના દેશોએ યુરોપના લોકોની સ્કિલ વિકસાવવા માટે તૈયાર કરેલા એજન્ડા વચ્ચે એક સમાનતા આવે અને બંને એકબીજા માટે પૂરક બને તે માટે ગોઠવણ કરવા બંને પક્ષો સહમત થયા હતા.
  17. બંને પક્ષના નેતાઓએ ભારત-યુરોપિયન સંઘના દેશોના 2020ની સાલ માટેના એજન્ડાના ભાગરૂપે હાયર એજ્યુકેશનના ક્ષેત્રમાં સહકાર વધારવાની બાબત પણ ભાર મૂક્યો હતો. હાયર એજ્યુકેશનમાં ભારતના જીઆઈએએન(જ્ઞાન) પ્રોગ્રામ અને યુરોપિયન સંઘના દેશોના એરામસ પ્લસ પ્રોગ્રામ મારફતે આ સહકાર વધારવા પણ તેમણે ભાર મૂક્યો હતો. ઇરામસ પ્લસ પ્રોગ્રામે તાજેતરમાં જ તેનો 5000મો એલુમ્નિ દિન ઉજવ્યો હતો. આ ઉજવણીના પ્રસંગે તેમણે ભારતની ઘણી યુનિવર્સિટીઓને સંયુક્તપણે માસ્ટર્સની ડિગ્રીઓના કોર્સ ચલાવવા માટે નાણાંકીય સહાયની તક માટેની ઓફર પણ કરી હતી. યુરોપિયન સંઘના દેશો માટેના અભ્યાસોમાં જોઈન્ટ માસ્ટર્સ ઉપરાંત શોર્ટ ટર્મ મોબિલીટી, કેપેસિટો બિલ્ડિંગ માટેના પ્રોજકેટ્સ અને જિન મોન્નેટ એક્શનનો સમાવેશ થાય છે. બંને પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે ઇરામસ મોબિલીટી એક્શનની રચના કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં તેનો સૌથી વધુ લાભ મેળવનાર કોઈ હોય તો તે ભારત જ છે.
  18. ચોથી એપ્રિલ 2017ના દિને બ્રસેલ્સમાં માઈગ્રેશન – સ્થળાંતર અને મોબિલીટી અંગે યોજવામાં આવેલી ઉચ્ચ સ્તરીય ચર્ચાવિચારણાની બંને પક્ષોએ નોંધ લીધી હતી. માઈગ્રેશન અને મોબિલીટી અંગે અને તેમાંય ખાસ કરીને તકનિકી સહયોગના માધ્યમથી અને પરસ્પર રસના ક્ષેત્રો સહિતની બાબતોમાં બંને પક્ષો વચ્ચેના સમાન એજન્ડાને આગળ વધારવાને મુદ્દે સધાયેલી સમજૂતીને તેમણે આવકારી હતી. આ પગલું લેવા પાછળનો મૂળભૂત ઉદ્દેશ ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે માઈગ્રેશન અને મોબિલીટી વધુ સારી બને તે માટેનો છે.
  19. ભારત અને યુરોપિયન સંઘના દેશો વચ્ચે પર્યટકો, બિઝનેસ કરતી વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, સંશોધકોની આવનજાવન વધે તે માટેની સુવિધા વધારવા અને ભારત તથા યુરોપિયન સંઘના દેશોના લોકો વચ્ચે વિનિમય સઘન બને તે બાબતે બંને પક્ષના નેતાઓ સહમત થયા હતા. યુરોપિયન સંઘના દેશોમાં ઉચ્ચ લાયકાત ધરાવતા લોકો આસાનીથી જઈ શકે તેવા ધ્યેય સાથે જ યુરોપિયન સંઘ બ્લુ કાર્ડ સિસ્ટમમાં સુધારા કરવામાં આવી રહ્યા હોવાની બાબતની ભારતીય નેતાઓએ ખાસ નોંધ લીધી હતી.
  20. યુરોપિયન સંઘના દેશોના ભારત સાથેના રાજકીય સંબંધો અંગેના વિષય પરના અહેવાલને યુરોપની સંસદે સ્વીકૃતિ આપી હોવાની બાબતની નોંધ આ નેતાઓએ લીધી હતી. આ અહેવાલમાં ભારત અને યુરોપિયન સંઘના દેશોની સંસદના પ્રતિનિધિઓ વચ્ચેની આપ લેને સઘન બનાવવાની કરવામાં આવેલી ભલામણને આવકારવામાં આવી હતી. આ નેતાઓએ હવે બંને પક્ષના દેશો વચ્ચે વિદ્વાનો, વિચારશીલ માનવો અને સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળોના વિનિમયને સઘન બનાવવા પર મીટ માંડીને બેઠાં છે.

****

ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ 6, ઓક્ટોબર 2017ના ક્લિન એનર્જી અને ક્લાઈમેટ ચેન્જ અંગે કરેલું સંયુક્ત નિવેદન

 

ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ 6, ઓક્ટોબર 2017ના દિને ત્રાસવાદનો પ્રતિકાર કરવા માટે કરેલું સંયુક્ત નિવેદન

 

ભારત અને યુરોપિયન સંઘના નેતાઓએ 6, ઓક્ટોબર 2017 શહેરી વિસ્તારમાં ભાગીદારી કરવાને મુદ્દે કરેલું સંયુક્ત નિવેદન

 

NP/J.khunt/GP