પીએમઇન્ડિયા
આદરણીય અધ્યક્ષ મહોદયા, હું આપને તથા ગૃહના તમામ આદરણીય સભ્યોનો પણ આભાર વ્યક્ત કરૂં છું અને આપણે સૌ આજે ઓગષ્ટ ક્રાંતિને યાદ કરીને ગૌરવનો અનુભવ કરી રહ્યા છીએ. આજે આ ગૃહના પવિત્ર સ્થાન પર બેસવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણાંમાંથી ઘણાં લોકો એવા હશે કે જેમને કદાચ 9 ઓગષ્ટના રોજ યોજાયેલી ઓગષ્ટ ક્રાંતિ અંગેનું સ્મરણ હશે જ, પરંતુ તે પછી પણ આપણા માટે તેનું પુનઃસ્મરણ કરવાનું કારણ બની રહે છે અને તમામ લોકોના જીવનમાં આવી મહત્વપૂર્ણ ઘટનાઓનું વારંવાર સ્મરણ કરીને જીવનમાં પણ આવી ઘટનાઓના સ્મરણથી નવી તાકાત મળતી હોય છે. આવી ઘટનાઓ રાષ્ટ્ર જીવનને પણ નવી તાકાત આપે છે. સમાન પ્રકારે આપણી જે નવી પેઢી છે તેમના સુધી આ વાત પહોંચાડવાની પણ આપણી ફરજ બની રહે છે. પેઢી દર પેઢી ઈતિહાસના એક સુવર્ણ પૃષ્ઠોને, તે સમયના વાતાવરણને, તે સમયે મહાપુરૂષોએ આપેલા બલિદાનને, તેમની કામગીરીને, તેમના સામર્થ્યને આવનારી અનેક પેઢીઓ સુધી પહોંચાડવાની આપણી જવાબદારી બની રહે છે.
જ્યારે ઓગષ્ટ ક્રાંતિને 25 વર્ષ પૂરા થયા ત્યારે અને 50 વર્ષ પૂરા થયા ત્યારે દેશના તમામ લોકોએ આ ઘટનાઓને યાદ કરી હતી. આજે એ ઘટનાને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને હું આ પ્રસંગને ખૂબ જ મહત્વનો માનું છું અને એટલા માટે હું અધ્યક્ષ મહોદયાજીનો આભારી છું કે તેમણે આપણને આ અવસર પૂરો પાડ્યો છે.
દેશની આઝાદીના આંદોલનમાં 9 ઓગષ્ટ એ એક એવી ઘટના હતી કે તેના જેટલું વ્યાપક અને તેના જેટલું તિવ્ર આંદોલન થશે તેવી અંગ્રેજોએ પણ કલ્પના કરી નહોતી.
મહાત્મા ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓ જેલમાં ગયા હતા. આ એક એવી ક્ષણ હતી કે જ્યારે નવા નેતૃત્વએ જન્મ લીધો હતો. લાલબહાદુર શાસ્ત્રી, રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ જેવા ઘણાં અનેક યુવા આંદોલનકારીઓએ ખાલી પડેલી જગા ભરવાનો પ્રયાસ કર્યો હતો અને આ અવકાશ પૂરો કરીને આંદોલન આગળ ધપાવ્યું હતું. ઈતિહાસની આ તમામ ઘટનાઓ આપણાં લોકો માટે એક નવી પ્રેરણા, નવું સામર્થ્ય, નવો સંકલ્પ અને નવું કર્તૃત્વ જગાવવા માટે એક પ્રકારે અવસર બની જાય છે અને આપણાં લોકોનો પણ આવો જ, નિરંતર પ્રયાસ રહેવો જોઈએ.
1947માં દેશ આઝાદ થયો. એક રીતે જોઈએ તો 1857થી શરૂ કરીને 1947માં આઝાદી મળી ત્યાં સુધી આઝાદીના આંદોલનના અલગ અલગ મુકામ આવ્યા હતા. અલગ અલગ પ્રકારના પરાક્રમો થયા હતા. અલગ અલગ બલિદાન અપાયા હતા અને આંદોલનમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. અલગ અલગ વળાંકોમાં થઈને આ આંદોલન પસાર થયું, પરંતુ 1947માં આઝાદી મળી તે પહેલાં 1942ની આ ઘટના એક રીતે અંતિમ વ્યાપક આંદોલન અને અંતિમ વ્યાપક જન સંઘર્ષ બની રહ્યું હતું. આ જન સંઘર્ષ દ્વારા આઝાદી માટે દેશના લોકોને માત્ર સમયની જ પ્રતિક્ષા હોય તેવી સ્થિતિ પેદા થઈ હતી. અને જ્યારે આપણે આઝાદીના આ આંદોલનની તરફ નજર નાંખીએ છીએ ત્યારે 1942ની ચળવળ દ્વારા એક મંચ તૈયાર થયો હતો. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સાથે દેશના દરેક ખૂણામાંથી આઝાદીનું બ્યૂગલ વાગવા માંડ્યું હતું અને એ પછી મહાત્મા ગાંધીજી વિદેશથી પાછા ફર્યા, લોકમાન્ય તિલકનું પૂર્ણ સ્વરાજ્ય અને ‘સ્વારાજ્ય મારો જન્મ સિધ્ધ અધિકાર છે‘ એવો ભાવ પ્રગટ કરવામાં આવ્યો હતો. 1930માં મહાત્મા ગાંધીજીએ દાંડી માર્ચ કરી હતી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા આઝાદી ફોજની સ્થાપના કરવામાં આવી. અનેક યુવાનો વીર ભગત સિંહ, સુખદેવ, રાજગુરૂ, ચંદ્રશેખર આઝાદ, ચાફેકર ભાઈઓ વગેરે અગણિત યુવાનોએ જે તે સમયે બલિદાન આપ્યા હતા. આ બધી ઘટનાઓ પછી એક પૂર્વભૂમિકા રચાઈ હતી અને તે પૂર્વભૂમિકાનું પરિણામ એ આવ્યું કે 1942માં લોકો એક સાથે એક અવાજે બોલવા લાગ્યા હતા કે અત્યારે નહીં તો ક્યારેય નહીં. આજે નહીં થાય તો કોઈ દિવસ નહીં થાય તેવો દેશવાસીઓનો મિજાજ બની ગયો હતો અને તેના કારણે એ આંદોલનમાં દેશના નાના- મોટા લોકો જોડાઈ ગયા હતા. ક્યારેક લાગતું હતુ કે રાજાજીનું આંદોલન ભદ્ર વર્ગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ 1942ની એ ઘટના સમયે દેશનો કોઈ ખૂણો એવો નહોતો કે અને દેશનો કોઈ વર્ગ એવો નહોતો, તથા દેશનો કોઈ સામાજીક વર્ગ એવો નહોતો કે તેમણે આ આંદોલનને પોતાનું માન્યું ન હોય. બધા ગાંધીજીના શબ્દો ઉપાડીને ચાલી નિકળ્યા હતા. આ એ આંદોલન હતું કે જ્યારે આખરી સ્વરૂપે કહેવામાં આવ્યું કે ભારત છોડો. અને સૌથી મોટી વાત એ હતી કે મહાત્મા ગાંધીના સમગ્ર આંદોલન દરમિયાન જે ભાવ પ્રગટ થઈ શક્યો ન હતો, ગાંધીજીના સમગ્ર ચિંતન, મનન અને આચરણને જોઈએ તો તેની તુલનામાં આ એક અલગ બાબત હતી. આ મહાપુરૂષે કહ્યુ કે કરેંગે યા મરેંગે. ગાંધીજીના મુખમાંથી આવા શબ્દો નિકળે તે એક અજાયબ બાબત હતી. અને એ સમયે ગાંધીજીએ પણ કહેવું પડ્યું હતુ અને તેમણે કહ્યું હતું કે “આજથી આપ સૌ દરેક વ્યક્તિએ પોતાને એક સ્વતંત્ર મહિલા અથવા પુરૂષ સમજવાના છે અને એ પ્રકારે કામ કરવાનું છે કે જાણે તમે સ્વતંત્ર છો. મને પૂર્ણ સ્વતંત્રતાથી ઓછી કોઈપણ બાબતથી સંતોષ નહીં થાય. આપણે કરીશું અથવા મરીશું.” બાપુના આ શબ્દો હતા અને બાપુએ સ્પષ્ટ પણ કર્યું હતું કે મેં મારા અહિંસાના માર્ગને છોડ્યો નથી, પરંતુ આજે સ્થિતિ એ થઈ છે અને એ સમયે સામાન્ય લોકોનુ દબાણ એવું હતું કે બાપુ માટે પણ તેનું નેતૃત્વ સંભાળીને એ લોક ભાવનાઓને અનુકૂળ આવા શબ્દોનો પ્રયોગ કરવો પડ્યો હતો.
હું સમજું છુ કે તે સમયે સમાજ તમામ વર્ગો જોડાયા હશે. ગામડાં હોય, ખેડૂતો હોય, મજૂરો હોય, શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ હોય. તમામ લોકો આ લોક આંદોલન સાથે જોડાઈ ગયા અને કરેંગે યા મરેંગેનો નારો લગાવ્યો. બાપુ તો એટલે સુધી કહેતા હતા કે અંગ્રેજોની હિંસાને કારણે કોઈપણ વ્યક્તિ શહિદ થાય તો તેના શરીર પર લખવું જોઈએ કે કરેંગે યા મરેંગે. અને એવા લોકો આ આંદોલનના શહિદ છે. બાપુએ આ રીતે આ આંદોલનને એક ઉંચાઈ સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને તેનું પરિણામ એ આવ્યું કે ભારત ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયું. દેશ આ મુક્તિ માટે તડપી રહ્યો હતો. નેતા હોય કે નાગરિક, કોઈની પણ ભાવનાની તિવ્રતામાં તસુ માત્ર પણ અંત નહોતું. અને હું સમજું છુ કે દેશ જ્યારે ઉભો થાય છે ત્યારે અને સામુહિકતા દ્વારા શક્તિ પેદા થાય છે ત્યારે લક્ષ્ય નિર્ધારિત હોય છે અને નિર્ધારિત લક્ષ્ય પર ચાલવા માટે લોકો પ્રતિજ્ઞાબધ્ધ થઈને ચાલી નિકળતા હોય છે. આ રીતે 1942 થી 1947 સુધીના 5 વર્ષ દરમિયાન બેડીઓ ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી અને મા ભારતી પણ આઝાદ બની ગઈ. અને એટલા માટે જ એ સમયે રામવૃક્ષ બેનિપુરીએ એક પુસ્તક લખ્યું હતું. ‘જંજીરેં ઔર દિવારે’ માં એમણે જે રજૂઆત કરી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે એક અદ્દભૂત વાતાવરણ સમગ્ર દેશમાં છવાઈ ગયું હતું. દરેક વ્યક્તિ નેતા બની ગયો હતો અને દેશના તમામ ચૌરા કરો યા મરો આંદોલનની જાણે કે ઓફિસ બની ગઈ હતી. દેશે પોતાને ક્રાંતિના હવન કુંડમાં હોમ્યો હતો. દેશમાં ક્રાંતિની જ્વાળાઓ ભડભડ સળગી રહી હતી. મુંબઈએ રસ્તો બતાવી આપ્યો. આવવા- જવાના તમામ સાધનો ઠપ્પ થઈ ગયા હતા. કચેરીઓ ઉજ્જડ થઈ ગઈ હતી. ભારતનાં લોકોની વીરતા અને બ્રિટીશ સરકારના અત્યાચારના સમાચારો ઠેર ઠેર પહોંચી રહ્યા હતા. પ્રજાએ કરો યા મરોના ગાંધીવાદી મંત્રને સારી રીતે દિલમાં સ્વિકારી લીધો હતો.
જ્યારે આપણે એ પુસ્તકમાંથી તે સમયનું વર્ણન વાંચીએ છીએ, ત્યારે એ સમયે કેવું વાતાવરણ હશે તેની જાણકારી મળે છે. આ ઘટનાએ એ વાત સાચી પુરવાર કરી કે બ્રિટિશ સંસ્થાનવાદની શરૂઆત હિંદુસ્તાનમાંથી થઈ હતી અને આ ઘટના પછી તેનાં અંતની શરૂઆત પણ પણ હિંદુસ્તાનમાંથી જ થઈ હતી. ભારતનું આઝાદ થવું એ ફક્ત ભારતની આઝાદી નહોતી, પણ 1942 પછી વિશ્વનાં જે જે વિસ્તારોમાં સંસ્થાનવાદ હતો ત્યાં સ્વતંત્રતાની મશાલ ઝળહળી ઊઠી હતી. આફ્રિકાનાં દેશોમાં સંસ્થાનવાદ સામે લડાઈ શરૂ થઈ હતી અને તેનું પ્રેરણાકેન્દ્ર ભારત બન્યો હતો. એટલે ભારતે ફક્ત પોતાનાં માટે આઝાદી મેળવી નહોતી, પણ વિશ્વનાં અનેક દેશોમાં આઝાદીની લડતને પ્રેરણા આપી હતી. ભારતનાં જનસાધારણનાં સંકલ્પ અને તેનાં નેતૃત્વએ અન્ય ગુલામ દેશોને લડવા માટે જુસ્સો જગાવ્યો હતો. કોઈ પણ ભારતીયને આ વાતનો ગર્વ થાય. આપણે જોયું છે કે ભારત આઝાદ થયા પછી સંસ્થાનવાદની ઇમારતનાં કાંગરા એક પછી એક ખરતાં ગયાં અને આઝાદીની મશાલ દુનિયાનાં ખૂણેખૂણે પ્રજ્વલ્લિત થઈ હતી. થોડાં જ વર્ષોમાં દુનિયાનાં તમામ દેશોને સ્વતંત્રતા મળી ગઈ. આ ભારતની પ્રબળ ઇચ્છાશક્તિનું શ્રેષ્ઠ પરિણામ હતું એ દર્શાવે છે. આપણાં માટે શીખવા જેવી બાબત એ છે કે જ્યારે આપણે સંકલ્પ સાથે સંપૂર્ણ શક્તિ સાથે નિર્ધારિત લક્ષ્ય મેળવવા માટે એકજૂથ થઈએ છીએ, ત્યારે આપણાં દેશની તાકાત એ છે કે આપણે દેશને સંકટમાંથી બહાર કાઢી શકીએ છીએ, દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવી શકીએ છીએ, દેશને નવા લક્ષ્યની પ્રાપ્તિ માટે તૈયાર કરી શકીએ છીએ. ઇતિહાસ તેનો સાક્ષી છે અને એટલે એ સંપૂર્ણ આંદોલનને, પૂજ્ય બાપૂનાં વ્યક્તિત્વને રાષ્ટ્રકવિ સોહનલાલ દ્વિવેદીની કવિતાએ સારી રીતે પ્રકટ કરી છે, જેમાં બાપૂનું સામર્થ્ય વ્યક્ત થયું છે. તેમણે કવિતામાં કહ્યું હતું
चल पड़े जिधर दो डग, मग में
चल पड़े कोटि पग उसी ओर
गड़ गई जिधर भी एक दृष्टि
गड़ गए कोटि दृग उसी ओर
કહેવાનો અર્થ એ છે કે ગાંધી જે દિશામાં બે કદમ ચાલ્યાં હતાં તે દિશામાં આપમેળે કરોડો લોકો જોડાઈ ગયા હતાં. ગાંધીજીની દ્રષ્ટિ જેનાં પર પડતી હતી તેની સામે કરોડો આંખો જોતી હતી અને એટલે આજે જ્યારે વર્ષ 2017માં આપણી પાસે ગાંધી નથી, આજે આપણી પાસે એ સમયે હતું તેવું નેતૃત્વ નથી, પણ આપણે એ વાતનો ઇનકાર ન કરી શકીએ કે આપણે સવા સો કરોડ દેશવાસીઓ ખભેખભો મિલાવીને એ સ્વપ્નોને સાકાર કરવાનો પ્રયાસ કરીએ તો મારું માનવું છે કે ગાંધીજીનાં સ્વપ્નોને, એ સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સ્વપ્નોને સાકાર કરવાનું મુશ્કેલ નથી. અત્યારે સ્થિતિ-સંજોગો ભારત માટે અનુકૂળ છે, જે વર્ષ 1942નાં વૈશ્વિક સ્થિતિ-સંજોગોમાં હતાં. અત્યારે આપણે ભારત છોડો આંદોલનનાં 75 વર્ષ પૂર્ણ કર્યા છે. તે સમયે ભારત માટે સાનુકૂળ સમય હતો. તે સમયે આપણે વિશ્વનાં અનેક દેશો માટે પ્રેરણાનું કારણ બન્યાં હતાં. આજે પણ આપણે વિશ્વનાં અનેક દેશો માટે ઉપયોગી પુરવાર થઈ શકીએ, પ્રેરણાનું કારણ બની શકીએ. 1942 અને 2017 – બંનેમાં વૈશ્વિક સ્થિતિસંજોગોમાં ભારત માટે સમાન તકો છે. મારું માનવું છે કે ઇતિહાસનાં એ પ્રકરણમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. આપણા માટે પક્ષ કરતાં દેશ મોટો હોવો જોઈએ, રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોવી જોઈએ. આપણે વ્યક્તિગત પ્રાથમિકતાઓને સ્થાને સવાસો કરોડ દેશવાસીઓની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી જોઈએ. જો આપણે આ ભાવના સાથે આગળ વધીશું, તો આપણે હાલની સમસ્યાઓનું સમાધાન સફળતાપૂર્વક મેળવી શકીશું.
આપણે એ વાતનો ઇનકાર ન કરી શકીએ કે ભ્રષ્ટાચારરૂપી ઊધઈએ દેશને બરબાદ કરી નાંખ્યો છે. પછી એ ભ્રષ્ટાચાર રાજકીય હોય, સામાજિક હોય કે વ્યક્તિગત હોય. કોણે ભ્રષ્ટાચાર કર્યો, ક્યારેય કર્યો એ પ્રકારનાં વાદવિવાદ માટે બહુ સમય છે, પણ આપણે અત્યારે પ્રમાણિકતાનો ઉત્સવ મનાવી શકીએ. આપણે ઇમાનદારીનો સંકલ્પ લઈને દેશનું નેતૃત્વ કરી શકીએ. આ સમયની માંગ છે, દેશનાં સામાન્ય નાગરિકની માંગ છે. ગરીબી, કુપોષણ, શિક્ષાનો અભાવ – આ પડકારો આપણી સામે છે. આ પડકારોને આપણે સરકારનાં પડકારો ન ગણીએ તો દેશનાં ગરીબો સામે સંકટ ઊભું થશે અને એટલે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરવાનો દાવો કરતાં આપણાં બધાની જવાબદારી છે કે આ તમામ સમસ્યાઓનું સમાધાન કરીએ. 1942માં પણ અલગઅલગ વિચારધારા ધરાવતા લોકો હતાં. હિંસામાં વિશ્વાસ ધરાવતાં લોકો હતાં. નેતાજી સુભાષચંદ્રની વિચારધારા અલગ હતી. પણ 1942માં બધાએ એકસૂરે કહ્યું હતું કે, તમારે ગાંધીજીનાં નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં જોડાવાનું છે અને આ જ આપણો માર્ગ છે.
આપણું પાલનપોષણ પણ અલગઅલગ વિચારધારામાં થયું છે. પણ સમયની માંગ છે કે આપણે દેશની કેટલીક સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા એક થઈએ. પછી એ સમસ્યા ગરીબીની હોય, ભૂખમરાની હોય, બેરોજગારીની હોય કે શિક્ષણનાં અભાવની હોય. મહાત્મા ગાંધીનું ગ્રામ સ્વરાજનું સ્વપ્ન વિસરાઈ ગયું. તેનું કારણ એ હતું કે લોકોએ ગામ છોડીને શહેર તરફ દોટ મૂકી છે. ગાંધીજીનાં મનમાં ગ્રામ સ્વરાજની જે કલ્પના હતી, ગામની જે ચિંતા હતી, તે આપણે આપણી અંદર પુનર્જીવિત કેમ ન કરી શકીએ. ગામનાં ગરીબ ખેડૂત, દલિત, પેઢીઓથી શોષિત અને વંચિત નાગરિક માટે, તેનાં જીવન માટે આપણે કેમ કશું કરી ન શકીએ. આપણે મળીને કરવાની જરૂર છે. આ સવાલો મારાં અને તમારાં નથી, આ સવાલો આરપારનાં નથી, આ સવાલો આપણાં બધાનાં, સવા સો કરોડ દેશવાસીઓનાં છે. સવા સો કરોડ દેશવાસીઓનાં જનપ્રતિનિધિઓનાં છે અને આ જ સમયે આપણને કશું કરવાની પ્રેરણા આપે છે, શક્તિ આપે છે અને તેને લઈને આપણે આગળ વધી શકીએ. આપણે એ પણ જાણીએ છીએ કે દેશમાં જાણેઅજાણે અધિકારની ભાવના પ્રબળ બની રહી છે અને ફરજની ભાવના ઓસરી રહી છે. રાષ્ટ્રજીવનની અંદર, સમાજની અંદર અધિકાર જેટલો જ મહાત્મ્ય ફરજનું છે. તેને આપણે થોડી ઓછી આંકીશું તો સમાજ જીવનમાં મોટી મુશ્કેલીઓ પેદા થશે અને કમનસીબે આપણાં બધાનાં જીવનમાં, જીવનશૈલીમાં કેટલીક બાબતો એવી ઘુસી ગઈ છે, જેને હવે આપણે ખોટી ગણતા નથી. હું ખોટું કરું છું એવી ભાવના જ રહી નથી. જો હું ચાર રસ્તે લાલ લાઇટ હોવા છતાં સિગ્નલ ભંગ કરીને પસાર થઈ જાઉઁ તો પણ હું કાયદાનું ઉલ્લંઘન કરું છું, હું ગમે ત્યાં થુંકું છું, તો પણ આપણે ખોટું કરી રહ્યાંનો ગ્લાનિભાવ અનુભવતા નથી. કાયદા-કાનૂનનું ઉલ્લંઘન કરવો આપણો સ્વભાવ થઈ ગયો છે. નાની નાની ઘટનાઓ હિંસાઓ તરફ લઈ જઈ રહી છે. હોસ્પિટલમાં કોઈ દર્દીને કશું થયું તો એ માટે ડોક્ટર અને હોસ્પિટલને દોષિત ઠેરવીને દર્દીનાં સગાસંબંધીઓ હોસ્પિટલને આગ ચાંપી દે છે. ડોક્ટર સાથે મારપીટ કરે છે. અકસ્માત થાય તો કાર સળગાવી દઈએ છીએ, ડ્રાઇવરને મારીએ છીએ. આ બધી ઘટનાઓ કાયદાનું પાલન કરતાં નાગરિકના નાતે યોગ્ય નથી. આપણે માનવા લાગ્યા છીએ કે આપણાથી કંઈક છૂટી ગયું છે. આપણી જીવનશૈલીમાં કેટલીક બાબતો એવી ઘુસી ગઈ છે કે આપણને લાગતું જ નથી કે આપણે કાયદાનો ભંગ કરી રહ્યા છીએ, એટલે નેતૃત્વની એ જવાબદારી હોય છે સમાજની અંદર આપણા સૌની જવાબદારી બને છે કે સમાજની અંદર પ્રસરી ગયેલા આ દોષોને દૂર કરીને સમાજની અંદર ફરજની ભાવના જગાવવી જોઈએ!
શૌચાલય સ્વચ્છતા તે વિષય મજાકનો નથી, તે મા-બહેનોની મુશ્કેલી સમજો ત્યારે ખબર પડે છે કે જ્યારે શૌચાલય નથી હોતું તો રાતના અંધારાની રાહમાં સમય દિવસે કેવી રીતે વિતાવવો પડે છે અને એટલા માટે જ શૌચાલય બનાવવું એક કામ છે પરંતુ સમાજની માનસિકતા બદલીને શૌચાલયનો ઉપયોગ કરવો તે જનસામાન્યના શિક્ષણ માટે જરૂરી છે. તે બાબતને આપણે જગાવવી પડશે અને તે ભાવ કાયદાઓથી નથી આવતો, કાયદો બનાવવાથી નથી આવતો. કાયદો માત્ર મદદ કરી શકે છે પરંતુ કર્તવ્ય ભાવ જગાડવાથી કંઇક વધારે થઇ શકે છે અને એટલા માટે આપણે લોકોએ કરવું પડશે. આપણા દેશની માતાઓ બહેનો દેશની અંદર ઓછામાં ઓછું દેશની ઉપર જે તેમનો ભાર છે.
દેશને ઓછામાં ઓછો જેમનો બોજ વહન કરવો પડે છે, તે જો કોઈ વર્ગ છે તો આ દેશની માતાઓ બહેનો છે, મહિલાઓ છે. તેમનું સામર્થ્ય આપણને કેટલી તાકાત આપી શકે તેમ છે તેમની ભાગીદારી આપણા વિકાસની અંદર આપણને કેટલું બળ આપી શકે છે. સમગ્ર આઝાદીના આંદોલનમાં જુઓ, મહાત્મા ગાંધીની સાથે આંદોલન આ જ્યાં પણ થયું અનેક એવી માતાઓ બહેનો તે આંદોલનનું નેતૃત્વ કરી રહી હતી અને દેશને આઝાદી અપાવવામાં પણ આપણી માતાઓ બહેનોનું તે યુગમાં તેટલું જ યોગદાન હતું. આજે પણ રાષ્ટ્રના જીવનમાં તેમનું એટલું જ યોગદાન છે. તેને આગળ વધારવા માટેની દિશામાં આપણે લોકોએ કર્તવ્યપૂર્ણ રીતે આગળ વધવું જોઈએ.
એ વાત સાચી છે કે 1857 થી 1942, આપણે જોયું છે કે આઝાદીનું આંદોલન જુદા જુદા મુકામો પરથી પસાર થયું, ઉતાર ચડાવ આવ્યા, જુદા જુદા વળાંકો આવ્યા, નેતૃત્વ આવ્યા, નવા નવા આવતા ગયા, ક્યારેક ક્રાંતિનો પક્ષ ઉપર થઇ ગયો તો ક્યારેક અહિંસાનો પક્ષ ઉપર થઇ ગયો. ક્યારેક બંને પક્ષો વચ્ચે અથડામણનો પણ માહોલ રહ્યો, ક્યારેક બંને પ્રવાહો એકબીજાના પુરક પણ બન્યા. પરંતુ આપણે જોયું છે કે આ સમગ્ર 1857 થી 1942નો સમયગાળો આપણે જોઈએ, એક પ્રકારે વૃદ્ધિવાળો હતો. ધીમે ધીમે વધતો હતો, ધીમે ધીમે ફેલાતો હતો, ધીમે ધીમે લોકો જોડાતા હતા. પરંતુ ઓગણીસો બેંતાલીસથી ઓગણીસો સુડતાલીસમાં તે વૃદ્ધિદરવાળો બદલાવ નહોતો. એક વિચ્છેદનું વાતાવરણ હતું અને તેણે બધા જ સમીકરણોને પુરા કરીને આઝાદી આપવા માટે અંગ્રેજોને મજબુર કરી નાખ્યા, જવા માટે મજબુર કરી દીધા. 1857 થી 1942, ધીમે ધીમે કઈક થયા કરતું હતું, ચાલતું રહતું હતું પરંતુ બેંતાલીસથી સુડતાલીસમાં તે પરિસ્થિતિ નહોતી.
આપણે પણ જોઈએ, સમાજ જીવનમાં આપણે પાછલા 100 200 વર્ષનો ઈતિહાસ જોઈએ તો વિકાસની યાત્રા એક વૃદ્ધિગત રહી હતી. ધીમે ધીમે દુનિયા આગળ વધી રહી હતી, ધીમે ધીમે દુનિયા પોતાને બદલી રહી હતી. પરંતુ પાછલા 30 40 વર્ષમાં દુનિયામાં અચાનક બદલાવ આવ્યો છે, જીવનમાં અચાનક પરિવર્તન આવ્યું છે અને ટેકનોલોજીએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. કોઈ કલ્પના નથી કરી શકતું જે આ 30-40 વર્ષમાં દુનિયામાં જે બદલાવ આવ્યો છે; ૩૦-40 વર્ષ પહેલા આપણને નજરમાં પણ નહોતો આવતો. એક વિચ્છેદવાળો એક હકારાત્મક બદલાવ આપણે અનુભવ કરીએ છીએ.
જે રીતે વૃદ્ધિગતથી બહાર નીકળીને એક સરવાળાથી એક ઊંચા કુદકા તરફ જતા રહ્યા, હું સમજુ છું કે 2017 (બે હજાર સત્તર), 2022 (બે હજાર બાવીસ), હિન્દ છોડોના 75 વર્ષ અને આઝાદીના 75 વર્ષની વચ્ચેના પાંચ વર્ષ, બેતાલીસથી સુડતાલીસનો જે મિજાજ હતો, તે જ મિજાજ જો આપણે ફરીથી ઉત્પન્ન કરીએ, બે હજાર સત્તરથી બે હજાર બાવીસ, આઝાદીના 75 વર્ષ ઉજવીશું ત્યારે, ત્યારે આપણે દેશના, આપણા આઝાદીના વીરોની જે કામનાઓ હતી, તે સપનાઓને પુરા કરવા માટે આપણે પોતાની જાતને ખપાવી દઈશું. આપણે આપણા સંકલ્પને લઈને આગળ વધીશું. મને વિશ્વાસ છે કે માત્ર આપણા દેશની જ ભલાઈ નહી થાય, પરંતુ જે રીતે બેતાલીસથી સુડતાલીસની સફળતાના કારણે દુનિયાના અનેક દેશોને લાભ મળ્યો હતો, આઝાદીની ચાહના ઉત્પન્ન થઇ હતી, તાકાત મળી હતી, ભારતને આજે દુનિયાના અનેક દેશો, એક ભાગ એવો છે જે ભારતને તે રૂપમાં જોઈ રહ્યો છે. જો આપણે ભારતને બે હજાર સત્તરથી બે હજાર બાવીસ, કે જે આપણા લોકોની જવાબદારીનો કાલખંડ છે. જો આપણે વિશ્વની સામે ભારતને તે ઉંચાઈ ઉપર લઈને જઈએ છીએ તો વિશ્વનો એક બહુ મોટો સમુદાય છે, કે જે નેતૃત્વની શોધમાં, મદદની શોધમાં છે, કોઈકના પ્રયોગોથી શીખવા માંગે છે; ભારત તેની પૂર્તિ માટે સામર્થ્યવાન છે; જો તેને કરવા માટે આપણે પ્રયત્ન કરીએ, હું સમજુ છું કે દેશની ઘણી મોટી સેવા થશે. અને એટલા માટે જ એક સામુહિક ઈચ્છાશક્તિ જગાડવી, દેશને સંકલ્પબદ્ધ કરવો, દેશના લોકોને સાથે જોડીને ચાલવું અને આ પાંચ વર્ષના મહત્વને જો આપણે આગળ વધારીએ તો મને વિશ્વાસ છે કે આપણે કેટલાક મુદ્દાઓ પર સહમતી બનાવીને ઘણું મોટું કામ કરી શકીએ તેમ છીએ.
આપણે હમણાં હમણાં જ જોયું જીએસટી, અને આ હું વારે વારે કહું છું, આ મારું માત્ર રાજનૈતિક વિધાન નથી, આ મારી માન્યતા છે. જીએસટીની સફળતા કોઈ સરકારની સફળતા નથી. જીએસટીની સફળતા આ સદનમાં બેઠેલા લોકોની ઈચ્છાશક્તિનું પરિણામ છે. ભલે અહિયાં બેઠા હોય કે ત્યાં બેઠા હોય, તે બધાને જાય છે, રાજ્યોને જાય છે, દેશના સામાન્ય વેપારીને જાય છે, અને તેના લીધે જ તે શક્ય બન્યું છે. જે દેશના રાજનૈતિક નેતૃત્વ પોતાની પ્રતિબદ્ધતાના લીધે આટલું મોટું કામ કરી લે છે, દુનિયા માટે આ અજાયબી છે. જીએસટી વિશ્વ માટે ઘણી મોટી અજાયબી છે, તેના માનાંકને જોઇને, જો આ દેશ આ કરી શકે છે તો બાકીના નિર્ણયો પણ તે જોઇને સાથે મળીને બેસીને કરી શકે છે. અને સવા સો કરોડ દેશવાસીઓના પ્રતિનિધિના રૂપમાં સવા સો કરોડ દેશવાસીઓનો સાથ લઈને 2022નો સંકલ્પ લઈને જો આપણે આગળ વધીશું, મને વિશ્વાસ છે કે જે પરિણામ આપણે લાવવું છે તે પરિણામ આપણે લાવીને રહીશું.
મહાત્મા ગાંધીએ નારો આપ્યો હતો કરો અથવા મરો, તે સમયનું સૂત્ર હતું, કરીશું અથવા મરીશું. આજે 2017માં 2022નું ભારત કેવું હશે, તે સંકલ્પને લઈને જો ચાલવાનું છે તો આપણે લોકોએ પણ આપણે સૌએ સાથે મળીને દેશમાંથી ભ્રષ્ટાચાર દુર કરીશું અને કરીને રહીશું. આપણે સૌ મળીને ગરીબોને તેમનો અધિકાર અપાવીશું, અને અપાવીને રહીશું. આપણે સૌ મળીને નવયુવાનોને રોજગારીની વધુ તકો આપીશું અને આપીને રહીશું. આપણે સૌ મળીને દેશમાંથી કુપોષણની સમસ્યાને ખતમ કરીશું અને કરીને રહીશું. આપણે સૌ મળીને મહિલાઓને આગળ વધતા રોકતા બધા જ બંધનોને ખતમ કરીશું અને કરીને રહીશું. આપણે સૌ મળીને દેશમાંથી અશિક્ષા ખત્મ કરીશું અને કરીને રહીશું. અને અન્ય પણ બીજા અનેક વિષયો હોઈ શકે છે, પરંતુ તે સમયનો મંત્ર હતો કે કરીશું અથવા મરીશું, તો આઝાદ હિન્દુસ્તાનમાં 75 વર્ષ પછી આઝાદીનું પર્વ ઉજવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે કરીશું અને કરીને રહીશું, તે સંકલ્પને લઈને આપણે આગળ વધીએ. આ સંકલ્પ કોઈ પક્ષનો નથી, આ સંકલ્પ સવા સો કરોડ દેશવાસી, સવા સો કરોડ દેશવાસીઓના જન પ્રતિનિધિ, તે સૌનો મળીને જ્યારે સંકલ્પ બનશે તો મને વિશ્વાસ છે કે સંકલ્પથી સિદ્ધિના આ પાંચ વર્ષ, 2017થી 2022, આઝાદીના 75 વર્ષ, આઝાદીના દીવાનાઓના સપના પુરા કરવાનો સામર્થ્યવાન સમય, તેને આપણે પ્રેરણાનું કારણ બનાવીએ. આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પર તે મહાપુરુષોના સ્મરણ કરીને, તેમના ત્યાગ, તપસ્યા, બલિદાનનું સ્મરણ કરીને, તે પુણ્ય સ્મરણ કરીને તે પુણ્ય સ્મરણથી આશીર્વાદ માંગીને આપણે સૌ મળીને કેટલીક વાતો ઉપર સહમતી બનાવીને દેશને નેતૃત્વ આપીએ, દેશને સમસ્યાઓથી મુક્ત કરીએ. સપનાઓ, સામર્થ્ય, શક્તિ અને લક્ષ્યની પૂર્તિ માટે આગળ વધીએ, આ જ એક અપેક્ષા સાથે હું ફરી એકવાર અધ્યક્ષ મહોદયાજી, હું આપનો આભાર પ્રગટ કરું છું અને આઝાદીના દીવાનાઓને નમન કરું છું.
J.Khunt/TR
This is a special occasion - we remember the Quit India movement. Remembering such movements gives us strength as a nation: PM
— PMO India (@PMOIndia) August 9, 2017
It is important for the younger generation to know about historical events like the Quit India movement: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 9, 2017
The Quit India movement marked the rise of a new leadership. They supported Mahatma Gandhi during the movement: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 9, 2017
The Indian freedom struggle witnessed participation from a wide range of individuals over several years: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 9, 2017
People followed the clarion call of Mahatma Gandhi of 'Do or Die' : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 9, 2017
Our freedom was not only about our country. It was a defining moment in bringing an end to colonialism in other parts of the world too: PM
— PMO India (@PMOIndia) August 9, 2017
The menace of corruption has adversely impacted our development journey: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 9, 2017
Poverty, lack of education & malnutrition - these are big challenges our nation faces. We need to bring a positive change in this regard: PM
— PMO India (@PMOIndia) August 9, 2017
In the freedom struggle of India, the role of women was important: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 9, 2017
In the freedom struggle of India, the role of women was important: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 9, 2017
In 1942 the clarion call was 'Karenge Ya Marenge' - today it is 'Karenge Aur Kar Ke Rahenge.' These 5 years are about #SankalpSeSiddhi: PM
— PMO India (@PMOIndia) August 9, 2017