Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત-યુરોપિયન યુનિયન સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

ભારત-યુરોપિયન યુનિયન સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન


યોર એક્સેલન્સીસ,

પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા અને પ્રેસિડેન્ટ ઉર્સુલા ફોન ડેર લેયન,

બંને દેશોના પ્રતિનિધિઓ,

મીડિયાના સાથીઓ,

નમસ્કાર!

મારા બે નજીકના મિત્રો, પ્રેસિડેન્ટ કોસ્ટા અને પ્રેસિડેન્ટ ઉર્સુલા ફોન ડેર લેયનનું આ અભૂતપૂર્વ ભારત યાત્રામાં સ્વાગત કરતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. કોસ્ટા જી તેમની સરળ જીવનશૈલી અને સમાજ પ્રત્યેના પ્રેમને કારણે “લિસ્બનના ગાંધી” તરીકે ઓળખાય છે. અને ઉર્સુલા જી માત્ર જર્મનીના પ્રથમ મહિલા સંરક્ષણ મંત્રી જ નહીં, પણ યુરોપિયન યુનિયન કમિશનના પણ પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બનીને સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણા છે.

ગઈકાલ એક ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે પ્રથમ વખત યુરોપિયન યુનિયનના નેતાઓ, ભારતના પ્રજાસત્તાક દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. આજે, બીજી એક ઐતિહાસિક ક્ષણ છે, જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓ તેમના સંબંધોમાં એક નિર્ણાયક પ્રકરણ ઉમેરી રહી છે.

મિત્રો,

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, આર્થિક સમન્વય અને મજબૂત લોકો-થી-લોકોના સંબંધોના આધારે આપણી ભાગીદારી નવી ઊંચાઈઓ પર પહોંચી રહી છે. આજે આપણી વચ્ચે 180 બિલિયન યુરોનો વેપાર છે. આઠ લાખથી વધુ ભારતીયો, યુરોપિયન યુનિયનના દેશોમાં રહી રહ્યા છે અને સક્રિય યોગદાન આપી રહ્યા છે. આપણે વ્યૂહાત્મક ટેકનોલોજીથી લઈને ક્લીન ઊર્જા, ડિજિટલ ગવર્નન્સથી લઈને ડેવલપમેન્ટ ભાગીદારી સુધી, દરેક ક્ષેત્રમાં સહયોગના નવા આયામો સ્થાપિત કર્યા છે. આ જ સિદ્ધિઓના આધારે, આજની સમિટમાં આપણે સમાજના તમામ વર્ગોને લાભ પહોંચાડનારા અનેક નિર્ણયો લીધા છે.

મિત્રો,

આજે ભારતે તેના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો મુક્ત વેપાર કરાર (Free Trade Agreement – FTA) સંપન્ન કર્યો છે. આજે 27 તારીખ છે અને આ એક સુખદ સંયોગ છે કે આજના જ દિવસે, યુરોપિયન યુનિયનના 27 દેશો સાથે ભારત આ FTA કરી રહ્યું છે. આ ઐતિહાસિક સમજૂતી – આપણા ખેડૂતો, આપણા નાના ઉદ્યોગોની યુરોપિયન માર્કેટ સુધીની પહોંચ સરળ બનાવશે, ઉત્પાદનમાં નવી તકો પેદા કરશે અને આપણા સર્વિસીસ ક્ષેત્રો વચ્ચેના સહયોગને વધુ પ્રબળ બનાવશે. એટલું જ નહીં, FTA, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના રોકાણને વેગ આપશે, નવી ઇનોવેશન ભાગીદારી બનાવશે અને વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇનને મજબૂત કરશે. એટલે કે આ માત્ર વેપાર કરાર નથી. આ સહિયારી સમૃદ્ધિની નવી બ્લુપ્રિન્ટ છે.

મિત્રો,

આ મહત્વાકાંક્ષી FTA ની સાથે-સાથે, આપણે ગતિશીલતા માટે પણ એક નવો ફ્રેમવર્ક બનાવી રહ્યા છીએ. આનાથી ભારતના વિદ્યાર્થીઓ, કામદારો અને વ્યવસાયિકો માટે યુરોપિયન યુનિયનમાં નવી તકો ખુલશે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણો લાંબા સમયથી એક વ્યાપક સહયોગ રહ્યો છે. આજે આપણે આ મહત્વપૂર્ણ જોડાણોને પણ વધુ મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

મિત્રો,

સંરક્ષણ અને સુરક્ષા સહયોગ કોઈપણ વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો હોય છે. અને, આજે આપણે તેને સુરક્ષા અને સંરક્ષણ ભાગીદારી દ્વારા ઔપચારિક સ્વરૂપ આપી રહ્યા છીએ. આનાથી આતંકવાદ વિરોધી, મેરીટાઇમ અને સાયબર સિક્યુરિટીમાં આપણી ભાગીદારી વધુ ઊંડી થશે. આ નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પણ બળ આપશે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આપણા સહયોગનો વ્યાપ વધશે. અને તેની સાથે, આપણી સંરક્ષણ કંપનીઓ સહ-વિકાસ અને સહ-ઉત્પાદનની નવી તકો સાકાર કરશે.

મિત્રો,

આજની આ સિદ્ધિઓના આધારે, આપણે આગામી 5 વર્ષ માટે, એક વધુ મહત્વાકાંક્ષી અને સર્વગ્રાહી વ્યૂહાત્મક એજન્ડા લોન્ચ કરી રહ્યા છીએ. એક જટિલ વૈશ્વિક વાતાવરણમાં, આ એજન્ડા સ્પષ્ટ દિશા આપશે, આપણી સહિયારી સમૃદ્ધિને આગળ વધારશે, ઇનોવેશનને ગતિ આપશે, સુરક્ષા સહયોગને સુદ્રઢ કરશે અને લોકો-થી-લોકોના સંબંધોને વધુ ઊંડા કરશે.

મિત્રો,

ભારત અને યુરોપિયન યુનિયનનો સહયોગ એ “વૈશ્વિક ભલાઈ માટેની ભાગીદારી” છે. આપણે ઈન્ડો-પેસિફિકથી લઈને કેરેબિયન સુધી, ત્રિપક્ષીય પ્રોજેક્ટ્સને વિસ્તાર આપીશું. આનાથી ટકાઉ કૃષિ, ક્લીન ઊર્જા અને મહિલા સશક્તિકરણને નક્કર સમર્થન મળશે. આપણે સાથે મળીને IMEC કોરિડોરને, વૈશ્વિક વેપાર અને ટકાઉ વિકાસની એક મુખ્ય કડી તરીકે સ્થાપિત કરીશું.

મિત્રો,

આજે વૈશ્વિક વ્યવસ્થામાં મોટી ઉથલપાથલ છે. એવામાં, ભારત અને યુરોપિયન યુનિયનની ભાગીદારી આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં સ્થિરતાને મજબૂતી આપશે. આ સંદર્ભમાં, આજે આપણે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી. બહુપક્ષીયવાદ અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું સન્માન આપણી સહિયારી પ્રાથમિકતા છે. આપણે એકમત છીએ કે આજના પડકારોનું સમાધાન કરવા માટે, વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો અનિવાર્ય છે.

મિત્રો,

રાષ્ટ્રોના સંબંધોમાં ક્યારેક એવી ક્ષણ આવે છે, જ્યારે ઇતિહાસ પોતે કહે છે, અહીંથી દિશા બદલાઈ, અહીંથી એક નવા યુગની શરૂઆત થઈ. આજની ભારત અને યુરોપિયન યુનિયનની આ ઐતિહાસિક સમિટ એ જ ક્ષણ છે. હું ફરી એકવાર, આ અભૂતપૂર્વ યાત્રા માટે, ભારત પ્રત્યેની આપની મિત્રતા માટે અને આપણા સહિયારા ભવિષ્ય પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા માટે, પ્રેસિડેન્ટ કોસ્ટા અને પ્રેસિડેન્ટ ઉર્સુલા ફોન ડેર લેયનનો હાર્દિક આભાર માનું છું.

SM/BS/GP/JD