Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભુવનેશ્વરમાં આરબીઆઈની મુખ્ય સુવિધાઓના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


જય જગન્નાથ!

ઓડિશાના રાજ્યપાલ બ્રજમોહન રામજી. અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી મોહન ચરણ માઝીજી, કેન્દ્ર સરકારમાં મારા સહયોગી નિર્મલા સીતારમનજી, જુએલ ઓરાંવજી, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાજી, ઓડિશાના ઉપમુખ્યમંત્રી પ્રવાતી પરીદાજી, કનક વર્ધન સિંહ દેવજી, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર સાથે જોડાયેલા તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

આટલું ગંભીર કેમ છે વાતાવરણ? એટલે કે બેંકિંગમાં આ પ્રેશર રહે છે, ટેકનોલોજીમાં પ્રેશર રહે છે. આરામથી બેસો.

મહાપ્રભુના આશીર્વાદથી આજે ભુવનેશ્વર નવા ભારતને એક નવી સંસ્થા આપી રહ્યું છે. ભુવનેશ્વરમાં આરબીઆઈના ડેટા સેન્ટર અને સાયબર સિક્યોરિટી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, આ બંનેનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ અવસર છે. આ ઓડિશા અને દેશના લોકો માટે ખૂબ જ હિતકારી સાબિત થવાનું છે. હું આરબીઆઈ અને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ–ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

આજનો આ કાર્યક્રમ આ વાતનો પુરાવો છે કે, ભારતમાં ગવર્નન્સની એપ્રોચ કેવી રીતે બદલાઈ રહી છે અને કેટલી ઝડપથી બદલાઈ રહી છે. અને આમાં અમારું ફોકસ છે – વિકાસની પ્રાથમિકતા, વિકાસનો વિસ્તાર અને વિકાસની છેલ્લા વ્યક્તિ સુધી પહોંચ.

સાથીઓ,

આઝાદી પછી દેશમાં મોટા–મોટા શહેરોનો વિકાસ થયો, મોટી સંસ્થાઓ બની, મોટી હોસ્પિટલો બની, મોટા એરપોર્ટ બન્યા. પરંતુ દેશનો એક બહુ મોટો હિસ્સો પાયાની સુવિધાઓ માટે રાહ જોતો રહ્યો. દિલ્હીમાં મોટી હોસ્પિટલો હતી પરંતુ નાના શહેરો અને દૂર–દરાજના વિસ્તારોમાં સારી સારવાર માટે લોકોએ લાંબુ અંતર કાપવું પડતું હતું. મોટા શહેરોમાં હવાઈ મુસાફરીની સુવિધા હતી. પરંતુ નાના શહેરોને એર કનેક્ટિવિટી સાથે જોડવા પર એટલું ફોકસ નહોતું. મોટા શહેરોમાં કેટલીક સુવિધાઓ હતી. પરંતુ અનેક ગામડાઓમાં રસ્તો, વીજળી, પાણી જેવી પાયાની જરૂરિયાતો પણ એક ખૂબ મોટો પડકાર હતો. રેલ્વે સ્ટેશન આમ નાગરિકની મુસાફરીનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો હતા. પરંતુ રેલ્વે સ્ટેશનો પર આધુનિક સુવિધાઓનો અભાવ હતો. એટલે કે વિકાસનો લાભ, દેશના દરેક ક્ષેત્ર અને દરેક નાગરિક સુધી સમાન રીતે પહોંચાડવો એ એક મોટો પડકાર બની રહ્યો. આપણે આ જ વિચારસરણીને બદલવાનો પ્રયાસ કર્યો છે. આપણે પ્રો–પીપલ, પ્રો–એક્ટિવ, ગુડ ગવર્નન્સનું મોડેલ લઈને આગળ વધ્યા. આપણા માટે વિકાસનો અર્થ છે, ભારતનો સંતુલિત વિકાસ, ગામડાઓને પણ તકો, નાના શહેરોને પણ તકો. આપણું લક્ષ્ય છે, દૂર–દરાજના વિસ્તારોને પણ ઉત્તમ કનેક્ટિવિટી આપવી. ગરીબ પરિવારોને પણ સન્માન સાથે જીવન જીવવાની સુવિધાઓ આપવી. અને દરેક નાગરિકને સતત આ વિશ્વાસ આપવો કે વિકાસની યાત્રામાં તે પાછળ નહીં છૂટે. આજે દેશના એક્સપ્રેસવે નાના શહેરોને પણ જોડી રહ્યા છે. એઈમ્સ (AIIMS) જેવી સંસ્થાઓનો વિસ્તાર અનેક રાજ્યો સુધી થયો છે. નાના–ના નાના શહેરોમાં મેડિકલ કોલેજો ખોલવામાં આવી રહી છે. ગામડાઓમાં લગભગ પોણા બે લાખ આયુષ્માન આરોગ્ય મન્દિર ખોલવામાં આવ્યા છે. આજે દૂર–દરાજના વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીનો વિસ્તાર થઈ રહ્યો છે. આ જ હવે ગવર્નન્સનો અસલી ઉદ્દેશ્ય છે. નાગરિકના જીવનને સરળ બનાવવું અને તેના સપનાંઓને નવી તકો આપવી.

સાથીઓ,

સામાન્ય પરિવારોને, ગરીબ અને મિડલ ક્લાસને, કેવી રીતે દાયકાઓ સુધી અભાવમાં રાખવામાં આવ્યા, તેનું એક મોટું ઉદાહરણ આપણું બેંકિંગ સેક્ટર પણ રહ્યું છે. ગરીબોના નામે, 60-70ના દાયકામાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2014 સુધી દેશની અડધાથી વધુ વસ્તી બેંકિંગ ઇકોસિસ્ટમથી બહાર જ હતી. બેંક લોન જેવા પ્રોડક્ટ તો મિડલ ક્લાસ સુધીના લોકો માટે પણ સ્વપ્ન સમાન હતા, ગરીબ, નાના ખેડૂત, ભૂમિહીન, બહેનો–દીકરીઓ તો આના વિશે વિચારી પણ શકતા ન હતા. આજે ભારતમાં ડિજિટલ બેંકિંગે સૌને 24 કલાક બેંકિંગ સેવાઓ સાથે જોડ્યા છે. પરંતુ 2014 પહેલા એક અલગ જ ફોન બેંકિંગનો દોર હતો. દિલ્હીમાં કોંગ્રેસના કેટલાક ખાસ લોકોને અને જેની સાથે લોકોનો સંબંધ હતો, તેમને ફોન બેંકિંગથી હજારો કરોડ રૂપિયાની બેંક લોન આપવામાં આવતી હતી. ગરીબ અને મિડલ ક્લાસ પરિવારોને એક બેંક ખાતું ખોલાવવા માટે ગેરંટરની જરૂર રહેતી હતી. પરંતુ કોંગ્રેસની ફોન બેંકિંગ યોજનામાં, અમીરો માટે હજારો કરોડ રૂપિયા ગમે ત્યારે ઉપલબ્ધ હતા. આ કુવ્યવસ્થાનું પરિણામ એ હતું કે ભારતની બેંકિંગ સિસ્ટમ એનપીએ (NPA) ની ચપેટમાં આવી ગઈ હતી. બેંકિંગ સિસ્ટમ પાયમાલી કિનારે પહોંચી ગઈ હતી.

સાથીઓ,

કોઈપણ મોટા બદલાવ માટે વિચારનું પણ મોટું હોવું ખૂબ જરૂરી છે, નિયત સાફ હોય, ઇરાદા નેક હોય, તો અશક્ય લાગતા કામ પણ શક્ય થઈ જાય છે. જ્યાં વિચાર જ નાનો હોય, ત્યાં સંભાવનાઓ પણ મર્યાદિત થઈ જાય છે. વીતેલા વર્ષોમાં જે વ્યવસ્થાઓ દેશે બનાવી છે, ડિજિટલ ઇન્ડિયાની જે નવી ઇકોસિસ્ટમ ડેવલપ કરી છે, તેણે બેંકિંગને દેશના દરેક નાગરિક સુધી પહોંચાડી છે. આજે ભારતનું બેંકિંગ સેક્ટર, દુનિયાના સૌથી મજબૂત બેંકિંગ સેક્ટર્સમાંનું એક છે. અગાઉ ફોન બેંકિંગથી, માત્ર દિલ્હીના ખાસ પરિવાર સુધી પહોંચ ધરાવતા લોકો જ લાભાર્થી હતા. આજે ડિજિટલ બેંકિંગથી દેશનો દરેક પરિવાર લાભાર્થી બન્યો છે.

સાથીઓ,

ઓડિશાની ધરતી પરથી જ, દેશના એક પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીથી એક રૂપિયા મોકલીએ છીએ અને જનતા સુધી માત્ર 15 પૈસા પહોંચે છે. આ એક પ્રધાનમંત્રીનું નિવેદન હતું. એ એક દોર હતો, અને એક આજનો સમય છે. આજે એક રૂપિયો દિલ્હીથી નીકળે છે, અને આખો એક રૂપિયો, દરેક લાભાર્થીના બેંક ખાતામાં પહોંચે છે. આ દેશમાં ખુલેલા, જેવું હમણાં નિર્મલાજીએ જણાવ્યું, લગભગ 59-60 કરોડ જનધન ખાતાઓને કારણે જ શક્ય બની શક્યું છે.

સાથીઓ,

જેની પાસે બેંકને ગેરંટી આપવા માટે કશું જ નથી, તે પણ આજે બેંકમાંથી સસ્તી અને સરળ લોન લઈને, પોતાનું કોઈ કામ શરૂ કરી શકી રહ્યો છે. નાના ઉદ્યોગસાહસિકથી લઈને પારંપરિક કારીગર સુધી, રેહડી–પટરી વાળાથી લઈને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક સુધી, પહેલીવાર તેમને ફોર્મલ બેંકિંગનો ફાયદો મળ્યો છે. મુદ્રા યોજનાથી 13 કરોડ લોકો પહેલીવાર ઉદ્યોગસાહસિક બન્યા છે. પીએમ સ્વાનિધિથી લાખો લારી–ગલ્લાવાળાને પહેલીવાર લોન મળી છે. પીએમ વિશ્વકર્મા યોજનાએ લાખો પ્રવીણ કારીગરોને બેંકો સાથે જોડ્યા છે. 10 કરોડ ગ્રામીણ બહેનોના સેલ્ફ હેલ્પ ગ્રૂપ્સને પણ હજારો કરોડ રૂપિયાની મદદ બેંકોએ આપી છે.

સાથીઓ,

આ એ જ દેશ છે, જ્યાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ક્યારેક અમીરોના સાધનો હતા. આજે દેશના દરેક નાગરિક માટે આ સુલભ છે. દેશમાં કરોડો રૂપે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જારી થઈ ચૂક્યા છે, આત્મસમાન અને આત્મનિર્ભરતા, બંનેનું પ્રતીક બન્યું છે. અને આ બધું આપ સૌના સહયોગથી શક્ય બની રહ્યું છે. RBI હોય, દેશની દરેક બેંક હોય, તેમાં કામ કરતો એક–એક બેંક–કર્મી હોય, આપ સૌએ જે કાર્ય કર્યું છે, તમે ખરેખર આની સફળતાના હકદાર છો.

સાથીઓ,

વીતેલા દકાદમાં, આર્થિક સશક્તિકરણની સાથે–સાથે, સામાજિક સુરક્ષા કવચનો પણ અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. અટલ પેન્શન યોજનાથી, 9 કરોડ લોકોને સોશિયલ સિક્યોરિટી કવરેજ મળી છે. એકલા ઓડિશામાં જ આનાથી 38 લાખ લોકો કવર થાય છે. 10-12 વર્ષ પહેલા વીમો (ઇન્સ્યોરન્સ) પણ લક્ઝરી હતો, ગરીબ અને મિડલ ક્લાસ આના વિશે વિચારી પણ શકતો ન હતો. આપણા માટે તો ‘નાગરિક દેવો ભવ’, આ જ સુશાસનનો મંત્ર છે. આપણે અકસ્માત સમયે સુરક્ષા માટે, પીએમ સુરક્ષા વીમા યોજના લઈને આવ્યા. દર વર્ષે, સામાન્ય એક વર્ષના માત્ર 20 રૂપિયાના પ્રીમિયમ પર, 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળી રહ્યો છે. આવી જ રીતે, લાઈફ ઇન્સ્યોરન્સ માટે, આપણે વર્ષના સાડા ચારસો રૂપિયાથી પણ ઓછા પ્રીમિયમ, ચાર સો પચાસથી પણ ઓછા, ઓછા પ્રીમિયમમાં મળતી, પીએમ જીવન જ્યોતિ યોજના લઈને આવ્યા. આ બંને યોજનાઓથી કરોડો ભારતીયો જોડાયેલા છે. અને અત્યાર સુધી, 25 હજાર કરોડ રૂપિયાથી વધુનો ક્લેમ લોકોને મળી ચૂક્યો છે. 25 હજાર કરોડ રૂપિયા, જો કોઈ બીજી સરકાર આટલી રકમ વહેંચવાની જાહેરાત કરે, તો આ મોટી હેડલાઈન બનતી. મહિનાઓ સુધી ગાજા–વાજા વાગતા રહેત, ચારેય બાજુ ઢોલ–નગારા વાગતા. પરંતુ આપણી સરકારમાં અવાજ કર્યા વગર, ચૂપચાપ મુશ્કેલ સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગ સુધી આ પૈસા પહોંચી રહ્યા છે. આ જ સુશાસન હોય છે.

સાથીઓ,

વીતેલો દાયકો, બેંકિંગને તે લોકો સુધી પહોંચાડવાનો હતો, જે તેનાથી વંચિત હતા. આવનારો દાયકો બેંકિંગને વધુ એફિશિયન્ટ, વધુ ભરોસાપાત્ર બનાવવાનો છે. અને આમાં ઓડિશાના આ નવા ડેટા સેન્ટરની પણ મોટી ભૂમિકા રહેવાની છે. આપણે બેંકિંગ વ્યવસ્થાને સુરક્ષિત રાખવી છે, તો તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ સુરક્ષિત રાખવું પડશે. એટલા માટે મજબૂત ડેટા સેન્ટર્સ જોઈએ, આપણા કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ સશક્ત હોવા જોઈએ.

અને સાથીઓ,

આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ યુદ્ધ માત્ર હથિયારોથી લડાતા નથી. કોઈ દેશને નબળો પાડવો હોય, તો તેની અર્થવ્યવસ્થા પર હુમલો કરીને પણ આ કરી શકાય છે. અને જ્યારે ભારત, આર્થિક રીતે સશક્ત થઈ રહ્યું છે, તો આપણે આપણી બેંકિંગ સિસ્ટમને પણ સાયબર લૂંટારાઓ, સાયબર આતંકવાદીઓથી સુરક્ષા આપવી એટલી જ અનિવાર્ય છે. આજે સાયબર થ્રેટ્સ (ખતરાઓ), આનો નેચર બદલાઈ રહ્યો છે. આવી નવી પડકારોનો સામનો આપણે જૂની વ્યવસ્થાઓ, જૂની તાલીમ પ્રણાલી, જૂના તાલીમ સાધનોથી કરી શકીશું નહીં. આના માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ અને સ્કિલ્ડ હ્યુમન રિસોર્સિસ પણ જોઈએ. અહીંયા જ, આ નવા સાયબર સિક્યોરિટી સંસ્થાનનો રોલ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે.

સાથીઓ,

RBI ની આ નવી સુવિધાઓ, ભારતની એક નવી પ્રાથમિકતાને પણ દર્શાવે છે. પૂર્વ ભારત, વિકસિત ભારતનું એક સશક્ત ગ્રોથ ઇંજન બની રહ્યું છે. ઓડિશામાં ડબલ ઇંજન સરકાર બન્યા પછી, વિકાસને નવી ગતિ મળી છે. ઓડિશાની અર્થવ્યવસ્થા હવે નેચરલ રિસોર્સિસની સાથે–સાથે, ટેકનોલોજીથી પણ સશક્ત થઈ રહી છે. એક તરફ ખનિજ આધારિત ઉદ્યોગોનો વિસ્તાર થઈ રહ્યો છે, બીજી તરફ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સની નવી ઇકોસિસ્ટમ વિકસિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. તમે જોજો, ઓડિશા, માઇન્સથી માઇ્રોચિપ્સ સુધી, એક નવું ભવિષ્ય લખવા જઈ રહ્યું છે. ઓડિશામાં, ડેટા સેન્ટર્સ અને એડવાન્સ્ડ કમ્પ્યુટિંગમાં રોકાણની નવી સંભાવનાઓ બની રહી છે. આ ઓડિશાના યુવાનો માટે અનેકદ્વારો ખોલી રહી છે. હું ઓડિશાના યુવા સાથીઓને ભરોસો આપું છું, તમે જે મોટા સપનાં જોયા છે, તે જરૂર પૂરા થશે. We Will Do it. આપણે આ કરીને રહીશું. આ જ ભાવ સાથે, એકવાર ફરી આપ સૌને ખૂબ–ખૂબ અભિનંદન.

ખૂબ–ખૂબ શુભેચ્છાઓ.

જય જગન્નાથ!

SM/JD