Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન

ભોપાલ ખાતે આયોજીત 10મા વિશ્વ હિન્દી સંમેલનમાં વડાપ્રધાનનું સંબોધન


સમગ્ર વિશ્વના ખૂણેથી અહીં પધારેલા દરેક હિન્દી પ્રેમી ભાઈઓ અને બહેનો,

લગભગ 39 દેશનાં પ્રતિનિધિ અહીં હાજર છે, જાણે આ હિન્દીનો મહાકુંભ યોજાઈ રહ્યો છે. હજુ તો આપ સહુ સિંહસ્થની તૈયારીમાં છો પરંતુ સિંહસ્થની તૈયારી અગાઉ જ ભોપાલની આ ધરતી પર આ હિન્દી મહાકુંભના દર્શન કરવાનો લાભ અમને મળ્યો છે.

સુષ્માજીએ બરોબર જ કહ્યું છે કે આ વખ તનું આ અધિવેશન હિન્દી ભાષા પર ભાર મુકવાનો પ્રયાસ છે. જ્યારે ભાષા હોય છે ત્યારે આપણને અંદાજ નથી હોતો કે તેની શક્તિ શું હોઇ શકે છે. પરંતુ જ્યારે ભાષા લુપ્ત થઇ જાય છે અને સદીઓ પછી કોઇ અન્યના હાથે ચઢી જાય છે ત્યારે દરેકને ચિંતા થાય છે કે આખરે તેમાં છે શું? આ લિપિ કઇ છે, ભાષા કઇ છે, સામગ્રી શું છે, વિષય શું છે? આજે ક્યાંક પત્થરો કંઇક લખેલું જોવા મળે છે, તો વર્ષો સુધી પુરાતત્વ વિભાગ એ શોધમાં લાગેલું રહે છે કે એ લખાણમાં શું લખાયું છે? ત્યારે આપણને અંદાજ આવે છે કે ભાષા લુપ્ત થયા પછી કેટલું મોટું સંકટ સર્જાઈ શકે છે.

ક્યારેક ઘણી વખત આપણે એ ચર્ચા કરી લઇએ છીએ કે દુનિયામાં ડાયનોસોર નથી બચ્યા તો ફિલ્મો બને છે કે ડાયનોસોર કેવા હતા, ડાયનોસોર શું કરતાં હતાં? જીવશાસ્ત્રવાળા શોધે છે કે કેવા હતા, કેટલાક કૃત્રિમ ડાયનોસોર બનાવીને રાખવામાં આવે છે જેથી નવી પેઢીને જાણ થાય કે ડાયનોસોર પણ અસ્તિત્વ ધરાવતા હતા. એટલે કે અગાઉ શું હતું તે જાણવા-ઓળખવા માટે આજે આપણે આ પ્રકારના માર્ગોનો ઉપયોગ કરવો પડે છે.

આજે પણ આપણને દૂર દૂરથી જાણવા અને સાંભળવા મળે છે કે આપણી સંસ્કૃત ભાષામાં જ્ઞાનનાં ભંડાર ભરેલા છે, પરંતુ સંસ્કૃત ભાષાને જાણવાવાળા લોકોની કમીને કારણે એ જ્ઞાનનાં ભંડારનો લાભ આપણે લઇ શકતા નથી, કારણ શું છે? આપણને જાણ પણ ના થઇ કે આપણે પોતાની આ મહાન વારસાથી કેવી રીતે ધીમે ધીમે દૂર થતાં ગયા છીએ, આપણે અન્ય એવી બાબતોમાં સંકળાયેલા રહ્યાં કે આપણું પોતાનું લુપ્ત થઇ ગયું. અને એ માટે જ દરેક પેઢીની એ જવાબદારી બને છે કે આપણી પાસે જે વારસો છે, એ વારસાને સુરક્ષિત રાખવામાં આવે, શક્ય હોય તો તેને સંભાળીને રાખવામાં આવે અને આવનારી પેઢીઓને વહેંચવામાં આવે. આપણા પૂર્વજોએ વેદ પાઠમાં એક પરંપરાનું નિર્માણ કર્યું હતું કે વેદના જ્ઞાનને પેઢી દર પેઢી લઇ જવા માટે વેદ પાઠી રહેતા હતા અને વાંચવા લખવાની જ્યારે સુવિધા નહોતી, કાગળની પણ શોધ નહોતી થઇ ત્યારે આ જ્ઞાનનું સ્મૃતિ દ્વારા બીજી પેઢીમાં સંચય કરવામાં આવતું હતું અને આ પરંપરા પેઢીઓ સુધી ચાલતી રહેતી હતી. આ ઈતિહાસને જોતા આપણી જવાબદારી બને છે કે આપણા જેટલા પણ પ્રકાર છે…આજે જાણ થાય છે કે એક પક્ષી છે તેની જાતિ લુપ્ત થતાં થતાં 100-150 થઇ ગઇ છે તો દુનિયાભરની સંસ્થાઓએ જાતિને બચાવવા માટે અરબો-ખરબો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. કોઇ એક વૃક્ષ અંગે જાણ થાય કે કોઇ એક વિસ્તારમાં એક વૃક્ષ છે અને તેની ખૂબ ઓછી પ્રજાતિ બચી શકી છે તો તેને બચાવવા માટે દુનિયા અરબો-ખરબોનો ખર્ચ કરી નાખે છે. આ વાતોથી જાણવા મળે છે કે આ ચીજોનું મૂલ્ય કેવું છે. જેવી રીતે આ વસ્તુઓનું મૂલ્ય છે તે પ્રકારે જ ભાષાનું મૂલ્ય પણ છે અને એટલા માટે જ જ્યાં સુધી આપણે એને એજ રૂપમાં નહીં જોઇએ ત્યાં સુધી આપણે તેના મહત્વને નહીં સમજી શકીએ.

દરેક પેઢીની જવાબદારી હોય છે કે ભાષાને સમૃદ્ધ બનાવે. મારી માતૃભાષા હિન્દી નથી, મારી માતૃભાષા ગુજરાતી છે પરંતુ હું ક્યારેક વિચાર કરું છું કે જો મને હિન્દી ભાષા બોલતા ન આવડતી હોત તો, સમજમાં ન આવતી હોત તો મારું શું થયું હોત, હું લોકો સુધી કેવી રીતે પહોંતી શક્યો હોત, હું લોકોની વાત કેવી રીતે સમજી શકતો અને આ ભાષાની તાકાત શું હોય છે તેનો સંપૂર્ણ અંદાજ મને છે. આપણા દેશમાં હું હિન્દી સાહિત્યની નથી કરી રહ્યો, હું હિન્દી ભાષાની ચર્ચા કરી રહ્યો છું. આપણા દેશમાં હિન્દી ભાષા માટે આંદોલન કોણે ચલાવ્યું, મોટાભાગે હિન્દી ભાષાનું આંદોલન એ લોકોએ જ ચલાવ્યું છે જેમની માતૃભાષા હિન્દી નહોતી. સુભાષચંદ્ર બોઝ હોય, લોકમાન્ય તિલક હોય, મહાત્મા ગાંધી હોય, કાકાસાહેબ કાલેલકર હોય, રાજગોપાલાચાર્ય હોય, દરેકે એટલે કે જેમની માતૃભાષા હિન્દી નહોતી તેમણે હિન્દી ભાષા માટે તેના સંરક્ષણ અને સંવર્ધન માટે જે દીર્ધ દ્રષ્ટિથી એમણે કામ કર્યું હતું તે આપણને પ્રેરણા આપે છે. અને આચાર્ય વિનોબા ભાવે, દાદા ધર્માધિકારીજી, ગાંધીયન ફિલોસોફીથી પસાર થયેલા લોકોએ તેમણે ભાષા અને લિપિ એમ બન્નેની જુદી જુદી શક્તિને ઓળખી હતી. અને એટલા માટે જ એક માર્ગ વિનોબાજી દ્વારા પ્રેરણા પામેલ લોકોએ કર્યો હતો કે આપણે ધીમે ધીમે આદત નાખવી જોઇએ કે હિન્દુસ્તાનની જેટલી ભાષાઓ છે એ ભાષાઓ પોતાની લિપિ જાળવી રાખે, તેને સમૃદ્ધ બનાવે પરંતુ નાગરી લિપિમાં પણ પોતાની ભાષાને લખવાની આદત રાખે. કદાચ વિનોબાજીનો આ વિચાર, દાદા ધર્માધિકારીજીનો આ વિચાર, ગાંધી મૂલ્યોથી સંકળાયેલ આ વિચાર જો કે પ્રભાવિત થાત તો લિપિ પણ પ્રભાવિત થાત, ભારતની વિવિધ ભાષાઓને સમજવા માટે અને ભારતની રાષ્ટ્રીય એકતા માટે એક ખૂબ મોટી તાકતના રૂપે બહાર આવી હોત. એ પ્રકારે ભાષા જડ ના હોઇ શકે, જેવી રીતે જીવનમાં ચેતના હોય છે તેવી જ રીતે ભાષામાં પણ ચેતના હોય છે. શક્ય છે તે એ ચેતનાની અનુભૂતિ સ્ટેસ્થોસ્કોપથી જાણી શકાતી નહીં હોય, એ ચેતનાની અનુભૂતિ થર્મોમીટરથી માપી શકાતી નહીં હોય પરંતુ તેનો વિકાસ, તેની સમૃધ્ધિ એ ચેતનાની અનુભૂતિ કરાવે છે. તે પત્થરની જેમ જડ ના હોઇ શકે, ભાષા હવાની એ લહેર છે કે જે જ્યાંથી પણ જે પ્રકારે પસાર થાય છે ત્યાંની સુગંધ પોતાની સાથે લઇને ચાલે છે. જો હવાની લહેર બગીચાથી પસાર થાય તો ત્યાંની સુગંધ લઇ આવે છે અને જો ગંદા નાળા પાસેથી પસાર થાય તો દુર્ગંધ લઇને આવે છે. બધુ તેની સાથે સંકળાતું જાય છે, ભાષામાં પણ એ શક્તિ છે, જે પેઢીથી પસાર થાય, જે વિસ્તારથી નિકળે, જે પરિસ્થિતિમાં પસાર થાય તેને પોતાની અંદર સમાવી લે છે, તે પોતાને પુરસ્કૃત કરતી રહે છે, પુલકિત કરતી રહે છે. આ તાકત ભાષાની હોય છે અને એટલા માટે જ ભાષા ચૈતન્ય હોય છે અને એ ચેતનાની અનુભૂતિ જરૂરી હોય છે.

હમણા જે પ્રવાસી ભારતીય સંમેલન યોજાયું ત્યારે આપણા વિદેશ મંત્રાલય દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વના અન્ય દેશોમાં ભારતીય લેખકો દ્વારા લખાયેલા પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મને ત્યારે એ જાણીને આનંદ થયો હતો કે એકલા મોરિશિયસમાં 1500 લેખકો દ્વારા લખવામાં આવેલા પુસ્તક અને એ પણ હિન્દીમાં લખવામાં આવેલા પુસ્તકો ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. એટલે કે દૂર વિદેશમાં પણ હિન્દી ભાષાનો પ્રેમ અમે અનુભવી શકીએ છીએ. દરેક પોતાની સાથે જોડાવાના માર્ગને તલાશી લે છે, જો કોઇ આ ભૂ-ભાગમાં આવી નથી શકતા, આવવાની સ્થિતિ ના હોય તો ઓછામાં ઓછું હિન્દીના બે ચાર વાક્ય બોલીને પણ તે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી દે છે.

આપણો એ પ્રયાસ સતત રહેવો જોઇએ કે આપણી હિન્દી ભાષા સમૃદ્ધ કેવી રીતે બની શકે. મારા મનમાં એક વિચાર આવે છે કે ભાષાશાસ્ત્રી એ અંગે ચર્ચા કરે. શું ક્યારેક આપણે હિન્દી અને તમિલ ભાષાના વર્કશોપનું આયોજન કરીએ અને તમિલ ભાષામાં જે અદભૂત શબ્દ હોય તેને આપણે હિન્દી ભાષાનો ભાગ બનાવી શકીએ છીએ કે કેમ? આપણે ક્યારેક બંગાળી ભાષા અને હિન્દી ભાષાનો વર્કશોપ કરીએ અને બંગાળીમાં જે અદભૂત શબ્દરચના હોય, અદભૂત શબ્દ હોય જે હિન્દી પાસે ના હોય તો તેને લઇ શકીએ છીએ અને તેમની પાસેથી માગી પણ શકીએ, આપણી હિન્દીને સમૃદ્ધ બનાવવા માટે આ શબ્દોની જરૂરત છે. ભલે જમ્મુ-કાશ્મીરમાં જઇએ, ડોગરી ભાષામાં બે-ચાર એવા શબ્દ મળી જાય, બે-ચાર એવી કહેવત મળી જાય, બે-ચાર વાક્ય મળી જાય કે જે મારી હિન્દીમાં મેળ ખાય, એને આપણે સમયાંતરે હિન્દી ભાષાની સમૃદ્ધિ માટે તેનો એક ભાગ બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ અને આ પ્રક્રિયા અવિરતપણે ચાલતી રહેવી જોઇએ.

ભાષાનું ગર્વ કેવું હોય છે, હું તો સાર્વજનિક જીવનમાં કામ કરતો રહું છું. ક્યારેક તમિલનાડુ જઉં તો વાણક્કમ કહી દઉં અને જોઉં છું કે સમગ્ર તમિલનાડુમાં વીજળીક અસર થઇ જાય છે. ભાષાની આ એક શક્તિ હોય છે. બંગાળમાં કોઇ વ્યક્તિ મળી જાય અને ભાલો આસી પૂછી લો તો એની પ્રશંસા થઇ જાય છે, મહારાષ્ટ્રની કોઇ વ્યક્તિ મળે તો કસાકાય, કાય ચલતા હૈ, એકદમ પ્રસન્ન થઇ જાય છે, ભાષાની પોતાની એક શક્તિ હોય છે. એટલા માટે જ આપણ દેશ પાસે આટલી સમૃદ્ધિ છે, અનેક વિશેષતાઓ છે, માતૃભાષાના રૂપમાં દરેક રાજ્ય પાસે એક અમૂલ્ય ખજાનો છે તેને આપણે કેવી રીતે જોડીએ અને જોડવામાં હિન્દી ભાષા એક સૂત્રધાર તરીકે કેવી રીતે કામ કરી શકે છે તે બાબત પર આપણે જો આપણે ભાર આપીએ તો આપણી ભાષા વધુ શક્તિશાળી બનતી જશે અને એ દિશામાં આપણે પ્રયાસ કરી શકીએ છીએ.

હું જ્યારે રાજનીતિક જીવનમાં આવ્યો તો પ્રથમ વખત ગુજરાતથી બહાર કામ કરવાની તક મળી. આપણે જાણીએ છીએ કે અમારા ગુજરાતી કેવી હિન્દી બોલે છે. લોકો મશ્કરી પણ કરે છે પરંતુ હું જ્યારે બોલતો હતો તો લોકો માનતા હતા અને પૂછતાં રહેતા કે મોદીજી તમે હિન્દી ભાષા ક્યાંથી શીખી, તમે આટલી સરસ રીતે હિન્દી કેવી રીતે બોલી શકો છો? હવે હું પણ એ જ ભણ્યો છું જે સામાન્ય રીતે ભણવા મળે છે, થોડુક શાળામાં ભણાવવામાં આવે છે તેનાથી વધારે નહીં. પરંતુ મને ચા વેચતા વેચતા શીખવાનો અવસર મળ્યો કારણ કે મારા ગામમાં ઉત્તરપ્રદેશના વેપારી કે જેઓ મુંબઈમાં દૂધનો વેપાર કરતા હતા તેમના એજન્ટ અને ઉત્તરપ્રદેશના લોકો વધારે રહેતા હતા. તે અમારા ગામમાં ખેડૂતો પાસેથી ભેંસ લેવા આવતા રહેતા હતા અને દૂધ આપી શકે તેવી ભેંસોને તેઓ ટ્રેનના ડબ્બામાં મુંબઇ લઇ જતા હતા અને મુંબઇમાં દૂધ વેચતા હતા, જ્યારે ભેંસ દૂધ આપવાનું બંધ કરે ત્યારે તેઓ એ ભેંસને ગામમાં પાછી મુકવા આવતા હતા એમના કોન્ટ્રાક્ટના પૈસા મળતા હતા. એ રેલવે સ્ટેશન પર મોટાભાગે માલગાડીથી ભેંસ લઇ જવા આવવાનો વેપાર થતો રહેતો હતો, એ વેપારને કરનારા મોટાભાગના લોકો ઉત્તરપ્રદેશના હતા અને હું તેમને ચા વેચવા જતો હતો. એમને ગુજરાતી નહોતી આવડતી અને મને હિન્દી જાણ્યા વગર છૂટકો જ નહતો, ચાને કારણે મને હિન્દી શિખવા મળી.

ભાષાને સાહજીકપણે શીખી શકાય છે, થોડોક પ્રયાસ કરો, ખામી રહે છે, જીવનના આખર સુધી ખામી રહે છે પરંતુ આત્મવિશ્વાસ ના ગુમાવવો જોઇએ. આત્મવિશ્વાસ રહેવો જરૂરી છે, ખામી હશે તો થોડાક દિવસ લોકો હસશે પરંતુ તેમાં સુધારો થશે. અને અમારે ત્યાં ગુજરાતનો તો સ્વભાવ હતો કે બે લોકો વચ્ચે ઝઘડો થાય, તે ગામડાંનાં લોકો હશે તો પણ ગુજરાતીમાં નહીં ઝઘડી શકે કારણ કે તેમને લાગે છે કે ગુજરાતીમાં ઝઘડો કરીએ તો પ્રભાવ નથી રહેતો, મજા નથી આવતી. જેવો ઝઘડો શરૂ થાય કે તેઓ હિન્દીમાં શરૂ કરી દે છે. બન્ને ગુજરાતી છે, બન્ને ગુજરાતી ભાષા જાણે છે પરંતુ ઓટો રિક્શાવાળા સાથે પણ ઝઘડો થાય તો તૂ-તૂ મેં-મેં હિન્દીમાં શરૂ થઇ જાય છે. તેમને લાગે છે કે હિન્દી બોલશું તો લોકોને લાગશે કે આ વ્યક્તિ કોઇ ખાસ છે.

તાજેતરમાં મારે વિદેશમાં જ્યાં પણ મારે જવાનું થયું ત્યાં મેં જોયું કે દુનિયામાં દેશનો કેવો પ્રભાવ પડી રહ્યો છે અને કેવી રીતે લોકો આપણી વાતોને સમજે છે, સ્વીકાર કરે છે. હું મોરેશિયસ ગયો હતો, ત્યાં વિશ્વ હિન્દી સાહિત્યનું સચિવાલય અત્યારે શરૂ થયું છે. તેના મકાનનું શિલાન્યાસ થયું છે અને વિશ્વ હિન્દી સાહિત્યનું એક કેન્દ્ર પણ આપણે ત્યાં શરૂ કરી રહ્યાં છીએ. જ્યારે હું મધ્ય એશિયામાં ઉઝ્બેકિસ્તાન ગયો હતો ત્યારે ત્યાં મને એક ડિક્શનરીનું લોકાર્પણ કરવાની તક મળી હતી અને તે ડિક્શનરી ઉઝબેકથી હિન્દી, હિન્દીથી ઉઝબેક હતી. જુઓ વિશ્વના લોકોને કેટલું આકર્ષણ થઇ રહ્યું છે.

હું ચીનમાં ફુદાન યુનિવર્સિટીમાં ગયો હતો. ત્યાં હિન્દી ભાષાનાં જાણકાર વ્યક્તિઓ માટે એક અલગથી બેઠક મળી અને તેઓ એટલી સારી રીતે મારી સાથે હિન્દીમાં વાત કરી રહ્યા હતા કેમકે તેમને પણ લાગતું હતું કે એનું મહત્વ કેટલું છે. હું મોન્ગોલિયા ગયો હતો. હવે એ દેશ ક્યાં આવ્યું છે તે જુઓ, ત્યાં પણ હિન્દીનું આકર્ષણ, ત્યાં હિન્દી બોલનારા લોકો અમને જોવા અને જાણવા મળ્યા અને મારું એક ભાષણ તો હિન્દીમાં થયું, તેનું ભાષાંતર થઇ રહ્યું હતું પરંતુ હું જોઇ રહ્યો હતો કે હું જ્યાં હિન્દીમાં બોલતો હતો ત્યાં તાળીઓનો ગડગડાટ થવો જોઇતો હતો ત્યાં તેઓ તાળીઓ પાડતા અને જ્યાં હસવાની વાત આવતી ત્યાં હસતા પણ હતા. એટલે કે આટલા વિશાળ પાયે દુનિયાના જુદા જુદા દેશોમાં આપણી ભાષા પહોંચી છે અને લોકોને તે અંગે ગર્વ પણ થાય છે. હું રશિયા ગયો હતો, ત્યાં હિન્દી ભાષા અંગે ઘણું વ્યાપકપણે કામ થઇ રહ્યું છે. સરકાર તરફથી હિન્દીભાષી રશિયન નાગરિકોને નોકરીએ રખાય છે.

એટલે કે આટલા વિશાળ સ્તરે ત્યાં હિન્દી ભાષા પ્રસરી છે અને તેમાં આપણા સિનેજગતનો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ફાળો રહેલો છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ દેશોમાં ફિલ્મોના માધ્યમથી હિન્દીને પહોંચાડવાનું કામ કર્યું છે. મધ્ય એશિયામાં તો કદાચ આજે પણ બાળકો હિન્દી ફિલ્મોના ગીત ગાય છે. કહેવાનો અર્થ એ છે કે ભાષાનાં સ્વરૂપે આવનારા દિવસોમાં હિન્દી ભાષાનું મહત્વ વધવાનું છે. જે ભાષાશાસ્ત્રી છે તેમનું મંતવ્ય છે કે દુનિયામાં અંદાજે 6000 ભાષા છે અને જે પ્રકારે વિશ્વ ઝડપથી બદલી રહ્યું છે તે લોકોનું અનુમાન છે કે 21મી સદીનો અંત આવતાં સુધી આ 6000 ભાષાઓમાંથી 90 ટકા ભાષાઓ લુપ્ત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આ ભાષાશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે નાના સ્તરે લોકોની જે ભાષાઓ છે અને ભાષાઓનો જે પ્રભાવ અને જરૂરિયાત બદલાતી રહેતી હોય છે, ટેકનોલોજીનો પ્રભાવ વધતો જાય છે. વિશ્વની 6000 ભાષા છે, તેમાંથી 21મી સદી આવતા આવતા 90 ટકા ભાષા લુપ્ત થવાની સંભાવના રહેલી છે. જો આ ચેતવણીને આપણે નહીં સમજીએ અને આપણી ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ નહીં કરીએ તો પછી આપણને રડવાનો વારો આવી શકે છે. ડાયનોસોર આવા હતા, ફલાણી વસ્તુ આવી હતી, વેદના પાઠ આવા હતા તે બધુ આપણા માટે પુરાતત્વનો વિષય બની જશે, આપણી એ શક્તિ ગુમાવી બેસશે અને એટલા માટે જ આપણી જવાબદારી બને છે કે આપણે આપણી ભાષાને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકીએ અને વસ્તુઓને જોડીએ, ભાષાનાં દરવાજા બંધ કરી શકાતા નથી અને જ્યારે જ્યારે તેને દિવાલોની અંદર સમેટી લેવામાં આવી છે ત્યારે ત્યારે ભાષા બચી શકી નથી અને ભારત ભાષા સમૃદ્ધ દેશ નહીં બની શકે. ભાષામાં એ શક્તિ હોવી જોઇએ કે દરેક બાબતને તે પોતાની અંદર સમાવી લે અને તે માટેના પ્રયાસ પણ થતાં રહેવા જોઇએ.

વિશ્વમાં આ વસ્તુઓની અસર કેવી રીતે થાય છે. જેમ આપણે ત્યાં નવરાત્રિ તહેવાર અને દિવાળીનો તહેવાર હોય છે તેવી જ રીતે તેમનો એક મહત્વનો તહેવાર હનુક્કાહ હોય છે. મેં ઈઝરાયેલના પ્રધાનમંત્રીને સોશ્યલ મીડિયા દ્વારા ટ્વિટ્ટર પર હિબ્રુ ભાષામાં હનુક્કાહની શુભકામના પાઠવી હતી. ત્રણથી ચાર કલાકની અંદર જ તેમણે આ શુભકામના સંદેશ વાંચ્યો અને મને ખુશી એ વાતની છે કે મેં તો તેમને હિબ્રુ ભાષામાં સંદેશ લખ્યો હતો સામે તેમણે મને હિન્દી ભાષામાં આભારનો ઉત્તર પણ આપ્યો.

તાજેતરના સમયમાં જે પણ દેશની મુલાકાતે જવાનું થાય છે તેઓ સબ કા સાથ, સબ કા વિકાસ એટલું તો જરૂર બોલે છે. તેમની ભાંગીતૂટેલી ભાષામાં તેમનો ઉચ્ચાર ગમે તેવો હોય પણ સબ કા સાથ, સબ કા વિકાસ એટલું તો જરૂર કહશે. ઓબામા મળશે તો પણ બોલશે, પુતિન મળશે તો પણ બોલશે. પ્રયાસ કરીએ છીએ કે જો આપણે આપણી વાતને લઇને જઇએ છીએ તો દુનિયા તેને સ્વીકાર કરવા માટે તૈયાર હોય છે.

એટલા માટે જ આપણો પ્રયાસ હોવો જોઇએ કે આપણી ભાષાને સમૃદ્ધિ મળે, આપણી ભાષાને શક્તિ મળે અને ભાષાની સાથે જ્ઞાન અને અનુભવનો પણ ભંડાર હોય છે. જો આપણે હિન્દીને ભૂલી જઇએ તો રામચરિતમાનસને પણ ભૂલી જઇશું, ત્યારે આપણે મૂળ વગરના વૃક્ષ જેવા બની જઇશું. આપણી સ્થિતિ કેવી થઇ ગઇ છે. આપણા સાહિત્યના જે મહાપુરુષ છે ભલે પછી તે બિહારના ફણીશ્વરનાથ રેણુ જો તેમને ના વાચીએ તો ખબર નથી પડતી કે બિહારમાં તેમણે ગરીબીને કેવી રીતે નિહાળી હશે અને ગરીબી સંદર્ભે તેમનો વિચાર શું હતો. આપણે પ્રેમચંદને ના વાચીએ તો ખબર નથી પડતી કે આપણી ગ્રામીણ જીવન સાથે પ્રેરણા કેવી રીતે સંકળાયેલી છે અને મૂલ્યો માટે પોતાની આશા-આકાંક્ષાનું બલિદાન આપવા સાર્વજનિક જીવનનો કેવો સ્વભાવ હતો. જયશંકર પ્રસાદ હોય કે પછી મૈથિલીશરણ ગુપ્તા હોય આ ધરતીના સંતાનોએ શું નથી આપ્યું. આ મહાપુરુષોએ આપણા માટે કેટલું કર્યું છે. સાહિત્ય સર્જનના જીવનમાં એક ખૂણે બેસીને માટીનો દીવો, તેલનો દીવો પ્રગટાવીને તેમણે પોતાની આંખોની રોશની પણ ગુમાવી દીધી પરંતુ આપણા માટે કંઇકને કંઇક છોડતા ગયા છે. પણ જો એ ભાષા જ ના બચી શકે તો આ સમૃદ્ધ સાહિત્ય કેવી રીતે બચી શકશે, અનુભવનો આટલો જંગી ભંડાર કેવી રીતે બચી શકશે? એટલા માટે જ ભાષાને સમૃદ્ધ બનાવવા માટે ભાષા પ્રત્યે લાગણી હોવી જરૂરી છે.

આવનારા દિવસોમાં ડિજિટલ વર્લ્ડ આપણા સહુના જીવનમાં એક મહત્વની ભૂમિકા સર્જી રહ્યું છે અને કરશે. આજકાલ તો બાપ-દિકરો, પતિ-પત્ની પણ વ્હોટસએપ પર મેસેજ મોકલી આપે છે, ટ્વિટ્ટર પર લખે છે કે સાંજે શું ખાઇશું. આ સ્તરે તેણે આપણા જીવનમાં પ્રવેશ કર્યો છે. જે લોકો ટેકનોલોજીના જાણકાર છે તેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં ડિજિટલ વર્લ્ડમાં ત્રણ ભાષાઓ અંગ્રેજી, ચાઇનીઝ અને હિન્દીનો દબદબો રહેવાનો છે અને જેઓ પણ ટેકનોલોજી સાથે સંકળાયેલા છે તેમની જવાબદારી બને છે કે આપણે ભારતીય ભાષાઓને અને હિન્દી ભાષાને પણ ટેકનોલોજી માટે કેવી રીતે પરિવર્તિત કરી શકીએ. જેટલી ઝડપથી આ ક્ષેત્રમાં કામ કરનારા તજજ્ઞો આપણી સ્થાનિય ભાષાઓને લઇને હિન્દી ભાષા સુધી નવા સોફ્ટવેર તૈયાર કરીને નવી એપ્સ તૈયાર કરીને મોટા પ્રમાણમાં આવશે. તમે જુઓ તે પોતાની રીતે ભાષાનું એક મોટું માર્કેટ બનવાનું છે. આજે બદલાયેલી ટેકનોલોજીની દુનિયામાં ભાષા પોતાની રીતે એક ખૂબ મોટું બજાર બની રહેવાનું છે. હિન્દી ભાષાનું તેમાં પ્રભુત્વ રહેવાનું છે અને જ્યારે મને અશોક ચક્રધર પોતાનું પુસ્તક લઇને મળ્યા તો તેમણે મને કહ્યું કે એ પુસ્તક અત્યંત આધુનિક ટેકનોલોજી યુનિકોડમાં તૈયાર કરવામાં આવ્યું છે. મને આનંદ થયો કે આપણે આપણી રચનાઓને આપણા ડિજિટલ વર્લ્ડમાં ઈન્ટરનેટને આપણી ભાષાથી પરિચિત કરાવશું અને ભાષાનાં રૂપમાં લાવીશું આપણો પ્રસાર પણ ખૂબ ઝડપથી થશે, આપણી તાકત પણ ઝડપથી વધશે અને એટલે જ એ સ્વરૂપે ભાષાનો ઉપયોગ થવો જોઇએ.

ભાષા અભિવ્યક્તિનું સાધન હોય છે. આપણે શું સંદેશો આપવા માગીએ છીએ, આપણે કઇ વાત કહેવા ઇચ્છીએ છીએ તે માટે ભાષા અભિવ્યક્તિનું એક માધ્યમ હોય છે. આપણી લાગણીઓ શબ્દ-દેહ મળે ત્યારે આપણી ભાષા ચિરંજીવ બની જાય છે. એટલા માટે જ ભાષા એ શબ્દ-દેહનો આધાર હોય છે. એ શબ્દ-વિશ્વની આપણે જેટલી આરાધના કરીશું એ ઓછી છે.

આજનો આ હિન્દી મહાકુંભ વિશ્વના 39 દેશની ઉપસ્થિતિમાં અને ભોપાલની ભૂમિ કે જેણે હિન્દી ભાષાને સમૃદ્ધ બનાવવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને અન્ય ભાષાઓ જ્યાંથી શરૂ થાય છે તેના કિનારે બેઠા છીએ એ પ્રકારે પણ આ સ્થાનનું ખૂબ મહત્વ છે. આપણે કેવી રીતે તેને સ્વીકારી લઇએ છીએ તે દિશામાં વિચારીએ. આપણી ભાષાની ભક્તિ એવી ના હોવી જોઇએ જે ખાસ બની જાય આપણી ભાષાની ભક્તિ બધા માટે હોવી જોઇએ, દરેકને સાંકળનારી હોવી જોઇએ. ત્યારે તે સમૃદ્ધિ તરફ આગળ વધશે નહીં તો દરેક બાબત નિષ્ફળ બની રહેશે.

જ્યાં સુધી આ મોબાઇલ ફોન નહોતા આવ્યા અને જ્યાં સુધી મોબાઇલ ફોનમાં કોન્ટેક્ટલિસ્ટની, ડિરેક્ટરીની વ્યવસ્થા નહોતી ત્યાં સુધી આપણામાંથી દરેકને 20 ટેલિફોન નંબર યાદ રહેતા હતા તો ક્યારેક કોઇને 50 ફોન નંબર યાદ રહેતા હતા કોઇકને તો 200 જેટલા ફોન નંબર પણ યાદ રહેતા. આજે ટેકનોલોજીના આવ્યા પછી આપણને આપણા ઘરના ટેલિફોનનો નંબર જ યાદ નથી રહેતો. એટલે કે ચીજોને લુપ્ત થવામાં વાર નથી લાગતી અને જ્યારે આટલી મોટી ટેકનોલોજી આવી રહી છે ત્યારે આ વસ્તુઓને બચાવવા

માટે લુપ્ત થતી અટકાવવા માટે આપણે ગંભીરતાપૂર્વક વ્યવસ્થા કરવાની રહેશે એટલે તેને પોતાની પાસે લાવો, તેને શીખો, તેને સમજો અને સમૃદ્ધની દિશામાં આગળ વધીને તેને વધારે શક્તિશાળી બનાવીને દુનિયાની પાસે લઇ જઇએ તો ખૂબ મોટી સેવા થશે.

હું ફરી એક વખત આ સમારોહને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું અને જેવી રીતે સુષ્માજીએ વિશ્વાસ અપાવ્યો છે કે આપણે એક નિશ્ચિત બાબતને લઇને બહાર આવશું અને હવે જ્યારે આગામી વિશ્વ હિન્દી સંમેલન થશે ત્યારે ધરતી પર આપણે કંઇક પરિવર્તન લાવશું આ વિશ્વાસ ખૂબ મોટી તાકત આપશે.

એજ અપેક્ષા સાથે મારી આ સમારોહને ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ અભિનંદન.

UM/AP/J.Khunt/GP