Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આરોગ્ય અને સુખાકારીના ક્ષેત્રે ભારત અને જાપાન વચ્ચે થયેલા સહયોગના કરાર (MoC)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને જાપાનની કનાગવા પ્રિફેક્ચરલ સરકાર વચ્ચે આરોગ્ય અને સુખાકારીને ક્ષેત્રે થયેલા સહયોગના કરાર (MoC)ને પૂર્વવર્તી અસરથી મંજૂરી આપી છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ

હસ્તાક્ષર કરાયેલા સહયોગના કરારની નકલો પ્રાપ્ત થતાં જ બંને પક્ષો પ્રવૃત્તિઓ શરૂ કરી દેશે. બંને દેશો વચ્ચે હાથ ધરાયેલી આ પહેલ હસ્તાક્ષર કરાયેલા સહયોગના કરારોની શરતો અને નિયમો મુજબ અમલમાં રહેશે અને સહયોગના આ કરાર અમલમાં રહે ત્યાં સુધી તેની પ્રક્રિયાઓ ચાલુ રહેશે.

મુખ્ય અસરઃ

સહયોગના આ કરારથી બંને દેશો વચ્ચે ઔષધોની પરંપરાગત પદ્ધતિઓના ક્ષેત્રે સહયોગમાં વૃદ્ધિ થશે. આ કરાર બંને દેશો માટે ખૂબ જ મહત્વના બની રહેશે.

સંકળાયેલો ખર્ચઃ

આ કરારથી કોઈ વધારાની નાણાંકિય અસરો થશે નહીં. સંશોધન, તાલિમ કાર્યક્રમો, પરિષદો/બેઠકો અને નિષ્ણાંતોને ડેપ્યુટેશન પર મોકલવાનો ખર્ચ આયુષ મંત્રાલય દ્વારા વર્તમાન સમયમાં ફાળવાયેલા બજેટ અને વર્તમાન સમયની આયોજિત યોજનાઓમાંથી ઉપયોગમાં લેવાશે.

પૂર્વભૂમિકાઃ

ભારત પરંપરાગત ઔષધોની સારી રીતે વિકસેલી પ્રણાલિઓ ધરાવે છે, જેનો વિશ્વમાં આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ કરી શકવાની અદભૂત ક્ષમતા છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે પરંપરાગત ઔષધોના ક્ષેત્રે સહયોગ માટે 14 દેશો સાથે સહયોગના કરાર કરીને આ યોજનાઓનો પ્રચાર વૈશ્વિક સ્તરે કરવાના અસરકારક પગલાં ભર્યા છે.

ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષી સંબંધો લાંબો ઈતિહાસ ધરાવે છે અને તેનાં મૂળ આધ્યાત્મિક સંબંધો, સંસ્કૃતિ તથા સભ્યતાના જોડાણમાં રહેલા છે. ભારત અને જાપાન વચ્ચે રાજકિય, આર્થિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પરામર્શ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. પરંપરાગત ઔષધિઓ અંગેની મજબૂત જાણકારીને કારણે જાપાનમાં આયુર્વેદ અને યોગ તરફની રૂચિ સતત વધી રહી છે.

RP