Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ગોવાનાં પણજીમાં 17મી માર્ચ, 2019નાં રોજ મુખ્યમંત્રી શ્રી મનોહર પર્રિકરનાં નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગોવાનાં પણજીમાં 17 માર્ચ, 2019નાં રોજ થયેલા મુખ્યમંત્રી શ્રી મનોહર પર્રિકરનાં નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંત્રીમંડળની બેઠકમાં હાજર સભ્યોએ સ્વ. શ્રી મનોહર પર્રિકરની યાદમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.

મંત્રીમંડળે ભારત સરકાર દ્વારા એક દિવસનો શોક જાહેર કરવાનાં નિર્ણયને પણ મંજૂરી આપી હતી જેથી 18 માર્ચનાં રોજ દિલ્હી સહિત તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને સંપૂર્ણ ગોવામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઢીએ ફરકી રહ્યો છે.

ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળે શ્રી મનોહર પર્રિકરની યાદગીરીરૂપે નિમ્નલિખિત શોકનો ઠરાવ પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો.

“મંત્રીમંડળ ગોવાનાં પણજીમાં 17 માર્ચ, 2019ની સાંજે ગોવાનાં મુખ્યમંત્રી શ્રી મનોહર પર્રિકરનાં નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરે છે. તેમનાં અવસાનથી દેશે એક પીઢ અને ઉત્કૃષ્ટ નેતા ગુમાવ્યા છે, જેને લોકો પ્રેમથી જનતાનાં મુખ્યમંત્રી તરીકે ઓળખતાં હતા.

શ્રી પર્રિકરનો જન્મ 13 ડિસેમ્બર, 1955નાં રોજ ગોવાનાં માપુસામાં થયો હતો. તેમણે મારગાવની લોયોલા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પછી 1978માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, મુંબઈમાં મેટાલર્જિકલ એન્જિનીયરિંગમાં સ્નાતક કર્યું હતું. રાજકારણમાં સામેલ થયાં અગાઉ શ્રી પર્રિકર યુવાવસ્થામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં જોડાયાં હતા અને પોતાનાં શાળા અભ્યાસનું અંતિમ વર્ષ પૂર્ણ કરતાં અગાઉ મુખ્ય શિક્ષક (ચીફ ઇન્સ્ટ્રક્ટર) બન્યાં હતા. આઇઆઇટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી તેઓ ફરી માપુસામાં આરએસએસનાં કાર્યમાં જોડાઈ ગયા હતા અને 26 વર્ષની વયે સંઘચાલક બન્યા હતા.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)નાં સભ્ય તરીકે શ્રી પર્રિકર વર્ષ 1994માં ગોવાની વિધાનસભામાં ચૂંટાયાં હતા. 24 ઓક્ટોબર, 2000નાં રોજ પહેલી વાર તેઓ ગોવાનાં મુખ્યમંત્રી બન્યાં હતા અને 27 ફેબ્રુઆરી, 2002 સુધી આ પદ પર રહ્યાં હતા. ત્રીજી જૂન, 2002નાં રોજ તેઓ બીજી વાર મુખ્યમંત્રી બન્યાં હતા અને 2 ફેબ્રુઆરી, 2005 સુધી આ પદ પર સેવા આપી હતી. ત્યારબાદ તેઓ 9 માર્ચ, 2012નાં રોજ ત્રીજી વાર ગોવાનાં મુખ્યમંત્રી બન્યાં હતા અને 8 નવેમ્બર, 2014 સુધી આ પદ પર રહ્યાં હતા. 9 નવેમ્બર, 2014નાં રોજ શ્રી પર્રિકર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી બન્યાં હતા અને 13 માર્ચ, 2017 સુધી આ પદ પર સેવા આપી હતી. તેમણે 14મી માર્ચ, 2017નાં રોજ ગોવાનાં મુખ્યમંત્રી તરીકે ચોથી વાર શપથ લીધા હતા.

શ્રી પર્રિકર તેમની સાદગી અને ઉત્કૃષ્ટ વહીવટીક્ષમતા માટે હંમેશા યાદ રહેશે. આધુનિક ગોવાનું નિર્માણ કરવામાં અને દેશનાં સૈન્ય દળોનું આધુનિકીકરણ કરવામાં તેમજ ભૂતપૂર્વ સૈનિકોનાં જીવનની ગુણવત્તા સુધારવામાં તેમનું યોગદાન ક્યારેય નહીં ભૂલાય.

શ્રી પર્રિકરને વર્ષ 2001માં આઇઆઇટી મુંબઈ દ્વારા ‘ડિસ્ટિન્ગ્યુઇશ્ડ એલ્યુમનસ એવોર્ડ (વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થી માટેનો પુરસ્કાર)’ પ્રાપ્ત થયો હતો. વર્ષ 2018માં તેમને ગોવામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીએ માનદ ડૉક્ટરેટની પદવી આપી હતી અને આ જ વર્ષે તેમને ડૉ. એસ પી મુખર્જી પુરસ્કાર એનાયત થયો હતો. તેમને બે પુત્રો છે.

મંત્રીમંડળ સરકાર અને સમગ્ર દેશ વતી તેમનાં પરિવારનાં શોકગ્રસ્ત સભ્યો અને ગોવાનાં નાગરિકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરે છે.”

NP/J.Khunt/GP/RP