પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય (એમઓઆરડી) તથા ખાદ્ય અને કૃષિ સંસ્થા (એફએઓ) વચ્ચે ભારતમાં ગ્રામીણ વિકાસ કાર્યક્રમોની અસરકારકતા વધારવા અને માહિતીની વહેંચણી કરવા થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
ભારતમાં ગ્રામીણ વિકાસ કાર્યક્રમોની અસરકારકતા વધારવા અને માહિતીની વહેંચણી સુલભ કરવા ગ્રામીણ વિકાસ મંત્રાલય (એમઓઆરડી) તથા ખાદ્ય અને કૃષિ સંસ્થા (એફએઓ) વચ્ચે ભાગીદારી માટે કાર્યમાળખું પ્રદાન કરવા સંયુક્ત ટેકનિકલ અને સાઉથ-સાઉથ સહકાર પર આંતર-સરકારી એમઓયુ પર હસ્તાક્ષર થશે.
આ એમઓયુ દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન (ડીએવાય-એનઆરએલએમ) સાથે સંબંધિત સાઉથ-સાઉથ સહકાર વ્યવસ્થા સુલભ બનાવશે, જે માટે મુલાકાતોનું આદાનપ્રદાન થશે અને સંવાદ સ્થાપિત કરવામાં આવશે તથા સારી કામગીરી ધરાવતા અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. તે ગ્રામીણ નાગરિકોની આજીવિકાની તકોમાં વધારો કરશે, જેને ડીએવાય-એનઆરએલએમનો ટેકો પ્રાપ્ત છે. તેના પરિણામે મુખ્ય પાક અને કૃષિ-ઔદ્યોગિક ઉત્પાદનો માટે સર્વસમાવેશક અને સ્થાયી મૂલ્ય સાંકળ વિકસશે, રોજગારીમાં વિવિધતા આવશે, કૌશલ્ય સંવર્ધન – ખાસ કરીને ગ્રામીણ યુવાનોમાં થશે, સામાજિક સંરક્ષણ મજબૂત થશે, જોખમના વ્યવસ્થાપન માટે તંત્ર ઊભું થશે તથા શુષ્ક અને આપત્તિનું જોખમ ધરાવતા જિલ્લાઓમાં મજબૂત બિલ્ડિંગનું નિર્માણ થશે.
આ એમઓયુ ગ્રામીણ ગરીબી ઘટાડવા સંકલિત અભિગમને ટેકો આપવા સામાન્ય હિતની પ્રવૃત્તિઓ પર જોડાણ માટેની સુવિધા પ્રદાન કરશે, જે માટે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપતી, ગ્રામીણ ગરીબો માટે કુદરતી સંસાધન સુલભ કરતી તથા તેના સ્થાયી ઉપયોગ અને સામાજિક સંરક્ષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ એમઓયુ જ્ઞાન અને અનુભવની વહેંચણી માટે મુલાકાતોના આદાનપ્રદાન અને સંવાદ માટેની સુવિધા પણ પ્રદાન કરશે.
દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન (ડીએવાય-એનઆરએલએમ) ગ્રામીણ વિકાસ મંત્રાલયનો ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટાડવાનો મુખ્ય કાર્યક્રમ છે, જે સામાજિક વિકાસ, નાણાકીય સર્વસમાવેશકતા અને સ્થાયી આજીવિકાને પ્રોત્સાહનના ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવી છે. ડીએવાય-એનઆરએલએમનો ઉદ્દેશ ગ્રામીણ ગરીબો માટે અસરકારક અને કાર્યદક્ષ મંચો ઊભા કરવાનો છે, જે તેમને સ્થાયી આજીવિકામાં વૃદ્ધિ અને નાણાકીય સેવાઓની સુલભતામાં વધારો કરીને કુટુંબની આવક વધારવા સક્ષમ બનાવશે. ડીએવાય-એનઆરએલએમના મુખ્ય કેન્દ્રીત ક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર કૃષિ અને બિન-કૃષિ ક્ષેત્રોમાં ગ્રામીણ ગરીબોના વર્તમાન આજીવિકાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું છે. સ્થાયી આવક માટે ખેતીવાડીની આધુનિક પદ્ધતિ અપનાવવા સાથે માહિતીની વહેંચણી ગરીબી નાબૂદ કરવા અને ઊંચી આવક કરવા માટે આવશ્યક પરિબળો બની જાય છે.
ડીએવાય-એનઆરએલએમ વર્ષ 2015 પછીના લક્ષ્યાંકો અને સ્થાયી વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)ને હાંસલ કરવાના મહત્વને તેમજ અન્ય વૈશ્વિક પ્રાથમિકતાઓને સમજે છે, જેનો સંબંધ ગ્રામીણ ગરીબીમાં ઘટાડા, સ્થાયી ગ્રામીણ આજીવિકા, ગ્રામીણ રોજગારી, સામાજિક સંરક્ષણ, સુશાસન અને જાતિ સમાનતા સાથે છે. ગ્રામીણ ગરીબી ઘટાડવા માટે એફએઓનો કાર્યક્રમ ગ્રામીણ ગરીબો માટેના અવરોધો દૂર કરવા સરકારી અને રાષ્ટ્રીય હિતધારકોને તેમની કામગીરીમાં ટેકો આપે છે, જે માટે વિસ્તૃત ગ્રામીણ વિકાસ ઉદ્દેશો સાથે કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય સુરક્ષાની નીતિઓને સુસંગત કરવામાં આવી છે.
આ એમઓયુ ગ્રામીણ વિકાસ મંત્રાલય (એમઓઆરડી) અને એફએઓ વચ્ચે સતત જોડાણ માટે કાર્યમાળખું પ્રદાન કરશે, જે ગ્રામીણ ગરીબી ઘટાડવા માટે સંપૂર્ણ અભિગમને ટેકો આપવા સામાન્ય હિતોની પ્રવૃત્તિ પર કેન્દ્રીત હશે. આ માટે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ, કુદરતી સંસાધનો સુધી ગ્રામીણ ગરીબોની પહોંચ તથા તેમના સ્થાયી ઉપયોગ અને સામાજિક સંરક્ષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ એમઓયુ માહિતી અને અનુભવની વહેંચણી માટે મુલાકાતોનું આદાનપ્રદાન અને સંવાદ સ્થાપિત કરવાની પ્રક્રિયા પ્રદાન કરશે.
TR