પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ કેબિનેટ દ્વારા ભારત અને પેરાગ્વે વચ્ચે પ્રવાસન ક્ષેત્રે મજબૂત સહકાર માટે બંને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)ને પાછલી અસરથી મંજૂરી આપવામાં આવી છે. આ MoU પર 27 સપ્ટેમ્બર 2019ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
MoUની મુખ્ય વિશેષતાઓ અને મુખ્ય હેતુઓ:
a. પ્રવાસનક્ષેત્રે દ્વિપક્ષીય સહકારનું વિસ્તરણ કરવું;
b. પ્રવાસન સંબંધિત માહિતી અને ડેટાનું આદાન-પ્રદાન કરવું;
c. હોટેલ અને ટૂર ઓપરેટરો તેમજ એરલાઇન્સ સહિત પ્રવાસન ક્ષેત્રના હિતધારકો વચ્ચે પારસ્પરિક સહકારને પ્રોત્સાહન;
d. માનવ સંસાધન વિકાસ ક્ષેત્રે સહકાર માટે વિનિમય પ્રોગ્રામ સ્થાપિત કરવા;
e. પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોકાણ;
f. દ્વિ-માર્ગીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ટૂર ઓપરેટરો/મીડિયા/મંતવ્ય આપનારાઓની વિનિમય મુલાકાતોનું આયોજન કરવું;
g. પ્રચાર, માર્કેટિંગ ડેસ્ટિનેશન, વિકાસ અને વ્યવસ્થાપન ક્ષેત્રે બંનેના અનુભવોનું આદાન-પ્રદાન કરવું;
h. એકબીજાના દેશોમાં મુસાફરી મેળા/પ્રદર્શનોમાં સહભાગીતા; અને
i. સલામત, પ્રતિષ્ઠાપૂર્ણ અને ટકાઉક્ષમ પ્રવાસનને પ્રોત્સાહન આપવું.
લાભો:
ભારત અને પેરાગ્વે વચ્ચે થયેલા MoUથી બંને દેશોને પ્રવાસન ક્ષેત્રમાં પારસ્પરિક સહકાર વધારવા માટે સંસ્થાકીય પ્રણાલીતંત્રનું નિર્માણ કરવામાં મદદ મળી રહેશે. વધુમાં, તેનાથી ભારતને પેરાગ્વેથી આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારવામાં મદદ મળશે, જેના કારણે આર્થિક વિકાસ અને રોજગારી નિર્માણ થશે. તેનાથી વ્યાપક માળખા અને સહકારના ક્ષેત્રમાં તમામ હિતધારકોના પારસ્પરિક લાભ માટે લાંબાગાળાના પ્રવાસન સહકાર માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થશે. આ MoUની મદદથી તેમાં નિર્ધારિત કરવામાં આવેલા હેતુઓને સિદ્ધ કરી શકાય તેવી શ્રેષ્ઠ પ્રથાઓ અમલમાં મૂકી શકાશે અને માપદંડોનું અમલીકરણ કરી શકાશે.
DS/RP