પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મોટા બંદર સત્તામંડળ ધારા, 2016 દ્વારા મોટા બંદર ટ્રસ્ટ ધારા, 1963ને બદલવા જહાજ મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી છે. આ દરખાસ્ત મુખ્ય બંદરોને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સંપૂર્ણ સ્વાયતત્તા આપી અને મુખ્ય બંદરોનું સંસ્થાકીય માળખું આધુનિક કરીને કાર્યદક્ષતા વધારી કામગીરી સુધારી સક્ષમ બનાવશે.
જહાજની માળખાગત સુવિધાના વિસ્તરણને પ્રોત્સાહન આપવા તથા વેપાર અને વાણિજ્યને સુલભ બનાવવા માટેની આ સૂચિત ખરડાનો ઉદ્દેશ નિર્ણય લેવાની પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કરવાનો અને બંદરોના વહીવટમાં વ્યાવસાયિક અભિગમ લાવવાનો છે. નવો મુખ્ય બંદરોનો સત્તામંડળ ખરડો, 2016 નિર્ણય લેવાની ઝડપી અને પારદર્શક પ્રક્રિયા લાવવામાં મદદ કરશે, જેથી હિતધારકોને લાભ થશે અને પ્રોજેક્ટના અમલીકરણની ક્ષમતામાં વધારો થશે. આ ખરડાનો આશય આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ કામગીરી સાથે મુખ્ય બંદરોમાં સુશાસનનું મોડલ લેન્ડલોર્ડ પોર્ટ મોડલ (જમીનની માલિકી પર આધારિત મોડલ) તરફ દોરી જવાનો છે. તે મુખ્ય બંદરોની કામગીરીમાં પારદર્શકતા લાવવામાં મદદરૂપ પણ થશે.
મુખ્ય બંદરોના સત્તામંડળના ખરડાની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છેઃ
a. મુખ્ય બંદર ટ્રસ્ટ ધારા, 1963ની સરખામણીમાં આ ખરડો વધારે સઘન છે, કારણ કે પરસ્પર વ્યાપ્ત અને અપ્રચલિત જોગવાઈઓ નાબૂદ કરવાથી વિભાગોની સંખ્યા 134થી ઘટીને 65 થઈ ગઈ છે.
b. નવો ખરડો બોર્ડ ઓફ પોર્ટ ઓથોરિટીની સરળ રચનાની દરખાસ્ત રજૂ કરે છે, જેમાં 11 સભ્યો હશે, જ્યારે અત્યારે વિવિધ હિતોનું પ્રતિનિધિત્વ કરતા 17થી 19 સભ્યો છે. વ્યાવસાયિક સ્વતંત્ર સભ્યો સાથે નાનું બોર્ડ નિર્ણય લેવાની પ્રક્રિયા અને વ્યૂહાત્મક આયોજનના નિર્ણયને મજબૂત કરશે. આ બોર્ડમાં જે રાજ્યોમાં મુખ્ય બંદર સ્થિત હશે એ રાજ્ય સરકારના પ્રતિનિધિત્વને સમાવવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત બોર્ડમાં રેલવે મંત્રાલય, સંરક્ષણ અને કસ્ટમ મંત્રાલય, મહેસૂલ વિભાગના પ્રતિનિધિઓની સાથે સરકારના એક નિયુક્ત સભ્ય અને મુખ્ય બંદરોના સત્તામંડળના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા એક સભ્ય સામેલ હશે.
c. ટેરિફ ઓથોરિટી ફોર મેજર પોર્ટ્સ (ટીએએમપી)ની ભૂમિકાને નવેસરથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે. પોર્ટ ઓથોરિટી હવે ભાડાના દર નક્કી કરવાની સત્તા ધરાવે છે, જે પીપીપી (સરકારી-ખાનગી ભાગીદારી) પ્રોજેક્ટ્સ માટે બિડિંગના ઉદ્દેશ માટે સંદર્ભિત ભાડાના દર તરીકે કામ કરશે. પીપીપી ઓપરેટર્સ બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાડાના દર નક્કી કરવા માટે સ્વતંત્ર હશે. પોર્ટ ઓથોરિટી બોર્ડ બંદર પર અન્ય સેવાઓ અને જમીન સહિત અન્ય અસ્કયામતો માટે ભાડાના દર નક્કી કરવાની સત્તા ધરાવે છે.
d. મુખ્ય બંદરો માટે અગાઉના ટીએએમપીની બાકીની કામગીરી પૂર્ણ કરવા સ્વતંત્ર સમીક્ષા બોર્ડ સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જે બંદરો અને પીપીપી સવલતદારો વચ્ચેના વિવાદોનો વિચાર કરશે, સમસ્યાગ્રસ્ત પીપીપી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે અને આ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા ઉપાયો સૂચવશે તથા આ પ્રકારના પ્રોજેક્સને પુનઃ શરૂ કરવાના ઉપયોગ જણાવશે તથા બંદરની અંદર પોર્ટ/ખાનગી ઓપરેટર્સ દ્વારા પ્રદાન કરવામાં આવતી સેવા સાથે સંબંધિત ફરિયાદોનો વિચાર કરશે.
e. પોર્ટ ઓથોરિટીના બોર્ડને આયોજન અને વિકાસ, ભાડાના દર નક્કી કરવા, કોન્ટ્રાક્ટ કરવા સંપૂર્ણ સત્તા સુપરત કરવામાં આવી છે, પણ નિષ્ક્રિયતા અને ચૂકના પરિણામે ઉત્પન્ન રાષ્ટ્રીય હિત, સુરક્ષા અને કટોકટીની સ્થિતિ સિવાય. હાલના એમપીટી ધારા, 1963માં 22 કિસ્સાઓમાં કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી જરૂરી હતી.
f. બોર્ડને બંદરના વિસ્તારની મર્યાદાની અંદર પોતાનો માસ્ટર પ્લાન બનાવવાની અને બંદરની હદમાં પાઇપલાઇન, ટેલિફોન, સંચાર ટાવર, વીજળીનો પુરવઠો કે ટ્રાન્સમિશન ઉપકરણ સ્થાપિત કરવાની સત્તા આપવામાં આવી છે. બોર્ડને 40 વર્ષ માટે બંદર સાથે સંબંધિત ઉપયોગી કામગીરી કરવા જમીનને ભાડાપટ્ટે આપવાનો તથા 22મી જોગવાઈમાં સૂચિત ઉદ્દેશો સિવાયના કોઈ પણ ઉદ્દેશ માટે 20 વર્ષ સુધી જમીન ભાડાપટ્ટે આપવાનો અધિકાર સુપરત કરાયો છે. આ સમયગાળા આગળ ભાડાપટ્ટાની સમયમર્યાદા વધારવા કેન્દ્ર સરકારની મંજૂરી આવશ્યક છે.
g. પોર્ટ ઓથોરિટી દ્વારા સીએસઆર (કોર્પોરેટ સામાજિક જવાબદારી) અને માળખાગત વિકાસની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે.
TR