પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારતીય વીમા નિયમન અને વિકાસ સત્તામંડળ (ઈરડા) અને ફેડરલ ઈન્શ્યોરન્સ ઑફિસ, યુએસએ વચ્ચેના સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી દીધી છે.
અસરો:
આ સમજૂતી કરાર સહયોગ અને સંકલન માટેનું એક માળખું પૂરું પાડે છે જેમાં દરેક સત્તામંડળના મંતવ્ય અને અન્ય કાયદાકીય જવાબદારીઓના સંદર્ભમાં માહિતીના આદાન-પ્રદાન અને સંશોધન સહાયનો સમાવેશ થાય છે. આ કરાર અંતર્ગત બંને દેશો વિવિધ નિયમનકારી કાર્યો પર તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરશે અને તાલીમ પ્રવૃત્તિઓ સહિતની પારસ્પરિક સહાયતા આપશે. ભારત અને અમેરિકા આંતરરાષ્ટ્રીય માનક સ્થાપિત કરવાની પ્રવૃત્તિઓ, નાણાકીય સ્થિરતા અને વીમા ક્ષેત્રના યોગ્ય અને વિવેકપૂર્ણ નિયમનના માધ્યમથી ગ્રાહકોની સુરક્ષાના અમલીકરણ તથા વિકાસમાં મદદ કરવા અંગે સહમત થયા છે.
પૂર્વભૂમિકા:
ઈરડા એ વીમા નિયમન અને વિકાસ સત્તા મંડળ કાયદો, 1999 અંતર્ગત સ્થાપવામાં આવેલી સંસ્થા છે જે ભારતમાં વીમા અને પુનઃવીમાના વ્યવસાયના ક્રમબદ્ધ વિકાસની ખાતરી, નિયમન અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. તે જ રીતે અમેરિકામાં ફેડરલ ઈન્શ્યોરન્સ ઑફિસ (એફઆઈઓ) એ વીમા ક્ષેત્રના તમામ પાસાઓ પર દેખરેખ રાખવાની સત્તા ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય વીમાના વિવેકપૂર્ણ પાસાઓ પર અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે છે.
ભારત અને અમેરિકાના એકબીજા સાથે મજબૂત વ્યાપારી સંબંધો છે અને બંને દેશો વિવિધ રાજકીય અને અધિકારી સ્તરે નિયમિત ચર્ચાઓ હાથ ધરતા રહે છે. બંને દેશો વચ્ચે બહુઆયામી મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે સમયાંતરે વિવિધ સંસ્થાગત તંત્રો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
અમેરિકા એ ભારતમાં વિદેશી મૂડી રોકાણ કરતા મોટા યોગદાતાઓમાનું એક છે અને અનેક વીમા કંપનીઓએ અમેરિકા સ્થિત વીમા કંપનીઓ સાથે સંયુક્ત સાહસની પણ સ્થાપના કરેલી છે. વિદેશી મૂડી રોકાણની મર્યાદામાં 49 ટકા સુધીનો વધારો થતા ભારતીય વીમા ક્ષેત્રની અંદર ખાસ કરીને અમેરિકા સ્થિત કંપનીઓને વિદેશી મૂડી રોકાણ કરવા માટેની વધુ તકો પ્રાપ્ત થશે. આથી ઈરડા અને એફઆઈઓ, અમેરિકા વચ્ચેના સમજૂતી કરારો બંને દેશો માટે ઘણું મહત્વ ધરાવે છે.
NP/J.Khunt/GP/RP