પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની બાબતો માટે પોતાની મંજૂરી આપી છે :
i. સરકારી ખાનગી ભાગીદારી મૂલ્યાંકન સમિતિ (પીપીપીએસી)નાં માધ્યમથી સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) અંતર્ગત પરિચાલન, સંચાલન અને વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઈ)નાં છ એરપોર્ટ – અમદાવાદ, જયપુર, લખનઉ, ગૌહાટી, તિરુવનંતપુરમ અને મેંગાલુરુને ભાડાપટ્ટા પર આપવા માટે સૈદ્ધાંતિક રીતે મંજૂરી.
ii. પીપીપીએસીનાં કાર્યક્ષેત્રથી બહારનાં કોઈ પણ મુદ્દા પર નિર્ણય લેવા માટે નીતિ આયોગનાં મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)નાં નેતૃત્વમાં નાગરિક વિમાન મંત્રાલયનાં સચિવ, આર્થિક બાબતોનાં વિભાગનાં સચિવ અને ખર્ચ વિભાગનાં સચિવને સામેલ કરીને સચિવોનાં અધિકારપ્રાપ્ત સમૂહની રચના કરવી.
લાભ :
1. મૂળભૂત માળખાની યોજનાઓમાં પીપીપીથી સરકારી ક્ષેત્રમાં જરૂરી રોકાણને એકત્ર કરવા ઉપરાંત સેવા આપવા, નિષ્ણાત, ઉદ્યોગસાહસિકતા અને વ્યાવસાયિક કૌશલ્યમાં દક્ષતા આવે છે.
2. હૈદરાબાદ અને બેંગાલુરુમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનાં વિકાસ માટે પીપીપી મોડલથી મૂળભૂત માળખાગત યોજનામાં એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય સ્તરનું મૂળભૂત માળખું ઊભું કરવા, એરપોર્ટ આવતાં પ્રવાસીઓને કુશળ અને સમયસર સેવાઓ પૂરી પાડવા અને કોઈ પણ પ્રકારનાં રોકાણ વિના એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાની આવક વધારવામાં મદદ મળી છે. હાલ પીપીપી મોડલ અંતર્ગત વ્યવસ્થાપન થઈ રહેલાં એરપોર્ટમાં દિલ્હી, મુંબઈ, બેંગાલુરુ, હૈદરાબાદ અને કોચી સામેલ છે.
3. ભારતમાં પીપીપી એરપોર્ટે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (એએસક્યુ) સ્વરૂપે એરપોર્ટ ઇન્ટરનેશનલ કાઉન્સિલ (એસીઆઈ) દ્વારા પોતાની સંબંધિત કેટેગરીમાં ટોચનાં પાંચ એરપોર્ટમાં રેન્ક હાંસલ કર્યો છે.
4. આ પીપીપી અનુભવોએ આંતરરાષ્ટ્રીય સ્તરનાં એરપોર્ટનું સર્જન કરવામાં મદદ કરી છે. એણે દેશનાં અન્ય ભાગોમાં એરપોર્ટનાં વિકાસ અને એર નેવિગેશનનાં મૂળભૂત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરીને આવકમાં વધારો કરવામાં એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાની મદદ પણ કરી છે.
પૃષ્ઠભૂમિ :
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાઓમાં વધારો થવાની સાથે-સાથે મોટાં ભાગનાં એરપોર્ટ પર ભારે ભીડ અને એક દાયકાથી વધારે સમય અગાઉ ખાનગીકરણ થયેલા પાંચ એરપોર્ટન પર અવરજવરમાં મોટાં પાયે વૃદ્ધિ થવાથી અનેક આંતરરાષ્ટ્રીય ઓપરેટર્સ અને રોકાણકારોનું ધ્યાન એની તરફ આકર્ષિત થયું છે. આંતરરાષ્ટ્રીય રસ સ્વરૂપે મૂળભૂત માળખાગત ક્ષેત્રોમાં એરપોર્ટ ક્ષેત્ર એક ટોચનું સ્પર્ધાત્મક ક્ષેત્ર છે. આંતરરાષ્ટ્રીય પરિષદ અને રોકાણકાર ત્રણ-ચાર મિલિયન પ્રવાસીઓથી વધારે ક્ષમતા ધરાવતાં બ્રાઉન ફિલ્ડ એરપોર્ટનાં વિસ્તારમાં ઊંડો રસ ધરાવે છે. એરપોર્ટ ક્ષેત્ર પીપીપી મોડલને અપનાવવાથી પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) આકર્ષિત કરવાની તક તાત્કાલિક ઉપલબ્ધ કરાવી શકે છે.
એટલે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા અંતર્ગત છ એરપોર્ટ – અમદાવાદ, જયપુર, લખનઉ, ગૌહાટી, તિરુવનંતપુરમ અને મેંગાલુરુનેં પ્રાથમિક તબક્કામાં ભાડાપટ્ટા પર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનાથી એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાની આવકમાં વધારો થશે અને રોજગારીનું સર્જન થશે તેમજ સંબંધિત મૂળભૂત માળખા સ્વરૂપે આ ક્ષેત્રોનાં આર્થિક વિકાસમાં વધારો થવાનો અંદાજ છે.