Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મહારાષ્ટ્રનાં યવતમાલ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મહારાષ્ટ્રનાં યવતમાલ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મહારાષ્ટ્રનાં યવતમાલ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

મહારાષ્ટ્રનાં યવતમાલ ખાતે વિવિધ વિકાસ યોજનાઓના અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

ભારત માતાની જય,

ભારત માતાની જય

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવ, રાજ્યના લોકપ્રિય અને યુવાન મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસ, મંત્રી પરિષદના મારા સાથી શ્રી નીતિન ગડકરીજી, શ્રીમાન હંસરાજ આહિરજી, રાજ્ય સરકારના મંત્રી શ્રીમાન મદન યેરવારજી,

મંચ પર ઉપસ્થિત અન્ય મહાનુભવો અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા અહીં ઉપસ્થિત રહેલા ભાઈઓ અને બહેનો તથા ખાસ કરીને બહેનો.

પાંડરકોડાની આ ભૂમિ પરથી હું સંત સર્વલાલ મહારાજ, મુખ્સાજી મહારાજ, જેવા અનેક સંતપુરૂષોને નમન કરૂ છું. થોડા સમય પહેલાં આ વિસ્તારના આદિવાસી યુવાનોએ એવરેસ્ટ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. દિલ્હીમાં મને આ યુવાન સાથીઓને મળવાની તક પ્રાપ્ત થઈ હતી. તેમના પરિશ્રમ અને તેમનાં સપનાં અંગે જાણીને મને યવતમાલ ચંદ્રપુરની ઊર્જાનો સુખદ અનુભવ થયો હતો. અહીંની કોલામ જનજાતિનો સ્વચ્છતા માટે જે આગ્રહ છે. તેનો ઉલ્લેખ મેં મારા ‘મનકી બાત’ કાર્યક્રમમાં પણ કર્યો હતો. ચંદ્રપુરના યુવાનોએ જે રીતે ત્યાંના કિલ્લાની સફાઈ કરી તેના કારણે દેશના અનેક યુવાનોને સ્વચ્છતા અભિયાન માટે પ્રેરણા મળી છે.

એ વખતે મેં ચા પર ચર્ચા કરી હતી અને દેશની સમસ્યાઓ દૂર કરવા માટે નિરંતર કામ કરતા રહેવાનું વચન આપ્યું હતું. વિતેલાં સાડા ચાર વર્ષમાં પૂરી ઈમાનદારી સાથે તમને આપેલુ એ વચન પૂરૂ કરવા પ્રયાસ કરી રહ્યો છું. શું તમને લોકોને આ બાબતે સંતોષ છે? મેં જે વચન આપ્યું હતુ તે પૂરૂ કરવા તન અને મન લગાવીને કામે લાગી ગયો છું તેના કારણે તમે ખુશ છો ને? તમારા આશીર્વાદ છે, તમારા આશીર્વાદ સતત મારી સાથે રહેશે.

આજે પણ પાંડરકોડા વિસ્તારના યવતમાલના વિકાસ સાથે જોડાયેલી સેંકડો કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેમાં ગરીબોના ઘર સાથે જોડાયેલા, સડકો સાથે જોડાયેલા, રેલવે સાથે જોડાયેલા, રોજગાર અને સ્વરોજગાર સાથે જોડાયેલા તથા શિક્ષણ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

ભાઈઓ અને બહેનો, વિકાસની આ બધી યોજનાઓની વચ્ચે હું એ પણ જાણતો હોઉં છું કે આપણે બધાં કેટલી ઊંડી વેદનામાંથી પસાર થઈ રહ્યા છીએ. પુલવામામાં જે કંઈ પણ થયું તેને કારણે આતંકવાદીઓનાં એ કૃત્યો બાબતે લોકોમાં ખૂબ જ આક્રોશ પ્રવર્તે છે. ત્યાં મહારાષ્ટ્રના વીર સપૂતોએ દેશની સેવા કરતાં-કરતાં પુલવામામાં પોતાના જીવની આહૂતિ આપી દીધી, જે પરિવારોએ પોતાના પુત્રો ગૂમાવ્યા છે તે લોકોની પીડાનો હું સારી રીતે અનુભવ કરી રહ્યો છું. આપણા સૌની સંવેદનાઓ તેમની સાથે જ છે.

ભાઈઓ અને બહેનો, મેં ગઈ કાલે પણ કહ્યું હતું અને આજે પણ એ વાતનું પુનરાવર્તન કરી રહ્યો છું કે શહિદોનુ બલિદાન વ્યર્થ નહી જાય, આતંકી સંગઠનો અને આતંકવાદીઓના વફાદારોઅ જે ગૂનો કર્યો છે તે પછી તે ભલે ને ગમે તેટલુ છુપાવાની કોશિશ કરે, તો પણ તેમને ચોકકસ સજા આપવામાં આવશે. આપણે આપણા સૈનિકો અને સુરક્ષા દળના જવાનોના પરાક્રમ માટે ગર્વનો અનુભવ કરી રહ્યા છીએ અને તેમની ઉપર ભરોંસો પણ મૂકીએ છીએ. સૈનિકો અને તેમાં પણ ખાસ કરીને સીઆરપીએફમાં જે ગુસ્સો છે તે તેને પણ દેશ સમજી રહ્યો છે અને તેટલા માટે જ સુરક્ષા દળોને ખૂલ્લી છૂટ આપી દેવામાં આવી છે.

સાથીઓ, એક એવો દેશ કે જે ભારતના ભાગલા પછી અસ્તિત્વમાં આવ્યો છે તેને ત્યા આતંકવાદને આશ્રય આપવામાં આવી રહ્યો છે. એ દેશ આજે દેવાળીયો થવાની અણી સુધી પહોંચી ગયો છે. તે દેશ આતંકનું બીજુ નામ બની ગયો છે. હું દેશને ફરી એક વાર વિશ્વાસ અપાવવા માગુ છું કે ધીરજ રાખો અને આપણા જવાનો ઉપર ભરોંસો રાખો. પુલવામાના ગૂનેગારોને સજા કેવી રીતે આપવામાં આવશે, ક્યાં આપવામાં આવશે, ક્યારે આપવામાં આવશે, કેવા પ્રકારની સજા આપવામાં આવશે તે તમામ બાબતો આપણા જવાનો નક્કી કરશે.

સાથીઓ, આજે આપણે સલામતીની સાથે આપણા સપનાં પૂર્ણ કરી રહ્યા છીએ તેની પાછળ અગણિત બલિદાન રહેલાં છે. હું પુલવામાના શહીદોને ફરી એક વાર નમન કરૂ છું.

સાથીઓ, દેશની સુરક્ષાની સાથે સાથે દેશની સમૃદ્ધિ માટે પણ અમારી સરકાર પૂર્ણ રીતે કટિબદ્ધ છે. અને એટલા માટે વિકાસની પંચ ધારા એટલે કે બાળકો માટે શિક્ષણ, યુવાનો માટે કમાણી, વૃદ્ધો માટે દવા, ખેડૂતો માટે સિંચાઈ, અને લોકોને સાંભળવામાં આવે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.આજે જે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે આ વિચારધારનું વિસ્તરણ છે.

ભાઈઓ અને બહેનો, કોઈ પણ વિસ્તારના વિકાસ માટે કનેક્ટિવિટીની ખૂબ મોટી ભૂમિકા હોય છે. યવતમાલની પ્રગતિ પણ અહીંયાની સડકો અને અનેરેલવેના કારણે સુનિશ્ચિત થવાની છે. આવી ભાવનાની સાથે સડકો સાથે જોડાયેલા આશરે રૂ.500 કરોડના પ્રોજેકટની થોડી વાર પહેલાં જ શિલારોપણ વિધી કરવામાં આવી છે. એની સાથે સાથે પૂણે-અજની અને પૂણે હમસફર એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. આ ટ્રેન દ્રોણી, મનમાડ, ભૂસાવળ અને વડનેરા થઈને આગળ જશે. આ ટ્રેનને કારણે આ તમામ વિસ્તારોના લોકોને સુવિધા હાંસલ થવાની છે.

સાથીઓ, સડક અને રેલવે સુવિધા સિવાય યવતમાલના સાડા ચૌદ હજારથી વધુ ગરીબ પરિવારોને આજે પાકાં મકાનો આપવામાં આવ્યાં છે અને તેમણે આજે નવા ઘરમાં પ્રવેશ પણ કર્યો છે. જેમને પણ આ પાકાં મકાનો પ્રાપ્ત થયા છે તેમને હું ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું. હવે પાકા ઘરમાં રહેવા આવ્યા છે, તેમનાં સપનાં પણ મજબૂત બની રહેશે.

સાથીઓ, કેન્દ્ર સરકારે વર્ષ 2022 સુધીમાં તમામ ઘર વગરના લોકોને ઘર આપવાનું ધ્યેય નક્કી કર્યું છે અને સરકાર આ ધ્યેય સાકાર કરવા ઝડપથી આગળ વધી રહી છે. જે પરિવારોને હજુ સુધી ઘર મળ્યાં નથી. તે લોકો પણ આ લોકો પણ એ વાત ઉપર ભરોંસો રાખે કે અમારૂં તમને વચન છે કે 2022 પહેલાં દરેક પરિવારને પાકુ મકાન મળી જશે, મળી જશે, મળી જ જશે. અત્યાર સુધીમાં દેશના ગામ અને શહેરોમાં દોઢ કરોડ ગરીબો માટે મકાન બનાવવામાં આવ્યાં છે. વિતેલા 4 વર્ષમાં મહારાષ્ટ્રમાં પણ દોઢ લાખ મકાનો તૈયાર કરવામાં આવ્યાં છે. ફડણવીસજીની સરકારે પણ 50,000થી વધુ ઘર બનાવ્યા છે. અહિં યેવતમાલમાં પણ લગભગ 12,000 ઘર બનાવવાનું કામ ચાલી રહ્યુ છે.

સાથીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઘર બની રહ્યા છે તે ઘર ગરીબોને આત્મવિશ્વાસ તો આપી જ રહ્યા છે, પણ સાથે-સાથે આપણી બહેનો માટે સશક્તિકરણનું પણ સાધન બન્યા છે. જે રીતે અહિંની પરંપરાઓમાં બહેનોને અગ્રતા આપવામાં આવી રહી છે તેનાથી માતાઓ, પરિવાર અને સમાજને દિશા દેખાડે છે. એવી જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળનારા ઘરની નોંધણી પણ મહિલાઓના નામ પર થાય તે બાબતે અગ્રતા આપવામાં આવી રહી છે.

ભાઈઓ અને બહેનો મહિલા સશક્તિકરણ બાબતે યવતમાલ દેશના મોખરાના જિલ્લાઓમાં સ્થાન ધરાવે છે. યવતમાલ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મહિલા બચતનું એક ખૂબ મોટું નેટવર્ક છે. અમારી સરકારે મહિલા બચત યોજનાઓનું વિસ્તરણ કર્યું છે અને તેમને શક્તિ પૂરી પાડી છે. આ સમૂહોને ગ્રામીણ અર્થ-વ્યવસ્થાનો આધાર બનાવવા માટે અગાઉની તુલનામાં અઢી ગણા વધારે પૈસા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

ભાઈઓ અને બહેનો, મને યાદ છે કે આ અગાઉ જ્યારે હું અહિં આવ્યો હતો ત્યારે શેતકરી સમાજ સાથે એક લાંબો સંવાદ કર્યો હતો અને આજે જ્યારે ફરી વખત તમારી વચ્ચે આવ્યો છું ત્યારે તમને એ જાણકારી આપવા માંગુ છું કે વર્તમાન બજેટમાં ક્ષેત્રિય સમાજની સાથે સાથે આપણાં જે વિચરતા સમાજના લોકો છે તેવા વણઝારા વગેરે લોકો કે જે આપણાં શ્રમિક સમાજ છે, આપણાં ખેત મજૂરો સહિત તમામ માટે પણ મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ખૂબ મોટી યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

સાથીઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના નામે કેન્દ્ર સરકારે ખેડૂતોને સીધી આર્થિક સહાય કરવા માટે એક યોજના બનાવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતો કે જેમની પાસે 5 એકર કરતાં ઓછી જમીન હોય તે તમામ ખેડૂતોના બેંકના ખાતામાં દર વર્ષે રૂ. 6,000 દિલ્હીમાંથી, ભારત સરકાર તરફથી સીધા તેમના બેંક ખાતામાં જમા કરાશે. આ પૈસા રૂ. 2000ના ત્રણ હપ્તામાં જમા કરાવવામાં આવશે. અને એક વખત નહીં, દર વર્ષે આપવામાં આવશે.

સાથીઓ, આ બજેટમાં સરકારે વિચરતા સમુદાયો માટે પણ એક ખૂબ મોટો નિર્ણય કર્યો છે. યવતમાલ જિલ્લામાં પણ ખૂબ મોટી સંખ્યામાં આવા પરિવારો છે, જે પોતાની જીવનશૈલી અને અન્ય કારણોસર એક જ સ્થળે રહેતા નથી. ઈતિહાસમાં પહેલી વખત સરકારે આ સમુદાયને ધ્યાનમાં લીધો છે અને હવે આ લોકો માટે સરકારે વેલફેર વિકાસ બોર્ડ રચવાનો નિર્ણય કર્યો છે કે જેથી સરકારની વિકાસ કામગીરીનો લાભ આ લોકો સુધી પણ ઝડપથી પહોંચે.

સાથીઓ, સડકો અને ઘરના નિર્માણ સાથે જોડાયેલા, તથા ઘરમાં કામ કરનારા, રેંકડીવાળા અને લારીવાળા જેવા અસંગઠીત ક્ષેત્રના એવા કરોડો લોકો છે કે જેમના માટે પ્રથમ વખત સરકારે એક ખૂબ મોટી યોજના બનાવી છે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનદેય યોજનાથી મહિને રૂ. 15,000 કમાનાર કામદાર સાથીઓને 60 વર્ષ પછી રૂ. 3000નું નિયમિત પેન્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે દર મહિને આશરે રૂ. 100નું યોગદાન આપવાનું રહેશે અને દર મહિને એટલા જ રૂપિયા કેન્દ્ર સરકાર આ સાથીઓના પેન્શન ખાતામાં જમા કરાવવાની છે.

ભાઈઓ અને બહેનો, સામાજીક સુરક્ષા માટે કટિબદ્ધ અમારી સરકારે આદિવાસી સમાજના કલ્યાણ સાથે જોડાયેલા બજેટમાં પણ લગભગ 30 ટકાનો વધારો કર્યો છે. તેનાથી યવતમાલ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓને લાભ થવાનો છે. આ નિર્ણય આદિવાસી ભાઈ-બહેનો માટે ભાજપ સરકારની નિષ્ઠા અને તેની કટિબદ્ધતાનો પૂરાવો છે.

સાથીઓ, જમીન હોય, જંગલની પેદાશ હોય, લખવા- વાંચવાની બાબત હોય, રમત સાથે જોડાયેલી પ્રતિભા હોય, વગેરે દરેક સ્તરે આદિવાસીઓના કલ્યાણ માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જન ધન યોજનાથી માંડીને વન ધન યોજના સુધી જન સમુદાય, જનજાતિ સમુદાયની બહેનો અને ભાઈઓ માટે કામ કરવામાં આવી રહ્યું છે. જન ધન યોજના હેઠળ બેંકોમાં લગભગ તમામ પરિવારોના ખાતા ખોલી દેવામાં આવ્યા છે, જેનાથી સરકાર મારફતે કરવામાં આવેલી દરેક મદદ તમારા ખાતામાં સીધી મળવાનું નિશ્ચિત બન્યું છે. હવે કોઈપણ વચેટિયો તમારા પૈસા ઉપર ધાડ પાડી શકશે નહીં. આવી જ રીતે વન ધન યોજનાના માધ્યમથી એ બાબત નિશ્ચિત કરવામાં આવી રહી છે કે જંગલમાંથી જે કોઈ ઉપજ લેવામાં આવે છે તેની તમને બહેતર કિંમત મળી રહે તે માટે વન ધન કેન્દ્રો બનાવવામાં આવી રહ્યા છે. સરકાર જંગલની પેદાશોમાં મૂલ્ય વૃદ્ધિ ઉપર ભાર મૂકી રહી છે. મૂલ્ય વૃદ્ધિ એટલે કે જ્યારે વેલ્યુ એડિશન થાય છે ત્યારે મૂલ્યમાં વધારો થતો હોય છે અને ઉપજની વધારે કિંમત મળતી હોય છે. જે રીતે કાચી આમલીની કિંમત ઓછી હોય છે, પણ તેને જો પેકેટમાં વેચવામાં આવે અથવા તો તેની ચટણી બનાવીને વેચવામાં આવે તો તેની વધારે કિંમત ઉપજે છે.

સાથીઓ, તમે એ બાબત જાણો છો કે જંગલોની પેદાશો ઉપર જે ટેકાના ભાવ સરકાર આપે છે તેમાં પણ વિતેલા સાડા ચાર વર્ષમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે. ડિસેમ્બર માસમાં જ 23 પેદાશોનું સમર્થન મૂલ્ય વધારવામાં આવ્યું હતું. અને આટલું જ નહીં, આ ગાળા દરમ્યાન સરકાર દ્વારા એમએસસપીના વ્યાપ હેઠળ આવતી ખેત પેદાશોના ભાવ પણ વધારવામાં આવ્યા છે. જ્યાં સાડા ચાર વર્ષ પહેલાં જંગલમાંથી મળી આવતી 10 પેદાશો ઉપર જ એમએસપી મળતી હતી તેની સંખ્યા વધારીને લગભગ 50 સુધી પહોંચાડવામાં આવી છે.

સાથીઓ, ભાજપની સરકારે આદિવાસીઓની આવકને પણ ધ્યાનમાં રાખીને વાંસ સાથે જોડાયેલા ઘણાં ફેરફારો કર્યા છે. હવે તમે તમારા ખેતરમાં પણ વાંસ ઉગાડી શકો છો અને તેને વેચીને આવકમાં વધારો કરી શકો છો. અગાઉ આવું શક્ય બનતું ન હતું, કારણ કે વાંસને વૃક્ષની શ્રેણીમાં ગણવામાં આવતો હતો. લોકો વાંસની ખેતી કરી શકે, તેવી કામગીરી કરવામાં આવી છે અને સાથે સાથે તેને વ્યાપક બજાર મળી રહે તે માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણથી માંડીને કૌશલ્ય અને રોજગાર સહિતના અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે જન જાતિ વિસ્તારોમાં એકલવ્ય મોડલની શાળાઓ ખોલવાની વ્યાપક ઝૂંબેશ ચલાવી છે. આ યોજના હેઠળ 20,000થી વધુ આદિવાસી વસતિ ધરાવતા વિસ્તારોમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે. આજે જ અહિંયા એકલવ્ય મોડલ સ્કૂલના નવા સંકુલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આ નવા સંકુલમાં 400થી વધુ યુવા સાથીઓ પોતાના ભવિષ્યનું સંવર્ધન કરી શકશે.

સાથીઓ, આદિવાસી સમાજના આરોગ્ય બાબતે પણ દેશમાં વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે યવતમાલ માટે ત્રણ સંસ્થાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આપણાં જન જાતિ વિસ્તારોમાં સિકલ સેલની બિમારી ખૂબ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને વિદર્ભમાં આ બિમારીની ઘણી મોટી સમસ્યા છે. અમે આ બિમારીના ઈલાજ માટે બહેતર સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે તે માટે, સંશોધનની સુવિધા મળી રહે તે માટે ચંદ્રપુરમાં સંશોધન સાથે જોડાયેલું કેન્દ્ર સ્થાપી રહ્યા છીએ.

સાથીઓ, આદિવાસી ભાઈ- બહેનોને કેન્દ્ર સરકારની આયુષમાન ભારત યોજનાનો પણ મોટો લાભ મળી રહ્યો છે. ગંભીર બિમારી હોય તેવી સ્થિતિમાં આ યોજના હેઠળ ગરીબોનો રૂ.5 લાખ સુધીનો ઈલાજ કરવાનું નક્કી થયું છે. હજુ થોડીક વાર પહેલાં જ મેં આયુષમાન ભારતના અનેક લાભાર્થીઓ સાથે મુલાકાત કરી છે. તેમના ચહેરા પર જે સંતોષ જોવા મળતો હતો તે સંતોષ તમારા આ પ્રધાન સેવકનું મહેનતાણું છે.

સાથીઓ, ભારતને ખેલ જગતની મહાશક્તિ બનાવવામાં આદિવાસી નવયુવાનોના સામર્થ્યની ઘણી મોટી ભૂમિકા નિભાવાઈ રહી છે. તે બાબતને સમજીને આદિવાસી વિસ્તારોમાં રમત ગમતની સેવાઓ અને સુવિધાઓને વધુ વિસ્તારવામાં આવી રહી છે. સરકાર આદિવાસીઓની વધુ વસતિ ધરાવતા દોઢસોથી વધુ જિલ્લાઓમાં રમત ગમતની સુવિધાઓ વિકસે તે બાબતે વિશેષ ધ્યાન આપી રહી છે. સરકારે આવા દરેક જિલ્લામાં વર્ષ 2022 સુધીમાં રૂ. 5,000 કરોડની સહાય કરવાની જોગવાઈ કરી છે.

સાથીઓ, ઈતિહાસ એ બાબતનો સાક્ષી છે કે દેશની આઝાદીથી માંડીને દેશના વિકાસ સુધીના વિષયોમાં આદિવાસી આગેવાનોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. ભાજપ સરકાર તેમના આ યોગદાનનું સન્માન કરવાનું કામ પણ કરી રહી છે. આઝાદીની લડાઈમાં આદિવાસીઓના જે જે દિકરા- દિકરીઓએ બલિદાનો આપ્ય છે તેમની યાદગીરીમાં સમગ્ર દેશમાં સ્મારકો બનાવવામાં આવી રહયા છે.

ભાઈઓ અને બહેનો, દેશની સુરક્ષા, મહિલા સશક્તિકણ, આદિવાસી કલ્યાણ અને વિકાસના અન્ય કામો આજે આટલી ઝડપથી થઈ રહ્યા છે તેનું કારણ એ છે કે તમે સાડા ચાર વર્ષ પહેલાં એક મજબૂત સરકારની રચના માટે મતદાન કર્યું હતું. આજે આ સરકાર ચોખ્ખી નિયત સાથે સ્પષ્ટ નીતિ ઘડી રહી છે અને આ બધું તમારા મતદાનને કારણે જ શક્ય બન્યું છે. એ સમયે જો તમે ચૂકી ગયા હોત તો કદાચ તમે ત્યાંના ત્યાં જ રહી ગયા હોત. વિકાસના આ વિશ્વાસને તમે વધુ મજબૂત બનાવશો અને તમારા આ પ્રધાન સેવક પર આશીર્વાદ જાળવી રાખશો એવા આગ્રહની સાથે વધુ એક વખત વિકાસની તમામ યોજનાઓ માટે હું તમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. મારી સાથે જોરથી બોલો…

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ભારત માતાની જય

ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

RP