પીએમઇન્ડિયા
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કેમરૂન 12-13 નવેમ્બરના રોજ લંડન ખાતે મળ્યા હતા. બંને પ્રધાનમંત્રીઓએ ભારત અને યુકે વચ્ચે સંબંધો વધુ ઘનિષ્ઠ બનવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રિટન અને ભારતના લોકોની સમૃદ્ધિ અને સુરક્ષાની ખાતરી માટે ભારત અને યુકે વચ્ચે મજબૂત સંબંધોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતની આર્થિક પ્રગતિ અને તેનું વૈશ્વિક તાકાત તરીકે ઊભરી આવવું, આ સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા માટેનો શ્રેષ્ઠ અવસર પ્રદાન કરે છે, જેનાથી આર્થિક પ્રગતિ, સહુના વિકાસનું લક્ષ્ય, સિદ્ધાંતો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા વિકસાવવી અને સશક્ત બનાવવી તેમજ વૈશ્વિક પડકારોનો સામનો કરવાના લક્ષ્યો હાંસલ કરી શકાય તેમ છે.
બંને પ્રધાનમંત્રીઓએ આ પ્રસંગે એક વિઝન સ્ટેટમેન્ટ પર કરાર કર્યા, જે ભારત અને યુનાઈટેડ કિંગડમ વચ્ચેની ભાગીદારી જેના પર આધારિત છે, તે મૂળભૂત સિદ્ધાંતો નક્કી કરે છે અને દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બનાવવાની યોજના પણ દર્શાવે છે. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચે ભાગીદારી વધારવા માટે દર બે વર્ષે પ્રધાનમંત્રી કક્ષાની સમિટ યોજવાનું પણ નક્કી થયું. તેમણે સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સલામતી અંગે નવી ભાગીદારી પર પણ સહમતિ સાધી, જે સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારશે અને તેમાં સાયબર સુરક્ષા, આતંકવાદ સામે લડત અને દરિયાઈ સલામતીના ક્ષેત્રો પણ સામેલ છે.
આબોહવા પરિવર્તનનો પડકાર ઝીલવો અને સલામત, પરવડે તેવી ઉર્જાનો સાતત્યપૂર્ણ પુરવઠો મળવો એ ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીની મુખ્ય પ્રાથમિકતા હોવાનું ધ્યાનમાં રાખીને બંનેએ ઉર્જા અને આબોહવા પરિવર્તન અંગે સંયુક્ત વક્તવ્યને સમર્થન આપવા સંમતિ સાધી.
બંને પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સહયોગ વધારીને “અન્ય દેશોમાં સહયોગના હેતુ અંગે નિવેદન” દ્વારા વિકાસ માટે વૈશ્વિક ભાગીદારી સ્થાપવા માટે પણ સહમત થયા, જેથી અન્ય દેશોને તેમના વિકાસ સામેના પડકારોનો સામનો કરવામાં, સાથે મળીને મદદરૂપ થઈ શકાય, જે સંપૂર્ણપણે એ દેશોની માંગ આધારિત રહેશે.
વૈશ્વિક ભાગીદારી
બંને પ્રધાનમંત્રીઓએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે સતત જટિલ બનતા જતા અને આંતરજોડાણ ધરાવતા વિશ્વમાં વૈશ્વિક મુદ્દાઓ માટે ચાલુ ઘનિષ્ઠ ભાગીદારીનાં મૂળ વધુ મૂજબત કરવાનું સમૃદ્ધિ અને સલામતિ સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
તેઓ એ વાત પર પણ સંમત થયા કે હાલમાં સમૃદ્ધિ અને સલામતિ, નિયમોની એવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર નિર્ભર છે, જેને વ્યાપક સમર્થન મળ્યું છે અને જે હંમેશા લાગુ કરાય છે. તેઓ એ વાતે પણ સંમત થયા કે 70 વર્ષ અગાઉ રચાયેલી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાએ સર્વાંગી પરિવર્તનશીલ વિકાસ માટે અવકાશ નિશ્ચિત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
દુનિયા બદલાઈ છે એટલે આ નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પણ બંધબેસતી કરવી જોઈએ અને નવેસરથી ઘડવી જોઈએ. બ્રિટનના પ્રધાનમંત્રી કેમરૂને ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ અપાવીને તેની પુનર્રચના માટે અને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાનોમાં ભારતને મહત્ત્વપૂર્ણ ભૂમિકા અપાવવા માટે યુકેની પ્રતિબદ્ધતા અંગે વધુ એકવાર ખાતરી આપી. બંને પ્રધાનમંત્રીઓએ આ માટે જી 20ના મહત્ત્વ અંગે પણ ભાર મૂક્યો. આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગના મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે જી 20 દેશોની ક્ષમતાઓને સંપૂર્ણ સાકાર કરવા અને જી 20 સમિટને સફળ બનાવવા માટે બંને દેશો પરસ્પર તેમજ જી 20 ના અન્ય દેશો સાથે ખભેખભા મિલાવીને કામ કરવા માટે પણ સહમતિ દર્શાવી.
સમગ્ર એશિયા અને હિંદ મહાસાગરમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે યુકે અને ભારતના સંયુક્ત હિત છે. દક્ષિણ એશિયામાં ભારતના ભૌગોલિક વ્યૂહાત્મક વિશિષ્ટ સ્થાન અને હિતોને ધ્યાનમાં લેતાં બંને પ્રધાનમંત્રીઓએ આ ક્ષેત્રોમાં બંને દેશોના ટોચના અધિકારીઓ વચ્ચે આતંકવાદ, કનેક્ટિવિટી અને દરિયાઈ મુદ્દાઓ સહિતની સલામતિને આવરતાં દક્ષિણ એશિયાઈ વાર્ષિક સંવાદ સ્થાપીને હાલના દ્વિપક્ષીય પરામર્શ અને સહકારને વધુ વ્યાપક અને ઘનિષ્ઠ બનાવવાનો નિર્ધાર કર્યો છે.
બંને દેશોના પ્રધાનમંત્રીઓએ તમામ સ્વરૂપો અને ઉદ્દેશો સાથેના આતંકવાદને વખોડી કાઢ્યો અને પોતાના સંબંધિત અધિકારીઓને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓ પર નિયમિત અને વિસ્તૃત પરામર્શ કરવા સૂચના આપી. તેમણે નવેમ્બર, 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના દોષીઓને સજા આપવા પાકિસ્તાનને ફરી ભારપૂર્વક જણાવ્યું. બંને પ્રધાનમંત્રીઓએ નેપાળમાં સ્થિર અને સહુને સાથે રાખે તેવા સંવૈધાનિક ઉકેલના મહત્ત્વ પર ભાર મૂક્યો, જેનાથી રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસ સાથે હાલની સમસ્યાઓનો ઉકેલ પણ મળે. તેમણે એવી આશા વ્યક્ત કરી કે ભૂકંપ પછીના પુનઃનિર્માણ માટે સહાયભૂત થાય તેવી નેશનલ રીકન્સ્ટ્રક્શન ઓથોરિટી બનતી ત્વરાએ શરૂ કરાશે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના તાજેતરના ઠરાવને પગલે શ્રીલંકામાં હવે કાયમી શાંતિ અને તમામ લોકોની સમૃદ્ધિ સ્થાપી શકાશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી તેમજ આ લક્ષ્ય હાંસલ કરવા શ્રીલંકાની સરકાર સાથે મળીને કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. માલદીવમાં સ્વતંત્ર ન્યાયપ્રણાલિ સાથે સ્થિર અને વ્યાપક લોકશાહીના મહત્ત્વ પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
બંને પ્રધાનમંત્રીઓએ સ્વતંત્ર, લોકતાંત્રિક અને સંગઠિત અફઘાનિસ્તાનના સ્થિર, સુરક્ષિત અને સફળ ભવિષ્ય માટે સંયુક્ત સંકલ્પ અને સમર્થન પર પણ ભાર મૂક્યો. તેમણે અફઘાનિસ્તાનમાં સ્થિર અને સમાવેશક રાજકીય વ્યવસ્થાના મહત્ત્વ પર ભાર મૂક્યો, જે છેલ્લા દાયકાની સિદ્ધિઓને મજબૂત બનાવવાની સાથે સાથે આ પ્રગતિને પલટાવવી અશક્ય બનાવી શકે.
બંને પ્રધાનમંત્રીઓએ સિરિયા અને ઈરાકમાં સમાવર્તી રાજકીય ઉકેલની જરૂરિયાત પર ભાર મૂકવા સાથે આવા પાશવી સંઘર્ષથી પીડાયેલા લોકોને પોતાનો ટેકો હોવાનું વચન આપ્યું. તેમણે પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વ માટે ટોચના અધિકારીઓની નિયમિત વાતચીત અંગે સંમતિ દર્શાવતા તે બંને દેશોની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું.
બંને પ્રધાનમંત્રીઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ઐતિહાસિક સમજૂતીને આવકારતા તેને તાત્કાલિક અને સંપૂર્ણ રીતે લાગુ કરવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના સંકલ્પની નોંધ લીધી. બંને પ્રધાનમંત્રીઓએ એ વાત પર પણ સહમતિ દર્શાવી કે પૂર્વ યુક્રેનમાં સંકટ ટાળવાનો એકમાત્ર રસ્તો તમામ પક્ષો દ્વારા મિન્સ્ક સમજૂતીનો પૂરેપૂરો અમલ કરવાનો જ છે.
બંને પ્રધાનમંત્રીઓએ 2015 પછીના વિકાસ એજન્ડા ‘પોતાની દુનિયા બદલવી 2030ના સાતત્યપૂર્ણ વિકાસ માટેના એજન્ડા’ને અપનાવવાનું આવકાર્યું અને તેને અમલી બનાવવા પોતાનું સમર્થન આપ્યું. તેમણે સ્વીકાર્યું કે નવા એજન્ડા અને સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યોનો સૌથી મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ ગરીબી નાબૂદી છે.
બંને પ્રધાનમંત્રીઓએ ભારત-યુકે વાતચીત 2015 અંગે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે ઈન્ટરનેટના નિયમન માટે મુક્ત, સમાવેશક, પારદર્શી અને બહુપક્ષીય વ્યવસ્થાને ટેકો જાહેર કર્યો અને વર્લ્ડ સમિટમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દ્વારા ઈન્ફર્મેશન સોસાયટી અંગે જાહેર કરાયેલી સમીક્ષાને આવકારી. તેમણે સાયબર સુરક્ષા, સાયબર ગુના સામે લડત અને સાયબર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કાયદા વધુ દેશો જવાબદારીપૂર્વક અમલ કરે તેની ખાતરી મેળવવા માટે આગોતરા સ્વૈચ્છિક નિયમો ઘડવા સાથે મળીને કામ કરવાનું પણ નક્કી કર્યું.
તેમણે બંને દેશોના ટેકનિકલ, કાયદા પાલન, સાયબર સંશોધન અને વિકાસ, સાયબર સુરક્ષાનાં ધોરણો અને પરીક્ષણ અને ક્ષમતા નિર્માણ કરતી સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા સંમતિ દર્શાવી. તેમણે સાયબર સુરક્ષાનાં તમામ ક્ષેત્રે જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા પણ સહમતિ દર્શાવી. તેમણે આંતરરાષ્ટ્રીય સાયબર સુરક્ષા અંગે સંયુક્ત રાષ્ટ્રના સરકારી નિષ્ણાતોના સમૂહના વર્ષ 2015ના અહેવાલને આવકાર્યો અને સાયબર ક્ષેત્રે દેશોએ અમલ કરવાના સિદ્ધાંતો પર સર્વસમર્થનની માંગણી કરી. તેમણે ભારત અને યુકે વચ્ચે ભવિષ્યમાં આ ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી અને સહયોગની જરૂર હોવાનું જણાવ્યું.
બંને પ્રધાનમંત્રીઓએ રાષ્ટ્રમંડળની સુસંગતતા જાળવી રાખવા, તેની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ થાય અને તે આપણા નાગરિકોની સમૃદ્ધિ, વિકાસ અને મૂલ્યો વધુ મજબૂત કરે તે અંગે પોતાની પ્રતિબદ્ધતાની ફરી ખાતરી આપી.
બંને પ્રધાનમંત્રીઓએ પર્યાવરણના જતન અને વિવિધતાભરી જીવસૃષ્ટિને જાળવી રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો અને ગુનેગારોના આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા વન્યજીવોનો ગેરકાયદેસર વેપાર વધી રહ્યો હોવાનું જણાવ્યું. વન્યજીવોના ગેરકાયદેસર વેપારને અટકાવવા અને પાલતુ અને જંગલી એશિયન હાથીઓને રક્ષણ વધારવા માટે બંનેએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું. ભારતે વન્યજીવોના ગેરકાયદેસર વેપાર અંગે લંડન ડિક્લેરેશન અને કાસાના નિવેદનને પોતાનું સમર્થન આપ્યું.
આર્થિક વિકાસ અને નાણાં
બંને પ્રધાનમંત્રીઓએ યુકે અને ભારતમાં આર્થિક સંભાવનાઓ વધુ મજબૂત થઈ હોવાની બાબતને આવકારી પરંતુ વૈશ્વિક આર્થિક વિકાસ અપેક્ષા મુજબ નહીં હોવાની તેમજ વૈશ્વિક આર્થિક સંભાવનાઓ સામેનાં જોખમો વધ્યાં હોવા અંગે ચિંતા પણ વ્યક્ત કરી. તેઓ મજબૂત, સાતત્યપૂર્ણ અને સંતુલિત વિકાસ હાંસલ કરવા માટે સાથે મળીને કામ કરવા તેમજ જીવન ધોરણ સુધારવા માટે માળખાકીય સુધારા અને વિશ્વાસ દૃઢ કરે તેવી નાણાંકીય નીતિઓનો અમલ કરવા બાબતે પણ સંમત થયા. તેમણે ભારત અને યુકે વચ્ચે આર્થિક ભાગીદારીની તાકાતને બિરદાવતાં જણાવ્યું કે : યુરોપિયન યુનિયનના બાકી દેશોમાં કુલ કરેલાં રોકાણો કરતાં પણ વધુ રોકાણો ભારતે યુકેમાં કર્યાં છે, અને યુકે ભારતમાં સૌથી વધુ રોકાણો કરનાર જી 20 દેશ છે. તેમણે દ્વિપક્ષીય વેપાર અને રોકાણનાં સંબંધો વધુ ઊંડાં બનાવીને આર્થિક સંબંધ વધુ સુદૃઢ કરવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને નાણાં મંત્રી અરુણ જેટલી અને ચાન્સેલર ઑફ એક્સચેકર (સરકારી તિજોરીના ચાન્સેલર) જ્યોર્જ ઓસબોર્ન આ સંબંધોને ભવિષ્યમાં થનારી આર્થિક અને નાણાંકીય વાતચીતો દ્વારા વધુ આગળ લઈ જશે એ બાબતે સંમતિ દર્શાવી.
યુકે અને ભારત વેપાર અને રોકાણની તકો નોંધપાત્ર રીતે વધે તે માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે. બંને સરકારોએ યુકે અને ભારતમાં વિકાસ અને સમૃદ્ધિ વધારવામાં ખાસ કરીને ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ડિજિટલ ઉદ્યોગોના યોગદાન અને વિશેષ મહત્ત્વ પર ભાર મૂક્યો. બંને પક્ષો વસ્તુઓ અને સેવાઓના ક્ષેત્રે દ્વિપક્ષીય વેપારને વધુ ઘનિષ્ઠ અને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. બંને દેશોની અર્થવ્યવસ્થાઓમાં કુશળ કારીગરોના યોગદાનને ધ્યાનમાં રાખીને માન્ય આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ અનુસાર કુશળ કામદારોના કામચલાઉ સ્થળાંતર સરળ બનાવવા માટે પણ સંમત થયા.
બંને પ્રધાનમંત્રી એ વાત પર પણ સંમત થયા કે ભારતની રેલવે સહિતની માળખાકીય સુવિધાઓના ક્ષેત્રે રોકાણ વધારવામાં લંડન સિટી મહત્ત્વની ભૂમિકા ભજવશે તેમજ એવી વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો પણ સ્થાપશે, જેનાથી ભારતનો નિરંતર ઝડપી વિકાસ હાંસલ કરવા માટે નાણાંકીય સાધનોના ઉપયોગમાં લંડન સિટીની કુશળતાનો ઉપયોગ પણ કરી શકાય. આ અંગે તેમણે એચડીએફસી, ભારતી એરટેલ, સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા અને યસ બેન્કની લંડન સિટીના માધ્યમે મૂડી રોકાણની જાહેરાત આવકારી, જે ભારતના ખાનગી ક્ષેત્રને રોકાણ અને વિકાસની તક ઉપલબ્ધ કરાવશે. બંને પ્રધાનમંત્રીઓએ ભારતના મહત્ત્વપૂર્ણ બુનિયાદી માળખાના નિર્માણ કાર્યક્રમ – નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એનઆઈઆઈએફ) – માટે ભારત અને યુકે વચ્ચે લાંબાગાળાની વ્યૂહાત્મક ભાગીદારી આવકારી અને એનઆઈઆઈએફ હેઠળ ભારત-યુકે ભાગીદારી ભંડોળની સ્થાપનાની જાહેરાત કરી. આ જોડાણ, ભારતના બુનિયાદી માળખાને સતત નાણાંકીય સહાય મળતી રહે તે માટે સિટી ઑફ લંડન મારફતે વૈશ્વિક રોકાણકારો લાવવામાં સહાયભૂત થશે અને ભારતના ઝડપી વિકાસને મદદરૂપ થશે.
પ્રધાનમંત્રી શ્રી મોદી અને યુકેના પ્રધાનમંત્રી કેમરૂને બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓની આગેવાની હેઠળ બંને દેશોની નાણાંકીય ભાગીદારી દ્વારા સહયોગ આવકાર્યો. તેમણે બંને દેશોની નાણાંકીય સેવાઓ વચ્ચેનાં જોડાણો વધારવા માટેની દરખાસ્તો ધ્યાન પર લેવા તૈયારી દર્શાવી. બંને પ્રધાનમંત્રીઓએ કારકિર્દીની મધ્યમાં યુકેમાં ભણવાની ઈચ્છા ધરાવતા વ્યાવસાયિકો માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા સ્પોન્સર થયેલા નવા શેવનિંગ ફાયનાન્સિયલ સર્વિસીઝ કોર્સની રચના આવકારી. બંને દેશોમાં આર્થિક નીતિઓ નક્કી કરવામાં સહયોગ માટે બંને દેશોની અર્થતંત્રને લગતી સેવાઓ વચ્ચે સૌપ્રથમ આદાન-પ્રદાન કાર્યક્રમની જાહેરાતને પણ આવકારી.
બંને પ્રધાનમંત્રીઓ એ વાતે સંમત થયા કે આર્થિક વૃદ્ધિ અને સમાવેશક વિકાસમાં ભારતની વિશાળ સિદ્ધિઓ, માત્ર ભારતનાં પોતાનાં મહત્ત્વાકાંક્ષી ધ્યેયો અને લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે જ નહીં, પરંતુ વિશ્વને પ્રેરણારૂપ અને વૈશ્વિક લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. ભારત અને યુકે બંને વિકાસના વિચારો માટે આગેવાની ધરાવતા દેશો હોવાનું સ્વીકારતાં બંનેએ વિકાસ અંગે અધિકારી કક્ષાએ વાતચીતને બદલે દ્વિપક્ષીય મંત્રી કક્ષાની વાતચીત માટે સંમતિ દર્શાવી.
બંને પ્રધાનમંત્રીઓએ સાતત્યપૂર્ણ વિકાસ માટે બુનિયાદી માળખાનું મહત્ત્વ સ્વીકાર્યું અને સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા અને યુકેના આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગ વચ્ચે સંયુક્ત રોકાણમાં ભારતના સૌપ્રથમ ઓછી આવક ધરાવતા રાજ્યો માટે બુનિયાદી સુવિધાઓમાં રોકાણ અંગે ભાગીદારીની જાહેરાત કરી. તેનો ઉદ્દેશ પાણી અને સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા અને શહેરી બુનિયાદી માળખામાં નાની યોજનાઓ માટે મૂડી ઉપલબ્ધ કરાવવાનો છે.
ભારતના પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતમાં વ્યાપાર કરવો સરળ બનાવવામાં બંને દેશોનો સહયોગ મહત્ત્વનો હોવાનું જણાવ્યું. રોકાણ વધારવા માટે તેમણે એક નવી વ્યાપાર સરળ બનાવતી ભાગીદારીની જાહેરાત કરી, જેમાં કેટલાક વિવિધ કામકાજનો સમાવેશ છે અને તેનાથી રોકાણોને પ્રોત્સાહન મળશે.
બંને પ્રધાનમંત્રીઓએ ભારત-યુકે સીઈઓ ફોરમની પ્રથમ બેઠકને પણ આવકારી. આ ફોરમ પ્રધાનમંત્રીઓ સાથે વેપાર અને રોકાણની તકો અને પડકારો અંગે પરામર્શ કરશે. યુકેના પ્રધાનમંત્રી કેમરૂને યુકે-ભારત વેપાર અને રોકાણ વધારવા માટે ડીઆઈપીપીની નવી ઝડપી વ્યવસ્થાને આવકારી. બંને પ્રધાનમંત્રીઓએ પેટન્ટ્સ, ટ્રેડમાર્ક્સ અને ડિઝાઈન્સ અંગે બંને દેશોની ઓફિસો વચ્ચે ટેકનિકલ સહયોગ વધારવાની જરૂર હોવાનું સ્વીકાર્યું.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ રેલવે ક્ષેત્રમાં પ્રોજેક્ટ વ્યવસ્થાપન અને સંચાલનમાં યુકેએ કરેલી પ્રગતિની પ્રશંસા કરી. બંને નેતાઓએ રેલવે ઉદ્યોગમાં વેપારની તકોનો ઉલ્લેખ કરતાં રેલવે ક્ષેત્રે ટેકનિકલ સહયોગ અંગે સમજૂતી આવકારી. બંને પક્ષો માળખાકીય ક્ષેત્રમાં નાણાંકીય સંસાધનોનો વિકલ્પ વિકસાવવા, જ્ઞાન અને તજજ્ઞતાના આદાન-પ્રદાન અને સંશોધન અને વિકાસની આપલે વધારવા પોતાના દેશોની સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા સંમત થયા. પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારત સરકારની બાંહેધરી ધરાવતા સૌપ્રથમ રૂપિયા આધારિત બોન્ડ લંડનમાં બહાર પાડવાના ભારત સરકારની યોજનાની જાહેરાત કરી.
બંને નેતાઓએ ભારતમાં ઓટોમોટિવ ક્ષેત્રે નવિન શોધ આધારિત વિકાસને ઉત્તેજન આપવાની ઈચ્છા દર્શાવી. તેમણે આ માટે સંશોધન અને વિકાસ, વાહનોના પરીક્ષણ અને પરીક્ષણની પદ્ધતિઓના વ્યવસ્થામાં સહયોગ અને ટેકનિકલ જ્ઞાનની આપ-લે જરૂરી હોવાનું જણાવ્યું. આ ક્ષેત્રોમાં જ્ઞાન અને અનુભવ વધારવા માટે યુકે અને ભારત વિશેષજ્ઞતાના આદાન-પ્રધાન માટે તૈયાર છે. આ માટે ભારત અને યુકેના સરકારી વિભાગો અને એજન્સીઓ વચ્ચે એક સમજૂતી કરવામાં આવશે. યુકેના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કેમરૂન અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહુપક્ષીય અને સિદ્ધાંતો આધારિત વેપાર વ્યવસ્થાનું મહત્ત્વ સ્વીકારીને ડિસેમ્બરમાં નાઈરોબી ખાતે યોજનારી વિશ્વ વેપાર સંગઠનની મંત્રી કક્ષાની બેઠકમાં આ અંગે દોહા ડેવલપમેન્ટ એજન્ડાના વિકાસ અંગેના આદેશો સાથે સુસંગત સફળ ઉકેલની ખાતરી માટે એકબીજાને મદદ કરવા સંમતિ આપી.
યુકે અને ભારત એ વાતે સંમત થયા કે વર્તમાન સમયમાં ભ્રષ્ટાચાર એ પ્રગતિનો સૌથી મોટો દુશ્મન છે. બંને પક્ષો ભ્રષ્ટાચારને નાથવા યુએનસીએસી અને જી 20 જેવી દ્વિપક્ષીય અને બહુપક્ષીય સંસ્થાઓમાં સહયોગ વધારવા સંમત થયા, જેથી ભ્રષ્ટાચાર સામેની વૈશ્વિક લડત વધુ મજબૂત બનાવી શકાય, જેમાં કાયદો લાગુ કરનારી સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવો, ચોરાઈ ગયેલી સંપત્તિઓની ઓળખ અને પરત કરવાની પ્રક્રિયાઓ વધુ મજબૂત બનાવવી અને કંપનીઓના ખરા માલિકની ઓળખમાં પારદર્શિતા વધારવા જેવા ઉકેલો સામેલ છે. બંને પ્રધાનમંત્રીઓએ યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે બીટીઆઈએ બને એટલી ઝડપે નિર્ધારિત કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી. આ માટે યુકે અને ભારત વધુ સહયોગ સાથે કામ કરવા તૈયાર છે.
મેઇક ઈન ઇન્ડિયા
યુકેના પ્રધાનમંત્રી શ્રી કેમરૂને ભારતના પ્રધાનમંત્રી શ્રી મોદીની ‘મેઇક ઈન ઇન્ડિયા’ પહેલને આવકારી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે ભારત અને યુકે વચ્ચે રોકાણ અને ભાગીદારી માટે આ પ્રકારે સહયોગનું મોડેલ અગાઉથી જ અસ્તિત્વમાં છે. બંને પ્રધાનમંત્રીઓએ સંરક્ષણ ટેકનોલોજી અને ઔદ્યોગિક સહયોગ વધારવાનાં પગલાં આવકાર્યાં.
વ્યાપાર
પ્રધાનમંત્રી શ્રી કેમરૂન અને શ્રી મોદીએ બંને દેશો વચ્ચે વ્યાપારનાં ઘનિષ્ઠ અને લાભદાયી સંબંધોનો ઉલ્લેખ કરતાં આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે કરાયેલી અને પરિશિષ્ટમાં દર્શાવાયેલી 9.2 અબજ પાઉન્ડની વ્યાપારી સમજૂતીઓ આવકારી. છેલ્લાં 15 વર્ષમાં ભારતમાં કરવામાં આવેલા સીધાં વિદેશી રોકાણોમાં યુકેનો હિસ્સો 8.56 ટકા છે અને ભારતીય કંપનીઓએ યુકેમાં 1,10,000 લોકોને રોજગાર આપ્યો છે.
યુકેના પ્રધાનમંત્રી કેમરૂને ભારતના વીમા ક્ષેત્રમાં સીધાં વિદેશી રોકાણોની મર્યાદા વધારાઈ હોવાનું જણાવ્યું હતું. ભારતની વિશાળ વસતીને વીમાનું રક્ષણ આપવા સરકારે વીમા અને પેન્શન ક્ષેત્રે સીધાં વિદેશી રોકાણો (એફડીઆઈ)ની મર્યાદા વધારીને 49 ટકા કરી છે. પરિણામે, યુકેની વીમા કંપનીઓએ ભારતમાં સંયુક્ત સાહસો દ્વારા દેશમાં પોતાનું સીધું વિદેશી રોકાણ વધારવા અનેક સમજૂતીઓ કરી છે. આને પગલે, નિયમનકારી તંત્રની મંજૂરી મળ્યા બાદ પ્રથમ તબક્કામાં આશરે 238 મિલિયન પાઉન્ડના સીધાં વિદેશી રોકાણો ભારતના વીમા ક્ષેત્રમાં થશે. આ રોકાણો ભારતની સાતત્યપૂર્ણ આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા ચાવીરૂપ પરિબળો એવાં વીમા અને પુનર્વિમા ક્ષેત્રોના સતત વિકાસ માટે મદદરૂપ બનશે. બંને પ્રધાનમંત્રીઓએ એચએસબીસીના ભારતમાં ‘સ્કિલ્સ ફોર લાઈફ’ અભિયાનને આવકાર્યું, જેના હેઠળ પાંચ વર્ષમાં 10 મિલિયન પાઉન્ડના ખર્ચે 75000 વંચિત યુવાનો અને બાળકોને કુશળ બનાવાશે.
સ્માર્ટ સીટીઝ અને શહેરોનું નવિનીકરણ
બંને પ્રધાનમંત્રીઓએ ભારતનાં મહાત્ત્વાકાંક્ષી શહેરી વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ થવા ઈન્દોર, પૂણે અને અમરાવતી – આ ત્રણ શહેરો માટે ટેકનિકલ સહાય, વિશેજ્ઞતાના આદાન-પ્રદાન અને વ્યાપારી સંબંધો અંગે બંને દેશો વચ્ચે ભાગીદારી જાહેર કરી.
બંને પ્રધાનમંત્રીઓએ યુકેના આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગ અને ભારતના શહેરી વિકાસ મંત્રાલય વચ્ચે સમાવેશક વૃદ્ધિ અને રોજગાર સર્જન માટે પરિચાલક બળ એવાં સ્માર્ટ અને સ્થિર શહેરોનાં વિકાસ માટે રાષ્ટ્ર અને રાજ્ય આધારિત સહયોગ આવકાર્યો.
બંને પ્રધાનમંત્રીઓએ સ્વચ્છ નદી વ્યવસ્થા માટે થેમ્સ-ગંગા ભાગીદારીની જાહેરાત કરી. આ ભાગીદારી હેઠળ ગંગાના તટપ્રદેશમાં જળસ્ત્રોતોના કાયમી વ્યવસ્થાપન માટે સંશોધન અને નવિનીકરણનો કાર્યક્રમ સામેલ છે તેમજ યુકે વોટર પાર્ટનરશીપના સમર્થનમાં 2016માં નીતિ વિશેષજ્ઞોના આદાન-પ્રદાન કરાશે.
શિક્ષણ, કૌશલ્ય, વિજ્ઞાન અને સંશોધન
21મી સદી માટે ભારતના યુવાનોને તૈયાર કરવાના પ્રધાનમંત્રી શ્રી મોદીના લક્ક્ષ્યને હાંસલ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી કેમરૂને મદદનો હાથ લાંબો કર્યો. યુકે-ઈન્ડિયા વચ્ચે કૌશલ્ય અંગેના નવા સંકલ્પ દ્વારા યુકેની 11 કંપનીઓએ ભારતમાં કૌશલ્ય વર્ધન માટે મદદ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી. યુકેની સરકાર અને ત્યાંના ઉદ્યોગો સાથે મળીને મહત્ત્વનાં ક્ષેત્રોમાં નવાં સેન્ટર્સ ઑફ એક્સલેન્સ સ્થાપશે, જેની શરૂઆત પૂણેમાં ઓટોમોટિવ અને એડવાન્સ્ડ એન્જિનિયરીંગ માટેના કેન્દ્રથી કરાશે. યુકે ડિજિટલ ડિલિવરી, વંચિત અને વિશિષટ ક્ષમતા ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરતી કૌશલ્ય વર્ધન તાલીમ અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યની તાલીમ આપતું નવું માળખું વિકસાવવા ભારતના કૌશલ્ય વર્ધન અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયને મદદ કરશે.
બંને પ્રધાનમંત્રીઓએ વર્ષ 2016 યુકે અને ભારત માટે શિક્ષણ, સંશોધન અને નવિનીકરણનું વર્ષ જાહેર કર્યું. તેનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોની તાકાત દર્શાવવી, ડિજિટલ ટેકનોલોજી આધારિત શિક્ષણ અને તાલીમનાં કાર્યક્રમો સહિત સહયોગ વધારવો, જેથી બંને દેશો વૈશ્વિક સ્તરે શિક્ષણ, સંશોધન અને નવિનીકરણના ક્ષેત્રે ભાગીદારી માટે 21મી સદી માટે નવું સુસંગત માળખું ઘડવા સહભાગી બને.
બંને પ્રધાનમંત્રીઓમાં એ મુદ્દે પણ સહમતિ સધાઈ કે શાળાકીય સ્તરે એક એવી વર્ચ્યુઅલ ભાગીદારી વિકસાવવી, જેમાં બંને દેશોના યુવાનો પરસ્પર શાળા પદ્ધતિનો અનુભવ કરી શકે, જે ત્યાંની સંસ્કૃતિ, પરંપરાઓ અને સામાજિક જીવન અને પરિવાર વ્યવસ્થા સમજવા માટે જરૂરી છે.
બંને પ્રધાનમંત્રીઓએ એ પણ જાહેર કર્યું કે વર્ષ 2016માં દિલ્હી ખાતે યોજાનારી ટેકનોલોજી સમિટમાં યુકે સાથીદાર દેશ હશે. સંશોધન ક્ષેત્રે સંયુક્ત સહભાગિતાને વધુ ઉત્તેજન આપવા પ્રતિબદ્ધ બંને પ્રધાનમંત્રીઓએ શૈક્ષણિક ક્ષેત્રે આદાન-પ્રદાનની યોજના પર સંતોષ વ્યક્ત કર્યો, જેનાથી ભારતીય વૈજ્ઞાનિકોને રુથફોર્ડ ખાતેની ન્યુટ્રોન પ્રયોગશાળા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની એપલટન પ્રયોગશાળામાં કામ કરવાની તક મળશે. તેમણે સંયુક્ત સંશોધન, ક્ષમતા નિર્માણ અને અનુવાદ માટે ન્યુટન-ભાભા ભંડોળની સ્થાપના આવકારી તેમજ યુકે-ભારતના સંશોધન ક્ષેત્રે વર્ષ 2008નાં એક મિલિયન પાઉન્ડનાં સંયુક્ત રોકાણો હાલ વધીને 200 મિલિયન પાઉન્ડ કરતાંં પણ વધુ નોંધાયા હોવાનો ઉલ્લેખ કર્યો. નવાં રોકાણોનો નોંધપાત્ર હિસ્સો સ્વચ્છ ઉર્જા, જળ સુરક્ષા અને કૃષિ માટે વપરાતા નાઈટ્રોજન ક્ષેત્રે યુકે-ઈન્ડિયા વર્ચ્યુઅલ સેન્ટર્સ સ્થાપવા માટે પણ થયો છે. બંને પ્રધાનમંત્રીઓએ નવાં સંયુક્ત સંશોધન અને નવિનીકરણના કાર્યક્રમો આવકાર્યા, જેમાં બાળક અને માતાના સ્વાસ્થ્ય અને પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને માદક દ્રવ્યોનો દુરુપયોગ, શહેરીકરણ અને વારસો, ખાદ્યપદાર્થો, ઉર્જા અને ઈકોસિસ્ટમની સેવાઓ માટે જળનાં સાતત્યપૂર્ણ સ્ત્રોતો, ભારતનાં મોટાં શહેરોમાં વાતાવરણના પ્રદૂષણ અને લોકોનું સ્વાસ્થ્ય, જળચર ઉછેર તેમજ દક્ષિણ એશિયાઈ ચોમાસાનો અભ્યાસ કરવા ભારત-યુકે વચ્ચે સંયુક્ત અભિયાન જેવાં ક્ષેત્રો સામેલ છે.
બંનેએ ઈનોવેટ યુકે, વિજ્ઞાન અને તકનિકી વિભાગ (ડીએસટી) અને ગ્લોબલ ઈનોવેશન અેન્ડ ટેકનોલોજી એલાયન્સ (જીઆઈટીએ) દ્વારા સહભાગિતા ધરાવતા ઔદ્યોગિક સંશોધન અને વિકાસના ત્રીજા તબક્કા માટે સહયોગ આવકાર્યો, જે સ્વચ્છ ઉર્જા, પરવડે તેવી સ્વાસ્થ્ય સંભાળ અને ક્લિન-ટેક એનર્જી અને હેલ્થકેર સંબંધિત આઈસીટીને સહાયભૂત થવા 3.5 મિલિયન પાઉન્ડની મદદ કરશે.
બંને પ્રધાનમંત્રીઓએ સ્વીકાર્યું કે વિશ્વ સમક્ષ આબોહવા પરિવર્તન અને તેની કૃષિ પર અસરનો ગંભીર પડકાર છે. તેમણે પાક વિજ્ઞાનમાં ભારત-યુકેની સંયુક્ત ભાગીદારી આવકારી, જે યુકેની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ – કેમ્બ્રિજ યુનિવર્સિટી, નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ એગ્રીકલ્ચરલ બોટની, જ્હોન ઈન્સ સેન્ટર, રોથમ્સ્ટેડ રિસર્ચ એન્ડ યુનિવર્સિટી ઑફ ઈસ્ટ એન્ગ્લિયા, યુકે સરકારની બાયોટેકનોલોજી એન્ડ બાયોલોજિકલ રિસર્ચ કાઉન્સિલ (બીબીએસઆરસી) તેમજ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી (ડીબીટી) સાથે મળીને વનસ્પતિ વિજ્ઞાન ક્ષેત્રે નવાં સંશોધનો કરશે, જેનો ઉદ્દેશ પેદાશ વધારવી અને દુકાળ તેમજ રોગનો સામનો કરી શકે તેવી પાક વિવિધતાઓ તૈયાર કરવાનો છે, જેથી સંશોધનને ટકાઉ ખેતી માટે ઉપયોગમાં લઈ શકાય. તેમણે ભારતમાં સંયુક્ત ઈન્ડિયા – યુકે પ્લાન્ટ સાયન્સ સેન્ટરની સ્થાપના પણ આવકારી.
બંને નેતાઓએ 100 શિક્ષણવિદોને આગામી બે શૈક્ષણિક વર્ષો દરમિયાન ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર એકેડેમિક્સ નેટવર્ક (જીઆઈએએન)ના ભાગ રૂપે ભારત મોકલવાની યુકેની યોજનાને વધાવી. વર્ષ 2020 સુધીમાં જનરેશન યુકે-ઈન્ડિયા હેઠળ યુકેના 25000 વિદ્યાર્થીઓ ભારત આવશે, જેમાંથી યુકેના 1000 વિદ્યાર્થીઓ વર્ષ 2020 સુધીમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ સાથે ઈન્ટર્ન તરીકે કામ કરશે. બંને પ્રધાનમંત્રીઓએ યુકે-ઈન્ડિયા શિક્ષણ અને સંશોધનની પહેલના ત્રીજા તબક્કાનું પણ સ્વાગત કર્યું.
બંને પ્રધાનમંત્રીઓએ યુકે અને ભારતની શૈક્ષણિક લાયકાતોને પરસ્પર માન્યતા આપવાની પ્રતિબદ્ધતા પણ આવકારી.
સ્વાસ્થ્ય
બંને પ્રધાનમંત્રીઓએ યુકેની રિસર્ચ કાઉન્સિલ્સ અને ભારતના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી વચ્ચે ઈન્ડિયા-યુકે વેક્સિન ડેવલપમેન્ટના સહયોગની આનંદપૂર્વક જાહેરાત કરી. ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી યુકેની રિસર્ચ કાઉન્સિલ સાથે મળીને પુરાવા આધાર વિકસાવવાની પદ્ધતિઓ અંગે સંશોધન કરશે, જે નવી દવાઓ અને રોગોને ઓળખવાની પદ્ધતિઓના વિકાસની ગતિ વધારવા માટે એવાં પુરાવા તૈયાર કરશે, જે જીન્સના સ્તરે થનારા સૂક્ષ્મ જીવ પ્રતિરોધ અને રોગી તેમજ જીવાણુના આંતરજોડાણ સંબંધિત જટિલતાઓ ઉકેલવામાં મદદરૂપ થશે.
બંને પ્રધાનમંત્રીઓએ એન્ટી માઈક્રોબાયલ રેઝીસ્ટન્સ (એએમઆર) સામે લડવા સંયુક્ત પ્રયત્નો પર ભાર મૂક્યો કારણ કે તે બંને દેશોના લોકોના સ્વાસ્થ્ય અને અર્થતંત્ર માટે ગંભીર જોખમ ઊભું કરી શકે તેમ છે. બંને પ્રધાનમંત્રીઓએ સ્વીકાર્યું કે આ માટે વૈશ્વિક સ્તરે સાથે મળીને પ્રયાસો કરવાની જરૂર છે. વૈશ્વિક સહયોગ મેળવવા બંનેએ વર્ષ 2016માં યોજનારી સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવા બાબતે પણ ભારપૂર્વક જણાવ્યું. ભારત અને યુકેએ ભારતના બાયોટેકનોલોજી વિભાગ અને યુકેની રિસર્ચ કાઉન્સિલ્સની સંયુક્ત પહેલરૂપ એએમઆરના ભાગરૂપ વર્ષ 2016માં લંડનમાં યોજાનારી વૈશ્વિક સમિટમાં વૈજ્ઞાનિક તજજ્ઞતાનું યોગદાન આપવાનું પણ નક્કી કર્યું.
બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશો વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રે સહયોગ આવકાર્યો, જેમાં અગાઉથી કરાયેલી સમજૂતી પણ સામેલ છે, જેના હેઠળ બંને દેશો તબીબી શિક્ષણ અને તાલીમ, સાર્વત્રિક સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ બને, એન્ટી માઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર) અટકાવવાની સાથે સાથે સુરક્ષિત, ઊંચી ગુણવત્તા ધરાવતી અને અસરકારક દવાઓ દ્વારા બીમારોના ઉપચાર ક્ષેત્રે સહયોગ કરે છે. તેમાં યુકેની નાઈસ ઈન્ટરનેશનલ અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચ વચ્ચે તબીબી ટેકનોલોજીની આકારણી ક્ષેત્રે સહયોગ પણ સામેલ છે.
બંને પ્રધાનમંત્રીઓએ સ્વાસ્થ્ય અને તેને સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગ વધારવાની શક્યતાઓ પર ભાર મૂક્યો. યુકેના પ્રધાનમંત્રી શ્રી કેમરૂને ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આવાં રોકાણોને પ્રોત્સાહન આપવાં એક ટાસ્કફોર્સ રચવાના ભારત સરકારના નિર્ણયને આવકાર્યો.બંને પ્રધાનમંત્રીઓએ કિંગ્સ કોલેજ હોસ્પિટલ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ઈન્ડો યુકે હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે સંયુક્ત ભાગીદારીમાં ચંડીગઢમાં કિંગ્સ કોલેજ હોસ્પિટલ સ્થાપવાની સમજૂતી પર હસ્તાક્ષરને વધાવ્યા.
બંને પ્રધાનમંત્રીઓએ જણાવ્યું કે ભારત સરકારના આયુષ મંત્રાલય અને યુકેની અગ્રણી ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટીગ્રેટેડ મેડિસીન વચ્ચેની સમજૂતીને આખરી ઓપ અપાયો હોવાની ઘટનાને પણ વધાવી. આ સમજૂતી હેઠળ આ ક્ષેત્રે સંશોધન અને શિક્ષણ માટે સહયોગ વિકસાવાશે અને વધુ મજબૂત કરાશે.
સંસ્કૃતિ
બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવા અને ભારતની સ્વતંત્રતાનાં 70 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વર્ષ 2017માં યુકે-ઈન્ડિયા સંસ્કૃતિ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી. બંને પ્રધાનમંત્રીઓએ બ્રિટિશ લાયબ્રેરી અને નેશનલ આર્કાઈવ્ઝ ઑફ ઈન્ડિયામાં સંગ્રહાયેલી માહિતીને ડિજિટલાઈઝ કરવાની યોજના અંગે સંમતિ દર્શાવી.
બંને પ્રધાનમંત્રીઓએ શ્યામજી કૃષ્ણ વર્માને ભારતની આઝાદીની લડતમાં તેમના અમૂલ્ય યોગદાન તેમજ આવનારી પેઢીઓને આપેલી પ્રેરણા બદલ મરણોત્તર બારમાં સામેલ કરવાના નિર્ણયને આવકાર્યો.
બંને પ્રધાનમંત્રીઓએ ભારત સરકારના પ્રવાસન વિભાગ અને યુકેના સંસ્કૃતિ, મીડિયા અને રમતગમત વિભાગ વચ્ચે બંને દેશોના સુરક્ષિત અને સાતત્યપૂર્ણ પ્રવાસનને વેગ આપવા અંગેની સમજૂતી આવકારી.
ગુનાખોરી
પ્રધાનમંત્રી શ્રી કેમરૂન અને પ્રધાનમંત્રી શ્રી મોદી ઉત્તરોત્તર જટિલ અને આંતરિક રીતે વધુને વધુ જોડાતા જતા વિશ્વમાં સીમાપારના ગુનેગારો સામે કાર્યવાહી માટે સહયોગ વધારવો બંને દેશોની સુરક્ષાની ખાતરી માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તેમણે બંને દેશોને નુકસાન પહોંચાડતા માદક દ્રવ્યો પર પ્રતિબંધ મૂકવા અને ગુનેગારોના રેકોર્ડના આદાન-પ્રદાનની સમજૂતીનો માર્ગ મોકળો બનાવવા વધુ વાતચીત અંગે સંમતિ દર્શાવી તેમજ બંને દેશોમાં કાયદો અમલી બનાવતી સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું.
પ્રધાનમંત્રી કેમરૂન અને પ્રધાનમંત્રી મોદીએ ગુનાખોરી અંગે અને ખાસ કરીને આતંકવાદ સંબંધિત કેસોમાં પરસ્પર કાયદાકીય સહાયના ક્ષેત્રે સહયોગ વધારવા પોતાના નિર્ણયનો પુનરોચ્ચાર કર્યો.
બંને પ્રધાનમંત્રીઓએ ચોરાયેલાં શિલ્પ અને પ્રાચીન વસ્તુઓની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે સહયોગ વધારવા પર પણ ભાર મૂક્યો.
સારાંશ
પ્રધાનમંત્રી શ્રી મોદીએ પોતાને તેમજ પોતાના પ્રતિનિધિમંડળને ઉષ્માભર્યા આવકાર બદલ પ્રધાનમંત્રી શ્રી કેમરૂનનો આભાર માન્યો અને પ્રધાનમંત્રી શ્રી કેમરૂનને વર્ષ 2016માં ભારત આવવા નિમંત્રણ પાઠવ્યું. બંને નેતાઓએ યુકે અને ભારત વચ્ચે બંને દેશોના લોકો માટે આર્થિક વૃદ્ધિ, રોજગાર અને સલામતિ વધારવામાં અનિવાર્ય ભૂમિકા ભજવે તેવી દૂરદ્રષ્ટિવાળી ભાગીદારીનું વિઝન નિશ્ચિત કર્યું. તેમણે પોતાનાં બંને દેશો અને વિશ્વની સુખાકારી માટે સાથે મળીને વ્યાપક અને પરિવર્તનકારી સહભાગિતા સ્થાપવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
J.Khunt
My statement to the media at the press briefing with PM @David_Cameron. @Number10gov https://t.co/yWkStlZR4w.
— Narendra Modi (@narendramodi) November 12, 2015