Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લખનઉમાં ‘કૃષિ કુંભ 2018’ના ઉદઘાટન પ્રસંગે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


 

નમસ્કાર,

મંત્રી પરિષદના મારા સાથી રાધામોહન સિંહજી, ઉત્તરપ્રદેશના લોકપ્રિય અને યશસ્વી ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, જાપાન સરકારના આસિસ્ટન્ટ ડેપ્યુટી મિનિસ્ટર તકામી નાકાડાજી, પ્રભારી રાજદૂત માયા કોડોશજી, કૃષિ જગતના વૈજ્ઞાનિક સમુદાય અને અન્ય મહાનુભવો તથા ઉત્તરપ્રદેશના ખૂણે-ખૂણેથી આવી પહોંચેલા મારા ખેડૂત ભાઈઓ અને બહેનો.

પ્રયાગરાજમાં યોજાનારા અર્ધ કુંભ માટે તો હજુ થોડાક મહિનાઓ બાકી છે, પરંતુ ઉત્તરપ્રદેશની ધરતી પર એક વધુ કુંભ આજથી શરૂ થઈ ગયો છે. ઉત્તરપ્રદેશના અલગ-અલગ ગામડાંઓમાંથી લગભગ 50 હજાર ખેડૂતો, દેશ વિદેશથી આવેલા વૈજ્ઞાનિકો, કામદારો, લખનઉમાં આ કૃષિ કુંભનો હિસ્સો બની રહ્યા છે. હું આપ સૌને આવકારૂં છું અને સ્વાગત કરૂં છું તથા ઉત્તરપ્રદેશના સંસદ સભ્ય હોવાના નાતે મારી ફરજ બને છે કે તમારા સુખ-દુઃખના સાથી બનીને તમારી વિકાસ યાત્રા માટે કોઈને કોઈ પ્રયાસ કરતો રહું છું.

 થોડા મહિનાઓ પહેલાં કૃષિ ઉન્નતિ મેળા વખતે મેં બૃહદ વિજ્ઞાન મેળો યોજવાની સલાહ આપી હતી. એનું જ વિસ્તરણ તમે આજે કૃષિ કુંભ તરીકે જોઈ રહ્યા છો. આ ઉત્તમ પ્રયાસ માટે હું યોગીજી અને તેમની પૂરી ટીમને અભિનંદન પાઠવું છું. હું ઈઝરાયેલ અને જાપાનની સરકારનો પણ આભાર વ્યક્ત કરવા ઈચ્છીશ, કારણ કે આ આયોજનમાં તે અમારા ભાગીદાર છે. આ ઉપરાંત પાર્ટનર રાજ્ય તરીકે ભાગ લઈ રહેલા હરિયાણાને પણ આ આયોજનથી ખૂબ જ લાભ થવાનો છે.

સાથીઓ,

કુંભ શબ્દ જ્યારે પણ કોઈ આયોજનની સાથે જોડાય છે ત્યારે તેનું મહત્વ ઘણું વધી જાય છે. કુંભ એક રીતે જોઈએ તો માનવતાનો, વિચારનો, વિમર્શનો એક અનંત અંતરપ્રવાહ છે. મને વિશ્વાસ છે કે આ પરંપરા અને આ ભાવનાને આ કૃષિ કુંભ સાકાર કરશે અને આગામી ત્રણ દિવસમાં કૃષિ ક્ષેત્રને બહેતર બનાવવા માટે ટેકનિક તથા અન્ય તકો માટે નવા માર્ગ ખોલી દેશે.

સાથીઓ, મને કહેવામાં આવ્યું છે કે આ મેળામાં લગભગ 200 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે અને તેમાં ખેડૂતોને નવી-નવી તકનિકો અંગે જાણકારી આપવામાં આવી રહી છે. ખેતી સાથે જોડાયેલા નવા મશીનો ત્યાં મૂકવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે અહિંયા જે પણ કોઈ ખેડૂત આવશે તેને આનાથી લાભ થશે અને ઉત્પાદન વધારવાની સાથે સાથે ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં પણ ખેડૂતોને મદદ પ્રાપ્ત થશે.

સાથીઓ, સમગ્ર દેશમાં ખરીફ પાકની મોસમ લગભગ પૂરી થવા આવી છે. તમામ ખેડૂત ભાઈ બહેનો આજ કાલ ખૂબ જ વ્યસ્ત છે. આ વખતે પણ વિક્રમ ઉત્પાદન થવાની આશા છે. ઉત્તરપ્રદેશ એ એક એવી જગ્યા છે કે જ્યાં મહેનતુ ખેડૂતો દ્વારા દેશના અનાજનું લગભગ 20 ટકા ઉત્પાદન થઈ રહ્યું છે. તેના માટે હું આપ સૌને અભિનંદન પાઠવું છું. આજ કાલ સમગ્ર દેશની બજારોમાં અનાજ અને દાળ સહિત તમામ પાકની ખરીદી ચાલી રહી છે. મને કહેવામાં આવ્યું છે કે આ પ્રદેશના અનેક ભાગોમાં આ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ખેડૂતોને જે મૂલ્ય મળી રહ્યું છે તે નવા ટેકાના ભાવના આધારે મળી રહ્યું છે. આપ સૌને જાણકારી છે જ કે સરકારે રવિ અને ખરીફ 21 પાકના ટેકાના ભાવમાં ઐતિહાસિક વધારો કર્યો છે. આ વિવિધ પાકમાં હવે પડતર કરતાં ઓછામાં ઓછા 50 ટકા સીધો લાભ ખેડૂતોને મળે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

સાથીઓ, ઉત્તરપ્રદેશના ખેડૂતો જ્યારે ઉત્પાદનનો વિક્રમ સર્જી રહ્યા છે ત્યારે યોગીજીની સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરવાનો વિક્રમ તોડીને આગળ વધી રહી છે અને આટલા માટે જ હું યોગીજીની સરકારને અભિનંદન પાઠવું છું. આ વખતે ઘઉંના બાબતમાં લગભગ 50-55 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવામાં આવ્યા છે, જ્યારે અગાઉની સરકારમાં આ ખરીદી માત્ર 7-8 લાખ મેટ્રિક ટન જેટલી થતી હતી. આનો અર્થ એ થયો કે ખેડૂતો પાસેથી લગભગ 7 થી 8 ગણી ખરીદી કરીને તેમને સાચા ભાવ મળે તેની ચિંતા ભારતીય જનતા પાર્ટી, યોગીજીની સરકાર કરી રહી છે. આટલું જ નહીં, આ જે ખરીદી કરવામાં આવી છે તે ઉપાર્જન એટલે કે ટેકનિકના માધ્યમથી સીધી ખેડૂતો પાસેથી કરવામાં આવી છે અને તેનાથી વચેટિયાઓને દૂર કરવામાં પણ મદદ મળી રહી છે.

સાથીઓ, આ પરિવર્તન માત્ર અનાજ અથવા તો ઘઉંની ખરીદીમાં જ નહીં, શેરડીની ખરીદ પ્રક્રિયામાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ સિઝનમાં લગભગ 27 હજાર કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી છે. આટલું જ નહીં, પાછલી બાકી રકમમાંથી પણ લગભગ 11 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે. મને કહેવામાં આવ્યું છે કે ખાંડની મિલોની જે બાકી રકમો છે તે પણ ઝડપથી અપાવવાનો પ્રયાસ યોગી સરકાર કરી રહી છે. મને એ જાણીને પણ આનંદ થયો કે ઉત્તરપ્રદેશની સરકારે પ્રથમ વખતે બટાકા ખરીદવાનો પણ નિર્ણય કર્યો છે. બટાકાના વાજબી ભાવ મળવામાં જેમને સમસ્યા નડતી હતી તેવા ખેડૂતોને ચોક્કસપણે લાભ મળવાનો છે.

સાથીઓ, ઉત્તરપ્રદેશમાં થઈ રહેલો આ પ્રયાસ કેન્દ્ર સરકારની એ કટિબદ્ધતાનો હિસ્સો છે કે જેમાં ગામડું અને ખેડૂત અમારા આર્થિક ચિંતનનો એક મજબૂત હિસ્સો બની રહ્યા છે. અમારૂં સ્પષ્ટપણે માનવું છે કે ખેડૂતને કોઈ આગળ લાવતું નથી, પરંતુ ખેડૂત દેશને આગળ લાવી રહ્યો છે અને આ જ કારણથી સરકાર ખેતી અને ખેડૂતો સાથે જોડાયેલી સમસ્યાઓમાં ટૂકડામાં કામ કરવાની જૂની વિચારધારાને બદલે હવે પૂરી સમગ્રતા સાથે કામ કરી રહી છે. અમારૂં ધ્યાન ખેડૂતોની નાની નાની મુશ્કેલીઓ દૂર કરવા તરફનું છે.

સાથીઓ, વર્ષ 2022 સુધી જ્યારે આઝાદીના 75 વર્ષ થશે ત્યારે દેશના ખેડૂતોની આવક બમણી થશે. આ માટે સરકાર સંકલ્પબદ્ધ છે. ખેડૂતોની આવક વધારવા માટે ઓછી પડતર, વધુ લાભની નીતિ પર ચાલીને ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અભૂતપૂર્વ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. બીજથી માંડીને બજાર સુધી એક મજબૂત વ્યવસ્થા દેશમાં તૈયાર કરવામાં આવી રહી છે. માટીના આરોગ્યથી માંડીને બજારોમાં સુધારા માટેનાં અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં લગભગ 16 કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ ખેડૂતોને આપવામાં આવ્યા છે. જેમાંથી લગભગ 3 કરોડ કાર્ડ અહિં ઉત્તરપ્રદેશમાં વહેંચવામાં આવ્યા છે. આના કારણે ખેડૂતોને એ બાબત નક્કી કરવામાં સરળતા થાય છે કે કયો પાક આ માટી માટે યોગ્ય રહેશે અને કયું ફર્ટિલાઈઝર કેટલા પ્રમાણમાં નાંખવું જરૂરી બને છે.

સાથીઓ, માટીની ગુણવત્તાની સાથે સાથે તેની તેની ઉપજ શક્તિ જાળવી રાખવા માટે ઓર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કચરામાંથી જે ખાતર બને છે તેનો વધુ ઉપયોગ થાય તે માટે ખેડૂતોને પ્રેરણા આપવામાં આવી રહી છે, પરંતુ દેશની જરૂરિયાતોને ગણતરીમાં લઈને ઉત્પાદન થાય તે માટે યુરિયા જેવા ફર્ટિલાઈઝરની યોગ્ય ઉપલબ્ધિ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. સાથે-સાથે સિંચાઈની વ્યવસ્થાને પણ મજબૂત બનાવવામાં આવી રહી છે. મોટી સિંચાઈ યોજનાઓ સિવાય પણ સિંચાઈની નવી ટેકનિકને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પાણીના દરેક ટીપા દીઠ વધુ પાક લઈને એક એક ટીંપાથી પાકને કેવી રીતે ફાયદો થઈ શકે તે હેતુથી પાણીના દરેક ટીપા દીઠ વધુ પાક માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ટપક સિંચાઈ, છંટકાવ સિંચાઈ એટલે કે ટપક સિંચાઈ અને સૂક્ષ્મ સિંચન પદ્ધતિ જેવા વૈજ્ઞાનિક ઉપાયો પણ આપણી સિંચાઈ વ્યવસ્થાનો મહત્વનો હિસ્સો બની રહ્યા છે.

ઈઝરાયેલને તો સિંચાઈની આ નવી પદ્ધતિઓમાં નિપુણતા હાંસલ થઈ છે. જાપાન પણ ખેતી સાથે જોડાયેલી ટેકનિકની બાબતમાં ખૂબ જ વ્યાપક ધોરણે કામ કરી રહ્યું છે. સાથે સાથે આ કૃષિ કુંભના ભાગીદાર હોવાને નાતે આપ સૌને, સમગ્ર દેશને આ બંને દેશોની વિશેષતાઓનો લાભ હવે મળવાનો છે.

સાથીઓ, આની સાથે-સાથે આપણે વિજળી અને ડિઝલ વડે ચાલતા પંપને સોલાર પંપમાં બદલવા ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આ વ્યવસ્થાઓ વધારાની સિંચાઈ માટેનું ખૂબ મોટું સાધન આપણા પંપ છે. એટલા માટે એ તરફ પણ ખૂબ મોટા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિજળી અથવા તો ડિઝલથી ચાલી રહેલા આ પંપને સૂર્ય ઊર્જાથી ચાલનારા સૌર પંપમાં બદલવાનું એક વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ આગામી 4 વર્ષમાં સમગ્ર દેશમાં લગભગ 28 લાખ ખેડૂતોના ખેતરોમાં સોલાર પંપ લગાવવામાં આવશે. તેનાથી ખેડૂતોને એક તરફ મફત વિજળી મળશે અને બીજુ, જરૂરથી વધારે વિજળી જો પેદા થશે તો તેને ખેડૂતો વિજળી વિતરણ કંપનીઓને વેચી પણ શકશે.

સાથીઓ, એક સમય હતો કે જ્યારે ગઈ કાલે આપણો કિસાન અન્ન દાતા હતો, તે આજે ઊર્જા દાતા બને તેવી સંભાવના પણ ઉભી થઈ ગઈ છે. અન્ન દાતા પણ છે તે હવે ઊર્જા દાતા પણ બની જશે.

સાથીઓ, આ અભિયાન હેઠળ ખેડૂતોના જીવનમાં કેવું પરિવર્તન આવવાનું છે તેનો સાક્ષી હું થોડાક દિવસ પહેલા જ્યારે હું ગુજરાત ગયો હતો ત્યારે મને જોવા મળ્યું હતું. ત્યાં એક ગામમાં કેટલાક ખેડૂત પરિવારોએ સાથે મળીને ખેતરની અંદર સોલાર પેનલ અને સોલાર પંપનું કામ શરૂ કર્યું છે. સૂર્યના કિરણોથી વિજળી પેદા કરવાનું શરૂ કરીને તેમણે પોતાના ખેતરનું કામ ચાલુ રાખ્યું છે. પંપ ચાલતો હતો અને તેનાથી તેમની વિજળી જરૂરિયાત પૂરી થઈ હતી અને સાથે સાથે દર વર્ષે રૂ. 50 હજાર વિજળી વેચીને પણ કમાઈ રહ્યા છે.

સાથીઓ, વિજ્ઞાનનો સીધો લાભ ખેડૂતોને મળે તે માટે સરકાર દ્વારા ગંભીર પ્રયાસ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને વૈજ્ઞાનિકોને સંશોધન કેન્દ્રો સાથે સીધા જોડવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. આથી જે કોઈપણ નવી શોધ ખેતી સાથે જોડાયેલી હોય તો, વિજળી સાથે જોડાયેલી હોય તો તેની સાચી જાણકારી ઓછામાં ઓછા સમયમાં ખેડૂત સુધી પહોંચી શકે તેના માટે સમગ્ર દેશમાંથી લગભગ 500 કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને પણ ખૂબ મોટી ભૂમિકા સોંપવામાં આવી છે. ખેતી અંગે સંશોધન સાથે જોડાયેલી આધુનિક સંસ્થાઓ તૈયાર કરવામાં આવી રહી છે. વારાણસીમાં સ્થપાઈ રહેલું રાઈસ રિસર્ચ સેન્ટર આ દિશાનો એક ખૂબ મોટો પ્રયાસ છે. ખેડૂતની પેદાશોને વધુ ભાવ અપાવવા માટે મૂલ્ય વૃદ્ધિને માટે પણ સરકારે મોટા કદમ ઉઠાવ્યા છે. ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં પણ 100 ટકા સીધા વિદેશી મૂડી રોકાણનો નિર્ણય પણ સરકારે કર્યો છે.

આપણે પણ જાણીએ છીએ કે ટામેટા વેચવા હોય તો તે સસ્તામાં વેચાય છે, પરંતુ જો ટામેટાનો સૂપ વેચીએ તો અને તેને બોટલમાં ભરીને વેચીઓ તો વધારે પૈસા મળે છે. કાચી કેરીના ઓછા પૈસા મળે છે, પરંતુ કાચી કેરીનું અથાણું બનાવીને વેચવામાં આવે તો વધુ પૈસા મળે છે. લીલા મરચાંના ઓછા પૈસા મળે છે, પરંતુ મરચાંનો પાવડર બનાવીને વેચવામાં આવે તો વધારે પૈસા મળે છે. આ મૂલ્ય વૃદ્ધિ છે. તેના સિવાય પણ આ વર્ષે બજેટમાં ટામેટા, ડુંગળી અને બટાકાના ઉત્પાદન સાથે જોડાયેલી મૂલ્ય વૃદ્ધિ માટે રૂ. 500 કરોડની રકમની TOP યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેનાથી ઉત્તરપ્રદેશના બટાકાના ખેડૂતોને પણ ઘણો લાભ થવાનો છે. તેનાથી કૃષિ ક્ષેત્રમાં રોકાણના રસ્તા પણ ખૂલી જવાના છે અને તેનો મોટો લાભ ઉત્તરપ્રદેશને થવાનો છે. મને કહેવામાં આવ્યું છે કે મૂડી રોકાણ શિખર પરિષદમાં ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્ર એટલે કે ખેત ઉત્પાદન ક્ષેત્રમાં મૂલ્ય વૃદ્ધિ માટે લગભગ 16 હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણની દરખાસ્તો આવી છે. તેમાંથી રૂ. 3500 કરોડની 14 યોજનાઓનું લોકાર્પણ પણ થઈ ચૂક્યું છે.

સાથીઓ, આ એવું કામ છે કે જે ખેતીને લાભદાયી બનાવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેના સિવાય અન્ય માધ્યમો મારફતે પણ ખેડૂતોની આવક વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે. હરિત ક્રાંતિમાં સફળ પ્રયોગ પછી અમે શ્વેત ક્રાંતિ, મધુર ક્રાંતિ, વાદળી કાંતિ જેવા નવા રસ્તાઓ માટે આગળ વધી રહ્યા છીએ. દૂધનું ઉત્પાદન હોય, મધનું ઉત્પાદન હોય, ઈંડા અથવા માછલીનું ઉત્પાદન હોય, દેશ નવા નવા વિક્રમો સર્જી રહ્યું છે. બે દિવસ પહેલાં જ ભારત સરકારે મત્સ્ય ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂત પરિવારો માટે માછીમાર ભાઈ બહેનો માટે એક ખૂબ મોટો નિર્ણય કર્યો છે. સરકારે રૂ. 7500 કરોડનું એક નવું ભંડોળ ઉભુ કરવા માટે મંજૂરી આપી છે.

સાથીઓ, આ કૃષિ કુંભમાં હાજર રહેલા આ સૌ ખેડૂતો, ખેતી સાથે જોડાયેલા નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો વગેરે ભારતની અર્થ વ્યવસ્થાનો એક મહત્વનો હિસ્સો બની રહ્યા છો, કારણ કે તમે જે કાંઈ કરી રહ્યા છો તેનાથી આવનાર સમયમાં ઝડપભેર આગળ વધીને આપણા આર્થિક સામર્થ્યને ખૂબ મોટી અસર થવાની છે. મને તમારી પાસે અપેક્ષા છે કે આ કૃષિ કુંભમાં ખેડૂતોની સાથે બેસીને ખેતી સાથે જોડાયેલી ટેકનિક અંગે ઊંડુ ચિંતન કરવામાં આવે. ખાતરનો ઉપયોગ કઈ રીતે ઓછો કરી શકાય, ઓછા પાણી યોગ્ય ઉપયોગ કેવી રીતે થઈ શકે, પાકના સંગ્રહની ટેકનિકને કેવી રીતે બહેતર બનાવી શકાય, રોબોટ અને ડ્રોન જેવી ટેકનિકનો ખેતીમાં અસરકારક ઉપયોગ કેવી રીતે કરી શકાય. આવા અનેક વિષયો છે, જેની ઉપર કામ કરવાની જરૂર છે.

આ ઉપરાંત પરાળને, કે જેને એક કચરા તરીકે ઓળખવામાં આવે છે તેની પણ નવી ટેકનિકના માધ્યમથી સમૃદ્ધિમાં કેવી રીતે રૂપાંતર કરી શકાય, કચરાને પણ કંચન બનાવી શકાતું હોય છે. ખેતીમાં કોઈ ચીજ નકામી હોતી નથી, પાકની પહેલા પણ નહીં અને પાકની પછી પણ નહીં. ખેતીની દરેક ચીજમાં સોનુ જ સોનુ હોય છે. જો ખેડૂત તેનો ઝવેરીની જેમ ઉપયોગ કરી લે તો તેની ખેતીની એક પણ ચીજ નકામી નહીં જાય. કચરો પણ કંચન બની શકે છે, કચરામાંથી પણ સમૃદ્ધિનું સર્જન થઈ શકે છે. આ બાબતે પણ વધુ વ્યાપક ઉપાયો સાથે કામ કરવાની જરૂર છે. હાલમાં પરાળ સળગાવાતાં ખેડૂતોને રોકવા માટે સરકાર ખેડૂતોને મશીનો ખરીદવા માટે 50 થી 80 ટકા જેટલી રાહત આપી રહી છે. પરંતુ આપણે ટેકનિક આધારિત કેટલાક એવા નક્કર ઉપાયો તરફ આગળ વધવું પડશે, કે જેનાથી આપણાં ખેડૂત ભાઈઓ માટે પરાળ સળગાવવાની મજબૂરી ખતમ થઈ જાય અને તેનાથી પર્યાવરણનું પણ રક્ષણ થાય.

મને વિશ્વાસ છે કે આગામી 3 દિવસો દરમિયાન ખેતીને લાભદાયી બનાવવા માટે આ બધા વિષયો પર અને ખેતીમાં મૂલ્ય વર્ધન કેવી રીતે કરી શકાય તે બાબત અંગે તમે ચિંતન કરશો. ખાસ કરીને ઉત્તરપ્રદેશના અલગ-અલગ જિલ્લાઓમાં, ત્યાંની જરૂરિયાત મુજબ કેવી રીતે નવા-નવા પ્રયોગો કરી શકાશે તેની પણ તમે ચર્ચા કરશો.

આ કૃષિ કુંભ ઉત્તરપ્રદેશની સાથે સાથે સમગ્ર દેશની કૃષિ વ્યવસ્થાને એક નવી દિશા આપશે એવી અભ્યર્થના સાથે ફરી એક વાર આપ સૌને હું ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ..!

 

RP