Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લખનૌમાં અટલ બિહારી વાજપેયી મેડિકલ યુનિવર્સિટીના ભૂમિપુજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ, કેન્દ્ર સરકારના મંત્રી પરિષદના મારા વરિષ્ઠ સહયોગી અને આ ભૂમિના પ્રતિનિધિ શ્રી રાજનાથસિંહજી, અહીંના યશસ્વી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ, દિનેશ શર્મા, વિધાનસભાના અધ્યક્ષ મહોદય શ્રીમાન નારાયણ દિક્ષિત, યુપી સરકારનો મંત્રી સમુદાય, યુપીના સાંસદો અને ઉપસ્થિત ભાઈઓ અને બહેનો.

લખનૌના સાંસદે મારૂં સ્વાગત કર્યું, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મારૂં સ્વાગત કર્યું અને કાશીના સાંસદે ધન્યવાદ આપ્યા. હું નસીબદાર છું કે આજે મને મહત્વના અન્ય કાર્યક્રમોમાંથી અહીં આવવાની તક મળી છે અને બંને કાર્યક્રમોમાં મને અટલ બિહારી વાજપેયીજીને વંદન કરવાની, તેમના દૂરંદેશીનું સન્માન કરવા માટેની મને તક પ્રાપ્ત થઈ છે.

અહીંયા આવતા પહેલાં જ મેં દિલ્હીમાં અટલ જલ યોજનાનો પ્રારંભ કર્યો હતો. રૂ.6000 કરોડની આ યોજના હેઠળ ઉત્તરપ્રદેશ સહિત દેશના 7 રાજ્યોમાં ભૂગર્ભ જળનું સ્તર સુધારવાનું કામ કરવામાં આવશે.

તેની સાથે સાથે આજે હિમાચલ પ્રદેશને  લદાખ સાથે જોડનારી રોહતાંગ સુરંગનું નામ પણ અટલ ટનલ રાખવામાં આવ્યું છે.

એ પણ એ સંજોગની બાબત છે કે આજના દિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે ઉત્તરપ્રદેશનું શાસન જે ભવનમાંથી ચાલી રહ્યુ છે ત્યાં અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેમની આ ભવ્ય પ્રતિમા લોકભવનમાં કામ કરનાર લોકોને નિરંતર સુશાસનની અને લોકસેવાની પ્રેરણા આપતી રહેશે.

સાથીઓ, આ ઉપરાંત અટલજીને સમર્પિત કરાયેલ અટલ મેડિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જે લખનૌ શહેર વર્ષો સુધી અટલજીની કર્મભૂમિ બની રહ્યું હતું અને અટલજીની સંસદીય બેઠક બની રહ્યું હતું તે આ શહેરમાં આવીને અહીં શિક્ષણ સાથે જોડાયેલી, આરોગ્ય સાથે જોડાયેલી સંસ્થાઓનો શિલાન્યાસ કરવાની મને તક મળી છે, તેને હું મારા જીવનની સૌભાગ્યની પળ માનું છું.

અટલજી જ્યારે અહીંના સાંસદ હતા ત્યારે તેમણે અહીંયા વિકાસની અનેક યોજનાઓનું કામ શરૂ કરાવ્યું હતું. રીંગ રોડનું કામ હોય, જૂના લખનૌમાં ગટર વ્યવસ્થાનું કામ હોય, અહીંના એરપોર્ટના આધુનિકીકરણની કામગીરી હોય, વાલ્મિકી આંબેડકર આવાસ યોજના હોય, બાયોટેક પાર્ક હોય, લખનૌને નવી ઓળખ આપનારા સેંકડો કામો અટલજીએ કર્યા હતા. હવે અહીંના સાંસદ તરીકે શ્રીમાન રાજનાથજી આ વારસાને સંભાળી રહયા છે અને તેને આગળ ધપાવી રહ્યા છે.

સાથીઓ, અટલજી કહેતા હતા કે જીવનને ટૂકડાઓમાં જોઈ શકાય નહીં, તેને સમગ્રતામાં જોવું જોઈએ. આ બાબત સરકાર માટે  પણ એટલી જ સાચી છે અને ગુડ ગવર્નન્સ માટે પણ,  સુશાસન માટે પણ તે યોગ્ય માપદંડ છે.

સુશાસન ત્યાં સુધી શક્ય નથી બનતું, જ્યાં સુધી આપણે સમસ્યાઓને સંપૂર્ણતાથી, સમગ્રતાથી વિચારીએ નહીં અને તેનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરીએ નહીં. મને એ બાબતનો સંતોષ છે કે યોગીજીની સરકાર પણ સમગ્રતાની આ વિચારધારાને સાકાર કરવાના ભારે પ્રયાસો કરી રહી છે.

અટલ મેડિકલ યુનિવર્સિટી આ વિચારધારાને સાકાર કરે છે. આ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં તબીબી શિક્ષણ અને તેને સમગ્રતા પ્રદાન કરશે, સંપૂર્ણતા આપશે અને અભ્યાસક્રમથી માંડીને પરિક્ષા સુધીના બાબતોમાં તેમાં એકસૂત્રતા  લાવવામાં આવશે. એકરૂપતા આપવામાં આવશે અને સ્વાભાવિક રીતે જ તેમાં એકાત્મક ભાવ હશે.

મેડિકલ કોલેજ હોય, ડેન્ટલ કોલેજ હોય, પેરામેડિકલ કોલજ હોય, નર્સિંગ કોલેજ હોય, સારવાર સાથે જોડાયેલો દરેક અભ્યાસ ક્રમ, દરેક ડીગ્રી હોય તો તમે તેની દેખરેખ રાખીને આ વિશ્વ વિદ્યાલયની આ તમામ વ્યવસ્થાને વિદ્યાર્થીઓ માટે આગળ ધપાવશો.

સરકારી હોય કે અર્ધ  સરકારી હોય કે પછી ખાનગી મેડિકલ સંસ્થા હોય. આ બધાંનું જોડાણ હવે આ યુનિવર્સિટી સાથે થવાનું છે. એક સમાન શૈક્ષણિક સત્ર ધરાવતું કેલેન્ડર લાગુ પાડવામાં આવશે. પરિક્ષાઓ યોગ્ય સમયે લેવામાં આવશે, પારદર્શક પધ્ધતિથી લેવામાં આવશે. આ યુનિવર્સિટીના નિર્માણથી ઉત્તરપ્રદેશમાં તબીબી શિક્ષણની ગુણવત્તામાં ઘણો જ સુધારો થવાનો છે.

સાથીઓ, ઉત્તરપ્રદેશ સહિત દેશના હેલ્થ સેક્ટરનો વિકાસ કરવા માટે અને અમારૂં વિઝન અને દિશા  બંને અગાઉથી જ સ્પષ્ટ રહ્યા છે. આરોગ્યની સાથે જોડાયેલી તમામ સુવિધાઓમાં સુધારો કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. હેલ્થ સેક્ટર માટે સરકારનો એક રોડ મેપ છે.

પહેલું, રોગો અટકાવવા બાબતે અમે ભારપૂર્વક વાત કરી હતી.

બીજુ, પોસાય તેવી સારવાર અને તેનું વધુ વિસ્તરણ થાય તેવા અમે પ્રયાસો કર્યા છે.

ત્રીજુ, સપ્લાય સાઈડમાં દરમ્યાનગિરી કરીને એટલે કે આ ક્ષેત્રની દરેક માગને ધ્યાનમાં લઈને સપ્લાય મળી રહે તેની ખાત્રી રાખી છે.

ચોથુ, અમે મિશન મોડમાં આવીને દરમ્યાનગિરી કરી છે, એટલે કે આરોગ્ય સાથે જોડાયેલી તમામ યોજનાઓને મિશન મોડમાં ચલાવવાનું કામ કર્યું છે. તમે સરકારની દરેક  યોજનાઓને જોશો તો તે આ જ માર્ગે આગળ વધી રહી છે અને આ નકશા ઉપર આગળ વધતી રહી છે.

સાથીઓ, બિમારી આવે ત્યારે જે ખર્ચ થાય છે તેને બચાવવાનો સૌથી સહેલો ઉપાય એ છે કે બિમાર થવામાંથી જ બચવું જોઈએ, તેને પ્રિવેન્ટીવ હેલ્થ કેર કહેવામાં આવે છે અને તેના માટે આપણે જેટલા વધુ પ્રમાણમાં લોકોને જાગૃત બનાવીશું, જાગૃતિ પેદા કરીશું તેટલી સામાન્ય માનવી માટે તેમાં ગંભીરતા આવશે. અને તેમનામાં એટલી જ રોગ પ્રતિકારક શક્તિ વધશે, શરીર સ્વસ્થ રહેશે.

એક રીતે કહીએ તો સ્વચ્છ ભારત એ બિમારી માટે થતા ખર્ચને રોકવાનું મોટું અભિયાન છે, તો તેની સાથે સાથે યોગ પણ બિમારી માટે થતો ખર્ચ અટકાવવાની શૂન્ય ખર્ચ ધરાવતી પધ્ધતિ છે.

ઉજ્જવલા યોજના મારફતે અમે માતાઓને ધૂમાડામાંથી મુક્તિ આપી છે અને આ પણ બિમારી અટકાવવાનું એક આરોગયલક્ષી કામ છે. તો બીજી તરફ દેશના દરેક નાગરિકને ફીટ ઈન્ડિયા ચળવળનો હિસ્સો બનાવીને તેને ચુસ્ત રહેવા માટે પ્રેરિત કરવામાં આવે છે. તેની સાથે સાથે આયુર્વેદને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, કારણ કે આજ કાલ સમગ્રલક્ષી આરોગ્યની માગ વધતી જાય છે.

દરેક વ્યક્તિ આડકતરી અસરોથી બચવા માગતો હોય છે અને તેમાં આયુષ, આયુર્વેદ જેવા ક્ષેત્રો ઘણી મોટી ભૂમિકા બજાવે છે. તો આ રીતે દરેક પહેલ બિમારીઓને અટકાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે.

બિમારી અટકાવવાની કામગીરી ઉપર આપણે જેટલો ભાર મૂકીશું તેટલી આરોગ્ય ક્ષેત્ર માટે આપણી ચિંતાઓ ઓછી થતી જવાની છે. એક તરફ તેમાં સ્પર્શથી ફેલાતા રોગો રોકવામાં મદદ મળી રહી છે, તો બીજી તરફ જીવનશૈલીના કારણે જે બિમારીઓ આવે છે તે બિમારીઓ દૂર કરવા માટે પણ તે યોગ્ય સાબિત થઈ રહી છે.

સાથીઓ, બિમારીઓ અટકાવવાની આરોગ્ય પધ્ધતિની વધુ એક કડી દેશના ગ્રામ્ય વિસ્તારોમાં સવા લાખથી વધુ વેલનેસ સેન્ટરનું નિર્માણ કરવાની છે. આ સેન્ટરો બિમારીની શરૂઆતના લક્ષણોને પારખીને શરૂઆતથી જ તેનો ઈલાજ કરવામાં મદદગાર સાબિત થશે. આ રીતે સરકાર રસીકરણ પ્રોગ્રામમાં પણ વિશેષ ઝોક આપીને તેનો વિસ્તાર વધારી રહી છે. અમે નવી રસીઓ ઉમેરવાની સાથે સાથે દૂર દૂરના વિસ્તારોમાં પણ રસીકરણને આગળ ધપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

આ દિવસોમાં આપણાં લોકોએ, મેં કાનપુરમાં તેનો પ્રારંભ કર્યો હતો. પશુઓના આરોગ્યની બાબતે આહાર અને મોંથી થતા રોગો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પશુ આરોગ્યની સાથે સાથે માનવ ઘટક માટે પણ બિમારી રોકી શકે તેવી આરોગ્યલક્ષી  સેવા માટે કામ ચાલી રહ્યું છે. જો પશુમાં બિમારી નહીં હોય તો બિમારી ફેલાવવાનું કારણ પણ બનતું નથી. આનો અર્થ એ થાય કે આ રીતે એક પ્રકારે સમગ્રલક્ષી અભિગમ અપનાવીને આપણે જરૂરિયાત મુજબ ઝોક વધારીને આગળ  વધવું પડશે.

સાથીઓ, આરોગ્ય સેવાનું બીજુ એક પાસુ એ છે કે પોસાઈ શકે તેવી આરોગ્ય સેવાને પ્રોત્સાહિત કરવી. તેના માટે સરકાર મારફતે ઘણાં ઐતિહાસિક કદમ પણ ઉઠાવવામાં આવ્યા છે.

આયુષમાન ભારત યોજનાને લીધે દેશના લગભગ 70 લાખ ગરીબ દર્દીઓનો ઈલાજ થઈ ચૂક્યો છે. આ આયુષમાન ભારત યોજના દુનિયાની સૌથી મોટી યોજના છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોની જે કુલ વસતિ થાય છે તેનાથી વધુ લાભાર્થીઓ ભારતમાં આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓની યાદીમાં આવે છે. આટલા ઓછા સમયમાં 70 લાખ લોકોએ તેનો લાભ લીધો છે અને આ એવા લોકો છે કે જે મોટા ભાગે એવું માનીને બેઠા હતા કે મોતની રાહ જોવી તે વધુ બહેતર બની રહેશે, જેટલું જલ્દી મોત આવે તેટલું સારૂ રહેશે. જેટલા દિવસ સુધી દુઃખ વેઠી શકતા હોય, બિમારીનો સામનો કરી શકતા હોઈએ તેટલો સમય સામનો કરતા રહીશું, પરંતુ બાળકોને દેવામાં ડૂબાડીને તબિયત માટે કશું કરવું નથી. ઓપરેશન કરાવવું નથી. હૃદયની સારવાર કરાવવી નથી, કેન્સરની સારવાર પણ કરાવવી નથી એવું માનીને તમામ આશા આ લોકો છોડી ચૂક્યા હોય છે.

પરંતુ આયુષમાન ભારત યોજનાના આગમન પછી તેમને એક નવી જીંદગી, નવો વિશ્વાસ, નવો ઉત્સાહ મળી ગયો છે અને રૂ.1ના ખર્ચ વગર 70 લાખ લોકોની સારવાર થઈ છે અને મને ખુશી થાય છે કે ઉત્તર પ્રદેશે આ યોજનાને આગળ ધપાવવામાં ખૂબ જ સક્રિયતા દર્શાવી છે. માત્ર ઉત્તરપ્રદેશમાં જ  લગભગ 11 લાખ જેટલા લોકોએ તેનો લાભ લીધો છે. હા, 11 લાખ લોકોએ.

આ રીતે જન ઔષધિ યોજના તેમાં સસ્તી દવાઓ મળી રહી છે, એટલે કે આ દવા તમે જ્યારે બજારમાં લેવા જાવ છો ત્યારે તેના રૂ.100 થતા હોય તો જન ઔષધિ કેન્દ્રમાંથી તમને તે દવા રૂ.30 થી 40માં મળી રહેતી હોય છે. જેમને કાયમી સ્વરૂપે દવા લેવાની જરૂર પડતી હોય છે તેવા લોકોને દર મહિને રૂ.800, રૂ.1200, રૂ.1500 સુધીની બિલમાં બચત થઈ રહી છે. અને આથી જ સમગ્ર દેશમાં જન ઔષધિ કેન્દ્ર ખૂબ જ લોકપ્રિય બની ગયા છે અને લોકો જન ઔષધિ કેન્દ્રની દવાઓ પસંદ પણ કરવા લાગ્યા છે. આ રીતે સ્ટેન્ટસ અને ની-કેપની કિંમતો પણ ઘણી ઓછી કરવામાં આવી છે.

સાથીઓ, જે રીતે ગરીબમાં ગરીબ વ્યક્તિને આરોગ્યની સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે, તેમ તેમ આરોગ્ય સેવાઓની માગ પણ વધતી જાય છે. જેમ માગ વધતી જાય છે તેમ તેમ નવી નવી હોસ્પિટલો, નવા ક્લિનીક, નવા નર્સિંગ હોમ ખૂલવાનો માર્ગ પણ મોકળો થયો છે.

વિતેલા 5 વર્ષમાં વિક્રમ સંખ્યામાં તબીબી બેઠકો વધારવામાં આવી છે. આ વર્ષે સમગ્ર દેશમાં નવી 75 મેડિકલ કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એક રીતે કહીએ તો લોકસભાની દર 3 બેઠક દીઠ એક મેડિકલ કોલેજ શરૂ કરવાનું અમારૂં વિઝન આગળ ધપાવવા માટે અમે એક સફળ પ્રયાસ કર્યો છે અને તેનો ખૂબ મોટો  લાભ પણ ઉત્તરપ્રદેશને મળી રહ્યો છે. વિતેલા 2 થી 3 વર્ષમાં ઉત્તરપ્રદેશનાં 2 ડઝનથી વધુ તબીબી કોલેજને માન્યતા આપવામાં આવી છે, જેમાંથી અનેક મેડિકલ કોલેજો કાં તો શરૂ થઈ ચૂકી છે અથવા તો તેના નિર્માણની પ્રક્રિયા ચાલી રહી છે.

સાથીઓ, સરકાર મારફતે મહિલાઓ અને બાળકોના આરોગ્યને બહેતર બનાવવા માટે મિશન મોડમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન સહિત અનેક નવા કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ટીબીને ભારતમાંથી વર્ષ 2025 પહેલાં સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે પણ રાષ્ટ્રીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશના લોકોનું આરોગ્ય સુધારવા માટે, બિમારીમાં તેમને થતા ખર્ચને ઓછો કરવા માટેના આ ચાર પ્રયાસો ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવી રહ્યા છે.

સાથીઓ, જન સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કામ ઉત્તરપ્રદેશમાં પણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે એન્સેફેલાઈટીસની બાબતના કેસમાં યોગીજી અને તેમની ટીમે તથા ઉત્તરપ્રદેશની જનતાએ ખૂબ જ પ્રશંસાપાત્ર કામગીરી બજાવી છે અને તેના માટે પણ આપ સૌ અભિનંદનને પાત્ર છો. આંતરરાષ્ટ્રીય  સંગઠનોએ પણ, દુનિયાની માન્ય સંસ્થાઓએ પણ ઉત્તરપ્રદેશની આ સફળતાની ખૂબ જ પ્રશંસા કરી છે, તેના વખાણ કર્યા છે.

સ્વચ્છતા અને આરોગ્યની સેવાઓને ગામડે ગામડે પહોંચાડીને તેને સુલભ બનાવવાનું અભિયાન અહીંની સરકારે ચલાવ્યું છે અને તે ઉત્તરપ્રદેશના લોકોનું જીવન આસાન બનાવવાની દિશામાં મોટું કદમ બની રહ્યું છે.

હવે અમારો એ પણ પ્રયાસ રહેવો જોઈએ કે રાષ્ટ્રીય પોષણ મિશન અને મિશન ઈન્દ્ર ધનુષના કામને આપણે વધુ તેજ ગતિથી આગળ ધપાવીએ, જેથી કરીને આવનારા સમયમાં ઉત્તરપ્રદેશનું દરેક બાળક સુરક્ષિત બની રહે, દરેક નાગરિક સ્વસ્થ બની રહે.

સાથીઓ, આજે સુશાસન દિવસ પ્રસંગે અને એવા સમયે કે જ્યારે આપણે નવા વર્ષ અને નવા દાયકામાં પ્રવેશ કરવા માટે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે અટલજીની એક અન્ય વાત પણ ચોક્કસપણે યાદ રાખવી જોઈએ. અટલજી કહેતા હતા કે દરેક પેઢીનું ભારતની તકતીમાં જે યોગદાન છે તેનું મૂલ્યાંકન બે બાબતોના આધારે કરવું જોઈએ અને આ બંને માપદંડ દરેક નાગરિક માટે હોય છે. આપણે કોઈપણ કામ કરીએ ત્યારે આ બંને માપદંડ આપણી  સામે રાખીને કરીએ. અટલજીએ આપણને જે માર્ગ બતાવ્યો છે તે બંનેમાં  પ્રથમ છે- આપણને જે વારસો મળેલો છે તેનાથી આપણે કેટલી સમસ્યાઓ ઉકેલી છે? આ પહેલો માપદંડ છે. વારસામાં સમસ્યાઓ આવેલી છે, પરંતુ આપણે  વારસામાં મળેલી સમસ્યાઓને પણ ઉકેલી શક્યા છીએ અને બીજુ, રાષ્ટ્રના ભાવિ વિકાસ માટે આપણે પોતાના પ્રયાસોની સાથે સાથે નવી  પહેલ હાથ ધરીને કેટલો નવો મજબૂત પાયો નાંખ્યો છે?

સાથીઓ, આ બંને સવાલો બાબતે આજે આપણે કહી શકીએ છીએ કે વર્ષ 2020માં ભારત અભૂતપૂર્વ સિધ્ધિઓ સાથે પ્રવેશ કરી રહ્યું છે. આપણને વારસામાં જે કંઈ પણ સામાજીક, આર્થિક અને રાજકિય સમસ્યાઓ અને પડકારો મળ્યા હતા તેના ઉકેલ માટે આપણે નિરંતર કોશિષ કરી રહ્યા છીએ.

કલમ-370 કેટલી જૂની બિમારી હતી? કેટલી કઠીન લાગતી હતી? તે આપણને વારસામાં મળી હતી, પરંતુ આપણી જવાબદારી એ હતી કે આપણે આવા કઠીનમાં કઠીન પડકારોને હલ કરવા માટે ભરપૂર પ્રયાસો કરીએ છીએ અને તે કર્યા પણ છે. આસાનીથી કર્યા છે. બધાંની ધારણાઓનો ભૂક્કો બોલી ગયો છે.

રામ જન્મ ભૂમિ જેવા આટલા જૂના પ્રશ્નનો શાંતિથી ઉકેલ લાવવામાં આવ્યો છે. ભારત આઝાદ થયું, વિભાજીત થયું, ત્યારથી શરૂ કરીને લાખો ગરીબ- તેમાંથી ઘણાં દલિત છે, વંચિત છે, શોષિત છે, પહેરેલા કપડાં સાથે પોતાનો ધર્મ બચાવવા માટે આપણી દિકરીઓએ ઈજ્જત બચાવવા માટે જે લોકો પાકિસ્તાન, બાંગ્લા દેશ, અફઘાનિસ્તાનથી ભારતમાં આશ્રય લેવા માટે મજબૂર બન્યા છે તેવા શરણાર્થીઓને નાગરિકતાનું સન્માન આપીને, રસ્તો બતાવીને આવી અનેક સમસ્યાઓને હલ કરીને આ દેશના 130 કરોડ ભારતીયોએ ઉકેલ શોધી કાઢ્યો છે.

આપણે આત્મવિશ્વાસથી ભરેલા ભારત તરીકે વર્ષ 2020માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે એક નવા દાયકામાં ડગ માંડી રહ્યા છીએ અને હજુ પણ જે કામ બાકી છે તેના ઉકેલ માટે પણ સંપૂર્ણ સામર્થ્યની સાથે દરેક ભારતીય નાગરિક પ્રયાસ કરી રહ્યો છે. ગરીબને ઘર આપવાની કામગીરી હોય કે પછી દરેક ઘર સુધી પાણી પહોંચાડવાની કામગીરી હોય, ગમે તેટલા મોટા પડકારો હોય, આપણે પડકારોને પણ પડકાર આપવાનો સ્વભાવ લઈને નિકળી પડ્યા છીએ.

સાથીઓ, વર્ષ 2014થી માંડીને 2019 સુધીના સમયગાળામાં આપણે પડકારોને પડકાર આપવાની એક પણ તક છોડી નથી. 2014ની પહેલાં દેશની અડધાથી વધુ  વસતિ પાસે શૌચાલય ન હતા, હવે શૌચાલય પહોંચી ચૂક્યા છે.

કરોડો  ગરીબ પરિવાર, આપણી માતાઓ અને બહેનો, રસોડામાં ધૂમાડા વચ્ચે જીંદગી પસાર કરી રહી હતી. હવે ઘેર ઘેર ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે.

હજારો ગામડાં, હજારો પરિવાર, અંધારામાં જીંદગી પસાર કરવા માટે મજબૂર હતા, હવે તેમના ઘરમાં પણ વિજળી પહોંચી ગઈ છે.

દેશની અડધાથી વધુ  વસતિ બેંકથી દૂર હતી. તેમના માટે બેંકોના દરવાજા ખોલવામાં આવ્યા છે. કરોડો ગરીબ પરિવારો પાસે પોતાનું ઘન ન હતું. આશરે બે કરોડ પરિવારો માટે ઘર બની ચૂક્યા છે. વર્ષ 2022 સુધીમાં જે કોઈ ગરીબ કે જેની પાસે ઘર નહીં હોય તેને પાકુ ઘર આપવા માટેની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.

ગામે ગામ સુધી સડક પહોંચાડવાનું કામ અને રેલવે કનેક્ટીવિટી પહોંચાડવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને વર્ષ 2024 સુધીમાં દરેક ઘરને પાણી પહોંચાડવાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે પણ આપણે પૂરા જોશ સાથે કામે લાગી ગયા છીએ.

આ ઉપાયો  મારફતે નૂતન ભારતની પ્રગતિ માટે નક્કર પાયો તૈયાર થઈ રહ્યો છે. આ નક્કર પાયા ઉપર આપણે 5 ટ્રિલિયન ડોલરની અર્થ વ્યવસ્થા બનવાનો સંકલ્પ સિધ્ધ કરવા માટે એડી ચોટીનું જોર લગાવીને દેશને સાથે લઈને આગળ વધી રહ્યા છીએ કે જેથી  કરોડો ભારતવાસીઓનું જીવનસ્તર ઉંચુ આવે. ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ સન્માન અને ગરિમા પ્રાપ્ત થાય.

સાથીઓ,  આ જ તો સુશાસન છે. આ જ તો સ્વરાજ છે. જેની કલ્પના અટલ બિહારી વાજપેયીજી અને પૂજ્ય માલવિયાજી સહિત તમામ રાષ્ટ્ર નિર્માતાઓએ કરી હતી.

આપણી સરકાર માટે સુશાસનનો અર્થ છે-

સૌને સાંભળવામાં આવે, દરેક નાગરિક સુધી સુવિધા પહોંચે, દરેક ભારતીયને સારી તક મળે, દરેક દેશવાસી સુરક્ષાનો અનુભવ કરે. આ બધી સુલભતા સરકારના દરેક તંત્રએ સુનિશ્ચિત કરવાની છે.

આપણાં માટે સુશાસનનો એક જ મંત્ર છે, સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ.

આ ભાવના અને સ્વભાવ સાથે આપણે સૌ જોડાયેલા છીએ.

સાથીઓ, આપણો એવો સતત પ્રયાસ રહે છે કે સરકાર સત્તાના સુખમાંથી નિકળીને સેવાના સંસ્કાર ગાઢ બનાવે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે સામાન્ય માનવીના જીવનમાં સરકારની દખલ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવે.

આપણો પ્રયાસ એવો રહ્યો છે કે સરકાર સમસ્યાને અટકાવવાના બદલે, ગૂંચવવાના બદલે તેને ઉકેલવા માટેનું માધ્યમ બને. તમે જો આ સરકારનું મૂલ્યાંકન કરશો તો તમને આ કોશિષ ડગલેને પગલે અનુભવી શકશો.

હવે દેશને દસ્તાવેજોને પ્રમાણિત કરવાના, તેને સાચા ઠરાવવાના તબક્કામાંથી બહાર નિકળી રહ્યા છીએ. તમે જાતે જે બાબતને પ્રમાણિત કરી હોય, જાતે જ જે બાબતની જવાબદારી લીધી હોય, તે સરકાર માટે પૂરતું છે.

હાલમાં વધુને વધુ સરકારી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. તેનું ડીજીટાઈઝેશન કરવામાં આવ્યું છે. જન્મના પ્રમાણપત્રથી માંડીને પેન્શન મેળવવા માટે હયાતીના જરૂરી પ્રમાણપત્ર સહિત તમામ સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. અગાઉ જ્યાં કાગળો, દસ્તાવેજો અને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાં એક સામાન્ય વ્યક્તિ ફસાયેલો રહેતો હતો, તેનું જીવન હવે ખૂબ જ સરળ બની રહ્યું છે.

સાથીઓ, આપણે સુશાસનના એવા તબક્કા તરફ આગળ વધી રહ્યા છીએ કે જ્યાં લોકોએ અરજી કરવાની જરૂર નહીં પડે, પરંતુ સરકાર તેના ઘરે જઈને પૂછશે કે કોઈ સમસ્યા તો નથીને. તમે જોશો કે લોકહિત માટેની જેટલી પણ યોજનાઓ આજે ચાલી રહી છે તેમાં લાભાર્થીઓની પસંદગીથી માંડીને તેમને લાભ પહોંચાડવાની ટેકનિકનું અને ડેટા સાયન્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

લાભ સીધો જ મળે અને તે ઝડપથી લોકો સુધી પહોંચાડવામાં આવે અને તે ચોકકસ વ્યકિતને પહોંચે તે બાબતને અમે સરકારની કાર્ય સંસ્કૃતિમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી પારદર્શકતા પણ આવી રહી છે. લોકોની સેવા પણ ખૂબ જ ઝડપથી થઈ રહી છે અને દેશના પ્રમાણિક કરદાતાઓના પૈસાની પણ બચત થઈ રહી છે.

સાથીઓ, આજે અટલ સિધ્ધિની આ ધરતી ઉપરથી હું ઉત્તરપ્રદેશના યુવાન સાથીઓને, અહીંના દરેક નાગરિકને વધુ એક આગ્રહ કરવા માટે આવ્યો છું.

સ્વતંત્રતા પછી આપણે જોયું છે કે સ્વતંત્રતા પછીના વર્ષોમાં આપણે સૌથી વધુ અધિકારો આપવા તરફ ઝોક ધરાવતા હતા, પરંતુ હવે આપણે જ્યારે સ્વતંત્રતાના 75મા વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે, સ્વતંત્રતાના દિવાના લોકોના સપનાંઓનું આપણે જ્યારે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે સમયની માગ એ છે કે આજ સુધી આપણે ભલે અધિકારો તરફ ઝોક દર્શાવતા હોઈએ તો પણ સમયની માગ એ રહી છે કે આપણાં કર્તવ્યો અને આપણી જવાબદારી તરફ આપણે એટલો જ ભાર મૂકવો પડશે.

હું આ વાત એટલા માટે જણાવી રહ્યો છુ કે ઉત્તરપ્રદેશમાં જે રીતે કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શનના નામે હિંસા આચરી છે, સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડ્યું છે તેવા લોકો પોતાના ઘરમાં બેસીને પોતાની જાતને એક વખત સવાલ કરે કે શું તેમનો આ રસ્તો યોગ્ય હતો? શું તેમની આ પ્રવૃત્તિ યોગ્ય હતી? આ જે બધુ સળગાવવામાં આવ્યું, નુકશાન કરવામાં આવ્યું તે બધુ તેમના બાળકો માટે કામમાં આવી શકે તેમ ન હતું? આ પ્રદર્શનોમાં, હિંસામાં જે લોકોનાં મોત થયા છે, જે સામાન્ય નાગરિકોને ઈજા થઈ છે, જે પોલિસ સમુદાય જખ્મી થયો છે તેમને અને તેમના પરિવારના લોકો પ્રત્યે એક પળ માટે પણ વિચાર કરી જુઓ, તેમના માથે શું વિતતું હશે? અને એટલા માટે જ હું તમને આગ્રહ કરૂં છું કે જૂઠી અફવાઓથી દોરવાઈ જઈને હિંસા કરનારા  લોકોને, સરકારી સંપત્તિને નુકશાન કરનાર લોકોને હું ખૂબ જ આગ્રહ સાથે કહેવા માંગુ છું કે બહેતર સડક, બહેતર પરિવહન વ્યવસ્થા, બહેતર ગટર લાઈન એ બધું નાગરિકોનો હક્ક છે અને તેને સુરક્ષિત રાખવાનું અને સ્વચ્છ  રાખવાની નાગરિકોની જ જવાબદારી છે.

હક્ક અને જવાબદારીને આપણે સાથે સાથે નિભાવવાની છે અને હંમેશા યાદ રાખવાનું છે. ઉત્તમ શિક્ષણ, સુલભ શિક્ષણ એ આપણો અધિકાર છે, પરંતુ શિક્ષણ સંસ્થાઓની સુરક્ષા, શિક્ષકોનું સન્માન એ પણ આપણી જ જવાબદારી છે. તબીબી સારવાર આપણો હક્ક છે, પરંતુ ડોક્ટરોને સહયોગ અને તેમનું સન્માન કરવું તે પણ આપણી જવાબદારી છે.

સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થવું તે આપણો હક્ક છે, પરંતુ સુરક્ષા માટે જવાબદાર પોલિસ તંત્રની કામગીરીને સન્માન આપવું તે દરેક નાગરિકની જવાબદારી છે.

દરેક હક્કની એક મર્યાદા હોય છે. તેનો એક વ્યાપ હોય છે, તેની એક મર્યાદા હોય છે, પરંતુ જવાબદારીની, કર્તવ્યની ભાવના પણ ખૂબ જ વ્યાપક હોવી જોઈએ. સાથીઓ, નાગરિકોની સાથે સાથે આ ભાવના સરકાર માટે પણ, સરકારના દરેક તંત્ર માટે પણ એટલી જ જરૂરી બની રહે છે.

સરકારની એ જવાબદારી છે કે તે માત્ર 5 વર્ષ માટે નહીં, પરંતુ પાંચ પેઢીઓને ધ્યાનમાં રાખીને પોતાનું કામ કરવાની આદત કેળવે. મને એ બાબતનો સંતોષ છે કે ઉત્તરપ્રદેશની સરકાર પણ પોતાની જવાબદારી નિભાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે.

આપણે, આપણી જવાબદારી નિભાવીએ, આપણાં લક્ષ્યાંકોને હાંસલ કરીએ, તે સુશાસન છે અને આજના દિવસે અટલજીને યાદ કરતાં રહીને આપણે સૌએ સંકલ્પ કરવો જોઈએ કે પ્રજાની જે ઈચ્છા છે, તેને સાકાર કરવા માટે અટલ બિહારી વાજપેયીજીએ આપણને શિખવ્યું છે.

વધુ એક વખત ઉત્તરપ્રદેશના લોકોને અટલ મેડિકલ યુનિવર્સિટી મેળવવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આપ સૌને પણ અનેક શુભકામનાઓ સાથે થોડાંક દિવસ પછી પ્રારંભ થનારા નવા વર્ષ માટે શુભેચ્છાઓ આપું છું. આ નવું વર્ષ શરૂ થવામાં ઝાઝીવાર નથી. એક સપ્તાહ જેટલો સમય છે. આપ સૌને, ઉત્તરપ્રદેશના  લોકોને વર્ષ 2020 માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

NP/RP/DS