Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વડોદરા ખાતે 22મી ઓક્ટોબર 2016ના રોજ યોજાયેલી સામાજિક અધિકારિતા શિબિરમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

વડોદરા ખાતે 22મી ઓક્ટોબર 2016ના રોજ યોજાયેલી સામાજિક અધિકારિતા શિબિરમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


આજે વડોદરા મૂડમાં છે. મને અહીં આવવામાં થોડો વિલંબ થયો તેનું કારણ હું મોડેથી નહોતો આવ્યો, પરંતુ એરપોર્ટથી અહીં સુધી સમગ્ર વડોદરા (વડોદરાના લોકો) રોડ પર હતા. મારું સૌભાગ્ય હતું કે વડોદરાના નગરજનોના દર્શનની મને તક મળી હતી અને વિશાળ સંખ્યામાં તમે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા જેના કારણે હું તમારો સહુનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આજે વડોદરામાં સરકારના બે કાર્યોમાં આવવાની મને તક મળી છે. એક તો વડોદરામાં અત્યંત આધુનિક એરપોર્ટનું લોકાર્પણ હતું તથા આ સામાન્ય એરપોર્ટ નથી. જે ટેક્નોલોજીથી, સંસાધનોથી પર્યાવરણની ચિંતા કરીને બનાવેલું આ એક વિશેષ પ્રકારનું એરપોર્ટ છે. હિન્દુસ્તાનમાં એવું એક એરપોર્ટ કેરળમાં બન્યું છે અને બીજું આજે વડોદરાના આંગણામાં લોકાર્પણ થયું. બીજું અત્યંત મહત્વનું કાર્ય તથા મારી સામે પાંચ – સાત કાર્યક્રમોનો પ્રસ્તાવ પડ્યો હોય તો મારા સ્વભાવ પ્રમાણે હું દિવ્યાંગના કાર્યક્રમને પ્રાધાન્ય આપું છું. નિર્દોષ બાળકોને મળવું, તેમના પરિવારજનોએ ઇશ્વરનો પ્રસાદ સમજીને આ બાળકોનું જે પાલન પોષણ કરવાનું હોય છે, એક પ્રકારની તપસ્યા હોય છે. એટલા માટે આ દિવ્યાંગજનોના માતા – પિતાને પણ પ્રણામ કરવાની તક મળે છે કે જેમણે પોતાના સંતાન માટે પોતાના જીવનને અને તેમના સપનાઓની આહુતિ આપી છે. માતા – પિતા ક્યાંય જઇ શકતા નથી, સંતાનને એકલા મૂકી શકતા નથી. તે પરિવારોને જોઇએ તો ખબર પડે કે પરિવાર કેટલી તપસ્યા કરે છે અને આ જ્યારે જોઇએ છીએ ત્યારે સમાજની રીતે, સરકારની રીતે આપણી જવાબદારી બને છે કે પરિવારના આ કામમાં પણ મદદગાર બનીએ, તેમની થોડી જવાબદારી આપણે પણ ઉઠાવીએ અને તે પવિત્ર ભાવથી આ દિવ્યાંગજનોની વચ્ચે મારી સરકાર આવે છે, હું આવું છું અને આ સેવા કરવાની તક પ્રાપ્ત થાય છે. તેની પાછળ મારા મનમાં એક વિચાર છે, ખ્યાલ છે. આ પ્રસંગ સહાયતાનો પ્રસંગ નથી, સાધન સહાયતાનો પ્રસંગ નથી, આ તો તેનો એક અલ્પ ભાગ છે. પણ આ લાખો લોકોના કાર્યક્રમ દ્વારા સવા સો કરોડ દેશવાસીઓના મનમાં દિવ્યાંગજનો પ્રત્યે એક જવાબદારીનું ભાન કરાવવું, જેના ઘરમાં દિવ્યાંગ વ્યક્તિ છે ફક્ત તેની જવાબદારી નથી પણ આ સમગ્ર સમાજની જવાબદારી છે, સમગ્ર રાષ્ટ્રની જવાબદારી છે તે વાતાવરણનું નિર્માણ કરવાનો મારો એક પ્રયાસ છે. આ મુદ્દા પર એક દેશ તરીકે આપણે જાણે અજાણ્યે ઉદાસીન છીએ.

સરકારી ઇમારતો બની હોય અને ત્યાં કોઇ દિવ્યાંગજનને આવવું હોય તો તેમના માટે પણ એવી વ્યવસ્થા હોય છે જે મજબૂત શરીરવાળા લોકો માટે હોય છે. હવે તે કેવી રીતે જશે ત્યાં ? અમે એક સુગમ્ય યોજના બનાવી છે, સરકારી ઇમારતોને આગ્રહ કર્યો છે, રાતો રાત પૈસા ન આવે તે સમજી શકીએ છીએ, પરંતુ આ ઇમારતો બને તો, રેલવે પ્લેટફોર્મ બને તો, બસ સ્ટેશન બને તો તેમાં એક વ્યવસ્થા એવી પણ હોવી જોઇએ કે જેનાથી દિવ્યાંગજન સરળતાથી ક્યાંય જઇ શકે અને મારો અનુભવ એમ કહે છે કે લોકોનો તેમાં કોઇ વિરોધ હોતો નથી, કોઇ પરેશાની નથી હોતી બસ એમ જ કહે છે કે સાહેબ પહેલા કોઇએ જણાવ્યું નહોતું, તમે જણાવી દીધું હવે અમે કરી દઇશું.

ધીરે – ધીરે આપણે એક વાતાવરણ, સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ હોય, સરકારી જગ્યા હોય ત્યાં જે પણ વ્યવસ્થા બનાવે તેમાં દિવ્યાંગો માટે આપણા દિમાગમાં ચિંતન હોવું જોઇએ. આર્કિટેક્ચર કોલેજને પણ ખબર હોવી જોઇએ કે તેમના ત્યાંથી જે નવા આર્કિટેક્ચર તૈયાર થશે તેમની ડિઝાઇનમાં આ વ્યવસ્થા હોય. આ એક જન આંદોલન ઊભું કરવું પડશે અને જો આ જન આંદોલન આપણે કરીશું તો ઘણી વ્યવસ્થાઓ વિકાસ લઇ શકે છે અને એક વખત દિવ્યાંગજન માટે સમાજનું વલણ બદલાશે, કોઇ દિવ્યાંગજન જો જઇ રહ્યો હોય અને ચાર – પાંચ યુવાનો ઊભા થઇ જાય અને તેમને રસ્તો આપે ત્યારે સન્માનનો ભાવ તેમાં આવે છે કે આ દેશ, આ સમાજ અને મારી આસપાસના લોકો મારા માટે જાગૃત છે.

જ્યારથી સરકારમાં આ વ્યવસ્થા બની છે, છેલ્લી સરકારોએ પણ આ દિશામાં કામ કર્યું છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે 1992થી આ પ્રકારના કામોની શરૂઆત થઇ. 1992થી 2014 સુધી આ પ્રકારથી દિવ્યાંગજનોને મદદ પહોંચાડવાના ફક્ત 56 કાર્યક્રમ થયા હતા. બે વર્ષમાં આ સરકાર બન્યા બાદ સાડા ચાર હજાર એવા કાર્યક્રમ કરવામાં આવ્યા અને દેશભરમાંથી શોધી શોધીને લગભગ સાડા પાંચ લાખ દિવ્યાંગજનોને સીધી સહાયતા પહોંચાડવામાં આવી છે. ફક્ત યોજના બનાવવી જ નહીં સરકારના તમામ અંગ સંવેદનશીલ હોય, યોજનાઓ ગરીબના ઘરે, દલિતના ઘરે, વંચિતના ઘર…. તેમના ઘર સુધી પહોંચે એના માટે ભારત સરકાર સમગ્ર રીતે આગ્રહી છે અને પરિણામકારી છે.

આપણા દિવ્યાંગજનો માટે જે સાધનો જરૂરી હોય તે સાધન બનાવવા માટે સરકારનું એક કામ છે જેમાં નવીનતા હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ફક્ત નામનું જ રહી ગયું હતું, આ સરકારે તેને પુન: જીવિત કર્યું છે, નવા – નવા એન્જિનીયરને આમંત્રિત કર્યા અને જે સંસ્થા બંધ થઇ ગઇ હતી તેમાં નવી નવી શોધ થઇ, નવી નવી ચીજો બનવા લાગી અને અત્યાર સુધી ઘણા સસ્તા ભાવમાં પરિવારમાં પણ જો કોઇને કંઇક ખરીદવું છે તો ખરીદી શકે તેવી વ્યવસ્થા કરી. કહેવાનો મતલબ એ છે કે એક સરકાર તરીકે સમાજના આ વર્ગની પણ ચિંતા, તેમને પણ એટલી જ પ્રાથમિકતા અને તેનું પરિણામ એ છે કે આજે સમગ્ર વિભાગ ભારત સરકારના મધ્યમાં આવી ગયો છે. દલિત, પીડિત, વંચિત, દિવ્યાંગજનો માટે આ સમગ્ર વિભાગને પ્રાણવાન બનાવવાનું બીડું સરકારે ઝડપ્યું છે અને બે વર્ષના ઓછા સમયમાં આ કરવામાં અમે સફળ થયા છીએ.

સરકાર કોઇ નિયમ બનાવે કે હવે સરકારમાં દિવ્યાંગજનોને નોકરી મળશે. અખબારમાં હેડલાઇન આવે છે, સરકારની વાહવાહી પણ થાય છે, ચારેય તરફ પ્રશંસા થાય છે, તમામને સારું લાગે, તમને એ જાણીને આશ્ચર્ય અને આઘાત લાગશે. જ્યારે હું પ્રધાનમંત્રી બનીને દિલ્હી ગયો, ભારત સરકારની કમાન સંભાળી, ત્યારથી સૌથી પહેલા મેં તપાસ કરવાની સૂચના આપી. મેં પૂછ્યું કે ભારત સરકારમાં દિવ્યાંગજનો માટે પદ તો છે, પરંતુ તેમાં કેટલા સ્થાન ખાલી છે ? ઉપરથી જોયું હતું, બારીક તપાસ નહોતી થઇ, ફક્ત ઉપરથી જ નજર કરી હતી. હું પ્રારંભિક દિવસોની વાત કરું છું. વડોદરાથી, તમારા અહીંના સાંસદ બનીને દિલ્હી ગયા અને પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળી, તે દિવસોની વાત કરું છું. લગભગ 16500 પદ, જે દિવ્યાંગજનો માટે હતા, તે બાકી હતા, ખાલી હતી.

મેં અમારા મંત્રીમંડળના સાથી સભ્યો, મંત્રી તથા વિભાગના ઓફિસરોને કહ્યું કે, સર્વપ્રથમ ભરતી કરો, આ બાકીના સ્થાનને ભરો, આજે હું સંતોષપૂર્વક કહી શકું છું કે લગભગ 14500 પદ માટે ભરતી પ્રક્રિયા સંપન્ન થઇ ગઇ છે અને ખાલી સ્થાનો પર આજે દિવ્યાંગજન કાર્યરત છે. અમે ફક્ત આ પ્રકારના અવસર પર સાધન સહાયતા જ નથી આપતા. તેમના માટે કામ પણ કરીને દેખાડીએ છીએ.

તમને આશ્ચર્ય થશે કે અહીં બે બહેન મારા ભાષણને દિવ્યાંગજનો માટે, જે લોકો સાંભળી શકતા નથી, તેમના માટે તેમની ભાષામાં, સાંકેતિક ભાષામાં મારા ભાષણને સમજાવી રહી છે, પ્રસ્તુત કરી રહી છે. પરંતુ આપણો દેશ વિશાળ છે. રાજકોટમાં કોઇ બહેન અલગ પ્રકારથી સંકેત કરીને ભણાવે છે, મુંબઇમાં બીજા પ્રકારે, દિલ્હીમાં ત્રીજા પ્રકારથી, કોલકાતામાં ચોથા પ્રકારે, કહેવાનો અર્થ એ છે કે દરેક રાજ્યએ પોતપોતાની નિશાની, સંકેત બનાવી લીધા છે, વિકસીત કર્યા છે.

કહેવાનો અર્થ એ છે કે અમદાવાદનો કોઇ દિવ્યાંગ જો દિલ્હી જાય તો તેને ખબર નથી પડતી કે આને શું કહે છે? કારણ કે નિશાન કે સંકેત બદલાઇ જાય છે. હવે તમે જ મને જણાવો કે આટલા વિશાળ દેશમાં દિવ્યાંગજનો માટે, નિશાનીની ભાષા, સાંકેતિક ભાષા એક સમાન હોવી જોઇએ કે નહીં? હિન્દુસ્તાનના કોઇ પણ ખૂણામાં જો આપણો દિવ્યાંગ ભાઇ અને બહેન જાય અને તે નિશાની કરે, તો સામેવાળાને સમજમાં આવવું જોઇએ કે નહીં? મને કહેવામાં શરમ આવે છે. મને માફ કરજો, આ કામ પણ આ દેશમાં થયું નથી. આ સરકારે આવીને દેશના તમામ દિવ્યાંગજનો માટે એક સમાન ભાષા બનાવવાનું નક્કી કર્યું, તેમના માટે કાયદા બનાવવાનો નિર્ણય કર્યો. તેમની તાલીમની વ્યવસ્થા કરી. કોઇ એક વિષય પર જ્યારે ખૂબ જ તપાસ કરીએ છીએ, તેમાં ડૂબી જઇએ છીએ, તો સમસ્યાનું સમાધાન કેવી રીતે આવે છે, તે અમે જોયું છે.

ભાઇઓ અને બહેનો ,

આજે સંપૂર્ણ વિશ્વમાં એક વાતની પ્રશંસા થઇ રહી છે, ચારેય તરફ ગૌરવગાન થઇ રહ્યું છે. કઇ વાત પર? કઇ વાત પર? કઇ વાત પર પ્રશંસા થઇ રહી છે? અરે, મને સંભાળાય એટલા જોરશોરથી બોલો. સમગ્ર દુનિયામાં કઇ વાતની પ્રશંસા થઇ રહી છે? કઇ વાતની? અરે સ્નેહીઓ, સંપૂર્ણ વિશ્વ એ કહી રહ્યું છે, આર્થિક વિકાસની દુનિયામાં, દુનિયાના જે મોટા મોટા અર્થતંભ છે, તેમાં સૌથી વધારે ઝડપથી આગળ વધનારું અર્થતંત્ર કોઇ છે, તો તે હિન્દુસ્તાનનું છે મિત્રો. સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે ઝડપથી વિકાસ કરી રહેલી ઇકોનામી આપણા ભારતની છે. આપણા દેશમાં નિરંતર બે વર્ષથી દુષ્કાળ પડ્યા બાદ પણ, વર્લ્ડ બેન્ક હોય, આઇએમએફ હોય, ક્રેડિટ રેટિંગ એજન્સી હોય, તમામ એક સૂરમાં કહી રહ્યા છે કે ભારતનો વિકાસ જબરદસ્ત ઝડપથી થઇ રહ્યો છે. તમામ સમસ્યાઓનું સમાધાન વિકાસ છે. અને વિકાસના માર્ગથી જ નિરક્ષરતા દૂર થશે, બીમારી પણ દૂર થશે, ગરીબી પણ દૂર થશે અને દુનિયાના સમૃદ્ધ રાષ્ટ્રોની તુલનામાં ભારત પણ ઉન્નત સરની સાથે ઊભું થશે.

જરા વર્ષ 2014ના દિવસો યાદ કરો, 2014ના દિવસોને. 2013ના દિવસોને. જો ભૂલી ગયા હોય તો અખબાર કાઢીને જોઇ લેજો. હેડલાઇન્સ શું હતી – એટલા કરોડનું કૌભાંડ, કોલસાની ખાણમાં આટલા કરોડનો ભ્રષ્ટાચાર, સ્પ્રેક્ટ્રમની હરાજીમાં આટલા કરોડનો ભ્રષ્ટાચાર… આ તમામ હેડલાઇન્સ બનતી હતી, સાચું ને? જ્યારથી તમે મને જવાબદારી સોંપી છે, આજે લગભગ અઢી વર્ષ થઇ ગયા છે, આજે સમાચાર દિવ્યાંગજનોના ભલા કામો માટે બને છે. આજે દુનિયામાં ભારતના અર્થતંત્રના વિકાસના સમાચાર આવી રહ્યા છે. આજે પ્રગતિના સમાચાર સાંભળવા મળે છે. ભ્રષ્ટાચારની સામે મોટી મોટી વાતો કર્યા વિના મેં એક અભિયાન શરૂ કર્યું છે, એક લડાઇની શરૂઆત કરી છે. નાની નાની ચીજોને, મોટી મોટી ચીજોની વાત નથી કરતો, તે કોઇ અન્ય દિવસે કહીશ, આધારના માધ્યમથી, જનધન એકાઉન્ટના માધ્યમથી, સરકારના અનુદાનને સીધા લાભાર્થીના ખાતામાં નાંખવાનું શરૂ કર્યું, કોઇ વચેટીયા વિના, દલાલ વિના. હવે સહાયતા તેને જ મળે છે, જેને મળવી જોઇએ. સાચ્ચા લાભાર્થીને જ અનુદાન મળે છે. બનાવટી લાભાર્થી માટે કોઇ અવકાશ નથી રાખ્યો.

તમને ખબર છે તેની શું અસર થઇ છે? અત્યારે રાજ્યોને આ કામ માટે તૈયાર કરી રહ્યો છું, પરંતુ જે શુભ આરંભ થયો છે. અમારો પ્રયાસ સાચ્ચા લાભાર્થીને તેનો હક મળે, બનાવટી લાભાર્થી કે ખોટો માણસ તેનો ફાયદો ન ઉઠાવી જાય તેનો ખ્યાલ રાખવાનો છે. અમે ફક્ત એટલો ખ્યાલ રાખ્યો છે અને તમે જાણો છો કે રૂપિયા 36000 કરોડની બચત થઇ છે. રૂ. 36000 કરોડ. એટલી રકમની બર્બાદી ગેસના સિલિન્ડરમાં, શિષ્યવૃત્તિમાં,પેન્શનમાં કદાચ થઇ રહી હતી. કોઇ પૂછનારું નહોતું.

અમારી પહેલા જે પણ સરકાર રહી, તેણે ભ્રષ્ટાચાર કર્યો હશે. હવે જો ગાડી પાટા પર લાવવી હોય તો અમે થોડો સમય આપીએ. એટલા માટે અમે થોડો સમય આપ્યો. પરંતુ અમે માફી નથી આપી. સંપૂર્ણ ટેક્સ લીધો, સંપૂર્ણ દંડ લીધો, પરંતુ તક આપી, લાઇન પર આવવા માટે. તમને આનંદ થશે, હિન્દુસ્તાનમાં આ પ્રકારની યોજનાઓ પહેલા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી, પરંતુ અમારી સરકારની વિશ્વસનીયતાના કારણથી રૂપિયા 65,000 કરોડનું કાળું નાણું બહાર આવ્યું, દેશના અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં આવ્યું.

તમે વિચારો કે 36000 કરોડનો ભ્રષ્ટાચાર થતો હતો, અનુચિત વ્યક્તિને મળતા હતા, તે સાચા નાગરિકોને મળવાનું શરૂ થયા. અને રૂપિયા 65000 કરોડનું કાળું નાણું, લગભગ એક લાખ કરોડ. અને આ એક લાખ કરોડ પણ કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરીને એકત્ર નથી કર્યા. આ તમામ વગર સર્જિકલના. જે દિવસે સર્જિકલ સ્ટ્રાઇક કરી તે દિવસે કેટલું ધન મળશે તેનો તમે અંદાજ લગાવી શકો છો.

એક સાચી સરકાર, એક પવિત્ર સરકાર, એક અસરકારક સરકાર, જનતા જનાર્દનના સુખ તથા દુ:ખ પ્રત્યે સમર્પિત સરકાર હોય, તો કોઇ અવરોધ તેના આડે આવી શકતો નથી અને હિમ્મતથી, સાહસના જનહિતના કાર્યોને પૂરા કરી શકાય છે, – આ દિલ્હીમાં અમારી સરકારે કરીને દર્શાવ્યું છે. તેનો લાભ હિન્દુસ્તાનના દરેક ખૂણાને મળી રહ્યા છે.

થોડા સમયથી હું ગરીબો માટે ગેસના સિલિન્ડરના પ્રાવધાનમાં લાગ્યો છું, પહેલા કોઇના ઘરમાં ગેસનો સિલિન્ડર જોવા મળે તો એ ખૂબ જ પ્રભાવશાળી પરિવાર ગણાતો હતો. તે પરિવારની પહોંચ ઉપર સુધી હશે તેમ માનવામાં આવતું હતું. બિચારો ગરીબ માણસને તો સિલિન્ડર વિશે વિચાર પણ આવી શકતો નહોતો. લોકો સાંસદના ઘરે સિલિન્ડર માટે ચિઠ્ઠી લખવા માટે જતા હતા. વડોદરાના લોકોને તો આ સમસ્યાનો અહેસાસ નથી, કારણ કે અહીં તો પાઇપલાઇનથી ગેસ આવે છે, ગેસના સિલિન્ડર નહોતા મળતા. ગરીબ માતાઓને ચૂલ્હા પર ધૂમાડાની વચ્ચે રસોઇ બનાવવી પડતી હતી. વૈજ્ઞાનિકોનો દાવો છે કે એક દિવસમાં 400 સિગારેટ જેટલો ધુમાડો ગરીબ માતાઓના શરીરમાં જાય છે. આ ગરીબ માતાઓના સ્વાસ્થ્યની ચિંતા કોણ કરે?

દિલ્હીમાં અમારી સરકારે નક્કી કર્યું કે પાંચ કરોડ પરિવારોને, જેમની પાસે ગેસ જોડાણ નથી, આ સરકાર સામેથી તેમને ગેસ જોડાણ આપશે અને તે ગરીબ માતાઓને ચૂલ્હાથી, ધૂમાડાથી મુક્તિ અપાવશે. તેમના માટે દરરોજ અભિયાન ચાલી રહ્યું છે. ભારત સરકારે દાહોદમાં પ્રારંભ કર્યો હતો, આજે સમગ્ર હિન્દુસ્તાનમાં અભિયાન ચાલી રહ્યું છે. આ સરકારે કેન્દ્રમાં આ દેશના ગરીબ, પીડિત, દલિત, શોષિત, વંચિત છે, આદિવાસી ભાઇ છે અને તેમના કલ્યાણ માટે કામ કરનારી આ સરકાર છે.

આજે દિવ્યાંગજનોને લગભગ 10000 લોકોને આ સહાયતાનો લાભ મળવાનો છે અને આપણા ગેહલોતજીએ કહ્યું આ પ્રકારથી, સંપૂર્ણ જાણકારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લોકો જોઇ શકે છે કે આપણા ગામના તે દિવ્યાંગનું નામ છે, પણ તેને સાચે જ સહાયતા મળે છે કે નહીં, તે જોઇ શકે છે. સંપૂર્ણ પારદર્શકતા અમારી સરકારની પ્રાથમિકતા છે. વ્યાપક જનસમાજના હિતોના કાર્યોને બળ મળે તે પ્રકારના કાર્યો અમે કરી રહ્યા છીએ.

મને તમારી બધાની વચ્ચે આવવાની તક મળી, વડોદરામાં આવવાથી મને ઘરમાં આવવાનો અહેસાસ થાય છે. જિંદગીના ઘણા મહત્વપૂર્ણ વર્ષ વડોદરામાં વિતાવ્યા છે. શાસ્ત્રી પોળમાં રહેતો હતો. આજે ઘણા જૂના પરિચિત પરિવાર મારી સામે છે. વર્ષો સુધી તમારી વચ્ચે રહ્યો, તમારી વચ્ચે કામ કરવાની તક મળી છે. વર્ષો સુધી આ સંસ્કારી નગરીએ મને ઘણું શીખવ્યું છે. અને તે બધુ આજે આ દેશની સેવા માટે ઉપયોગી છે. હું આ નગરીનો, આ રાજ્યનો ઋણી છું. મારા ગુજરાતના કોટી કોટી ભાઇઓનો ઋણી છું કારણ કે તેમના સંસ્કારના કારણે આજે ભારત માતાની ઉત્તમ રીતે સેવા કરવાની મને તક મળી છે. હું આ ધરતીને નમન કરું છું, આ સંસ્કાર સરિતાને નમન કરું છું. અહીંની મહાન પરંપરાને વંદન કરું છું.

મારી સાથે સમગ્ર તાકાત સાથે બોલો,

ભારત માતા કી

જય

અવાજ બુલંદ કરો,

ભારત માતા કી

જય

ભારત માતા કી જય

ખૂબ ખૂબ ધન્યવાદ…

AP/J.Khunt/TR/GP