Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વાઘના સંરક્ષણ અંગે ત્રીજી એશિયા મંત્રીમંડળ પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન

વાઘના સંરક્ષણ અંગે ત્રીજી એશિયા મંત્રીમંડળ પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનું સંબોધન


ભૂટાનની શાહી સરકારના કૃષિ અને વન વિભાગના મંત્રી તેમજ ગ્લોબલ ટાઈગર ફોરમના અધ્યક્ષ,

ટાઈગર રેન્જ કન્ટ્રીઝના નામાંકિત મંત્રીઓ,

અમારા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર,

મંચ પર વિરાજેલા અન્ય મહાનુભાવો, ટાઈગર રેન્જ કન્ટ્રીઝના પ્રતિનિધિઓ, સન્નારીઓ અને સજ્જનો !

તમને સહુને સત્કારતા મને આનંદ થાય છે. વાઘે આજે આપણને સહુને અહીં એકઠા કર્યા છે. એક મહત્ત્વની ભયાનક વનજાતિઓના સંરક્ષણ અંગે ચર્ચા માટે આ બેઠક અગત્યની છે. તમારી અહીં હાજરી જ એ વાતનો પુરાવો છે કે પ્રજાતિઓના આ છત્રને તમારો દેશ કેટલું મહત્ત્વ આપે છે.

આપણે બધા જાણીએ છીએ તેમ, ઈકોલોજિકલ પિરામિડ અને ફૂડ ચેઈનમાં વાઘ ટોચનો વપરાશકાર છે. તેને સારા જંગલોની મદદથી મોટી માત્રામાં કરેલો શિકાર જોઈએ છે. એટલે, વાઘનું સંરક્ષણ કરીને આપણે સમગ્ર ઈકોસિસ્ટમ અને ઈકોલોજિકલ સર્વિસીઝનું રક્ષણ કરીએ છીએ, જે માનવોની સુખાકારી માટે એટલું જ મહત્ત્વનું છે.

અલબત્ત, વાઘના સંરક્ષણના ફાયદા અસાધારણ છતાં અમૂર્ત છે. આપણે તેને આર્થિક પરિભાષાઓમાં માપી શકીએ તેમ નથી. કુદરત પર પ્રાઈસ ટેગ લગાડવી મુશ્કેલ છે. પ્રકૃતિએ તેમને પોતાને સરંક્ષિત કરવાની કૃપા વરસાવી છે, ત્યારે આપણી ફરજ છે કે તેમનું સંરક્ષણ કરીએ. ભારતમાં, વાઘ, એ માત્ર એક જંગલી પ્રાણી કરતાં પણ ઘણું બધું મહત્ત્વ ધરાવે છે. અલબત્ત, આપણા મોટા ભાગના દેવી-દેવતાઓ કોઈને કોઈ પ્રાણી, વૃક્ષ કે નદી સાથે જોડાયેલા છે. અલબત્ત, કેટલીકવાર તો આ પ્રાણીઓને પણ ઘણી વાર દેવી-દેવતાઓની બેઠકની સાથે જ આ પ્રાણીઓને પણ સ્થાપિત કરવામાં આવે છે. વાઘ અમારું રાષ્ટ્રીય પ્રાણી પણ છે. મને ખાતરી છે કે અન્ય ટાઈગર રેન્જ કન્ટ્રીઝ વાઘ સાથે સંકળાયેલો સાંસ્કૃતિક વારસો ધરાવતી જ હશે.

મિત્રો ! પ્રાણી જગતની પ્રજાતિઓ સામાન્ય રીતે પોતાને નુકસાન થાય એવું કોઈ કામ કરતી નથી. જોકે, માનવો એમાં અપવાદ છે. આપણી જબરદસ્તી અને લાલસા, આપણી જરૂરિયાતો અને લોભને કારણે પ્રકૃત્તિની સમૃદ્ધિ ઘટી છે અને ઈકોસિસ્ટમ્સ પડી ભાંગી છે. અહીં, હું ગૌતમ બુદ્ધના પ્રસિદ્ધ શબ્દોને યાદ કરીશ. તેમણે કહ્યું હતું કે “જંગલ, એ, અમર્યાદ દયાનું વિશિષ્ટ જીવંત તંત્ર છે. એ તમામ સજીવોને રક્ષણ આપે છે અને જે તેનો વિનાશ કરે છે તે કુહાડીવાળા માણસને પણ તે છાંયડો આપે છે.”

ટાઈગર રેન્જ કન્ટ્રીઝ દ્વારા વાઘના સંરક્ષણ માટે થયેલા સંનિષ્ઠ પ્રયત્નોની હું પ્રશંસા કરું છું. હું તમને સહુને અહીં ચાલી રહેલા આ મહત્ત્વપૂર્ણ પ્રયત્ન બદલ પણ અભિનંદન પાઠવું છું. હું ગ્લોબલ ટાઈગર ઈનિશિયેટિવ અને કાઉન્સિલ દ્વારા થયેલા પ્રયત્નોની પણ પ્રશંસા કરું છું.

વર્ષ 2010માં ટાઈગર સમિટમાં શ્રી વ્લાદિમિર પુતિન દ્વારા કરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ પ્રયત્નોનો હું ચોક્કસ ઉલ્લેખ કરીશ. ધ ગ્લોબલ ટાઈગર રીકવરી પ્રોગ્રામ, એ આ પ્રયત્નોનું અગત્યનું પરિણામ હતું.

ગ્લોબલ ટાઈગર ફોરમના અધ્યક્ષ શ્રી દોરજીના પ્રયત્નોની પણ હું પ્રશંસા કરું છું.

જોકે, મને જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે, ટાઈગર રેન્જ કન્ટ્રીઝમાં વાઘની વસતી ધરખમ રીતે ઘટી હોય એમ જણાય છે. આ અદ્ભુત પ્રાણીનાં અંગો અને અન્ય ભાગોના ચાલી રહેલા ગેરકાયદેસર વેપારને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ભારતમાં પણ અમે વાઘોના શિકાર અને તેમની ઈકોસિસ્ટમ્સમાં ભંગાણ પાડવા જેવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ.

ભારતમાં અમારું હકારાત્મક પાસું એ છે કે અમારી મોટા ભાગની વસતી વૃક્ષો, પ્રાણીઓ, જંગલો, નદીઓ અને સૂર્ય તેમજ ચંદ્ર જેવાં પ્રકૃતિનાં અન્ય તત્ત્વોને માન આપે છે. અમે પૃથ્વીને અમારી માતા માનીએ છીએ. અમારા ધર્મગ્રંથો સમગ્ર વિશ્વને એકસમાન ગણવા પ્રોત્સાહિત કરે છે. વસુધૈવ કુટુમ્બકમ અને લોકઃ સમસ્તાઃ સુખિનો ભવન્તુ — એ અમારી ફિલસૂફી છે. અમે ઈકોસિસ્ટમ સહિત પ્રત્યેકના શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ. ઑમ દ્યોઃ શાંતિ, રંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપઃ શાંતિ, રોષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિ.

મિત્રો ! જંગલી પ્રાણીઓને જંગલોથી અલગ કરી શકાય તેમ નથી. બંને પરસ્પર પૂરક છે. એકનો વિનાશ બીજાના વિનાશને નોંતરે છે. આબોહવા પરિવર્તન માટે આ મહત્ત્વની ચિંતાનો વિષય છે, જે હવે અનેક રીતે આપણને પ્રતિકૂળ અસર કરી રહ્યું છે. આપણે જેની સામે બાથ ભીડી રહ્યા છીએ, તે વૈશ્વિક સમસ્યા છે. એનો ઉકેલ સ્વરૂપે આપણે આ સમસ્યા નિવારવા દેશની વિશિષ્ટ વ્યૂહરચના ઘડવા પ્રતિબદ્ધ બન્યા છીએ.

મારા મતે, ટાઈગર રેન્જ કન્ટ્રીઝ માટે વાઘની વસતી જીવતી રહી શકે છે તે બાબત નિઃશંકપણે આબોહવા પરિવર્તનની સમસ્યા નિવારવા માટેની વ્યૂહરચનાનું પ્રતિક છે. વાઘની વસતી ધરાવતાં જંગલોના સ્વરૂપમાં આ દેશો વિશાળ કાર્બન સિંક સર્જશે. આમ, વાઘનું સંરક્ષણ, લાંબા ગાળે, આપણા પોતાના તેમજ આપણી આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે.

વાઘને રક્ષણ આપવા માટે ભારત લાંબો અને સફળ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અમે વર્ષ 1973માં પ્રોજેક્ટ ટાઈગર લૉન્ચ કર્યો હતો. આ પ્રોજેક્ટની પહોંચ હેઠળ અમે શરૂઆતમાં 9 ટાઈગર રિઝર્વ્સ ધરાવતાં હતાં, હાલમાં અમારી પાસે 49 ટાઈગર રિઝર્વ્સ છે. વાઘનું સંરક્ષણ એ ભારત સરકાર અને રાજ્યોની સંયુક્ત જવાબદારી છે. હું રાજ્ય સરકારોને પણ તેમના પ્રયત્નો માટે અભિનંદન પાઠવું છું. પરંતુ જ્યાં સુધી લોકોનો ટેકો ન મળે ત્યાં સુધી સરકારના પ્રયત્નો સફળ થતા નથી. કરુણા અને સહ અસ્તિત્વને પ્રોત્સાહિત કરતા અમારા સાંસ્કૃતિક વારસાએ પ્રોજેક્ટ ટાઈગરની સફળતા માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આવા સંકલિત પ્રયત્નોને કારણે વાઘની સંખ્યામાં 30 ટકા વધારો નોંધાયો છે. વર્ષ 2010માં 1706 વાઘ હતા, જે 2014માં વધીને 2226 નોંધાયાં છે.

અમારી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ અનેક મહત્ત્વનાં પગલાં લીધાં છે. સંવેદનશીલ ટાઈગર રિઝર્વ્સમાં વાઘનો શિકાર થતો અટકાવવા માટે રાત-દિવસ સતત જાપ્તો રાખવા માટે ગુપ્તચર તંત્ર, રાત-દિવસ સતત ઈન્ફ્રારેડ અને થર્મલ કેમેરા સહિતની આધુનિક ટેકનોલોજીનો વપરાશ કરવામાં આવે છે. સ્માર્ટ પેટ્રોલિંગ અને વાઘ પર સતત દેખરેખ રાખવા માટે કેટલાક પ્રોટોકોલ્સ અમલી કરાયાં છે. વાઘ પર દેખરેખ રાખવા રેડિયો ટેલીમેટ્રીનો પણ ઉપયોગ કરાય છે. વાઘના કેમેરા ટ્રેપ ફોટો ડેટાબેઝનો રાષ્ટ્રીય સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બધું કરવા માટે અમે, આ વર્ષે વાઘના સંરક્ષણ માટે બમણું ભંડોળ ફાળવ્યું છે. અમે આ માટેનું ભંડોળ રૂ. 185 કરોડથી વધારીને રૂ. 380 કરોડ એટલે કે 3.8 અબજ રૂપિયા કર્યું છે.

હું દ્રઢપણે માનું છું કે વાઘ સંરક્ષણ કે પ્રકૃતિનું જતન, વિકાસ આડે કોઈ અવરોધ કરતું નથી. બંને એકસાથે પરસ્પર પૂરક રીતે હાથ ધરી શકાય છે. આપણે વાઘનું સંરક્ષણ ધ્યેય નથી એવાં ક્ષેત્રોમાં વાઘને લગતા ચિંતાજનક પરિબળોને ધ્યાન પર લઈને, માત્ર આપણી વ્યૂહરચનાને નવેસરથી ઘડવાની જરૂર છે. આ મુશ્કેલ કાર્ય છે, છતાં શક્ય છે. ભૂમિગત રીતે વિવિધ માળખાકીય ઢાંચામાં વાઘ અને વન્યજીવનને રક્ષણને હોંશિયારીપૂર્વક સંકલિત કરવામાં જ આપણી પ્રતિભા રહેલી છે. આને પગલે આપણે ભૂમિગત અભિગમ અપનાવતા અત્યંત જરૂરી સ્માર્ટ ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચીશું. ભૂમિગત અભિગમ, વાઘના સંરક્ષણ માટેનાં વિવિધ પગલાં માટે કંપનીઓની સામાજિક જવાબદારી – સીએસઆર દ્વારા વેપાર જૂથોને સાંકળવામાં પણ મદદરૂપ થશે. ભારતમાં, અમે ટાઈગર કન્ઝર્વેશન પ્લાન્સ દ્વારા આ લક્ષ્ય હાંસલ કરવા માંગીએ છીએ.

વાઘનાં સંરક્ષિત ક્ષેત્રોની ઈકોસિસ્ટમનું મૂલ્ય ધ્યાન પર લઈને આપણે તેને “નેચરલ કેપિટલ” તરીકે ધ્યાન પર લેવાં જરૂરી છે. અમારી સંસ્થાઓએ કેટલાંક ટાઈગર રિઝર્વ્સનું આર્થિક મૂલ્યાંકન કર્યું હતું. આ અભ્યાસ દ્વારા એ હકીકત પ્રકાશમાં આવી કે વાઘનાં સંરક્ષણ ઉપરાંત આ રિઝર્વ્સ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લાભ પણ આપે છે. તેને ઈકોસિસ્ટમ સિર્વિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. આમ, આપણે સંરક્ષણને વિકાસના અવરોધક તરીકે ધ્યાન પર લેવાને બદલે વિકાસ હાંસલ કરવાના સાધન તરીકે ધ્યાન પર લેવાની જરૂર છે. વિકાસ અને વૃદ્ધિના આર્થિક આંકડામાં ઈકોસિસ્ટમના મૂલ્યને ગણતરીમાં લેવાનું આવશ્યક બન્યું છે.

મિત્રો ! મને વિશ્વાસ છે કે સંરક્ષણ માટે ઉદ્યોગજગતની સક્રિય ભાગીદારીને વેગ આપવાનું માળખું ઘડી શકીએ તેમ છીએ. નેચરલ કેપિટલ, જે નેચરલ ઈકોસિસ્ટમ્સનો સ્ટોક સૂચવે છે, તેને કેપિટલ ગૂડ્સની સમાન ગણતરીમાં લેવી જોઈએ. આપણી અર્થવ્યવસ્થાને, આપણને ટકાવી રાખતાં કુદરતી સંસાધનો અને ઈકોસિસ્ટમ સર્વિસીઝના વિશાળ અર્થતંત્રના પેટા હિસ્સા તરીકે જોવી જોઈએ.

વિશ્વમાં વાઘની કુલ વસતીમાંથી 70 ટકા વસતી ધરાવતા દેશ તરીકે ભારત, ટાઈગર રેન્જ કન્ટ્રીઝનાં પગલાંનો પરિપૂરક બનવા પ્રતિબદ્ધ છે. ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ સાથે અમે દ્વિપક્ષીય સમજૂતીઓ કરેલી છે. વાઘ અંગે પરસ્પર સમાન ચિંતાઓના નિરાકરણ માટેના આપણા પ્રયત્નો ચાલુ રહેશે તેવી આશા છે.

વાઘ સામે મોટો પડકાર તેનાં શરીરના ભાગો તેમજ તેની વસ્તુઓની માંગનો છે. જંગલ અને તેમાં વસતા જીવો ખુલ્લા ખજાના જેવા છે, જેને તાળું મારી શકાતું નથી. વાઘ તેમજ અન્ય મોટી બિલ્લીઓના શરીરનાં અંગો અને તેની વસ્તુઓના ગેરકાયદેસર વેપાર અંગેની જાણકારી દુઃખજનક છે. આ ગંભીર મુદ્દાને ધ્યાન પર લેવા આપણે સરકારના ઉચ્ચ સ્તરેથી સહયોગ સાધનો જરૂરી છે.

કેટલાક ટાઈગર રેન્જ કન્ટ્રીઝની સાથે ભારત ગ્લોબલ ટાઈગર ફોરમની સ્થાપક સભ્ય છે, જેનું વડું મથક દિલ્હીમાં છે. આ પ્રકારની આ એકમાત્ર આંતર-સરકાર સંસ્થા છે. હવે તે હોસ્ટ કન્ટ્રી તરીકે ગ્લોબલ ટાઈગર ઈનિશિયેટિવ કાઉન્સિલમાં પણ ઘનિષ્ઠ રીતે જોડાઈને કાર્યરત છે અને હું તમને અમારા સંપૂર્ણ સહયોગની ખાતરી આપું છું. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયામાં વન્યજીવનના અધિકારીઓના ક્ષમતા નિર્માણમાં મદદરૂપ થવાનું પણ અમને ગમશે.

ભયાનક પ્રજાતિઓના આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાને લગતા અન્ય આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પણ ટાઈગર રેન્જ કન્ટ્રીઝનો મત મહત્ત્વનો રહે છે. આ સંદર્ભે, હું તમને વધુ એક સારા સમાચાર આપવા માંગું છું. આપણે સાઉથ એશિયા વાઈલ્ડલાઈફ એન્ફોર્સમેન્ટ નેટવર્કના કાયદા વિધિસર અપનાવવા આગળ વધી રહ્યા છીએ.

છેલ્લે, હું એ વાત પર ભાર મૂકીશ કે, વાઘના સંરક્ષણ બાબતે આપણી પાસે કોઈ પસંદગી નથી. તે અનિવાર્ય છે. હું એ બાબત પર પણ ભાર મૂકીશ કે વન્યજીવનને લગતા ગુનાઓ ડામવા માટે પ્રાદેશિક સહકાર જરૂરી છે. આ પરિષદમાં આપણે સહુ વાઘ અને તેની જગ્યાનું સાથે મળીને રક્ષણ કરવાના શપથ લઈએ. આ હેતુ માટે ટાઈગર રેન્જ કન્ટ્રીઝના તમામ દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.

હું તમારી ઉપસ્થિતિની કદર કરું છું અને આ પરિષદને તમામ સફળતાઓ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ !

આભાર !

J.Khunt