Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વારાણસીમાં એક જિલ્લો, એક ઉત્પાદન ક્ષેત્રીય શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

વારાણસીમાં એક જિલ્લો, એક ઉત્પાદન ક્ષેત્રીય શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

વારાણસીમાં એક જિલ્લો, એક ઉત્પાદન ક્ષેત્રીય શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

વારાણસીમાં એક જિલ્લો, એક ઉત્પાદન ક્ષેત્રીય શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ


અહિં ઉપસ્થિત સજ્જનો અને દેવીઓ,

પૂર્વાંચલનાં મહાન શિલ્પકાર ભાઈ લોગનને શત્ શત્ વંદન. દેશ અને દુનિયામાં પોતાની હસ્તકળાથી ડંકો વગાડતાં ભાઈઓ અને બહેનોનો અભિનંદન. પ્રાચીન કાળથી કાશી નગરી દુનિયાનાં બજારમાં સ્થાપિત રહી છે. રેશમની સાડી હોય કે હાથથી બનાવેલા રમકડાં હોય, મારી કાશી સૌથી શ્રેષ્ઠ છે, સૌથી પવિત્ર છે.
જ્યારે પચૌરીજી બોલી રહ્યાં હતાં, ત્યારે તેઓ કહી રહ્યાં હતાં કે, પ્રધાનમંત્રીજી આપણા અતિથિ સ્વરૂપે આવ્યાં છે. પરંતુ હવે એવું નથી. હું તમારો અતિથિ નથી. તમે મને પ્રેમ આપીને તમારો બનાવી લીધો છે. મને જણાવવામાં આવ્યું છે કે, સિલ્ક, ફેબ્રિક, સુતરાઉ કાપડ અને ચટ્ટાઈ સાથે જોડાયેલા 11 જિલ્લાનાં ઉદ્યોગસાહસિકો અહિં ઉપસ્થિત છે. થોડાં સમય અગાઉ હું અહિં તૈયાર કરેલા સ્ટોલમાં ગયો હતો. ત્યાં એકથી એક ચઢિયાતાં ઉત્પાદનો રાખવામાં આવ્યાં છે. અહિં કેટલાંક લોકોને લોનની સહાયતા પણ મળી રહી છે અને થોડાં હસ્તશિલ્પ ભાઈઓ-બહેનોને ટુલકીટ પણ આપવામાં આવી છે. તમને બધાને ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છા.
સાથીઓ, થોડાં સમય અગાઉ અહિં વારાસણી અને દેશ સાથે જોડાયેલા સેંકડો કરોડોનાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. તેમાં વારાણસીમાં માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલા વિવિધ પ્રોજેક્ટ તો છે જ, સાથે-સાથે ટેલિકોમ વિભાગનાં દેશભરનાં પેન્શનધારક ભાઈઓ અને બહેનોને સુવિધા આપતી યોજના પણ સામેલ છે. આ તમામ પરિયોજનાઓ માટે હું વારાણસી સહિત તમામ લાભાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

ભાઈઓ અને બહેનો,

આજે અહિં જેટલી યોજનાઓ કે પરિયોજનાઓનું લોકાર્પણ થયું છે કે શિલારોપણ થયું છે, એ તમામનાં મૂળ એક મુખ્ય વાત છે – ease of living અને ease of doing business એટલે કે વેપાર-વાણિજ્ય કરવાનું સરળ થાય, જીવન સરળ બને, સુગમ બને. જેટલો આ બંનેનો પારસ્પરિક સંબંધ છે, એટલો જ સંબંધ આ તમામ વિવિધ પ્રોજેક્ટનાં પારસ્પરિક વિકાસનો છે. રાજ્ય સરકાર મેક ઇન ઇન્ડિયા અભિયાનને મજબૂતી પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે.

ઉત્તરપ્રદેશની સરકારનો એક જિલ્લો, એક ઉત્પાદન – ઓડીઓપીનો પ્રયોગ મેક ઇન ઇન્ડિયાનો જ એક પ્રકારે સારો એવો વિસ્તાર છે. આ યોજના ઉત્તરપ્રદેશને દુનિયાનાં ઔદ્યોગિક નક્શા પર સ્થાપિત કરવામાં સક્ષમ છે. આ માટે હું યોગીજી અને તેમની સંપૂર્ણ ટીમને ખૂબ-ખૂબ શુભેચ્છા આપું છું. ઉત્તરપ્રદેશ તો નાના અને લઘુ ઉદ્યોગોનું કેન્દ્ર છે. ખેતીવાડી પછી સૌથી વધુ રોજગારી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાનાં ઉદ્યોગસાહસો (એમએસએમઇ) ક્ષેત્ર આપે છે. આ એમએસએમઇ ક્ષેત્રની પરંપરાનો જ ભાગ છે.

મુરાદાબાદની પિત્તળની કલા હોય, ભદોઈની ચટ્ટાઈ હોય, બનારસનાં રેશમી ઉત્પાદન હોય, અહિં સાડી હોય, આગ્રાનાં પેઠા હોય, મેરઠની રમતગમતની ચીજવસ્તુઓ હોય, લખનઉની ચિકનકારી હોય, ગોરખપુરનાં ટેરાકોટા હોય, પ્રતાપગઢનાં આમળા હોય, શ્રાવસ્તીની થારું કળા હોય – દરેક જિલ્લામાં કંઈક ને કંઈક અલગ છે, વિશેષ છે, જે અહિંનાં લોકોને રોજગારી પ્રદાન કરે છે. આ કલાને વિસ્તાર આપવા માટે એક જિલ્લો – એક ઉત્પાદન યોજના લાભદાયક સાબિત થવાની છે.

સાથીઓ,

વારાણસી સહિત આ સંપૂર્ણ પૂર્વાંચલ હસ્તશિલ્પનું કેન્દ્ર છે. કલાકારી વસ્ત્રો અને જાજમમાં હોય કે પછી માટી કે ધાતુનાં વાસણમાં હોય – અહિં એક-એક કણમાં કળાનો વાસ છે. વારાણસીની આસપાસનાં વિસ્તારો સાથે જોડાયેલા 10 ઉત્પાદનોને તો જીઆઈ ટેગ એટલે કે ભૌગોલિક સંકેતનું પ્રમાણ પણ મળ્યું છે.

અહિં લગભગ 60,000 હેન્ડલૂમ છે, આશરે 70,000 પાવરલૂમ છે, લગભગ દોઢ લાખ વણકર આ કળાને સમૃદ્ધ કરી રહ્યાં છે. વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ કાર્યક્રમનાં માધ્યમથી સરકાર આ કળાને લાભદાયક વ્યવસાયમાં પરિવર્તિત કરવા માટે સક્રિય છે.

ઉદ્યોગસાહસિકોને, હસ્તશિલ્પીઓને, કલાકારોને ભંડોળની ઊણપ ન હોય, તેમને સારા મશીનો, સારા સાધનો મળે, તેમને ઉચિત તાલીમ મળી, તેમનાં ઉત્પાદનનું યોગ્ય માર્કેટિંગ થઈ શકે, ઉચિત ભાવ મળી શકે – એ માટે આ યોજના ચલાવવામાં આવી છે.

આ કળા, આ પરંપરા જળવાઈ રહે – આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. હું પોતે પણ દેશનાં આવા 100 જિલ્લાનું નિયમિતપણે મોનટરિંગ કરી રહ્યો છું, જ્યાં લઘુ ઉદ્યોગ, એમએસએમઇ આપણી પરંપરાનો ભાગ છે.

ભાઈઓ અને બહેનો,

અગાઉ જણાવ્યા મુજબ, આ સંમલેન દરમિયાન આશરે બે હજાર કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરવાનું છે. હવે બે હજાર કરોડ રૂપિયા વેપારીઓનાં હાથમાં આવવાનાં છે – આ આર્થિક વિકાસને સારો એવો વેગ આપશે.
અહિં તમામ ઉદ્યોગપતિઓ ઉપરાંત બેંકોનાં પણ તમામ મહાનુભાવો ઉપસ્થિત છે. બધી પ્રક્રિયા સ્થળ પર જ પતાવવામાં આવી રહી છે. મને ખુશી છે કે, જે લક્ષ્યને લઈને આ દીનદયાળ હસ્તાકળ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એ સ્વપ્ન આજે અમારી આંખો સામે સાકાર થતું નજર આવી રહ્યું છે. તમારા બધા માટે આ વેપાર, વાણિજ્ય અને સંવાદનું માધ્યમ બને – એ જ યોજનાનો અને સંકુલનો ઉદ્દેશ છે.

સાથીઓ,

એક જિલ્લો, એક ઉત્પાદન યોજનાનો ઉદ્દેશ ઉત્પાદનથી લઈને વેચાણ સુધી સંપૂર્ણ સમાધાન આપે છે. હું તમને અહિં બનારસનાં વણકરો અને શિલ્પકારોનું જ ઉદાહરણ આપીશ.

સરકાર તેમને સરળ શરતો પર બેંકોમાંથી લોન ઉપલબ્ધ કરાવી રહી છે, કાચા માલ માટે સહાયતા આપવામાં આવી રહી છે. પહચાન – આ ઓળખ નામથી જે ઓળખપત્ર વણકરોને આપ્યાં છે, એમાંથી વચેટિયાઓને દૂર કરવામાં બહુ મદદ મળી છે. શું વચેટિયાવાળી વાત પસંદ ન આવી? તકલીફ થતી હશે ને? પણ મુશ્કેલી વેઠીને પણ દેશને વચેટિયાઓથી બચાવવાનો છે.

આ ઉપરાંત અહિં બનારસમાં જ 9 કોમન ફેસિલિટી સેન્ટર – કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યાં છે. આ કેન્દ્રોનાં માધ્યમથી માર્કેટિંગ માટે વણકરોને સહાયતા કરવામાં આવે છે. આ ઉપરાંત ભદોઈ, મિર્ઝાપુર, મેઘા કાર્પેટ ક્લસ્ટરમાં પણ વણકરોને આધુનિક લૂમ આપવામાં આવી છે.

વણકરોની સાથે-સાથે માટીનાં કામ સાથે સંકળાયેલા શિલ્પકારોને પણ આધુનિક ‘ચાક’ આપવામાં આવ્યાં છે, નવી મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હમણાં મને એક શિલ્પકારે જણાવ્યું હતું કે – આધુનિક ચાક લઈને એક નાનાં ટેબલ પર બેઠો હતો, વાસણ બનાવી રહ્યો હતો.

એણે કહ્યું કે મને મુદ્રા યોજનામાંથી રૂ. 10 લાખની લોન મળી છે. અગાઉ ધીમે-ધીમે વેપાર બંધ થઈ રહ્યો હતો, હવે બહુ મોટા સંખ્યામાં પરિવારનાં સભ્યો ફરીથી આ વેપારમાં સામેલ થવા લાગ્યાં છે. જુઓ, પરિવર્તન આવી રીતે આવે છે. મેં એમનાં ચહેરા પર ચમક જોઈ હતી. એને લાગતું હતું કે એની જિંદગી બદલાઈ ગઈ છે. જ્યારે એનાં ચહેરા પરની ચમક જોઉં છું, ત્યારે મારો ચહેરો પણ ચમકી જાય છે. આ તમામ પ્રયાસો વચ્ચે આજે જે જગ્યાએ કાર્યક્રમ યોજાયો છે, તે આ અમૂલ્ય ભેટની સાર્થકતાને અમે બધા સતત જોઈ રહ્યાં છીએ.

સાથીઓ,

સામાન્યથી અતિ સામાન્ય પરિવારનાં યુવાનોને રોજગાર સાથે જોડવાનાં આ કાર્યને અમે સતત વધારી રહ્યાં છીએ. થોડા સમય અગાઉ કેટલાંક એવા લાભાર્થીઓને અહિં સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેઓ એલપીજી ગેસનાં પરિવહન સાથે જોડાવા ઇચ્છે છે. સરકાર ટ્રક ખરીદવામાં આ પ્રકારનાં ઉદ્યોગસાહસિકોની મદદ કરી રહી છે અને ઓઇલ કંપનીઓ એની સેવાઓ લઈ રહી છે.

ભાઈઓ અને બહેનો,

જ્યારે સામાન્ય માનવીનું જીવન સરળ અને સુગમ થઈ જાય છે, ત્યારે વેપાર અને વાણિજ્ય કરવાનું આપમેળે સરળ થઈ જાય છે. જ્યારે માળખાગત સુવિધા સારી હોય અને સરકારી પ્રક્રિયાઓ વ્યક્તિને મૂંઝવણમાં મૂકતી ન હોય, ત્યારે જીવન પણ સરળ થઈ જાય છે અને વેપાર-વાણિજ્ય પણ. છેલ્લાં ચાર વર્ષથી આ જ સંકલ્પ લઈને અમે કામ કરી રહ્યાં છીએ.

હું મનોજ સિંહાજી અને તેમનાં વિભાગને અભિનંદન આપું છું. તેમણે ટેલિકોમ વિભાગમાં સરકારી પ્રક્રિયાઓ સાથે જોડાયેલી એક મોટી અડચણને પણ આજે દૂર કરી દીધી છે.

જીવનભર દેશની સેવા કર્યા પછી પેન્શનધારકોને કચેરીઓનાં ચક્કર મારવાં પડતાં હતાં, જે મુશ્કેલીઓ પડતી હતી, એ પ્રક્રિયાને સરળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘SAMPANN’ સંપન્ન એટલે કે સિસ્ટમ ફોર ઓથોરિટી એન્ડ મેનેજમેન્ટ ઑફ પેન્શન (સત્તામંડળ માટે વ્યવસ્થા અને પેન્શનનું વ્યવસ્થાપન) યોજના આજે શરૂ થઈ ગઈ છે.

સાથીઓ,

હવે પેન્શનની સ્વીકૃતિથી લઈને પતાવટ સુધીનું કામ વિભાગ પોતે જ કરશે. એનાથી સરકારને દર વર્ષે કરોડો રૂપિયાની બચત થશે, સાથે સાથે પેન્શનધારકોને મોટી સુવિધા મળશે. એનાથી લગભગ 11,000 કરોડ રૂપિયાનાં પેન્શનની સમયસર ચુકવણી શક્ય બનશે. પેન્શનધારક એટલે કે પોતાનાં પેન્શનનું સ્ટેટ્સ ઘરે બેઠા-બેઠા પોતાનાં મોબાઇલ ફોન પરથી ટ્રેક કરી શકશે. અગાઉ જુદી-જુદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોવાથી જે પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો, એ હવે મોટાં પ્રમાણમાં ઓછો થઈ જશે. જો કોઈ ફરિયાદ આવશે, તો એનું સમાધાન કરવામાં ઓછો સમય લાગશે. એનાથી દેશભરમાં પોસ્ટલ વિભાગનાં લાખો ભૂતપૂર્વ કર્મચારીઓને લાભ થવાનો છે.

આમ પણ વારાણસી અને પૂર્વાંચલનાં લોકો માટે આ બમણી ખુશી છે, કારણ કે કન્ટ્રોલ કોમ્યુનિકેશન એકાઉન્ટ એટલે કે સીસીએની સબ-ઓફિસ હવે વારાણસીમાં ખુલી ગઈ છે. હવે તમારે પેન્શન સાથે જોડાયેલા દસ્તાવેજ જમા કરવા અને બીજી ફરિયાદોનું નિવારણ કરવા માટે વારંવાર લખનઉ આવવાની જરૂર નહીં પડે.
સાથીઓ,

પેન્શનધારકો માટે જે ટેલિકોમ વિભાગની યોજના આજે શરૂ થઈ છે, આ સરકારનાં નાગરિક કેન્દ્રિત અભિગમ, લઘુતમ સરકાર-મહત્તમ શાસનનું એક મૂળભૂત ભાગ છે. એટલે કે સરકારની પ્રક્રિયાઓ કેવી રીતે સરળ થાય, સામાન્ય માનવીની પહોંચમાં હોય, એ માટે સરકાર સતત એ પ્રયાસને આગળ વધારી રહી છે.

ડિજિટલ ઇન્ડિયાનાં માધ્યમથી દેશનાં નાગરિકોનાં જીવનને સરળ બનાવવાનાં પ્રયાસનો આ ભાગ છે. અત્યારે જન્મનાં પ્રમાણપત્રથી લઈને હયાતીનાં પ્રમાણપત્ર સુધી – સરકારની સેંકડો સેવાઓનો વ્યાપ બહુ ઝડપથી વધી રહ્યો છે.

ઇપીએફ – એનું ઓનલાઇન કે ટ્રાન્સફર કે ક્લિઅરન્સની સુવિધા અગાઉ જ કરવામાં આવી છે. હવે પેન્શન જેવી વ્યવસ્થાઓને પણ સરળ કરવામાં આવી રહી છે.

અત્યારે ઘરે જઈને દિવ્યાંગો, વૃદ્ધજનોને હયાતીનું ડિજિટલ પ્રમાણપત્ર આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. હયાતીનાં પ્રમાણપત્રની યોજનાથી લગભગ અઢી કરોડ પેન્શનધારકોને લાભ મળ્યો છે.

ભાઈઓ અને બહેનો,

સરકાર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે ગામડે-ગામડે, ઘેર-ઘેર બેંકિંગ સેવાઓ પહોંચાડવામાં લાગેલી છે. પોસ્ટમેન જ તમારા ઘરે બેંક સાથે સંબંધિત લેવડ-દેવડ કરશે. આ વ્યવસ્થા માટે સરકારે ઘણાં પગલાં ઉઠાવ્યાં છે અને કામ આગળ વધી રહ્યું છે.

અત્યાર સુધી દેશભરમાં આશરે 25,000 પોસ્ટ ઓફિસમાં આ સુવિધા શરૂ થઈ ગઈ છે. બાકી પોસ્ટ ઓફિસોમાં પણ ઝડપથી બેંકિંગ સેવા શરૂ થઈ જશે.

સાથીઓ,

બેંકિંગથી લઈને જમીન સાથે જોડાયેલી જાણકારી, પોતાનાં પાક, પોતાનાં ઉત્પાદન, ઓનલાઇન વેચાણ કરવા સુધીની અનેક સુવિધાઓ અત્યારે ઓનલાઇન છે. દેશભરમાં ફેલાયેલ ત્રણ લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટરનાં નેટવર્ક સાથે ગામડામાં પણ આ સુવિધાઓ પહોંચી રહી છે. આ નેટવર્કને છેલ્લાં સાડાં ચાર વર્ષોમાં તૈયાર કરવામાં આવ્યું છે.

તમે પણ અખબારોમાંથી જાણકારી મેળવી હશે કે છેલ્લાં બેથી અઢી વર્ષ દરમિયાન ભારતમાં ઇન્ટરનેટ કનેક્શનમાં 65 ટકાનો વધારો થયો છે અને અત્યારે દેશમાં 50 કરોડથી વધારે ઇન્ટરનેટ કનેક્શન કાર્યરત છે. શહેરોમાં તો આ વધારો થયો જ છે, પણ સાથે સાથે ગામડાઓમાં પણ ઝડપથી ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે. દેશની લગભગ સવા લાખ પંચાયતો બ્રોડબેન્ડ સાથે જોડાઈ ગઈ છે, જેમાં સૌથી વધુ આશરે 29,000 પંચાયતો ઉત્તરપ્રદેશનાં ગામડાઓમાં છે.

આગામી સમયમાં જ્યારે દેશનાં ખૂણે-ખૂણા સુધી ઝડપથી ઇન્ટરનેટ પહોંચી જશે, ત્યારે ડિજિટલ ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયાને નવી શક્તિ, નવી ઓળખ આપશે.

સાથીઓ,

ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી દેશનાં સામાન્ય નાગરિકોની સુવિધાઓમાં વધારો થવાની સાથે ભ્રષ્ટાચાર ઓછો કરવા અને સરકારી લેવડ-દેવડમાં પારદર્શકતાનું માધ્યમ પણ બની રહી છે. અગાઉ સરકારી વિભાગોની ખરીદદારીને લઈને કયા પ્રકારની શંકા-કુશંકા અને ફરિયાદો સામે આવતી હતી? હવે કેન્દ્ર સરકારે પોતાનાં વિભાગો માટે ખરીદી માટે એક નવી પારદર્શક વ્યવસ્થા બનાવી છે. કેન્દ્ર સરકારે ગવર્મેન્ટ ઇ-માર્કેટ પ્લેસ એટેલ કે જેમ GEM નામની પોર્ટલ બનાવી છે અને તમે બધા એનો ભરપૂર લાભ લો એવું હું ઇચ્છું છું. ઉત્તરપ્રદેશનાં નાના-નાના વેપારીઓ પણ તેનો ભરપૂર લાભ મેળવી રહ્યાં છે.

તેના માધ્યમથી દેશનો કોઈ પણ નાનામા નાનો વેપારી સીધે-સીધું જ પોતાના ઉત્પાદનનું વેચાણ કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને કરી શકે છે. એનો મોટો લાભ તો સામાન્યમાં સામાન્ય ગૃહિણીઓથી લઈને આપણા એમએસએમઇ સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકોને થયો છે.

સાથીઓ,

સૂક્ષ્મ, લઘુ, મધ્યમ એટલે કે એમએસએમઇ માટે તો આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં એમએસએમઇ ક્ષેત્ર માટે જે 12 દિવાળી ભેટની જાહેરાત કરવામાં આવી હતી, એમાં GEMની બહુ મોટી ભૂમિકા છે. મોટી કંપનીઓ પાસે નાના ઉદ્યોગસાહસિકોનાં રૂપિયા ન ફસાઈ જાય, રોકડ પ્રવાહ તૂટી ન જાય – આ મટે કેન્દ્ર સરકારની તમામ કંપનીઓને GEM સાથે જોડવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

એટલું જ નહીં, ડિજિટલ સેવાઓની શક્તિનાં માધ્યમથી જ MSMEને લોન લેવામાં મુશ્કેલી ન પડે એ માટે ઓનલાઇન લોનનો સ્વીકાર થઈ રહ્યો છે. તમને જાણીને આનંદ થશે, તમારામાંથી બહુ લોકોએ એનો ફાયદો ઉઠાવ્યો હશે. ફક્ત 59 મિનિટમાં, ઓગણસાંઈઠ મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોનને ઓનલાઇન પોર્ટલનાં માધ્યમથી મંજૂર કરવાનું કામ ચાલી રહ્યું છે, સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. નહીં તો એક કરોડની લોન લેવી હોય તો જૂતાં કેટલાં ઘસાઈ જાય છે એ તમે જાણો છો. આજે 59 મિનિટમાં આ કામ થઈ રહ્યું છે.

સાથીઓ,

દેશમાં MSMEને સશક્ત કરવા માટે સરકાર કટિબદ્ધ છે. સરકારનો પ્રયાસ છે કે જેટલાં પણ MSMEs છે, જીએસટી સાથે જોડાયેલા રહ્યાં છે, એમને બેંકોમાંથી લોન લેવા માટે બહુ અવરોધોનો સામનો ન કરવો પડે, તેઓ ઓનલાઇન એને જોઈને કામ આગળ વધી શકે છે. ફક્ત જીએસટી અને પોતાનાં રિટર્નનાં દસ્તાવેજોનાં માધ્યમથી કે ઓનલાઇન રેકોર્ડ જોયા પછી બેંક પોતે જ લોન માટે સંપર્ક કરે.

આ તમામ પ્રયાસ દેશમાં વેપાર-વાણિજ્યની સરળતા સુનિશ્ચિત કરી રહ્યાં છે, જેથી વેપાર અને વાણિજ્યમાં સરળતા આવી રહી છે, યુવાનોને રોજગારીની તકો મળી રહી છે.

સાથીઓ,

કાશી અને પૂર્વાંચલ સહિત સંપૂર્ણ પૂર્વ ભારતમાં આધુનિક સુવિધાઓ અને ઉદ્યોગો માટે શ્રેષ્ઠ વાતાવરણ બનાવવાનું કામ વ્યાપક સ્તરે ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી ઊર્જા ગંગા યોજના અંતર્ગત ગેસ પાઇપલાઇન પાથરવામાં આવી રહી છે. એનાથી ઘરોની રસોઈથી લઈને ખાતરનાં કારખાનાઓ માટે ગેસ મળવાની શરૂઆત થઈ ગઈ છે. વારાણસીમાં પણ આ રસોઈ ગેસની સસ્તી યોજના સાથે હજારો ઘર સાથે જોડાઈ ગયા છે. ઉત્તરપ્રદેશ હોય, બિહાર હોય, ઝારખંડ હોય, ઓડિશા હોય, પશ્ચિમ બંગાળ હોય, જગદીશપુરથી હલ્દિયા સુધી લગભગ 13,000 કરોડ રૂપિયાનાં ખર્ચે પાઇપલાઇન પાથરવામાં આવી રહી છે. એનો પ્રથમ તબક્કો તો ટૂંક સમયમાં પૂર્ણ થવાનો છે.

મહિલાઓને સ્વચ્છ અને સસ્તો ગેસ મળશે. સીએનજીથી કાર દોડશે તો પ્રદૂષણ ઓછું થશે અને યુવા સાથીઓને ઉદ્યોગનાં વિસ્તારથી રોજગારની નવી તક મળશે.

સાથીઓ,

અહિં આવતાં અગાઉ હું આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાનનાં પરિસરમાં પણ ગયો હતો. આ કેન્દ્ર વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ સાથે ખેતીવાડીને લાભદાયક બનાવવાની અમારી નીતિનું જ પરિણામ છે. અહિં ભારત માટે અનાજ સાથે જોડાયેલી ઉત્તમ જાતો, બીજ અને બીજી તકનિકો પર શોધ તો થશે જ, એશિયા અને દુનિયાનાં બીજા દેશો માટે પણ અહિં સમાધાન તૈયાર થશે.

સાથીઓ,

કાશીમાં પરિવર્તન હવે દેખાઈ રહ્યું છે. દિવ્ય કાશીનું સ્વરૂપ હવે વધુ ભવ્ય થઈ રહ્યું છે. આજે પણ બનારસનાં વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થઈ ગયું છે. એમાંથી મોટાં ભાગનાં પ્રોજેક્ટ માર્ગોને પહોળા કરવા સાથે જોડાયેલા છે અને અહિંની ઐતિહાસિક આસ્થા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળોને સુંદર બનાવવા સાથે પણ જોડાયેલા છે.

આ તમામ કાર્યો કાશીની સુંદરતાને વધારશે. કાશીવાસીઓનાં, કાશીની અવર-જવર કરતાં લોકોનાં જીવનને સરળ કરનારાં છે. ઘણાં એવા કાર્યો પણ થઈ રહ્યાં છે, જેનાં પર સ્વતંત્રતા અગાઉ થોડું ઘણું કામ થયું હતું.
ભાઈઓ અને બહેનો,

સરકારનો પ્રયાસ છે કે, કાશીનાં આત્મા સાથે છેડ-છાડ કર્યા વિના આપણું આ પ્રાચીન નગર નવી કાયપલટ સાથે દુનિયાની સામે આવે.

બાબા વિશ્વનાથની અસીમ કૃપા આપણા બધા પર રહી છે. આપણી એ ફરજ છે કે, જે કામ માતા અહિલ્યાબાઈ હોલકરે લગભગ 200 વર્ષ અગાઉ કર્યું હતું, એને અત્યારે આગળ વધારવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. અનેક દશકોની ઉદાસીનતા પછી બનારસનાં ઘાટો, અહિંનાં મંદિરોનાં સંરક્ષણ અને સુંદરતાનાં કાર્યોનું તમે જે રીતે સમર્થન કરી રહ્યાં છો, એ માટે હું તમારો, કાશીવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

અહિંનો સાંસદ હોવાને નાતે હું કાશીવાસીઓનાં સમર્થનથી કૃતજ્ઞ છું. બાબાનાં અત્યંત પ્રાચીન સ્થાનની દિવ્યતાની ભવ્યતા સાથે જોડાવાની જવાબદારી આપણી પણ છે, જેથી દેશ અને દુનિયાથી આવતાં દરેક ભક્ત કોઈ પણ પ્રકારની અડચણ વિના પોતાનાં બાબા વિશ્વનાથનાં દરબારમાં માથું નમાવી શકે.

આવી અનેક સુવિધાઓનું નિર્માણ આપણે બધા કાશીવાસી મળીને કરી રહી રહ્યાં છીએ અને આ કામને આપણે ઝડપથી આગળ વધારવાનું છે.

સાથીઓ,

આ જ રીતે ગંગા મૈયાની પવિત્રતા અને વિરલતા પ્રત્યે પણ આપણી કટિબદ્ધતા છે. મને ખુશી છે કે, આપણા પ્રયાસોનાં પરિણામો ધીમે-ધીમે જોવા મળે છે. તમે બધાએ મીડિયામાં આવતાં એ અહેવાલોને પણ જોયા હશે કે કેવી રીતે માછલીઓ, મગરમચ્છ સહિત અનેક જીવજંતુ જીવનદાત્રી ગંગા મૈયામાં ફરી પરત આવ્યાં છે. તાજેતરમાં દેશમાં અનેક વિજ્ઞાનીકોની ટીમે ગંગાનાં જળનું પરીક્ષણ કર્યા પછી એક અહેવાલ પણ તૈયાર કર્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ગંગા મૈયામાં પ્રદૂષણનાં સ્તરમાં ઘટાડો થયો છે. જેમ જેમ નમામિ ગંગેનું અભિયાન આગળ વધી રહ્યું છે, તેમ-તેમ નિર્મળ અને અનંત ગંગાનાં લક્ષ્યાંક ઝડપથી પૂર્ણ થાય એમ લાગી રહ્યું છે. આ બધુ તમે બધા કાશીવાસીઓ, ગંગાનાં કિનારે વસતી દરેક વ્યક્તિની ઇચ્છાશક્તિ અને સહયોગથી શક્ય બની રહ્યું છે.

સાથીઓ,

જ્યારે સંપૂર્ણ પારદર્શકતા સાથે, પ્રામાણિકતા સાથે, જનભાગીદારી સાથે સરકાર કામ કરે છે, ત્યારે સાર્થક પરિણામ અવશ્ય જોવા મળે છે. નહીં તો, તમે સાક્ષી છો કે ગંગા એક્શન પ્લાનથી લઈને ગંગા બેઝિન ઑથોરિટી સુધી કેવી-કેવી યોજનાઓ બનાવવામાં આવી છે. ગંગા મૈયાનાં નામે હજારો કરોડો રૂપિયાનું પાણી થઈ ગયું.

ગંગા મૈયાની નિર્મળતા માટે નાણાકીય શક્તિ જ પર્યાપ્ત નથી, એ માટે સાફ નિયત પણ હોવી જોઈએ. નિયત સાફ હોય તો ગંગા પણ સ્વચ્છ થઈ જશે. આપણે પૂરી પ્રામાણિકતા સાથે, સાફ નિયત સાથે ગંગાજીને સ્વચ્છ કરવાનાં અભિયાનમાં જોડાયેલા છીએ.

કાશીનાં ભાઈઓ અને બહેનો,

પ્રવાસી ભારતીય દિવસ માટે હવે બેથી ત્રણ અઠવાડિયા જ રહ્યાં છે. મેં પોતે દુનિયાભરનાં પ્રવાસી ભારતીયોને કાશી આવવાનું આમંત્રણ આપ્યું છે. તમારા તરફથી હું જ આમંત્રણ આપી રહ્યો છું. આગામી દિવસોમાં આપણે દુનિયા સામે પ્રાચીન કાશીનું આધુનિક સ્વરૂપ, દુનિયાની આંખોમાં પ્રભાવિત કરનારું દ્રશ્ય ઊભું કરવું આપણી કાશીવાસીઓની જવાબદારી છે. કાશી તેમને પ્રભાવિત કરે, કાશી તેમને પ્રેરિત કરે – આ એવો પ્રસંગ છે, જે કાશીએ ચૂકવો ન જોઈએ.

આપણે નિશ્ચિત રીતે એક ભવ્ય અને સફળ આયોજન કરીશું અને મને એક સાંસદ તરીકે, તમારા પ્રતિનિધિ સ્વરૂપે વિશ્વભરમાંથી આવેલા મહેમાનોની આગતા-સ્વાગતા કરીને સ્વાગત-સન્માન કરવાનું છે. આપણે કાશીનું ગૌરવ એવું સ્થાપિત કરવાનું છે કે દુનિયામાં કાશીનો ડંકો ફરી એક વાર વાગે.

છેલ્લે ફરી તમને બધા શિલ્પકારો સાથીઓને, તમામ લાભાર્થીઓને હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. હવે બે દિવસ પછી વર્ષ 2018 વિદાય લેશે, 2019નું વર્ષ ટકોરા મારી રહ્યું છે. હું તમને બધાને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવું છું. કાશી અને ઉત્તરપ્રદેશનાં તમામ સ્વજનોને મારા તરફથી મંગળકામના. બાબા વિશ્વનાથનાં આશીર્વાદથી આપણે તમામ દેશનાં નવનિર્માણ માટે, આપણી કાશીનાં નવનિર્માણ માટે, આપણા ઉત્તરપ્રદેશનાં નવનિર્માણ માટે રાતદિવસ એક કરતાં રહીએ, પોતાનાં પરિશ્રમમાં કોઈ કમી ન આવવા દઈએ, એ જ કામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું.

તમારો બધાનો ખૂબ-ખૂબ આભાર.

હર-હર મહાદેવ.

ધન્યવાદ.

***

RP