પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ)ની વિશાખાપટનમ એરપોર્ટ ખાતેની 11.45 એકર જમીનની અદલાબદલીને મંજૂરી આપી છે. વિશાખાપટનમ પોર્ટ ટ્રસ્ટે બદલામાં સમાન ક્ષેત્રફળ ધરાવતી જમીન ફાળવી છે. વિશાખાપટનમ ખાતે એએઆઈ દ્વારા હસ્તાંતરિત કરાયેલી આ જમીન પર મેસર્સ કન્ટેઇનર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (કોન્કોર) દ્વારા મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (એમએમએલપી) સ્થાપવામાં આવશે.
જમીનની અદલાબદલીને પગલે એએઆઈ અને વિશાખાપટનમ પોર્ટ ટ્રસ્ટ (વીપીટી) બંનેને ફાયદો થશે. વીપીટી દ્વારા બદલામાં ઓફર કરાયેલી જમીન એએઆઈની જમીનની અડોઅડ આવેલી છે એટલે તે વિશાખાપટનમ એરપોર્ટના વિકાસની ભાવિ યોજનાઓને ધ્યાનમાં લેતાં એએઆઈ માટે ઉપયોગી બનશે. મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક અને ગ્રાહક સંબંધિત અન્ય સવલતો સ્થાપવા માટે મેસર્સ કોન્કોર પણ માલસામાનના હેરફેરની ક્ષમતા વધારશે તેમજ રેલવે અને રસ્તાઓ મારફતે પરિવહનનું સંકલિત કેન્દ્ર વિકસાવશે, જેના પગલે રાજ્યમાં અર્થતંત્ર અને વેપાર વેગ પકડશે અને આ રીતે મેસર્સ કોન્કોર આંધ્રપ્રદેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપશે.
પશ્ચાદ્ ભૂમિકા
મેસર્સ કન્ટેઇનર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (કોન્કોર) રેલવે મંત્રાલય હેઠળ જાહેર ક્ષેત્રનું એકમ છે, જે વિશાખાપટનમ નજીક આશરે 98 એકર જમીન પર મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (એમએમએલપી) સ્થાપી રહ્યું છે. આ જમીન તેણે વિશાખાપટન પોર્ટ ટ્રસ્ટ (વીપીટી) પાસેથી લીઝ પર લીધી છે. વીપીટી, શિપિંગ (વહાણ પરિવહન) મંત્રાલય હેઠળનું બંદરની વ્યવસ્થા સંભાળતું ટ્રસ્ટ છે. કોન્કોરના પ્રોજેક્ટ માટે 98 એકરની પૂરેપૂરી જમીન વીપીટી દ્વારા હસ્તાંતરિત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે વીપીટીએ એએઆઈની 11.45 એકર જમીનની અદલાબદલી કરી છે.
AP/J.Khunt