પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે વીજ ઉત્પાદનનો ખર્ચ ઘટાડવા માટે ઘરઆંગણાના કોલસાના વપરાશમાં રાહતને મંજૂરી આપી છે.
પ્રસ્તાવનો ઉદ્દેશ એ છે કે કાર્યક્ષમ વીજ ઉત્પાદક સ્ટેશનો ખાતે ઘરઆંગણાના કોલસાનો ઈષ્ટતમ ઉપયોગ કરીને વીજ ઉત્પાદનનો ખર્ચ ઘટાડવામાં આવે અને તેના પગલે રાજ્યની વીજ વિતરણ કંપનીઓનો વીજળી ખરીદવાનો ખર્ચ ઘટે. આ લવચીકતા, કોલસાને વીજળીમાં પરિવર્તિત કરવામાં, સાધનોની કાર્યક્ષમતામાં તેમજ પરિવહનનો ખર્ચ ઘટાડવામાં ફાયદાકારક નીવડશે.
આને પગલે દેશમાં વીજળી ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવામાં નવો ઝોક મળશે, કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થશે તેમજ એકંદર આર્થિક લાભ થશે. પરિણામે, કોલસાના પરિવહનનો ખર્ચ ઘટશે તેમજ પરિવહન માટે વપરાતી ઉર્જાની વચત થશે ઉપરાંત રેલવેના નેટવર્કમાં પણ ભીડ દૂર થશે. આ વ્યવસ્થા વધુ પર્યાવરણ મિત્ર હશે કેમકે વધુ વીજળી ઉત્પન્ન કરવા માટે ઓછો કોલસો વપરાશે અને કોલસાના પરિવહન માટેનું અંતર પણ ઘટાડી શકાશે.
આ દરખાસ્ત ભારત સરકારની ઉદય (યુડીએવાય) યોજના સાથે સુસંગત છે, જેમાં વીજળીનો ખર્ચ ઘટાડવા માટે કોલસાના પરિવહનનો ખર્ચ ઓછો કરવા વીજ ઉત્પાદનના બિનકાર્યક્ષમ પ્લાન્ટ્સમાંથી કોલસો કાર્યક્ષમ પ્લાન્ટ્સમાં તેમજ કોલસાની ખાણોથી દૂર આવેલા પ્લાન્ટ્સમાંથી ખાણની નજીકના પ્લાન્ટ્સમાં ઉદારપણે લઈ જવાને મંજૂરી મળી છે.
દરખાસ્તમાં એ પણ ધ્યાન પર લેવાયું છે કે દરેક રાજ્યના જનરેટિંગ સ્ટેશનોનાં કોલસા અંગેના તમામ લાંબા ગાળાનાં જોડાણોને સાથે જોડી દેવા અને જે-તે રાજ્યો કે રાજ્યને એજન્સી તરીકે નીમવાં. એ જ રીતે, દરેક કેન્દ્રિય જનરેટિંગ સ્ટેશનો (સીજીએસ)ને પણ સાથે જોડી દેવાં અને સીજીએસની માલિકી ધરાવતી કંપનીને સોંપવા, જેથી છેવટનો વપરાશ કરતાં જનરેટિંગ સ્ટેશનો કોલસાનો કાર્યક્ષમ વપરાશ કરી શકે.
રાજ્ય હસ્તકનાં સેવાકીય એકમો, અન્ય રાજ્યના પાવર યુટિલિટીનાં પ્લાન્ટ્સ, કેન્દ્રિય જનરેટિંગ સ્ટેશનો (સીજીએસ)ની માલિકીની કંપની અને આઈપીપીઝ વચ્ચે અંદરોઅંદર કોલસાના ઉપયોગની લવચીકતા હોવી જોઈએ.
રાજ્ય કે કેન્દ્રિય જનરેટિંગ પ્લાન્ટ્સમાં કોલસાના વપરાશના કેસમાં નિર્ણાયક માપદંડ તરીકે પ્લાન્ટની કાર્યક્ષમતા, કોલસાના પરિવહનનો ખર્ચ, ટ્રાન્સમિશનના ચાર્જિસ તેમજ એકંદર વીજ ખર્ચ હોવા જોઈએ.
ખાનગી જનરેટિંગ સ્ટેશનોમાં રાજ્યને સોંપાયેલા કોલસાના વપરાશના કેસમાં ખાનગી ક્ષેત્રનાં હરીફ પ્લાન્ટો વચ્ચે બિડિંગના આધારે અવેજી કોલસો ખરીદી શકાય, જેમાં કોલસાનો સ્ત્રોત, કોલસાની ગુણવત્તા, વીજળીની માત્રા અને વીજળીની રસીદ માટે ડિલિવરી પોઈન્ટ ખૂબ સ્પષ્ટ રીતે દર્શાવેલા હોય.
સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીએ તમામ ભાગીદારો સાથે પરામર્શ કરીને રાજ્યો કે રાજ્યને તેમની પોતાની માલિકીના જનરેટિંગ સ્ટેશનો, અન્ય સ્ટેટ જનરેટિંગ સ્ટેશનો, સીજીએસ અને આઈપીપીઝ માટે કોલસાના વપરાશ માટેની પદ્ધતિ જાહેર કરવી જોઈએ. એ જ રીતે, સીજીએસની માલિકી ધરાવતી કંપની માટે તેની પોતાની માલિકીનાં પ્લાન્ટ્સ કે અન્ય કોઈપણ કાર્યક્ષમ પ્લાન્ટો માટે કોલસાના વપરાશની પદ્ધતિ સેન્ટ્રલ ઈલેક્ટ્રિસીટી ઓથોરિટીએ જાહેર કરવી જોઈએ.
પૃષ્ઠભૂમિ:
દેશમાં વીજળી ઉત્પાદન માટે કોલસો મુખ્ય સ્ત્રોત છે. બહોળાપાયે, કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ્સ બે પ્રકારનાં હોય છે : (1) પિટ હેડ બેઝ્ડ પ્લાન્ટ્સ, જે કોલસાની ખાણની નજીક હોય અને (2) લોડ સેન્ટર બેઝ્ડ પ્લાન્ટ્સ, જે લોડ સેન્ટર્સની નજીક આવેલાં હોય. પાવર પ્લાન્ટ્સ કોલસાને વીજળીમાં પરિવર્તિત કરવા માટે અલગ અલગ ક્ષમતા ધરાવતાં હોય છે, જે તેમની ટેકનોલોજી, યુનિટની ક્ષમતા વગેરે પર આધારિત હોય છે. હાલમાં, એવી પરિસ્થિતિ છે કે કાર્યક્ષમ પાવર પ્લાન્ટ્સને કોલસાની અછત છે, જ્યારે કેટલાક અન્ય પાવર સ્ટેશનોમાં ઓછી કાર્યક્ષમતાને કારણે કોલસાનો પર્યાપ્ત જથ્થો છે.
SP/AP/J.Khunt