પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે શહેરી વિકાસ મંત્રાલય અને ન્યુયોર્કની બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ (બીપી) વચ્ચે સ્માર્ટ સીટીઝ વિકસાવવા માટે સહાય અંગેની સમજૂતી કરવા મંજૂરી આપી હતી.
આ દરખાસ્તને પગલે બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ નોલેજ પાર્ટનર તરીકે કામ કરશે અને સ્માર્ટ સીટીઝ મિશન હેઠળ સ્માર્ટ શહેરોના વિકાસ અને અમલીકરણમાં મદદરૂપ થશે. અગાઉ કેન્દ્રિય મંત્રીમંડળે 29મી એપ્રિલ, 2015ના રોજ યોજાયેલી બેઠકમાં સ્માર્ટ સીટીઝ મિશનને મંજૂરી આપી હતી અને ત્યારબાદ 25મી જૂન, 2015ના રોજ પ્રધાનમંત્રી શ્રીએ આ મિશનનો પ્રારંભ કરાવ્યો હતો અને તે જ સમયે મિશનના ધ્યેય અંગેનું નિવેદન અને માર્ગદર્શિકાઓ પણ જાહેર કરવામાં આવી હતી.
સ્માર્ટ સીટીઝ મિશન હેઠળની દરખાસ્તને પગલે ઉચ્ચ ગુણવત્તા ધરાવતો શહેરી માળખાકીય ઢાંચો તૈયાર કરવામાં મદદ કરવામાં આવશે, જેનાથી શહેરી જીવનની ગુણવત્તા સુધરશે. બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ ગવર્નમેન્ટ ઈનોવેશન ઈનિશિએટીવ્ઝ શહેરના મેયરો અને સ્થાનિક નેતાઓને મહત્ત્વની સમસ્યાઓ ઉકેલવા માટે વ્યવહારુ સાધનો અને અભિગમોથી સજ્જ બનાવશે અને જાહેર ક્ષેત્રમાં નવિનીકરણને પ્રોત્સાહન આપશે.
નોલેજ પાર્ટનર તરીકે, બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ શહેરી વિકાસ મંત્રાલયને પણ સહાયભૂત થશે અને શહેરોની સમસ્યાઓના ઉકેલ માટે આયોજન અને સંચાલનમાં મદદ કરશે. મિશનને સહાયક પ્રવૃત્તિઓ માટે બ્લુમબર્ગ ફિલાન્થ્રોપીઝ ખર્ચ ઉઠાવવાની હોવાથી ભારત સરકાર પર કોઈ નાણાંકીય બોજો રહેશે નહીં.
AP/J.Khunt