Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શાંતિ સ્વરૂપ ભટનાગર પારિતોષિકના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ


 અહીં ઉપસ્થિત મારા તમામ સાથી મિત્રો.

 

તમે તો લેબોરેટરીમાં જીવન પસાર કરનારા લોકો છો અને તમારા ક્ષેત્રમાં પહેલા એક પાયલોટ પ્રોજેક્ટ કરવાની પરંપરા હોય છે અને પાયલોટ પ્રોજેક્ટ બન્યા પછી પહેલા તેના ધોરણો માપવામાં આવે છે. તો હમણાં-હમણાં એક પાયલોટ પ્રોજેક્ટ થઇ ગયો. હવે તેને વાસ્તવિક રીતે કરવાનો છે પહેલા તો પ્રેક્ટિસ હતી અને આ વાસ્તવિક છે. વાસ્તવિક સ્ટેન્ડિંગ ઓવેશન આજના પદક વિજેતાઓને છે. આપણે બધા ઊભા થઈને તેમનું અભિવાદન કરીશું. એટલે પહેલા પ્રેક્ટિસ હતી અને આ વાસ્તવિકતા.

 

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર તમારા બધાની વચ્ચે ઉપસ્થિત થવાનો અવસર પ્રાપ્ત થયો છે. તમે ખૂબ સારી રીતે જાણો છો કે આ દિવસ મહાન વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રામન દ્વારા રામન ઇફેક્ટની શોધની યાદમાં ઉજવવામાં આવે છે. આ જ ઉપલબ્ધીએ દેશને વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રથમ નોબલ પુરસ્કાર અપાવ્યો હતો. હું ડૉ. રામનને શ્રદ્ધાંજલિ આપવાની સાથે જ વિજ્ઞાન દિવસ પર તમને અને સમગ્ર વૈજ્ઞાનિક જગતના વિજ્ઞાનના તમામ વિદ્યાર્થીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

 

મારી મનોકામના છે કે તમે બધા સંશોધન અને વિકાસ સાથે જોડાયેલા પોતાના પ્રયત્નોમાં સફળ બનો અને તેનો લાભ દેશની જનતાને મળી શકે. આજે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રાપ્ત કરનારા વિજેતાઓ અને તેમના પરિવારજનોને હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તમારી ઉપલબ્ધીઓ પર અમને ગર્વ છે, હિંદુસ્તાનને ગર્વ છે. મેં પરિવારજનોને પણ ખાસ અભિનંદન એટલા માટે આપ્યાં કારણ કે વિજ્ઞાનિકો લેબોરેટરીમાં પોતાનું જીવન ખર્ચી નાખે છે અને તેના કારણે સૌથી વધારે ત્યાગ અને તપસ્યા પરિવારજનોને કરવી પડે છે. તમારા પ્રયત્નોથી, તમારા કાર્યોથી, દેશ અને સમાજને લાભ મળે છે અને આ કાર્યો એવા હોય છે કે જેનો પેઢી દર પેઢી લાભ મળતો રહે છે.

 

જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન તથા જય અનુસંધાન નવા ભારતનો માર્ગ બને. તેના માટે આ પ્રકારના પુરસ્કારો અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જેવા આયોજનોની ભૂમિકા ખૂબ જ અગત્યતા ધરાવે છે.

 

સાથીઓ, આ વર્ષની વિષયવસ્તુ ખૂબ જ પ્રાસંગિક છે. હું પોતે પણ વિજ્ઞાનના લોકોની જરૂરિયાતો સાથે જોડાવવાના વિચારનો આગ્રહી રહું છું. અમારી સરકાર પોતાના તમામ કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા આ દિશામાં કંઇકને કંઇક પ્રયત્નો કરી રહી છે.

 

સાથીઓ, આપણે આપણી પાસે ઉપલબ્ધ લોકતંત્ર, વિશાળ વસ્તી અને માંગનો લાભ ઉઠાવી શકીએ છીએ. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ચૂક્યો છે. આપણા યુવાનોની મહત્વાકાંક્ષાઓ સર્વશ્રેષ્ઠ હોવાના કારણે તેમની ઉત્સુકતા આપણી સૌથી મોટી તાકાત છે. આ પરિસ્થિતિમાં આપણે વિજ્ઞાન તકનિક અને સંશોધનને જનતા સાથે જોડીને તેમને સમાજની આકાંક્ષાઓ અને જરૂરિયાતો અનુરૂપ બનાવવી પડશે. આ વર્ષે જલંધરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના આયોજન દરમિયાન મેં જણાવ્યું હતું કે ભારતની વાસ્તવિક તાકાત પણ આજ છે કે અહીં વિજ્ઞાનને સમાજની જરૂરિયાત સાથે જોડવામાં આવી રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે બધા, આપણા તમામ વૈજ્ઞાનિકો, પરમાણુ ઊર્જા, અવકાશ વિજ્ઞાન અને સંરક્ષણ સાથે સંકળાયેલા દરેક પોતાની કુશળતાનો સતત વિકાસ કરતા રહેશો.

 

સાથીઓ, આપણા દેશના લોકોને હવે શ્રેષ્ઠથી ઓછું કંઈ જ ખપતું નથી. આપણું ધોરણ ઘણું ઉપર જતું રહ્યું છે. જો આપણી સંસ્થાઓના વિચારો જૂના હશે તો આપણે તેમની આકાંક્ષાઓને પૂર્ણ નહીં કરી શકીએ. વિજ્ઞાન સાથે જોડાયેલી આપણી સંસ્થાઓને પણ ભવિષ્યની જરૂરિયાતો અનુસાર પોતાનું નિર્માણ કરવું પડશે. આપણે પોતાની મૌલિક શક્તિ જાળવી રાખીને ભવિષ્યના સમાજ અને અર્થતંત્ર અનુસાર આપણું નિર્માણ કરવું પડશે. મેં મારા મુખ્ય વિજ્ઞાન સલાહકાર સાથે આ અંગે સમગ્ર યોજના બનાવીને આગળ વધવાનો આગ્રહ કર્યો છે. તેમાં તમારી ભાગીદારીની પણ ખૂબ જ જરૂર છે.

 

સાથીઓ, જ્યારે ઇચ્છાશક્તિ હોય ત્યારે મર્યાદિત સંશાધનોમાં પણ કેવા અદભૂત પરિણામો પ્રાપ્ત કરી શકાય છે અને તેનું ઉત્તમ ઉદાહરણ આપણો અવકાશ કાર્યક્રમ છે. પછી તે, આપણું ચંદ્ર મિશન હોય, મંગળ મિશન હોય, કે પછી ઉપગ્રહ પ્રક્ષેપણ ક્ષેત્રે પ્રાપ્ત કરેલી ઉપલબ્ધી હોય. દુનિયાને તમારા જેવા આપણા અનેક વૈજ્ઞાનિકોના કૌશલ્યએ આશ્ચર્યચકિત કરી દીધા છે. પોતાના પ્રથમ જ પ્રયત્નમાં આપણે આપણું મંગળયાન મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મોકલી દીધું છે. આમ કરનારા આપણે એશિયાના પ્રથમ દેશ છીએ. અત્યાર સુધી જે સફળતા આપણે પ્રાપ્ત કરી છે તેના પરથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે વર્ષ 2022 સુધી દેશનું પોતાનું ગગનયાન સફળતાપૂર્વક દેશના પોતાના દીકરા-દીકરીઓને અંતરિક્ષમાં લઇ જશે અને ત્યાં તિરંગો લહેરાવશે.

 

સાથીઓ, આપણા વૈજ્ઞાનિકોએ, તમે બધાએ હંમેશા માનવીય સુખાકારી માટે હંમેશા પોતાનું યોગદાન આપ્યું છે. અનેક ક્ષેત્રોમાં તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને તે દેશના સામાન્ય માનવીના જીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. તેમાંથી એક છે આપણું ફાર્મા ક્ષેત્ર… ફાર્મા ક્ષેત્રની બાબતમાં ભારત આજે વિશ્વનું છઠ્ઠુ સૌથી મોટું બજાર છે અને વિશ્વનું ત્રીજુ સૌથી ઝડપથી આગળ વધતું બજાર છે. આજે ભારતીય દવાઓની 200થી વધારે દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.

 

CSIR લેબને તે વાતનો પણ સંપૂર્ણ શ્રેય મળે છે કે વિશ્વમાં મળી રહેલી મોંઘી દવાઓ આજે દેશમાં ખૂબ જ ઓછી કિંમતોમાં ઉપલબ્ધ થઈ છે. તેમની પાસે દવાઓ બનાવવાનું જે જ્ઞાન છે અને ભારતના જંગલોમાં જે દવા સાથે જોડાયેલા છોડોનો ખજાનો છે તેના પરિણામે CSIRનો હજુ વધુ વિસ્તાર નિશ્ચિત છે. હું સમજુ છું કે હવે આપણા ફાર્મા ક્ષેત્રને અને બાયોટેક ક્ષેત્રને વધુ ગતિ આપવાનો સમય આવી ગયો છે અને તેના માટે જિનેરિક અને જૈવ-સમાનતાથી પ્રાપ્ત થતી તેમની ઉપલબ્ધીઓમાં સંશોધનને સાંકળવું પડશે.

 

સાથીઓ, વિજ્ઞાન અને ઔધોગિક સંશોધન પરિષદ દ્વારા કરવામાં આવી રહેલો વધુ એક પ્રયત્ન પ્રશંસનીય છે જે છે અરોમા મિશન… અરોમા મિશન દ્વારા જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને છત્તીસગઢના આદિવાસી ક્ષેત્રોમાં તે પોતાની પહોંચ વધારી રહ્યું છે અને મને જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 18 મહિનાઓમાં દેશભરમાં આશરે 3 હજાર હેક્ટર જમીન પર એરોમેટિક પ્લાન્ટની ખેતી પહોંચાડવામાં આવી છે. તેના માટે CSIRની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.

 

એરોમેટિક પ્લાન્ટ ઉપરાંત, જૈવ ઇંધણ ક્ષેત્રમાં પણ CSIR ઘણી મોટી ભૂમિકા અદા કરી રહ્યું છે. CSIR દ્વારા જે હવાઇ જૈવ ઇંધણ બનાવવામાં આવ્યું છે તેનું સફળ પરિક્ષણ પણ થઇ ચૂક્યું છે. 27 ઓગસ્ટ 2018ના દિવસે પ્રથમ વખત દહેરાદૂનથી દિલ્લી સુધી આ વિમાન ઉડાવવામાં આવ્યું હતું. તેના કારણે ભારતનો સમાવેશ વિશ્વના તેવા જૂજ દેશોની શ્રેણીમાં થઇ ગયો છે જે જૈવ ઇંધણ દ્વારા વિમાન ઉડાવી શકે છે. માત્ર નાગરિક વિમાન જ નહીં, પરંતુ આ વર્ષે ગણતંત્ર દિવસ પર આપણા હવાઈદળના જેટ વિમાને પણ જૈવ ઇંધણનો ઉપયોગ કર્યો હતો.

 

સાથીઓ, હવે એક નવા પ્રકારના ઇંધણની જરૂરિયાત ઊભી થવાની છે. આગામી બે દાયકાઓમાં બિગ ડેટા, મશીન લર્નિંગ, બ્લૉક ચેઇન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અનેક નવી તકનિકોનો યુગ આવવાનો છે. આ તમામ તકનિક ડેટા પર આધારિત હશે અને આથી હવે કહેવામાં આવી રહ્યું છે કે વિશ્વમાં નવું ઇંધણ ડેટા જ બનવાનું છે. આ નવી જરૂરિયાતોને નજર સમક્ષ રાખતાં અમારી સરકારે નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લનરી સાઇબર ફિઝિકલ સિસ્ટમ અભિયાન શરૂ કર્યુ છે. આશરે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા આ અભિયાન પર ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. આ અભિયાન અંતર્ગત આગામી પાંચ વર્ષોમાં રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઉત્પાદન, બિગ ડેટા એનાલિસિસ, ક્વોન્ટમ કૉમ્યૂનિકેશન અને ઇન્ટરનેટ ઑફ થિંગ્સ વગેરે ક્ષેત્રે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન પ્રાપ્ત થશે.

 

સાથીઓ, કેન્દ્ર સરકારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટાસ્ક ફોર્સ પણ બનાવી છે. જેના દ્વારા ભારત ઇન્ડસ્ટ્રી 4.0 માટે તૈયાર થઇ શકે. હું વિજ્ઞાનિક સમુદાય અને તકનિકી નિષ્ણાતોને અપીલ કરું છું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ પ્રારંભિક તબક્કામાં વિશ્વની દિશા બદલનારી નવી તકનિકોનો આવિષ્કાર કરે. જેના કારણે ભારત ઉત્પાદન, જ્ઞાન અને તકનિક આધારિત ઉદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બની શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દેશમાં કૃષિથી માંડીને પરિવહન અને આરોગ્યથી માંડીને મોસમ વિજ્ઞાનના ક્ષેત્રમાં કરી શકાય છે. તેમાં તે શક્તિ છે કે આપણે વિકાસ અને સમૃદ્ધિના માર્ગ પર આપણે નક્કી કરેલા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી શકીએ છીએ.

 

આજે વિકસિત થઇ રહેલી તકનિકોને કોઇ સીમાઓમાં બાંધી શકાતી નથી. તેના માટે નવા પ્રકારના વિચારોની જરૂર છે. ક્રોસ ડિસિપ્લનરી રિસર્ચ આ વિચારને વધુ શક્તિ આપી શકે છે. એટલે કે, સંશોધનના એવા માહોલનું નિર્માણ થાય જેના ઈજનેર સેલ બાયોલોજિસ્ટ સાથે કામ કરી શકે. એક રસાયણ કળાથી પ્રેરણા લઇ શકે. એક ભૌતિક અને સામાજિક વૈજ્ઞાનિક સાથે મળીને વિચાર કરી શકે અને કામ કરી શકે. અલગ-અલગ શાખાઓ અને વિચારોનું આ સંગમ નિશ્ચિત રૂપે સંશોધન અને વિકાસ આધારિત આવિષ્કારોની એક નવી સંસ્કૃતિ વિકસિત કરશે.

 

મને વિશ્વાસ છે કે આ સંસ્કૃતિથી આપણી સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા પ્રયાસોને પણ નવી શક્તિ પ્રાપ્ત થશે. અમારી સરકારે શિક્ષણ અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે અનેક મોટા પગલાં ભર્યા છે. અમે સંશોધન વિકાસ અને આવિષ્કારને પ્રોત્સાહન આપી રહ્યાં છીએ. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને સ્વાયતતા આપવામાં આવી રહી છે. જેથી શૈક્ષણિક સ્તરને સુધારવામાં મદદ મળી શકે. આ પ્રયત્ન અંતર્ગત જ 21 યુનિવર્સિટીઓ સહિત 60 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વર્ગીકૃત સ્વાયતતા આપવામાં આવી છે. IIMને સ્વાયતતા આપવા પાછળ પણ સરકારનો આ જ વિચાર છે. આ રીતે ઇન્સ્ટિટ્યુટ ઑફ એમિનન્સ પર પણ કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે. આવી સંસ્થાઓને પણ સંપૂર્ણ સ્વાયતતા આપવામાં આવી રહી છે. જેથી તે વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાં પોતાની જગ્યા બનાવી શકે. તે પણ આપણી રાષ્ટ્રીય ફરજ છે કે આપણે પોતાના યુવા વર્ગના વિચારોને પ્રેરિત કરી શકીએ. તેમનામાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા વિકસિત કરી શકીએ. કારણ કે તે જ આપણું ભવિષ્ય છે અને ભવિષ્યમાં તે જ ભારતની લગામ સંભાળશે, જે વિશ્વને નવો માર્ગ બતાવશે.

 

સાથીઓ, વિજ્ઞાન અને તકનિકની અસર હવે વધુ થાય છે અને તેનો પ્રભાવ સમાજના અંતિમ વ્યક્તિ અને વંચિત વર્ગ ઉપર પણ પડે છે. એવામાં વિજ્ઞાન અને તકનિકને વિશ્વના પડકારો સાથે સાંકળવાની સાથે જ દેશની તમામ વૈજ્ઞાનિક એજન્સીઓને આ અભિયાનનો હિસ્સો બનાવવી પણ જરૂરી છે અને તેના માટે આપણે સંશોધનને ઉપાયલક્ષી બનાવવું પડશે. આરોગ્ય સંભાળ, પરવડે તેવા આવાસ, સ્વચ્છ ઊર્જા, પર્યાવરણ, ઘન કચરાનો નિકાલ, ખાદ્યાન્ન પ્રક્રિયા, વિદ્યુત પરિવહન, સાઇબર સુરક્ષા, મૂલ્ય વર્ધન જેવા પ્રશ્નોનો જવાબ તૈયાર કરવો પડશે અને મારું માનવું છે કે, વિજ્ઞાન મૂળભૂત હોવું જોઇએ અને તેમાં બાંધછોડને કોઇ અવકાશ રહેતો જ નથી. વિજ્ઞાન મૂળભૂત હોવું જોઇએ પરંતુ આ ટેકનોલોજી સ્થાનિક હોય, ટેકનોલોજી સ્થાનિક હોય એનો અર્થ એ છે કે તેને ભારતીય પરિસ્થિતિઓ અને જરૂરિયાતોનો જવાબ બનવું પડશે. આ અભિયાન સફળ બને તે માટે આપણે આપણા પૂર્વગ્રહોમાંથી બહાર નીકળવું પડશે, ટુકડાઓમાં વિચારવાના બદલે સમગ્રપણે વિચાર રાખવો પડશે. જો એક વૃક્ષ વાવવું હોય તો ખાડો કોણ ખોદશે, બીજ કોણ રોપશે અને પાણી કોઇ અન્ય નાંખશે તેવા વિચારથી કામ નહીં ચાલે. આપણે લક્ષ્ય સ્પષ્ટ રાખવા પડશે જેથી માર્ગ પણ આપણે સ્પષ્ટ જોઇ શકીએ. ઝડપથી બદલાતી તકનિકોની સાથે પોતાને બદલવા માટે આપણા જાહેર અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ બન્ને સક્ષમ છે અને ઊર્જાથી ભરપૂર છે પરંતુ સ્પર્ધાના આ યુગમાં પોતાને આગળ રાખવા માટે આપણે હજુ મોટા પગલાં ભરવા પડશે, નવી દિશાઓ નક્કી કરવી પડશે. સમાજના આ જ પડકારોના ઉપાય શોધવા માટે પ્રધાનમંત્રી વિજ્ઞાન ટેકનોલોજી અને સંશોધન સલાહકારી પરિષદ પણ ગંભીરતાથી કામ કરી રહી છે.

 

સાથીઓ, અમને તમારી ક્ષમતાઓ પર, તમારા કૌશલ્યો પર અને તમારા સામર્થ્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમારા આ સામર્થ્ય દ્વારા જ નવા ભારત માટે નવા આવિષ્કાર થશે. નવી તકનિક અંગે વિચારવામાં આવશે અને વિજ્ઞાન દ્વારા જનતાની અપેક્ષાઓ અનુસાર દેશ આગળ વધશે અને ત્યારે જ આપણા વિજ્ઞાન અને સંશોધનનો ફાયદો આપણા જીવનને પણ થશે અને આપણા ખેડૂતોને પણ થશે. ફરી એક વાર જે મહાન લોકોએ વિજ્ઞાનના ક્ષેત્રમાં સાધના કરી છે. આવા તમામ ઋષિતુલ્ય વૈજ્ઞાનિકોને આજે પુરસ્કાર પ્રાપ્ત થયો છે. હું તે તમામને આદરપૂર્વક અભિનંદન પાઠવું છું. આપ સર્વેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ફરીથી ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

 

ખૂબ ખૂબ આભાર.

NP/J.Khunt/GP/RP