Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રીનગરમાં 3 ફેબ્રુઆરી 2019ના રોજ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના વાર્તાલાપનો મૂળપાઠ


 

 

પ્રશ્ન – પ્રિય માનનીય, પ્રધાનમંત્રી મારૂં નામ કે. દીપિકા છે. હું હૈદરાબાદની બેગમપતની સરકારી ડીગ્રી કોલેજ ફોર વુમનમાં બી.એ. પત્રકારત્વના છેલ્લા વર્ષમાં છું. સર અમે છેલ્લાં પાંચ વર્ષમાં શિક્ષણક્ષેત્રે અનેક પહેલો નિહાળી છે. શું શિક્ષણક્ષેત્રમાં આપના પ્રયાસોથી આપ સંતુષ્ટ છો? મને આ તક આપવા બદલ આપનો આભાર.

એન્કર – અમે છેલ્લાં પાંચ વર્ષોમાં શિક્ષણના ક્ષેત્રમાં અનેક નવા પહેલો જોઈ છે શું આપ શિક્ષણક્ષેત્રમાં આપના પ્રયાસોથી સંતુષ્ટ છો. માનનીય, કૃપા કરી જણાવો.

પ્રધાનમંત્રી – આ સવાલ માટે હું આપનો આભારી છું અને દેશભરના આશરે અઢી કરોડ યુવકો સાથે મને વાતચીત કરવાની તક મળી છે. ટેક્નોલોજીનો આભાર, એક જ વસ્તુને બે રીતે જોઈ શકાય છે. જ્યાં સુધી પ્રયાસનો સવાલ છે મને એ વાતનો સંતોષ છે કે આપણે સાચી દીશામાં છીએ. આપણે નિશ્ચિત ટાઈમ ટેબલ સાથે આગળ વધી રહ્યા છીએ અને વિશ્વમાં શિક્ષણના જે માપદંડ બન્યા છે, એ વૈશ્વિક માપદંડને અમે પાર પાડવા માગીએ છીએ.અમે ઈચ્છીએ છીએ કે આપણાં દેશના એ તમામ નવયુવાનોને એ અવસર મળવો જોઈએ કે જો તે જીવનમાં શિક્ષણના ક્ષેત્રમાં જવા ઈચ્છે તો સરકારનું એક કામ છે કે એ વ્યવસ્થાઓને વિકસિત કરે. આધુનિક ભારત માટે જે પ્રકારના સંસ્થાનોની રચના થવી જોઈએ, તેને અમે બદલી રહ્યા છીએ. IIT હોય, IIM હોય, તેના વિસ્તાર માટે ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. એ જ રીતે કૌશલ્ય વિકાસ એક ખૂબ જ મોટું ક્ષેત્ર છે જેના પર અમે ભાર આપી રહ્યા છીએ. અમારો એ પ્રયાસ છે કે આપણાં દેશના નવ યુવાનો આજે ખૂબ જ મોટા પ્રમાણમાં શિક્ષણ પ્રાપ્ત કરવા વિદેશ જાય છે,આપણાં અબજો, ખરવો રૂપિયા વિદેશ ચાલ્યા જાય છે. આપણે એવી શિક્ષણ વ્યવસ્થાઓનું નિર્માણ કરીએ, જેનાથી આપણાં દેશના લોકો બહાર જાય તેના બદલે વિશ્વના દેશના લોકો ભારત આવે. આ સ્વપ્નને લઈને હું કામ કરી રહ્યો છું. જ્યાં સુધી દીશાનો સવાલ છે હું ખૂબ જ સંતુષ્ટ છું. સાડા ચાર વર્ષના ઓછા કાર્યકાળમાં જેટલું કામ થયું છે, હું શું, કોઈ પણ સંતુષ્ટ થશે પરંતુ હું સંતોષ મારી પીઠ થપથપાવવા માટે ક્યારેય નથી કરતો. મારા સંતોષનો મતલબ છે નવા સપનાંને જન્મ આપવો, મારા સંતોષનો મતલબ છે નવા લક્ષ્ય નક્કી કરવા, મારા સંતોષનો મતલબ હોય છે એ લક્ષ્યોને પાર કરવા માટે ફરી વખત ચાલી નીકળવું અને સંતોષ ઊંઘવા માટે નથી, સંતોષ નવા સપનાને સાકાર કરવા માટે છે. ધન્યવાદ…

એન્કર – ધન્યવાદ માનનીય, પ્રધાનમંત્રીજી, માનનીય, હવે આપણે દેશના પૂર્વોત્તર ક્ષેત્ર આસામ સાથે જોડાઈ રહ્યા છીએ જ્યાં કોટન યુનિવર્સિટીનાં અનામિત્રા મહંતા આપને કંઈક પૂછવા માગે છે…

પ્રશ્ન – પ્રિય માનનીય, પ્રધાનમંત્રી, હું આસામથી અનામિત્રા મહંતા છું. સર, અમે જોઈ રહ્યા છીએ કે આ ડિજિટલ ઇન્ડિયાના રોજે રોજના જીવનમાં શિક્ષણ સહિત અનેક ઉપયોગ છે. તમે આપણાં દેશ અને આપણાં લોકો પર તેની કેવી અસર જુઓ છો? આભાર.

એન્કર – સર આપણા રોજ બરોજના જીવનમાં આપણે ડિજિટલ ઇન્ડિયાના અનેક ઉપયોગને જોઈ રહ્યા છીએ. જેમાં શિક્ષણ પણ સામેલ છે. આજે આપણાં દેશ અને અહિંના લોકોમાં એને લીધે શો બદલાવ આપ જોઈ રહ્યા છો. માનનીય, કૃપા કરીને જણાવો.

પ્રધાનમંત્રી – જુઓ, માનવ નિરંતર વિકાસ કરતો રહ્યો છે. ટેક્નોલોજી એક ખૂબ જ મોટું સંચાલક પરિબળ રહ્યું છે. નવા-નવા સંશોધનો માનવ જીવનને નિરંતર બદલ્યું છે. પરંતુ આજે 40 વર્ષ પહેલાં જે ગતિથી દુનિયા બદલી એની સરખામણીએ નવાચાર અને ટેક્નોલોજીનાં હસ્તક્ષેપે વિશ્વને છેલ્લા 200-300 વર્ષમાં બદલીને જ્યાં લાવીને છોડી દીધું હતું, છેલ્લા 40-50 વર્ષમાં ટેક્નોલોજીએ એક એવો જંપ લગાવ્યો છે કે જેની આપણે કલ્પના કરી શકીએ એમ નથી. જો છેલ્લાં 200-300 વર્ષની તુલનામાં જોઈએ તો આ 40-50 વર્ષ એક જોરદાર કૂદકો છે. આ નવા પરિમાણ છે. અને તે અંતરિક્ષ હોય, સમુદ્રી તળની વાત હોય, ધરાતલની વાત હોય અને તેમા ડિજિટલ વર્લ્ડે તેમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. હવે આજે હું આપની સાથે આટલી આરામથી વાત કરી શકું છું, હું શ્રીનગરમાં બેઠો છું અને શ્રીનગરથી હું હિંદુસ્તાનના દરેક ખૂણામાં અઢી કરોડ નવયુવાનો સાથે શિક્ષણ સબંધમાં વાત કરી રહ્યો છું. આ જ સૌથી મોટો પ્રભાવ છે. હાલમાં આપે જોયું બાંદીપુરામાં એક બીપીઓનું ઉદઘાટન થયું અને પહેલું બીપીઓ હવે ડિજિટલ ક્રાંતિનું પરિણામ છે. ડિજિટલ ક્રાંતિનો સૌથી મોટો ફાયદો, હવે આપ જુઓ આપણાં આધાર એક પ્રકારથી ડિજિટલ ક્રાંતિનો જ હિસ્સો છે. દુનિયાને જ્યારે હું કહું છું કે આપણી પાસે 120 કરોડ લોકોનો આટલો વિગતવાર ડેટા છે. જગતના લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આવી મિલ્કત છે આપણી પાસે, આ ડિજિટલ ક્રાંતિનું પરિણામ છે. આપણે JAM Trinity (જામ ત્રિપુટી) શરૂ કરી છે. ભારત સરકારે JAMTrinity દ્વારા આધાર, મોબાઈલ, જનધન કોઈ પણ સામાન્ય વ્યક્તિ સરકારને કેટલોક સામાન મોકલવા માગે છે, ગામ ગરીબ હશે તો ઓનલાઈન આવશે, મોકલી શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં આજે આટલી જુદી જુદી પ્રકારની એપ ઉપલબ્ધ છે અને કેટલીક તો વધારે ખર્ચ કર્યા વગરની છે. તેના લીધે વિદ્યાર્થી નવું-નવું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે એપના માધ્યમથી કંઈક હોમવર્ક કરે છે. કદાચ બની શકે છે કે એક જમાનો એવો આવશે કે જ્યારે ટ્યુશન અને કોચિંગ ક્લાસિસની દુનિયા પૂરી થઈ શકે છે. આટલી તાકાત આ ડિજિટલ ઇન્ડિયામાં છે. ડિજિટલ વર્લ્ડે વહિવટીકાર્યોમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. પારદર્શિતા માટે ડિજિટલ વર્લ્ડ ખૂબ જ મોટી તાકાત છે. અરે એક પ્રકારે શિક્ષણ નહીં, સમગ્ર જીવન વ્યવસ્થામાં એક પ્રકારે ડિજિટલ વર્લ્ડ આપણાં શરીરનો એક નવો હિસ્સો બની ગયો છે. આપણે એના વગર જીવી ન શકીએ એવી સ્થિતિ ઊભી થઈ છે. અને તેથી તેનો પ્રભાવ, આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કઈ રીતે કરીએ, અધિકતમ લોકોના કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગ કરીએ, જો આપણે આના પર જોર આપીશું, તો એક આ ડિજિટલ પાવર, એક બહુ મોટી ક્રાંતિ આપણી સામે છે. બીજું લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનના માધ્યમથી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકીએ છીએ, ડિજિટલ કનેક્ટિવિટી તેના માટે ખૂબ જ મોટી ભૂમિકા અદા કરી શકે છે અને હું જોઈ રહ્યો છું કે ઘણાં નવયુવાનો વર્ચ્યુઅલ લેબ દ્વારા આજે બાળકોને ભણાવવાનું કામ કરી રહ્યા છે. અને તેઓ એ રીતે જ ભણી શકે છે જેમ કે તેઓ ખરેખર લેબમાં જઈને કામ કર્યું હોય. તેમના આત્મવિશ્વાસનો સ્તર વધતો જાય છે. 3ડી પ્રોજેક્શનના લીધે આજે વિદ્યાર્થી જો તેને હૃદયના સબંધમાં વાંચવું હોય તો, પહેલાં શિક્ષક ગમે તેટલું સમજાવતા હતા, પણ આજે જો 3ડી તેને દેખાડી દે તો તુરંત તે તેને સમજાઇ જાય છે કે, હૃદય આવી રીતે કામ કરે છે અને બાળક તેને ગ્રહણ કરે છે. હું એક વખત જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મેં એક નાનકડો સર્વે કરાવ્યો હતો કે મધ્યાન ભોજન યોજના અંતર્ગત પ્રાથમિક સરકારી શાળાઓમાં શું અસર થાય છે. અને ત્યાં જો આપણે ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ બનાવીએ તો શું ફેર પડે છે. કેટલીક સ્કૂલ એવી છે જ્યાં સ્માર્ટ ક્લાસ રુમ બનાવડાવાયા હતા, કેટલીક સ્કૂલ એવી હતી કે જ્યાં સ્માર્ટ ક્લાસ રૂમ નહતા. મધ્યાન ભોજન પર જોર હતું. સ્માર્ટ ક્લાસ રૂમ હતા ત્યાં પણ મધ્યાન ભોજન હતું, પછી અનુભવ થયો કે સ્માર્ટ ક્લાસરૂમે બાળકોને એવા આકર્ષિત કર્યા કે ઝૂંપડપટ્ટીના બાળકો અહિં ભણતા હતા તેમને શીખવાની ખૂબ જ મજા આવતી હતી. તેઓ શીખવા માટે આવીને બેસી જતા તેમને મધ્યાન ભોજનની પરવાહ નહતી. તેઓને મધ્યાન ભોજન માટે ખેંચી ખેંચીને લઈ જવા પડતા હતા. જ્યારે જ્યાં મધ્યાન ભોજન હતું ત્યાં પણ આટલી મોટી સંખ્યા થતી નહોતી. ત્યાં પણ મધ્યાન ભોજનમાં રૂચી નહતી પરંતુ સ્માર્ટ ક્લાસ ન હોવાને લીધે તેઓ જઈને બેસવામાં રસ લેતા નહતા. હવે આ જે પ્રભાવ છે, તે ડિજિટલ પ્રભાવ છે અને આવનારા દિવસોમાં ઉચ્ચ શિક્ષણમાં તેની બહુ મોટી ભૂમિકા થવાની છે. ધન્યવાદ…..

એન્કર – માનનીય, કુરૂક્ષેત્ર યૂનિવર્સિટી હરિયાણાથી ગૌરવ આપની સાથે વાત કરવા ઉત્સુક છે, ગૌરવ..

પ્રશ્ન – માનનીય, પ્રધાનમંત્રી મારું નામ ગૌરવ છે અને હું કુરૂક્ષેત્ર વિશ્વવિદ્યાલય હરિયાણાથી છું… સર આપણાં દેશમાં ગરીબી જોઈને આપણને દુઃખ થાય છે, અમે આપણાં દેશમાંથી ગરીબી દૂર કરવાના તમારા પ્રયાસો જોયા છે. શું તમને લાગે છે કે ભવિષ્યમાં આપણે ગરીબી મુક્ત દેશ બની શકીશું?

એન્કર – આપણાં દેશમાં ગરીબી જોઈને ખૂબ જ દર્દ થાય છે. ગરીબી દૂર કરવાના આપના પ્રયાસોને અમે જોયા છે. આપને લાગે છે કે નજીકના ભવિષ્યમાં આપણો દેશ ગરીબી મુક્ત બની શકે છે? માનનીય, કૃપા કરીને જણાવો.

પ્રધાનમંત્રી – જો દેશ નક્કી કરી લે કે આપણે ગરીબીથી મુક્ત થવું છે, તો દુનિયાની કોઈ તાકાત આપણને ગરીબ ન રાખી શકે. સવા સો કરોડ દેશવાસીઓમાં એટલું સામર્થ્ય છે, જો આપણાં કુદરતી સ્ત્રોત કે માનવીય સ્ત્રોતનો આપણે યોગ્ય રીતે આયોજન કરીને ઉપયોગ કરીએ તો ગરીબીથી મુક્તિ મેળવવી મુશ્કેલ નથી. હું સાડા ચાર વર્ષના અનુભવથી કહી શકું છું કે, તાજેતરમાં વિશ્વમાં બે વસ્તુઓ ઊભરીને સામે આવી છે. એક દુનિયામાં સૌથી ઝડપી ગતિએ આગળ વધનારા મોટા અર્થતંત્રમાં ભારત પ્રથમ નંબરે છે. આનો દરેક ભારતીયને ગર્વ હશે. બીજું યુએન સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાનું કહેવું છે કે વિશ્વમાં ભારત પહેલાં નંબર પર છે, જે તેજ ગતિથી ગરીબીમાંથી બહાર નીકળી રહ્યું છે. ખૂબ જ ઝડપથી નવા મધ્યમ વર્ગનું જોર વધી રહ્યું છે અને તેના પર તેમણે એમ પણ કહ્યું કે, ભારતના અનુસૂચિત વર્ગના લોકો અને ભારતના મુસલમાન આ બે લોકો તેના સૌથી વધુ લાભાર્થી છે, જેઓ સૌથી ઝડપી ગતિએ ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે. હવે કોઈએ વિચાર્યુ હતું કે મહાત્મા ગાંધીના આઝાદી અને સ્વચ્છતા બન્નેમાંથી મારે એક પસંદ કરવું હશે તો હું પહેલાં સ્વચ્છતા પસંદ કરીશ. ગાંધીજીએ ખૂબ જ પ્રયાસ કર્યા, આઝાદીનું આંદોલન પણ ચાલી રહ્યું હતું, સ્વચ્છતા માટે પણ વાત ચાલી રહી હતી. આઝાદ થયા બાદ આપણે એ કામને આસાનીથી આગળ વધારી શકતા હતા. પરંતુ એ ચાલે છે, કોઈ જો કરી લે તો કરી લે, ન કરે તો ન કરે. મેં લાલ કિલ્લા પરથી આહવાન કર્યું, દેશને આગ્રહ કર્યો અને આ દેશ પોતાના પ્રયત્નોથી સ્વચ્છતાના વિષયમાં આજે તેજ ગતિથી સંતોષજનક આગળ વધી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર.. આ અધિકારીઓ અહિં બેઠા છે, કદાચ તેઓ અનંતનાગમાં હતા, તેમને મારા હાથે જ સ્વચ્છતાનું ઈનામ મળ્યું હતું. બહુ મોટું કામ કર્યું હતું અને દેશના લોકોને ખૂબ જ ગર્વ થયો હતો. હવે આટલું મોટું કામ આજે ખૂલ્લામાં શૌચ મુક્ત જમ્મુ-કાશ્મીરનું હોવું એ પોતાની રીતે ખૂબ જ મોટી વાત છે. જ્યારે 2014માં અમે આવ્યા તો આપણાં દેશમાં ગ્રામીણ સ્વચ્છતાનો વ્યાપ 38 ટકા હતી આજે તે 98 ટકા છે. આ માત્ર સરકારને લીધે થયું છે એવું મેં ક્યારેય નથી કહ્યું. એક વખત દેશની જનતા નિર્ધાર કરે પછી કેવા પરિણામ લાવે છે, લાવી શકે છે. આ દેશે નક્કી કર્યું, દેશમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ બહુ લાંબા સમયથી થયું હતું પરંતુ ખાતા ખૂલતાં નહતા, ગરીબો માટે. અમે નક્કી કર્યું દરેક ગરીબના ખાતા ખુલવા જોઈએ. હિંદુસ્તાનમાં 2014માં 40 ટકા લોકોના બેન્ક એકાઉન્ટ હતા આજે આશરે 100 ટકા બેન્ક એકાઉન્ટ છે. આપણાં દેશમાં કુલ 25-26 કરોડ પરિવાર છે અને મને આર્થિક હિસાબે મોટા-મોટા આંકડા અપાયા હતા. કેમ કે રાજ્ય એ આંકડા આપતા હતા. આશરે 4 કરોડ પરિવાર એવા હશે જ્યાં વીજળી નથી. અમે બીડું ઊપાડ્યું છે. દરેક ઘરમાં વીજળી હોવી જોઈએ અને મને ખુશી છે કે આજે જમ્મુ-કાશ્મીરે આ કામ પુરૂં કરી નાખ્યું. એટલે કે એક વખત આપણો દેશ નક્કી કરે કે આ સમસ્યામાંથી બહાર નીકળવું છે તો નીકળશે જ. હવે જમ્મુ-કાશ્મીરે એક સપનું જોયું છે કે તેઓ નળનું પાણી ઘર-ઘર સુધી આપશે, આ બહુ મોટું સપનું છે. મને એ વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરની ટોળી આ કરીને રહેશે. અહિંની બ્યુરોક્રસી એને પણ હાંસલ કરીને રહેશે. આપણાં દેશમં બસ આપણે નિર્ધાર કરવાનો છે. આપણે ગરીબી સામે લડવાનું છે અને ગરીબી સામે લડવાનું રેવડી વહેંચવાથી નહી થાય. ગરીબને સશક્ત કરવાના હોય છે તેનું શસક્તીકરણ કરવાનું હોય છે. તેની અંદર ગરીબીમાંથી બહાર નિકળવાનો, એટલે કે એક પ્રકારે જુસ્સો ભરી દેવો પડે છે અને મને લાગે છે કે જો સ્વભાવ તેમાં પેદા કરી શકે છે તો તે કરશે. જ્યારે આપણે અવાજ આપીએ છીએ, શિક્ષણ આપીએ છીએ, આયુષ્માન ભારતથી આરોગ્યની વાત કરીએ છીએ તો ગરીબને પણ લાગે છે કે હવે મારા દિવસો આવી ગયા છે, હું આગળ વધી શકું છું. મારા મા-બાપે ગરીબીમાં જીવન ગુજાર્યું, હું મારા બાળકોને ગરીબીમાં જીવન વિતાવવા મજબૂર નહીં કરું. હું આ વાતાવરણ જોઈ રહ્યો છું અને જે દીશામાં ચાલી રહ્યા છીએ, ખૂબ જ ઝડપથી ગરીબી ઘટતી જશે. ગરીબીથી મુક્તિ મળતી જશે. અને એ દિવસ હશે જ્યારે આપણે લોકો આ જીવિત રહેતા આપણી આંખોથી જોયું હશે, કે દેશ ગરીબીથી મુક્ત થયો છે.

એન્કર – ધન્યવાદ, માનનીય, આજે દેશને બદલાયેલો જોઈને આજના જે યુવાનો છે તેઓ ખૂબ જ વધુ ઉત્સાહિત છે. માનનીય, અંકિતા છે જે ઉત્કલ વિશ્વ વિદ્યાલય ઓરિસ્સાથી છે જે આપને કંઈક કહેવા માગે છે.

પ્રશ્ન – માનનીય, પ્રધાનમંત્રી હું અંકિતા ઉત્કલ વિશ્વ વિદ્યાલય ઓરિસ્સાથી છું, આપણે ત્યાં હેરિટેજ સાઈટ્સ અને શાનદાર બીચ છે, ક્યારેક મારું મન કરે છે કે હું અહિં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કંઈક કરું, પરંતુ પછી મને કંઈ સમજાતું નથી. આપના અભિપ્રાયે આપણે કેવી રીતના શિક્ષણને પ્રવાસન સાથે જોડીને ઓરિસ્સા માટે કંઈક કરી શકીએ?

પ્રધાનમંત્રી – એક તો હું આપને અભિનંદન આપું છું કે આપના શિક્ષણનો એક પ્રભાવ જે હું જોઈ રહ્યો છું કે આપ ઓરિસ્સાની તાકાતને ઓળખો છો અને આપ તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એના પર વિચારી રહ્યાં છો, મારી સામે હું જોઈ રહ્યોછું કે, પંખો ચાલી રહ્યો છે. શ્રીનગર વાળાને અચરજ થતું હશે. એ વાત સાચી છે કે આપણાં દેશમાં પ્રવાસનની વ્યાપક તકો છે, પરંતુ આપણે પ્રવાસનના સબંધમાં કંઈક ઉદાસીનતા બતાવી છે. પ્રવાસનની પહેલી શરત હોય છે કે આપે આપની વસ્તુઓ પર ગર્વ કરતા શીખવું પડે છે. આપણી ટેવ બને કે આપણું તો બધું બેકાર નથી, એ કંઈ નથી, એ તો ઠીક છે, જો આપણે જ આપણને નહીં જોઈએ, તેનું ગર્વ નહીં કરીએ તો દુનિયા કેમ આવશે ભાઈ… આપે જોયું હશે દુનિયામાં જ્યાં પણ પ્રવાસન વધ્યું છે, એક નાનકડો થાંભલો પણ હશે તો ગાઈડ લઈને જઈને એવી એવી તેની કથા સંભળાવશે, એવું ગૌરવગાન કરશે કે આપણને લાગે છે કે આજ કંઈક છે અને આપણે… હા યાર બન્યું હશે… અરે છોડો યાર બધા પૈસા વેડફે છે… જુઓ દુનિયામાં સૌથી ઝડપી ગતિથી આગળ વધનારું જો અર્થતંત્રનું કોઈ ક્ષેત્ર છે તો એ પ્રવાસન છે. પ્રવાસનમાં અરબો ડોલરનો વ્યવસાય વધી રહ્યો છે અને વધવાનો છે. મને બરાબર યાદ છે કે હું ઘણાં વર્ષો પહેલાં અમેરિકન સરકારના નિમંત્રણ પર એક વખત યૂએસ ગયો હતો, તો તેઓ પૂછતા હતા, કે આપનો રસ શું છે. મેં જે લખીને મોકલ્યું ખબર નહીં, મારા જેવો માણસ પહેલાં મળ્યો નહીં હોય, મેં તેમને કહ્યું કે મને ગામડામાં જઈને આપને ત્યાં ખેતીની પ્રક્રિયા શું છે એ જોવી છે. બીજું મેં કહ્યું કે મને એકદમ ગામડાની કોઈ શાળા હોય તો જોવી છે. ત્રીજું મેં કહ્યું ગામની અંદર જે આરોગ્ય ક્ષેત્ર છે, બિલકુલ ગામનું જ્યાં નાની વસતી રહે છે તે મારે જોવી છે અને ચોથું મેં કહ્યું કે, અમેરિકાની સૌથી કોઈ પુરાતન વસ્તુ હોય જેના માટે અમેરિકા ગર્વ કરતું હોય તે મારે જોવી છે. હવે અમારે ત્યાં કોઈ ગલીમાં જાઓ તો એ જણાવશે કે આ તો બે હજાર વર્ષ જૂની છે, 3 હજાર વર્ષ જૂની છે. કેટલી મહાન પરંપરા છે આપણી પાસે. પરંતુ, પરંતુ આપણે આનો પ્રચાર જેવા ઉત્સાહથી કરવો જોઈએ એવો નથી કર્યો. પ્રવાસન ખૂબ જ રોજી રોટી આપે છે. હવે આપ જુઓ ઓરિસ્સામાં એટલી સમૃદ્ધિ છે કે ત્યાંના બીચ જુઓ, સ્થાપત્ય જુઓ, કોર્ણાક જોઈ લો, ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ તેમાં એક નવીનતા છે. તેને ખબર છે એ રચનાકારને આ 2000 વર્ષ જૂની છે. પોતાની રીતે આ ખૂબ જ અદભૂત વસ્તુ છે. આપણે પ્રવાસનને પ્રોત્સાહન આપવું જોઈએ. એ વાત સાચી છે કે છેલ્લાં કેટલાક સમયથી આપણાં દેશમાં પ્રવાસન ખૂબ જ વધ્યું છે. પહેલાં આશરે 70 હજાર પ્રવાસીઓ આવતા હતા, આ વર્ષે 1 કરોડ પ્રવાસીઓ આવ્યા છે, વિદેશથી પહેલાં 18 મિલિયન ડોલર, આ જે પ્રવાસીઓ આવતા હતા તેમની પાસેથી વિદેશી મુદ્રા મળતી હતી. તે હવે 27 મિલિયન પર પહોંચી છે. એટલે કે 50 ટકાની વૃદ્ધિ થઈ છે. તો પ્રવાસીઓ આવવા લાગ્યા છે ભારતનું આકર્ષણ વધ્યું છે. પરંતુ તેમા સ્વચ્છતાની ઘણી મોટી તાકાત જોવા મળી, નાગરિકોનો સ્વભાવ પણ પ્રવાસીઓનો સ્વીકાર કરવાવાળો છે અને આપ જે વિદ્યાર્થી મારી સાથે ભણી રહ્યા છો, ઓરિસ્સા જોડાવાનું છે, ટેક્નોલોજીથી જોડાવાનું છે. હું માનું છું કે ઉબેરની લાઈન પર આપ નવયુવાન એક બહુ મોટો વ્યવસાય શરૂ કરી શકો છો, પ્રવાસનનો ઉબેરની લાઈન પર. કયો પરિવાર ઘરે રોકાવા દેવા માગે છે તેના પર હોય, કોઈ પણ વ્યક્તિ એક એવી એપ બનાવી શકે છે કે જો તે ભારતમાં પ્રવાસન ઈચ્છી શકે છે તો પોતાના ઘરેથી નીકળીને પોતાના ઘરે પહોંચવા સુધી આપ ઉબેરની જેમ એક સંપૂર્ણ વ્યવસ્થા વિકસિત કરી શકો છો. આઉટસ્ટોર કરીને ક્રાઉડ સોર્સિંગ કરીને દુનિયાને જોડી શકો છે અને હું પડકાર આપું છું કે આજે નવયુવાનોને ઉબેરની જેમ દેશભરમાં કોણ હોમ સ્ટે આપનાર છે, આપ હોમ સ્ટે આપનારા હિંદુસ્તાનમાં આપને આજે જેટલા હોટલના રૂમ છે ને એનાથી દસ ગણાં રૂમ નવા મળી જશે. મેં હાલમાં બનારસમાં પ્રવાસી ભારતીય દિવસનો કાર્યક્રમ કર્યો હતો, હું કાશીનો એમપી છું, મેં લોકોને કહ્યું અને હું હેરાન હતો કે હજારોની સંખ્યામાં લોકો આગળ આવ્યા કે વિદેશના મહેમાનને અમે એક રૂમ આપીશું, અમારા ઘરમાં, હવે આ ધીરે-ધીરે કાશીના હોમ સ્ટેનો એક બહુ મોટો ધંધો વિકસીત થઈ જશે. તેમને આદત પડી ગઈ, આ હોમ સ્ટે આજે સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે. જો આપણે આવી ઉબેર જેવી એપ બનાવીને, એ વાતને હું ઈચ્છીશ કે મારી સામે આટલા બધા નવયુવાન છે, ટેક્નોલોજીની સાથે જોડાયેલા નવયુવાન છે, આવો આપ મેદાનમાં આવો, ઉબેર કરતા પણ આગળ જશો. એ હું આપને વિશ્વાસ અપાવું છું.

એન્કર – ધન્યવાદ માનનીય, પ્રધાનમંત્રીજી, માનનીય, પ્રધાનમંત્રીજી આપ ગુજરાતથી છો અને આ સમયે અમે ગુજરાત જ જઈ રહ્યા છીએ. એમ.એન. કોલેજ, ગુજરાતના વિજય કુમાર આપને કંઈક કહેવા માગે છે.

પ્રશ્ન – માનનીય, પ્રધાનમંત્રી શ્રી નમસ્કાર, હું વિજય કુમાર એમ.એન. કોલેજ, વિસનગર, ગુજરાતથી બોલી રહ્યો છું. સર જ્યારથી બજેટ આવ્યું છે ત્યારથી હું ચારે બાજુ ખેડૂતો અંગેની જે યોજના લાગુ કરાઈ છે તેની ચર્ચા સાંભળી રહ્યો છું, ખરેખર કોઈ વિચારી નથી શકતું કે ખેડૂતો અંગે આટલી મોટી યોજના લાગુ કરાશે અને સર મેં સાંભળ્યું પણ છે કે આપે પશ્ચિમ બંગાળમાં એમ કહ્યું કે આગામી દસ વર્ષમાં સરકાર આ માટે 7 લાખ 50 હજાર કરોડ રૂપિયા ખર્ચશે. સર મારો પ્રશ્ન એ છે કે સરકાર આટલા પૈસા લાવશે ક્યાંથી…? ધન્યવાદ.

પ્રધાનમંત્રી – આપ વિરોધ પક્ષના છાપા વાંચતા લાગો છો, વારુ, આપ મારા ગામના પાડોશી છો, મારું ગામ વડનગર છે, આપ વિસનગરના છો, એકદમ બાજુમાં જ છે. આપણા બન્નેનું ગામ છે ત્યાંથી જ આપ બોલી રહ્યા છો. મને ખુશી થઈ કે વિસનગરથી પોતાના ગામને પણ આજે તાજા કરી રહ્યા છે મોદી. એ વાત સાચી છે કે જે વિસ્તારના આપ છો ત્યાં ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી છે, પાણીની ખૂબ જ સમસ્યા છે, એક પ્રકારે દુકાળગ્રસ્ત વિસ્તાર છે અને ત્યાંથી જ આપ બોલી રહ્યા છો કેમકે હું ત્યાં જ જન્મ્યો છું તો મને ખબર છે. ખૂબ જ મુશ્કેલી વાળી એ જગ્યા છે. જુઓ આપણાં દેશમાં સંશાધનોની કોઈ અછત નથી. દુર્ભાગ્ય એ છે કે ભારતના એક પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે એક રૂપિયો નીકળે છે અને 15 પૈસા પહોંચે છે. સૌથી મોટું કારણ આ છે. બીજું જ્યારે આપ પાઈ-પાઈનો યોગ્ય ઉપયોગ કરો છો તો જે કરદાતા હોય છે તેમને પણ ઈમાનદારીથી ટેકસ ભરવાનું મન થાય છે. કેમ કે તે જુએ છે કે મારા પૈસાનો યોગ્ય ઉપયોગ થાય છે. આપ કલ્પના કરી શકો છો કે મેં દેશના લોકોને કહ્યું કે આપને ગેસની સબસિડીની જરૂર નથી તો છોડી દો ને, કોઈ કાયદો બનાવ્યો નહતો, માત્ર વિનંતી કરી હતી અને મારા દેશના સવા કરોડ ગરીબોને ગેસ પહોંચી ગયો. હવે કામ થઈ ગયું. આટલી તાકાત છે. મેં હાલમાં રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને રેલવે ટિકિટમાં કન્શેશન મળે છે, સબસિડી મળે છે, તો એવામાં મે કહ્યું ફોર્મમાં લખો તો ખરા કે હું સબસિડી જતી કરવા માગું છું, કોઈ અપીલ નથી કરી, મેં ક્યારેય અપીલ નથી કરી. કોઈ અખબારમાં પણ નથી છપાવડાવ્યું. જો ફોર્મ ભરીને મેં જોયું દેશમાં 42 લાખ એવા પેસેન્જર નીકળ્યા જેમણે સબસિડી છોડી દીધી. રેલવેને પૂરા પૈસા આપ્યા પોતાના પૈસા છોડી દીધા. પૈસા આવી રીતે આવે છે. જો એક વખત ઈમાનદારીનો માહોલ બને તો લોકો પૈસા આપવા તૈયાર હોય છે, પૈસાને લીધે કોઈ રૂકાવટ ક્યારેય નથી આવતી. આજે આપણે અનુભવ કરી રહ્યા છીએ કે દેશ ખૂબ જ તેજીથી 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ જઈ રહ્યો છે. અને હું આપને એક રહસ્ય જણાવી દઉં કે આપના જે મુખ્ય સચિવ છે તે ક્યારેક પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરતા હતા, પહેલાં તેઓ ડોક્ટર મનમોહનસિંહજીની સાથે કામ કરતા હતા. જ્યારે હું આવ્યો તો હું પણ તેમને છોડી રહ્યો નહતો, તેમણે મને એક દિવસ જણાવ્યું હતું કે સાહેબ આપ ભાષણ કરવા જઈ રહ્યા છો, આપ જ જણાવો આપણો દેશ 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનશે, બે વર્ષ પહેલાં તેમણે મને જણાવ્યું હતું. એ વિચાર મારા મનમાં, અને આજે હું જોઈ રહ્યો છું કે હિંદુસ્તાન 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનીને રહેશે, આપણી આંખોની સામે બનીને રહેશે અને તેથી પૈસાની કોઈ કમી હોતી નથી. સાચા ઉપયોગ અને આપે સાચું કહ્યું કે આવનારા દસ વર્ષોમાં જે યોજનાઓ અમે બજેટમાં કરી છે દસ વર્ષમાં સાડા 7 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખિસામાં જશે, જે કોઈ પણ પરિસ્થિતિમાં મુકાબલો કરવાની તાકાત કરનારો બની જશે અને મને વિશ્વાસ છે કે આ યોજનાથી દેશના ખેડૂતો એક આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. ધન્યવાદ….

એન્કર – બહુ-બહુ ધન્યવાદ પ્રધાનમંત્રીજી, આ સમયે ઘણાં બધા વિદ્યાર્થી આ કાર્યક્રમ સાથે જોડાયા છે અને આપને તેમણે સાંભળ્યા છે, સ્ક્રિન પર આપ જોઈ શકો છો. ખૂબ-ખૂબ ધન્યવાદ માનનીય, પ્રધાનમંત્રીજી, તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને તેમનો ઉત્સાહ વધારવા માટે તથા રાષ્ટ્રને નવી રોશની આપવા માટે, પોતાને દેશના પ્રધાન સેવક માનવાવાળા માનનીય, પ્રધાનમંત્રીજી દેશની સેવામાં ઓતપ્રોત છે.

પ્રધાનમંત્રીનું સંબોધન

જે નવ યુવાનો સાથે વાત કરવાની મને તક મળી. આજે આપ સૌનો આત્મવિશ્વાસ અને ભવિષ્ય પ્રત્યે આપની એક સકારાત્મકતાનો જે અનુભવ મને થયો, મારા માટે ઉત્સાહજનક છે, મારી ઊર્જા વધારનારો છે. હું સૌ પહેલાં તો આ પ્રશ્નકર્તા અને કાર્યક્રમમાં આવેલા દેશભરના નવયુવાનોનો આભાર માનું છું. દેશભરમાંથી જે સાથી જોડાયા છે તેમને ફરી જણાવી દઉં કે અહિં શ્રીનગરમાં તાપમાન ખૂબ જ નીચું છે. બની શકે છે કે રાત થતા-થતા માઈનસ થઈ જશે. તેમ છતાં અત્રે હાજર મારા યુવા સાથી અનેક કાશ્મીરી ભાઈ-બહેન હાજર છે. આ કાશ્મીરની જુસ્સાને બતાવે છે, કાશ્મીરીઓની ભાવનાને દર્શાવે છે.

મંચ પર બિરાજમાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ શ્રીમાન સતપાલ મલિક જી, મંત્રી મંડળના મારા સહયોગી ડો. જિતેન્દ્ર સિંહ, અહિં ઉપસ્થિત તમામ મારા ભાઈઓ અને બહેનોં.

સાથીઓ, આજે જ્યારે હું શ્રીનગર આવ્યો છું ત્યારે શહીદ નજીર અહેમદ વાણી સહિત એ સેંકડો વીરોને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું જેઓએ શાંતિ માટે રાષ્ટ્રની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. શહીદ નજીર અહેમદ વાણી તેમના આ અદમ્ય સાહસ અને વીરતા માટે કૃતજ્ઞ રાષ્ટ્રે અશોકચક્રથી સન્માનિત કર્યા છે. શહીદ વાણી જેવા યુવા જ જમ્મુ-કાશ્મીર અને દેશના દરેક નવયુવાનને દેશ માટે જીવવા અને દેશ માટે સમર્પિત થવાનો રસ્તો દેખાડે છે. હું જમ્મુ-કાશ્મીરના લાખો લોકોને અભિનંદન આપું છું. જેઓએ વર્ષો બાદ પંચાયતો અને શહેરી સત્તામંડળની ચૂંટણીઓ કરાવી અને પોતાના ઉમેદવારો ચૂંટ્યા.

લોકતંત્ર પ્રત્યે આપની આ નિષ્ઠા નફરતથી ભરેલા લોકો માટે એક બહુ મોટો સંદેશ છે. કેટલાક લોકો દ્વારા નકારાત્મકતા ફેલાવવાના પ્રયાસની વચ્ચે ધમકીઓથી બેપરવાહ આપ જે સંખ્યામાં મતદાન મથક સુધી પહોંચ્યા છો તે આપના પોતાના બાળકોના ભવિષ્ય, જમ્મુ અને કાશ્મીરના વિકાસની ભાવનાને વધુ મજબૂત કરે છે.

સાથીઓ, આજે મને આ આશરે 7 હજાર કરોડ રૂપિયાની યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ તમામ પ્રોજેક્ટ્સ શ્રીનગર અને આસપાસના વિસ્તારના લોકોના જીવનને આસાન બનાવવામાં મદદ કરવાના છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે જોડાયેલી આ પરિયોજનાઓ માટે આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન.

સાથીઓ, જેમકે આપે જોયું કે આજે શ્રીનગર દેશની શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા એક મોટા કાર્યક્રમની મહેરબાની કરી રહ્યું છે. આપમાંથી અનેક લોકોએ નોટિસ કરી હશે કે સાડા ચાર વર્ષ પહેલાં જેટલાં પણ મોટા કાર્યક્રમ લોન્ચ થતા હતા અથવા ફરી કેન્દ્ર સરકાર કોઈ યોજના શરૂ કરતી હતી, એ તમામ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થતી હતી. પરંતુ અમે જૂની સરકારોની સંસ્કૃતિને જ બદલી નાખી છે.

અમારી સરકારે આયુષ્માન ભારત યોજનાની શરૂઆત ઝારખંડથી કરી, ઉજ્જવલા યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરી, પ્રધાનનંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રીજીવન જ્યોતિ યોજના પશ્ચિમ બંગાળથી જઈને કરી, હેન્ડલૂમ સાથે જોડાયેલા રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત તામિલનાડુથી કરી, બેટી બચાઓ-બેટી પઢાઓની શરૂઆત હરિયાણાથી કરી, પોષણ અભિયાનની શરૂઆત રાજસ્થાન જઈને કરી.

હવે સમગ્ર દેશ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે આપણે બધા આજે શ્રીનગરમાં હાજર છીએ અને દેશભરના કાર્યક્રમનો શુભારંભ આજે હું શ્રીનગરની ધરતી પરથી કરી રહ્યો છું. આજે અહિં રાષ્ટ્રીય ઉચ્ચ સ્તર શિક્ષા અભિયાન એટલે કે રૂસાના બીજા ફેસ સાથે જોડાયેલા પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે, અહિંથી જ દેશભરના 70 નવી મોડેલ ડીગ્રી કોલેજ, 11 પ્રોફેશનલ કોલેજ, એક મહિલા યુનિવર્સિટી, 60થી વધુ ઉદ્યોગસાહસિકતા, ઇનોવેશન અને કેરિયર હબના શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા છે. એમાંથી અનેક સંસ્થાન અહિં જ જમ્મુ-કાશ્મીર માટે પણ છે.

સાથીઓ, આ દેખાય છે કે ન્યૂ ઇન્ડિયા કઈ દીશામાં ચાલી રહ્યું છે. નવા ભારતના નિર્માણ માટે આપણો રસ્તો કયો છે. રિસર્ચ, ઈનોવેશન, ઈન્ક્યુબેશન અથવા સ્ટાર્ટઅપ માટે એક નવું પ્રકૃતિ દેશમાં વિકસિત કરવામાં આવી છે. દેશભરની શાળાઓમાં બની રહેલી અટલ ટિકરિંગ લેબને, અટલ ઈન્ક્યુબેશન સેન્ટર્સને, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનનો અમારો સંકલ્પ વધુ સશક્ત બની રહ્યો છે. આ સશક્તીકરણનું સાક્ષી આપણું શ્રીનગર બની રહ્યું છે, જમ્મુ-કાશ્મીર બન્યું છે.

સાથીઓ, આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનની જ અસર છે કે આજે ભારત, ચીન અને અમેરિકા બાદ ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ રાષ્ટ્ર બની ગયું છે. વિતેલા ત્રણ-ચાર વર્ષોમાં 15 હજારથી વધુ સ્ટ્રાર્ટઅપ ઓળખી કાઢવામાં આવ્યા છે. એમાંથી પણ લગભગ 50 ટકા સ્ટાર્ટઅપ પ્રથમ તબક્કા અને બીજા તબક્કાનાં શહેરોમાં સ્થાપિત થઈ રહ્યા છે.

સાથીઓ, સ્ટાર્ટઅપની સાથો-સાથ દેશ તેમના ગ્રામીણ વિસ્તારોમાં ટેક્નોલોજીનો વિસ્તાર પણ અમારી પ્રાથમિકતામાં છે. આજે દેશભરમાં ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર ગ્રામીણોને ડિજિટલ સેવોઓ તો આપી જ રહ્યા છે, લાખો યુવાનોને રોજગાર સાથે પણ જોડી રહ્યા છે. આજે બાંદીપુરામાં રાજ્યનો પહેલો બીપીઓ પણ ખુલી ગયો છે એનાથી બાંદીપુરાના યુવાઓ માટે નવા અવસરના દ્વાર ખુલ્યા છે.

ભાઈઓ-બહેનો જેટલા પણ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન આજે કરાયા છે, એ દેશના એવા જિલ્લામાં શરૂ કરાઈ રહ્યા છે જે વિકાસની દોડમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. રૂસાના બીજા તબક્કામાં દેશના પોણા ચાર સો જિલ્લામાં ઉત્કૃષ્ટ શિક્ષણ સંસ્થાન તૈયાર કરાઈ રહી છે. અવસરોની સમાનતાની તરફ એક વધુ મોટું કદમ છે. મને વિશ્વાસ છે કે આ તમામ જિલ્લાના યુવાઓને જ્યારે પોતાના ઘર પાસે જ સારી સંસ્થાઓ મળી જશે તો પોતાની કુશળતાને વધુ નિખારી શકશે, પોતાના કૌશલ્યને વધુ વિકસાવી શકશે.

સાથીઓ, જ્યારે હું નવા ભારતના આત્મવિશ્વાસની વાત કરું છું તો તેની પાછળ એક નક્કર આધાર રહે છે. જમ્મુ-કાશ્મીરની બેટી નવ વર્ષની તજામુલ ઈસ્લામ જેવા દેશના અનેક સાથી છે જેઓ મુશ્કેલ હાલતમાં કંઈક કરવા માટે આગળ વધે છે.

કેન્દ્ર સરકાર આપ તમામ યુવા સાથીઓના આ ઉત્સાહ, આ ઉમંગને વધુ ઉડાન આપવા માગે છે. એના માટે ખેલો ઇન્ડિયા અભિયાન અંતર્ગત એક બહુ મોટો ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ દેશમાં ચાલી રહ્યો છે. નાના-નાના શહેરો, નગરોમાં સ્પોટર્સની બહેતરીન સુવિધાઓ તૈયાર કરાઈ રહી છે. અહિં જમ્મુ-કાશ્મીરના 22 જિલ્લામાં પણ મલ્ટિપર્પજ સ્પોટર્સ હોલ બનાવવાની યોજના શરૂ કરાઈ છે. આજે પણ ગાંદરબલમાં આવા જ એક ઈન્ડોર સ્ટેડિયમનું ઉદઘાટન કરાયું છે.

સાથીઓ, જમ્મુ-કાશ્મીરમાં વિતેલા 7-8 મહિનામાં વિકાસની ગતિને તેજ કરવાનો પ્રયાસ કરાયો છે. અહિંના સામાન્ય માનવીનું જીવન આસાન થાય તેના માટે અહિંનું તંત્ર જોતરાયું છે. મને જણાવાયું છે કે અનેક એવા પ્રોજેક્ટસ જે દસ-દસ, વીસ-વીસ વર્ષોથી અટકેલા હતા તે પણ હવે પૂરા કરવામાં આવ્યા છે. વિતેલા બે મહિનામાં સેંકડો ડૉક્ટરોની ભરતી હોય કે બારામુલાનો પુલ હોય, એવા અનેક પ્રોજેક્ટ પૂરા કરવામાં આવ્યા છે. હું જમ્મુ-કાશ્મીરના એક-એક નાગરિકને અભિનંદન આપું છું કે આપ તમામે ગત વર્ષે સપ્ટેમ્બરમાં નિર્ધારિત સમયથી પહેલાં જ રાજ્યને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરી દીધા છે. આપ અભિનંદનને પાત્ર છો. મને એ પણ જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરને દેશનું એવું પહેલું રાજ્ય બનવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે જ્યાં દરેક ગામ ગામ સુધી પાઈપથી પીવાનું પાણી ઉપલબ્ધ થશે, આ અત્યંત સરાહનીય પ્રયાસ છે.

સાથીઓ, અમારી સરકારમાં નિર્ધારિત સમય મર્યાદામાં લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઈમાનદાર પ્રયાસ કરવામાં આવે છે. આપ બધાને યાદ હશે કે લાલ કિલ્લાથી મેં એક હજાર દિવસની અંદર દેશના 18 હજારથી વધુ ગામો સુધી વીજળી પહોંચાડવા માટે એલાન કર્યું જે સ્વતંત્રતાના આટલા વર્ષો બાદ પણ અંધારામાં ગુજારો કરતા હતા. એ લક્ષ્યને સમયની મર્યાદામાં પૂરું કરી દેવાયું છે. એ પછી સૌભાગ્ય યોજનાના અંતર્ગત દેશના કરોડો પરિવારોને મફત વીજળી કનેક્શન આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. લગભગ અઢી કરોડ કનેક્શન આપી દેવામાં આવ્યા છે. અને ખૂબ જ જલદી બાકી ઘરોને પણ રોશન કરવામાં આવશે. મને ખુશી છે કે જમ્મુ-કાશ્મીરમાં પણ હવે મોટે ભાગે દરેક પરિવાર સુધી વીજળીનું કનેક્શન પહોંચી ગયું છે. એના માટે અહિંના લોકોને વીજળી વિભાગ સાથે જોડાયેલા દરેક કર્મચારીને, દરેક એન્જિનીયરને હદયપૂર્વક અભિનંદન આપું છું. રાજ્ય સરકારની પૂરી ટીમને અભિનંદન આપું છું.

સાથીઓ, જમ્મુ-કાશ્મીરમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવાની સાથો સાથ પર્યાપ્ત વીજળી આપવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે. લેહ, લાદાખ, કારગીલ હોય કે જમ્મુ હોય કે પછી હવે શ્રીનગર ત્રણેય જગ્યાઓ પર આજે વીજળી ઉત્પાદન અને પરિવહન સાથે જોડાયેલા અનેક મોટી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ એક જ દિવસમાં કરવાનો મને મોકો મળ્યો છે. અહિંની વીજળી જરૂરતોને જોતા આઝાદી બાદ પહેલી વખત આટલું વ્યાપક સ્તરે કામ થઈ રહ્યું છે. અમારી સરકારનો પ્રયાસ છે કે પહેલા જે ભારતના હકનું પાણી નક્કામું વહી જતું હતું, તેના એક એક ટીપાંનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરના હિતમાં કરવામાં આવે, આ વિચાર સાથે અનેક પાવર પ્રોજેક્ટસ અહિં શરૂ કરવામાં આવ્યા છે.

સાથીઓ, આ તમામ પ્રોજેક્ટ્સ દેશભરમાં ઈન્ફ્રાસ્ટ્રકચરને લઈને સરકારની પ્રાથમિકતાઓનું પરિણામ છે, રસ્તા હોય, વીજળી હોય, શિક્ષણ હોય કે પછી સ્વાસ્થ્યની મૂળ સુવિધાઓનાં નિર્માણમાં દેશ તેજીથી આગળ વધી રહ્યો છે. જમ્મુ-કાસ્મીરના આરોગ્ય માળખાને મજબૂત કરવા માટે જમ્મુ અને પુલવામામાં બનનારી બે એઇમ્સનું આજે જ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ બન્ને સંસ્થાઓથી રાજ્યના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે.

સાથીઓ, અમે આધુનિક હોસ્પિટલો તો બનાવી જ રહ્યા છીએ, દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારત-પીએમજેવાય પણ ચલાવી રહ્યા છીએ. દેશના ઇતિહાસમાં આટલી મોટી આરોગ્ય યોજના ગરીબો માટે પહેલાં ક્યારેય નથી આવી. આ યોજનાના અંતર્ગત ગરીબોનો દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર સુનિશ્ચિત થઇ છે. દેશના લગભગ 50 કરોડ ગરીબ બહેન ભાઈ આના દાયરામાં છે. જેમાંથી ત્રીસ લાખ લાભાર્થી જમ્મુ-કાશ્મીરના જ છે.

સાથીઓ, આયુષ્માન ભારત યોજનાને લીધે અત્યાર સુધીમાં દેશમાં 10 લાખથી વધુ ગરીબોની મફત સારવાર થઈ ચૂકી છે. હજુ તો આ યોજનાને માત્ર 100 દિવસ અત્યારે જ પૂર્ણ થયા છે. આટલા ઓછા સમયમાં 10 લાખ લોકોની મેજર સર્જરી તેમની મુસિબતમાં એક પ્રકારે જે બે-બે, ત્રણ-ત્રણ વર્ષથી મૃત્યની રાહ જોઈ રહ્યા હતા તેમને આજે નવું જીવન મળશે. આ યોજનાના અંતર્ગત દરરોજ દસ હજારથી વધુ આપણાં ગરીબ ભાઈ બહેન મફત સારવાર મેળવી રહ્યા છે. અને આ પચાસ કરોડ લોકો, આ દુનિયાની સૌથી મોટી યોજના છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકો તેમની જે કુલ વસતી છે તેનાથી વધુ લોકો માટે અમારી આયુષ્માન ભારત યોજના છે. તમે કલ્પના કરી શકો છો કે કેટલું મોટું કામ છે.

સાથીઓ, આયુષ્માન ભારત જેવી યોજના એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ સર્વોત્તમ ઉદાહરણ છે.કેમકે જમ્મુ-કાશ્મીરનો લાભાર્થી દેશમાં ક્યાંય પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. માની લો કે આપ અહિંથી મુંબઈ ગયા અને માંદગી આવી ગઈ, આપ અહિં જો રજિસ્ટર્ડ હો તો મુંબઈની હોસ્પિટલમાં પણ આપ વગર ખર્ચ કર્યે લાભ લઈ શકો છો. મુંબઈનો કોઈ અહિં શ્રીનગરની અંદર હરવા-ફરવા આવ્યો છે, કંઈક મુસિબત આવી તો તે અહિં લાભ લઈ શકે છે. સરકારે સંપૂર્ણ સુવિધા માટે વ્યવસ્થા બનાવેલી છે. સંસાધનોની ભાગીદારીની આ શક્તિ આપણાં દેશની સૌથી મોટી તાકાત છે. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં એક-બીજાને કામ આવી શકે, એ જ ભારતની આત્મા છે, એ જ કાશ્મીરની ભાવના છે.

સાથીઓ, આ જ કાશ્મીયરીતોની દૃઢતા છે કે હિંસાના સમયે જે કાશ્મીરી પંડિત ભાઈઓ અને બહેનોને અહિંથી પોતાના ઘર, પોતાની જમીન, પોતાના પૂર્વજોની યાદોને છોડીને જવું પડ્યું છે, તેમને પૂરા સન્માન સાથે અહિં વસાવવામાં આવે.

પ્રધાનમંત્રી વિકાસ પેકેજ દ્વારા અમે આના માટે પ્રયાસ કરી રહ્યા છીએ, રાજ્ય પ્રશાસને વૈસુ અને સેફપુરામાં ટ્રાંજિટ આવાસ બનાવવાનું શરુ કરી દીધું છે. આજે મને બાંદીપુરા અને ગાંદેરબલમાં ટ્રાન્ઝિટ આવાસની સુવિધાનો વિસ્તાર કરનારી યોજનાનો શિલાન્યાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ યોજના પણ પ્રધાનમંત્રી વિકાસ પેકેજનો જ ભાગ છે.

સાથીઓ, અહિં આશરે 7 સો ફ્લેટ બની ગયા બાદ વિસ્થાપિત પરિવારોને નવી છત મળશે. સરકારનો પ્રયાસ રહેશે કે જે પણ અહિં પાછા આવવા માગે છે તેમને પૂરી સુરક્ષા અને સમ્માનની સાથે અહિં જગ્યા મળે.

સાથીઓ, કાશ્મીરી વિસ્થાપિતોને રોજગારના અવસર આપવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે. વર્ષ 2015માં ઘોષિત પ્રધાનમંત્રી વિકાસ પેકેજના અંતર્ગત રાજ્ય પ્રશાસને ત્રણ હજાર નિયુક્તિઓની સ્વીકૃતિ આપી દીધી છે. મને વિશ્વાસ છે કે ઝડપથી આ ભરતીઓ થઈ જશે.

સાથીઓ, જેવો કે મેં શરૂમાં ઉલ્લેખ કર્યો કે જમ્મુ-કાશ્મીરના હીરો શહીદ નજીર અહેમદ વાણી, શહીદ મુહમ્મદ ઓરેંગજેબ અને તજામૂર હુસેન જેવા યુવાનો છે. જે શાંતિ અને દેશના બહેતર ભવિષ્ય માટે સમર્પિત રહ્યા છે. હીરો એ જ છે જે સપના પૂરા કરવા માટે જીવે છે, જે સૌથી મોટા કાયર છે, જે બીજાઓના સપનાઓને મારે છે આજે સમગ્ર દેશ નિર્દોષ, હથિયાર વગરના, કાશ્મીરી બાળકો, દીકરીઓની હત્યા જોઈને આક્રોશમાં છે માત્ર એટલે કે જે નવયુવાનો શાંતિ ઈચ્છે છે, જીવવા માગે છે તેમને આતંકવાદનો શિકાર બનાવાઈ રહ્યા છે. આ જ અહિંના આતંકવાદની સચ્ચાઈ છે. હું આજે આપને જમ્મુ-કાશ્મીરના નવયુવાનોને અને સમગ્ર દેશને વિશ્વાસ અપાવું છું કે આ આતંકનો પૂરી તાકાતથી મુકાબલો કરવામાં આવશે. દરેક આતંકીને જોરદાર જવાબ આપવામાં આવશે. સર્જિકલ સ્ટ્રાઈક કરીને અમે સમગ્ર દુનિયાને બતાવી ચૂક્યા છીએ કે હવે ભારતની નવી નીતિ અને નવી રીતિ શું હોય છે.

અમે જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદની કમર તોડીને જ જંપીશું. જમ્મુ-કાશ્મીરનો વિકાસ અહિંના લોકોનો વિકાસ એ અમારી પ્રાથમિકતા છે અને હંમેશા રહેશે, હું ફરી એક વખત આપ સૌને શિક્ષણ સાથે જોડાયેલી યોજનાઓના શુભારંભ માટેની ઈન્ફ્રાસ્ટ્રકચર પરિયોજનાઓ માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અને હું વિશ્વાસ અપાવું છું, અટલ બિહારી વાજપેયી જે સપનું જોતા હતા, તેઓએ આપણને વારસામાં જે કામ આપ્યું છે, તેમાં જરાયે પાછા નહીં ખસીએ. એ ભાવનાને અમે સાકાર કરીને બતાવીશું અને એના માટે ભલે લદાખ હોય, ભલે શ્રીનગર હોય, ભલે જમ્મુ હોય એક-એક નાગરિકને સાથે લઈને સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર લઈને અને એજ ખુશહાલ કાશ્મીર, શાંત કાશ્મીર, પૂરા હિંદુસ્તાનને આમંત્રણ આપનારું કાશ્મીર સુંદર વનરાજીઓમાં ખુશહાલીના દિવસ વાળું કાશ્મીર એ સપનાને પૂરા કરવા માટે જે પણ આવશ્યક છે તે પગલાં અમે લઈશું.

અમારો દરેક અહિંનો પરિવાર, અમારા દરેક અહિંના બાળક, તેમનું ઉજ્જવળ ભવિષ્ય, એ જ ભારતના ઉજ્જવળ ભવિષ્યનો જીવતો જાગતો સંબંધ છે. એ સંબંધોને જાળવી રાખતા અમે એ વાતને આગળ વધારવા માટે ભરપૂર પ્રયાસો કરતા રહીશું એ જ વિશ્વાસની સાથે હું આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

ધન્યવાદ.

 

RP