પીએમઇન્ડિયા

નમસ્તે,
શ્રીમાન રાષ્ટ્રપતિ,
વિશ્વ કલ્યાણની શરૂઆત જન કલ્યાણથી થતી હોય છે અને આરોગ્ય તેનું મહત્વપૂર્ણ એકમ છે. અને એટલા માટે જ આ વિષય ભારત માટે ખૂબ મોટી અગ્રતા ધરાવે છે.
આ વિષય પર અમે સમગ્રલક્ષી અભિગમ સાથે 4 સ્તંભ પર કામ કરી રહ્યા છીએ.
પ્રથમ સ્તંભ છે – પ્રિવેન્ટીવ હેલ્થ કેર, એટલે કે રોગ થતો અટકાવવાની કામગીરી. અમે યોગ, આયુર્વેદ અને ફિટનેસ પર વિશેષ ઝોક દાખવી રહ્યા છીએ. અમે સવા લાખથી વધુ વેલનેસ સેન્ટરની સ્થાપના કરી છે.
તેનાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ડિપ્રેશન વગેરે જીવનશૈલીને લગતા રોગોના નિયંત્રણમાં સહાય થાય છે. ઈ-સિગારેટનું વધતું જતું આકર્ષણ ચિંતાનો વિષય છે. ભારતની યુવા પેઢીને એના સંકટમાંથી બચાવવા માટે અમે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મુકી દીધો છે.
અમારા સ્વચ્છ ભારત અભિયાનને કારણે લાખો લોકોના જીવન બચાવવામાં યોગદાન પ્રાપ્ત થયું છે. અમે રસીકરણ પર પણ વધુ ઝોક દાખવી રહ્યા છીએ. નવી રસીઓને આ યોજનામાં જોડવાની સાથે સાથે દૂર દૂરના અંતરિયાળ વિસ્તારોમાં તેને પહોંચવાની બાબતમાં પણ સુધારો થયો છે.
બીજો સ્તંભ છે – પરવડે તેવી આરોગ્ય સેવા. અમે વિશ્વની સૌથી મોટી આરોગ્ય બાંહેધરી યોજના આયુષ્યમાન ભારત શરૂ કરી છે. આ યોજના હેઠળ દર વર્ષે 500 મિલિયન ગરીબોને રૂ. 5 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. ગયા વર્ષે 4.5 મિલિયન લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો.
અમે પાંચ હજારથી વધુ ખાસ ફાર્મસી શરૂ કરી છે, જ્યાં 800થી વધુ મહત્વની દવાઓ પરવડે તેવી કિંમતે પૂરી પાડવામાં આવી રહી છે. હૃદયના સ્ટેન્ટની કિંમત 80 ટકા સુધી અને ઘૂંટણના ઈમ્પલાન્ટની કિંમતમાં 50-70 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. કિડનીની સમસ્યાથી પિડાતા લાખો લોકોને ભારતમાં વિના મૂલ્યે ડાયાલિસીસની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
ત્રીજો સ્તંભ છે – પુરવઠાનું સ્તર સુધારવાનો અને તેના માટે અમે ભારતમાં ગુણવત્તા સુધારવા માળખાગત તબીબી શિક્ષણ સુવિધાઓ ઉભી કરવાના ઘણાં ઐતિહાસિક કદમ ઉઠાવ્યાં છે. બીજા ક્ષેત્રો માટે પણ અમે મૂળભૂત સુધારાઓ કર્યા છે.
ચોથો સ્તંભ છે – મિશન મોડ ઈન્ટર્વેન્શનનો. જો માતા અને બાળકો સ્વસ્થ હોય તો સમગ્ર સમાજ સ્વસ્થ બને તે માટેનો પાયો ઉભો કરી શકાય છે અને એટલા માટે જ અમે મિશન મોડ પર રાષ્ટ્રીય પોષણ અભિયાન જેવી પહેલ હાથ ધરી છે.
સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યમાં ટીબીને વર્ષ 2030 સુધી ખતમ કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ભારતમાં અમે મિશન મોડમાં આ લક્ષ્યને 2025 સુધીમાં હાંસલ કરવાની નેમ રાખી છે અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું. વાયુ પ્રદુષણને કારણે જાનવરોમાં થતી બિમારીઓ અને તે પછી મનુષ્યમાં ફેલાતી તે બિમારીઓ વિરૂદ્ધ પણ અમે અભિયાન શરૂ કર્યું છે.
મહાનુભાવો,
સ્વાસ્થ્યનો ઉદ્દેશ માત્ર રોગમુક્તિ હોતો નથી. સ્વસ્થ જીવન પણ દરેક વ્યક્તિનો અધિકાર છે. તેના માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરવાની અમારી સરકારની જવાબદારી છે અને ભારતના આ પ્રયાસો માત્ર ભારતની સીમાઓ સુધી જ સિમીત રહ્યા નથી. અમે ઘણાં દેશોને અને ખાસ કરીને આફ્રિકાના દેશોમાં ટેલિ-મેડિસીન મારફતે પરવડે તેવી આરોગ્ય સેવાઓની પ્રાપ્તિ વધારવામાં સહયોગ આપ્યો છે અને હવે પછી પણ આપતાં રહીશું. અમારો અનુભવ અને અમારી ક્ષમતાઓ તમામ વિકાસશીલ દેશો માટે ઉપલબ્ધ છે.
મહાનુભાવો,
સર્વે ભવન્તુ સુખીનઃ સર્વે સન્તુ નિરામયાઃ ની ભાવના કે જેનો અર્થ થાય છે કે તમામ લોકો સુખી થાવ, તમામ લોકોનું આરોગ્ય સારૂં રહે. આ ભાવના સાથે હું મારી વાત અહિં સમાપ્ત કરૂં છું.
ખૂબ ખૂબ ધન્યવાદ…!
RP
At the @UN, PM @narendramodi also addressed a session on Universal Health Coverage. pic.twitter.com/pn6iI4erjK
— PMO India (@PMOIndia) September 23, 2019
My remarks on health sector and ensuring good quality healthcare to all. https://t.co/KVF24n9rum
— Narendra Modi (@narendramodi) September 23, 2019