Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સીએનએનના ફરીદ ઝકરિયાને પ્રધાનમંત્રીએ આપેલા ઇન્ટરવ્યૂનું ગુજરાતી ભાષાંતર


  1. ફરીદ ઝકરિયા: તમારી ચૂંટણી પછી લોકો ફરી એક પ્રશ્ન પૂછવા લાગ્યા છે જે છેલ્લા બે દાયકાથી ઘણી વખત પૂછવામાં આવે છે, તે એ છે કે શું ભારત આગામી ચીન બનશે? શું ભારત દર વર્ષે 8-9%ના દરે સતત વૃદ્ધિ કરી શકશે અને પોતાની જાતને બદલી શકશે અને એ રીતે વિશ્વને બદલી શકશે?

પ્રધાનમંત્રી: ભારતને બીજા કોઈ જેવું બનવાની જરૂર નથી. ભારત માત્ર ભારત જ બનવું જોઈએ. આ એક એવો દેશ છે જેને એક સમયે ‘સોનેરી પક્ષી’ કહેવામાં આવતો હતો. આપણે પહેલા જ્યાં હતા ત્યાંથી નીચે પડી ગયા છીએ. પરંતુ હવે આપણી પાસે ફરીથી ઉપર ઉઠવાની તક છે. જો તમે છેલ્લી પાંચથી દસ સદીઓની વિગતો જોશો, તો તમને દેખાશે કે ભારત અને ચીન એક સમાન ગતિએ જ વિકાસ પામ્યા છે. વૈશ્વિક જીડીપીમાં તેમનું યોગદાન સમાંતર રીતે વધ્યું છે અને સમાંતર રીતે ઘટ્યું છે. આજનો યુગ ફરી એકવાર એશિયાનો છે. ભારત અને ચીન બંને સાથે મળીને ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એટલા માટે ભારતે ભારત જ રહેવાની જરૂર છે.

  1. ફરીદ ઝકરિયા: પરંતુ મને લાગે છે કે લોકો હજુ પણ એ બાબતે વિચારે છે કે શું ભારત એવો 8 અને 9% વિકાસ દર હાંસલ કરી શકશે કે જે ચીને છેલ્લા 30 વર્ષથી સતત કર્યો છે અને ભારતે તે માત્ર ટૂંકા ગાળા માટે જ કર્યો છે?

પ્રધાનમંત્રી: મારું સંપૂર્ણપણે માનવું છે કે ભારતીયોમાં અમર્યાદિત પ્રતિભા છે. મને આપણી ક્ષમતાઓ પર કોઈ શંકા નથી. મને આપણા 1.25 અબજ લોકોના ઉદ્યોગસાહસિક સ્વભાવ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે.  લોકોમાં ક્ષમતા ઘણી છે. અને તેને સંચાલિત કરવા માટે મારી પાસે એક સ્પષ્ટ માર્ગ નકશો છે.

  1. ફરીદ ઝકરિયા: છેલ્લા બે વર્ષમાં પૂર્વ ચીનના સમુદ્રો અને દક્ષિણ ચીનના સમુદ્રોમાં ચીનના વર્તનથી તેના ઘણા પડોશીઓ ચિંતિત છે. ફિલિપાઇન્સ અને વિયેતનામની સરકારોના વડાઓએ આ અંગે ચિંતા દર્શાવતા ખૂબ જ તીક્ષ્ણ નિવેદનો આપ્યા છે. શું તમને આ બાબતે કોઈ ચિંતા છે?

પ્રધાનમંત્રી: ભારત અન્યો કરતા અલગ છે. તે 1.25 અબજ લોકોનો દેશ છે. જો આપણે દરેક નાની-નાની વાતની ચિંતા કરવા લાગી જઈએ તો આપણે આપણો દેશ ચલાવી નહિ શકીએ. આ સાથે જ, આપણે સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન પણ ના કરી શકીએ. એટલા માટે જ ભારત કહે છે કે આપણે હવે એક અલગ યુગમાં છીએ. આપણે અઢારમી સદીમાં નથી જીવી રહ્યા. ચીન પણ પ્રાચીન સાંસ્કૃતિક વારસો ધરાવતો એક દેશ છે. જરા જુઓ કે તેણે આર્થિક વિકાસ પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ભાગ્યે જ એવા દેશની નિશાની છે જે અલગ થવા માંગે છે. તે જોડાયેલ રહેવા માંગે છે. એટલા માટે આપણે ચીનની સમજણ શક્તિ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને એ બાબત ઉપર પણ વિશ્વાસ રાખવો જોઈએ કે તે વૈશ્વિક કાયદાઓને સ્વીકારશે અને આગળ વધવા માટે  તેમજ  સહકાર સાધવા માટે પોતાની ભૂમિકા નિભાવશે.

  1. ફરીદ ઝકરિયા: શું તમે ચીન સામે જુઓ છો અને એવો અનુભવ કરો છો કે તે અત્યંત ઝડપથી વિકાસ પામ્યું છે કારણ કે માનવ ઇતિહાસમાં વિકાસ પામેલી તે સૌથી ઝડપી અર્થવ્યવસ્થા છે અને કારણ કે તે એક સરમુખત્યારશાહીની સરકાર છે એટલા માટે સરકાર પાસે મોટા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની અને રોકાણો માટે પ્રોત્સાહકોનું નિર્માણ કરવાની સત્તા છે.  શું તમે એ દિશામાં નજર કરો છો અને શું તમને લાગે છે કે તમે પણ, કારણ કે લોકશાહીની એક કિંમત હોય છે, કારણ કે તમારે ચીજવસ્તુઓ થોડી ધીમે ધીમે કરવાની હોય છે.

પ્રધાનમંત્રી: જો ચીન એક ઉદાહરણ છે, તો લોકશાહી દેશો બીજું ઉદાહરણ પૂરું પાડે છે. તેઓ પણ ઝડપથી વિકાસ પામ્યા છે. તમે એવું ના કહી શકો કે લોકશાહીના કારણે વિકાસ શક્ય નથી. લોકશાહી એ આપણી પ્રતિબદ્ધતા છે. તે આપણો મહાન વારસો છે, એક એવો વારસો કે જેની સાથે આપણે ક્યારેય સમાધાન ના કરી શકીએ. લોકશાહી આપણા લોહીમાં છે.

  1. ફરીદ ઝકરિયા: તો શું તમે ચીનની સરકાર પાસે ઉપલબ્ધ સત્તા સામે જોઈને એવું વિચારતા નથી કે કાશ તમારી પાસે પણ આમાંની કોઈ સત્તા હોય.

પ્રધાનમંત્રી: જુઓ, મેં લોકશાહીની તાકાત જોયેલી છે. જો લોકશાહી ન હોત તો મારા જેવો કોઈ વ્યક્તિ, મોદી, ગરીબ પરિવારમાં જન્મેલો એક બાળક અહીં કેવી રીતે બેઠો હોત? આ જ લોકશાહીની તાકાત છે.

  1. ફરીદ ઝકરિયા: અમેરિકા અને ભારતમાં એવા ઘણા લોકો છે કે જેઓ ઈચ્છે છે કે યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત વધુ નજીકના સાથી બને. વિશ્વની સૌથી જૂની લોકશાહી, વિશ્વની સૌથી મોટી લોકશાહી, પરંતુ કોઈક કારણસર આવું ક્યારેય બન્યું નથી અને બંને વચ્ચે આ ઘર્ષણ અને મુશ્કેલીઓ હંમેશા રહી છે. શું તમને લાગે છે કે અમેરિકા અને ભારત માટે સાચા અર્થમાં વ્યૂહાત્મક જોડાણ વિકસાવવું શક્ય છે?

પ્રધાનમંત્રી: મારી પાસે એક જ શબ્દનો જવાબ છે: હા. અને હું ખૂબ જ આત્મવિશ્વાસ સાથે “હા” કહું છું. જુઓ હું તમને સમજાવું. ભારત અને અમેરિકા વચ્ચે ઘણી સામ્યતાઓ છે. જો તમે છેલ્લી કેટલીક સદીઓ પર નજર કરો તો બે બાબતો ધ્યાનમાં આવે છે. અમેરિકાએ દુનિયાભરના લોકોનો સ્વીકાર કર્યો છે… અને દુનિયાના દરેક ભાગમાં એક ભારતીય પણ છે. આ બંને સમાજની લાક્ષણિકતા દર્શાવે છે. ભારતીયો અને અમેરિકનો તેમના કુદરતી સ્વભાવમાં સહઅસ્તિત્વ ધરાવે છે. હવે, હા, ચોક્કસ, છેલ્લી સદીમાં આપણા સંબંધોમાં કેટલાક ઉતાર-ચઢાવ જરૂરથી આવ્યા છે. પરંતુ 20મી સદીના અંતથી લઈને 21મી સદીના પ્રથમ દાયકા સુધી એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આપણા પારસ્પરિક સંબંધો ગાઢ થયા છે. ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઈતિહાસ અને સંસ્કૃતિ દ્વારા એકબીજા સાથે જોડાયા છે. આ સંબંધો વધુ ગાઢ બનશે.

  1. ફરીદ ઝકરિયાઃ ઓબામા વહીવટીતંત્ર સાથેના તમારા સંપર્કમાં અત્યાર સુધી કેટલાય કેબિનેટ મંત્રીઓ અહીં આવી ચુક્યા છે. શું તમને લાગે છે કે વોશિંગ્ટન તરફથી ભારત સાથેના સંબંધોને નોંધપાત્ર રીતે સુધારવાનો પ્રયાસ કરવાની સાચે જ ઈચ્છા છે?

પ્રધાનમંત્રી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને માત્ર દિલ્હી અને વોશિંગ્ટનની સીમા રેખાની અંદર જ ન જોવા જોઈએ. તે ઘણો મોટો વ્યાપ ધરાવે છે. સારી વાત એ છે કે દિલ્હી અને વોશિંગ્ટન બંનેનો મિજાજ આ સમજણ સાથે સુસંગત છે. બંને પક્ષોએ આમાં ભૂમિકા ભજવી છે.

  1. ફરીદ ઝકરિયા: યુક્રેનમાં રશિયાની કાર્યવાહીના સંદર્ભમાં ભારત ખાસ સક્રિય રહ્યું નથી. શું તમે, તમે રશિયાના ક્રિમીઆ સાથેના જોડાણને કેવી રીતે જુઓ છો.

પ્રધાનમંત્રી: સૌથી પહેલા તો ત્યાં જે કંઈ પણ થયું, વિમાન અકસ્માતમાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. તે ખૂબ જ દુઃખદ છે. આ યુગમાં માનવતા માટે આ સારી બાબતો નથી. અમે હંમેશા આ વિચારો વ્યક્ત કર્યા છે. ભારતમાં એક કહેવત છે કે જે વ્યક્તિએ કોઈપણ પાપ ના કર્યું હોય તે વ્યક્તિ પહેલો પથ્થર ફેંકે. વર્તમાન સમયમાં વિશ્વમાં ઘણા બધા લોકો સલાહ આપવા માંગે છે. પરંતુ તેમની અંદર જુઓ, અને તેમણે પણ કોઈક રીતે પાપ કર્યું છે. આખરે, ભારતનો દૃષ્ટિકોણ એ છે કે સાથે બેસીને વાતચીત કરવા અને ચાલુ પ્રક્રિયામાં સમસ્યાઓ ઉકેલવા માટે પ્રયત્નો કરવાની જરૂર છે.

  1. ફરીદ ઝકરિયાઃ એક એવું ક્ષેત્ર જેને લઈને ભારત વિશ્વ પટલ પર આવ્યું છે અથવા લોકોએ તેના વિષે વાંચ્યું અને સાંભળ્યું છે અને જે દુર્ભાગ્યપૂર્ણ છે તે છે મહિલાઓ સામે થતી હિંસા. તે દુષ્કર્મનો મુદ્દો છે. તમને એવું કેમ લાગે છે કે ભારતમાં આ સમસ્યા છે, એવું લાગે છે કે ભારતમાં મહિલાઓ સામે સતત ભેદભાવ અને હિંસાની આ સમસ્યા છે અને તમને શું લાગે છે કે આ બાબત વિશે શું કરી શકાય?

પ્રધાનમંત્રી: જુઓ, અમારે રાજકીય પંડિતોએ આ સમસ્યાનું મૂળ કારણ શોધવાની ગાંઠોમાં પોતાની જાતને ગૂંચવી નાખવી ના જોઈએ.  રાજકીય પંડિતોના નિવેદનોથી ઘણું વધુ નુકસાન થઇ ચૂક્યું છે. મહિલાઓનું સન્માન એ આપણી સામૂહિક જવાબદારી છે. આ બાબતે કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. આ બાબતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ ધોવાણ ન થવું જોઈએ. આપણે એવી કૌટુંબિક સંસ્કૃતિને પુનર્જીવિત કરવી પડશે જેમાં સ્ત્રીને સન્માન આપવામાં આવે છે અને સમાન ગણવામાં આવે છે, તેના ગૌરવને પ્રોત્સાહન આપવામાં આવે છે. અહીં મુખ્ય વસ્તુ કન્યા કેળવણીની છે. આમ કરવાથી સશક્તિકરણની શક્યતા વધશે. 15 ઓગસ્ટના રોજ, મારી સરકારે એક ચળવળને આગળ ધપાવી: દીકરીને શિક્ષિત કરો, દીકરી બચાવો.

  1. ફરીદ ઝકરિયા: અલ કાયદાના વડા અયમાન-અલ-ઝવાહિરીએ ભારતમાં અલ કાયદાનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવા માટે એક વીડિયો અને અપીલ જારી કરી છે. આમ તો તે દક્ષિણ એશિયામાં કહે છે પરંતુ તેનો ઈશારો ખરેખર ભારત તરફનો હતો અને તે કહે છે કે તે મુસ્લિમોને ગુજરાતમાં, કાશ્મીરમાં તેઓ જે જુલમનો સામનો કરી રહ્યા છે તેમાંથી મુક્ત કરવા માંગે છે. શું તમને લાગે છે, શું તમને એ બાબતની ચિંતા છે કે આ પ્રકારનું જો કંઈ સફળ થશે તો?

પ્રધાનમંત્રી: આ અંગે મારી સમજણ એ છે કે તેઓ આપણા દેશના મુસ્લિમો સાથે અન્યાય કરી રહ્યા છે. જો કોઈને એવું લાગે છે કે ભારતીય મુસ્લિમો તેમની ધૂન પર નાચશે, તો તેઓ ભ્રમિત છે. ભારતીય મુસ્લિમો ભારત માટે જીવશે. તેઓ ભારત માટે મરશે. તેઓ ભારત માટે કંઈ ખરાબ ઈચ્છશે નહીં.

  1. ફરીદ ઝકરિયા: તમને એવું કેમ લાગે છે કે આ એક અદ્વિતીય બાબત છે કે તમારી પાસે 170 મિલિયન મુસ્લિમો છે અને તેમાંથી અલ-કાયદાના લગભગ ઓછા અથવા બહુ ઓછા સભ્યો છે. ભલે અલ-કાયદા અફઘાનિસ્તાનમાં છે અને અલબત્ત ઘણા પાકિસ્તાનમાં પણ છે. એવું તો શું છે કે જેણે આ સમુદાયને સંવેદનશીલ નથી બનાવ્યો?

પ્રધાનમંત્રી: સૌ પ્રથમ, તો આના પર મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક વિશ્લેષણ કરવાનો મને કોઈ અધિકાર નથી … પરંતુ પ્રશ્ન એ છે કે વિશ્વમાં માનવતાનો બચાવ થવો જોઈએ કે નહીં? માનવતામાં માનનારાઓએ એક થવું જોઈએ કે નહીં? આ માનવતા સામેનું એક સંકટ છે, એક દેશ કે એક જાતિ સામેનું સંકટ નથી. તેથી આપણે આને માનવતા અને અમાનવીયતા વચ્ચેની લડાઈ તરીકે જોવું પડશે. બસ બીજું કઈં નહિ.

  1. ફરીદ ઝકરિયા: જ્યારે તમે આજથી એક બે વર્ષ પછીના સમયમાં જુઓ તો, જેમ કે અત્યારથી એક વર્ષ પછી તો લોકો તમારા વિષે શું કહેશે એ તમને ગમશે કે તમે તમારા કાર્યકાળના એક વર્ષની અંદર શું હાંસલ કર્યું છે?

પ્રધાનમંત્રી: જુઓ સૌથી મોટી વાત એ છે કે દેશની જનતાને વિશ્વાસ છે. એ વિશ્વાસ ક્યારેય તૂટવો ન જોઈએ. જનતાને એ વિશ્વાસ હોવો જોઈએ કે આ તેમણે ચૂંટેલી સરકાર છે અને તે પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા સાથે તેમના કલ્યાણ માટે કામ કરવાનો પ્રયાસ કરી રહી છે. એ સૌથી મોટી વાત છે. જો હું મારા ભાષણોથી નહીં, પરંતુ કાર્યોથી ભારતના લોકોનો વિશ્વાસ જીતી શકું, તો 1.25 અબજ ભારતીયોની શક્તિ દેશને આગળ લઈ જવા માટે એકસાથે આવશે.

  1. ફરીદ ઝકરિયા: તમે આરામ કેવી રીતે કરો છો? જ્યારે તમે કામ ન કરતા હો ત્યારે તમને શું કરવામાં આનંદ આવે છે?

પ્રધાનમંત્રી: જુઓ, હું “કામ ના કરવાવાળા” પ્રકારનો માણસ નથી. મને મારા કામમાંથી આનંદ મળે છે. કામ મને આરામ પણ આપે છે. તે દરેક ક્ષણે જયારે હું કંઈક નવું વિચારું છું: નવી યોજના બનાવું છું, કામ કરવાની નવી રીતો અપનાવું છું. જે રીતે એક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં લાંબા કલાકો સુધી કામ કરીને આનંદ મેળવે છે, તે જ રીતે હું શાસનમાં, નવી વસ્તુઓ કરવામાં અને લોકોને એક સાથે લાવવામાં આનંદનો અનુભવ કરું છું. એ આનંદ મારા માટે પૂરતો છે.

  1.  ફરીદ ઝકરિયા: શું તમે ધ્યાન કરો છો? શું તમે યોગ કરો છો?

પ્રધાનમંત્રી: હું ભાગ્યશાળી છું કે મારો નાની ઉંમરમાં જ યોગ અને પ્રાણાયામની દુનિયા સાથે પરિચય થયો છે. તે મારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. હું હંમેશા દરેકને સલાહ આપું છું કે તેઓ આને પોતાના જીવનનો એક ભાગ બનાવે.

  1. ફરીદ ઝકરિયા: તમે યોગના ફાયદા વિશે ઘણું લાંબુ ભાષણ આપ્યું હતું. જરા વિસ્તારથી સમજાવશો કે તમારી માટે તે શું છે?

પ્રધાનમંત્રી: કેટલીકવાર, આપણે જોઈએ છીએ કે આપણું મન એક વસ્તુ પર કામ કરે છે, શરીર બીજી વસ્તુ પર, અને તેના લીધે સમય આપણને સંઘર્ષમાં લાવે છે. યોગ હૃદય, મન અને શરીરનો સુમેળ સાધે છે. તે યોગ છે.