Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન પ્રધાનમંત્રીનો વિવિધ મુદ્દાઓ પર અભિપ્રાય

સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન પ્રધાનમંત્રીનો વિવિધ મુદ્દાઓ પર અભિપ્રાય


આબોહવા પર

પોતાના પ્રારંભિક સંબોધનને યાદ કરતા પ્રધાનમંત્રીએ સરળતાપૂર્વક નવા ભારત માટેના વિઝન અને 5,000 વર્ષ અગાઉ લખાયેલા વેદો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વેદોમાં પ્રકૃતિનો વિવેકબુદ્ધિ સાથે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, પણ તેનું શોષણ કે અતિશય ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી નથી.

તેમણે જણાવ્યું હતું કે, તેમને ત્રણ દિવસ અગાઉ જર્મનીના આ પ્રશ્ર પૂછવામાં આવ્યો હતો અને એ સમયે તેમણે કહ્યું હતું કે પેરિસ સમજૂતી હોય કે ન હોય, ભારતની પરંપરા આગામી પેઢીઓને વધુ સ્વસ્થ પૃથ્વી સુપરત કરવાની છે. ભારતની પરંપરા આપણા બાળકોને સ્વચ્છ હવા સાથે પૃથ્વીની ભેટ ધરવાની છે, જેથી તેઓ પણ સારી રીતે જીવન જીવી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સમસ્યા અમારી કે તમારી નથી, પણ આગામી પેઢીના ભવિષ્યનું જોખમ દૂર કરવાની અને ઉજ્જવળ બનાવવા સાથે સંબંધિત છે.

ભારતના રશિયા સાથેના સંબંધ અને ચીન અંગે

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, થોડા દાયકા અગાઉ દુનિયા દ્વિધ્રુવીય હતી, પણ અત્યારે એવું નથી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણે વૈશ્વિક સંબંધોની ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણે સમજવું પડશે કે આખી દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર છે. તેમણે કહ્યું હતું કે, દરેક દેશ એક યા બીજી રીતે અન્ય દેશ સાથે જોડાયેલ છે, તથા કોઈ મુદ્દાઓ પર મતભેદો હોઈ શકે છે તો સહકાર પણ સ્થાપિત થઈ શકે છે.

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો મજબૂત એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આખી દુનિયાએ સેન્ટ પીટર્સબર્ગ જાહેરનામાનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો પડશે, જેથી આ સંબંધને સમજી શકશે અને આપણે કેવી રીતે આગળ વધી રહ્યા છીએ એ જોઈ શકશે.

ચીન સાથેના સંબંધો પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચોક્કસ, બંને દેશો વચ્ચે સરહદ સાથે સંબંધિત વિવાદ છે, પણ છેલ્લાં 40 વર્ષથી એક પણ ગોળીબાર થયો નથી. અમારી વચ્ચે આર્થિક સંબંધોનું વિસ્તરણ થઈ રહ્યું છે તેવું તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ બે દેશો વચ્ચેનો સંબંધ ત્રીજા પરિમાણમાંથી ન જોવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, બ્રિક્સમાં તમામ સભ્યો દેશો એકબીજા સાથે સંયુક્તપણે કામ કરે છે. આ સંદર્ભમાં તેમણે બ્રિક્સ બેંકનું ઉદાહરણ આપ્યું હતું. ભારત સબ કા સાથ, સબ કા વિકાસના મંત્રમાં માને છે તેવું ઉમેરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે વિકાસના માર્ગે દરેકને સાથે લેવા ઇચ્છીએ છીએ.

આતંકવાદ પર

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 1980 અને 1990ના દાયકામાં વિશ્વને આતંકવાદ અને તેના જોખમનો સંપૂર્ણ પરિચય નહોતો. તેમણે કહ્યું હતું કે, ભારત છેલ્લાં 40 વર્ષથી સરહદ પારના આતંકવાદથી પીડિત છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા 9/11ના હુમલા પછી વિશ્વને આતંકવાદની ભયાનકતા સમજાઈ હતી અને હકીકત એ છે કે, આતંકવાદને કોઈ સીમાડા નડતા નથી, તે સર્વવ્યાપી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આતંકવાદ સામે વિશ્વને બચાવવા અત્યારે તમામ માનવીય પરિબળોએ એક થવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી સંયુક્ત રાષ્ટ્ર આતંકવાદની પરિભાષા પર સંમતિ સાધી શક્યું નથી. તેમણે ગઈકાલે પ્રમુખ પુટિનના સહકારને આવકારતા કહ્યું હતંટ કે, પુટિને સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપી છે.

આતંકવાદીઓ શસ્ત્રોનું ઉત્પાદન કરતા નથી કે ચલણી નોટો છાપતા નથી એવું જણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આતંકવાદીઓ આ ચીજવસ્તુઓ ચોક્કસ દેશો પાસેથી મેળવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આખી દુનિયાને અહેસાસ થવો જોઈએ કે આ સમસ્યા સંપૂર્ણ માનવજાત પર જોખમકારક છે અને પછી જ આપણે તેનો સામનો કરી શકીશું.

વૈશ્વિક વેપાર પર

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ઉદાર કે મુક્ત અર્થતંત્રમાં માને છે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક વેપારમાં તમામ દેશોએ એકબીજા સાથે અનુકૂળતા સ્થાપિત કરવી પડે છે અને એકબીજાને મદદ કરવી જોઈએ.

TR