પીએમઇન્ડિયા
હાજર સહુ મહાનુભાવો
આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ સોનામાં સુગંધ ભળી. પરંતુ હજુ સુધી સમજાયું ન હતું કે સોનામાં સુગંધ ભળી એટલે શું. આજે આપણાં દેશના નાણાં મંત્રીએ આપણને સમજાવી દીધું કે સોનામાં સુગંધ ભળી એટલે શું. દેશ માટે આ યોજના સાચા અર્થમાં સોનામાં સુગંધ ભળીનો ભાવ યથાર્થ ઠેરવે છે. અને આપણે એવો ગરીબ દેશ છીએ કે જેની પાસે 20 હજાર ટન સોનું તો એમ ને એમ પડ્યું રહ્યું છે. અને કદાચ આપણી ગરીબીનું કારણ પણ એ જ છે કે 20 હજાર ટન સોનું પડી રહ્યું છે. અને એટલે જ ભારત પાસે ગરીબ રહેવાનું કોઈ કારણ નથી, કોઈ કારણ નથી. આપણે ગરીબ શા માટે રહેવું જોઈએ એનું લોજિક કોઈ સમજાવી શકતું નથી. જો આપણે થોડી કોશિષ કરીએ, સાચી દિશામાં કોશિષ કરીએ, તો આપણે… આપણી પર જે ટેગ લાગ્યું છે, એ ટેગ દૂર કરી શકીએ છીએ. અને એ માર્ગે એક મહત્ત્વપૂર્ણ પગલું આજે આ સોના સંબંધિત વિવિધ યોજનાઓનું છે.
હું બાળપણથી લોકો પાસેથી સાંભળતો આવ્યો હતો કે ભઈ અડધી રાત્રે કામમાં આવે છે. સોનું રાખો, એ અડધી રાત્રે કામમાં આવે છે. ક્યારેય અચાનક જરૂરત પડી જાય, તો કામમાં આવી જશે ; પણ મેં અનેક લોકોને પૂછ્યું કે ભઈ ક્યારેય તમારી જિંદગીમાં એવી નોબત આવી છે ખરી ? મને અત્યાર સુધીમાં એવું કોઈ મળ્યું નથી, જેને અડધી રાત્રે સોનું કામમાં લેવું પડ્યું હોય, પરંતુ મનોવૈજ્ઞાનિક રીતે આપણા દિમાગમાં ફિટ થઈ ગયું છે કે ભઈ આ રાખો ક્યારેય અડધી રાત્રે કામ આવી જશે. અને આ જે આપણા ઉપજાવી કાઢેલા વિચારોએ ઘર જમાવી લીધું છે, તેમાંથી સમાજને બહાર કાઢવાનું કામ સહેલું નથી. તમે ગમે તેટલા ભણેલા-ગણેલા વ્યક્તિને પણ સમજાવશો કે છોડો, પણ એ સહેલું નથી. એટલે સુધી કે રિઝર્વ બેન્કના ગવર્નરે પણ તેમનાં પત્ની કંઈ માંગશે તો સોનું લાવવું જ પડશે. સોના બાબતે તેમનું અર્થશાસ્ત્ર કંઈક જુદું હશે અને ગૃહશાસ્ત્ર માટે જુદું હશે. એટલે આ જે પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિમાં જ આપણે કોઈ નવિન, રચનાત્મક વ્યવસ્થા વિકસાવવી પડશે. આપણા દેશમાં બીજી એક વિચારધારા બંધાયેલી છે, દુનિયામાં એવી માન્યતા છે કે ભારતમાં મહિલાઓ પાસે કંઈ હોતું નથી. મકાન હોય તે પતિના નામે હોય કે પિતાના નામે હોય, ગાડી હોય તો પતિના અથવા પુત્રના નામે હોય, ખેતર હોય તો પિતાના નામે, તો મહિલાઓ પાસે શું ? પરંતુ ઝીણવટથી જોશો તો સોનું એવી વસ્તુ છે, જે મહિલાઓની તાકાતનો વિષય છે. આ વ્યવસ્થા એમને એમ નથી બની. સામાજિક વ્યવસ્થાનો આ એક ખૂબ મજબૂત હિસ્સો રહ્યો છે, જે મહિલાઓના સશક્તિકરણ માટે અત્યંત મહત્ત્વનું પાસું છે. તેના નામે મકાન નહીં હોય, પરંતુ આ સંપત્તિની તે માલિક હોય છે. અને પરિવાર પણ તેને સવાલ નથી કરતો, પુત્રી પણ સવાલ નથી કરતી, આ તો માનું છે, એમ કહેવાય છે. આ આપણા સંસ્કારનું શ્રેષ્ઠ પાસું પણ છે. જેમાં મહિલા સશક્તિકરણ માટે સામાજિક જીવનમાં એવી વ્યવસ્થા વિકસાવી અને સોનાની મદદ વડે આપણું આ માળખું વિકસ્યું છે, તો તેને જાળવી પણ રાખવાનું છે. આપણી માતાઓ-બહેનોમાં જે સુરક્ષાનો ભાવ છે, તે સચવાઈ રહેવો જોઈએ. આપણે આ યોજનામાં આ વિશ્વાસનું જતન કરીએ છીએ તો તેની સૌથી વધુ સફળતાનું કારણ મહિલાઓ બનશે. બીજું આપણે જોયું હશે કે આપણે ત્યાં સંપન્ન પરિવારોના ફેમિલિ ડોક્ટર હોય છે. મધ્યમ વર્ગના પરિવારોના પણ ફેમિલી ડોક્ટર હોય છે. પરંતુ નીચલા કે ગરીબ વર્ગના પરિવારોના ફેમિલી ડોક્ટર નથી હોતા. પરંતુ આપણા દેશમાં દરેક પરિવારનો સોની જરૂર હોય છે. તેનામાં લોકોને કેટલો બધો વિશ્વાસ હોય છે. ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢીઓથી, એટલે કોઈ અમેરિકા રહેવા ગયું હોય તો પણ તે ગામના સોનીને જ શોધશે કે ભઈ તમે જોજો, હું જરા મોકલું છું, કરી આપજો. આ વિશ્વસનીયતા સદીઓની તપસ્યાથી હાંસલ થઈ છે. આ તાકાતને પણ આપણે ઓળખવી પડશે. અને એટલે યોજના વિશે મારી સાથે ચર્ચા થઈ રહી હતી, ત્યારે શ્રી દાસને મેં કહ્યું હતું કે ગામડાંઓમાં જે નાના-નાના સોનીઓ છે તેમને આ યોજના સાથે કેવી રીતે સાંકળી શકાય. 1968માં એવો સમય હતો, જ્યારે સોની સરકારના સૌથી મોટા દુશ્મન બનેલા હતા. મેં ગુજરાતના પાટણ શહેરમાં બાળપણનો કેટલોક સમય વિતાવ્યો હતો. જે ગલીમાં હું રહેતો હતો તે સોનાની ગલી હતી. ત્યાં એક સજ્જન હતા, તેમનો એક નિત્યક્રમ રહેતો. સવારે છાપું આવે એટલે સિગારેટ સળગાવે અને છાપામાં જ્યાં પણ મોરારજી ભાઈનો ફોટો હોય ત્યાં ચાંપે. આટલો ગુસ્સો, આટલો ગુસ્સો તેઓ કરતા હતા, કારણ કે તેમને લાગતું હતું કે ભઈ અમારી તો બધી રોજી-રોટી છીનવાઈ ગઈ. આપણે આ યોજના દ્વારા એવી કેવી વ્યવસ્થા વિકસાવીએ, જેથી તેમને ફરી સશક્ત બનાવી શકીએ. તેઓ આપણા આ પ્રોફેશનના એજન્ટ કેવી રીતે બને, કેમકે તેમને વિશ્વાસ છે કે હું કોઈને પણ માટે કંઈ ખોટું નથી કરી રહ્યો, પરંતુ બેન્કને બદલે તેમને પોતાના ગામડાના સોની પર વધુ ભરોસો છે. એ જ્વેલરીના મોટામાં મોટા શોરૂમમાં જશે, પણ વસ્તુ લાવ્યા પછી પોતાના સોની પાસે જઈને કહેશે કે, જરા ચેક કરી લે ભઈ. ગમે તેટલો મોટો શોરૂમ હશે… અમારા મેહુલભાઈ અહીં બેઠા છે, પરંતુ એ જશે. જશે પોતાના સોની પાસે – હું લઈને તો આવ્યો છું, પણ જરા ચેક તો કરો. આ બાબત આપણી આ વ્યવસ્થાની ઘણી મોટી કડી બની શકે છે. આ ઢાંચો તૈયાર જ છે. આપણે તેમને ગોલ્ડ બોન્ડ માટે કેવી રીતે પ્રેરણા આપી શકીએ છીએ, તેમને કેવી રીતે વિશ્વાસ અપાવી શકીએ છીએ. આપણે એક ડિસેન્ટ લાઈન મિકેનિઝમ (શિષ્ટ રીતે ગોઠવાયેલું તંત્ર) કેવી રીતે વિકસાવી શકીએ છીએ તે જોવાનું છે અને હું ઈચ્છું છું કે ડિપાર્ટમેન્ટના લોકો આ બાબતે વિચારે, જો આપણે આ કરી શકીએ તો આ યોજનામાં ખૂબ વૃદ્ધિ જોવા મળશે. સરકારની કોઈ યોજના અંદાજપત્રમાં આવે અને આટલા ઓછા સમયમાં અમલી બની જાય એવું ભાગ્યે જ જોવા મળે છે અને ધનતેરસ પહેલાંનું લક્ષ્યાંક રખાયું છે. કારણ કે ભારતમાં લગ્નપ્રસંગ કરતાં ધનતેરસે સોનાનું વિશેષ મહત્ત્વ હોય છે. અને સોનાની સૌથી વધુ આયાત આ જ દિવસોમાં થઈ હશે. કારણ કે લોકોને લાગે છે કે કોઈ બહુ મોટું બજાર ખુલવાનું છે, તો અમને…. હવે જુઓ કે આપણે દર વર્ષે એક હજાર ટન સોનું આયાત કરીએ છીએ અને જો ઉપયોગ વિના પડી રહેશે તો આ આપણી બહુ મોટી તાકત છે. કોઈએ ઘણું મોટું જળાશય બનાવ્યું હોય, ડેમ બનાવ્યો હોય, અબજો રૂપિયા ખર્ચ્યા હોય, પરંતુ જો કેનાલનું નેટવર્ક ના હોય અને ખેડૂતો સુધી પાણી પહોંચે નહીં તો તેનો શો મતલબ. આપણા 20 હજાર ટન સોનાના પણ આ જ હાલ છે. આપણે તેને રાષ્ટ્રની શક્તિમાં પરિવર્તિત કરવું પડશે અને સામાજિક સુરક્ષા વધુ મજબૂત બનાવવી પડશે. તેનું એક પાસું સંભવ નથી. સામાજિક સુરક્ષાનું જે પાસું છે, તેને આપણે વધુ સુદૃઢ કરવું પડશે. રાષ્ટ્રની વિકાસ યાત્રામાં તે ઘણી મોટી ભૂમિકા ભજવી શકે તેમ હોવાનો આપણે વિશ્વાસ અપાવવો પડશે, તંત્ર ગોઠવવું પડશે. આજે લોકોને એવી ચિંતા તો રહે છે જ કે, ભઈ 15 દિવસ બહાર જવું છે, ઘરનું સોનું ક્યાં મૂકીએ ? સંબંધીને ત્યાં મૂકીએ તો શું મૂકીએ, તેને કેવી રીતે સાચવીએ… મનમાં ચિંતા સતાવ્યા કરે છે. સુરક્ષાનું આ સૌથી મોટું ટેન્શન, આ યોજના વડે દૂર થઈ જાય છે. તેમને વિશ્વાસ બંધાય છે કે અહીં મારા પૈસા સુરક્ષિત છે. ક્યારેક લોકો સોનામાં એટલા માટે રોકાણ કરતા હોય છે કે રૂપિયાના થેલા ક્યાં રાખીશું ? જ્યારે સોનું તો નાની અમથી જગ્યામાં સમાઈ જશે એટલે આટલા મોટા કોથળા ભરીને રૂપિયા… એટલે એ શું હોય છે, તે આપણે બધાં જાણીએ છીએ… પરંતુ આજે જો તેમની પાસે બોન્ડ આવી જશે તો પોતાના ચાર કાગળિયાં સાચવી લે, ચોર પણ આવશે તો તેને હાથ નહીં લગાડે. એ કહેશે કે આ કાગળિયાં શું લઈ જવા હતા, નથી લઈ જવા ભઈ, આ તો નકામાં છે. એટલે સુરક્ષાની ગેરંટી છે અને તે આને વેચી પણ શકે છે. સોનું અડધી રાત્રે વેચાતું હોય, એવું મારા ધ્યાનમાં નથી. પરંતુ હું વિશ્વાસપૂર્વક કહું છું કે ગોલ્ડ બોન્ડ જરૂરત પડે તો અડધી રાત્રે પણ વેચી શકાય છે. ક્યાંય હોસ્પિટલમાં જવું પડ્યું, ઓપરેશન કરવું પડ્યું, ડોક્ટર કહે છે, પહેલા પૈસા લાવો, ગોલ્ડ બોન્ડ આપી દો, ઓપરેશન થઈ જશે. આટલી શક્યતાઓ તો સોનામાં પણ નથી. એટલે પ્લસ પોઈન્ટ છે, આ યોજનામાં. આપણે આ બાબતોને કેવી રીતે સ્પષ્ટ દર્શાવીને લોકો સુધી પહોંચાડીએ તે જોવાનું છે. એ જ રીતે, આપણું જે એમનું એમ ભેગું કરેલું સોનું છે, તે બેન્કમાં આવશે અે લાંબા ગાળા માટે આવશે તો જ્વેલરી માટે જતું રહેશે. જ્વેલરીમાં જશે, તો હું માનું છું કે જ્વેલરી ક્ષેત્રના લોકોને આ રીતે સોનું સરળતાથી મળી રહેશે અને તેમની સામે સવાલો નહીં ઊઠે. જ્વેલરીનો વ્યાપાર કરતા લોકો માટે બેન્ક પાસેથી સીધું જરૂરિયાત મુજબ સોનું મળી જાય, સ્થાનિક સ્તરે ઉપલબ્ધ હોય, તે જ્વેલરી ઉદ્યોગના પ્રોત્સાહન માટે પણ મહત્ત્વપૂર્ણ સુવિધાનું કારણ બનશે. આપણે આજે વિશ્વભરમાં સોનાનો સૌથી વધુ વપરાશ કરનાર દેશ છીએ, એટલે જ્વેલરીની દુનિયા સાથે સંકળાયેલા લોકોને પણ લાભ છે. હમણાં ગઈકાલે મને કોઈ અહેવાલ બતાવી રહ્યું હતું કે આપણે સોનાના વપરાશમાં ચીનને પણ હંફાવી દીધું છે. અત્યાર સુધીના નવ મહિનામાં ચીને 548 ટન જ્યારે આપણે 562 ટન સોનું ખરીદ્યું છે. જો આપણે આટલી ઝડપથી ખરીદી કરી શકીએ છીએ તો આ વ્યવસ્થામાં આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. દર મહિને નિરીક્ષણ કરીને આપણે લક્ષ નિર્ધારિત કરી શકીએ કે આ મહિને ઘરોમાંથી સોનું બેન્કમાં આવશે અને એટલી માત્રામાં દેશની બહારથી આવવાનું ઘટશે. આપણે ઓનલાઈન મોનિટરીંગ વ્યવસ્થા વિકસિત કરી શકીએ, તો કદાચ આપણે કદાચ આ સમગ્ર નવી વ્યવસ્થાને સાચોસાચ રાષ્ટ્રહિતમાં, રાષ્ટ્રના વિકાસના કામમાં જોતરી શકીએ એમ છીએ. વળી આ રાષ્ટ્રીય સ્વાભિમાનનો વિષય પણ છે. શું કારણ છે કે હજુ આજે પણ આપણે વિદેશી માર્કો ધરાવતું સોનું વાપરીએ છીએ.. અને આજે પણ પૂછીએ છીએ કે પેલો માર્ક છે… મને તો નામ યાદ નથી, કારણ કે મારે આવી કોઈ લેવડ-દેવડ થઈ નથી, પરંતુ સાંભળ્યું છે. હવે એ વિશ્વાસપૂર્વક પૂછશે, ભઈ અશોકચક્ર છે ? મારા દેશને આની પર ભરોસો છે ? આ બ્રાન્ડ આપણે પોપ્યુલર કરવી જોઈએ. હવે આપણે નક્કી કરવું જોઈએ કે વિદેશી માર્કવાળું સોનું અમે જ બજારમાં નહીં આપીએ. જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા, સોનું વેચવાવાળા લોકો આ નક્કી કરે. આ ધનતેસરના દિવસે તો એ કદાચ દેશનાં સો-સવાસો સેન્ટરોમાં જ મળશે, પરંતુ તેનો વ્યાપ ધીમે ધીમે વધશે. એટલે જે લોકોને ધનતેરસે સોનું ખરીદવું છે, તેમને કેટલાક સ્થાનો પર જ મળશે, પરંતુ આગામી દિવસોમાં તે બધે જ મળશે. આ ખરીદી માટે રાષ્ટ્રીય સ્વાભિમાન જોડાયેલું હોવું જોઈએ અને આપણે તેના પર ભાર મૂકવો જોઈએ. ખૂબ જ ઓછા સમયમાં નાણાં મંત્રી અને તેમની સમગ્ર ટીમે યોજના ઘડી કાઢી અને શરૂ કરી. તેમાં ટેકનોલોજી પણ છે અને મેન્યુફેક્ચરીંગ પણ છે. બધી વ્યવસ્થાઓ નવેસરથી કરવી પડી છે. પરંતુ બધી વ્યવસ્થાઓ કર્યા બાદ મેં જ્યારે આ કોઈન (સિક્કો) જોયો ત્યારે જોયું કે આપણા એક રૂપિયાના સિક્કા વગેરે પર ગાંધીજીનું જે ચિત્ર કંડારાયેલું છે, તેના કરતા અહીં ખૂબ સુંદર રીતે કંડારાયેલું છે, એટલે જેણે પણ તેનું આર્ટવર્ક કર્યું છે, તેને હું અભિનંદન આપું છું. આવી લાગણી થાય છે. તમે જોશો તો ખ્યાલ આવશે. ખૂબ સુંદર આર્ટવર્ક કર્યું છે, એટલે આને માટે… મારો સ્વભાવ છે, આ ચીજોમાં મને રસ હોવાને કારણે થોડી અલગ રીતે હું જોઉં છું. પરંતુ હું સમગ્ર ટીમને અને ખાસ કરીને અરુણ જીને અભિનંદન આપું છું. અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું કે ધનતેરસના આ પાવન પર્વ અને દિવાળીની શુભકામનાઓ સાથે ભારત સ્વર્ણિમ યુગ તરફ આગળ વધે અને આપનું 20 હજાર ટન સોનું ભારત માટે સ્વર્ણિમ યુગ તરફ જવા માટે પર્યાપ્ત છે. મારો વિશ્વાસ છે કે આવો, ભારતને સ્વર્ણિમ યુગ બનાવવા માટે જેની પાસે સોનું છે, તે આ સોનેરી મોકો ચૂકે નહીં અને સોનામાં સુગંધનો લાભ તેઓ પણ ઉઠાવે. આ જ મારી અપેક્ષા અને શુભેચ્છા છે.
આભાર.
AP/J.Khunt
PM speaking at launch of gold related schemes. https://t.co/jfSqKXJ1dp
— PMO India (@PMOIndia) November 5, 2015
The reason behind the success of these schemes will be the women of India: PM @narendramodi https://t.co/jfSqKXJ1dp
— PMO India (@PMOIndia) November 5, 2015
A golden day…the launch of 3 gold related schemes. Know more about these schemes on this website. https://t.co/CFOWQa2f04
— Narendra Modi (@narendramodi) November 5, 2015
Spoke on how gold schemes will contribute to women empowerment & need to integrate goldsmiths in these schemes. https://t.co/qabsZ4AsnP
— NarendraModi(@narendramodi) November 5, 2015
A moment of pride… launch of India Gold Coins, bearing the Ashok Chakra. pic.twitter.com/vlY9bErzaU
— NarendraModi(@narendramodi) November 5, 2015