Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સૌની યોજના હેઠળ આજી ડેમ ભરવાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


કેમ છો બધા? મજામાં?

મંચ ઉપર બિરાજેલા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતિનભાઈ પટેલ. મંત્રી મંડળના સભ્યો, મારા સાથીઓ સંસદ સભ્યો, મેયર શ્રી અને મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહેલા ભાઈઓ અને બહેનો.

ન્યારીની વાત ન્યારી જ હોય છે, આજી કરે રાજી. મેં જ્યારે વર્ષ 2001માં મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી અને થોડાક દિવસોમાં સંદેશો આવ્યો હતો કે સાહેબ આજી ડેમ પૂરે પૂરો ભરાઈ ગયો છે. તમારે આવવું જ પડશે. મને બરોબર યાદ છે કે મુખ્યમંત્રી કાળની એ મારી શરૂઆત હતી. ભૂકંપ પછી કચ્છની સ્થિતિને જોવા માટે નિકળ્યો હતો. 10 થી 15 દિવસમાં સમાચાર મળ્યા કે આજી ડેમ ભરાઈ ગયો છે અને રાજકોટના લોકોને એટલો આનંદ હતો કે મને કહેવામાં આવ્યું કે તમારે તો આવવું જ પડશે. અને એ દિવસે આજી ડેમ આવીને જલ પૂજા કરવાનું નસીબ મને પ્રાપ્ત થયું હતું. એ દિવસે મેં જોયુ હતું કે આજી કેટલા રાજી કરે છે? હમણાં જ વિજયભાઈ કહેતા હતા કે છેલ્લા 45 વર્ષમાં આજી ડેમ 11 વાર જ ભરાયો હતો. પાણી શું હોય છે, પાણીનું મહાત્મય શું હોય છે તે તે ગુજરાતના, સૌરાષ્ટ્રના અને કચ્છના લોકોને સમજાવવાની જરૂર નથી.

પહેલાં રાજકોટ આવતા હતા અને ઘર બહાર નિકળતા હતા ત્યારે દરેક ઘરની બહાર એક ટાંકી બનાવેલી જોવા મળતી હતી, નીચે નળ રહેતો હતો અને લોકો નીચે ઉતરીને પાણી ભરતા હતા. રાજકોટમાં જ્યાં જાવ ત્યાં પાણીનો વિષય જ ચર્ચામાં રહેતો હતો. એ સમયે હું સંઘના કામ માટે પ્રવાસ કરતો હતો અને પ્રવાસમાં પણ એ રીતે નિર્ણય કરવો પડતો હતો કે પાણીનો દિવસ કયો છે? એ દિવસે જઈશું તો પાણી મળશે. રેલવેમાં પાણી લાવવાના સમાચાર પૂરા ભારત માટે સમાચારનો વિષય બની ગયા હતા. રાજકોટ માટે પીવાનું પાણી રેલવેમાં લાવવું પડતું હતું. એ મુશ્કેલ દિવસો હતા પણ સામાન્ય રીતે આપણે જોયું છે કે સરકાર કહેતી હતી કે ચાલો ભાઈ આ વખતે ટેન્કરની સંખ્યા વધારી દો અને પાણી પહોંચાડી દો. લોકોને પણ એવી આદત થઈ ગઈ હતી કે કોઈ વાંધો નહીં, આવતા સપ્તાહે ટેન્કર આવવાનું છે ત્યારે જોયું જશે અને નિભાવ થઈ જશે. કેટલાક વિસ્તારોમાંથી હેન્ડ પંપની માગણી પણ થતી હતી અને હેન્ડ પંપની માગણી પૂરી થાય તેને મોટો અવસર ગણવામાં આવતો હતો.

ભાઈઓ અને બહેનો, આપણે ગુજરાતને ક્યાંથી ક્યાં લાવી ચૂક્યા છીએ. કયાં ટેન્કર, કયાં હેન્ડ પંપ અને કયાં મારૂતિ કાર જઈ શકે તેવી પાઈપ લાઈન નાંખીને પાણીનો ધોધ વહાવી દેવામાં આવે છે. ડેમ પણ ભરી દેવામાં આવે છે. ભાઈઓ અને બહેનો દીર્ઘ દ્રષ્ટી ધરાવતી સરકાર લોક સુખાકારી માટે સમર્પિત હોય છે. સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવવાનો ઈરાદો હોય, તો કેવા પરિણામ આવે છે તેનો આપણે અંદાજ બાંધી શકીએ. ગુજરાતમાં હાલમાં જે યુવાનો 15 થી 17 વર્ષની ઉંમરના હશે તેમના પછીની પેઢીને તો ખબર પણ નહીં હોય કે તેમના પહેલાંનું જીવન કેવું હતું. વીજળી માટે તડપવું પડતું હતું. વીજળી ક્યારે આવશે, સાંજના ભોજન લેતી વખતે આવશે તે નહીં તે એક સવાલ હતો. ખેડૂતે રાતે ખેતરમાં પંપ ચલાવવો હોય તો પૂરી રાત જાગવું પડતું હતું અને ખબર મળે કે કરંટ આવ્યો છે, ત્યારે પાણી ચાલુ થાય અને ખેતરને પાણી મળે. એ દિવસો ભૂલવાનું કોઈ કારણ નથી. આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. કેટલા સારા ઈરાદાથી સમર્પણ કરીને આપણે પહોંચ્યા છીએ. એ અંદાજ ત્યારે જ આવે છે કે જ્યારે આપણને જાણવા મળે કેવી મુશ્કેલીના દિવસોમાં આપણા માતા- પિતા જીવી રહ્યા હતા. શું કારણ હતું કે કચ્છ કાઠીયાવાડ છોડીને અલગ અલગ શહેરોની ઝૂંપડીપટ્ટીઓમાં જીવન વિતાવવા માટે મજબૂર થવું પડતું હતું. 50 વીઘા જમીનના માલિકને પણ દિકરીના વિવાહ કરવા હોય ત્યારે જમીન ગિરવે રાખીને પૈસા લેવા હોય તો કોઈ જમીન ગિરવે લેવા માટે તૈયાર થતું નહીં. કહેવામાં આવતું હતું કે દિકરીના વિવાહ માટે 5000 થી 25,000 લઈ જાવ પણ જમીન લઈને મને કોઈ ફાયદો થવાનો નથી. 50 વીઘા જમીનનો માલિક દિકરીના લગ્ન કરાવવા માટે જમીન ગિરવે રાખીને 5,000 થી 25,000 રૂપિયા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. એનું કારણ એ હતું કે પાણીના અભાવને કારણે જમીનનું કોઈ મૂલ્ય ન હતું. આ કોઈ ઘણા દૂરના દિવસોની વાત નથી. 20 સાલ પહેલાંના ગુજરાતની આ જીંદગી હતી. આવી જીંદગી કોના પાપને કારણે હતી તેની ચર્ચામાં હું પડવા માગતો નથી, પણ જ્યારથી ગુજરાતની જનતાએ અમને સેવા કરવાનો અવસર પૂરો પાડ્યો છે ત્યારથી, ભલે કેશુભાઈ પટેલનું નેતૃત્વ હોય, આનંદીબેન પટેલનું નેતૃત્વ હોય કે પછી વિજયભાઈ રૂપાણીનું નેતૃત્વ હોય કે પછી મને તમારા સેવક તરીકે સેવા કરવાનો મોકો મળ્યો હોય. આ પૂરા સમય દરમિયાન ગુજરાતના લોકોને, ગુજરાતના ગામડાને પાણી, ગુજરાતને વીજળી અને ગુજરાતના લોકોને સડક આ બધા કામો માટે અમે આકાશ-પાતાળ એક કર્યા હતા અને એનું પરિણામ એ છે કે આજે અમે આંખમાં આંખ મિલાવીને લોકો સાથે વાત કરી શકીએ છીએ. અમારા માટે એમાં અહેસસાનનો કોઈ ભાવ નથી અને તે હોઈ શકે પણ નહીં. અમારા મનમાં કર્તવ્ય પૂર્ણ કરવાનો ભાવ છે અને તેને કારણે જ વધારે કામ કરવાની પ્રેરણા મળે છે, કારણ કે તમે લોકો અમારી ઉપર અવિરત આશિર્વાદ વરસાવતા રહ્યા છો.

વિજયભાઈ હમણાં વર્ણન કરી રહ્યા હતા કે આટલી લાંબી વિદેશ યાત્રા કર્યા પછી સીધા જ કામે લાગી ગયા. જે રાજ્યની જનતા, જે રાજકોટની જનતા અમારી ઉપર આટલો ભાવ વરસાવતી હોય તો પછી થાક લાગવાનું કોઈ કારણ રહેતું નથી. મને બરાબર યાદ છે કેટલા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ને હમણાં નીતિનભાઈએ પણ વાત કરી કે મેં જ્યારે હેમુ ગઢવી હોલ રાજકોટમાં જ્યારે સૌની યોજના અંગે વાત કરી હતી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મેં બધાને સમજાવ્યું હતું કે મારૂં શું સપનું છે.

મને બરાબર યાદ છે કે એટલા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ અશક્ય છે, ચૂંટણી આવે છે એટલે મોદી આ બધી વાતો કરી રહ્યા છે. આટલા બધા પૈસા ક્યાંથી આવશે? આટલી મોટી પાઈપલાઈન કેવી રીતે નાંખી શકાશે. 2040 આવશે ત્યાં સુધી કશું થશે નહીં. શંકા અને કુશંકાઓનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને એ વખતે આત્મવિશ્વાસની સાથે, પૂરી સમજદારી સાથે મેં ગુજરાતના લોકોને વિશ્વાસ આપ્યો હતો કે આ કામ થઈને જ રહેશે અને નિર્ધારિત સમય મર્યાદામાં જ થઈને રહેશે. સૌથી વધારે મહેનત કરીશું, પણ પાણી પહોંચાડીને જ રહીશું એવો અમે સંકલ્પ કર્યો હતો.

અનેક કામો માટે બજેટના પૈસા ખર્ચવાની જરૂર પડતી હોય છે, પરંતુ ખબર હતી કે એક વાર ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચી જાય, કચ્છના ખૂણે ખૂણા સુધી પાણી પહોંચી જાય તો તે ધરતી દુનિયાભરના રૂપિયા ખેંચી લાવશે. ગુજરાતમાં વિકાસનો તબક્કો એક નવી ઊંચાઈ સુધી પહોંચી જશે તેની અમને પૂરતી જાણકારી હતી. સમયની પહેલાં માત્ર 7 માસમાં નહીં તો ઓકટોબર નવેમ્બરમાં આજી ડેમ પૂરો ખાલી થઈ ગયો હતો. હજી તો પૂરા જોશથી વરસાદ આવ્યો નથી. હજુ તો જમીન પોચી થઈ છે અને આજી ડેમમાં પૂરા જોશ સાથે પાણી આવી રહ્યું છે. 470 કિલો મીટર દૂરથી પાણી આવ્યું છે અને 65 માળ ઊંચી ઈમારત બનાવીને તેની પર પાણી પહોંચાડયું છે એટલે તમારા ઘર સુધી પાણી આવી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, પૈસાનો તો ખર્ચ થશે. જનતા માટે પૈસા છે ને તેમના માટે જ ખર્ચ થશે, પરંતુ પૈસા વેડફાવા નહીં જોઈએ તેનો સદુપયોગ થવો જોઈએ. પાણીની આ સમગ્ર યોજના પૈસાના ઉત્તમ ઉપયોગનું ઉદાહરણ છે. સરદાર સરોવર નર્મદા ડેમનું કામ હજુ હમણાં 10 દિવસ પહેલાં જ પૂરૂં થયું છે. મુખ્યમંત્રી અને તેમના સાથીઓએ જઈને ડેમના દરવાજા બંધ કરવાનુ કામ પૂરૂં કર્યું. આનંદીબેન આવ્યા અને દરવાજાનું કામ પૂરૂં થયું તો પણ, અવરોધો તો ચાલુ જ રહ્યા હતા. કોણે કેટલી તકલીફ આપી છે, કોઈને કોઈ સમયે જ્યારે નર્મદાનો ઈતિહાસ લખાશે ત્યારે તમામ પાત્રો લોકોની નજર સામે ઉપસી આવશે અને ખબર પડશે કે ગુજરાતના હિતને અન્યાય કરનારા આટલા બધા લોકો હતા. ગુજરાતના હિતને નુકશાન કરવા માટે આટલી બધી ઉદાસીનતા દેખાડવામાં આવી હતી અને એટલા ખરાબ કામો કરવામાં આવ્યા હતા કે જનતાને દુઃખી કરી દેવામાં આવી હતી.

ભાઈઓ અને બહેનો, પાણી આવ્યું છે પણ તેની સાથે જવાબદારી પણ આવી છે. હું રાજકોટના લોકોને, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને વિનંતિ કરવા માગું છું કે કેવી મુશ્કેલીઓમાંથી આપણે બહાર નિકળવાની કોશિષ કરી છે, તે બાબત ભૂલવી જોઈએ નહીં અને હવે આ પારસ છે, પાણી નથી. તેના સ્પર્શ માત્રથી સમૃધ્ધિ આવવાની છે. આ પરમાત્માનો પ્રસાદ છે, જે રીતે ભગવાનનો પ્રસાદ નીચે પડી જાય તો આપણે પરમાત્માની માફી માંગીને દાણે દાણો એકઠો કરી લેતા હોઈએ છીએ. તે રીતે આ પાણી પણ પરમાત્માનો પ્રસાદ છે, તેને વેડફાવા દેવાનો આપણને અધિકાર નથી. પાણીને બચાવવું પડશે ને જ્યારે પાણી પહોંચાડયું છે તો તેને બચાવવાની વાત કરવાનો મને અધિકાર છે અને એટલા માટે જ કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો પાસે પાણી બચાવવા માટેની ભીખ માગું છું.

તમારામાંથી ઘણાં લોકો મહુડી દર્શન કરવા ગયા હશે. જે લોકો મહુડી ગયા છે, તમારામાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો મહુડી જતા હશે. ત્યાં બુધ્ધિસાગરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી ઘણી બાબતો ઉપલબ્ધ છે. બુધ્ધિસાગરજી મહારાજ 90 વર્ષ પહેલાં જે લખીને ગયા હતા તે લખાણ આજે પણ મોજૂદ છે. 90 વર્ષ પહેલાં આ મહાપુરૂષે લખ્યું હતું કે એક દિવસ એવો આવશે કે જ્યારે પાણી દુકાનોમાં વેચાશે. આજે આપણે બીસલેરીની બોટલ દુકાનમાંથી ખરીદીને લાવીએ છીએ અને પાણી પીએ છીએ. આથી પાણીના એક એક ટીપાનો ઉપયોગ એવી રીતે જ કરવો પડશે. રાજકોટ જ્યારે સ્માર્ટ સીટીની દિશામાં આગળ વધી રહ્યું છે અને પીવાના પાણીની સમૃધ્ધિ વધી રહી છે ત્યારે દૂષિત પાણીને શુધ્ધ કરવાનું કામ મોટું છે, જે રાજકોટના લોકોએ કરવાનું છે. જે પાણી ગટરમાં જાય છે તેને ફરીથી શુધ્ધ કરીને તે પાણીને બાંધકામ માટે, બાગ બગીચાઓ માટે રિસાયકલ કરેલા પાણીને વાપરવાનો સમય પાકી ગયો છે. આ દિશામાં પણ આપણે ગંભીરપણે વિચારવું પડશે અને એટલા માટે જ પીવાના પાણીની ગુણવત્તા અંગે આપણને કોઈ મુશ્કેલી નડવાની નથી. રાજકોટનો વિકાસ થશે તો આજી ને ન્યારી કદી તરસ્યા નહીં રહેવા દે. આ કામ આપણે ઊભું કર્યું છે. ભાઈઓ અને બહેનો, કચ્છના- સોરાષ્ટ્રના ખેડૂતોનો હું વિશેષ આભાર વ્યક્ત કરૂ છું. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે કચ્છના ખેડૂતોને મેં સમજાવ્યા હતા, તેમણે મારી વાત ઉપાડી લીધી અને પૂરા કચ્છને ટપક સિંચાઈ તરફ લઈ ગયા. પૂરૂં બનાસકાંઠા ટપક સિંચાઈ તરફ વળી ગયું છે. તે ખેતીને માઈક્રો ઈરીગેશન તરફ લઈ ગયા અને પૂરી ખેતીની સિકલ જ બદલી નાખી છે.

ભાઈઓ અને બહેનો, ખેતરમાં ટપક સિંચાઈથી પાણી પહોંચાડીએ, સ્પ્રીંકલરથી પાણી પહોંચાડીએ અને ઓછામાં ઓછા પાણીથી વધુને વધુ પાક મેળવીએ તે હવે વિજ્ઞાન માટે કોઈ નવી બાબત નથી. રાજકોટનો એન્જીન્યરીંગ ઉદ્યોગ કેટલો તાકાતવાન છે. હું તેમને વિનંતિ કરીશ કે તે કશુંક કરીને દેખાડે ને માત્ર ગુજરાતમાં જ નહીં હિંદુસ્તાન અને દુનિયાના દેશો માટે પણ કંઈક સિમાચિન્હરૂપ બની શકે તેવી કામગીરી કરીને દેખાડે.

ભાઈઓ અને બહેનો, મારા માટે ખુશીની બાબત એ છે કે મને આજે નવયુવાન વિદ્યાર્થી મિત્રોને મળવાનો મોકો મળ્યો છે. ઘણા લોકો માટે હેકાથોન એ શબ્દ નવો છે, પરંતુ આ પૂરી બાબત સમજવા જેવી છે. સામાન્ય રીતે સરકારમાં બેઠેલા લોકો, અધિકારી, બ્યુરોક્રસી વર્ષોથી સરકારમાં કામ કરી રહી છે. નેતા ચૂંટાઈને આવે છે, ચાલે છે. તેમનો એક સ્વભાવ બની ગયો છે કે અમને બધું આવડે છે. ભગવાને જેટલી બુધ્ધિ આપી છે તે બધી અમારી પાસે જ છે. દરેક સમસ્યાના ઉકેલની અમને ખબર છે. ભૂતકાળમાં આવી માન્યતા હતી, મેં આવીને માન્યતા બદલી નાંખી. આપણે આપણા યુવાનોને કહીશું કે સમસ્યા છે, તમે એનો ઉપાય શોધી કાઢો. દેશના સવા સો કરોડ લોકો પાસે આપણા કરતા પણ વધારે બુધ્ધિ છે. થોડા દિવસ પહેલાં મેં ભારત સરકારના વિભાગોને કહ્યું કે તમારી પાસે એવા કેટલાં કામ છે, જેનો ઉકેલ મળતો નથી. કામ કરવામાં મુશ્કેલી નડે છે. કોઈ રસ્તો મળતો નથી. વધુ મહેનત કરવી પડે છે. ઘણાં દિવસો નિકળી જાય છે, ઘણો ખર્ચ કરવો પડે છે. તમે લોકો મને તમારી તકલીફોની યાદી બનાવીને આપો. શરૂઆતમાં તો એવું કોણ સ્વીકારે કે તેમનું કામ થઈ શકતું નથી. હું બરાબરનો પાછળ પડી ગયો. બધા કહેવા લાગ્યા હતા કે સાહેબ અમારા વિભાગમાં તો બધું બરાબર ચાલે છે. મેં કહ્યું કે પણ થોડીક તો તકલીફ હશે. મને તે તકલીફ શોધીને બતાવો. 500 એવી બાબતો શોધીને બતાવવામાં આવી કે જેમાં વિભાગને લાગતું હતુ કે આ બાબતમાં નવેસરથી વિચારવાની જરૂર છે. મેં એક હેકાથોનનું આયોજન કર્યું. દેશભરના એન્જીન્યરીંગના જવાનોને કહ્યું કે તમે ટીમ બનાવો. કોમ્પ્યુટર પર બેસો. દિવસ-રાત ચર્ચા કરો, ચિંતન કરો, 42,000 નવયુવાનો જોડાઈ ગયા. 50 કલાક રાત-દિવસ જાગીને તેમણે કોમ્પ્યુટર પર કામ કર્યું અને 500 પ્રશ્નોનો ઉકેલ શોધવા માટે નવી નવી ફોર્મ્યુલા લઈને આવ્યા. આજે હું ગર્વ સાથે કહી શકું કે આ યુવાનોએ જે જે ઉપાયો આપ્યા છે તેમાંથી મોટા મોટા ઉકેલ વિભાગોએ સ્વિકારી પણ લીધા છે અને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સ્માર્ટ સીટી માટે રાજકોટમાં શું કરવું જોઈએ, લોકભાગીદારી કઈ રીતે વધારવી જોઈએ? ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવા માટે શું કરવું જોઈએ, વાઈ-ફાઈનો જમાનો છે, વાઈ-ફાઈ દ્વારા ડિજિટલ ઈન્ડિયા દ્વારા રાજકોટને કેવી કેવી રીતે ડિજિટલાઈઝ કરવું જોઈએ, આવા તો નાના- મોટા કામ શોધી કાઢવામાં આવ્યા છે અને તેમણે કહ્યું છે કે પૂરા ગુજરાતમાં કોલેજોને, પૂરા સૌરાષ્ટ્રની કોલેજોને, રાજકોટને પણ નિમંત્રણ મોકલ્યું છે. તમે રજીસ્ટ્રેશન કરાવો અને આ 100 પ્રશ્નોનો મારે ઉકેલ લાવવો છે. તમે તેના પર ચિંતન કરો અને સ્પર્ધામાં ભાગ લો. 24 જુલાઈથી આ હેકેથોનમાં હજારો યુવાનો જોડાવા માટે ઉત્સુક બની રહ્યા છે. રાજકોટને કેવી રીતે બદલવું છે, રાજકોટની વ્યવસ્થાઓને કેવી કેવી રીતે આધુનિક બનાવી શકાય તેના માટે એક કામ આપણી કોલેજોમાં ભણતી નવયુવાન પેઢી કરવાની છે. તેમના ઉત્સાહ અને ઉમંગને સો-સો સલામ કરૂં છું. હું તમને અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે આ હેકાથોનમાં જોડાવા માટે હજારો યુવાનો ઉત્સુક થઈ રહ્યા છે. દરેકે દરેક વ્યક્તિ તેમાં મદદ કરશે, દરેક વ્યક્તિ તેમને પ્રોત્સાહિત કરશે અને અમારી નવી પેઢી, કોલેજમાં ભણનારી પેઢી, મોબાઈલ પર દુનિયા સાથે જોડાતી પેઢી, કોમ્પ્યુટર પર દુનિયા સાથે રમત રમનારી પેઢી, રાજકોટનું ભાગ્ય બદલવા માટે આ હેકાથોનમાં કામ કરવાની છે તેનો મને પૂરો વિશ્વાસ છે.

ભાઈઓ અને બહેનો, આજે આજી ડેમમાં પાણી જોઈને કોને આનંદ નહીં થતો હોય. આ અનુભૂતિ સાથે લીલુંછમ સૌરાષ્ટ્ર જોશો ત્યારે તમે કેટલા આનંદિત થઈ જશો. તે દિવસની યાદ સાથે હું ફરી એકવાર રાજ્ય સરકારનો આભારી છું કે સૌની યોજના એ શંકાના વાદળો વચ્ચે જન્મ લીધો હતો, આજે સફળતાની સીડી ચડીને તે આપણી સામે ઊભી છે. પાણીનો વ્યય કરવા વાળો માણસ પણ પાણી પીવાનો છે અને આ પવિત્ર પાણી પરમાત્માના પ્રસાદ તરીકે આવેલું પાણી છે, જે આપણાં ભાગ્યને પણ બદલવાનું છે એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર…..

ધન્યવાદ!

 

 AP/J.Khunt/TR/GP