Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

18મી બ્રિક્સ સમિટ સેશન: ઈન્ક્લુસિવ ગ્લોબલ ગવર્નન્સ એન્ડ સ્ટ્રેન્ધનિંગ દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ


યોર હાઈનેસ, એક્સેલન્સીસ, નમસ્કાર!

ભારતમાં આપ સૌનું સ્વાગત અને અભિનંદન કરતા મને અત્યંત ખુશી થઈ રહી છે.

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા ‘પીપલ-સેન્ટ્રિક’ અને ‘હ્યુમેનિટી ફર્સ્ટ’ એપ્રોચ પર આધારિત છે. રિસિલિયન્સ, ઈનોવેશન, કોઓપરેશન અને સસ્ટેનેબિલિટી અમારી પ્રાથમિકતાઓ રહી છે. આ પ્રાથમિકતાઓ સાથે, અમે બ્રિક્સ સહયોગને સામાન્ય જન સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે.

આ જ વિચારસરણી સાથે સાડા ત્રણસોથી વધુ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. લગભગ ત્રીસ શહેરોમાં આપની ટીમોનું સ્વાગત કરવાનો અમને અવસર મળ્યો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતાને સફળ બનાવવામાં સક્રિય યોગદાન અને સમર્થન માટે હું આપ સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.

મિત્રો,

આ વર્ષની બ્રિક્સ સમિટ એક ઐતિહાસિક પડાવ છે. આપણે બ્રિક્સની વીસમી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. માનવ જીવનમાં વીસ વર્ષની ઉંમર, પરિપક્વતા અને જવાબદારીના નવા તબક્કાનો પ્રારંભ હોય છે. આ એ અવસ્થા હોય છે, જ્યારે સપનાઓની સાથે જવાબદારીઓ જોડાય છે, ક્ષમતાને નવી દિશા મળે છે.

આજે બ્રિક્સ પણ પોતાના ‘કમિંગ ઓફ એજ’ની ક્ષણમાં છે. છેલ્લા વીસ વર્ષોમાં બ્રિક્સ પર વૈશ્વિક મંચ પર પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. આપણે એકબીજાના દ્રષ્ટિકોણનું સન્માન કરીએ છીએ અને સર્વસંમતિથી આગળ વધીએ છીએ. આપણે કોઈના વિરોધમાં નહીં, પરંતુ સૌને સાથે લઈને ચાલવાની વિચારસરણી સાથે આગળ વધવાનો પ્રયાસ કરીએ છીએ.

હવે સમય છે કે આપણે બ્રિક્સમાં આપણી એકતા અને સંમતિને વૈશ્વિક મંચ પર ઠોસ પરિણામોમાં બદલીએ. આગામી વીસ વર્ષો માટે આપણે એક નવા અને મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવું પડશે. આની શરૂઆત આપણે આપણી પોતાની વર્કિંગ સિસ્ટમથી કરવી પડશે.

બ્રિક્સની અધ્યક્ષતા દર વર્ષે બદલાય છે, પરંતુ તેના કારણે આપણું સંસ્થાકીય ગતિરોધ (ઈન્સ્ટિટ્યુશનલ મોમેન્ટમ) અટકવું જોઈએ નહીં. હું બ્રિક્સ કન્ટીન્યુઈટી એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન મિકેનિઝમનો પ્રસ્તાવ મૂકું છું. આના હેઠળ ટ્રોઈકા (Troika) ના માધ્યમથી તમામ પહેલો અને પરિણામોનું ફોલો-અપ થઈ શકશે.

આપણે એક સુરક્ષિત ડિજિટલ રિપોઝિટરી બનાવી શકીએ છીએ. જેમાં દરેક નિર્ણય સાથે નોડલ પોઈન્ટ, સમય-સીમા અને અમલીકરણની સ્થિતિ નોંધવામાં આવી શકે છે.

મિત્રો,

બ્રિક્સને મજબૂત કરતી વખતે, આપણે વૈશ્વિક સુધારાની દિશા પણ નક્કી કરવી પડશે. ગ્લોબલ ગવર્નન્સનું વર્તમાન માળખું એક પિરામિડ જેવું દેખાય છે. તેના ઉપલા ભાગમાં સત્તા અને નિર્ણય લેવાની શક્તિ કેન્દ્રિત છે, અને નીચેના ભાગમાં એવા દેશો છે જે આ નિર્ણયોથી પ્રભાવિત તો થાય છે, પરંતુ તેમને આકાર આપી શકતા નથી.

ગ્લોબલ સાઉથ આજે વૈશ્વિક સંકટોની પ્રથમ હરોળમાં છે, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં પાછલી હરોળમાં છે. આપણે આ “પિરામિડ ઓફ પ્રિવિલેજ” ને “પ્લેટફોર્મ ઓફ પાર્ટનરશિપ” માં બદલવાનું છે, જ્યાં દરેક દેશનો અવાજ હોય, દરેક સભ્યનો હિસ્સો હોય અને દરેક પ્રયાસના કેન્દ્રમાં માનવતાનો વિકાસ હોય.

આ ઉદ્દેશ્યથી હું પ્રસ્તાવ મૂકું છું કે આપણે મળીને વૈશ્વિક શાસન સુધારા (ગ્લોબલ ગવર્નન્સ રિફોર્મ) ના દસ પ્રસ્તાવ તૈયાર કરીએ, જેને આપણે આગામી સમિટ સુધી એક ‘બ્રિક્સ રિફોર્મ રોડમેપ’નું રૂપ આપવાનો પ્રયાસ કરી શકીએ છીએ.

આ રોડમેપ બનાવવામાં આપણે ત્રણ મુખ્ય પાસાઓ- રિપ્રેઝન્ટેશન (પ્રતિનિધિત્વ), રિસ્પોન્સિવનેસ (પ્રતિભાવશીલતા) અને રૂલ-મેકિંગ (નિયમ નિર્માણ) નું ધ્યાન રાખવું પડશે.

પહેલું, પ્રતિનિધિત્વના સંબંધમાં હું કહેવા માગીશ કે, યુએન સુરક્ષા પરિષદ (UN Security Council) માં સુધારો હવે વધુ ટાળી શકાય તેમ નથી. આ વિષય પર ટેક્સ્ટ-બેઝ્ડ વાટાઘાટોને નિશ્ચિત સમય-સીમા અને સ્પષ્ટ પરિણામ સાથે જોડવી પડશે.

એ જ રીતે, નાણાકીય સંસ્થાઓમાં વોટિંગ પાવર, લીડરશિપ પોઝિશન્સ અને પોલિસી પ્રાયોરિટીઝ આજની આર્થિક વાસ્તવિકતાઓ અનુસાર હોવી જોઈએ. જે દેશો ગ્લોબલ ઈકોનોમિક ગ્રોથને ગતિ આપે છે, તેમને ગ્લોબલ ઈકોનોમિક ગવર્નન્સને દિશા આપવામાં પણ યોગ્ય ભૂમિકા મળવી જોઈએ.

બીજું, પ્રતિભાવશીલતા (Responsiveness). વૈશ્વિક સંસ્થાઓમાં માનવતાનો વિશ્વાસ ત્યારે જ બનશે જ્યારે તેઓ સમસ્યાઓનો અસરકારક ઉકેલ લાવવામાં સક્ષમ હશે. આપણે સામૂહિક પ્રતિભાવ (કલેક્ટિવ રિસ્પોન્સ) ની ઝડપ, સ્કેલ અને છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રભાવ પર ધ્યાન આપવું પડશે.

સીફેઅરર્સ (Seafarers – નાવિકો) નું વૈશ્વિક વેપારમાં ખૂબ મોટું યોગદાન છે, પરંતુ ઘણીવાર મુશ્કેલ સમયમાં તેમને સહારાની કમી અનુભવાય છે. મારો પ્રસ્તાવ છે કે શું આપણે ‘સીફેઅરર્સ ઈમરજન્સી સપોર્ટ નેટવર્ક’ બનાવી શકીએ? આના માધ્યમથી સંબંધિત દેશોની મેરીટાઈમ ઓથોરિટીઝ અને મિશન્સને જોડવામાં આવશે. આનાથી ડિસ્ટ્રેસ એલર્ટ્સ, મેડિકલ સહાયતા, પરિવારોને સૂચના તથા સ્થળાંતર (ઇવેક્યુએશન) માં સહયોગ આપી શકાય છે.

અને ત્રીજું હું કહેવા માગું છું નિયમ નિર્માણ (Rule Making) ના સંબંધમાં. ભવિષ્યના વૈશ્વિક નિયમો નક્કી કરવામાં સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવી અત્યંત મહત્વપૂર્ણ છે.

AI, સાયબર સ્પેસ, આઉટર સ્પેસ, બાયોટેકનોલોજી અને ક્રિટિકલ ટેકનોલોજીસ, ભવિષ્યના અવસરો સાથે ભવિષ્યના નિયમો પણ નક્કી કરી રહ્યા છે.

આપણે ગ્લોબલ સાઉથને રૂલ-ટેકર (નિયમો માનનારા) માંથી રૂલ-શેપર (નિયમ બનાવનારા) બનાવવા માટે પ્રયાસો કરવા પડશે. બ્રિક્સના માધ્યમથી આપણે ગ્લોબલ સાઉથના દેશોના યુવા ડિપ્લોમેટ્સ અને પોલિસીમેકર્સને નેગોશિયેશન સ્કિલ્સ, પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને લીગલ એક્સપર્ટાઇઝ પ્રદાન કરી શકીએ છીએ.

સુખદ સંયોગથી આજે ‘યુનાઇટેડ નેશન્સ ડે ફોર સાઉથ-સાઉથ કોઓપરેશન’ છે. ગ્લોબલ સાઉથને સમર્પિત આ દિવસ પર આવો નિર્ણય લેવામાં આવવો વિશેષ મહત્વ ધરાવે છે. ભારત આ વિષયમાં નેતૃત્વ લેવા માટે તૈયાર છે.

મિત્રો,

ભારતમાં આયોજિત આ બ્રિક્સ સમિટનો સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ: જો આપણું ભવિષ્ય સહિયારું છે, તો તેના નિર્માણનો અધિકાર પણ સહિયારો હોવો જોઈએ.

વોઈસ થી ઈમ્પેક્ટ સુધી. પ્રિવિલેજ થી પાર્ટનરશિપ સુધી.

આ જ ‘બ્રિક્સ એટ 20’ નો સંકલ્પ હોય.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

SM/BS/JD