પીએમઇન્ડિયા
આદરણીય,
આધુનિક મહાનાયક મહાત્મા ગાંધીએ કહ્યું હતું – ‘આપણે એ ભાવિ વિશ્વ માટે પણ ચિંતા કરીએ કે જેને આપણે જોઇ શકવાના નથી.’
જ્યારે જ્યારે વિશ્વએ એકસાથે મળીને ભવિષ્ય પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી છે ત્યારે માનવતાના વિકાસને એક નવી અને સાચી દિશા મળી છે.
17 વર્ષ અગાઉ જ્યારે એક ભયાનક વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો ત્યારે આ સંગઠનના રૂપે એક નવી આશાએ પણ જન્મ લીધો હતો. આજે આપણે ફરી માનવતાની એક નવી દિશા નક્કી કરવા માટે અહીં એકત્ર થયા છીએ. હું આ અતિમહત્વપૂર્ણ શિખર સંમેલનના આયોજન બદલ મહાસચિવ મહોદયને હૃદયથી અભિનંદન પાઠવું છું.
એજન્ડા – 2030 ની દ્રષ્ટિ કહો કે વિઝન એ મહત્વાકાંક્ષી છે અને ઉદ્દેશ એટલો જ વ્યાપક છે. જે સમસ્યાએ છેલ્લા ઘણા દશકથી ઉકેલાઈ નથી અને યથાવત છે તેવી સમસ્યાઓને આ પ્રાથમિકતા આપે છે. સાથે સાથે આ સામાજીક, આર્થિક અને પર્યાવરણના વિષયમાં આપણી પરિપકવ થતા વિચારને પણ દર્શાવે છે.
આ એક આનંદની બાબત છે કે આપણે સહુ ગરીબીથી મુક્ત વિશ્વનું સ્વપ્ન નિહાળી રહ્યાં છીએ. આપણા નિર્ધારિત લક્ષ્યાંકોમાં ગરીબી નાબૂદી સૌથી અગ્રક્રમે છે. આજે વિશ્વમાં 1.3 બિલિયન લોકો ગરીબીનું દયનીય જીવન જીવવા માટે લાચાર છે.
આપણી સામે પ્રશ્ન માત્ર એ નથી કે ગરીબોની જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરવામાં આવી શકે તેમ છે, અને આ માત્ર ગરીબોના અસ્તિત્વ અને સન્માન સુધીનો સિમિત પ્રશ્ન પણ રહ્યો નથી. આ ઉપરાંત આ આપણી નૈતિક જવાબદારી માત્ર છે એવું માનવાનો પણ કોઇ પ્રશ્ન નથી. જો આપણો સહુનો એક સહિયારો સંકલ્પ હોય કે –
– વિશ્વ શાંતિપૂર્ણ હોય
– વ્યવસ્થા ન્યાયપૂર્ણ હોય
– અને સ્થિર વિકાસ હોય
તો ગરીબી હશે ત્યાં સુધી આ ક્યારેય પણ સંભવ નહીં બની શકે. એટલા માટે જ ગરીબી નાબૂદી એ આપણા સહુ માટે એક પવિત્ર ફરજ છે.
ભારતના મહાન વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના વિચારોના કેન્દ્રમાં અંત્યોદય રહ્યું છે. યુએનના એજન્ડા 2030 માં પણ અંત્યોદય નજરે પડે છે. ભારત દીનદયાલજીના જન્મજયંતિ વર્ષને ઉજવવા માટેની તૈયારી કરી રહ્યું છે ત્યારે આ ખરેખર એક નિશ્ચિત જ એક સુખદ સંયોગ છે.
ભારત પર્યાવરણ લક્ષ્યાંકોને અનુલક્ષીને ક્લાયમેન્ટ ચેન્જ અને સસ્ટેનેબલ કન્ઝમ્પશનને આપવામાં આવેલા મહત્વને આવકારે છે. આજે વિશ્વ આયલેન્ડ સ્ટેટ્સની ચિંતા કરે છે અને એવા રાષ્ટ્રોના ભવિષ્ય તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરે છે તે આવકારવાને લાયક છે. આ સાથે તેમની ઇકોસીસ્ટમ તરફ અલગથી લક્ષ્ય નિર્ધારણ કરવું તેને પણ હું એક અત્યંત મહત્વનું પગલું માનું છું.
હું બ્લ્યૂ રીવોલ્યુશનના પક્ષમાં છું, જેમાં આપણા નાના નાના આયલેન્ડ રાષ્ટ્રોની રક્ષાની સાથે સમૃદ્ધિ, સામુદ્રિક સંપત્તિનો નવીનત્તમ ઉપયોગ અને આસમાની આકાશ એ ત્રણેય બાબતો સામેલ છે.
આપણે ભારતના લોકો માટે એ સંતોષનો વિષય છે કે ભારતે વિકાસનો જે માર્ગ પસંદ કર્યો છે તેના અને યુએન દ્વારા પ્રસ્તાવિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વચ્ચે ઘણીસારી સમાનતાઓ રહેલી છે. ભારત આઝાદ થયું ત્યારથી ગરીબીથી મુક્તિ મેળવવા માટેનું સ્વપ્ન દરેકે જોયું છે. આપણે ગરીબોને સશક્ત બનાવીને ગરીબીને દૂર કરવા માટેનો માર્ગ પસંદ કર્યો છે. શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસ એ આપણી પ્રાથમિકતા છે. ગરીબોને શિક્ષણ મળે અને તેમના હાથમાં કૌશલ્ય હોય એ જ આપણો પ્રયાસ છે.
અમે નક્કી કરવામાં આવેલી સમયસીમાની અંદર ફાયનાન્સ ઇલ્યુઝન પર મિશન-મોડ પર કામ કર્યું છે. 180 મિલિયન નવા બેન્ક ખાતાં ખોલવામાં આવ્યાં છે. ગરીબો માટે આ એક સહુથી મોટું એમ્પાવરમેન્ટ છે. ગરીબોને મળવાપાત્ર લાભ સીધા તેમના બેન્ક ખાતામાં જ પહોંચી રહ્યાં છે, ગરીબોને વીમા યોજનાઓનો સીધો લાભ મળે તે માટેની મહત્વાકાંક્ષી યોજના આગળ વધી રહી છે.
ભારતમાં ખૂબ ઓછા લોકો પાસે પેન્શન સુવિધા છે. ગરીબો સુધી પેન્શનની સુવિધા પહોંચે તે માટે પેન્શન યોજનાઓને વિસ્તારવાનું કામ કરવામાં આવ્યું છે. આજે ગરીબથી પણ ગરીબ વ્યક્તિમાં ગરીબી સામે લડવા માટેની ઉમંગ જાગી છે. નાગરિકોના મનમાં સ્વપ્ન સાકાર કરવા માટેનો વિશ્વાસ પેદા થયો છે.
વિશ્વમાં આર્થિક વિકાસની ચર્ચા અત્યાર સુધી બે ક્ષેત્ર પૂરતી જ સિમિત રહી છે. અથવા તો પબ્લિક સેક્ટરની ચર્ચા કરવામાં આવે છે અથવા તો પ્રાઈવેટ સેક્ટરની ચર્ચા કરવામાં આવે છે. અમે એક નવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તે છે પર્સનલ સેક્ટર. પલ્બીક સેક્ટર, પ્રાયવેટ સેક્ટર અને પર્સનલ સેક્ટર. ભારત માટે પર્સનલ સેક્ટરનો અર્થ છે કે વ્યક્તિગત એન્ટરપ્રાઇઝ, જેમાં લઘુધિરાણ હોય, ઇનોવેશન હોય, સ્ટાર્ટ-અપની જેમ નવી મૂવમેન્ટ હોય.
સહુ માટે આવાસ, વીજળી, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એ અમારી પ્રાથમિકતા છે. એક ગરિમામય જીવન માટે આ દરેક અનિવાર્ય છે. આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે એક નક્કર યોજના છે અને એક નિશ્ચિત સમય અવધિમાં તેને પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણ આપણા વિકાસ કાર્યક્રમોનો એક મહત્વપૂર્ણ અંગ છે. જેમાં અમે બેટી બચાવો – બેટી ભણાવો ને ઘર ઘરનો એક મંત્ર બનાવી દીધો છે.
આપણે આપણા ખેતરોને વધારે ફળદ્રુપ અને બજાર સાથે સારી રીતે સંકળાયેલા રહે તે પ્રકારના બનાવી રહ્યાં છીએ. સાથે સાથે પ્રાકૃતિક અનિશ્ચિતાઓને કારણે ખેડૂતો પરના જોખમને ઓછા કરવા માટે પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
અમે ઉત્પાદકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ, સર્વિસ સેક્ટરમાં સુધારો કરી રહ્યાં છીએ. ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રે અમે અભૂતપૂર્વ સ્તરે મૂડીરોકાણ કરી રહ્યાં છીએ અને પોતાના શહેરોને સ્માર્ટ, સસ્ટેનેબલ તથા જીવંત ડેવલપમેન્ટ સેન્ટરના રૂપમાં વિકસિત કરી રહ્યાં છીએ.
સમૃદ્ધિ તરફ આગળ વધનારો આપણો માર્ગ સ્થિર હોય તે માટે અમે કટિબદ્ધ છીએ. આ કટિબદ્ધતાનો મૂળ નિશ્ચિતરૂપે અમારી પરંપરા અને સંસ્કૃતિ સાથે સંકળાયેલું રહેવાનું છે. પરંતુ સાથે જ આ ભવિષ્ય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.
હું એ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરું છું કે જ્યાં ધરતીને માતા કહીને સંબોધવામાં આવે છે અને માનવામાં પણ આવે છે. વેદ ઉદ્ધઘોષ કરે છે કે –
“माता भूमि: पुत्रो अहं पृथिव्या”
આ ધરતી અમારી માતા છે અને અમે એના સંતાન છીએ.
અમારી યોજનાઓ મહત્વાકાંક્ષી અને ઉદ્દેશ્યપૂર્ણ છે જેમ કે..
– આવનારા સાત વર્ષમાં 175 ગીગાવૉટ રીન્યુએબસ એનર્જીની ક્ષમતાનો વિકાસ
– એનર્જી એફિસિયન્સી પર ભાર
– વિશાળ પાયે વૃક્ષારોપણના કાર્યક્રમ
– કોલસા પર વિશેષ ટેક્સ
– પરિવહન વ્યવસ્થામાં સુધારો
– શહેરો અને નદીઓની સફાઈ
– વેસ્ટ ટુ વેલ્થ અભિયાન
માનવતાના છઠ્ઠા ભાગનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ સમસ્ત વિશ્વ માટે તથા આપણી સુંદર વસુંધરા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
નિશ્ચિત રૂપે આ દુનિયા ઓછા પડકાર અને વ્યાપક આશાવાળી દુનિયા હશે, જે પોતાની સફળતાને લઇને અધિક આશ્વસ્ત હશે.
આપણે આપણી સફળતા અને સ્રોતોને અન્ય સાથે વહેંચીશું. ભારતીય પરંપરામાં સમગ્ર વિશ્વને એક પરિવારના રૂપમાં જોવામાં આવે છે.
“उदारचरितानाम तु वसुधैव कुटुंबकम”
ઉદાર બુદ્ધિવાળાઓ માટે તો સંપૂર્ણ સંસાર એક પરિવાર હોય છે, કુટુંબ છે.
આજે ભારત, એશિયા અને આફ્રિકા તથા પ્રશાંત મહાસાગરથી એટલાન્ટિક મહાસાગરમાં આવેલા નાના ટાપુ રાજ્યો સાથે ડેવલપમેન્ટ પાર્ટનરના રૂપમાં પોતાની જવાબદારી નિભાવે છે.
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દરેક દેશો માટે રાષ્ટ્રીય જવાબદારીનો વિષય છે. સાથે સાથે તેમણે નીતિ નિર્ધારણ માટેના વિકલ્પોની પણ જરૂરિયાતો રહે છે.
આજે આપણે અહીં સંયુક્ત રાષ્ટ્રમાં એટલા માટે છીએ કારણ કે આપણે સહુ જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અનિવાર્યરૂપે આપણા દરેક પ્રયાસના કેન્દ્રસ્થાને રહેવી જોઇએ.
આપણા સામૂહિક પ્રયાસોનો સિદ્ધાંત છે – કોમન બટ ડિફરન્શિએટેડ રીસ્પોન્સીબિલિટીઝ.
જો આપણે ક્લાયમેન્ટ ચેન્જની ચિંતા કરીએ છીએ તો ક્યાંકને ક્યાંક આપણા અંગત સુખને સુરક્ષિત કરવાની ગંધ આવે છે. પરંતુ જો આપણે ક્લાયમેન્ટ જસ્ટીસની વાત કરીએ છીએ તો ગરીબોને પ્રાકૃતિક આપદાઓમાં સુરક્ષિત રાખવાનો એક સંવેદનશીલ સંકલ્પ સામે આવે છે.
ક્લાઈમેન્ટ ચેન્જના પડકારોનો સામનો કરવામાં એ સમાધાનો પર પણ ભાર મુકવાની જરૂરિયાત છે કે જેમાં આપણે આપણા ઉદ્ધેશ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઇ શકીએ. આપણે એક વૈશ્વિક જન-ભાગીદારીનું નિર્માણ કરવું પડશે. જેના આધારે ટેકનોલોજી, ઇનોવેશન અને ફાઈનાન્સનો ઉપયોગ કરીને આપણે સ્વચ્છ અને રીન્યુએબલ એનર્જીને સર્વસુલભ બનાવી શકીશુ.
આપણે આપણી જીવનશૈલીમાં પણ બદલાવ કરવાની જરૂર છે જેથી ઊર્જા પર આપણી નિર્ભરતા ઓછી થાય અને આપણે સસ્ટેનેબલ કન્ઝમ્પશનની તરફ આગળ વધી શકીએ.
સાથે સાથે એક ગ્લોબલ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવાની પણ જરૂર છે. જે આપણી આવનારી પેઢીને પ્રકૃતિના રક્ષણ અને સંવર્ધન માટે તૈયાર કરી શકે.
હું આશા કરું છું કે વિકસિત દેશ ડેવલપમેન્ટ અને ક્લાઈમેન્ટ ચેન્જ માટે પોતાની આર્થિક પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરશે. એકબીજાને બાધારૂપ બન્યા વગર આ કાર્યને આગળ વધારવામાં પણ સહકાર સાધવો પડશે.
હું એ પણ આશા કરું છું કે ટેકનોલોજી ફેસિલિટેશન મિકેનિઝમ, ટેકનોલોજી અને ઇનોવેશનને વિશ્વ કલ્યાણનું માધ્યમ બનાવવામાં સફળતા મળશે. તે માત્ર અંગત લાભ સુધી સિમિત નહીં રહે.
જેમ કે આપણે જોઇ રહ્યાં છીએ કે અંતરને કારણે પડકારોથી છુટકારો નથી. સુદૂર દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ અને અભાવની છાયાથી પણ તે ઉભી થઇ શકે તેમ છે. સમગ્ર વિશ્વ એક બીજા સાથે સંકળાયેલું છે, બધા એકબીજા પર નિર્ભર છે અને એકબીજા સાથે સંબંધિત છે. એટલા માટે જ આપણી આંતરરાષ્ટ્રીય ભાગીદારીઓમાં પણ સમગ્ર માનવતાના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખવું પડશે.
સુરક્ષા પરિષદ સહિત સંયુક્ત રાષ્ટ્રમાં પણ સુધારો જરૂરી છે. જેથી તેની વિશ્વસનિયતા તથા ઔચિત્ય બનેલું રહી શકે. સાથે જ વ્યાપક પ્રતિનિધિત્વ દ્વારા આપણે પોતાના ઉદ્દેશોની પ્રાપ્તિને પણ વધારે પ્રભાવી બનાવી શકીએ તેમ છીએ.
આપણે એક એવા વિશ્વનું નિર્માણ કરીએ કે જ્યાં દરેક જીવમાત્ર પોતાને સુરક્ષિત અનુભવે, તેને અવસર મળી શકે અને સન્માન પણ મળે. આપણે આપણી ભાવી પેઢી માટે આપણા પર્યાવરણને વધારે સારી સ્થિતિમાં મુકીને જઇએ. ચોક્કસપણે આનાથી વધારે મહાન કોઇ અન્ય હેતુ ના હોઇ શકે. પરંતુ સત્ય એ પણ છે કે કોઇ પણ હેતુ આનાથી વધારે પડકારજનક પણ નથી.
આજે 70 વર્ષની આયુવાળા સંયુક્ત રાષ્ટ્રમાં આપણી સહુથી એ અપેક્ષા છે કે આપણે આપણા વિવેક, અનુભવ, ઉદારતા, સહૃદયતા, કૌશલ્ય અને તકનિકીના માધ્યમથી આ પડકાર પર વિજય મેળવી શકીએ.
મને દૃઢ વિશ્વાસ છે કે આપણે એવું કરી શકશું.
અંતમાં હું સહુના કલ્યાણની મંગળકામના કરું છું –
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु: मा कश्चिद्दुःखभाग्भवेत्।।
દરેક સુખી રહે, દરેક નિરોગી રહે, દરેક કલ્યાણકારી જુએ, કોઇને કોઇપણ પ્રકારનું દુઃખ ના હોય.
આ મંગળકામના સાથે આપ સહુનો ખૂબ ખૂબ આભાર.
AP/J.Khunt/GP
My speech at the @UN. http://t.co/ltNznpXEIS #UNGA
— Narendra Modi (@narendramodi) September 25, 2015