Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

3જી ઓક્ટોબર, 2018ના રોજ યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ અવોર્ડ સમારોહ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

3જી ઓક્ટોબર, 2018ના રોજ યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ અવોર્ડ સમારોહ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

3જી ઓક્ટોબર, 2018ના રોજ યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ અવોર્ડ સમારોહ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

3જી ઓક્ટોબર, 2018ના રોજ યુએનઈપી ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ અવોર્ડ સમારોહ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આદરણીય મહાનુભવ, એન્ટોનિયો ગુટેરેજ઼જી, મંત્રી પરિષદના મારા સહયોગી સુષ્મા સ્વરાજજી, ડૉ. હર્ષવર્ધનજી, ડૉ. મહેશ શર્મા, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર એરિક સોલ્હેમ, દેશ વિદેશથી પધારેલા અતિથિગણ.

દેવીઓ અને સજ્જનો. હું આ સન્માનને માટે સંયુક્ત રાષ્ટ્રનો હૃદયપૂર્વક આભારી છું. અમારી માટે આ વિશેષ ગર્વની વાત છે કે આ કાર્યક્રમનું આયોજન હિન્દુસ્તાનની ધરતી ઉપર થઇ રહ્યું છે અને તેની માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ પોતે અહિયાં આવ્યા, એરિક અને તેમની સંપૂર્ણ ટીમ અહિં આવી અને જેમ કે મે પહેલા કહ્યું છે, આ સન્માન પર્યાવરણની સુરક્ષા માટે ભારતની સવા સો કરોડ જનતાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. ચેમ્પિયન્સ ઑફ ધ અર્થ એવોર્ડ ભારતની એ નિત્ય નૂતન ચીર પુરાતન પરંપરાનું સન્માન છે જેણે પ્રકૃતિમાં પરમાત્માને જોયા છે, જેણે સૃષ્ટિના મૂળમાં પાંચ તત્વ; પૃથ્વી, આકાશ, અગ્નિ, જળ, વાયુ તેમના અધિષ્ઠાનનું આહ્વાન કર્યું છે. આ ભારતના જંગલોમાં વસેલા આદિવાસી ભાઈઓ બહેનોનું સન્માન છે જેઓ પોતાના જીવન કરતા જંગલોને પ્રેમ કરે છે. આ ભારતના તે માછીમારોનું સન્માન છે જે સમુદ્ર અને નદીઓ પાસેથી તેટલું જ લે છે જેટલું અર્થ ઉપાર્જન માટે જરૂરી હોય છે. આ તે લોકો છે જેઓ કદાચ શાળા કોલેજમાં નહિ ગયા હોય પરંતુ તે લોકો માછલીઓના પ્રજનનની ઋતુમાં મત્સ્યનું કામ, સમુદ્રમાં જવાનું કામ બંધ કરી દે છે. પોતાના કામને રોકી દે છે. આ ભારતના કરોડો તે ખેડૂતોનું સન્માન છે, જેમની માટે ઋતુચક્ર એ જ જીવન ચક્ર છે. જેઓ આ માટીને પોતાના પ્રાણોથી પણ વધુ પ્રિય માને છે. આ ભારતની તે મહાન નારીનું સન્માન છે જેની માટે સદીઓથી રિયુઝ અને રિસાયકલ એ રોજબરોજની જિંદગીનો હિસ્સો રહ્યો છે. જે છોડમાં પણ પરમાત્માનું રૂપ જુએ છે, જે તુલસીના પાંદડા પણ તોડે છે તો ગણીને તોડે છે. જે કીડીને પણ અનાજ આપવાને પુણ્યનું કામ માને છે. આ ભારતમાં પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા બેનામ ચહેરાઓનું સન્માન છે જેઓ લાભ, હાનિ, સુખ સમૃદ્ધિની ચિંતા કર્યા વિના દૂર કોઈ ગામ, કોઈ વસાહત, કોઈ પહાડ, કોઈ આદિવાસી વિસ્તારમાં વર્ષોથી કામ કરી રહ્યા છે. હું આ સન્માન માટે આપ સૌનો હૃદયપૂર્વક ફરી એકવાર આભાર પ્રગટ કરું છું.

ભારતને માટે આ બેવડા સન્માનનો અવસર એટલા માટે પણ છે કારણ કે કોચ્ચી એરપોર્ટને પણ એવોર્ડ મળ્યો છે. આ સંતુલિત ઊર્જાને લઈને અમારી વચનબદ્ધતાનું પ્રતિક છે. આ અવસર પર હું તે તમામ સાથીઓ, સંસ્થાઓને અભિનંદન આપું છું, જેમને જુદી જુદી શ્રેણીઓમાં આ પુરસ્કાર મળ્યો છે, વિશ્વના જુદા-જુદા દેશોમાં મળ્યો છે. સાથીઓ, હું પર્યાવરણ અને પ્રકૃતિને લઈને ભારતીય દર્શનની વાત એટલા માટે કરું છું કારણ કે જળવાયુ અને કુદરતી આફતનો સંસ્કૃતિ સાથે સીધો સંબંધ છે. જળવાયુની ચિંતા જ્યાં સુધી સંસ્કૃતિનો ભાગ નથી હોતી ત્યાં સુધી કુદરતી આપદાથી બચી શકવું મુશ્કેલ છે. પર્યાવરણ પ્રત્યે ભારતની સંવેદનાને આજે વિશ્વ સ્વીકાર કરી રહ્યું છે. પરંતુ જેમ કે મે પહેલા પણ કહ્યું છે કે હજારો વર્ષોથી અમારી જીવન શૈલીનો હિસ્સો રહ્યો છે અને હમણાં સુષ્માજીએ આ વાતનો ઉલ્લેખ કર્યો. અમે તે સમાજનો હિસ્સો છીએ જ્યાં સવારે ઉઠીને સૌથી પહેલા ધરતી માતા પાસે ક્ષમા માંગવામાં આવે છે કારણ કે તેની ઉપર આપણે પોતાના પગ મુકવાના છીએ. એક રીતે આપણો બોજ ધરતી ઉપર નાખવાના છીએ. અમારે ત્યાં કહેવાય છે –

समुद्र वसने देवी पर्वत स्तन मंडिते

विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्शं क्षमश्वमेव

 તેનો અર્થ એ છે કે સમુદ્ર રૂપી વસ્ત્ર ધારણ કરનારી, પર્વત રૂપી શરીરવાળી ભગવાન વિષ્ણુની પત્ની, હે ભુમીદેવી હું તમને નમસ્કાર કરું છું. મને ક્ષમા કરજો કારણ કે હું તમને મારા પગ વડે સ્પર્શ કરી રહ્યો છું. આ સંવેદના છે જે અમારા જીવનનો હિસ્સો છે. વૃક્ષો અને છોડની પૂજા કરવી, મોસમ, ઋતુઓને વ્રત અને તહેવારના રૂપમાં માનવા. હાલરડાં, લોકકથાઓમાં પ્રકૃતિના સંબંધની વાત કરવી. અમે પ્રકૃતિને હંમેશા સજીવ માની છે. અને માત્ર સજીવ માની છે એવું નથી, અમે એ લોકો છીએ જેમણે પ્રકૃતિને સજીવ માની છે, સહજીવ પણ માની છે. પ્રકૃતિની સાથે આ ભાવ અને સંબંધની સાથે જ સમગ્ર બ્રહ્માંડની કામનાને અમારે ત્યાં સર્વોપરી માનવામાં આવી છે. યજુર્વેદમાં એટલા માટે જ કહેવામાં આવ્યું છે –

ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति:,

पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।

वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,

सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥

ॐ शान्ति: शान्ति: शान्ति:॥

 સાથીઓ સંસ્કૃતના આ શ્લોકમાં પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી છે કે વાયુમાં શાંતિ હોય, અંતરીક્ષમાં શાંતિ હોય, પૃથ્વી પર શાંતિ હોય, જળમાં શાંતિ હોય, ઔષધીમાં શાંતિ હોય, વનસ્પતિઓમાં શાંતિ, વિશ્વમાં શાંતિ હોય, તમામ દેવતાગણમાં શાંતિ હોય. સમગ્ર વિશ્વની શાંતિ માટે આ મંત્ર વડે આહ્વાન કર્યા વિના અમારા કોઇપણ યજ્ઞ અનુષ્ઠાન પુરા નથી થતા, જ્યાં સુધી આ નથી થતું. અને વળી સ્વયં ઈશ્વરને પોતાનો પરિચય આપવો હતો, પોતાના વિસ્તારનું વર્ણન કરવું હોય છે તો સ્વયં ઈશ્વર પણ કહે છે –

श्रोतस् असमी जाह्नवी,

संसार असमी सागर

 અર્થાત હું જ જળાશય છું, હું જ નદી છું અને હું જ સમુદ્ર પણ છું. એટલા માટે જે સન્માન તમે આપ્યું તે ભારતની જનતા અને તેના લોકોની આ આસ્થાનું સન્માન છે.

સાથીઓ ભારતની અર્થવ્યવસ્થા આજે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. દર વર્ષે કરોડો લોકો ભીષણ ગરીબીની સ્થિતિમાંથી બહાર આવી રહ્યા છે. વિકાસની આ ગતિને વધુ ગતિમાન બનાવવા માટે અમે સમર્પિત છીએ. એટલા માટે નહીં કારણ કે અમારે કોઈની સાથે સ્પર્ધામાં ઉતરવું છે અથવા તો પછી અમને સંપન્નતાનો લોભ છે પરંતુ એટલા માટે કારણ કે જનસમુદાયના એક ભાગને ગરીબીના દુઃખ સહન કરવા માટે અમે આવી રીતે નથી છોડી શકતા. તેમને ગરિમાપૂર્ણ જીવન આપવું એ આપણા સૌની જવાબદારી છે. દુનિયાના અનેક દેશોમાં સૌથી ગરીબ જ પ્રકૃતિના અંધાધુંધ દોહનના દુષ્પરિણામોને સહન કરી રહ્યા છે. દુષ્કાળ અને પૂરની ગંભીરતા દર વર્ષે વધી રહી છે. અને તેમાં સૌથી વધુ પરેશાન તે લોકો થઇ રહ્યા છે જેમની પાસે સીમિત સંસાધન છે, જેઓ ગરીબ છે. પરિણામ સ્વરૂપ આ ઘણા મોટા જનસમુદાયને પર્યાવરણ પર, પ્રકૃતિ પર વધારાનું દબાણ નાખ્યા વિના વિકાસના અવસરો સાથે જોડવા માટે મદદની જરૂર છે. હાથ પકડવાની જરૂર છે. એટલા માટે પેરીસમાં પણ મે એ વાતની વકીલાત કરી છે કે અને મેં એક શબ્દ દુનિયાની સામે પ્રસ્તુત કર્યો છે. અને મે વકીલાત કરી છે જળવાયુ ન્યાયની જળવાયુ પરિવર્તનના પડકારથી જળવાયુ ન્યાય સુનિશ્ચિત કર્યા વિના આપણે આ પરિસ્થિતિમાંથી બહાર નહીં આવી શકીએ. મને ખુશી છે કે પેરિસ સમજૂતીમાં આ વાતને દુનિયાએ સ્વીકારી છે અને જળવાયુ ન્યાયને લઈને પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. પરંતુ તેને જમીન પર ઉતારવા માટે હજુ પણ આપણે ઘણું બધું કરવાનું બાકી છે અને ઝડપથી કરવાનું છે.

અહિયાં ઉપસ્થિત મહાનુભાવ એન્ટોનિયો ગુટેરેજ઼નો ખાસ કરીને આભારી છું કે તેમણે આ સમયની માંગને સમજી, તેમણે ક્યોટો પ્રોટોકોલના બીજા કટિબદ્ધતા પીરીયડની રેટિફીકેશન પ્રક્રિયા અને સંતુલિત વિકાસના લક્ષ્યના અમલીકરણમાં ઝડપ લાવવા માટે ભરપુર પ્રયાસો કર્યા છે. અને એટલા માટે અમે ભારતમાં સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર પર આગળ વધી રહ્યા છીએ. જ્યારે હું સૌના વિકાસની વાત કરું છું તો તેમાં પ્રકૃતિ પણ સામેલ છે અને તેમાં સૌનો સાથ એટલે કે સવા સો કરોડ દેશવાસીઓની સક્રિય ભાગીદારીનું પણ આહ્વાન કરું છું.

સાથીઓ, આપણી અર્થવ્યવસ્થા માટે ગામડાઓ અને શહેરો બંને મહત્વપૂર્ણ સ્તંભ છે. અમારે ત્યાં રોજગારનો એક મોટો ભાગ ગામ અને ખેતીની સાથે સંકળાયેલ છે તો અમારે ત્યાં શહેર સેવા અને ઉત્પાદનના એટલે કે ઔદ્યોગિક કેન્દ્રો છે અને એટલા માટે સરકાર સંપૂર્ણ પહોંચ સાથે કામ કરી રહી છે. દેશના વર્તમાન અને ભવિષ્યને માટે સરકારની દરેક નીતિનો આધાર હર્યું ભર્યું અને સ્વચ્છ પર્યાવરણ છે. સાથીઓ અમારા ગામ હંમેશાથી જ પર્યાવરણ પ્રત્યે સચેત રહ્યા છે, તેઓ પ્રકૃતિની સાથે જોડાયેલા રહ્યા છે. પાછલા ચાર વર્ષોથી અમારે ત્યાં ગામડાઓએ પોતાની આ શાશ્વત શક્તિને વધુ વિસ્તૃત કરી છે. ગામડાઓમાં પણ વેસ્ટ ટુ વેલ્થ અને વેસ્ટ ટુ એનર્જી જેવી પહેલો દ્વારા બાયો વેસ્ટને ઊર્જામાં બદલવાના પ્રયાસો શરુ થયા છે. ઓર્ગેનિક ખેતરથી લઈને સોઇલ હેલ્થ કાર્ડ અને ટીપા દીઠ વધુ પાકને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેનાથી અમારી માટી અને જળસ્ત્રોતોને ઝેરીલા કેમિકલથી મુક્તિ મેળવવામાં મદદ મળી રહી છે અને પાણીના યોગ્ય ઉપયોગની ભાવના પ્રબળ થઇ છે. જ્યાં અમે ઉદ્યોગ અને ઉત્પાદનોની વાતો કરીએ છીએ તો અમારૂ લક્ષ્ય છે ઝીરો ડીફેકટ, ઝીરો ઈફેક્ટ. જ્યારે અમે કૃષિની વાત કરીએ છીએ તો અમારું લક્ષ્ય રહ્યું છે ટીપા દીઠ વધુ પાક.

સાથીઓ, આજે ભારત દુનિયાના તે દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ઝડપી ગતિએ શહેરીકરણ થઇ રહ્યું છે. એવામાં પોતાના શહેરી જીવનને સ્માર્ટ અને સંતુલિત બનાવવા ઉપર પણ અમે બળ આપી રહ્યા છીએ. આજે દેશભરમાં જે પણ આગામી પેઢીનું માળખાગત બાંધકામ જરૂરી છે અને તે સંતુલિત પર્યાવરણીય અને સમાવેશી વૃદ્ધિના લક્ષ્યની સાથે બનાવવામાં આવી રહ્યું છે. આજે ભારતમાં સો સ્માર્ટ સીટીનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ગટરથી લઈને દેખરેખ સુધી સ્માર્ટ વ્યવસ્થાઓ વિકસિત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્થાનીય લોકોના સૂચનોના આધાર પર અત્યાધુનિક ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઊર્જા આ વ્યવસ્થાનો આધાર છે. દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક્સપ્રેસવેને પર્યાવરણ અનુકૂળ બનાવવામાં આવી રહ્યો છે. તેની સાથે સાથે ગ્રીન કોરીડોર પણ વિકસિત કરવામાં આવી રહ્યો છે. નવા હાઈવેની સાથે-સાથે વિકસિત થઈ રહી રહેલી અન્ય સુવિધાઓની તમામ ઊર્જા જરૂરિયાતો સોલાર પાવર વડે પૂરી કરવાનો અમે ભરપુર પ્રયાસ કરી રહ્યા છીએ. મેટ્રો જેવા સીટી ટ્રાન્સપોર્ટ નેટવર્કને પણ સૂર્ય ઊર્જા સાથે જોડવામાં આવી રહ્યા છે, ત્યાં બીજી બાજુ રેલવેની અશ્મિભૂત બળતણ ઉપરની નિર્ભરતાને અમે ઝડપથી ઓછી કરી રહ્યા છીએ.

સાથીઓ આજે ભારતમાં ઘરોથી લઈને ગલીઓ સુધી, ઓફીસોથી લઈને રસ્તાઓ સુધી અને બંદરથી લઈને એરપોર્ટ સુધી જળ અને ઊર્જા સંરક્ષણની ચળવળ ઝડપી ગતિએ ચાલી રહી છે. એલઈડી બલ્બથી લઈને વરસાદના પાણીના સંગ્રહ સુધી દરેક સ્તર પર ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, ઘરના રસોડાથી લઈને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને પણ સ્વચ્છ ઇંધણ આધારિત બનાવવાની દિશામાં અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. વીતેલા ચાર વર્ષોમાં દસ કરોડથી વધુ ઘરોને એલપીજી સાથે જોડવામાં આવ્યા છે, જેમાં સાડા પાંચ કરોડથી વધુ તો ઉજ્જવલા યોજનાના માધ્યમથી આપવામાં આવેલ મફત ગેસના જોડાણો છે. ઘરોની સાથે સાથે મોબીલીટીને પણ ધુમાડામુક્ત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. હવાની ગુણવત્તાને સુધારવા માટે એનકેપ એટલે કે નેશનલ ક્લીન એર કાર્યક્રમ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. વાહનો માટે ઉત્સર્જન માનાંક નક્કી કરવાની વાત આવી તો અમે બીએસ-4થી સીધા બીએસ-6 માનાંકને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

સાથીઓ આજે જ્યારે ભારતનું ધ્યાન જીવન જીવવાની સરળતા ઉપર છે. સૌને ઘર, સૌને વીજળી, સૌને ભોજન, સૌને શિક્ષણ, સૌને રોજગાર એ અમારા મહત્વપૂર્ણ પાસાઓ છે. અને એટલે જ પર્યાવરણને લઈને અમારી પ્રતિબદ્ધતામાં વૃદ્ધિ થઇ છે, અમે ક્યારેય ખોટ નથી આવવા દીધી. અમારો પ્રયાસ છે કે આગામી બે વર્ષોમાં ઉત્સર્જનની તીવ્રતા વર્ષ 2005ના સ્તરની સરખામણીમાં 20થી 25 ટકા ઓછી થઇ ગઈ હશે. અમારો પ્રયત્ન તેને વર્ષ 2030 સુધીમાં 30થી 35 ટકા સુધી ઓછી કરવાનો છે. આ બધા જ પ્રયાસોની વચ્ચે જો સૌથી મોટી સફળતા અમને કોઈ મળી છે તો તે છે લોકોના વર્તનમાં, લોકોની વિચાર પ્રક્રિયામાં બદલાવ. પર્યાવરણ પ્રત્યે લગાવ અમારી આસ્થાની સાથે સાથે હવે આચરણમાં પણ વધુ મજબુત થઇ રહ્યો છે. આ જ કારણથી ભારત આજે એ સંકલ્પ લઇ શક્યો છે કે તે પોતે 2022 સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરીને રહેશે. મને વિશ્વાસ છે કે મહાત્મા ગાંધીના વિરાટ વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈને નવું ભારત પોતાના આ સંકલ્પોને પૂર્ણ કરશે અને વિશ્વની માટે એક મોડલ બનીને ઉભરશે. ભારતના પ્રયાસોને સન્માન આપવા માટે હું ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આપ સૌ સમય કાઢીને આ મહત્વપૂર્ણ અવસરમાં સામેલ થયા, વ્યક્તિગત રૂપે એ મારી જવાબદારી બને છે કે જે સંકલ્પોને લઈને આપણે ચાલ્યા છીએ તેને પુરા કરવામાં આપણે કોઈ કમી ના રાખીએ અને આગળ આવીને અમારો જુસ્સો બુલંદ કર્યો છે.

હું એટલા માટે આપ સૌનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર માનું છું.

આભાર!

 

RP