Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

31 જાન્યુઆરી, 2019નાં રોજ સંસદમાં બજેટ સત્ર પૂર્વે પ્રધાનમંત્રીએ મીડિયાને આપેલા વક્તવ્યનો મૂળપાઠ

31 જાન્યુઆરી, 2019નાં રોજ સંસદમાં બજેટ સત્ર પૂર્વે પ્રધાનમંત્રીએ મીડિયાને આપેલા વક્તવ્યનો મૂળપાઠ


આપને સૌને 2019ની ખૂબ-ખૂબ શુભકામનાઓ. આજે બજેટ સત્ર ચાલુ થઈ રહ્યું છે. થોડી જ વારમાં માનનીય રાષ્ટ્રપતિજી બંને સદનોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ગયા વખતનું સદનનું સ્વરૂપ આપણે સૌએ જોયું છે. આજે દેશમાં એક જાગૃતિ છે, દરેક નાગરિક સદનની પ્રક્રિયાઓને ખૂબ ઝીણવટપૂર્વક જુએ છે અને આજે દેશની દરેક નાની-મોટી ઘટનાની પણ ઘણી પહોંચ છે તો સામાન્ય માનવી સુધી દરેક વાત પહોંચે છે અને તેના કારણે ચર્ચા-વિચારણામાં જેને રસ નથી હોતો, વાદ-વિવાદમાં જેને રસ નથી હોતો, તેમના પ્રત્યે સમાજમાં સ્વાભાવિક નારાજગી ઉત્પન્ન થાય છે.

હું આશા રાખું છું કે આપણા દરેક આદરણીય સાંસદ આ જન-ભાવનાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્રનો ઉપયોગ ગંભીરતાથી, વિસ્તારપૂર્વક અને માહિતીસભર ચર્ચામાં ભાગ લઇને કરે, પોતાના વિચારો પ્રસ્તુત કરે, સદનને લાભાન્વિત કરે, સરકારને પણ લાભાન્વિત કરે અને આપણી પાસે આ સત્રમાં જેટલું પણ કાર્ય છે, તેનો મહત્તમ ઉપયોગ આપણા દરેક આદરણીય સાંસદ કરે એવી મારી અપેક્ષા છે અને હું એ પણ જાણું છું કે હવે પોત-પોતાના ક્ષેત્રમાં પણ તેમણે જવાનું છે, તો આ વખતે સદનમાં જે ઉત્તમ અને સકારાત્મક વ્યવહાર થયો હશે, તેનો એક સકારાત્મક લાભ મેદાનમાં પણ, સભ્યો તરફથી લોકોનાં વ્યવહારમાં પણ જોવા મળે છે.

મને વિશ્વાસ છે કે આ ગંભીરતાને દરેક લોકો સ્વીકારશે. ‘સૌનો સાથ – સૌનો વિકાસ’ આ મંત્રને લઈને અમે ચાલીએ છીએ, આગળ પણ તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ, સદનમાં પણ સૌનો સાથ લઈને દેશનાં વિકાસ માટે કાર્ય કરવાના નિર્ણયોમાં અમે આગળ વધવા માગીએ છીએ. અમારો પૂર્ણ પ્રયાસ રહેશે, દરેક વિષય પર ચર્ચા કરવા માટે અમે ઉત્સુક છીએ. હું ખુલ્લા મનથી ચર્ચાનું સ્વાગત કરીશ, સદનની પ્રક્રિયા સારી રીતે ચાલે તેનું હું સ્વાગત કરીશ, હું સ્વાગત કરીશ કે અહિં દરેક સભ્યો મળીને ભવિષ્યનાં ભારતનાં નિર્માણમાં કંઈક ને કંઈક યોગદાન આપવાનું ગૌરવ પ્રાપ્ત કરે.

ખૂબ – ખૂબ ધન્યવાદ.

NP/J.Khunt/GP/RP