Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

4 માર્ચ, 2019ના રોજ જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

4 માર્ચ, 2019ના રોજ જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

4 માર્ચ, 2019ના રોજ જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

4 માર્ચ, 2019ના રોજ જાસપુરમાં વિશ્વ ઉમિયાધામ મંદિર સંકુલના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ


બોલ મારી મા – જય-જય ઉમિયા

બોલ મારી મા – જય-જય ઉમિયા

બોલ મારી મા – જય-જય ઉમિયા

બોલ મારી મા – જય-જય ઉમિયા

આજે શિવરાત્રી છે,

હર-હર મહાદેવ

વિશાળ સંખ્યામાં પધારેલા માં ઉમિયાના સૌ ભક્તજનો.

આજે જ્યારે ઉમિયાના ધામમાં આપણે આવ્યા છીએ શક્તિની ઉપાસનાને વરેલા છીએ, તો ત્રણ જયકાર પહેલા બોલાવીશું અને ત્યાર પછી હું મારી વાત કરીશ. ભારત માતાની જયના ત્રણ જયકારા બોલવા છે.

પરાક્રમી ભારતની માટે, ભારત માતાની – જય

વિજયી ભારતની માટે, ભારત માતાની – જય

વીર જવાનો માટે, ભારત માતાની – જય

હું સૌથી પહેલા સૌ ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનું છું, તેમને અભિનંદન આપું છું કે તેમણે ખૂબ મહત્વપૂર્ણ કામનું બીડું ઉઠાવ્યું છે. આપણા દેશમાં એક વર્ગ એવો છે, જેની માન્યતા એમ છે કે આ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ નકામી હોય છે, એવો એક વર્ગ છે. એમને એમ જ લાગે છે કે આ બધી પ્રવૃત્તિઓ સમાજનું ભલું કરનારી નથી, થોડાકનું ભલું કરનારી છે, એમના અજ્ઞાન પર દયા આવે છે.

હજારો વર્ષનો આપણો ઇતિહાસ છે કે આ દેશને ઋષીઓએ, મુનીઓએ, આચાર્યોએ, સંતોએ, ભગવંતોએ, ગુરુજનોએ, શિક્ષકોએ, વૈજ્ઞાનિકોએ, ખેડૂતોએ – આ સઘળાના યોગદાનથી બનેલો છે અને આ સઘળાનું ચાલક બળ આપણા દેશમાં આપણી આધ્યાત્મિક પરંપરા રહી છે, આધ્યાત્મિક વિરાસત રહી છે. ગુલામીના કાળખંડમાં પણ આટલી મોટી લડાઈ હજાર- બારસો વર્ષ સુધી આપણે લડી રહ્યા હતા, હિન્દુસ્તાનના દરેક ખૂણે, દરેક વખતે, દેશની અસ્મિતા, દેશની સંસ્કૃતિ, દેશની પરંપરા માટે મરજીવાઓની કતાર લાગેલી રહી. કઈ પ્રેરણા હશે? આ દેશની આધ્યાત્મિક ચેતના, આ દેશની આધ્યાત્મિક વિરાસત, સમાજ જીવનને દોરવાનું કરવાનું કામ પણ આપણી આધ્યાત્મિક વ્યવસ્થાથી થયું છે.

એક પ્રકારે આપણી આધ્યાત્મિક વ્યવસ્થાઓ અને પરંપરાઓ સામાજિક ચેતનાના કેન્દ્રમાં રહી છે અને તેના દ્વારા સામાજિક જીવનમાં સમયાનુકૂળ પરિવર્તન પણ આવ્યું છે. સમય જતા કેટલીક ચીજો વિસરાઈ ગઈ હોય. ઘણીવાર લૌકિક રીતો રહી ગઈ હોય, આત્મા ખોવાઈ ગયો હોય પણ તેમ છતાં તેના મૂળમાં જઈએ તો ફરી વાર એવી ચેતના પ્રગટ થતી જોવા મળે છે. ઘણા લોકોને લાગતું હતું કે ભાઈ કુંભનો મેળો, ત્રણ વર્ષે નાનો કુંભ અને બાર વર્ષે મોટો કુંભ. હકીકતે તો દર ત્રણ વર્ષે હિંદુસ્તાનના ખૂણે-ખૂણેથી આવીને સંત જન, વિદ્વાનજન બેસીને સમાજની ચર્ચા કરતા હતા અને ટાઈમટેબલ બનાવીને તેમાં કામ શું-શું થયું તેનો હિસાબ કિતાબ લગાવતા હતા અને બાર વર્ષે મળીને જ્યારે મોટો કુંભ થાય ત્યારે એ બાર વર્ષમાં સમાજમાં શું બદલાવ જરૂરી છે, જૂની કેટલી બાબતો ફેંકી દેવા જેવી છે, નવી કેટલી બાબતો સ્વીકારવા જેવી છે અને આગળના બાર વર્ષોની માટે કઈ દિશામાં જવું છે તેનો દિશાનિર્દેશ આ કુંભના મેળાના મંથન-ચિંતનમાંથી નીકળતો હતો.

આપણે ત્યાં આધ્યાત્મિક ચેતનાની એક વ્યવસ્થા રહી છે. આ વખતે જે પ્રયાગરાજમાં કુંભનો મેળો થયો, દુનિયાના ગણમાન્ય અખબારો, ભૂતકાળમાં કુંભનો મેળો થાય તો નાગા બાવાઓનું વર્ણન કરવામાં જ એમની વાત પૂરી થતી હતી, અખાડાઓની જ ચર્ચા કરવામાં પૂરી થતી હતી, આ વખતે કુંભના મેળાની ચર્ચા દુનિયાના અખબારોમાં થઇ અને સ્વચ્છતા બાબતે થઈ. કુંભના મેળાની સ્વચ્છતા જેની આખી દુનિયામાં નોંધ લેવાઈ, આ પ્રેરણા આધ્યાત્મિક ચેતનામાંથી પ્રગટતી હોય છે.

સો વર્ષ પહેલા મહાત્મા ગાંધી હરિદ્વાર કુંભના મેળામાં ગયા હતા અને ત્યાં ગયા પછી એમણે એક લાગણી વ્યક્ત કરી હતી કે આપણો કુંભનો મેળો સ્વચ્છ કેમ ન હોય? સો વર્ષે આ કામ પૂરું કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. કહેવાનું તાત્પર્ય એ કે આપણે ત્યાં આધ્યાત્મિક શક્તિ રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે આધ્યાત્મિક શક્તિનો અનાદર, આધ્યાત્મિક શક્તિની ઉપેક્ષા, આધ્યાત્મિક ચેતનાના સંદર્ભમાં ઠંડુ વલણ, તેના કારણે આ દેશના કોટી-કોટી લોકોની શક્તિ અને શ્રદ્ધા આઝાદી પછી રાષ્ટ્ર નિર્માણના કામે લાગવી જોઈતી હતી એ કમનસીબે ન લાગી. પરંતુ સદનસીબે આજે સમાજની અંદર આધ્યાત્મિક વ્યવસ્થા અંતર્ગત સમાજ સુધારકો ફરી આગળ આવી રહ્યા છે. અને હિન્દુસ્તાનના કોઇ પણ ખૂણામાં જાવ, આઝાદીનું આંદોલન પણ… આઝાદીના આંદોલનને જોઈશું તો તેની પીઠીકા ભક્તિયુગમાં સમાયેલી છે. આ દેશના ભક્તિયુગમાં, આ દેશના સંતો મહંતો, ભલે તે સ્વામી વિવેકાનંદ હોય, ચૈતન્ય મહાપ્રભુ હોય, રમણ મહર્ષિ હોય, હિન્દુસ્તાનના ખૂણે-ખૂણે, સમાજમાં ખૂણે-ખૂણે તેની ચિંતા સંતો મહંતોએ કરી અને એક આધ્યાત્મિક ચેતનાનું પીઠબળ ઊભું થયું જેણે 1857ની ક્રાંતિને જન્મ આપ્યો હતો.
ફરી એકવાર આ દેશમાં આધ્યાત્મિક ચેતના જાગૃત થતી જોવા મળે છે. હું આ શક્તિને આધ્યાત્મિક શક્તિ તરીકે જોઉં છું. કોઈ એક જ્ઞાતિની શક્તિ તરીકે હું નથી જોતો. આધ્યાત્મિક ચેતના છે અને આધ્યાત્મિક ચેતના રાષ્ટ્રના પુનર્નિર્માણનો પાયો રચવાનું કામ કરી રહી છે અને એટલા માટે મા ઉમિયાના ચરણોમાં વંદન કરવા આવ્યો છું.
અને હવે ધીમી ગતિ આ દેશમાં ચાલે એમ નથી, થીગડે-થીગડે ચાલે એમ નથી, અડધું-અધૂરું ચાલે એમ નથી, નાનું-નાનું કર્યે એમ મેળ પડે એમ નથી, જે કરવું એ મોટું જ કરવું પડે. કરવું જોઈએ કે ન કરવું જોઈએ? થઇ રહ્યું છે કે નથી થઇ રહ્યું? જો આવો મિજાજ ન હોત ને તો આ દુનિયાનું સૌથી મોટું સરદાર પટેલનું આ સ્ટેચ્યૂ ન બન્યું હોત સાહેબ. મોટું બનાવવું તો ખાલી હિન્દુસ્તાનમાં જ મોટું શું કામ, દુનિયામાં સૌથી મોટું શું કામ ન કરીએ. કેટલાક લોકોને તકલીફ પડે છે.

શા માટે, શા માટે હિન્દુસ્તાનમાં બુલેટ ટ્રેન ન હોવી જોઈએ ભાઈ? શા માટે દુનિયાની શ્રેષ્ઠ ચીજો ભારતમાં ન હોવી જોઈએ? અને વીર જવાનો પરાક્રમ કરે તો નાનું શું કામ કરે? મોટું કરે, પાક્કું કરે અને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે. ભારતનો મિજાજ બદલાયો છે. ભારતના સામાન્ય માનવીનું મન બદલાયું છે અને એના કારણે દેશ આજે સંકલ્પ પણ લઇ શકે છે અને સિદ્ધિ પણ હાંસલ કરી શકે છે.

મા ઉમિયાની છત્ર છાયામાં અહિં આધ્યાત્મિક ચેતનાના તો સૌને આશીર્વાદ પ્રાપ્ત થવાના જ છે પરંતુ સમાજને જ્યાં શ્રદ્ધા છે તેના આધારે બદલવો જરા સરળ હોય છે. કોઈએ કલ્પના કરી હતી કે આખી દુનિયા નાક પકડીને બેસે અને યોગ શીખવાની કોશિશ કરતી હોય એવી ક્યારેય કોઈએ કલ્પના કરી હતી? દુનિયાના કોઇ પણ ખૂણામાં જાવ, આજે યોગની ધૂમ મચી ગઈ છે. આ યોગ મોદી નથી લાવ્યા, આ તો ઋષિ-મુનીઓની વિરાસત છે, મોદીએ હિમ્મતપૂર્વક દુનિયાને કહ્યું ચાલો આ રસ્તો છે, હું બતાવું તમને અને દુનિયા ચાલી નીકળી.

આજે જ્યારે મા ઉમિયાના ચરણોમાં બેઠા છીએ ત્યારે, ત્યારે જો છગનબાપાને યાદ ના કરીએ તો આપણે નાના દેખાઈએ, અહિં જેટલા પણ બેઠા છીએ, જ્યાં પણ છીએ, તેના મૂળમાં છગનબાપાની દીર્ઘ દ્રષ્ટિ હતી એ સ્વીકારવું પડે. એમણે એ વખતે દીકરીઓને ભણાવવાનું બીડું ઉપાડ્યું હતું અને જ્યારે છગનબાપાની શતાબ્દી ઉજવતા હતા ત્યારે મેં ફરી કહ્યું હતું કે આ મહાપુરુષે કોઈ આટાપાટા નહીં, એને ખબર હતી કે આ સમાજને આગળ લઇ જવો હોય તો રસ્તો કયો છે? અને તેમણે શિક્ષણનો રસ્તો પકડ્યો હતો અને આજે આ પાટીદાર સમાજ ક્યાંથી ક્યાં પહોંચી ગયો!

પણ હવે આ એક છગનબાપાથી નહીં ચાલે, હવે સેંકડો છગનબાપાઓની જરૂર છે, જે સમાજને નવું સામર્થ્ય આપે, નવી ચેતના આપે અને નવા માર્ગે ચાલવાની નવી હિંમત આપે. એવી વ્યવસ્થા વિકસિત મા ઉમિયાના ધામમાં થશે એવો મને ભરોસો છે.

ભાઈ સી. કે. જેવા નવયુવાનોની ટીમ કામે લાગી છે. સી. કે. ને હું ત્રીસ વર્ષથી ઓળખતો હોઈશ, ત્રીસ કરતા પણ વધુ થઇ ગયા હશે. કાયમ હસતો, કાયમ દોડતો માણસ અને પવિત્ર ભાવથી કામ કરનારો વ્યક્તિ, હું એમને બહુ નિકટથી ઓળખું છે અને એટલે મને ખાતરી છે કે આ ટીમ, અમારા આર. પી. દોડાદોડ કરનારો માણસ અને આ નવી ટીમે આ બધું ઉપાડ્યું છે અને જૂની ટીમે આશીર્વાદ આપ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ સમય કરતા વહેલું કામ થશે અને ધાર્યા કરતા સારું થશે.

પણ બધા આગળ જઈએ અને ખોટા રસ્તે જઈએ તો ભાઈ આગળ ગયેલા કહેવાઈએ? કહેવાય? આ મા ઉમિયાની પૂજા કરીએ અને મા ના ગર્ભમાં દીકરીને મારી નાખીએ તો મા માફ કરે કે? કેમ ચુપ થઇ ગયા? ના-ના ચૂપ કેમ થઇ ગયા? જુઓ હું તમારી જ વચ્ચે મોટો થયો છું એટલે તમને કહેવાનો મને હક છે. પ્રધાનમંત્રી છું એટલે નથી કહી રહ્યો. તમારી વચ્ચે જ મોટો થયો છું અને હું પહેલા ઊંઝાના લોકો પર ખૂબ નારાજ રહેતો હતો. મેં ઊંઝાના લોકોને જેટલો ઠપકો આપ્યો હશે એટલો કોઈને નહીં આપ્યો હોય. કારણ? આખા ગુજરાતમાં દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછામાં ઓછી ક્યાંય હતી તો એ ઊંઝા તાલુકામાં હતી. જ્યાં મા ઉમિયા બિરાજતા હોય ત્યાં દીકરીઓને મારી નાખવામાં આવતી હતી.

આ મા ઉમિયાના આશીર્વાદ લઈને આજે મારે તમારી પાસે માગવું છે, માગું? આપશો? ઉમિયા માતાની સાક્ષીએ આપવાનું છે હો? આ બધા તમારી પાસે પૈસા લેવા આવશે, આ હજાર કરોડ કહ્યા છે એ પુરા કરવા પડશે ને? મારે કાણી પાઈ નથી જોઈતી. મારે બીજું કંઈક જોઈએ છે. આપશો? એમ નહીં બંને હાથ ઊંચા કરીને બોલો, આપશો? બધાને મંજૂર? આજે મા ઉમિયાના ચરણોમાં બેઠા છીએ બંને હાથ ઉપર કરીને મા ઉમિયાને પગે લાગીને, પ્રણામ કરીને વાત કરીએ, હવેથી આપણા સમાજમાં, જરા બોલો હવે આપણા સમાજમાં, ભૂલથી પણ દીકરીઓને મારવાના પાપમાં નહીં પડીએ, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ, આપણા સમાજમાં જન્મેલો ડૉક્ટર પણ પૈસા કમાવા ખાતર આ ખોટે રસ્તે નહીં જાય અને આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીને બીજા સમાજના લોકોને પણ સમજાવીએ કે દીકરો દીકરી બંને બરાબર છે અને આજે તમે જુઓ રમત-ગમત જુઓ, સૌથી વધારે ગોલ્ડ મેડલ દીકરીઓ લઇ આવે છે, દસમાંના પરિણામ જુઓ, સૌથી વધારે ટકા દીકરીઓ લાવે છે, બારમાંનું રિઝલ્ટ લો, વધુમાં વધુ પરિણામ દીકરીઓ લાવે છે અને કેટલાક લોકોને ભ્રમ છે કે દીકરો હોય તો ઘડપણ સારું જાય, આ ભ્રમમાંથી બહાર આવો, ચાર બંગલા હોય, ચાર દીકરા હોય અને બાપ વૃદ્ધાશ્રમમાં પડ્યો હોય છે અને દીકરી એકની એક હોય, મા-બાપ ઘરડા થયા હોય તો દીકરી નક્કી કરતી હોય છે કે મારે લગ્ન નથી કરવા, હું મારા ઘરડા મા-બાપની સેવા કરીશ અને આ સમાજને હું આજે હકથી માંગવા આવ્યો છું અને મને ખાતરી છે કે આ પડ્યો બોલ ઝીલે એવો આ સમાજ છે.

મા ઉમિયાના આશીર્વાદ લઇને સમાજમાં ક્રાંતિ લાવીએ. અને બીજી મને એક ચિંતા સતાવે છે. એ ચિંતા સતાવે છે એટલે હું કોઈ આરોપ નથી કરતો, કમનસીબે આપણી જે નવી પેઢી આવી રહી છે એમાં કેટલીક ચીજો એવી ઘર કરી ગઈ છે અથવા ઘુસી રહી છે, એ આપણી આવનારી પેઢીઓને તબાહ કરી નાખે એવી છે. આપણી યુવા પેઢીને આપણે બચાવવી પડે. વ્યસન, નશો, આ ખોટા રસ્તે આપણા બાળકો ના જાય એની ચિંતા કરવી પડે. પૈસો તો આવે, પણ પૈસાની જોડે આ પ્રકારની ચીજો ના ઘુસી જાય ઘરમાં એ જવાબદારી પણ મા ઉમિયાના દરેક સંતાનની છે.

આ વાત હું એટલા માટે કરું છું કે મને ખબર છે પરિવારોમાં બાળકોને બચાવવાનું કઠીન થવા લાગ્યું છે ત્યારે આવી આધ્યાત્મિક ચેતના એ જલ્દીથી બચાવી શકતી હોય છે, આ સામુહિક સંસ્કાર જલ્દીથી બચાવી શકતા હોય છે. અને તેથી આ ઉમિયાધામ સમાજ શિક્ષણનું કેન્દ્ર બને, સમાજસંસ્કારનું કેન્દ્ર બને, સામાજિક ચેતનાનું કેન્દ્ર બને, આ સામાજિક ક્રાંતિનું કેન્દ્ર બને એવી અનેક અનેક શુભકામનાઓ સાથે સૌ ટ્રસ્ટીશ્રીઓને મારી અનેક-અનેક શુભકામનાઓ છે અને ભારત સરકારે.. 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ન કરતા.

ભારત સરકારને આમાં કઈ પણ કરવાનું હોય તો દિલ્હીમાં જે ઘર છે એ તમારું જ છે. ખૂબ-ખૂબ ધન્યવાદ.

ફરી એકવાર બોલીએ-

બોલ મારી મા – જય-જય ઉમિયા

બોલ મારી મા – જય-જય ઉમિયા

બોલ મારી મા – જય-જય ઉમિયા

ભારત માતાની – જય

*****

NP/J.Khunt/GP/RP