Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

5 માર્ચ, 2019ના રોજ અડાલજમાં શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

5 માર્ચ, 2019ના રોજ અડાલજમાં શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

5 માર્ચ, 2019ના રોજ અડાલજમાં શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

5 માર્ચ, 2019ના રોજ અડાલજમાં શિક્ષણ ભવન અને વિદ્યાર્થી ભવનના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ


ભારત માતાની – જય

ભારત માતાની – જય

ભારત માતાની – જય

વિશાળ સંખ્યામાં પધારેલા સમાજના સૌ આગેવાનો.

મારું સૌભાગ્ય છે કે મને આવા પવિત્ર અવસરે તમારી વચ્ચે આવવાનું નિમંત્રણ મળ્યું અને આપ સૌના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પુણ્ય પ્રાપ્ત થયું.

આપણા દેશમાં દુનિયાના લોકો માટે આપણો ધર્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ સમજવી બહુ ભારે કામ છે, બહુ જલ્દી તકલીફ સમજાય નહીં, તકલીફ પડે કારણ કે આપણે ત્યાં કોઈ એક ધર્મ ગ્રંથ નથી, કોઈ એક ભગવાન નથી, કોઈ એક પૂજા પદ્ધતિ નથી, એટલી બધી વિવિધતાઓ છે એટલે કોઈને સમજણ જ ન પડે કે આપણે શું છીએ! અને એ જ આપણી વિશેષતા છે. આપણે એવા લોકો છીએ કે જેવો ભક્ત એવો ભગવાન. જો ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાન હોય. ભક્ત જો શિક્ષાનો ઉપાસક હોય તો ભગવાન સરસ્વતી હોય, ભક્ત જો રૂપિયા પૈસામાં રાચતો હોય તો ભગવાન લક્ષ્મીજી હોય. આ આપણી વિશેષતા છે અને એટલે જ સમાજ જીવનમાં જેણે સૌથી વધારે અન્નદાતાનું કામ કર્યું, ખેતર ખેડી-ખેડીને કણમાંથી મણ કરીને જેણે સમાજ જીવનની ચિંતા કરી, એક પ્રકારે આપણો આ સમાજ એટલે ખેડૂત સમાજ. તમે કાઠીયાવાડમાં ખેડૂ કહો એટલે એનો અર્થ જ લેઉઆ પટેલ અને એટલે એના ભગવાન અન્નપૂર્ણા.

ભક્ત એવો ભગવાન. એ આપણી વિશેષતા રહી છે અને એ વિશેષતાના ભાગરૂપે આજે વિધિવત રીતે દેવી અન્નપુર્ણા માતાનું એક તીર્થક્ષેત્ર, પ્રેરણા ક્ષેત્ર એનું આજે લોકાર્પણ થયું છે પરંતુ ખુશીની વાત એ છે કે આપણા દેશની વિશેષતા રહી, તમે ખાલી એક ગુજરાત જ જોઈ લો, કોઇપણ દિશામાં તમે 20-25-30 કિલોમીટર જાવ, કોઇપણ દિશામાં, તો તમને કોઈને કોઈ એવી જગ્યા મળે જ્યાં ઓટલો અને રોટલો બંનેની વ્યવસ્થા હોય. કોઇપણ દિશામાં જાવ 20-25 કિલોમીટર. ક્યાંક ને ક્યાંક કોઈ મઠ, કોઈ મંદિર, કોઈ સંત, કોઈ બાવો, કોઈ જોગી, કોઈ સાધુ બેઠો જ હશે. આંગણે આવેલાને ભૂખ્યો જવા ન દે, રાત રોકાવાનું હોય તો ઓટલાની વ્યવસ્થા કરે. આ હિન્દુસ્તાનના ખૂણે-ખૂણામાં છે અને આ હજારો વર્ષની પરંપરા છે. ઓટલો ને રોટલો. જે લોકોએ નર્મદા પરિક્રમા કરી હશે એમને ખબર હશે કે માત્ર નર્મદે હર બોલો અને નર્મદા કિનારાના ગામો એના એ જ છે, આવનારા લોકો નવા હોય છે અને છતાંય નર્મદા કિનારે હજારો લોકો, નર્મદા કિનારે પરિક્રમા કરતા હોય, એક ટંક કોઈને ભૂખ્યું નથી રહેવું પડતું, એ ગામના લોકો એમની સેવા કરતા હોય છે. આ આપણા દેશની એક વિશેષતા છે. એની સાંસ્કૃતિક પરંપરા જ આ છે. પરગજુ સમાજ છે આપણો અને એના કારણે એક સાંસ્કૃતિક ચેતનાનાં મૂળમાં સેવા ભાવ સમાયેલો છે.

આપણે ત્યાં કહેવાયું છે કે નર કરણી કરે તો નારાયણ થઇ જાય. આ ‘નર કરણી કરે તો નારાયણ થઇ જાય’ આ જે મૂળ ભાવ છે આપણા એ ભાવનું પ્રતિબિંબ આજે મા અન્નપુર્ણા ધામના નિર્માણની સાથે-સાથે ભાવી પેઢીના શિક્ષણ અને સંસ્કાર માટે છાત્રાલયની વ્યવસ્થા, સમાજમાં જે પાછળ રહી ગયા છે, એવા પરિવારોના બાળકો અહિંયાં આવે એમને સારી વ્યવસ્થા મળે અને એમને જીવનમાં પ્રગતિ કરવાનો અવસર મળે અને એટલે સાંસ્કૃતિક વિરાસતમાં શિક્ષણની પરંપરા જોડવાનું કામ આપ સૌએ કર્યું છે. નરહરિભાઈ આપને અને આપની પૂરી ટીમને અને સૌ દાતાઓને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

આપણા દેશમાં હવે આ રીવાજ થયો છે કે બધું સરકાર કરે અને ન થાય તો સરકારનો જવાબ માંગે. ભારતમાં આ પરંપરા નહોતી, ભારતનો એ રીવાજ જ નહોતો. ધર્મશાળાઓ બનતી હતી, ગૌશાળાઓ બનતી હતી, પાણીની પરબો બની હતી. લાખો વણઝારો અડાલજની વાવ બનાવતો હતો, આ બધા કામ સરકારો નહોતી કરતી, સામાજિક શક્તિથી થતા હતા. ધર્મશાળા હોય, પાણીની પરબો હોય, પુસ્તકાલય હોય, સમાજ કરે.
ધીરે-ધીરે સમાજની શક્તિઓ એને જાણે અજાણે દબાવી દેવામાં આવી અને રાજ્ય સરકારની સત્તાને ઉપર લાવવામાં આવી. અમારી કોશિશ છે કે રાજ્ય-રાજ્યનું કામ કરે અને શક્તિ તો સમાજની જ હોવી જોઈએ. ફલે-ફૂલે સમાજ. સમાજ શક્તિશાળી હશે તો દેશ શક્તિશાળી બનશે. સરકારોએ શક્તિ ભેગી કરવાની જરૂર નથી. એ મૂળ પરંપરામાંથી આવી બધી જ પ્રવૃત્તિઓને અમે પ્રોત્સાહન આપીએ છીએ. વિધિવત પ્રોત્સાહન આપીએ છીએ અને એના જ ભાગરૂપે આવનારા દિવસોમાં આવી બધી જ બાબતોને અને આમાં કોઈ આટાપાટા નથી હોતા, રાજકીય કાવાદાવા નથી હોતા, સમાજની આ મૂળભૂત શક્તિ છે. એ મૂળભૂત શક્તિને બળ આપવું એની માટેનો આ પ્રયાસ છે.

આજે જ્યારે માતા અન્નપુર્ણા ધામનો, અહિં પ્રાણપ્રતિષ્ઠાનો અવસર આવ્યો છે ત્યારે સમાજ માટે કઈ નવી દિશા વિચારી શકાય, પ્રસાદ દરેક મંદિરમાં મળતો હોય છે પરંતુ અન્નપુર્ણા ધામમાં પ્રસાદની પરંપરાને બદલી શકાય, સમય પ્રમાણે બદલી શકાતી હોય છે અને તેથી અહિંના કર્તા-ધર્તાઓને મારી પ્રાર્થના છે કે અન્નપુર્ણા ધામમાં જે કોઈ પણ આવે એને, કારણ કે આ ધરતી મા સાથે જોડાયેલો સમાજ છે. એને પ્રસાદમાં જો છોડવો આપવામાં આવે અને એને કહેવામાં આવે ઘેર લઇ જઈને આ છોડ મોટો કરજો, જિંદગીભર આ માતાનો પ્રસાદ એના ઘરના આંગણે કે એના ખેતરના ખૂણામાં, પુણ્ય પ્રાપ્ત થાય કે ન થાય? અને નક્કી કરો કે ભાઈ આ માતા અન્નપુર્ણાનો પ્રસાદ છે એ ઝાડને કંઈ ન થવા દે.

પર્યાવરણની રક્ષા થાય કે ન થાય? પ્રસાદનો પ્રસાદ, સેવાની સેવા અને જીવનની ઊંચાઈની ઊંચાઈ. એમાં એક બીજું કામ કરી શકાય કે આપણે નક્કી કરીએ કે ભાઈ લેઉઆ પટેલની જેના ઘરમાં દીકરી પેદા થાય એ જરૂરને દીકરીને પગે લગાડવા માટે અન્નપુર્ણા ધામમાં આવે-આવે ને આવે જ. માતા અન્નપુર્ણાના આશીર્વાદ લે અને એને પાંચ છોડ આપીએ દીકરીને અને એ પણ ઈમારતી લાકડું જેમાંથી નીકળે એવા છોડ આપીએ, સાદા સીધા નહીં, શક્ય હોય તો સરકાર જોડે વાત કરીને આપણું આ ટ્રસ્ટ ક્યાંક સો-બસો એકર જમીન જ્યાં આગળ વેરાન ભૂમિ હોય, ત્યાં જમીન માંગે અને એ પરિવાર વતી આ ઈમારતી લાકડાના પાંચ છોડ ત્યાં વાવે. એ છોડ વાવીને એ દીકરી જ્યારે વીસ વર્ષની થાય ત્યાં સુધીમાં એ ઈમારતી છોડ એને કાપીને બજારમાં વેચી શકાય એવડો થઇ જાય, એ પાંચ છોડ વાવીને એને 20 વર્ષ પછી કાપીને એના જે લાકડાના પૈસા આવે ઈમારતી લાકડાના, એ દીકરીને આપવામાં આવે, સુખેથી એના લગ્ન થઇ જાય કે ન થઇ જાય? એના માં-બાપને દેવું કરવું પડે? સરકાર જમીન આપે, તમે અહિં ઝાડ વાવજો, વ્યવસ્થા તમે કરજો, આખી એ જમીન લીલીછમ થઇ જાય.
આજે હજારો કરોડો રૂપિયાનું ઈમારતી લાકડું વિદેશથી લાવવું પડે છે, આ દીકરીઓ મોટી થાય અને ઈમારતી લાકડું પણ મોટું થાય, એ બહારથી વિદેશથી ઈમારતી લાકડું લાવવાનું બંધ થાય, આપણી ધાર્મિક પરંપરાઓને આર્થિક વ્યવસ્થાઓ સાથે આધુનિક રૂપમાં કેવી રીતે જોડી શકાય. મને લાગે છે કે આ જગ્યાએ રીતે કામ કરી શકે. કોઇ પણ વસ્તુને જાતિવાદના રંગે રંગવી એ પાપ છે. પણ ઘણીવાર સમજવા માટે કામ આવે એટલા માટે હું કહું છું. સરદાર વલ્લભભાઇ પટેલને જો કોઈ જાતિના રંગે રંગતુ હોય તો એ ખોટું કહેવાય. આ દેશનો એક મહાન નેતાનું સ્ટેચ્યૂ ઑફ યૂનિટી એટલે દુનિયાએ આજે માથું ઊંચું કરીને જોવું જ પડે. આ અમારા સરદાર સાહેબ. આખી દુનિયાનું ઊંચામાં ઊંચું સ્મારક કયું તો સરદાર પટેલનું સ્ટેચ્યૂ ઑફ યુનિટી કહેવું જ પડે ભાઈ. એમાં કોઈ મોઢું ન છુપાવી શકે અને મને નથી લાગતું કે નિકટના ભવિષ્યમાં આ વિક્રમ કોઈ તોડી શકે.

મારે વાત બીજી કરવી છે. આ અમૂલ ડેરીનો જન્મ થયો, એ જે મૂળ કરનારા લોકો કોણ હતા, શરૂઆત કોણે કરી? મેં પહેલા જ કહ્યું જાતિવાદના રંગે રંગવું એ પાપ છે પણ સમજવા માટે એ બધા જ લેઉઆ પટેલ હતા. અમૂલ ડેરીનો પ્રારંભ થયો જે શરૂઆતમાં ટોળકી બેઠી હતી એ બધા જ લેઉઆ પટેલ હતા. હવે આપ વિચાર કરો અને કોઈએ ક્યારેય અમૂલ ડેરી એટલે લેઉઆ પટેલની એવી રીતે ચેક વટાવવાની કોશિશ નથી કરી એના માટે લેઉઆ પટેલ અભિનંદનનો અધિકારી છે. પણ મારે કહેવું છે બીજા કામ માટે. બીજા કામ માટે એટલા માટે કહેવું છે કે જો પાંચ પંદર આપણા સમાજના આગેવાનોએ દીર્ઘ દ્રષ્ટિથી અમૂલ બનાવ્યું અને જેનો લાભ પશુપાલકને થઈ રહ્યો છે, દરેક સમાજના, દરેક ગામના લોકોએ થઇ રહ્યો છે, આખા ગુજરાતને એનો લાભ થઇ રહ્યો છે.

અન્નપુર્ણા મા સાથે આપણે જોડાયેલા છીએ ત્યારે એક બીજું બીડું ઉઠાવીએ અને સીધે સીધું ખેડૂતો સાથે જોડાયેલુ. હું ઇચ્છુ કે આ ટ્રસ્ટ દ્વારા જેમ સરદાર સાહેબની પ્રેરણાથી આખું આ અમૂલનું કામ ઉભું થયું એવું આ અન્નપુર્ણા ધામની પ્રેરણાથી ફૂડ પ્રોસેસિંગ, આપણો ખેડૂત જે પેદા કરે છે એમાં મૂલ્ય વૃદ્ધિ, એના માટેની એક આખી વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થા વિકસિત થાય.

શેરથાના મરચા પ્રખ્યાત હોય પણ શેરથાના મરચા લાલ થાય તો વધારે કમાણી થાય અને લાલ મરચાનો પાવડર બને તો હજુ વધારે કમાણી થાય અને એનેય સરસ મજાના પેકિંગમાં મુક્યા હોય તો હજુ વધારે પૈસા મળે, આવી બધી સંભાવનાઓ છે. ફૂડ પ્રોસેસિંગ, મુલ્ય વૃદ્ધિ, આપણો ખેડૂત જે પકવે એને આ ફૂડ પ્રોસેસિંગ યુનિટનો લાભ મળે, મોટા પાયા પર એનું કામ થાય, એમાં રિસર્ચ થાય, હું માનું છું કે સાચા અર્થમાં અન્નપુર્ણા માતાને બધા અહિંયાં માથું ઝુકાવે એવી સ્થિતિ પેદા કરી શકીએ છીએ.

તો હું ઈચ્છું કે અહિંયાં ઉદ્યોગ જગતના મિત્રો પણ બેઠા છે, જરૂરથી આ દિશામાં વિચાર કરશે, એક આસ્થા અને અધ્યાત્મ એનો સામાજિક જીવનના વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય એનો વિચાર કરવો જોઈએ અને મને કહ્યું કે આમાં પંચ તત્વને કેન્દ્રમાં રાખીને માતા અન્નપુર્ણાના ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપણે ત્યાં સરસ મજાના રામચરિત માનસમાં એક દોહો છે અને રામચરિત માનસના એ દોહામાં કહ્યું છે કે-
છિતિ જલ પાવન ગગન સમીરા । પંચ રચિત અતિ અધમ શરીરા ।।

એટલે કે આપણું આ શરીર પંચ તત્વથી બનેલું છે, પંચ તત્વથી બનેલી આ કાયા છે, આ જ ભાવથી, પંચ તત્વના મૂળ ભાવને સમાવેશ કરવાનો જ્યારે અહિં પ્રયાસ થયો છે ત્યારે મારો પૂરો વિશ્વાસ છે કે આ મૂળ તત્વને ધ્યાનમાં રાખીને, સમાજની આવતીકાલને ધ્યાનમાં રાખીને આપણે એને ઉજાગર કરીશું.

નરહરિભાઈનો જે આત્મવિશ્વાસ છે કે 2020માં આનું ઉદઘાટન કરીશું અને બીજાનો શિલાન્યાસ કરીશું તો તમારો વિશ્વાસ છે તો મારો સવાયો છે અને ઘરે કોઈ બોલાવે તો કોણ ના પાડે ભાઈ, અહિંયાં હું કઈ મહેમાન થોડો છું, આ તો ઘરે આવ્યાનો આનંદ છે અને મા અન્નપુર્ણાના ચરણોમાં આવીએ અને દેશ આખાની અન્નપૂર્તિ થાય એનાથી વધુ સૌભાગ્ય કયું હોઈ શકે અને આજે જ્યારે ખેડૂત પુત્રોની વચ્ચે આવ્યો છું, આ દેશમાં ‘કણમાંથી મણ’ કરનારા તેજસ્વી, તપસ્વી કૃષિ જગતના લોકો વચ્ચે આવ્યો છું ત્યારે જય જવાન, જય કિસાન બંનેનું મૂલ્ય છે. કિસાનનું સામર્થ્ય, જવાનનું સામર્થ્ય દેશને અન્નની સુરક્ષા આપે છે, દેશને સીમા સુરક્ષા પણ આપે છે અને બંનેના સામર્થ્યથી દેશ વિકાસના અવસરોને હંમેશા પાર કરતો હોય છે, હું ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો, હું આપનો ખૂબ-ખૂબ આભાર માનું છું. માતા અન્નપુર્ણાના ચરણોમાં વંદન કરું છું અને આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે દેવી અન્નપુર્ણાના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું.

ધન્યવાદ!

NP/GP/RP