પીએમઇન્ડિયા
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારના રાષ્ટ્રપતિ મહામહિમ યુ મિન આંગ હ્લાઈંગે 30 મે થી 3 જૂન 2026 દરમિયાન ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત લીધી હતી.
મ્યાનમારના રાષ્ટ્રપતિની સાથે રાષ્ટ્રપતિ કાર્યાલય, વિદેશ બાબતો, નાણાં અને મહેસૂલ, કૃષિ, પશુધન અને સિંચાઈ, અને ઉદ્યોગ તેમજ MSME વ્યવસાય વિકાસના કેન્દ્રીય મંત્રીઓ અને મ્યાનમારની સેન્ટ્રલ બેંકના ગવર્નર પણ આવ્યા હતા. કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, ઊર્જા, બેંકિંગ, બાંધકામ, આઈટી, સંચાર, વેપાર અને લોજિસ્ટિક્સ સહિતના વિવિધ ક્ષેત્રોના વ્યાપારી પ્રતિનિધિમંડળ તેમજ મ્યાનમાર-ભારત મૈત્રી સંઘના સભ્યો પણ મ્યાનમારના પ્રતિનિધિમંડળનો ભાગ હતા.
ભારતના પ્રધાનમંત્રી અને મ્યાનમારના રાષ્ટ્રપતિએ 1 જૂન 2026 ના રોજ વાતચીત કરી હતી, જે દરમિયાન તેઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની સમીક્ષા કરી હતી અને સંબંધોને આગળ વધારવાનો માર્ગ નક્કી કર્યો હતો. પ્રધાનમંત્રીએ મુલાકાતી મહાનુભાવના સન્માનમાં મધ્યાહ્ન ભોજન (લંચ)નું આયોજન કર્યું હતું. ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ તે જ દિવસે મ્યાનમારના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. અગાઉ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોવાલે મ્યાનમારના રાષ્ટ્રપતિ સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી.
મુલાકાતની શરૂઆતમાં, રાષ્ટ્રપતિએ 30 મે 2026 ના રોજ બોધગયાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મહાબોધિ મંદિર, મહાબોધિ મેડિટેશન સેન્ટર અને સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી હતી. અત્યંત આદરણીય સ્થળોની આ મુલાકાતોએ બંને દેશો વચ્ચેના સ્થાયી આધ્યાત્મિક અને બૌદ્ધ સંબંધો તેમજ લોકો વચ્ચેના સંપર્કોને રેખાંકિત કર્યા હતા.
રાષ્ટ્રપતિએ 31 મે 2026 ના રોજ નવી દિલ્હીમાં UMFCCI અને CII દ્વારા સંયુક્ત રીતે આયોજિત ભારત-મ્યાનમાર બિઝનેસ કોન્ક્લેવમાં મુખ્ય પ્રવચન આપ્યું હતું, જ્યાં બંને પક્ષોના વ્યવસાયિક વડાઓએ દ્વિપક્ષીય વેપાર અને વ્યાપારી તકોને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિએ ગ્રેટર નોઈડામાં NTPC એનર્જી ટેક્નોલોજી રિસર્ચ એલાયન્સ (NETRA) સંકુલની પણ મુલાકાત લીધી હતી જેથી ક્લીન એનર્જી ઇનોવેશન, ઊર્જા કાર્યક્ષમતા, રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન અને ગ્રીડ સ્થિતિસ્થાપકતા સહિતના અદ્યતન R&D કાર્યોનું નિરીક્ષણ કરી શકાય.
રાષ્ટ્રપતિ સાથેની તેમની વાતચીતમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મ્યાનમાર ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ‘ (Neighbourhood First), ‘એક્ટ ઈસ્ટ‘ (Act East) અને ‘મહાસાગર‘ – MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) નીતિઓના સંગમ પર આવેલું છે. ચર્ચાઓ દરમિયાન વેપાર અને આર્થિક સંબંધો, સંરક્ષણ અને સુરક્ષા, સરહદ વ્યવસ્થાપન, વિકાસ સહાય અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિત દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બંને પક્ષોએ વિવિધ દ્વિપક્ષીય કરારો અને સમજૂતી જ્ઞાપનો (MoUs) પર ચાલી રહેલી ચર્ચાઓની નોંધ લીધી હતી અને તેમના વહેલા નિષ્કર્ષની અપેક્ષા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે ઉન્નત કનેક્ટિવિટી આ પ્રદેશમાં પરસ્પર લાભદાયી આર્થિક જોડાણો અને સહિયારી સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. આ સંદર્ભમાં, બંને પક્ષોએ કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અને ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ ત્રિપક્ષીય ધોરીમાર્ગના કામને પૂર્ણ કરવા માટે નજીકથી કામ કરવાના મહત્વને શેર કર્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મ્યાનમારના વિદ્યાર્થીઓ માટેની મેકોંગ ગંગા ICCR સ્કોલરશિપ વર્ષ 2026 થી 36 થી વધારીને 100 કરવામાં આવશે.
બંને પક્ષો રૂપિયા-ક્યાત સેટલમેન્ટ મિકેનિઝમ સહિતના માધ્યમો દ્વારા દ્વિપક્ષીય વેપારને સુવિધાજનક અને વિસ્તૃત કરવા માટે સંમત થયા હતા, અને મે 2024 માં તેના અમલીકરણથી અત્યાર સુધી નોંધાયેલા વ્યવહારોના જથ્થામાં સતત વૃદ્ધિની પ્રશંસા કરી હતી. બંને પક્ષોએ તેમના સંબંધિત રાષ્ટ્રીય કાયદાઓ અને નિયમો અનુસાર એગ્રો-પ્રોસેસિંગ, પેટ્રોલિયમ, ઊર્જા, ખાણકામ જેવા પરસ્પર હિતના ક્ષેત્રોમાં નજીકના વેપાર અને રોકાણ સહયોગ માટે સમર્થન પણ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ રિપબ્લિક ઓફ ધ યુનિયન ઓફ મ્યાનમારની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને પક્ષોએ તેમની સુરક્ષા હિતોની પ્રતિકૂળ પ્રવૃત્તિઓ માટે સાર્વભૌમ ક્ષેત્રના દુરુપયોગને રોકવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ મ્યાનમારની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો હતો કે તેના ક્ષેત્રનો ઉપયોગ ભારતની સુરક્ષા હિતોની વિરુદ્ધ કરવા દેવામાં આવશે નહીં. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત, મ્યાનમારના અડગ અને વિશ્વાસુ ભાગીદાર તરીકે, બંને દેશો વચ્ચે સુરક્ષા સહયોગને વધુ ઊંડો બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ શાંતિ, સ્થિરતા, રાષ્ટ્રીય સમાધાન અને સામાજિક-આર્થિક વિકાસ હાંસલ કરવા તરફના મ્યાનમારની આગેવાની હેઠળના પ્રયાસોને સમર્થન આપ્યું હતું. તેમણે બંને દેશો વચ્ચેના પરસ્પર સન્માન અને મૈત્રીપૂર્ણ સંબંધોના આધારે સતત સહાય અને સહકાર આપવાની પણ રજૂઆત કરી હતી. રાષ્ટ્રપતિએ ભારતના રચનાત્મક સમર્થન અને સહકારની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે રાષ્ટ્રપતિની બેઠકો તેમજ 02-03 જૂન 2026 દરમિયાન મુંબઈની તેમની આગામી મુલાકાત દરમિયાન તેમની વ્યાપારી વ્યસ્તતાઓ હાલના દ્વિપક્ષીય સહયોગ અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.
રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઈંગની સત્તાવાર મુલાકાતે મ્યાનમાર અને ભારત વચ્ચેની લાંબા સમયની મિત્રતા અને ગાઢ ભાગીદારી તથા બંને દેશોના પરસ્પર લાભ માટે સહયોગને વધુ મજબૂત કરવાની બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને પક્ષો તમામ સ્તરે ગાઢ જોડાણ ચાલુ રાખવા સંમત થયા હતા.
રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લાઈંગે ભારતમાં તેમના અને તેમના પ્રતિનિધિમંડળના સભ્યોના રોકાણ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ઉષ્માભર્યા આતિથ્ય સત્કાર બદલ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિએ ભારતના પ્રધાનમંત્રીને પરસ્પર અનુકૂળ તારીખો પર મ્યાનમારની મુલાકાત લેવા માટેનું આમંત્રણ પણ આપ્યું હતું.
SM/NP/JD
Had a productive meeting with President U Min Aung Hlaing of Myanmar. We in India are honoured that he has chosen India for his first foreign visit as President. Equally gladdening is the fact that he began the visit from Bodh Gaya, with the blessings of Lord Buddha. We reviewed… pic.twitter.com/eL1sXgsrE6
— Narendra Modi (@narendramodi) June 1, 2026
Our talks covered ways to deepen cooperation in trade, rare earths, healthcare, connectivity, heritage restoration and capacity building. We also agreed to work closely in areas such as maritime security, cyber security and more. pic.twitter.com/1xTyJ2RiI0
— Narendra Modi (@narendramodi) June 1, 2026