પીએમઇન્ડિયા
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહકાર્યકરો અન્નપૂર્ણા દેવી, સાવિત્રી ઠાકુર, રવનીત સિંહ, હર્ષ મલ્હોત્રા, દિલ્હી સરકારના મંત્રીઓ, અન્ય મહાનુભાવો, દેશના ખૂણેખૂણેથી અહીં ઉપસ્થિત તમામ મહેમાનો અને વહાલા બાળકો!
આજે દેશ ‘વીર બાળ દિવસ‘ ઉજવે છે. હમણાં જ વંદે માતરમની ખૂબ સુંદર રજૂઆત થઈ, અને તમારી મહેનત દેખાય છે.
સાથીઓ,
આજે આપણે એ વીર સાહિબઝાદાઓને યાદ કરી રહ્યા છીએ, જે આપણા ભારતનું ગૌરવ છે. તેઓ ભારતની અદમ્ય સાહસિકતા, શૌર્ય અને વીરતાની પરાકાષ્ઠા હતા. એ વીર સાહિબઝાદાઓએ ઉંમર અને અવસ્થાની સીમાઓ વટાવી, ક્રૂર મુઘલ સલ્તનત સામે ખડક જેવા અડગ રહ્યા, અને જેનાથી ધાર્મિક કટ્ટરતા અને આતંકનું અસ્તિત્વ જ હચમચી ગયું. જે રાષ્ટ્ર પાસે આટલો ગૌરવપૂર્ણ ઇતિહાસ હોય અને યુવા પેઢીને આવી પ્રેરણા વારસામાં મળે, તે રાષ્ટ્ર કંઈ પણ કરી શકે છે.
સાથીઓ,
જ્યારે પણ 26 ડિસેમ્બરનો આ દિવસ આવે છે, ત્યારે મને એ સંતોષ થાય છે કે આપણી સરકારે સાહિબઝાદાઓની વીરતાથી પ્રેરિત વીર બાળ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. છેલ્લા 4 વર્ષોમાં વીર બાળ દિવસની નવી પરંપરાએ સાહિબઝાદાઓની પ્રેરણાઓને નવી પેઢી સુધી પહોંચાડી છે. વીર બાળ દિવસે સાહસી અને પ્રતિભાશાળી યુવાનોના નિર્માણ માટે એક મંચ પણ તૈયાર કર્યો છે. દર વર્ષે જે બાળકો વિવિધ ક્ષેત્રોમાં દેશ માટે કંઈક કરી બતાવે છે, તેમને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ વખતે પણ દેશના જુદા–જુદા ભાગોથી આવેલા 20 બાળકોને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ બધાં જ આજે મારી સાથે છે, અને મને તેમની સાથે ઘણી વાતો કરવાની તક મળી. અને આમાંથી કોઈએ અસાધારણ બહાદુરી દર્શાવી છે, તો કોઈએ સામાજિક સેવા અને પર્યાવરણના ક્ષેત્રમાં સરાહનીય કામ કર્યું છે. આમાંના કેટલાક વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કંઈક નવીન કાર્ય કર્યું છે, તો ઘણા યુવાન સાથીઓ રમતગમત, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં યોગદાન આપી રહ્યા છે. હું આ પુરસ્કાર વિજેતાઓને કહું છું કે આ સન્માન તમારા માટે તો છે જ, પરંતુ તે તમારા માતા–પિતા, તમારા શિક્ષકો અને માર્ગદર્શકોના પરિશ્રમનું પણ સન્માન છે. હું પુરસ્કાર વિજેતાઓને અને તેમના પરિવારજનોને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.
સાથીઓ,
વીર બાળ દિવસ એ ભાવના અને શ્રદ્ધાથી ભરેલો દિવસ છે. સાહિબઝાદા અજીત સિંહજી, સાહિબઝાદા જુઝાર સિંહજી, સાહિબઝાદા જોરાવર સિંહજી અને સાહિબઝાદા ફતેહ સિંહજીને નાની ઉંમરમાં જ તે સમયની સૌથી મોટી સત્તા સાથે ટક્કર ખાવી પડી હતી. આ લડાઈ ભારતનાં મૂળભૂત વિચારો અને ધાર્મિક કટ્ટરતા વચ્ચેની હતી, સત્ય અને અસત્ય વચ્ચેનો સંઘર્ષ હતો. આ લડાઈમાં એક તરફ દસમ ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહજી હતાં, તો બીજી તરફ ક્રૂર ઔરંગઝેબનું શાસન હતું. અમારા સાહિબઝાદાઓ તે સમયે ઉંમરમાં નાના હતા. પરંતુ ઔરંગઝેબને કે તેની ક્રૂરતાને આ બાબતની કોઈ પરવા નહોતી. તેમને જાણ હતી કે જો ભારતના લોકોને ડરાવીને ધર્મપરિવર્તન કરાવવું હોય તો હિન્દુસ્તાનીઓનું મનોબળ તોડવું પડશે. અને તેથી તેમણે સાહિબઝાદાઓને નિશાન બનાવ્યા.
પરંતુ મિત્રો,
ઔરંગઝેબ અને તેના સરદારો એ ભૂલી ગયા હતા કે અમારા ગુરુ કોઈ સામાન્ય માણસ ન હતા, તેઓ તપ અને ત્યાગનો સાક્ષાત્ અવતાર હતા. વીર સાહિબઝાદાઓને એ જ વારસો તેમનાથી મળ્યો હતો. તેથી, ભલે મુઘલ સામ્રાજ્ય આખું પાછળ પડી ગઇ, પણ તેઓ ચારેય સાહિબઝાદાઓમાંથી કોઈને પણ હચમચાવી શક્યા નહીં. સાહિબઝાદા અજીત સિંહજીના શબ્દો આજે પણ તેમની હિંમતની વાર્તા કહે છે – નામે અજીત છું, હરાવી શકાશે નહીં; અને જો હરાવી પણ દેવાયો, તો કદી જીતેલો ગણાશે નહીં.
સાથીઓ,
થોડા દિવસો પહેલાં જ અમે શ્રી ગુરુ તેગ બહાદુર જીને તેમના ત્રણસો પચાસમા શહીદ દિવસ નિમિત્તે યાદ કર્યા. તે દિવસે કુરુક્ષેત્રમાં એક વિશેષ કાર્યક્રમ પણ યોજાયો હતો. શ્રી ગુરુ તેગ બહાદુર જીના શહીદ થવાથી પ્રેરિત સાહેબઝાદાઓ મુગલ અત્યાચારોથી ડરી જશે એવું માનવું જ ખોટું હતું.
સાથીઓ,
માતા ગુજરી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને તેમના ચાર સાહિબઝાદાઓની વીરતા અને આદર્શો આજે પણ દરેક ભારતીયને તાકાત આપે છે, અને તેઓ આપણને પ્રેરણા પૂરી પાડે છે. સાહિબઝાદાઓના બલિદાનની વાર્તા દેશના દરેક લોકોની જીભ પર હોવી જોઈતી હતી. પરંતુ દુર્ભાગ્યવશાત્, આઝાદી પછી પણ દેશમાં ગુલામીની માનસિકતા પ્રબળ રહી. અંગ્રેજ રાજનેતા મેકાલેએ 1835માં જે ગુલામીની માનસિકતાનું બીજ વાવ્યું હતું, તેમાંથી દેશને આઝાદી મળ્યા પછી પણ મુક્ત કરવામાં આવ્યો ન હતો. તેથી, આઝાદી પછી પણ દેશમાં ઘણા દાયકાઓ સુધી આવી વાસ્તવિકતાઓને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ મિત્રો,
હવે ભારતે નિર્ણય લીધો છે કે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મેળવવી જ પડશે. હવે ભારતીયોના બલિદાન અને અમારા શૌર્યની યાદો દબાવી દેવામાં આવશે નહીં. હવે દેશના નાયકો અને નાયિકાઓને હાંસિયામાં ધકેલવામાં આવશે નહીં. અને તેથી જ અમે પૂરા મનોભાવથી વીર બાળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. અમે આટલે સુધી જ નથી રોકાયા, મેકૉલેએ ઘડેલું કાવતરું વર્ષ 2035માં 200 વર્ષ પૂર્ણ કરવાના આરે છે, જે હવે થોડા સમયમાં જ થશે. તેમાં માંડ 10 વર્ષ બાકી છે. આ 10 વર્ષમાં જ અમે દેશને સંપૂર્ણપણે ગુલામીની માનસિકતાથી મુક્ત કરી લઈશું. 140 કરોડ દેશવાસીઓનો આ સંકલ્પ હોવો જોઈએ, કારણ કે દેશ જ્યારે આ ગુલામીની માનસિકતાથી મુક્ત થશે, ત્યારે તેટલું જ સ્વદેશી ગૌરવ અનુભવશે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધશે.
સાથીઓ,
ગુલામીની માનસિકતાથી મુક્તિના આ અભિયાનની એક ઝલક થોડા દિવસો પહેલાં આપણા દેશની સંસદમાં પણ જોવા મળી હતી. તાજેતરમાં સંસદના શિયાળુ સત્રમાં સંસદસભ્યોએ હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય ભારતીય ભાષાઓમાં લગભગ 160 ભાષણો આપ્યાં હતાં. લગભગ 50 ભાષણો તમિલમાં હતાં, 40થી વધુ ભાષણો મરાઠીમાં હતાં, અને લગભગ 25 ભાષણો બંગાળીમાં હતાં. વિશ્વની કોઈ પણ સંસદમાં આવો દ્રશ્ય જોવું મુશ્કેલ છે. આ આપણી સૌ માટે ગર્વની વાત છે. ભારતની આ ભાષાકીય વિવિધતાને મેકૉલેએ કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. હવે ગુલામીની માનસિકતાથી મુક્ત થતા આપણા દેશમાં ભાષાકીય વિવિધતા આપણી તાકાત બની રહી છે.
સાથીઓ,
અહીં યુવા ભારત સંસ્થા સાથે જોડાયેલા ઘણા યુવાનો હાજર છે. એક રીતે તમે બધા જનરેશન ઝેડ છો, જનરેશન આલ્ફા પણ છો. તમારી પેઢી જ ભારતને વિકસિત ભારતનાં લક્ષ્ય સુધી લઈ જશે. હું જનરેશન ઝેડની યોગ્યતા, તમારો આત્મવિશ્વાસ જોઉં છું, સમજું છું, અને તેથી હું તમારા પર ખૂબ વિશ્વાસ રાખું છું. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, ‘બાલાદપિ ગ્રહિતવ્યં યુક્તમુક્તં મનિષિભિઃ’. એટલે કે, જો નાનું બાળક પણ કોઈ બુદ્ધિશાળી વાત કરે તો તેને સ્વીકારવી જોઈએ. તેનો અર્થ એ છે કે ઉંમરથી કોઈ નાનું કે મોટું નથી હોતું, અને તમે તમારા કાર્યો અને સિદ્ધિઓથી જ મહાન બનો છો. તમે નાની ઉંમરમાં પણ એવા કામ કરી શકો છો કે બીજા લોકો તમારી પાસેથી પ્રેરણા લે. તમે તે કરીને બતાવ્યું છે. પરંતુ, આ સિદ્ધિઓને હજી માત્ર એક શરૂઆત તરીકે જોવી જોઈએ. હજી તમારે ઘણું આગળ વધવાનું છે. હજી સપનાઓને આકાશ સુધી પહોંચાડવાના છે. અને તમે ભાગ્યશાળી છો, તમે જે પેઢીમાં જન્મ્યા છો, તમારી પ્રતિભા સાથે દેશ મજબૂતીથી ઊભો છે. પહેલાં યુવાનો સપનાં જોવાથી ડરતા હતા, કારણ કે જૂની વ્યવસ્થાઓમાં એવું વાતાવરણ બની ગયું હતું કે કંઈ સારું થઈ જ નહીં શકે. ચારે તરફ નિરાશાનું વાતાવરણ ઊભું કરી દેવાયું હતું. એ લોકોને તો એવું પણ લાગવા લાગ્યું હતું કે મહેનત કરીને શું ફાયદો? પરંતુ, આજે દેશ ટેલેન્ટને, પ્રતિભાને શોધે છે, તેમને મંચ આપે છે. તેમના સપનાઓ સાથે 140 કરોડ દેશવાસીઓની તાકાત જોડાઈ જાય છે.
ડિજિટલ ઇન્ડિયાની સફળતાના કારણે તમારી પાસે ઇન્ટરનેટની તાકાત છે, અને શીખવા માટેનાં સાધનો પણ તમારી પાસે છે. જે વિજ્ઞાન, ટેકનોલોજી અને સ્ટાર્ટઅપની દુનિયામાં આગળ વધવા ઇચ્છે છે, તેમના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમો છે. જેઓ સ્પર્ધાત્મક રમતોમાં પ્રગતિ કરી રહ્યા છે, તેમના માટે ‘ખેલો ઇન્ડિયા’ મિશન છે. હમણાં જ બે દિવસ પહેલાં મેં સંસદીય રમતગમત મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. આવા અનેક પ્લેટફોર્મ તમને આગળ વધારવા માટે ઉપલબ્ધ છે. તમારે ફક્ત ધ્યાન કેન્દ્રિત રહેવાનું છે. અને આ માટે જરૂરી છે કે તમે ટૂંકા ગાળાની લોકપ્રિયતાના ઝળહળાટમાં ફસાઈ ન જાવ. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે તમારી વિચારસરણી સ્પષ્ટ હશે, અને તમારા સિદ્ધાંતો મજબૂત હશે. માટે, તમારે તમારા આદર્શોથી અને દેશના મહાન લોકોથી શીખવું જોઈએ. તમારે તમારી સફળતાને માત્ર પોતાની જાત સુધી સીમિત ન રાખવી જોઈએ. તમારું લક્ષ્ય એ હોવું જોઈએ કે તમારી સફળતા દેશની સફળતામાં ફાળો આપે.
સાથીઓ,
આજે યુવાનોના સશક્તીકરણને ધ્યાનમાં રાખીને નવી નીતિઓ બનાવવામાં આવી રહી છે. યુવાનોને રાષ્ટ્ર નિર્માણના કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ‘મારું યુવા ભારત’ જેવા પ્લેટફોર્મ દ્વારા યુવાનોને જોડવા, તેમને તકો પૂરી પાડવી અને તેમનામાં નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્પેસ ઇકોનોમીને આગળ વધારવા, રમતોને પ્રોત્સાહન આપવા, ફિનટેક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો વિસ્તાર કરવા, કૌશલ્ય વિકાસ અને ઇન્ટર્નશિપની તકો ઊભી કરવી – આ પ્રકારના દરેક પ્રયાસોના કેન્દ્રમાં મારા યુવા સાથીઓ જ છે. દરેક ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો ખુલી રહી છે.
સાથીઓ,
આજ ભારતની પરિસ્થિતિઓ અભૂતપૂર્વ છે. આજ ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે. આવનારા પચીસ વર્ષો ભારતની દિશા નક્કી કરનારા છે. આઝાદી પછી કદાચ પહેલીવાર એવું બન્યું છે કે ભારતની ક્ષમતાઓ, ભારતની આકાંક્ષાઓ અને વિશ્વની ભારતથી અપેક્ષાઓ – આ ત્રણેય એક સાથે મળી રહી છે. આજનો યુવાન એવા સમયમાં મોટો થઈ રહ્યો છે જ્યારે તકો પહેલાં કરતાં વધારે છે. અમે ભારતના યુવાનોની પ્રતિભા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાને વધુ સારી તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
મારા યુવાન મિત્રો,
વિકસિત ભારતના મજબૂત પાયા માટે ભારતીય શિક્ષણ નીતિમાં પણ મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૧મી સદીના શિક્ષણના નવા અભિગમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આજે વ્યવહારુ શિક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, બાળકોમાં ગોખણપટ્ટીને બદલે વિચારવાની ટેવ કેળવાય, તેઓ પ્રશ્નો પૂછવાની હિંમત અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા વિકસાવે, અને આ દિશામાં પહેલીવાર સાર્થક પ્રયાસો થઈ રહ્યા છે. મલ્ટિડિસિપ્લિનરી સ્ટડીઝ, કૌશલ્ય આધારિત શિક્ષણ, રમતગમતને પ્રોત્સાહન અને ટેકનોલોજીનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે. આજે દેશભરમાં અટલ ટીંકરિંગ લેબ્સમાં લાખો બાળકો નવીનતા અને સંશોધન સાથે જોડાઈ રહ્યા છે. શાળાઓમાં જ બાળકો રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સસ્ટેનેબિલિટી અને ડિઝાઇન થિંકિંગથી પરિચિત થઈ રહ્યા છે. આ તમામ પ્રયત્નોની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં અભ્યાસ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જેનાથી બાળકોને શીખવામાં અને વિષયો સમજવામાં સરળતા થઈ રહી છે.
સાથીઓ,
વીર સાહિબઝાદાઓએ એ નથી જોયું કે માર્ગ કેટલો મુશ્કેલ છે, પણ રસ્તો સાચો છે કે નહીં તે જોયું. આજે પણ એ જ ભાવનાની જરૂર છે. હું ભારતનાં યુવાનોને, અને હું ભારતનાં યુવાનો પાસેથી પણ એ જ અપેક્ષા રાખું છું કે મોટા સપનાં જુઓ, ખંતથી મહેનત કરો અને તમારા આત્મવિશ્વાસને ક્યારેય ઓછો ન થવા દો. ભારતનું ભવિષ્ય તેના બાળકો અને યુવાનોના ભવિષ્યથી જ ઉજ્જવળ થશે. તેમનું સાહસ, તેમની પ્રતિભા અને તેમનું સમર્પણ રાષ્ટ્રની પ્રગતિને દિશા આપશે. આ જ વિશ્વાસ સાથે, આ જ જવાબદારી સાથે અને આ જ અવિરત ગતિ સાથે ભારત તેના ભવિષ્ય તરફ આગળ વધતું રહેશે. હું ફરી એકવાર વીર સાહિબઝાદાઓને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. બધા પુરસ્કાર વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
SM/DK/GP/JD
Addressing a programme on Veer Baal Diwas. We remember the exemplary courage and sacrifice of the Sahibzades.
— Narendra Modi (@narendramodi) December 26, 2025
https://t.co/kQPb0RmaIj
Today, we remember the brave Sahibzades, the pride of our nation. They embody India's indomitable courage and the highest ideals of valour. pic.twitter.com/gOoSf5FQlE
— PMO India (@PMOIndia) December 26, 2025
The courage and ideals of Mata Gujri Ji, Sri Guru Gobind Singh Ji and the four Sahibzades continue to give strength to every Indian. pic.twitter.com/9mwfF0VL00
— PMO India (@PMOIndia) December 26, 2025
India has resolved to break free from the colonial mindset once and for all. pic.twitter.com/9l6Dt3F0XI
— PMO India (@PMOIndia) December 26, 2025
As India frees itself from the colonial mindset, its linguistic diversity is emerging as a source of strength. pic.twitter.com/6TA3P9JzA9
— PMO India (@PMOIndia) December 26, 2025
Gen Z… Gen Alpha… will lead India to the goal of a Viksit Bharat. pic.twitter.com/XzwUt2nvtt
— PMO India (@PMOIndia) December 26, 2025