Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લદ્દાખમાં વિકાસ યોજનાઓના લોકાર્પણ પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


આ કાર્યક્રમમાં ઉપસ્થિત લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વી. કે. સક્સેના, બીઆરઓ અને એરપોર્ટ્સ ઓથોરિટીના વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્રશાસિત પ્રદેશના અધિકારીગણ, અન્ય મહાનુભાવો અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો!

“લદ્દાખના તમામ રહેવાસીઓને, જુલે!”

આજે લદ્દાખની પ્રગતિ અને વિકાસમાં એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. ટેક્નોલોજીના માધ્યમથી આ અવસરમાં સહભાગી બનીને મને આનંદ થઈ રહ્યો છે. આજે લદ્દાખમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યોજનાઓથી લોકોની મુસાફરી સરળ બનશે, વીજળીની સુવિધાઓમાં સુધારો થશે, પાણીની ઉપલબ્ધતા વધશે અને આપણા પ્રાચીન વારસાના સંરક્ષણને નવી ગતિ મળશે. મેં હમણાં જ જોયું કે ઝાંસ્કરમાં હિમવર્ષા થઈ રહી છે, અને હું ત્યાંના લોકોનો ઉત્સાહ જોઈ શક્યો—બરફવર્ષા વચ્ચે પણ ત્રિરંગાને ગર્વથી લહેરાતો રાખવાનો તેમનો જુસ્સો અને ઉત્સાહ અદ્ભુત છે!

મિત્રો,

આ મારું લેહ-લદ્દાખ છે. આ યોજનાઓ માટે હું લદ્દાખના તમામ લોકોને હાર્દિક અભિનંદન પાઠવું છું. હું એ તમામ એન્જિનિયરો, કામદારો અને સ્થાનિક સહયોગીઓને પણ અભિનંદન આપું છું જેમણે આ પહેલોમાં પોતાનું યોગદાન આપ્યું છે. હું ખાસ કરીને બીઆરઓ (BRO) ની ટીમના કાર્યની પણ પ્રશંસા કરવા માંગુ છું.

મિત્રો,

થોડા સમય પહેલાં, મેં લેહમાં કુશોક બકુલા રિન્પોચે એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો. મારું સૌભાગ્ય છે કે આજે મને આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાનો પણ અવસર મળ્યો છે. લગભગ 650 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ ટર્મિનલ, એરપોર્ટની વાર્ષિક મુસાફર ક્ષમતાને 10 લાખ થી વધારીને 35 લાખ કરશે. અહીં ફ્લાઇટ્સની સંખ્યામાં પણ ત્રણ ગણો વધારો થઈ શકે છે. આ ટર્મિનલની બીજી એક નોંધપાત્ર વિશેષતા એ છે કે, લદ્દાખના પડકારજનક વાતાવરણને ધ્યાનમાં રાખીને, અહીં સૌર ઊર્જાની સાથે સાથે ‘જિયોથર્મલ‘ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતનું આ પ્રથમ એરપોર્ટ ટર્મિનલ છે જેમાં જિયોથર્મલ હીટિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન! અમારો પ્રયાસ લદ્દાખમાં આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવાનો છે, અને સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવાનો છે કે સ્થાનિક પર્યાવરણનું સંપૂર્ણ સન્માન જળવાઈ રહે. આ એરપોર્ટ ટર્મિનલ લદ્દાખના પ્રવાસન ક્ષેત્રને પણ નવી ગતિ આપશે. આ આધુનિક એરપોર્ટ ટર્મિનલ માટે હું લદ્દાખના મારા તમામ ભાઈ-બહેનોને હાર્દિક અભિનંદન પાઠવું છું.

મિત્રો,

આજે જે અન્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તે પણ ખૂબ મહત્વના છે. આજે ‘નિમ્મુ-પદુમ-દારચા‘ માર્ગ લદ્દાખની જનતાને સમર્પિત કરવામાં આવ્યો છે; તેના પર લગભગ 2,500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે મુસાફરીમાં પહેલાં લગભગ 12 કલાકનો સમય લાગતો હતો, તે હવે આશરે 3 કલાકમાં પૂર્ણ થઈ શકશે. આનાથી માત્ર મુસાફરીના સમયની જ બચત નહીં થાય, પરંતુ વેપાર-વાણિજ્યને પણ મોટું પ્રોત્સાહન મળશે.

મિત્રો,

અગાઉ, મને શ્રીનગરને લેહ સાથે જોડતી પાવર ટ્રાન્સમિશન લાઇનનો શિલાન્યાસ કરવાનો અને બાદમાં તેનું ઉદ્ઘાટન કરવાનો અવસર મળ્યો હતો. આજે ‘હાનુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ‘ અને તેની સાથે જોડાયેલી ટ્રાન્સમિશન લાઇનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વસનીય વીજ પુરવઠો પ્રકાશ લાવે છે; અને આ પ્રકાશ માત્ર ઘરોને જ રોશન નથી કરતો, પરંતુ તે જીવનને પણ ઉજ્જવળ બનાવે છે અને એક ગાઢ પરિવર્તન લાવે છે. તે આપણા ગામડાંઓમાં અનેક નવી પ્રવૃત્તિઓ માટે નવી શક્યતાઓનાં દ્વાર ખોલે છે. તેનાથી બાળકોના શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને સ્થાનિક રહેવાસીઓના નાના વ્યવસાયો સહિત વિવિધ ક્ષેત્રોમાં લાભ થશે. પુગા વેલીમાં પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવાના એક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

મિત્રો,

આજે, ‘પ્રોજેક્ટ અમૃત હિમ સરોવર‘ હેઠળ નિર્મિત 40 જળાશયો લદ્દાખની જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. આ જળાશયો ખેડૂતોને જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં મદદરૂપ થશે.

મિત્રો,

ઘણીવાર કહેવામાં આવે છે કે લદ્દાખમાં કુદરતી વાતાવરણને કારણે જીવન અત્યંત પડકારજનક છે. આવા વાતાવરણમાં અનેક મુશ્કેલીઓ રહેલી હોય છે; તેમ છતાં, દુર્ભાગ્યે, અગાઉની સરકારોએ લદ્દાખના વિકાસને પ્રાથમિકતા આપી ન હતી. પરંતુ આજે, કેન્દ્ર સરકાર માટે લદ્દાખનો વિકાસ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી, અહીંની વિકાસાત્મક જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 2019માં લદ્દાખમાં રસ્તાઓનું નેટવર્ક લગભગ 1,800 કિલોમીટર હતું; આજે તે વધીને 4,000 કિલોમીટરથી વધુ થઈ ગયું છે. અગાઉ અહીં 19 મોટા પુલ હતા; આજે આ સંખ્યા વધીને લગભગ 75 થઈ ગઈ છે. હેલિપેડની સંખ્યા પણ 7 થી વધીને 40થી વધુ થઈ ગઈ છે. એક સમયે લદ્દાખમાં માત્ર 3.5 ટકા પરિવારો પાસે નળ દ્વારા પાણીની સુવિધા હતી, જે આજે વધીને લગભગ 99 ટકા સુધી પહોંચી ગઈ છે. લદ્દાખમાં હોસ્પિટલના બેડની સંખ્યા પણ બમણી થઈ ગઈ છે. આ ઉપરાંત, ઝોજી-લા ટનલ જેવી મહત્વપૂર્ણ પરિયોજનાઓ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ ટનલ પૂર્ણ થયા પછી, લદ્દાખ અને દેશના અન્ય ભાગો વચ્ચે વર્ષભર વધુ સારા સંપર્ક સુનિશ્ચિત થશે.

મિત્રો,

કેન્દ્ર સરકાર લદ્દાખમાં સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ ક્ષેત્રમાં પ્રવાસનની તકો વધી રહી છે, જેમાં ખાસ કરીને શિયાળુ પ્રવાસન અને સાહસિક પ્રવાસન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ‘વાઈબ્રન્ટ વિલેજીસ‘ પહેલ હેઠળ, લદ્દાખના 40થી વધુ સરહદી ગામડાંઓ—જેને આપણે ‘પ્રથમ ગામડાં‘ કહીએ છીએ—તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી સૌથી દૂરના અને દુર્ગમ ગામડાંઓમાં પણ રોજગારીની તકો ઊભી થઈ રહી છે.

મિત્રો,

અગાઉ લદ્દાખમાં માત્ર 150 જેટલા હોમસ્ટે હતા; આજે આ સંખ્યા વધીને 3,000 થઈ ગઈ છે. લદ્દાખમાં ગ્રીનહાઉસ ખેતીને પણ સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને હવે આ પ્રદેશમાં 11,000 ગ્રીનહાઉસ કાર્યરત છે. આનાથી ખેડૂતોની આવક વધારવાની નવી તકો ઊભી થઈ છે.

મિત્રો,

લદ્દાખમાં હાઈકોર્ટ બેન્ચની લાંબા સમયથી માંગ હતી, જેને અમારી સરકારે હવે પૂર્ણ કરી છે. આ વર્ષના ઓગસ્ટ મહિનામાં, લદ્દાખમાં હાઈકોર્ટ બેન્ચની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી હતી. આનાથી વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર બંને વધુ સુલભ બનશે.

મિત્રો,

આજે ડિજિટલ ટેક્નોલોજી ઘણી નવી તકોનું સર્જન કરી રહી છે. પછી તે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, હોમસ્ટે હોય કે સ્થાનિક ઉત્પાદનો – ઓનલાઈન વ્યવસાય આવકના નવા માર્ગો ખોલી રહ્યો છે. આ કારણોસર, અમે લદ્દાખ અને અન્ય દુર્ગમ વિસ્તારોમાં ‘ભારતનેટ‘ અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સુવિધાનો વિસ્તાર કર્યો છે. અમે સરકારી સેવાઓ સુધી સરળ પહોંચ સુનિશ્ચિત કરવા, યુવાનોને ઓનલાઈન શિક્ષણ મેળવવામાં મદદ કરવા અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોને દેશભરના તેમજ વિશ્વભરના બજારો સાથે જોડવા માટે સતત પ્રયત્નશીલ છીએ.

મિત્રો,

અમારું વિશેષ ધ્યાન લદ્દાખની નવી પેઢી પર છે. અમે ઈચ્છીએ છીએ કે અહીંના યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને નવી ટેક્નોલોજી શીખવાની તક મળે, જેથી તેમણે અન્ય શહેરો પર નિર્ભર રહેવું ન પડે. આ હેતુ માટે, લેહમાં એક મોટું ‘સેન્ટર ઓફ એક્સેલન્સ‘ સ્થાપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, IIT જમ્મુ અને IIM જમ્મુના સેટેલાઇટ કેમ્પસ સ્થાપવાના પ્રસ્તાવો પર પણ કામ આગળ વધી રહ્યું છે. આ પહેલો લદ્દાખના યુવાનોને તેમના પોતાના પ્રદેશમાં જ ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને નવી કુશળતા મેળવવા માટે વધુ સારી તકો પૂરી પાડશે.

મિત્રો,

લદ્દાખમાં રમતગમત ક્ષેત્રે પણ અપાર સંભાવનાઓ રહેલી છે. અહીંના યુવાનોએ આઈસ હોકી, શિયાળુ રમતો અને પર્વતારોહણ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. મને આનંદ છે કે નવી રમતગમત નીતિ દ્વારા લદ્દાખમાં રમતગમતની પ્રતિભાઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમારો પ્રયાસ એ છે કે અહીંના યુવાનોને વધુ સારી તાલીમ અને સુવિધાઓ મળે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવા સીમાચિહ્નો પ્રાપ્ત કરી શકે. મિત્રો,

લદ્દાખમાં તમે સૌ તમારા સખત પરિશ્રમથી જે ઉત્પાદનો તૈયાર કરો છો, તે ખરેખર ઉત્કૃષ્ટ છે. તમે જાણો છો તેમ, જ્યારે પણ હું વિદેશી મહાનુભાવોને મળું છું, ત્યારે હું તેમને ભેટ સ્વરૂપે લદ્દાખમાં બનેલી વસ્તુઓ આપું છું અને તેમના સમક્ષ તમારા વિશે પણ ચોક્કસ વાત કરું છું. મેં જર્મનીના ચાન્સેલર, સ્વીડનના પ્રધાનમંત્રી અને કિર્ગિઝસ્તાનના રાષ્ટ્રપતિને લદ્દાખમાં બનેલી વસ્તુઓ ભેટમાં આપી છે. સ્થાનિક પશ્મિના, સી-બકથોર્ન, હસ્તકલાની વસ્તુઓ અને જરદાળુ જેવા ફળોમાં અપાર વ્યાપારી ક્ષમતા રહેલી છે. આ જ કારણસર અમે લદ્દાખી જરદાળુને ‘GI ટેગ‘ (GI tag) આપ્યો છે; આજે વિશ્વભરમાં તેની માંગ વધી રહી છે. અમારો ઉદ્દેશ્ય એ છે કે આ સ્થાનિક ઉત્પાદનો નવા બજારો સુધી પહોંચે, તેનું વધુ સારું બ્રાન્ડિંગ થાય અને તેનો સીધો લાભ ઉત્પાદકોને મળે. અમે ચાંગપા સમુદાયના પશુપાલકો પર પણ વિશેષ ધ્યાન આપી રહ્યા છીએ. પશ્મિનાની ઓળખ—જે તેમની સખત મહેનત અને પરંપરાગત કારીગરી પર આધારિત છે—તેને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારોમાં ફૂલોની વ્યાપારી ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

મિત્રો,

લદ્દાખનો સાંસ્કૃતિક વારસો આપણા રાષ્ટ્રની અમૂલ્ય ધરોહર છે. તેના પ્રાચીન મઠો, બૌદ્ધ પરંપરાઓ અને ઉત્સવોનું જતન કરવું તથા તેને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રાખવા એ આપણી સામૂહિક જવાબદારી છે. આ સંદર્ભમાં, આદરણીય કુશોક બકુલા રિન્પોચેનું યોગદાન આપણા સૌ માટે એક મોટી પ્રેરણા સમાન છે. આપણી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે કે વિશ્વભરના લોકો લદ્દાખની સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત થાય. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, આજે લેહમાં ભારતના પ્રથમ ‘પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક‘ (શૈલચિત્ર સંરક્ષણ ઉદ્યાન)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આનાથી લદ્દાખના આ પ્રાચીન વારસાને જાળવી રાખવાના પ્રયાસો વધુ મજબૂત બનશે. આવનારી પેઢીઓ આ વારસા વિશે જાણી શકશે અને વિશ્વભરના પ્રવાસીઓને પણ લદ્દાખના સમૃદ્ધ ઇતિહાસને જાણવાની તક મળશે.

મિત્રો,

મને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને લદ્દાખને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. વિકાસની આ વિવિધ પહેલો બદલ હું આપ સૌને ફરી એકવાર હાર્દિક અભિનંદન પાઠવું છું.

ખૂબ ખૂબ આભાર. જુલે!

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]