Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

21મી ઇસ્ટ એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

21મી ઇસ્ટ એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ


મહામહિમ, રાષ્ટ્રપતિ માર્કોસ, મહામહિમ, મહામહિમગણ,

નમસ્કાર.

પૂર્વ એશિયા શિખર સંમેલનના શાનદાર આયોજન માટે હું રાષ્ટ્રપતિ માર્કોસને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

મિત્રો,

કોવિડ મહામારી પછીથી દુનિયા સતત એક પછી એક સંકટોનો સામનો કરી રહી છે. સંઘર્ષોના કારણે ખોરાક, બળતણ અને ખાતર પર દબાણ વધી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર જહાજો અને દરિયાઈ નાવિકોને પણ નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. આતંકવાદના ગંભીર જોખમની સાથે-સાથે, સાયબર ફ્રોડ અને ઓનલાઈન કૌભાંડો જેવા નવા સીમા-પારના અપરાધો પણ વધી રહ્યા છે.

મિત્રો,

આજે દુનિયાને સૌથી વધુ આવશ્યકતા છે—શાંતિ, સ્થિરતા અને અનુમાનિતતાની.

પાછલા ઘણા વર્ષોથી પૂર્વ એશિયા શિખર સંમેલન સમાન પડકારોનો ઉકેલ શોધવા અને પરસ્પર સહયોગને મજબૂત કરવાનું મહત્વપૂર્ણ મંચ રહ્યું છે. સંવાદ, પરસ્પર આદર અને સહયોગની આ જ ભાવના ભારતની વિદેશ નીતિની આધારશિલા છે.

આસિયાન એકતા અને કેન્દ્રીયતા અમારી ‘એક્ટ ઈસ્ટ પોલિસી‘ના કેન્દ્રમાં છે. અમે એક મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમ-આધારિત ઇન્ડો-પૅસિફિક માટે પ્રતિબદ્ધ છીએ. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા, અમે શાંતિના દરેક પ્રયાસનું સમર્થન કરતા રહીશું.

મિત્રો,

આપણા સમુદ્રો આપણી સમાન સમૃદ્ધિની જીવનરેખા છે. તેની સુરક્ષા અને નૌવહન સ્વાતંત્ર્ય સુનિશ્ચિત કરવી એ આપણા સૌની જવાબદારી છે.

આ દિશામાં, અમે એક ‘નાવિક સુરક્ષા પહેલ‘ શરૂ કરી રહ્યા છીએ, તેના અંતર્ગત સંયુક્ત તાલીમ અને કટોકટી પ્રતિસાદમાં સહયોગ વધારીશું.

મિત્રો,

ડિજિટલ દુનિયામાં પણ વિશ્વાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવી તેટલી જ આવશ્યક છે. ભારતમાં આ વર્ષે યોજાયેલી એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં અમે માનવ-કેન્દ્રીત, સમાવેશી અને સુરક્ષિત કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસ પર ભાર મૂક્યો હતો. આ સાથે જ, ડીપફેક્સ અને ખોટી માહિતીનો સામનો કરવા માટે ડિજિટલ વોટરમાર્કિંગ જેવી તકનીકોની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો હતો.

ઓનલાઈન કૌભાંડ વિરુદ્ધના આજના સંયુક્ત નિવેદનનું અમે સ્વાગત કરીએ છીએ.

આ વધતા જોખમનો અસરકારક રીતે સામનો કરવા, અમે ભારતની રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટીમાં પૂર્વ એશિયા શિખર સંમેલન સાયબર અપરાધ પરિષદ યોજવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ.

મિત્રો,

આપણા સંબંધોનો પાયો હજારો વર્ષોની સમાન વારસાગત વિરાસતમાં છે. ભારતના લોથલમાં બની રહેલો નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ જલ્દી જ આ સહિયારા વારસાને દુનિયા સામે પ્રસ્તુત કરશે. આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ સુદ્રઢ કરવા માટે લોથલમાં અમે પૂર્વ એશિયા શિખર સંમેલન દરિયાઈ વારસો ઉત્સવ પણ યોજીશું.

અમે આવતા વર્ષે નાલંદામાં પૂર્વ એશિયા શિખર સંમેલન યુનિવર્સિટી વડાઓની પરિષદની યજમાની કરીશું, જેનાથી શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં આપણા સહયોગને નવી ઊર્જા મળશે.

મિત્રો,

આ વર્ષે અમે સાઉથ-ઇસ્ટ એશિયાની ઐતિહાસિક ‘મિત્રતા અને સહકાર સંધિ‘ની 50મી વર્ષગાંઠ મનાવી રહ્યા છીએ.

50 વર્ષ પહેલાં આ ક્ષેત્રે દુનિયાને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો—શાંતિ, સાર્વભૌમત્વના આદર અને સંવાદનો સંદેશ. આજે તે સંદેશની પ્રાસંગિકતા વધુ વધી ગઈ છે. આપણું સમાન ભવિષ્ય સંઘર્ષથી નહીં, પરસ્પર આદર અને સહયોગથી બનશે.

આ જ વિઝન સાથે, ભારત આસિયાન સાથે ખભેથી ખભો મિલાવીને ક્ષેત્રીય શાંતિ, સ્થિરતા અને સમાન સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ રહેશે.

ખૂબ-ખૂબ આભાર.

SM/DK/JD