Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય!

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,

આજે લખનૌની આ ભૂમિ, એક નવી પ્રેરણાની સાક્ષી બની રહી છે. આની વિગતવાર ચર્ચા કરતા પહેલા, હું દેશ અને દુનિયાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવું છું. ભારતમાં પણ કરોડો ખ્રિસ્તી પરિવારો આજે ઉત્સવ મનાવી રહ્યા છે, ક્રિસમસનો આ ઉત્સવ, સૌનાજીવનમાં ખુશીઓ લાવે, એવી અમે સૌ કામના કરીએ છીએ.

સાથીઓ,

25 ડિસેમ્બરનો આ દિવસ, દેશની બે મહાન વિભૂતિઓના જન્મનો અદ્ભુત સુયોગ લઈને પણ આવે છે. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજી, ભારત રત્ન મહામના મદન મોહન માલવીયજી, આ બંને મહાપુરુષોએ ભારતની અસ્મિતા, એકતા અને ગૌરવની રક્ષા કરી, અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની અમીટ છાપ છોડી.

સાથીઓ,

આજે 25 ડિસેમ્બરે જ મહારાજા બિજલી પાસીજીની પણ જન્મજયંતી છે. લખનૌનો પ્રસિદ્ધ બિજલી પાસી કિલ્લો અહીંથી બહુ દૂર નથી. મહારાજા બિજલી પાસીએ, વીરતા, સુશાસન અને સમાવેશનો જે વારસો છોડ્યો છે, તેને આપણા પાસી સમાજે ગૌરવ સાથે આગળ વધાર્યો છે. એ પણ સંયોગ જ છે કે, અટલજીએ જ વર્ષ 2000માં મહારાજા બિજલી પાસીના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

સાથીઓ,

આજના પવિત્ર દિવસે, હું મહામના માલવીયજી, અટલજી અને મહારાજા બિજલી પાસીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, તેમનું વંદન કરું છું.

સાથીઓ,

થોડીવાર પહેલા મને, અહીં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ રાષ્ટ્ર પ્રેરણા સ્થળ, એ વિચારનું પ્રતીક છે, જેણે ભારતને આત્મસન્માન, એકતા અને સેવાનો માર્ગ બતાવ્યો છે. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને અટલ બિહારી વાજપેયીજી, એમની વિશાળ પ્રતિમાઓ જેટલી ઊંચી છે, એમનામાંથી મળતી પ્રેરણાઓ એનાથી પણ વધુ બુલંદ છે. અટલજીએ લખ્યું હતું, ‘નીરવતા સે મુખરિત મધુબન, પરહિત અર્પિત અપના તન-મન,જીવન કો શત-શત આહુતિ મેં, જલના હોગા, ગલના હોગા. કદમ મિલાકર ચલના હોગા.’ આ રાષ્ટ્ર પ્રેરણા સ્થળ, આપણને સંદેશ આપે છે કે આપણું દરેક કદમ, દરેક ડગલું, દરેક પ્રયાસ, રાષ્ટ્ર-નિર્માણ માટે સમર્પિત હોય. સૌનો પ્રયાસ જ, વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરશે. હું, લખનૌને, ઉત્તર પ્રદેશને, સમગ્ર દેશને, આ આધુનિક પ્રેરણા-સ્થળીની અભિનંદન પાઠવું છું. અને જેવી રીતે હમણાં જ જણાવવામાં આવ્યું અને વીડિયોમાં પણ બતાવવામાં આવ્યું, કે જે જમીન પર આ પ્રેરણા સ્થળ બન્યું છે, તેની 30 એકરથી વધુ જમીન પર કેટલાય દાયકાઓથી કચરાનો પહાડ જમા થયેલો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં તેને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ શ્રમિકો, કારીગરો, યોજનાકારો, યોગીજી અને તેમની આખી ટીમને પણ હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશને દિશા આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ ડૉક્ટર મુખર્જી જ હતા, જેમણે ભારતમાં ‘દો વિધાન, દો નિશાન ઔર દો પ્રધાન’ ના વિધાનને ફગાવી દીધું હતું. આઝાદી પછી પણ, જમ્મુ-કાશ્મીરમાં આ વ્યવસ્થા, ભારતની અખંડિતતા માટે બહુ મોટો પડકાર હતી. ભાજપને ગૌરવ છે કે, અમારી સરકારને આર્ટિકલ 370ની દીવાલ તોડવાની તક મળી. આજે ભારતનું સંવિધાન જમ્મુ કાશ્મીરમાં પણ સંપૂર્ણપણે લાગુ છે.

સાથીઓ,

સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ મંત્રી તરીકે, ડૉક્ટર મુખર્જીએ ભારતમાં આર્થિક આત્મનિર્ભરતાનો પાયો નાખ્યો હતો. તેમણે દેશને પ્રથમ ઔદ્યોગિક નીતિ આપી હતી. એટલે કે ભારતમાં ઉદ્યોગીકરણનો પાયો નાખ્યો હતો. આજે આત્મનિર્ભરતાના એ જ મંત્રને અમે નવી બુલંદી આપી રહ્યા છીએ. મેડ ઇન ઇન્ડિયા સામાન આજે દુનિયાભરમાં પહોંચી રહ્યો છે. અહીં યુપીમાં જ જુઓ, એક તરફ, ‘એક જનપદ એક ઉત્પાદ’નું આટલું મોટું અભિયાન ચાલી રહ્યું છે, નાના-નાના ઉદ્યોગો, નાની એકમોનું સામર્થ્ય વધી રહ્યું છે. બીજી તરફ, યુપીમાં બહુ મોટો ડિફેન્સ કોરિડોર બની રહ્યો છે. ‘ઓપરેશન સિંદૂર’માં દુનિયાએ જે બ્રહ્મોસ મિસાઈલની તાકાત જો, તે હવે લખનૌમાં બની રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે યુપીનો ડિફેન્સ કોરિડોર, દુનિયાભરમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે ઓળખાશે.

સાથીઓ,

દાયકાઓ પહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ ‘અંત્યોદય’નું એક સ્વપ્ન જોયું હતું. તેઓ માનતા હતા કે ભારતની પ્રગતિનું માપદંડ, છેલ્લી હરોળમાં ઉભેલા અંતિમ વ્યક્તિના ચહેરા પરના સ્મિતથી માપવામાં આવશે. દીનદયાળજીએ એકાત્મ માનવવાદનું દર્શન પણ આપ્યું, જ્યાં શરીર, મન, બુદ્ધિ અને આત્મા, સૌનો વિકાસ થાય. દીનદયાળજીના સ્વપ્નને મોદીએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે. અમે અંત્યોદયને સેચ્યુરેશન એટલે કે સંતુષ્ટિકરણનો નવો વિસ્તાર આપ્યો છે. સેચ્યુરેશન એટલે કે દરેક જરૂરિયાતમંદ, દરેક લાભાર્થીને સરકારની કલ્યાણકારી યોજનાઓના દાયરામાં લાવવાનો પ્રયાસ. જ્યારે સેચ્યુરેશનની ભાવના હોય છે, ત્યારે ભેદભાવ નથી થતો, અને એ જ તો સુશાસન છે, એ જ સાચો સામાજિક ન્યાય છે, એ જ સાચું સેક્યુલરિઝમ છે. આજે જ્યારે દેશના કરોડો નાગરિકોને, વિના ભેદભાવ, પહેલીવાર પાકું ઘર, શૌચાલય, નળથી જળ, વીજળી અને ગેસ કનેક્શન મળી રહ્યું છે, કરોડો લોકોને પહેલીવાર મફત અનાજ અને મફત સારવાર મળી રહી છે. હરોળમાં ઉભેલા અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે પંડિત દીનદયાળજીના વિઝન સાથે ન્યાય થઈ રહ્યો છે.

સાથીઓ,

વીતેલા દાયકામાં કરોડો ભારતીયોએ ગરીબીને પરાસ્ત કરી છે, ગરીબીને હરાવી છે. આ એટલા માટે શક્ય બન્યું, કારણ કે ભાજપ સરકારે, જે પાછળ છૂટી ગયા હતા, તેમને પ્રાથમિકતા આપી, જે અંતિમ હરોળમાં હતા, તેમને પ્રાથમિકતા આપી.

સાથીઓ,

2014 પહેલા આશરે 25 કરોડ દેશવાસીઓ એવા હતા, જે સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓના દાયરામાં હતા, 25 કરોડ. આજે આશરે 95 કરોડ ભારતવાસીઓ, આ સુરક્ષા કવચના દાયરામાં છે. ઉત્તર પ્રદેશમાં પણ મોટી સંખ્યામાં લોકોને આનો લાભ મળ્યો છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું છું. જેમ બેંક ખાતા ફક્ત અમુક જ લોકોના હતા, તેમ જ, વીમો પણ અમુક જ સંપન્ન લોકો સુધી સીમિત હતો. અમારી સરકારે અંતિમ વ્યક્તિ સુધી વીમા સુરક્ષા પહોંચાડવાનું બીડું ઝડપ્યું. આ માટે પ્રધાનમંત્રીજીવન જ્યોતિ વીમા યોજના બનાવી, આનાથી સામાન્ય પ્રીમિયમ પર બે લાખ રૂપિયાનો વીમો સુનિશ્ચિત થયો. આજે આ સ્કીમ સાથે 25 કરોડથી વધુ ગરીબો જોડાયા છે. એવી જ રીતે, અકસ્માત વીમા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ચાલી રહી છે. આનાથી પણ આશરે 55 કરોડ ગરીબો જોડાયા છે. આ એ ગરીબ દેશવાસીઓ છે, જેઓ પહેલા વીમા વિશે વિચારી પણ શકતા નહોતા.

સાથીઓ,

તમને જાણીને આશ્ચર્ય થશે, આ યોજનાઓથી આશરે 25 હજાર કરોડ રૂપિયાનો ક્લેમ, આ નાના-નાના પરિવારના નાની-નાની જિંદગીનું ગુજારો કરનારા, મારા સામાન્ય ગરીબ પરિવારો સુધી 25 હજાર કરોડ રૂપિયાનો લાભ પહોંચ્યો છે. એટલે કે સંકટ સમયે આ પૈસા ગરીબ પરિવારોના કામમાં આવ્યા છે.

સાથીઓ,

આજે અટલજીની જયંતીનો આ દિવસ સુશાસનના ઉત્સવનો પણ દિવસ છે. લાંબા સમય સુધી, દેશમાં ગરીબી હટાવોજેવા નારાઓને જ ગવર્નન્સ માની લેવામાં આવ્યું હતું. પરંતુ અટલજીએ, સાચા અર્થમાં સુશાસનને જમીન પર ઉતાર્યું. આજે ડિજિટલ ઓળખની આટલી ચર્ચા થાય છે, તેનો પાયો બનાવવાનું કામ અટલજીની સરકારે જ કર્યું હતું. તે સમયે જે વિશેષ કાર્ડ માટે કામ શરૂ થયું હતું, જે આજે આધારના રૂપમાં, વિશ્વ વિખ્યાત બની ચૂક્યું છે. ભારતમાં ટેલિકોમ ક્રાંતિને ગતિ આપવાનો શ્રેય પણ અટલજીને જ જાય છે. તેમની સરકારે જે ટેલિકોમ નીતિ બનાવી, તેનાથી ઘરે-ઘરે ફોન અને ઇન્ટરનેટ પહોંચાડવું સરળ બન્યું, અને આજે ભારત, દુનિયામાં સૌથી વધુ મોબાઇલ અને ઇન્ટરનેટ યૂઝર ધરાવતા દેશોમાંનો એક છે.

સાથીઓ,

આજે અટલજી જ્યાં હશે, આ વાતથી પ્રસન્ન હશે કે, વીતેલા 11 વર્ષોમાં ભારત, દુનિયાનો બીજો મોટો મોબાઇલ ફોન ઉત્પાદક બની ગયો છે. અને જે યુપીથી તેઓ સાંસદ રહ્યા, તે યુપી આજે ભારતનું નંબર વન મોબાઇલ મેન્યુફેક્ચરિંગ રાજ્ય છે.

સાથીઓ,

કનેક્ટિવિટીને લઈને અટલજીના વિઝને, 21મી સદીના ભારતને શરૂઆતી મજબૂતી આપી. અટલજીની સરકારના સમયે જ, ગામે-ગામ સુધી રસ્તાઓ પહોંચાડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે જ સ્વર્ણિમ ચતુર્ભુજ, એટલે કે હાઈવેના વિસ્તરણ પર કામ શરૂ થયું હતું.

સાથીઓ,

વર્ષ 2000 પછીથી પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ અત્યાર સુધી આશરે 8 લાખ કિલોમીટર રસ્તાઓ ગામડાઓમાં બન્યા છે. અને તેમાંથી આશરે 4 લાખ કિલોમીટર ગ્રામીણ રસ્તાઓ છેલ્લા 10-11 વર્ષમાં બન્યા છે.

અને સાથીઓ,

આજે તમે જુઓ, આજે આપણા દેશમાં અભૂતપૂર્વ ગતિએ એક્સપ્રેસ-વે બનાવવાનું કામ કેટલી ઝડપથી ચાલી રહ્યું છે. અમારું યુપી પણ એક્સપ્રેસ-વે સ્ટેટ તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. તે અટલજી જ હતા, જેમણે દિલ્હીમાં મેટ્રોની શરૂઆત કરી હતી. આજે દેશના 20થી વધુ શહેરોમાં મેટ્રો નેટવર્ક, લાખો લોકોનુંજીવન સરળ બનાવી રહ્યું છે. ભાજપ-NDA સરકારે સુશાસનનો જે વારસો બનાવ્યો છે, તેને આજે ભાજપની કેન્દ્ર અને રાજ્યની સરકારો, નવા આયામ, નવો વિસ્તાર આપી રહી છે.

સાથીઓ,

ડૉક્ટર મુખર્જી, પંડિત દીનદયાળજી, અટલજી, આ ત્રણ મહાપુરુષોની પ્રેરણા, તેમના વિઝનરી કાર્ય, આ વિશાળ પ્રતિમાઓ, વિકસિત ભારતનો બહુ મોટો આધાર છે. આજે આ પ્રતિમાઓ, આપણને નવી ઊર્જાથી ભરી રહી છે. પરંતુ આપણે એ નથી ભૂલવાનું કે, આઝાદી પછી, ભારતમાં થયેલા દરેક સારા કામને કેવી રીતે એક જ પરિવાર સાથે જોડવાની પ્રવૃત્તિ પનપી. પુસ્તકો હોય, સરકારી યોજનાઓ હોય, સરકારી સંસ્થાઓ હોય, ગલી, રસ્તો, ચોક હોય, એક જ પરિવારનું ગૌરવગાન, એક જ પરિવારના નામ, તેમની જ મૂર્તિઓ, આ જ બધું ચાલ્યું. ભાજપે દેશને એક પરિવારની બંધક બનેલી આ જૂની પ્રવૃત્તિમાંથી પણ બહાર કાઢ્યો છે. અમારી સરકાર, માં ભારતીની સેવા કરનારી દરેક અમર સંતાન, દરેકના યોગદાનને સન્માન આપી રહી છે. હું કેટલાક ઉદાહરણો તમને આપું છું, આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, દિલ્હીના કર્તવ્ય પથ પર છે. અંડમાનમાં જે ટાપુ પર નેતાજીએ તિરંગો લહેરાવ્યો હતો, આજે તેનું નામ નેતાજીના નામ પર છે.

સાથીઓ,

કોઈ ભૂલી શકતું નથી કે કેવી રીતે બાબાસાહેબ આંબેડકરના વારસાને ભૂંસવાનો પ્રયાસ થયો, દિલ્હીમાં કોંગ્રેસના શાહી પરિવારે આ પાપ કર્યું, અને અહીં યુપીમાં સપાવાળાઓએ પણ આ જ દુઃસાહસ કર્યું, પરંતુ ભાજપે બાબાસાહેબના વારસાને ભૂંસાવા દીધો નથી. આજે દિલ્હીથી લઈને લંડન સુધી, બાબાસાહેબ આંબેડકરના પંચતીર્થ તેમના વારસાનો જયઘોષ કરી રહ્યા છે.

સાથીઓ,

સરદાર વલ્લભભાઈ પટેલે સેંકડો રજવાડાઓમાં વહેંચાયેલા આપણા દેશને એક કર્યો હતો, પરંતુ આઝાદી પછી, તેમના કામ અને તેમના કદ, બંનેને નાના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ભાજપ છે જેણે સરદાર સાહેબને તે માન-સન્માન આપ્યું, જેના તેઓ હકદાર હતા. ભાજપે જ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી, એકતા નગરના રૂપમાં એક પ્રેરણા સ્થળનું નિર્માણ કર્યું. હવે દર વર્ષે ત્યાં 31 ઓક્ટોબરે દેશ રાષ્ટ્રીય એકતા દિવસનું મુખ્ય આયોજન કરે છે.

સાથીઓ,

આપણે ત્યાં દાયકાઓ સુધી આદિવાસીઓના યોગદાનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નહોતું. અમારી સરકારે જ ભગવાન બિરસા મુંડાનું ભવ્ય સ્મારક બનાવ્યું, હજુ થોડા અઠવાડિયા પહેલા જ છત્તીસગઢમાં શહીદ વીર નારાયણ સિંહ આદિવાસી મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે.

સાથીઓ,

દેશભરમાં આવા અનેક ઉદાહરણો છે, અહીં ઉત્તર પ્રદેશમાં જ જોઈએ તો, મહારાજા સુહેલદેવનું સ્મારક, ત્યારે બન્યું જ્યારે ભાજપ સરકાર બની. અહીં નિષાદરાજ અને પ્રભુ શ્રીરામની મિલન સ્થળીને હવે જઈને માન-સન્માન મળ્યું. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહથી લઈને ચૌરી-ચૌરાના શહીદો સુધી, માં ભારતીના સપૂતોના યોગદાનને ભાજપ સરકારે જ પૂરી શ્રદ્ધા અને વિન્રમતાથી યાદ કર્યું છે.

સાથીઓ,

પરિવારવાદની રાજનીતિની એક વિશિષ્ટ ઓળખ હોય છે, તે અસુરક્ષાથી ભરેલી હોય છે. તેથી, પરિવારવાદીઓ માટે, બીજાની લીટી નાની કરવી મજબૂરી બની જાય છે, જેથી તેમના પરિવારનું કદ મોટું દેખાય અને તેમની દુકાન ચાલતી રહે. આ જ વિચારે ભારતમાં રાજકીય અસ્પૃશ્યતાનું ચલણ શરૂ કર્યું. તમે વિચારો, આઝાદ ભારતમાં અનેક પ્રધાનમંત્રીઓ થયા, પરંતુ રાજધાની દિલ્હીમાં જે મ્યુઝિયમ હતું, તેમાં અનેક પૂર્વ પ્રધાનમંત્રીઓને નજરઅંદાજ કરવામાં આવ્યા. આ સ્થિતિને પણ ભાજપે, એનડીએએ જ બદલી છે. આજે તમે દિલ્હી જાઓ છો, તો ભવ્ય પ્રધાનમંત્રી સંગ્રહાલય તમારું સ્વાગત કરે છે, ત્યાં આઝાદ ભારતના દરેક પ્રધાનમંત્રી, ભલે કાર્યકાળ ગમે તેટલો નાનો રહ્યો હોય, સૌને યોગ્ય સન્માન અને સ્થાન આપવામાં આવ્યું છે.

સાથીઓ,

કોંગ્રેસ અને તેના સહયોગીઓએ રાજકીય રીતે ભાજપને હંમેશા અછૂત બનાવી રાખ્યો. પરંતુ ભાજપના સંસ્કાર આપણને સૌનું સન્માન કરવાનું શીખવે છે. વીતેલા 11 વર્ષોમાં ભાજપ સરકાર દરમિયાન, એનડીએ સરકાર દરમિયાન, નરસિમ્હા રાવજી અને પ્રણબ બાબુને ભારત રત્ન આપવામાં આવ્યો છે. આ અમારી સરકાર છે જેણે મુલાયમ સિંહ યાદવજી અને તરુણ ગોગોઈજી જેવા અનેક નેતાઓને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કર્યા છે. કોંગ્રેસ પાસેથી, અહીં સમાજવાદી પાર્ટી પાસેથી કોઈ આવી અપેક્ષા પણ રાખી શકે નહીં. આ લોકોના રાજમાં તો ભાજપના નેતાઓને ફક્ત અપમાન જ મળતું હતું.

સાથીઓ,

ભાજપની ડબલ એન્જિન સરકારનો ખૂબ વધુ ફાયદો ઉત્તર પ્રદેશને થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, 21મી સદીના ભારતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી રહ્યું છે. અને મારું સૌભાગ્ય છે કે હું યુપીથી સાંસદ છું. આજે હું બહુ ગર્વ સાથે કહી શકું છું, કે ઉત્તર પ્રદેશના મહેનતુ લોકો એક નવું ભવિષ્ય લખી રહ્યા છે. ક્યારેક યુપીની ચર્ચા ખરાબ કાયદો અને વ્યવસ્થાને લઈને થતી હતી, આજે યુપીની ચર્ચા વિકાસ માટે થાય છે. આજે યુપી દેશના પ્રવાસન નકશા પર ઝડપથી ઉભરી રહ્યું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ, આ દુનિયામાં યુપીની નવી ઓળખના પ્રતીકો બની રહ્યા છે. અને રાષ્ટ્ર પ્રેરણા સ્થળ જેવા આધુનિક નિર્માણ, ઉત્તર પ્રદેશની નવી છબીને વધુ રોશન બનાવે છે.

સાથીઓ,

આપણું ઉત્તર પ્રદેશ, સુશાસન, સમૃદ્ધિ, સાચા સામાજિક ન્યાયના મોડલ તરીકે વધુ બુલંદી હાંસલ કરે, એવી જ કામના સાથે આપ સૌને ફરીથી રાષ્ટ્ર પ્રેરણા સ્થળની અભિનંદન. હું કહીશ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, તમે કહેજો અમર રહે, અમર રહે. હું કહું પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, તમે કહેજો અમર રહે, અમર રહે. હું કહું અટલ બિહારી વાજપેયીજી, તમે કહેજો અમર રહે, અમર રહે.

શ્યામા પ્રસાદ મુખર્જી – અમર રહે, અમર રહે.

શ્યામા પ્રસાદ મુખર્જી – અમર રહે, અમર રહે.

શ્યામા પ્રસાદ મુખર્જી – અમર રહે, અમર રહે.

પંડિત દીનદયાળજી – અમર રહે, અમર રહે.

પંડિત દીનદયાળજી – અમર રહે, અમર રહે.

પંડિત દીનદયાળજી – અમર રહે, અમર રહે.

અટલ બિહારી વાજપેયીજી – અમર રહે, અમર રહે.

અટલ બિહારી વાજપેયીજી – અમર રહે, અમર રહે.

અટલ બિહારી વાજપેયીજી – અમર રહે, અમર રહે.

ભારત માતાની જય!

વંદે માતરમ્.

વંદે માતરમ્.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

SM/NP/GP/JD