પીએમઇન્ડિયા
મહામહિમ, પ્રમુખ જોહાન સ્નિડર અમ્માનન,
મિત્રો
મહામહિમ, આપના ઉષ્માભર્યા અવલોકનો અને ઉદાર સ્વાગત માટે આપનો આભાર. સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય એવા આ શહેર – જીનિવામાં આપની સાથે અહીં ઊભા રહેતા હું ઈતિહાસનું મહત્ત્વ અનુભવું છું. અને, જીનિવા એટલે માત્ર આંતરરાષ્ટ્રીય શહેર જ નહીં, પરંતુ એવું માનવતાવાદી આત્માનું શહેર. એ “રેડ ક્રોસ”નું ઘર છે અને માનવીઓની સેવાને વરેલી કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં વડાં મથક અહીં છે.
મિત્રો,
ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ, બંને દેશો વિશ્વમાં શાંતિ, સમજદારી અને માનવીય મૂલ્યોનાં દૂત રહ્યા છે. છેલ્લા સાત દાયકાઓમાં આપણી મિત્રતા સતત વધુ ને વધુ ઘનિષ્ઠ બની છે. આજે, પ્રમુખ શ્રીએ અને મેં અમારા બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય જોડાણોની સમીક્ષા કરી હતી. અમે સ્વિટ્ઝર્લૅન્ડના સીઈઓ-બિઝનેસ અગ્રણીઓ સાથે વિગતવાર ચર્ચાઓ પણ હાથ ધરી હતી.
મિત્રો,
આપણા બે દેશો વચ્ચેનાં આર્થિક જોડાણો મજબૂત અને ગતિશીલ છે. અનેક સ્વિસ કંપનીઓ ભારતમાં ઘરગથ્થુ નામો છે. વેપાર, રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ કૌશલ્ય વિકાસમાં સહયોગ માટેનાં જોડાણોનો લાભ આપણાં બંને સમાજોને મળે છે. ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) અંગેની વાતચીત માટે પોતાની તૈયારીની યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસીએશન (ઈએફટીએ)ને ખાતરી આપી છે. આપણે સહુ સ્વિસ અર્થવ્યવસ્થાની તાકાતથી પરિચિત છીએ. પરંતુ ભારત પણ ગહન પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે. અમે અત્યારે વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ પામતું અર્થતંત્ર છીએ. પરંતુ આ એકલું પૂરતું નથી. હું ઈચ્છું છું કે ભારતીય અર્થવ્યવસ્થા સ્માર્ટ અને સાતત્યપૂર્ણ શહેરો, સમૃદ્ધ ખેતી ક્ષેત્ર, ગતિશીલ મેન્યુફેક્ચરીંગ અને ક્રિયાશીલ સેવા ક્ષેત્ર વડે દોરવાય. અને, તેનાં એન્જિનો વિશ્વ કક્ષાનાં રેલવે, રસ્તા, એરપોર્ટસ અને ડિજિટલ કનેક્ટિવિટીના નેટવર્કથી ધમધમે. જેમાં સહુને માટે ઘર હોય અને દરેક ઘરમાં વીજળી એ હકીકત હોય. અને, દેશના 50 કરોડથી વધુ યુવાનો કૌશલ્યપૂર્ણ છે અને વિશ્વની માનવશક્તિને લગતી જરૂરિયાતોને પહોંચી વળવા સુસજ્જ હોય. પ્રમુખ શ્રી અને હું ભારતની જરૂરિયાતોને અનુકૂળ સ્વિસ વોકેશનલ એન્ડ એજ્યુકેશનલ ટ્રેનિંગ સિસ્ટમ સ્થાપવા સંમત થયા છીએ. ગઈકાલે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવ્યો. તેના ધ્યેયો અને ભારતની સાંસ્કૃતિક લાક્ષણિકતા સુસંગત હોવાથી આર્થિક રીતે સમૃદ્ધ ભારત ગ્રહ અને આપણાં પર્યાવરણ માટે મૈત્રીપૂર્ણ રહેશે. અશ્મિભૂત બળતણોને બદલે નવિનીકરણીય ઉર્જા પરની નિર્ભરતા અમારો માર્ગદર્શક મુદ્રાલેખ હશે.
મિત્રો,
અમારી વિકાસને લગતી જરૂરિયાતો અને સ્વિટ્ઝર્લૅન્ડની શક્તિઓ વચ્ચે અમે બરોબર બંધબેસતું જોડાણ જોઈ રહ્યા છીએ. એટલે, હું સ્વિસ કંપનીઓને ભારતના આર્થિક વિકાસમાં મહત્ત્વના ભાગીદાર બનવાની આ મહાન તકનો લાભ લેવા આમંત્રિત કરું છું. 1.25 અબજથી વધુ લોકોની આર્થિક સમૃદ્ધિ છેવટે તો સમગ્ર વિશ્વને જ લાભકારક નીવડશે.
મિત્રો,
ભારત અને સ્વિટ્ઝર્લૅન્ડ આંતરરાષ્ટ્રીય સંસ્થાનોને પ્રવર્તમાન વૈશ્વિક વાસ્તકિતાઓને સુસંગત બનાવવા સુધારાની પ્રતિબદ્ધતા પર પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે બંનેએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બિન-કાયમી સભ્યપદ માટેના અમારા પોતપોતાના બિડને ટેકો આપવાનું નક્કી કર્યું છે. ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના સભ્યપદ માટે સ્વિટ્ઝર્લૅન્ડની સમજદારી અને ટેકા માટે પણ હું પ્રમુખશ્રીનો આભારી છું. કાળાં નાણાં અને કરચોરીના દૂષણ સામેની લડત પણ અમારી સંયુક્ત પ્રાથમિકતા છે. અમે કરચોરોને ન્યાયપ્રણાલિ હેઠળ લાવવા માટે અમે માહિતીના આગોતરા અને ઝડપી આદાન-પ્રદાનની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી. આ સંદર્ભે ઓટોમેટિક એક્સચેન્જ ઑફ ઈન્ફર્મેશન – માહિતીના સ્વયંભૂ આદાન-પ્રદાન અંગેની સમજૂતી વિશેની વાતચીતોની પ્રારંભિક શરૂઆત મહત્ત્વપૂર્ણ રહેશે.
મિત્રો,
આપણાં બંને દેશોના લોકો વચ્ચેનાં મજબૂત જોડાણો મહત્ત્વપૂર્ણ પાયો તેમજ આપણી વચ્ચેની કડીઓનાં આધારચિહ્ન છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગને કારણે સ્વિટ્ઝર્લૅન્ડની ધરતીનાં મંત્રમુગ્ધ કરે તેવાં સૌંદર્યથી અમે ઘણાં જ પરિચિત છીએ. પરંતુ અમે પણ વધુ સંખ્યામાં સ્વિસ સહેલાણીઓને ભારતની મુલાકાત માટે આવકારવા આતુર છીએ. આ માટે, અમે ચાલુ વર્ષની શરૂઆતમાં સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિકો માટે ઈ-ટુરિસ્ટ વિઝાની સવલત ખુલ્લી મૂકી છે.
મિત્રો,
આપણાં સંબંધોની અનેક સફળગાથાઓ છે. આવી એક ગાથા છે, ટેનિસ જગતની, જ્યાં પ્રસિદ્ધ સ્વિસ ખેલાડી માર્ટિના હિન્ગિસ સાથે ભારતના સાનિયા મિર્ઝા અને લિયેન્ડર પેસની ભાગીદારી તરખાટ મચાવી રહી છે. મને વિશ્વાસ છે કે આપણી સહિયારી પ્રતિબદ્ધતાઓ અને મૂલ્યો, વ્યક્તિથી વ્યક્તિ સાથેનાં જોડાણો અને મજબૂત અને વધતી જતી આર્થિક ભાગીદારી આપણાં સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જીનિવામાં મારી મહેમાનગતિ બદલ હું ફરીવાર મહામહિમનો આભાર માનું છું.
આભાર. ખૂબ ખૂબ આભાર.
J.Khunt