Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ઇમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન કોન્ક્લેવ 2026ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ઇમર્જિંગ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન કોન્ક્લેવ 2026ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ


કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી ડૉ. જીતેન્દ્ર સિંહજી, દેશના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય સૂદજી, નોબેલ પુરસ્કારથી સન્માનિત તમામ વૈજ્ઞાનિકગણ, અન્ય તમામ મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

આજે અહીં વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયાના આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. આપણા યુવા ઇનોવેટર્સ પણ છે. અહીં આવતા પહેલાં મેં કેટલાક સ્ટાર્ટઅપ્સના સાથીઓ સાથે વાતચીત કરી. ભારતના યુવાનો જે સ્કેલ પર વિચારી રહ્યા છે, જે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે, તે ઉત્સાહ વધારનાર છે.

સાથીઓ,

હું આ કોન્ક્લેવમાં અગાઉ પણ આવ્યો હતો. આ વખતે આપણે ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી (ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી) વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. દાયકાઓ પહેલાં એક સમય હતો, જ્યારે ભારત માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો અર્થ પાછળ પડ્યા બાદ પહોંચવું (કેચ અપ) હતો. દુનિયામાં કંઈક નવું સર્જન થતું હતું, તો કેટલાક વર્ષો પછી તે ટેકનોલોજી આપણા સુધી પહોંચતી હતી. આપણે તેને અપનાવતા હતા અથવા તેમાં કેટલાક નાના-મોટા સુધારા કરીને આગળ વધારી દેતા હતા, પરંતુ આજે 21મી સદીનું ભારત એક નવી વિચારસરણી અને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે આપણું લક્ષ્ય ભારત માટે, દુનિયા માટે, આજના માટે, આવતીકાલ માટે, નવી ટેકનોલોજી બનાવવાનું, તેની દિશા નક્કી કરવાનું અને દુનિયાની સમસ્યાઓના ઉકેલ આપવાની શક્તિ વિકસાવવાનું છે. કોરોના કાળમાં આપણે આનું ઉદાહરણ જોયું છે. જ્યારે દુનિયાના અનેક દેશો રસીની ઉપલબ્ધતાને લઈને પડકારોનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ભારતે પોતાની રસી વિકસાવી, ભારતે મોટા પાયે રસીકરણ કર્યું, અને બીજા દેશોને પણ રસી મોકલી. આ જ 21મી સદીના ભારતનો આત્મવિશ્વાસ છે. આપણે પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહ સુધી પહોંચીએ છીએ. આપણે ચંદ્રના તે દ્રુવ પ્રદેશ (સાઉથ પોલ) પર પહોંચીએ છીએ, જ્યાં કોઈ નથી પહોંચી શક્યું અને એટલા માટે જ મારો વિશ્વાસ છે – ભારતે ભવિષ્યની ટેકનોલોજી અપનાવવી જ જોઈએ, સાહસભેર ઇનોવેશન કરવું જોઈએ અને તેના સર્જનમાં દુનિયાનું નેતૃત્વ કરવું જોઈએ.

સાથીઓ,

શૂન્યની શોધથી લઈને અંક પ્રણાલી અને ખગોળશાસ્ત્ર સુધી ભારતની પરંપરા જ્ઞાન અને શોધની રહી છે. આજે આપણે આપણી આ વૈજ્ઞાનિક વિરાસતને આધુનિક ટેકનોલોજી અને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધારી રહ્યા છીએ. વીતેલા એક વર્ષના કેટલાક ઉદાહરણોથી આ બદલાવ વધુ સારી રીતે સમજી શકાય છે. 30 ઓક્ટોબરે દેશ ડૉ. હોમી જહાંગીર ભાભાની જન્મજયંતિ ઉજવશે. એટલા માટે શરૂઆત પરમાણુ ઉર્જા (ન્યુક્લિયર એનર્જી) થી કરીએ છીએ.

સાથીઓ,

તમે બધા જાણો છો કે વિકસિત ભારતના નિર્માણ માટે આપણને મોટા પ્રમાણમાં પરમાણુ ઉર્જાની જરૂર પડશે. પરમાણુ બળતણ માટે આયાત પર નિર્ભરતા આપણી ઉર્જા સુરક્ષા સામે એક પડકાર છે. એટલા માટે ભારત પોતાની ફાસ્ટ બ્રીડર રિએક્ટર ટેકનોલોજી પર ઝડપથી કામ કરી રહ્યું છે. થોડા મહિના પહેલા જ દેશનું 500-મેગાવોટ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, પ્રથમ ક્રિટિકાલિટી સુધી પહોંચી ચૂક્યું છે. આ પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં આપણી લાંબા ગાળાની મજબૂતાઈઓને મજબૂત કરવાની દિશામાં એક અત્યંત મોટું અને મહત્વપૂર્ણ પગલું છે.

સાથીઓ,

ઉર્જા સુરક્ષા હોય કે ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા, ભારતનું લક્ષ્ય માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરવાનું નથી. આપણું લક્ષ્ય આવશ્યક ટેકનોલોજીઓ (ક્રિટિકલ ટેકનોલોજીસ) માં પોતાની શક્તિનો વિસ્તાર કરવાનું પણ છે. આ જ વર્ષે ભારતે અંતરિક્ષ ક્ષેત્ર (સ્પેસ સેક્ટર) માં પણ નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતના એક સ્પેસ સ્ટાર્ટ-અપે મેડ ઇન ઇન્ડિયા રોકેટથી, પહેલી જ કોશિશમાં ઉપગ્રહને કક્ષામાં સ્થાપિત કર્યું. ભારતે સેટેલાઈટ ડોકિંગની ક્ષમતા પણ હાંસલ કરી. આજે ભારતના અનેક સ્ટાર્ટ-અપ્સ, સ્પેસ સાયન્સમાં નવા ઉકેલો લઈને આવ્યા છે. સ્પેસ સેક્ટરમાં યુવા વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોની ભાગીદારી પણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે.

સાથીઓ,

ભારત જેટલા અલગ-અલગ ક્ષેત્રોમાં સફળતાઓ મેળવી રહ્યું છે, તે અભૂતપૂર્વ છે. આ જ વર્ષે ભારતે કૃત્રિમ AI ઇમ્પેક્ટ સમિટ યોજી અને પોતાનું મોડેલ પણ લોન્ચ કર્યું. ભારતમાં તૈયાર થયેલી ચિપ્સની પહેલી શિપમેન્ટ્સ હવે દુનિયા સુધી પહોંચવા લાગી છે. બેટરી સ્ટોરેજના ક્ષેત્રમાં પણ આપણે એવી ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) પર કામ કરી રહ્યા છીએ, જે ભારતમાં ઉપલબ્ધ કાચા માલ પર જ આધારિત હોય.

સાથીઓ,

પરમાણુથી અંતરિક્ષ સુધી, AI થી સેમિકન્ડક્ટર્સ સુધી, આ તમામ ક્ષેત્રોની જરૂરિયાતો અલગ છે. પરંતુ તેનો સંદેશ એક છે. ભારત ઉભરતી ટેકનોલોજીમાં પોતાની શક્તિ અને પોતાનો ભરોસો, બંને વધારી રહ્યું છે. ભારતનું વધુ એક સામર્થ્ય મોટા પાયે ઉકેલ છે. ભારતમાં કોઈ ઉકેલ સફળ થાય છે, તો તેનાથી દુનિયાના અનેક દેશોની સમસ્યાઓના ઉકેલનો રસ્તો પણ બને છે. આપણો ડિજિટલ સ્ટેક આનું શાનદાર ઉદાહરણ છે. આપણી 5G ટેકનોલોજી પણ આનું ઉદાહરણ છે. ભારત એવા સુરક્ષિત ઉકેલો વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જે મોટા સ્તર પર લોકો સુધી પહોંચી શકે.

સાથીઓ,

તમે બધા જાણો છો, વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં હંમેશાંથી એક પડકાર રહ્યો છે, તેને હથિયાર (વેપન) તરીકે જોવામાં આવવું. જ્યારે ભારતની વિચારસરણી છે કે, વિજ્ઞાન અને ટેકનોલોજી માનવતાની સેવાનું માધ્યમ છે. વિજ્ઞાનની અસલી સફળતા ત્યારે થાય છે, જ્યારે તે પ્રયોગશાળા (લેબ) માંથી બહાર નીકળીને સામાન્ય નાગરિકના જીવનને વધુ બેહતર બનાવે છે. પ્રયોગશાળાથી જમીન તરફ. ટેકનોલોજીની સફળતા માત્ર આ વાતથી નક્કી નથી થતી કે તે કેટલી ઉચ્ચ સ્તરીય છે. તેની અસલી તાકાત આ વાતમાં છે, કે તે કેટલી મોટી સમસ્યાનો ઉકેલ લાવે છે, અને તે કેટલા લોકોના જીવનમાં બદલાવ લાવે છે. એટલા માટે આપણા માટે ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજીનો અર્થ એવા ઉકેલો છે, જે સ્વાસ્થ્ય ક્ષેત્ર (હેલ્થ સેક્ટર) ને મજબૂત કરે, જે કૃષિ ક્ષેત્રને પરિવર્તિત કરે, જે શિક્ષણ અને રોજગારીની નવી તકો ઊભી કરે, જે આપત્તિઓ સામે બચાવમાં કામ આવે. મને સંતોષ છે કે ભારતના સ્ટાર્ટ-અપ ક્રાંતિમાં આવા પ્રશ્નોને પ્રાથમિકતા મળી રહી છે. એક સ્ટાર્ટ-અપ પહેરી શકાય તેવી ઇલેક્ટ્રોએન્સેફ્લોગ્રાફી (Wearable E.E.G) ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે, જે મગજની પ્રવૃત્તિને સમજવામાં મદદ કરે છે. ભારતીય કંપનીઓ સ્વદેશી વાયરલેસ અને સેટેલાઈટ કોમ્યુનિકેશન સોલ્યુશન્સ વિકસાવી રહી છે. પોષણના ક્ષેત્રમાં વિશેષ આહાર સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતીય કંપનીઓ નવી ટેકનોલોજીઓ પર કામ કરી રહી છે. સ્ટીલ સ્લેગ જેવા ઔદ્યોગિક કચરાના ઉપયોગના ઉકેલોની શોધ પણ આપણા અહીં થઈ રહી છે.

સાથીઓ,

થોડા દિવસો પહેલા જ, મને ચેન્નઈ જવાની તક મળી હતી. મારે ત્યાંનો અનુભવ પણ તમારી સાથે શેર કરવો છે. ત્યાં મેં આઈ.આઈ.ટી. (I.I.T.) મદ્રાસમાં એક આધુનિક ‘બ્રેઈન સેન્ટર‘નું લોકાર્પણ કર્યું. આ સેન્ટરે એક મગજ ઇમેજિંગ ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવ્યું છે, જે આખી દુનિયા માટે મિસાલ છે. આ બ્રેઈન સેન્ટર માનવ મગજની ઉચ્ચ-રિઝોલ્યુશન ડિજિટલ 3D તસવીરો વિકસાવવામાં લાગેલું છે. આ મિશનની સફળતા, મગજ સાથે જોડાયેલી અનેક બીમારીઓની જટિલતાઓને ઉકેલવામાં મદદ કરશે. સોસાયટી માટે વિજ્ઞાન, પરિવર્તન માટે ટેકનોલોજી, આ જ આપણી વૈજ્ઞાનિક પ્રગતિની કસોટી હોવી જોઈએ. અને ભારત આ જ કસોટી પર પોતાની જાતને પરખીને આગળ વધી રહ્યું છે.

સાથીઓ,

આપણે સૌ જાણીએ છીએ, કોઈ દેશની ટેકનોલોજી અને ટેકનોલોજી સર્જનની ક્ષમતા તેના સંશોધન (રિસર્ચ) પર નિર્ભર કરે છે. સંશોધન તે શક્તિ છે, જે કોઈ દેશને પોતાની સમસ્યાઓના ઉકેલ શોધવાની અને આવશ્યક ટેકનોલોજીઓમાં આત્મનિર્ભર બનવાની તાકાત આપે છે. અને એટલા માટે મેં કહ્યું છે – જય વિજ્ઞાન, જય અનુસંધાન! વિકસિત ભારત માટે આપણે આપણું રિસર્ચ સેક્ટર સતત મજબૂત કરી રહ્યા છીએ. આ જ સંકલ્પ સાથે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનને ગતિ આપવામાં આવી રહી છે. પાછળના વર્ષે આ જ મંચ પર, સંશોધન, વિકાસ અને નવીનતા (રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન) માટે એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈનો સંકલ્પ લીધો હતો. અને આજે તેના પરિણામો પણ સામે આવી રહ્યા છે. પાછળના એક વર્ષમાં આશરે 12 હજાર કરોડ રૂપિયા એવી ટેકનોલોજીઓ માટે પ્રતિબદ્ધ (કમીટ) કરવામાં આવી ચૂક્યા છે, જે લેબમાંથી બહાર નીકળીને બજાર (માર્કેટ) તરફ આગળ વધવા માટે તૈયાર છે. અને આમાં ખાનગી રોકાણકારો (પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ) પણ બરાબરની ભાગીદારી કરી રહ્યા છે. સરકાર તરફથી 12 હજાર કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા (કમીટમેન્ટ) સાથે, ખાનગી ક્ષેત્ર (પ્રાઇવેટ સેક્ટર) પણ 12 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી રહ્યું છે. એટલે કે, માત્ર એક જ વર્ષમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કુલ 24 હજાર કરોડ રૂપિયાની નવી પ્રતિબદ્ધતા થઈ છે.

સાથીઓ,

ભારતના રિસર્ચ ઇકોસિસ્ટમમાં પણ સતત વિસ્તાર જોવા મળી રહ્યો છે. પેટન્ટ અરજીઓમાં પણ ખૂબ મોટો વધારો થયો છે. દસ વર્ષ પહેલાં આખા વર્ષમાં 50 હજારથી પણ ઓછી પેટન્ટ અરજીઓ દાખલ થતી હતી. પાછળના વર્ષે આ સંખ્યા આશરે દોઢ લાખ સુધી પહોંચી ગઈ. આ આંકડા માત્ર વધતી જતી સંખ્યા નથી બતાવતા. આ તે બદલાવનો સંકેત છે, જેમાં ભારતમાં રિસર્ચ અને ઇનોવેશન એક મજબૂત સંસ્કૃતિ (કલ્ચર) બનીને ઉભરી રહ્યા છે.

સાથીઓ,

21મી સદીના આ બીજા ક્વાર્ટરમાં, વધુ એક પ્રશ્ન ખૂબ મહત્વપૂર્ણ બની ગયો છે. AIના આ દોરમાં વૈજ્ઞાનિક સમજ (સાયન્ટિફિક જજમેન્ટ) કેવી રીતે વિકસિત થશે? આપણી પ્રયોગશાળાઓનું નેતૃત્વ કરી રહેલા વૈજ્ઞાનિકોએ વર્ષોના અનુભવથી પોતાની યોગ્યતાને સંવારી છે. આપણા મંચ પર પણ દુનિયાના મોટા-મોટા વૈજ્ઞાનિકો, નોબેલ પુરસ્કારથી સન્માનિત વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે. આપણે સૌ જાણીએ છીએ, તેમણે નાની-નાની સમસ્યાઓને ઉકેલતા, પ્રયોગો કરતા અને પોતાની નિષ્ફળતાઓમાંથી શીખતા પોતાની સમજ વિકસિત કરી છે. એક વૈજ્ઞાનિક માત્ર ઉપલબ્ધ માહિતીને દોહરાવતો નથી. તે સ્થાપિત પેટર્ન્સ પર સવાલ કરે છે. ઉકેલોને નવી રીતે જુએ છે. તે એવા પાસાઓને ઓળખે છે, જેના પર બીજાનું ધ્યાન નથી ગયું. આ જ પ્રક્રિયાથી વૈજ્ઞાનિક સમજ (સાયન્ટિફિક જજમેન્ટ) વિકસિત થાય છે. પરંતુ આજે AI ના દોરમાં આપણી સામે એક નવો પડકાર પણ છે. AI અનેક નિયમિત કાર્યો (રૂટિન ટાસ્ક) ને ખૂબ ઝડપથી પૂરું કરી શકે છે. આનાથી રિસર્ચની ઉત્પાદકતા (પ્રોડક્ટિવિટી) વધી શકે છે. પરંતુ આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે, કે AI વૈજ્ઞાનિકોની વિચારસરણી અને સ્વતંત્ર વિચારસરણી (ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ) ને મર્યાદિત ન કરે, પરંતુ તેને વધુ સમૃદ્ધ બનાવે. AI થી બચતા સમયનો ઉપયોગ વધુ પડકારજનક સમસ્યાઓ પર કામ કરવા, નવા પ્રયોગો કરવા અને વિચારોને પરખવામાં થવો જોઈએ. AI આપણને જવાબ જલ્દી આપી શકે છે. પરંતુ જવાબની સત્યતા પરખવાની જવાબદારી વૈજ્ઞાનિકની જ હોવી જોઈએ.

સાથીઓ,

આપણે આપણા વૈજ્ઞાનિકો અને સંસ્થાનોને આજની જરૂરિયાતોની સાથે-સાથે ભવિષ્યના પડકારો માટે પણ તૈયાર કરતા રહેવાના છે. સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ ટેકનોલોજીસ, બાયોટેકનોલોજી, એડવાન્સ્ડ મટિરિયલ્સ, રોબોટિક્સ, સ્પેસ, ક્લીન એનર્જી અને નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન્સ આ એવા ક્ષેત્રો છે, જે ભવિષ્યને આકાર (શેપ) આપશે. ભારત આ ક્ષેત્રોમાં મજબૂત વૈજ્ઞાનિક પાયા (સાયન્ટિફિક ફાઉન્ડેશન્સ) તૈયાર કરી રહ્યું છે. આના માટે અલગ-અલગ રાષ્ટ્રીય મિશનો (નેશનલ મિશન્સ) પણ શરૂ કરવામાં આવ્યા છે. આપણો પ્રયાસ છે કે આ ક્ષેત્રોમાં નવા સીમાચિહ્નો (બ્રેકથ્રૂઝ) ભારતમાંથી પણ આવે. અને આપણી જવાબદારી માત્ર ઇનોવેશન સુધી સીમિત નથી. AI હોય, સિન્થેતિક બાયોલોજી હોય કે સ્વચાલિત પ્રણાલીઓ (ઓટોનોમસ સિસ્ટમ્સ), આમાં સલામતી અને સુરક્ષા (સેફ્ટી એન્ડ સિક્યોરિટી) ને પ્રાથમિકતા આપવી પડશે. AI ના આ દોરમાં, સાયબર સુરક્ષા (સાયબર સિક્યોરિટી) ને લઈને પણ, નવા પડકારો, નવા જોખમો જન્મ લઈ રહ્યા છે. આપણા નાણાકીય નેટવર્કથી લઈને, આપણી રાષ્ટ્રીય સુરક્ષા સુધી, સૌની સામે આ પડકાર છે. એટલા માટે જરૂરી છે કે આપણે એવા AI આધારિત ઉકેલો પર કામ કરીએ, એવા ક્વોન્ટમ સુરક્ષા ઉકેલો પર આગળ વધીએ, જે આ જોખમથી દેશની વ્યવસ્થાને સુરક્ષિત કરે. આપણું લક્ષ્ય એવી ટેકનોલોજીઓ વિકસાવવાનું છે, જે ભારતને સશક્ત કરે અને માનવતાની સમસ્યાઓના ઉકેલમાં પણ યોગદાન આપે.

સાથીઓ,

આ કોન્ક્લેવમાં ઉપસ્થિત, પ્રત્યેક સંશોધક (રિસર્ચ), ઉદ્યોગ અગ્રણી (ઇન્ડસ્ટ્રી લીડર), સ્ટાર્ટ-અપ સંસ્થાપક (ફાઉન્ડર) અને યુવા વિદ્યાર્થીઓથી મારો આગ્રહ છે, કે તે પોતાના માટે એક મજબૂત લક્ષ્ય નક્કી કરે. આગામી ત્રણ વર્ષોમાં તે કઈ ટેકનોલોજી, કયું પ્રોટોટાઇપ, કયો પાઇલટ પ્રોજેક્ટ અથવા તે કયું ઉત્પાદન (પ્રોડક્ટ) વિકસાવવામાં યોગદાન આપશે? આપણે એવા ઇનોવેશન્સ કરીએ, જે ભારતને વિકસિત ભારત બનાવવામાં સહયોગ આપે. જે આપણને દુનિયાના ઉકેલોનું કેન્દ્ર બિંદુ (સેન્ટર પોઈન્ટ) બનાવે. એટલા માટે મારી કામના છે, આ કોન્ક્લેવ માત્ર વિચારોના આદાન-પ્રદાન સુધી સીમિત ન રહે. આ માપી શકાય તેવા પરિણામો (મેસરેબલ આઉટકમ્સ) નું મંચ બને.

સાથીઓ,

આજે ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. આપણી પાસે પ્રતિભા છે. કંઈક નવું કરવાનો સંકલ્પ છે. આપણે એવી પેઢી તૈયાર કરવાની છે, જે ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં માત્ર ભાગીદાર ન હોય, પરંતુ તેનું નેતૃત્વ કરે. આપણી ભાવના હોય, આપણે તે કરી શકીશું (We will do it). આપણો વિશ્વાસ હોય, આપણે તે કરી શકીશું (We will do it). આપ સૌને આ કોન્ક્લેવની સફળતા માટે એકવાર ફરી મારી તરફથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

ધન્યવાદ!

SM?NP/JD