પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 માર્ચ 2026 ના રોજ આસામની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી કોકરાઝાર, ગુવાહાટી અને સિલ્ચરમાં ₹47,800 કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે, ભૂમિપૂજન કરશે અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
13 માર્ચે, બપોરે લગભગ 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી કોકરાઝાર ખાતે ₹4,570 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને લીલી ઝંડી આપશે. દિવસના અંતે, સાંજે લગભગ 5 વાગ્યે ગુવાહાટીમાં, પ્રધાનમંત્રી આશરે ₹19,680 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પણ કરશે.
14 માર્ચે, સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી સિલ્ચર ખાતે લગભગ ₹23,550 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને રાષ્ટ્રને સમર્પણ કરશે.
કોકરાઝારમાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી ₹3,200 કરોડથી વધુની મોટી માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ આસામ માલા 3.0 નું ભૂમિપૂજન કરશે. આ યોજના હેઠળ, આંતર-રાજ્ય કનેક્ટિવિટી સુધારવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ગ્રામીણ રસ્તાઓ વચ્ચેના જોડાણને મજબૂત કરવા માટે આસામમાં 900 કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (BTC) વિસ્તારમાં આશરે ₹1,100 કરોડના રોકાણ સાથે છ માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરશે, જેમાં ચાર ફ્લાયઓવર અને બે પુલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ કોકરાઝાર જિલ્લામાં ટ્રાફિક જામ ઘટાડવામાં અને કનેક્ટિવિટી, પ્રવાસન, કૃષિ ક્ષેત્રે પહોંચ, આરોગ્ય સંભાળની પહોંચ અને ગ્રામીણ ગતિશીલતા સુધારવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી કોકરાઝાર જિલ્લાના બશબારી ખાતે પિરિયોડિક ઓવરહોલિંગ (POH) વર્કશોપનો શિલાન્યાસ કરશે. આ વર્કશોપ રેલવે જાળવણી માળખાને મજબૂત કરશે, કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને આ પ્રદેશમાં રોજગારીની તકો ઊભી કરશે.
પ્રધાનમંત્રી આસામ અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં કનેક્ટિવિટી સુધારવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપશે. આમાં ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારત વચ્ચે સીધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડતી કામાખ્યા-ચાર્લાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસ; આસામ અને પશ્ચિમ બંગાળ વચ્ચે કનેક્ટિવિટી વધારતી ગુવાહાટી-ન્યુ જલપાઈગુડી એક્સપ્રેસ; અને આસામ અને ત્રિપુરા વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો કરતી અને મુસાફરો, વેપારીઓ અને પ્રવાસીઓ માટે સરળ આંતર-રાજ્ય મુસાફરીની સુવિધા આપતી નારંગી-અગરતલા એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
ગુવાહાટીમાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી ચા બગીચાના કામદારોને જમીનના પટ્ટા વિતરિત કરશે, જે ચા બગીચા સમુદાયને હોમસ્ટેડ જમીનના અધિકારો આપવામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. સુરક્ષિત જમીનની માલિકીથી આવાસ સુરક્ષા સુધરશે, સંસ્થાકીય ધિરાણ અને કલ્યાણકારી યોજનાઓ સુધી વધુ સારી પહોંચ સક્ષમ બનશે અને લાંબા ગાળાની સામાજિક અને આર્થિક ગતિશીલતાને પ્રોત્સાહન મળશે તેમ અપેક્ષિત છે.
પ્રધાનમંત્રી દેશભરના 9.3 કરોડથી વધુ ખેડૂતોને PM-KISAN યોજનાનો 22 મો હપ્તો પણ રિલીઝ કરશે, જેના હેઠળ પાત્ર ખેડૂતોને તેમના બેંક ખાતામાં સીધા ₹2,000 પ્રાપ્ત થાય છે.
પ્રધાનમંત્રી દીમા હસાઓ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લામાં સ્થિત કોપિલી હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. ₹2,300 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ પ્રોજેક્ટ સ્વચ્છ ઊર્જા ઉત્પાદનમાં વધારો કરશે, પ્રદેશમાં ગ્રીડ સ્થિરતામાં સુધારો કરશે અને ઘરો, ખેડૂતો અને ઉદ્યોગોને વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે.
પ્રધાનમંત્રી ઓઇલ ઇન્ડિયા લિમિટેડની નુમાલીગઢ-સિલિગુડી પ્રોડક્ટ પાઇપલાઇન (NSPL) ના ક્ષમતા વૃદ્ધિ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ વધારાના પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાલને સક્ષમ કરીને નુમાલીગઢ રિફાઇનરીના 3 MMTPA થી 9 MMTPA સુધીના વિસ્તરણની સુવિધા આપશે. પ્રધાનમંત્રી નોર્થ ઈસ્ટ ગેસ ગ્રીડના ફેઝ 1 નું ઉદ્ઘાટન પણ કરશે, જે એક મોટી પાઇપલાઇન પ્રોજેક્ટ છે જે ગુવાહાટીને નુમાલીગઢ, ગોહપુર અને ઇટાનગર સાથે જોડે છે, જેમાં દિમાપુર સુધી વિસ્તરેલી એક બ્રાન્ચ લાઇન છે. પ્રધાનમંત્રી હૈલાકાંડી જિલ્લાના પંચગ્રામ ખાતે નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (NRL) ના રેલ-ફેડ POL ટર્મિનલનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સ ઉત્તર-પૂર્વમાં ઊર્જા માળખાને નોંધપાત્ર રીતે મજબૂત કરશે અને રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષામાં વધારો કરશે.
મુખ્ય રેલવે વિદ્યુતીકરણ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે, જેમાં આશરે ₹420 કરોડના ખર્ચે નિર્મિત રંગિયા-મુરકોંગસેલેક રેલ લાઇન વિદ્યુતીકરણ (558 કિમી) અને લગભગ ₹1,180 કરોડના ખર્ચે નિર્મિત ચાપરમુખ–દિબ્રુગઢ રેલ લાઇન વિદ્યુતીકરણ (571 કિમી), અને આશરે ₹650 કરોડના ખર્ચે નિર્મિત બદારપુર-સિલ્ચર અને બદારપુર-ચુરાઈબારી રેલ લાઇનોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ બ્રહ્મપુત્રા અને બરાક વેલી પ્રદેશોમાં કનેક્ટિવિટી સુધારવાની સાથે ઝડપી, ઊર્જા-કાર્યક્ષમ અને પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ ટ્રેન કામગીરીને સક્ષમ બનાવશે.
પ્રધાનમંત્રી ₹3,600 કરોડથી વધુના ખર્ચે ફુરકાટિંગ-તિનસુકિયા રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ (194 કિમી) નો શિલાન્યાસ પણ કરશે, જે લાઇન ક્ષમતા વધારશે અને વધારાની પેસેન્જર અને માલવાહક ટ્રેનોની કામગીરીને સક્ષમ બનાવશે.
જળમાર્ગ ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી બિસ્વનાથ જિલ્લાના બિશ્વનાથ ઘાટ અને જોરહાટ જિલ્લાના નેઆમતી ખાતે ક્રૂઝ ટર્મિનલનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી દિબ્રુગઢમાં બોગીબીલ ખાતે રિજનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (RCoE) માટે ભૂમિપૂજન પણ કરશે, જે ઉત્તરપૂર્વ પ્રદેશ માટે પ્રીમિયર મેરીટાઇમ ટ્રેનિંગ અને રિસર્ચ હબ તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી પાંડુ જેટીને NH-27 સાથે જોડતા એપ્રોચ રોડનું ઉદ્ઘાટન પણ કરશે.
પ્રધાનમંત્રી કામાખ્યા રેલવે સ્ટેશનને કામાખ્યા મંદિર સાથે જોડતા રોપ-વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. અદ્યતન મોનોકેબલ ડિટેચેબલ ગોંડોલા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ આયોજિત, રોપ-વેમાં પ્રતિદિન આશરે 17,000 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. આ પ્રોજેક્ટ મુસાફરીનો સમય ઘટાડશે અને શ્રદ્ધાળુઓ માટે આરામદાયક, પર્યાવરણને અનુકૂળ પરિવહન વિકલ્પ પૂરો પાડશે જ્યારે શહેરના રસ્તાઓ પર ભીડ ઓછી કરવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી ગુવાહાટીમાં PM એકતા મોલનું ઉદ્ઘાટન પણ કરશે. આ મોલ આસામ અને ઉત્તર-પૂર્વીય પ્રદેશ માટે એક મુખ્ય વ્યાપારી અને પ્રવાસન કેન્દ્ર તરીકે કલ્પના કરવામાં આવી છે, જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) આઇટમ્સ, GI-ટેગ કરેલા ઉત્પાદનો, આસામ અને અન્ય રાજ્યોની હસ્તકલા અને હાથશાળની વસ્તુઓ માટે કાયમી સ્ટોલ હશે. આ સુવિધામાં અગ્રણી ભારતીય બ્રાન્ડ્સના શોરૂમ, ફૂડ કોર્ટ, આધુનિક સુવિધાઓ, પાર્કિંગ અને ડિજિટલ કિઓસ્કનો પણ સમાવેશ થશે, જે સ્થાનિક કારીગરો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે અને પ્રાદેશિક સંસ્કૃતિ અને ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.
સિલ્ચરમાં પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી શિલોંગ-સિલ્ચર કોરિડોરનું ભૂમિપૂજન કરશે, જે ઉત્તર-પૂર્વ ભારતમાં પ્રથમ એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ફોર-લેન હાઈ-સ્પીડ કોરિડોર છે. આશરે ₹22,860 કરોડના રોકાણ સાથે 166 કિમીનો કોરિડોર, મેઘાલય અને આસામ વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે. આ પ્રોજેક્ટ ગુવાહાટી અને સિલ્ચર વચ્ચેનું અંતર ઘટાડશે અને મુસાફરીનો સમય 8.5 કલાકથી ઘટાડીને આશરે 5 કલાક કરશે, જે આ પ્રદેશમાં આર્થિક વૃદ્ધિ અને સરહદ પારના વેપારને વેગ આપશે.
પ્રધાનમંત્રી સિલ્ચરમાં ટ્રંક રોડથી કેપિટલ પોઈન્ટ નજીકથી રંગિરખારી પોઈન્ટ સુધી NH-306 પર એલિવેટેડ કોરિડોર (ફેઝ-I) માટે ભૂમિપૂજન પણ કરશે. આ પ્રોજેક્ટ સિલ્ચરના સૌથી વ્યસ્ત રસ્તાઓમાંના એક પર ભીડ ઘટાડશે, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુર જેવા પડોશી રાજ્યો સાથે કનેક્ટિવિટી સુધારશે અને બરાક વેલીના આર્થિક વિકાસમાં ફાળો આપશે.
વધુમાં, પ્રધાનમંત્રી કરીમગંજ જિલ્લાના પાથરકાંડી ખાતે કૃષિની નવી કોલેજ માટે શિલાન્યાસ કરશે. આ સંસ્થા આસામમાં કૃષિ શિક્ષણ અને સંશોધનની ઇકોસિસ્ટમને મજબૂત કરશે અને બરાક વેલી અને પડોશી પ્રદેશોના વિદ્યાર્થીઓને ઘરની નજીક ઉચ્ચ ગુણવત્તાવાળા કૃષિ શિક્ષણ સુધી પહોંચ પૂરી પાડશે.
SM/DK/JD