Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા પ્રધાનમંત્રીએ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા માટે સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોનું કલ્યાણ જ તમામ સુધારાઓના કેન્દ્રમાં રહેવું જોઈએ. તેમણે કહ્યું કે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલા સુધારાઓએ વાસ્તવિક ગતિ પકડવી જોઈએ અને અર્થપૂર્ણ પરિવર્તન લાવવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુધારાઓનો ઉદ્દેશ્ય માત્ર સરકારની કામગીરીમાં સુધારો કરવાનો નથી, પરંતુ વિકસિત રાષ્ટ્ર બનવા તરફની ભારતની યાત્રાને ઝડપી બનાવવાનો છે.

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે શાસન પ્રણાલીઓ ઝડપી ફેરફારોની સાક્ષી બની રહી છે અને ગતિશીલ તથા વિકસતા વાતાવરણની જરૂરિયાતોને અસરકારક રીતે પહોંચી વળવા શાસન પ્રક્રિયાઓને અનુકૂળ બનાવવા અને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ઉભરી રહેલી નવી જરૂરિયાતોનું વ્યાપક મેપિંગ હાથ ધરવા સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રના વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે હોલ-ઓફ-ગવર્નમેન્ટ (સમગ્ર સરકાર) અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન એક જન આંદોલન બનવું જોઈએ અને ભારતના યુવાનો આ વિઝનનો પાયો બનવા જોઈએ.

પ્રધાનમંત્રીએ યુવાનોમાં નશીલા દ્રવ્યોના દુરુપયોગની ગંભીર સમસ્યાને ઉકેલવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચવ્યું કે વિભાગીય સાયલો (સીમાઓ) ને તોડવા માટે એક સંસ્થાકીય પ્રણાલી વિકસાવવા અને યુવા-કેન્દ્રિત પહેલોમાં વધુ આંતર-વિભાગીય સંકલન અને કન્વર્જન્સ (સંકલન) ને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરવા જોઈએ.

પ્રધાનમંત્રીએ રમતગમતના વિકાસ માટે એકીકૃત અભિગમ અપનાવવાની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, સ્પોર્ટ્સ ટૂરિઝમ એક મુખ્ય ફોકસ એરિયા તરીકે ઉભરી રહ્યું છે ત્યારે, ભારતે પોતાને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવા માટે મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સનું આયોજન કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે સ્પોર્ટ્સ સેક્ટરમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને સ્ટાર્ટઅપ્સ દ્વારા ઇનોવેશન (નવીનતા) ને પ્રોત્સાહિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો કે ખેડૂતો દ્વારા PM-KUSUM યોજના જેવી પહેલોનો વ્યાપક સ્વીકાર કૃષિ ક્ષેત્રમાં પરિવર્તનકારી ફેરફારો લાવી શકે છે. તેમણે આંતરરાષ્ટ્રીય તકો અને ભવિષ્યની જરૂરિયાતો સાથે વધુ સારા સંકલનને સુનિશ્ચિત કરવા માટે કૌશલ્ય જરૂરિયાતોના વૈશ્વિક મેપિંગની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો.

સચિવોએ પોતપોતાના ક્ષેત્રોમાં વિવિધ પહેલો અને પડકારો અંગે પોતાના અનુભવો અને દ્રષ્ટિકોણ શેર કર્યા હતા. પ્રધાનમંત્રીએ ભવિષ્યની કાર્યયોજના માટે પોતાના સૂચનો અને વિઝન શેર કર્યા હતા. આ બેઠકમાં અસરકારક અમલીકરણ, વધુ સંકલન અને વિકસિત ભારતના લક્ષ્યો તરફ ઝડપી પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને તમામ ક્ષેત્રોમાં વ્યાપક અને ઉત્પાદક ચર્ચાઓ થઈ હતી.

આ બેઠકમાં કેબિનેટ સચિવ, મુખ્ય મંત્રાલયોના સચિવો તેમજ પ્રધાનમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

SM/IJ/JD